Tuesday, December 27, 2016

કેશલેસની કડાકુટ અને કાર્ડકથા

કેશલેસની કડાકુટ અને કાર્ડકથા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા ગજવવામાં અને ભાષણ કરીને લોકમત રિઝવવામાં માહિર છે. શબ્દોને સ્પીન કરીને નકારાત્મકતાને હકાર કરી દેવાની તેમની છટા અનેક વખત ચર્ચામાં રહી છે. 15 ઓગષ્ટે લાલ કિલા પરથી દેશવાસીઓને સંબોધતી વખતે દેશના આવનારા વર્ષમાં કરવાના કામની આછેરી ઝકલ આપવી તે દરેક પ્રધાનમંત્રીની એક અભિવ્યક્તિ હોય છે. મોદીની આ સ્પીચ 94 મિનિટ છે. જેમાં તેમણે દેશને સક્ષમ બનાવવાની વાત કહી છે. તેમની આ વર્ષ (2016)ની સ્પીચમાં તે સૌથી લાંબી સ્પીચ છે. ડ્રીમ પ્રોજેક્ટ રૂપે વહેતી કરેલી યોજનાઓમાં વચ્ચે નોટબંધીના ચટાકેદાર નિર્ણયથી જેટલા માથા એટલી વાતો થઇ રહી છે. આ ભાષણમાં કોઇ કેશલેસ વ્યવસ્થાનો ઉલ્લેખ નથી પણ ડીજીટલ ઇન્ડિયા થકી સંકેત આપીને એક ઝલક જાહેર કરી દીધી હતી. અચાનક લાગુ કરેલી નોટબંધી પાછળ કાળાનાણાને ડામવાનો હેતુ સ્પષ્ટ હતો પણ જે રીતે સમય આગળ વધતો ગયો અને દેશભરમાંથી નવી નોટોના કોથળા ભરાય એટલા નાણા સામે આવ્યા તે પરથી સર્વત્ર 'સેટિંગ'નું બજાર સોળે કળાએ ખિલી ગયું હોય એવું લાગ્યું. કેશલેસના અભિગમને દેશના અર્થતંત્રની પહેલી પ્રાયોરિટી કેવી રીતે આપી શકાય? જો કે નોટબંધી પછી એકાએક આવી પહોંચેલો ઓનલાઇનનો યુગ ફરજિયાત પણ અપડેટ થવા માટે કહી રહ્યો છે. આમ પણ સાચી વાત છે કે સમય સાથે અપડેટ થવું જોઇએ અન્યથા પાછળ રહી જવાય. જૂનુ એ સોનુ વાત સાચી છે પણ માર્કેટમાં ડાયમન્ડની કિંમત સોના કરતા પણ વધારે છે. એ પણ વાસ્તવિકતા છે કે સોના કરતા ઘડામણ મોંધી પડે પણ સાચા હીરા ગમે એટના નાના કે બારિક કેમ ન હોય. હીરા હૈ સદા કે લીયે.


             વિશ્વના કોઇ પણ વિકાસશીલ દેશ પર નજર કરીએ તો વાંચવા જ નહીં પણ સમજવા પણ મળશે કે કોઇ દેશે કરંસીમાં બદલાવ કરીને રાતોરાત ઓનલાઇને બનવાની પહેલ નથી કરી અને ઇ પેમેન્ટ કે ઓનલાઇન ચૂકવણીથી કાળાનાણા પરત નથી ફર્યા, કેશલેશ અને સ્વાઇપનો અભિગમ ગરીબીમાં ઘટાડો કરશે, બેરોજગારી અટકાવશે કે ભ્રષ્ટાચારમાં ઓટ લાવશે એવું છાતી ઠોકીને ન કહી શકાય. રોજેરોજ કામ કરીને પેટિયું રડતો મજૂર પેટીએમ કેવી રીતે કરે? ફોન ભલે સ્માર્ટ થઇ ગયા પણ દેશમાં હજુ પણ શિક્ષણનો પ્રશ્ન યથાવત છે. આ ઉપરાંત સરકાર ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપીને અપડેટ થવા બુમબરાડા પાડે છે પણ કાર્ડ સ્ક્રેચ કર્યા બાદ સર્વિસ ટેક્સ વસુલે છે એનું શું,? અમેરિકા, બ્રિટન,ફ્રાંસ અને જાપાન જેવા રાષ્ટ્રો માટે આ અભિગમ સરળ બની રહે એ પાછળનું કારણ ત્યાંની વસ્તી છે અને લોકોને થતી ચૂકવણીની રકમ છે. આ ઉપરાંત ભારતને બાદ કરતા મોટા ભાગના રાષ્ટ્રમાં સરકારને ભરવા પડતા ટેક્સ સરકાર પોતે જ કટ કરીને સેલેરી આપે છે. આપણે ત્યાં ખાનગી કંપનીઓ પણ આ કામ કરે છે. પણ આ વ્યવસ્થા સર્વત્ર લાગુ કરવામાં નથી આવી. નોટબંધીના સમયમાં સરકારે જાહેર કર્યું કે હવે રોકડમાં પગાર નહીં કરી શકાય. જોઇએ આ વાતનો અમલ કેવો થાય છે. દેશની કોર્પોરેટ લોબીમાં થતી ટેક્સચોરી અને શોર્ટકટના રસ્તાઓ પણ વધુ પહોળા છે. જ્યાં સરકારને નાણા આપવા એટલે પરાણે માંદુ પડવું. આર્થિક વ્યવસ્થામાં ભલે ઉતારચડાવ આવતા હોય પણ વિદેશ પાસેથી ટેક્સનું માળખું શીખવા જેવું અને સમજવા જેવું છે.

           નોટબંધી પાછળ કોઇ રણનીતિ હશે તો વ્યવસ્થા સફળ થવાના ચાન્સિસ એટલા માટે ઓછા છે કારણ કે સર્વોચ્ચ બેંકમાંથી મળતો નાણાનો આંકડો દેશભરમાં એક સાથે પહોંચી વળાય એટલો નથી. સરવાળે સમાજના વર્ગમાં એક સ્ટેબિલિટી આવતા હજુ સમય લાગશે. બેંકમાં ખાતા ખોલવા માટે લાંબીવિધિ કરવી પડે એ જ પેપરવર્ક, પુરવાઓની શ્રેણી અને પૂછપરછની પ્રોસિજરમાંથી ફરજિયાત પણે પસાર થવું એ પણ આજના સમયનું સત્ય છે. જે વિજયભાઇ માલ્યા વખતે કદાચ ભૂલાઇ ગયું હશે. કેશલેશનો અભિગમ સારો છે પણ કેશલેસની સાથોસાથ દેશને પેપરલેસ પણ બનાવવાની જરૂર છે. કાર્ડયુગ આવતા બચતની વિચારધારા ઉપર પણ માઠી અસર થઇ. જે લોકો પાસે બે કાર્ડ છે એને કોઇ વાંધો નથી. પણ જેની પાસે બચત માટે એક ખાતું પણ માંડ છે એ વર્ગ ખરિદી કરીને કાર્ડથી ચૂકવણી કરે તો વાંહે વધ્યું શું? કાર્ડ સ્ક્રેચ કરાવીને કોઇ જાદુઇ અનુભવ વ્યક્ત કરવા કરતા હવે પછી બચત વિશે વિચારવું ફરજિયાત થઇ રહેશે. અન્ય એક મુદ્દો પણ અહીં અસર કરે છે કે, કેશલેસ માટે કમરતોડ તૈયારી જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. દેશવાસીઓમાંથી 90 ટકા લોકો આજે બેંકથી કોઇ વ્યવહાર નથી કરતા કે શાકભાજીનું રોજનું બિલ ઇ વોલેટથી નથી ભરતા. સામે શાકભાજીવાળો પણ રેકડી લઇને આવે છે એ જો કોઇ શાકભાજીના મોલનો પાર્ટનર હોત તો રેકડી ન ચલાવતો હોત. એટલે એની પાસે ઇ-પેમેન્ટ માટેના 'ઇ' તો ઠીક પણ એજ્યુકેશનના 'ઇ' ની વાત પણ અંધારામાં રાડ પાડવા સમાન છે. માર્કેટિંગ યાર્ડમાં ખરિદી, રોજેરોજ થતા ચા-પાણીના ખર્ચ, સમયાંતરે લેવું પડતું કરિયાણું અને દુધથી માંડીને ડેઇલીના છાપાવાળાના બીલ રોકડમાં જ ચૂકવાય છે.

               દેશ ભલે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ વાપરવામાં બીજા નંબરે હોય પણ ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 13 ટકા ઇન્ટનેટ કનેક્ટિવિટી પહોંચી છે.  ઇ વોલેટ માટે 'સ્માર્ટફોન' જરૂર છે પણ દેશના મહાનગરોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 17 લોકો સ્માર્ટફોન વાપરે છે. આ તાજેતરમાં થયેલા સર્વેની ટકાવારી છે. આધુનિક બનવા કે બનાવવા માટે ફાકાફોજદારી કરતા પદાધિકારીઓ કેશલેસ ભલે થાય પ્રજા એજ્યુકેશન લેસ ન થવી જોઇએ. દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઇન ફી લેવાનો વાયરો શરૂ થયો છે ત્યારે  ફીલેસ શિક્ષણ પણ જરૂરી છે જેથી કાર્ડની કડાકુટમાં કોઇનું હેકિંગ ન થાય. ઇન્ટરનેટ સેવાનો વ્યાપ વધે તો ગાંમડાઓને આધુનિક સ્પર્શ થાય. ચર્ચાનો વિષય એ પણ છે કે દેશભરમાં ઇન્ટરનેટની સ્પીડ એકસરખી નથી. સર્વિસ પ્રોવાઇડરોની નંબરનવ અને ફાસ્ટ બનવાની દોડમાં કસ્ટમરનો દમ નીકળી જાય છે એ સમજતા નથી. કસ્ટમર કેરમાં ફોન કરો તો પણ પૈસા કપાય, કેશલેસની સફળતા માટે ગ્રામ્યક્ષેત્રથી શરૂઆત થાય તો પરિવર્તનની ખરી નોંધ લેવાય, બાકી જ્યાં સુવિધા છે ત્યાં રિનોવેશન કરવાથી માત્ર દેખાવ બદલાય છે. જ્યારે નોંધ નવનિર્માણની જ લેવાય છે. સ્થાપનાથી સફળતાના બીજ રોપાય બાકી સતત અપડેટ કરવાથી ક્યારેક હેંગ પણ થઇ જવાય.

Tuesday, November 29, 2016

મરતા સિર્ફ 'મિડલ' ક્લાસ હૈ

                    કન્યાની કેડ પર આર્થિક નફો કમાવવા વ્યૂહરચનાનો માચડો ખડકી દેનારા વેપારીઓનું ઝુંડ આ દેશમાં છે જેને થોડા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓફ સિઝનમાં અનોખુ ડિસ્કાઉન્ટ અને અવનવી સ્કિમ આપનારા, ગ્રાહકલક્ષી ટેગલાઇન ધરાવનારાઓને ઉજાગરાઓનો રોગ લાગ્યો. આ વેપારી વર્ગ એટલે સુપરમાર્કેટના સમ્રાટ, મોલ તેમજ મિલના માલિકો અને દેશની 30ટકા વસ્તીમાં આવતો ધનવાનવર્ગ. જેના કસ્ટમર એટલે આપણે મીડલક્લાસ વર્ગ, નોકરિયાત, વ્યવસાયિક, શેરીના ખૂણે ઉભો રહેતો શાકભાજીવાળો, દુધવાળો નહીં કારણ કે અત્યારના સમયે દુધવાળા ગરિબ તો ઠીક ગરિબી રેખાના માપદંડ નીચે પણ નથી આવતા. દેશના સર્વોચ્ચ સ્થાનેથી ગોળીબાર રૂપી નિર્ણય છુટે ત્યારે સૌથી વધુ મધ્યમવર્ગ વિંધાય છે. મર્યાદિત આવકમાં અણધાર્યા ખર્ચ. અન્ય કોઇ રસ્તાના અભાવે ઉભરાતી ગટરો વચ્ચેથી ફરજિયાત પસાર થવું પડે તેવી સ્થિતિ આ પરિવારોની થાય છે. કારણ કે પોતાનું પ્રાયવેટ જેટ લઇ શકે એવી ક્ષમતા નથી અને તંત્ર સામે રણ ચડવાથી કંઇ ઉપજતું નથી. તંત્રને અરજ એટલે રજૂઆતના ફ્રેશ રોટલા પર અધિકારીઓનું આશ્વાસનરૂપી ઘી. જેની શુધ્ધતા આપણા ધીરજની કસોટી કરી મૂકે.

                      રેલવે સ્ટેશનની ટિકિટબારીથી લઇને બસ ટિકિટ રિઝર્વેશનના પ્લેટફોર્મ સુધી, બેંકથી લઇને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ક્નેક્શન લેવા સુધીના તમામ વિભાગો, ક્ષેત્ર, કચેરીઓ અને ક્લાસિઝની કતારમાં ક્યારેક કોઇ નેતા, અધિકારી કે આગેવાન હોય છે ખરા? એ ન હોય એના માણસો હોય એ પણ, તે પણ મિડલક્લાસના જ. નાની આવકથી આજીવિકા ચલાવવા માટે મોટા પૈસાદાર, ધનિક, ગર્ભશ્રીમંત અને ગેઝેટેડ લેવલના ગ્રુપ પાછળ કામ તો મિડલક્લાસ લોકો જ કરે છે. એ પણ ઇમાનદારી, નિષ્ઠા અને નિયમોને આધિન મધ્યમવર્ગ આ દેશમાં સૌથી વધુ અને તે જ રાષ્ટ્રની કરોડરજ્જું છે. જો કે ભોગવવાનો વારો પણ આજ વર્ગનો આવે છે. સારૂ કમાવવા માઇલનું અંતર કાપીને આવેલાને જે તે જગ્યાના સ્થાનિકો માઇગ્રન્ટ સમજવાના સ્થાને રેફ્યુજી સમજી લે. એમા પણ જો કે સિંગલ- બેચલર હોય તો સ્વદેશી ગ્રામ્યબ્રાંડ મિલિટન્ટ (આતંકી) સમજી બેસે. એ પણ મધ્યમવર્ગમાંથી આવે છે. બાકી કોઇ પંપ કે પ્રાઇવેટ કંપનીના સીઇઓનો નંદકુંવર હોય તો કે માલિક પોત હોય તો 3BHKનો ફ્લેટ વગર અડચણે બુક થઇ ગયો હોય. જ્યારે એ જ ભાઇ ટેક્સ કે પ્રોપર્ટીના લેણામાં સંડોવાય એટલે એ જ ફ્લેટ બીજાના નામે થઇ જાય એ પણ કોઇ પરેશાની વીના

         મધ્મવર્ગની પ્રમાણિકતાને પીડામાં પલટાવનારા પરિબળો આ દેશમાં વ્યાપક અને વિશાળ છે. માટે જ કરપ્શનની કાજુ કત્તરી ડાયાબિટિઝ હોવા છતા ખાવાનું મન થાય છે. 'જી લલચાયે રહા ન જાયે'. ગ્રોથ માટે ગામ બદલનારાને ભાડાકરારના પૈસા, પેટ્રોલ ખર્ચ, જમવા તેમજ લાઇટના બીલ પર લાગતા કાર્ડિયોગ્રામની પટ્ટીની આકૃતિ જેવા અસમાન અને કરોડિયાના ઝાડરૂપી કરની કડાકુંટ 'ઘરનું ઘર' ન હોવા છતા ફરજિયાત રોકડેથી ભરવી પડે છે. મહિને એકવાર મળતો પગાર અને વર્ષે માંડ મળતા ગ્રોથ અને ઇન્સેંટિવમાં એડજસ્ટ કરવામાં માણસ અંગ્રેજીના આઠડા જેવો થઇ જાય છે. વૈકલ્પિક વિચારધારાવાળો વર્ગ એક સાથે બે ધંધા કે નોકરીમાં ઝંપલાવે ત્યાં તેનું મન ભયના પ્રસ્વેદથી ભીંજાય છે. કારણ કે ઇમાનદારીથી કમરકસતો વ્યક્તિ જંગલના સીધા વૃક્ષ સમાન હોય શકે. વાસ્તવિકતા છે કે સંસાર હોય કે જંગલ સીધા ઝાડ હોય તે પહેલા કપાય છે. જેમાં કઠિયારો ક્યારેક પરિસ્થિતિ થઇને આવે તો ક્યારેક પર્સન થઇને.
     

            આવક વધવા છતા જાવકને અંકુશમાં રાખનારા પરિવારો એક સમયે લાઇફમાં એડજસ્ટમેન્ટ કરતા હવે સમય બદલતા એડજસ્ટમેન્ટમાં લાઇફ થઇ ગઇ છે. ખાસ કરીને મધ્મવર્ગની.. અહીં બેફામ, અલગારી તથા કાયમી લીલા લહેરની વિચારધારાને સમર્થન આપવાનો જરા પણ ઇરાદો નથી પણ દાબેલી બ્રેડના વચ્ચેના માવા જેવી દશામાં ડૂબતોવર્ગ બંન્ને બાજુથી ભોગવે છે. જ્યાં દાબેલીની જેમ નીચેથી ગરમી લાગે છે અને ઉપરથી કોઇ તાવિથા વડે દબાવે છે. આઠ-નવ કલાક શ્રમયજ્ઞ કરતા નોકરિયાવર્ગની સરળતા આજે કેટલાક પાવરફુલ, ઓથોરિટી અને અધિકારી કહેવાતા 'સમાજ' માટે બરડતા બની ગઇ છે

Wednesday, November 23, 2016

નવેમ્બર-ડીસેમ્બર@ટ્રાવેલિંગ.કોમ

                   નવેમ્બર શરૂ થતા જ શિયાળાની પા પા પગલી થાય છે. જો કે ઠંડીની વિધિવત શરૂઆત નવરાત્રિના છેલ્લા દિવસોમાં થઇ જાય છે, શિયાળાની તીવ્રતા નવેમ્બર ડિસેમ્બરમાં અનુભવાય છે. આ દિવસોમાં ન્યૂયરની રજાઓમાંથી રેગ્યુલર થતી લાઇફને મિનિ વેકેશનનો મેળ આવતા ખાસ કરીને ગુજ્જુગણ આ ઠંડીને ફીલ કરવા ફરવા ઉપડે છે. આ સમયગાળામાં લગ્નગાળો પણ સોળેકળાએ ખિલી ઉઠે છે. એટલે કોઇને લગ્ન અર્થે ફરવા જવાનું થાય તો કોઇને લગ્ન બાદ "સ્પેશ્યલ" ફરવાનું થાય. જેને અંગ્રેજીમાં હનિમૂન કહેવાય. અને લગ્ન  પછી પહેલું હરવા ફરવાનું આજ નામથી ઓળખાય છે. આ વખતે આ માહોલને થોડી કર્ફયુની અસર થઇ છે. કારણ કે પીએમ મોદીએ ચલણી નાણું બદલાવો યોજનામાં લોકોને વગર રજીસ્ટ્રેશને લગાવી દીધા, સાહસિક અને સાંસ્કૃતિપ્રિય ફરવાની શોખીન પ્રજા ફરવાના બદલે આ મહિને ફદિયા બદલામાં ફસાણી. પણ જાને વાલે કો આખિર કૌન રોક સકતા હૈની માફક એક વર્ગ રખડવા ગયો પણ ખરા અને જુગાડડોટકોમ કરીને નોટનો મેળ પણ કરી લીધો.

       શિયાળો એટલે નોર્મલ ટેમ્પ્રેચરમાં પણ સુકાતા હોઠ, ગરમ કપડાની માર્કેટ બાજુ મુકાતી દોટ. અમદાવાદ હોય કે આબુ, નવસારી જેવું નાનું ગામ હોય કે નાથદ્વારા તિબ્બેટિયન ગરમ કપડાની માર્કેટમાં એકાએક ગરમી આવી જાય. આ માર્કેટ હવે દેશમાં યુનિવર્સલ થઇ ગઇ છે. આ માર્કેટ યોજનારા વર્ષમાં એકાદવાર ફરતા હશે પરંતુ,આપણી પ્રજા તો કાયમ ફરે, જો કે આ વખતે વર્ષાતે ફરનારાઓની ટ્રીપ બધી રીતે યાદગાર રહી હશે. જેમાં ખટારાવાળાથી લઇને ખાનદાની કહેવાતા પરિવારનો પણ સમાવેશ કરી શકાય. સફર યાદગાર રહેવાનું પ્રથમ પાનું એટલે ટોલટેક્સમાંથી મુક્તિ. હાશ થયુ હશે રોડ ટ્રાંસપોર્ટવાળાઓને અને લોંગ ટુર બાય રોડ જનારને. જાણે બંડીમાં અટવાયેલા શ્વાસને વિશાળ મેદાનમાંથી હવા મળી હોય એવી અનુભૂતિ થઇ હશે, જે રીતે હાઇવે પર યુટર્ન, ઇમરજન્સી સેવા અને માઇલસ્ટોનના બોર્ડ સાર્વત્રિક નહીં થયા હોય એટલુ આ બોર્ડ વ્યાપક બન્યુ. બસ સ્ટેન્ડ પરની દુકાનોથી લઇને ફ્લાઇટના બોર્ડિગ પાસ પાસે રહેલા બાર સુધી આ બોર્ડ દેશની તમામ ભાષાઓમાં દિવાલ કે કાઉન્ટર પર ચોંટ્યુ હશે 500 અને 1000રૂની નોટ સ્વીકારાશે નહીં. ફરવાવાળા હોટેલની લાઇન સાથોસાથ બેંકની લાઇનમાં પણ જોડાયા. જ્યાં ફરવા ગયા હોય ત્યાંથી કેમ છો? પહોંચી ગયા?? સાઇડમાં રહી ગયું અને હાલો કંઇક આમ રહ્યા 100રૂ.વાળી નોટ પડી છે ને? જાણે ફરવાના આનંદમાં એક્સચેન્જનું ગ્રહણ લાગ્યું હોય. પ્રોસેસમાં શોર્ટકટ લેનારાઓ પર સરકારે કડક અમલીકરણ કરી પ્રજાના પેશન્સ (ધીરજ)ની પરીક્ષા કરી. પારકા પૈસાની પ્રતિક્ષા કરવામાં આવતી હોય છે પણ પોતાની રોકળ માટે પણ સૌ વેઇટિંગ મોડ પર મૂકાયા. પપ્પુ કાન્ટ ડાંસ સાલા જેવી સ્થિતિ થઇ ગઇ.
                            
                     ફરવાના માહોલમાં ઠંડીની અસર કરતા લોકોને નોટની અસર વધુ થઇ. શ્રીનાથજીના દર્શન માટે ઉમટેલી ભીડ એટીએમ અને બેંક પાસે જોવા મળી. જો કે આ દિવસોમાં સર્વત્ર ફોલ ડાઉન જોવા મળ્યું, હોટલનું સસ્તામાં પતી ગયું હશે, રેલવેની નવી ટિકિટ તો શું પ્લેટફોર્મ ટિકિટને પણ કેન્સલ કરવામાંથી છુટ્ટાનો મેળ થયો હશે, નવેમ્બર જેવા ફરવાના મહિનામાં દેશની એકતાના દર્શન થયા આખો દેશ એટીએમ અને બેંકની કતારમાં. જો કે હજુ ડિસેમ્બર બાકી છે ત્યારે નાણાની અસર સ્વદેશમાં સફર માટે આવતા એનઆઇઆઇને પણ થશે. ડોલરના નાણાને રૂપિયામાં ફેરવતા ડોલરની સાઇન જેવી સ્થિતિ થશે. જો કે ફરવાનો ઉભરો ઓછો નહી હોય. આ બે મહિના લગ્નોત્સવની સાથે એનઆરઆઇનો પ્રવેશોત્સવ પણ હોય છે."નારી" માટે આવતા મુરતિયાઓ હવે નાણાનું વિચારતા થઇ ગયા છે. ધીમે ધીમે સામાન્ય થતુ જનજીવન અને આર્થિક અસરથી પ્રવાસન ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ટોલટેક્સથી મુક્તિનું એલાન આવ્યા છતા હાઇવે પર રખડતી કેટલાક જીવતા જાગતા જીવાણુંઓએ બે બે દિવસ સુધી ટ્રાફિક જામ કર્યા અને મુસાફરીની મજાને ટ્રાફિક જામની સજામાં રૂપાંતર કરી. નવેમ્બર ડીસેમ્બર એટલે હનિમુન નામના બાળકનો નવપરણિતની જિંદગીરૂપી શાળામાં પ્રથમ પિરિયડ. જેમાં અવનવા ટ્રાવેલ્સવાળા ટિચરો નતનવા પેકેજની શિખામણ આપે. સાથે નાનકડી ફુદડી તો હોય જ, આ બે મહિનામાં એટલે શિયાળાના ફ્રેશ વેજીટેબલ્સનો સ્વાદોત્સવ અને સુપનું વૈવિધ્ય પીવાનો જાહેર પ્રસંગ. પણ આપણો વર્ગ ઘરે ચાઇનિંઝ મંગાવે અને બાહર ગુજરાતી થાળી શોધે. છેલ્લે દાળભાતનું તો સરનામું શોધી જ લે.

                            ફરવાના રૂટ પર થતી મોજ દરેક યાત્રિકો માટે યથાવત હશે અને હળવાશ પણ વર્તાતી હશે. સમસ્યાઓને બાજુએ મૂકીને સંવેદનાઓના સમુદ્રમાં ભીંજાયને સાથ માણનારા પણ હશે જ. જો કે ગુ્જ્જુંઓની આવડતનું પ્રમાણપત્ર આપાતુ નથી એટલે પૈસા બદલે કે પ્રોસિજર બદલે. યે સફર જારી રહેગા

Tuesday, October 25, 2016

કોલ સેન્ટર કૌભાંડઃ આઇટી ક્ષેત્રે ખરડાતી વૈશ્વિક છબી

                        ટેલિકોમ્યનિકેશન સર્વિસ પ્રોવાડર એક કંપનીએ ફોર્થ જનરેશન (4જી) સર્વિસ શરૂ કરી અને ઉપભોક્તાને લ્હાણી કરાવનું શરૂ કરી દીધુ,મફતમાં મોજ ની મેન્ટાલિટીવાળો દેશનો બહોળો વર્ગ માંખી જેમ મીઠાઇ પર ટૂટી પડે એમ મચી પડ્યો. શોપિંગ મોલ, મોબાઇલ શોપ, ફ્રેન્ચાઇઝી અને સ્થાનિક વેપારીને ત્યાં શેરીના નાકે ઉભા રહેતા પાણીપુરી કરતા વધુ ભીડ જામી. રાશનની દુકાનમાં લાઇન જોવા ન મળી તેનાથી લાંબી લાઇન આ તમામ જગ્યાએ જોવા મળી. જો કે મફત યોજનાનો 'સરકારી અભિગમ' થોડા કસ્ટમ સેટિંગ સાથે ખાનગી કંપનીઓએ અમલમાં મૂકી દીધો છે. જેમાં સરવાળે પૈસાનો ભાર અને હેરાનગતિનો હાર ગ્રાહક નામની કન્યાની કેડ પર સ્કિમના કંદોરા સાથે ડેમોમાં મૂકવામાં આવ્યો છે. જેના કેન્દ્રમાં અને લોક નજરમાં છે મફત ઇન્ટરનેટ.

                ઇન્ટરનેટના વિશાળ નેટવર્ક અને ટેલિકોમ્યુનિકેશનના સહારે કરોડોનો બોગસ કારોબાર મુંબઇના મીરારોડ પરના ત્રણ બહુમાળી કોમ્પ્લેક્સમાંથી સામે આવ્યો. જે શ્યામલક્ષ્મી (બ્લેકમની)ની પાધડીનો છેડો ગુજરાતના ભાવનગર અને અમદાવાદમાં ખુલ્યો છે. કોલ સેન્ટર અને નાણા કમાવવાના શોર્ટકટથી વધુ એક નરવીર આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસાની લપસણી સપાટી પર કળા કરી ગયો. કોલ સેન્ટરથી કસ્ટમર સુધી, વચ્ચેની તમામ ચેનલમાં નાના-મોટા સર્કિટને 'સેટિંગ'ના કરોડો રૂપિયા મળતા. આ સાથે શરાબ અને શબાબની ઓફર પણ થતી. આ કૌભાંડનો સૌથી મોટો ક્રેક તો એ છે કે તેમાં ગુજરાતના બે ખાખીધારી પોલીસ કર્મીઓના નામ ખુલ્યા. હવે આ બે 'ચૂલબુલ પાંડે'ની ઇન્ક્વાયરીમાં કેટલાય અન્ય પરિબળોની ભેળસેળ ભળશે. પણ આ ઘટનાથી વૈશ્વિક સ્તરે વિશ્વાસનું પારદર્શક પાણી ડહોળાયું છે. કાયમ ટેસ્ટી લાગતા પારકા સ્વાદમાં અમેરિકનો બ્લોક થઇ ગયા અને બધુ 'ઓલરાઇટ'-રોંગ થઇ ગયું.

            દેશની સંવેદનશીલ સરહદ પર સુરક્ષાની બાબતે પણ કડક વલણ અપનાવવા માટે આજે કેટલાક કહેવાતા મફલરધારી નેતાઓ સાબિતી માંગીને સળી કર્યા કરે છે. એવામાં હવે સાયબર હુમલાથી દેશની આઇટી સર્વિસ પણ સેફ નથી. હજુ ટેકનોલોજી ક્ષેત્રે દેશે ઘણુ કરવાનું છે અને આગળ આવવાનું છે ત્યારે વિશ્વના અન્ય રાષ્ટ્ર આપણાથી હજારો કદમ આગળ છે. જે રિયલ ટાઇમ સર્વિસની વાત છે ત્યાં ઇન્ટરનેટની સ્પિડ સામે પણ સવાલ છે અને હજુ પણ દેશના કેટલાક વિસ્તારમાં વાત કરી શકાય એટલા નેટવર્કના ઠેકાણા નથી. દેશની જ કેટલીક આઇટી કંપનીઓના બ્રાંડનેમનું વિશ્વમાં મોટું માર્કેટ છે. યુએસની ઢગલોબંધ વેબસાઇટના ડીઝાઇનિંગ પાછળ ભારતીયોના ભેજાનું આઉટપુટ છે. દેશના જ યુવાનો સોફ્ટવેરના સમ્રાટ બનતા જાય છે. એપ્સના એડમિન બની રહ્યા છે. અમેરિકાની કંપનીઓ ભારતીય કંપનીઓ પર પસંદગીનો પ્રેમ ઉતારે એ પાછળનું કારણ દેશમાં આવેલી આઈટી ક્રાંતિ છે. કોલ સેન્ટરના કૌભાંડથી ભારતીય આઇટી કંપનીઓ સામે હવે શંકાની સોય નહીં પણ તલવાર ઊભી થઇ છે. વિશ્વાસે ચાલતા વહાણમાં સિક્યુરિટી ચેંકિગ થવા માંડ્યું છે. યુએસ બેઇઝ કંપનીઓ આજે ઇન્ડિય સર્વિસિઝના કોલ ઉપાડતા ડરે છે. જેની પાછળ સાગર ઠક્કર જેવી આડપેદાશોનો કિચળમય ફાળો છે.

                         અમેરિકાઓ આઉટસોર્સિગ બંધ કર્યુ અને યુરોપીય સંધમાંથી બ્રિટને વિદાય લીધી ત્યારે ખડભડાટ મચી ગયો હતો કે આંતરરાષ્ટ્રીય વ્યવહારને અસર થશે. જેનો ફટકો ભારતીય આઇટી સેક્ટરને થશે.  પણ પછીનો સમય ભારતીય આઇટી માટે રેડ કાર્પેટ નહીં પણ ગોલ્ડન પિરીયડ શરૂ થયો. કારણ કે દેશના યુવાનોની ક્રિએટિવીટીને ઇન્ટરનેશનલ ઇનકમ થતી હતી અને આજે પણ થાય છે પણ હવે નોકરીના જોખમે. આટીસિટી બેંગ્લોરમાં 3 લાખ બીપીઓ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિગ) છે. યુ.એસ. કંપનીઓનું છુંટુછવાયું 80 ટકા કામ ભારત સાચવે છે. આઇટી સેક્ટરમાં પડકારો આવી રહ્યા છે એમા ટેકનિકલ વિષય કરતા કૌભાંડથી થતી માઠી અસર સામે ટકી રહેવાનું મુખ્ય છે. પેકેડ ડીઝાઇન, પ્રોગ્રામિંગ, ડેટા મેનેજમેન્ટ, ક્વેરી ફાયર, ફોલ્ટ ફાઇડિંગ અને સોલ્યુશન જેવી સર્વિસનો સમાવેશ થાય છે. કોલ સેન્ટર કાંડના કારણે આઉટસોર્સિગની તમામ સર્વિસ પર જે તે વિદેશી કંપનીઓએ ઇન્વેસ્ટિગેશન અને વેલિડેશનનો ગેટ મૂકી દીધો છે જે માટેના પેરામીટર આપણે ત્યાંની સાયબર સિક્યુરિટી કરતા ઘણા કડક છે. જેને ફરજિયાત પાસ કરવા પડે એમ છે. કારણ કે આઇટી પ્રોડક્ટનું માર્કેટ દેશમાંથી આઉટસોર્સ થાય એમાં આપણી કંપનીઓને જ ઘી કેળા છે.

              આ પહેલા દિલ્લીમાંથી અને બેગ્લોરમાંથી કોલ સેન્ટર ઝડપાયા હતા. બ્રિટિશ સરકારે 88 કરોડનું બોગસ કોલ સેન્ટર વર્ષ 2013માં પકડયું હતુ જેનો રેલો મુંબઇ સુધી આવ્યો અને એક આઇટી કંપનીની પૂછપરછ લગી મામલો અટક્યો. મીરા રોડ પરના કોલ સેન્ટર કૌભાંડથી વૈશ્વિક સ્તરે આઇટીની છબીમાં કાદવ ઉછળ્યું છે અને ગાબડું પડ્યું છે. આટલા મોટા સેટિંગ ચેઇનથી આઇટીની ઉષ્મા વિશ્વકક્ષાએથી ઓસરી રહી છે. અવિશ્વાસથી અવ્યવસ્થા સુધીનો માહોલ અત્યારે ટેકનોલોજી ફિલ્ડમાં છે ત્યારે આઇટીમાં પણ હવે વાયોલંસ (હિંસા) થવા માંડ્યું છે. દેશના ક્રાંતિજનક ક્ષેત્રમાં કૌભાંડીયાઓએ ક્રિએટિવિટી અને ક્રિડેબિલીટિનો કુડચો બોલાવી દીધો છે.

વિજય માલ્યા, કેતન મહેતા અને હવે સાગર ઠક્કર. 

Saturday, October 22, 2016

કાયદાના ગ્રાઉન્ડમાં બીસીસીઆઇને સુપ્રિમ સ્ટ્રોક

            છેલ્લા ત્રણ મહિનાથી બીસીસીઆઇનાના અસરહીન વલણ સામે સુપ્રીમે સતર્કતા દાખવી કડક આદેશ આપ્યા. લોધા કમિટીના સૂચનો સાથે સુપ્રીમના ઓર્ડરે બીસીસીઆઇનું પ્લેગ્રાઉન્ડ નાનું કરીને વેલિડીટીમાં મૂકી દીધુ છે. ગત મહિને ક્રિકેટ બોર્ડને સુપ્રીમે કમિટી નિયમ પાલનને આદેશ આપ્યા હતા પણ બોર્ડની ભાવે તે ખાવું ની નીતિથી મુખ્ય કહી શકાય એવા મુદ્દાઓ સાઇડ લાઇન થતા હતા. ખાનગી વહીવટ અને કાયદાકિય સ્થિતિ સામે બોર્ડના કઠિન દિવસો શરૂ થઇ ચૂક્યા છે. જો કે સુપ્રીમે કરેલા લોધા કમિટીના આદેશ પાલનના પાસાઓ જળ અને આકરા લાગી રહ્યા છે. વહીવટદારોની લકઝરીથી ખાડામાં ખોટકાતુ બોર્ડ અદાલતના ફટકાથી હેરાન છે, બોર્ડના અધિકારીઓ, પદાધિકારીઓ અને જવાબદારોના ઠીકઠાક વલણ યથાવત રહેશે તો બોર્ડે પોતાના અસ્તિત્વ માટે કમર કસવી પડશે.

               અકડાય ગયેલા અનુરાગ ઠાકુર સમગ્ર પરિસ્થિતિ અને પરિણામલક્ષી પગલાઓથી વાકેફ છે. પરંતુ, કોકડું કાયદાની માયાજાળમાં અટવાયેલું છે. સુપ્રીમના આદેશ અનુસાર બીસીસીઆઇ અને રાજ્યના ક્રિકેટ સંગઠનો લોધા કમિટીની ભલામણોનો અમલ નહીં કરે ત્યાં સુધી નાણાકિય વ્યવહાર નહીં થાય. હિમાલય ચડવા ગયેલા પર્વતારોહકનો ઓક્સિજન બંધ કરવા જેવી હાલત આ લોકોની થઇ છે. બોર્ડની લેખિતમાં બાંહેધરી સાથે હવે ટાઇમલિમીટ પણ શરૂ થઇ ગઇ છે.  ઉપરાંત બોર્ડના એકાઉન્ટની સ્વતંત્ર તપાસ માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે. તપાસનો બોલ એકાઉન્ટ સુધી પહોચ્યો છે ત્યારે બોર્ડના વહીવટમાંથી હાથી પણ નીકળી ગયા છે. અનુરાગ પૂર્વે શ્રીનિવાસનની હેકડાઇથી કેટલાય લીલાછમ રજવાળા બોર્ડના પદાધિકારીઓના બન્યા છે. સ્ટેટ લેવલના સિલેક્શનથી લઇને બોર્ડની વર્તમાન વિકટ અવસ્થામાં પક્ષપાતી વલણ ધણી બધી બાબતોમાં જવાબદાર છે.પૈસાના મામલો છે ત્યારે બોર્ડની તિજોરીમાં ડબલ વેલ્યુ નામનું ફિલ્ટર લાગેલું છે. બોર્ડની મુખ્ય ઓફિસ દુબઇમાં છે. ઉપરાંત અન્ય દેશના ક્રિકેટ બોર્ડની તુલનામાં ભારતીય ક્રિકેટ બોર્ડ સૌથી ધનિક છે. રોકડ વ્યવહારો અને આવક દુબઇના પૈસાની ગણતરીએ નોંધાય છે અને જમા પણ થાય છે. બોર્ડની બારિકાઇથી તપાસની વાત છે ત્યાં અનુભવી તથા આદર્શ કારકિર્દી ધરાવતા માઇલસ્ટોન વ્યક્તિઓ પણ મૌન બનીને બેઠા છે. ચિંતાનો વિષય એ પણ છે કે ખાડે ગયેલા વહીવટમાં એકસુત્રતા લાવવા આંતરિક વિખવાદનો વ્યાપ અવકાશ જેટલો મોટો છે.

        નાણાકિય વ્યવહાર અને સુપ્રીમની પ્રોસિજર છે ત્યા સુધી કમિટી, બોર્ડ અને પ્રમુખના અસરકારક પગલા નજીકના ભવિષ્યમાં ક્યાંય દેખાતા નથી. આ ઉપરાંત બોર્ડની કોઇ ટીમ જે સમગ્ર બોર્ડનું સંચાલન કરે અને પારદર્શિતતા લાવે તેનો અભાવ વર્તાય છે. સામે બોર્ડે પણ લોધા કમિટીના સૂચનને કાયમી માન્ય રાખવા હજુ કેટલો બ્રેક જોઇશે તે સંગઠિત થઇને સ્પષ્ટ કરવું પડશે. આ સાથે એક રાજ્યમાં એક વોટનો વિકલ્પ પણ ટુંક સમયમાં વિચારવો પડશે. જો કે કેસનો અંત અત્યારે જ આવી જશે એમ કહી ન શકાય

Friday, October 07, 2016

માત્ર યુધ્ધ જ નહીં પણ યુક્તિ પણ યર્થાથ જોઇએ

                       પીએમ મોદીએ અવરચંડિલા, અખલા સમાન, આતંકી, અમાનવીય અને અત્યંત ક્રુર પાડોશીને ઝાટકીને કહી દીધુ કે લોહી  અને પાણી બંન્ને એક સાથે ન વહી શકે, ત્યારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદને આધાર આપનારા રાષ્ટ્રોના કાન આંબળ્યા. દેશના વાતાવરણમાં જવાબ દેવાની મોસમ ખિલી ઊઠી છે ત્યારે પાયાના પ્રશ્ન એવા પાણીની વહેચણી સામે પણ દાયકાઓ બાદ દમદાર સવાલ સમસ્યામાં પરિવર્તિત થયા છે. યુધ્ધએ વિકલ્પ નથી પણ ખરેખર ચિંટીયો ભરવો જ હોય અને ચમચમી જાયે તેવી સજા કરવી હોય તો વિકલ્પો ઘણા છે. જેનો અમલ કરવા માટે લોખંડી ઇચ્છાશક્તિ જોઇએ. જેથી કોઇ નફ્ફટ રાષ્ટ્રને ઘુંટણીએ લાવી શકાય. જો કે હવે બંન્ને દેશના આર્થિક સંબંધો પણ એટલા મજબુત રહ્યા નથી. ભારતમાંથી જો કારોબાર સમેટી લેવામાં આવે તો પણ અસર થઇ શકે છે. સિંધુ નદીના કરાર મુદ્દે ભારતની પ્રમાણિકતાની નોંધ વિશ્વસ્તરે લેવાય છે

                        જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે રાજકીય જિદ્દ સામે રાષ્ટ્રહિતને અવગણવામાં આવ્યું ત્યારે માત્ર રાષ્ટ્રનું નહીં પણ પીવાના પાણીનું પણ વિધિસર વિભાજન થયું હતુ. પાણીના ભાગલાને લઇને ગંભીરતાથી વિચારવામાં આવે તો હજુ પણ હુકમનું પત્તું ભારત પાસે છે. મેજોરિટી આપણા હાથમાં છે.અત્યાચાર સહન કરવાની ક્ષમતા હવે સાફ થતી જાય છે. પાકિસ્તાન તરફ વહેતા પાણીના પ્રવાહને આપણે ત્યાંથી જ ડાઇવર્ટ કરી શકાય છે. દેશના ઉત્તરભાગના રાજ્યોની ભૌગોલિક સ્થિતિ પાણી અટકાવવાની બાબતે અનુકુળ છે. જે માટેની ક્ષમતા પણ છે. આપણે તો સરહદેથી ગોળીઓ આપીએ છીએ અને પાણી પણ પુરુ પાડીએ છીએ. હકીકતે ગોળી આપીને પાણી આપવાની કોઇ આવશ્યકતા નથી. ગોળી અટવાશે અેટલે ગળશે પણ નહી અને ઉલ્ટી પણ નહીં થાય. વર્ષ 1960ના સમયગાળામાં વિશ્વબેંકની મધ્યસ્થતામાં સિંધુજળ સમજોતા કરાર થયો હતો. જે અંતર્ગત સિંધુ, ચિનાબ અને જેલમ નદીનું પાણી પાકિસ્તાન બાજુ વહે છે. આ ત્રણેય નદીના મૂળ ભારતમાં છે. જો આ નદીના પાણીનો પ્રવાહ અટકે તો સમસ્યા પાકિસ્તાનને થાય એમ છે. કારણ કે એ રાષ્ટ્ર માટે મીઠા પાણીનો એક માત્ર સ્ત્રોત આ ત્રણ નદી છે. કાશમીર આપણું, પાણી આપણું અને છતા કબજો બાજુ વાળાનો? યે બાત કુછ હજમ હુઇ?
 
                           સિંધુ નદીનું પાણી ભારતને સ્પર્શે છે જેનો માત્ર 20 ટકા ભાગનો દેશવાસીઓ ઉપયોગ કરે છે. બાકીનું 80 ટકા પાણી પાકિસ્તાન પી જાય છે. આમ પણ અધુરો ઘડો ક્યાંયનો પણ હોય છલકાય ઘણો. આ નદીઓનું પાણી આપણો દેશ વાપરી શકે. ક્યા કોઇ શરીફ જોવા આવવાના છે. આમ પણ સ્કિમ આપવામાં આપણા નેતા વગર ડીગ્રીએ પીએચડી થયા છે એવામાં એક સ્કિમ પાકિસ્તાનને આપી દેવાની. પાણીના પ્રશ્ને સામા પ્રાણ દેખવવા જોઇએ. ગુરૂદાસપુર,પૂંછ, પઠાણકોટ અને ઉરીના ઉઝરડામાંથી આગ ઝરે છે. હવે પાડોશીની સમસ્યાઓ પ્રત્યે સંવેદના દેખાડવાની જરૂર નથી. આ ગંભીર મુદ્દાને લઇને પ્રેશર ઊભુ કરી શકાય છે પણ અન્ય આફત અડે નહીં તેની તકેદારી જરૂરી નહીં પણ અનિવાર્ય છે. ન રહેગા પાની ન રહેંગે પ્રાણ. દેશના જવાનો ઉઠાવો આધુનિક બાણ. પાડોશી વૈશ્વિક સ્તરે અનેક પ્રશ્નોથી ઘેરયેલો દેશ છે અને સાર્ક સંમેલનને લઇને ભરી સભામાં તે એકલું પડી ગયું છે. બીજી બાજુ ચીન કોઇ મગનું નામ મરી પાડતું નથી. એક વાત એ પણ ઘ્યાને લેવા જેવી છે કે ગંગા અને બ્રહ્મપુત્રા નદીનું પાણી ચીન થઇને ભારતમાં આવે છે. જેને કોઇ ખલેલ ન પહોંચવી જોઇએ. જો કે દેડકાના રંગ ક્યારે બદલે એ નક્કિ નહીં. પણ એક વાત પાણી જેવી પારદર્શક છે જેને  ફિલ્મ દબંગના એક ડાયલોગ પરથી રજૂ કરી શકાય. વો બડાસા જાનવર કૌનસા હોતા હૈ, હા હાથી. વો હમ હૈ, અગર હાથી કા પૈર કીસી કુતે કીં દુમ કે નીચે આ જાય તો ક્યા કરના ચાહિયે?

Monday, September 12, 2016

વિકાર, વિવાદ અને વિખવાદનું વિસર્જન થવું જોઇએ.


                        ભાદરવા સુદ ચોથના દિવસે વિધ્નહર્તા દેશવાસીઓના ઘરે બીરાજે છે.માત્ર વિચારથી જ નહી પણ વાસ્તવમાં પણ ક્રાંતિકારી બાળ ગંગાધર ટિળકે શરૂ કરેલો ગણેશોત્સવ માત્ર હવે કોઇ પ્રાંત કે પ્રદેશ પુરતો મર્યાદિત રહ્યો નથી. ગુજરાતના સુરતમાં નાની મોટી થઇને 80.000 જેટલી પ્રતિમાઓનું સ્થાપન થયું છે. દેશમાં એકતા અને વિચારમાં એકસુત્રતા લાવવા વિનાયકના પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. દસ દિવસના અંતે આપવામાં આવતી ભાવભીની વિદાય સાથે માત્ર પ્રતિમાં જ નહીં પણ આંખ પણ આસુંથી ઉભરાતી હોય છે. પ્રકૃતિના નિયમથી પરમાત્મા પણ બાકાત નથી. જે આવે છે તેનું જવાનું નિશ્ચિત છે.ખરેખર તો વિસર્જન વ્યવહારમાં વ્યાપેલું છે પણ જેનું વિસર્જન થવું જોઇએ એનું થતુ નથી.
Ganesh Visarjan At Mumbai, Warli
           વિસર્જન શબ્દમાં વ્યાપ નહીં પણ ઊંડાઇ રહેલી છે. સંસ્કૃતમાંથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ પાણીમાં વિલિન થવું એવો થાય છે. ગણેશચોથનું પર્વ વસમી સ્થિતિનું શાંતિથી વિસર્જન કરવાનું શીખવી જાય છે. સ્થાપનાદિન નિમિતે ઇચ્છાઓની યાદી લઇને દગડું શેઠ સમક્ષ માંગણીઓ કરીએ છીએ પણ એમના વિસર્જન વખતે આપણામાંથી શું વિસર્જીત કરીએ છીએ? જેને પાણીમાં પધરાવાનું છે એવી ચીજ વસ્તુઓની સાથે વણજોઇતા વિચારો નથી છૂટતા. માત્ર ધાગા-દોરા જ નહીં ઘતિંગ અને ડોળનું પણ વિસર્જન કરવાની જરૂર છે. વિસર્જનથી મનમાં ગોઠવાયેલા બીબાઢાળ અને જામી ગયેલી લીલવાળા ચોકઠા ખાલી થાય. પાણીમાં વહી જાય તો જ નવીનતાને આવકારો મળે. જેને યોગ્ય સમયે સ્વીકારવા પડે. દેશના સુટબુટધારી અને ખાદીધારી ભક્તો સાંસદ કે વિધાનસભાના સત્રનું વિસર્જન થાય એવા મુદ્દાઓને ધક્કો મારતા હોય છે. મહત્વના સત્રનું વિસર્જન સામાન્ય થતું જાય છે. ગરિમાં સચવાવી જોઇએ એવા સ્થાને સુત્રોચ્ચાર કરતા ભક્તો સર્જન પણ નથી કરતા અને વિસર્જન પણ નથી કરવા દેતા. વોટના નામને વિખવાદ થતો નીહાળે પણ ત્યાં શું વિસર્જન કરવાનું અને શેનું વિસર્જન કરવાનું એ વિચારે પણ નહી.
       
       નવા વર્ષની શરૂઆતમાં નિયમોને સેટ કરવાથી જીવન ભારે થઇ શકે. વિસર્જનદિને ન જોઇતું વહેતું કરીને હળવા થઇ શકાયજે વિચાર, વિકાર, વિવાદ, અભાવ, આડંબર જીદ તથા પ્રાયોરિટીથી અકળાઇ જવાતું હોય તેને વિદાય આપી શકાય. નવરાત્રિ પર્વ દરમિયાન ઉજવાતી દુર્ગા પૂજાનો અંત પણ વિસર્જનથી થાય છે. ત્યાં પણ જે બાબતો આપણને વિચલીત કરતી હોય તેને વહેતા કરી દેવાય. મહેનતકશ શરીરમાંથી પ્રસ્વેદનું વિસર્જન, મોબાઇલ રિચાર્જની સ્કિમની પણ એક વેલિડિટી હોય છે જેને તે સમયગાળામાં ઉપયોગમાં ન લેવાય તો આપ મેળે એનું પણ વિસર્જન, કોઇ પણ સારા કામના હવનમાં હાડકાનાંખીને તે ક્ષણનું વિસર્જન કરવામાં પક્ષો પાવરધા છે જ, વિસર્જન મોબાઇલના એક નોટિફિકેશન સમાન છે જેને યોગ્ય સમયે નિયત અવધીમાં જોવું પડે- જાણવું પડે અન્યથા વેળા વહી જાય પછી અહેસાસ થાય.
                 પંચમહાભૂતમાં પાણી  સૌથી પવિત્ર છે અને ગણપતિ પાણીના આરાધ્ય દેવ છે. દેવાનું નિવાસસ્થાન જળ છે. તેથી જ તેને જળમાં વિદાય આપવામાં આવે છે. પાણી જેવી પારદર્શિતતાને સ્વીકારવાનો સંદેશો વિસર્જન પાઠવે છે. પરંતુ, આપણે ત્યાં તંત્રના ડહોળાયેલા પાણીના લીધે ટ્રાંસપેરન્સી સમાજના ગુગલમાં શોધવી પડે. સૃષ્ટિ અને સમાજનો આકાર બદલાના સ્થાને વિકાર તેમજ વેરની વળ છૂટે તો વિસર્જનપર્વ સાર્થક થયું ગણાય. વૈવિધ્યપ્રેમી માણસના સ્વભાવ પણ જૂદા છે પણ જેમ દરેક ગણપતિમાં એકસુત્રતા છે એવી વૈચારિક યુનિટી દેશ માટે અત્યારે અનિવાર્ય છે. માણસ વિખવાદના દરિયાનો તરવૈયો બની ગયો એટલે જ વિવાદિત થતો ગયો. એક નિર્ણય કરીએ જેટલી નકારાત્મકતા છે એનું વિસર્જન કરીએ.

Wednesday, September 07, 2016

સાચુ શૌર્યએ ક્ષમા આપવી

                             દુનિયાનો કોઇ પણ સંબંધ, વ્યવહાર, પ્રોજેક્ટ કે કોઇ સાથેનો રેપો ક્ષતિ વિનાનો હોય જ શકે.  એ કંઇ પણ હોય ક્ષતિ વિનાનું હોય તો એ સજીવ ન હોય. જૈન ધર્મમાં સમગ્ર જીવસૃષ્ટિની ચિંતા કરવામાં આવે છે જ્યારે અમુક કહેવાતા સંગઠન એક માત્ર એવા પશુ પર નિમિત થઇ ગયા છે. જીવ અને ભક્ષણએ એકમેક સાથે જોડાયેલા છે.યાદ કરો શાળામાં શીખેલી આહારકડી.દેડકો-તીડ ખાય, સાપ-દેડકાને ખાય પરંતુ, માનવજીવની વિચારશક્તિએ એક માત્ર સર્વ સૃષ્ટિની રક્ષણકર્તા છે. માણસને પોતાની ભૂલ થયા હોવાનો અહેસાસ થાય છે. પશુ પ્રાણીને આ સંવેદના હોત તો આહારકડી ખોરવાઇ ગઇ હોત, જંગલનો રાજા બીજાને હણીને અસ્તિત્વ ટકાવે છે જ્યારે ઇતિહાસમાં વિરાટ રાજવીઓએ ક્ષમામાંગીને અને ક્ષમા આપીને પોતાનું જ નહી પણ સમગ્ર શાસન પ્રણાલીનું ચિત્ર ઉપસાવ્યું છે. ભૂલનું યોગ્ય સમયે ભાન થવું પણ જરૂરી છે. પણ ક્ષમાનું પર્વ એટલે અજાણતાથી દુખેલા દિલને શાતા આપવી, અકસ્માતે થયેલી ભૂલની માફી માંગવાનો દિવસ.

 જીવનમાં ભૂલનો અહેસાસ થવો ઘટના નહીં પણ કરેલા કાર્યોમાં થયેલી ભૂલને બિલોરી કાચથી જોવાની ક્ષણ છે. દરેકને વ્યક્તિને પોતાના જીવનમાં પસ્તાવો થયો હશે. સંબંધો તૂટવાની આરીએ હોય ત્યારે માફીનું કેમિકલ મનમાં ફરી વળે તથા આચરણમાં આવે તો સંબંધની આવરદા તેમજ અવધી બંન્ને વધી જાય. ક્યારેક અહમના લીધે ક્ષમા માગતા મન ખચકાતું હોય છે. હું થોડી સોરી કહું?? નાની અમથી વાતમાં જતુ ન કરવાની ભાવના માણસ નથી રાખતો એટલે જ વિશ્વની એક પણ સેન્ટ્રલ જેલના બેરેક ખાલી નથી. સમ્રાટ અશોકને વિજય બનવાની લોખંડી ઇચ્છાશક્તિએ નરસંહાર જોયો પછી સમ્રાટે ધર્મના દેવસ્થાનોને મનમાં કલ્પી યુધ્ધ ભૂમિમાં હાથ જોડી લીધા. પણ આજે હાથ જોડવાનો અર્થ બદલાય ગયો છે. ક્ષમાના સાથિયા પુરવાએ વ્યવહાર નહીં પણ ભીતરથી પરિવર્તનનો ચમકારો થવો જોઇએ. ખરેખર તો જેની સાથે વાકું પડ્યું હોય તે વ્યક્તિ પાસે ક્ષમા માંગવાની હોય પણ તે વ્યક્તિ પડતું મૂકવા માટે તૈયાર ન હોય અને જેને ડખો થયો હોય તે માફી માંગવા માટે સજ્જ ન હોય. સ્વીકારવું પડે તેવી વાસ્તવિકતા છે કે અહમ હંમેશા પોતાના પર આવે અને ક્રોઘ કાયમ બીજા પર આવે.મુઘલ બાદશાહ અકબર જ્યારે યુધ્ધમાં જીત મેળવતા ત્યારે શરણે થયેલા અને ક્ષમાં માંગવા માટે  આવેલા રાજાને રાજવી સન્માન સાથે ક્ષમા કરતા. રાજ ભલે ગમે તે કરે પણ માફી આપવી એ મોટી વસ્તુ છે.

                 ફિલ્મ 'આવારાપન'નું એક દ્રશ્ય છે જ્યારે ઇમરાન હાશમી સાથે કોઇ એક વ્યક્તિ તેની પાસે ક્ષમા માગવા માટે કરગરે છે જ્યારે ઇમરાન તેને થયેલી ભૂલમાંથી માફી આપે છે ત્યારે તે રાજીપો વ્યક્ત કરતો જાય છે, ઉછળતો, કુદતો આગળ વધે છે જાણે સ્વતંત્રતા મળી ગઇ હોય. માફ કરવાની પણ ક્ષમતા અનિવાર્ય છે. કથાકાર મોરારીબાપુના શબ્દોમાં એક કે બે વાર થાય તેને ભૂલ કહેવાય પણ એ જ વસ્તુ વારંવાર થાય તેને આદત કહેવાય. થપ્પડ મારીને કહેવાલા સોરી કરતા ઇરાદાપુર્વક મારેલી થપ્પડ વધુ ઉપસે છે. આપણને બાળપણથી જ ભૂલની સામે દંડનું પ્રકરણ શીખવવામાં આવે છે પણ હવે તો ભૂલના વેઇટેજ પરથી ક્ષમાની શક્યતાઓ નક્કી થવા લાગી છે. તમારા નિજાનંદ, તપ, સાધનામાં નિશ્ચિત હેતુંથી ખલેલ પહોંચાડનારાને માફી ન હોય એને તો ખંખેરી નંખાય, ઝાટકી નંખાય એવું ભગવાન શ્રી કૃષ્ણના વ્યવહારમાંથી ફલિત થાય છે. હણે એને હણવામાં કોઇ પાપ નથી. ત્યાં કોઇ પરોપકારની જરૂર પણ નથી.સંતોની વાણી અનુંસાર અજાણતાથી ભૂલ થાય બાકી જાહેર જીવનમાં થયેલો ગુનો તો કોઇ શેતાની દિમાંગની ઉપજ છે. જેમાં પુર્વયોજના કેન્દ્ર સ્થાને હોય છે. ગુનાની સજા હોય કારણ કે તે જીવના શ્ર્વાસને રૂંધતી બાબત છે.

         આ દેશના સમાજમાં જેમ માછલી પકડનાર માછીમારો હોય છે એમ બીજાની ભૂલ પકડનારા 'ભૂલ કલેકટર' હોય છે. જેમ ટિકિટ કલેકટર હોય. આવા લોકો કોઇની પણ ભૂલને સમય, સ્થળ કે સ્થિતિ જોયા વીના લાવા ફાટે એમ એ લઇને ફૂટી નીકળે છે. વ્યક્તિના ધજાગરા કરે છે. પણ આ જ સ્થિતિને ઉલ્ટાવીએ તો? આવા માણસોના જાહેરમાં માફી માંગવાનું થાય તો શેંકાયેલી સેન્ડવીચ અને દાબેલીબ્રેડ જેવું મોઢું થઇ જાય. ક્ષમાએ સંબંધોમાં ઓક્સિજનનું કામ કરે છે. ક્ષમા કરી જો જો. સામે વાળાની પ્રશંસાનું સાતમું આકાશ નજર સામે દેખાશે. કોઇનો હાશકારો આપણને અનુભવાશે. કોઇને થપ્પડ મારવાના ડેરિંગ કરતા માફ કરવાની તાકાત મોટી છે. એટલે જ સાચું શૌર્ય ક્ષમા આપવામાં છે. ક્ષમા એટલે વિવાદો પર કાયમી વિરામ, ક્ષમા એટલે મહાવરો જેને જીવનમાં કેળવી શકાય,  ક્ષમાં એટલે વાણી અને આંખોથી આપેલી ઔષધી જે આયખુ વધારી શકે, ક્ષમા એટલે ઇગોને ઓગાળવા માટેની ઉષ્મા અને હુંફના બીજનું વાવેતર. વાત કંઇ પણ હોય ત્યારે સાચું શું? એ વ્યક્તિએ વ્યક્તિએ બદલે છે. ક્ષમા એટલે હું પણાના સાચા હોવાના દાવાને ડામ દઇને સામેવાળાની સહજતાનો સ્વીકાર. પછીથી હકીકત સમજાવી અને જણાવી શકાય. આ બ્લોગ પર હિલોળા લેતા વાક્યોના દરિયામાં કોઇ શબ્દોના મોજાથી મનના ઘા પર ક્યારેક ખારાશ લાગી હોય તો મિચ્છામી દુક્કડમ...!!


Tuesday, August 30, 2016

દેશના સમાજને ખરેખર જોઇએ છે શું?

                            સૌની યોજનાના સૂર્યોદયને લોકતિલક કરવા ચાલુ વર્ષે પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા, પાણીના પાયલોટ પ્રોજેક્ટનું લોકાપર્ણ અને પ્રથમ સભા સંવાદ પાછળ વિધાનસભા 2017 ચૂંટણીનું જોડાણ હોવાનું ચર્યાય રહ્યું છે. જો કે ઓગષ્ટ 2015થી શરૂ થયેલા આંદોલનો કોઇ પણ સરકારી કાર્યક્રમ સામે વિકટતા ઊભી કરી રહ્યું છે. પટેલ, દલિત, એસસી, એસટી, ઓબીસી સહિત તમામ નાની મોટી જ્ઞાતિઓનું સંગઠન નકારાત્મક વેગથી ઉપસતુ જાય છે. ક્યાંક ને ક્યાંક વિરોધ, બળવો અને માગને વોટ સાથે જોડીને જોર બતાવવાની હોડ જામી છે ત્યારે હક, અધિકાર અને જરૂરિયાત સામે ફરજ, જવાબદારી તેમજ નૈતિકતા જેવા તત્વો વગર તડકે સુકાઇ ગયા છે. ગુજરાતનો પ્રતિષ્ઠિત અને લેન્ડ લોર્ડ કહેવાતો વર્ગ ઉચ્ચ વિચાર તથા સાહસિકતા સાથે તળિયે બેસવા માગે છે. જ્યારે નિન્મ કક્ષાના વર્ગના અત્યાચારો થકી વિરોધના વહેણ સતત વહેતા થયા છે જેની અસર શાંતિપુર્ણ ગુજરાતના વાતાવરણને થઇ છે. કકરાટ અને વિખવાદનો ઉકરડો ઠલવાતા એક આખી પેઢિ ખોટી રીતે પ્રભાવિત થાય છે જેમાં બુધ્ધીજીવીઓ સારા નેતાના ગુણો જોતા હોય છે. આંદોલન કોઇ પણ હોય જીદ્દ અને તીવ્રતા વધે એટલે હિંસામાં હોમાવવાની શરૂઆત આ પ્રવાહને વેગ આપનારથી થાય છે. જમીન સાથે જોડાયેલી પેઢિની વિશાળ સંખ્યા જ્યારે હલકા થવાના પ્રયાસો થકી હકની વાત કરે છે ત્યારે ફરજ બજાવવાની વાત અંધારે મૂકાય છે. 'ડર્ટી જોબ્સ' કરતા વર્ગના લોકો જાહેરમાં પોતાની જ્ઞાતિ બોલતા ખચકાય છે પણ દેશના પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ વહેતી મૂકી સમકક્ષ-સમાનતાની વિચારધારા વહેતી કરી છે એમ કહેવાામાં કંઇ ખોટું નથી.

                              જાટ આંદોલનમાં થયેલી હિંસા અને અનામત આંદોલન વચ્ચે  અનામત માંગ, હિંસા, જીદ તથા લડી લેવાના ઝનુનની મુદ્દાઓ સ્પષ્ટ છે. ખેતિ કરવા પ્રત્યે મોઢું ફેરવતી પેઢિને કારખાના નાંખીને સ્ટાટઅપ કરવું છે, વિદેશમાં વ્યાપાર વધારવો છે, સરકારી 'રાહત' પણ જોઇએ છે પણ જ્ઞાતિવાદનું ઝેરી કેમિકલ મનમાંથી ઓગાળવું નથી. હક માંગીએ છીએ ભીખ નહીં પણ દેશનો કોઇ એક નાનકડો વર્ગ એમ તો બોલો કે અમારી ફરજ અદા કરીએ છીએ, આખરે વર્ગ આવે છે તો સમાજમાંથી જ ને? લાખોની ગાડીઓ લઇને નંબર પ્લેટ પર ચોક્કસ રંગના પટ્ટા લગાવીને, સાઇન સિમ્બોલ તેમજ પોતની જ્ઞાતિ લખાવીને, કિંગ સ્ટાઇલના નંબર થકી પોતે બાપ હોવાનું પ્રેઝન્ટેશન કરે છે જ્યારે ટોલટેક્સ અને ઇનકમ ટેક્સ માટે લાગતા વળગતાને ફોન કરીને છટકબારી શોધે છે. લાખોની ગાડી સામે ટોલટેક્સની રકમની તુલના કરો તો નજીવી રકમ રહેવાની. દેશના એક પણ નેશનલ હાઇવે પરના ટોલટેક્સની રકમ ચાર કે પાંચ આંકડામાં નથી.

                             વિદેશમાં પણ સફાઇ 'કર્મચારી' છે જેના માટે કામ મોટું છે પણ આપણે ત્યાં ખાટલે મોટી ખોટ એ છે કે દેખાડો મોટો છે. સવારે કચરો લેવા આવનારને કચરાવાળો કહીએ છીએ. વાસ્તવમાં કચરાવાળા તો આપણે  કહેવાય કારણ કે આપણી પાસે કચરો છે જે આપવાનો છે. દા.ત. જેની પાસે કાર છે તે કારવાળો, બંગલો છે તે બંગલાવાળો. આવા કામ કરનારો વર્ગ ગર્વ લેવાના બદલે શરમ અનુભવે છે. તેમની નોકરીના કોન્ટ્રાંક્ટ સામે કાયમી થવાના પ્રશ્ર્નોથી અવારનવાર હડતાલ પડતા કચરાના ગંધાતા ડૂંગરોનું માનવસર્જિત સર્જન થાય છે ત્યારે રોષના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. પ્રદર્શનના એક્સપોઝ સાથે માંગ ઊઠે છે. અમારે આ જોઇએ છે એ પણ મફત. જંગલના રાજા સિંહને પણ ભૂખ સંતોષવા કોઇ જીવનું ભંગાણ કરવું પડે છે. તો પછી નોકરીમાં સ્કિમ શા માટે? ખરેખર તો દેશની પ્રજા સેલિબ્રેશન કરવામાં સફળ અને એડોપ્ટ કરવામાં એક્સપર્ટ છે પણ કામ કરવામાં ડિસ્કાઉન્ટ શોધનારી પ્રજા છે, મેક્સિકન પીઝા મેક્સિકોમાં નહી ખવાતા હોય પણ દેશમાં ખવાય છે, ચીનમાં લોકો સ્ટિકથી ખાય છે અને આપણે ત્યાં ચાઇનીઝ 'ભેળ' જગન્નાથપુરથી જામજોધપુર સુધી મળી રહે છે. ગજબની સ્વિકૃતિ... દેશનો એક બહોળો વર્ગ શિક્ષિત થતો જાય છે પણ પ્રસંન્નતાને પોંખવામાં શબ્દો ખૂંટે તેવી માનસિકતા પ્રવર્તે છે જ્યારે બાલમંદિરમાં ય શિખવ્યું ન હોય તેમ છતા ટીકા કરવામાં અને કોઇને વોખડવામાં પીએચડી છે. એક આખી પેઢિ જ્ઞાતિ કેન્દ્રિત પરંપરામાં કામ કરવા માટે મચી પડી છે સારી વાત છે નવી ટેકનોલોજીના સ્પર્શથી સંધર્ષ યાત્રા સિમિત બનતી જાય છે, કામને નવા રંગરૂપ મળે છે. જે પેઢિને કામ સાયકલરૂપી કાર્યમાંથી ફંટાવવાની છૂટ છે ત્યાં તેમના મનમાં ક્વોટાના બીજ વાવીને લાભ લણવા માટે આંબા બતાવવામાં આવે છે. વિચારસરણી સાથે જ્ઞાતિની ચ્વિંગમ જાણે દિવાળીમાં દિવાલો પર પ્લાસ્ટિક પેઇન્ટ ચોંટે એમ ચોંટી ગઇ છે. પાછી પાણીમાં લીલની જામી પણ ગઇ છે. આવા સમાજનું ચાલે તો ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગની જ્ઞાતિ પણ પૂછી આવે, બિલ ગેટ્સને પોતાની જ્ઞાતિના બ્રાંડ એમ્બેસેડર બનાવી દે, સ્પીલબર્ગને પોતાના સમાજની ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે આપી દે.

                                     ગાય (આ શબ્દ લખતા પણ બીક લાગે જાણે કોઇ જીવ દયા પ્રેમી તૂટી પડવાનો હોય) કાયમ સંવેદનાનો મુદ્દો રહ્યો છે એમ સમસ્યાઓની વિશાળતા વચ્ચે વિકાસ ત્યારે જ શકય છે જ્યારે જ્ઞાતિવાદના વિષના સ્થાને વૈવિધ્યનું વિટામીન વિચારમાં જમા થશે. દેશને જગતની હરોળમાં પ્રથમ આવવું છે પણ દેશવાસીઓને કંઇક આપવાની જગ્યાએ દેશમાંથી જ કંઇક લૂંટી લેવું છે. મહાસત્તા બનવાના વલખા મારવા કરતા માનવજાતે શિસ્ત પાલનની કેળવણી કેળવવી પડશે, પારકા રાષ્ટ્રનું કંઇક એડિટ કરીને પોતાનું કરવા કરતા સર્જનાત્મકતાનો સરવાળો કરવો જોઇએ, જ્ઞાતિવાદના સીમાડાને સાઇડમાં મૂકીને ક્રિએટિવીટી પર ધ્યાન અને ફલેક્સિબલ વિચારધારા અમલમાં મૂકનારા સમાજનો દેશના વિકાસ સાથે ગ્રોથ નિશ્ર્ચિત છે

આઉટ ઓફ ધ બોક્સઃ સારી અને સાચી વાતને સ્વીકારવામાં સમય નથી જતો એટલો સમય એને અમલમાં મૂકતા જાય છે


Sunday, August 28, 2016

ઇન્ડિયા ડીજીટલ અને ડેટા ક્રિટીકલ

                          
                         ટેકનોલોજીના વિશાળ સમુદ્રમાં હિલોળા લેતી સર્વિસ, વેબસાઇટ, પોર્ટલ, એપ્લિકેશન અને ડીવાઇસની અમાપ શ્રેણીએ માનવજીવનનો શારીરિક શ્રમ ઓછો કર્યો છે. જ્યારે દિમાંગી કરસર વધારી છે. ઇન્ટરનેટની જાદુઇ દુનિયામાં બદલતા ચિત્રોથી વ્યક્તિનું આઉટપુટ સોફ્ટકોપીમાં સમાયું ગયું છે, રોજમેળના ચોપડાઓ અને ખરિદી માટે વસ્તુઓની યાદી પણ હવે સિમેન્ટ ઇંટમાં ચોંટે એમ સ્ક્રિનમાં ચોંટતી ગઇ છે. પરંતુ, જ્યાં દસ્તાવેજોના દરિયાને ઓનલાઇન માધ્યમના વાળામાં બાંધવાની વાત છે ત્યાં ભારત માટે ડીજીટલ ઇન્ડિયાના પ્રોજેક્ટ કરતા પ્રોટેક્ટ ડેટાનું અભિયાન હવે અનિવાર્ય છે. સિસ્ટમમાં એન્ટિવાઇરસ રન કરાવવાથી વાઇરસ ફ્રી જરૂર થઇ શકેપણ ઇન્ટરનેટના પદડા પાછળ આપણી જ કોપીઓ ચોરાય, લીક થાય, સોશ્યિલ મીડિયામાં વાઇરલ થાય ત્યારે કોઇ વિસ્ફોટના અવાજ કરતા મોટો હોબાળો મચી જાય. દેશની સુરક્ષા પાંખો માટે ગૌરવ લેવા જેવું છે કે ગમે તેવા હુમલાને માત્ર જડબાતોડ જ નહીં પણ ટાંટિયાતોડ જવાબ આપવા માટે સશક્ત અને સક્ષમ છે. શાબ્દિક રીતે ઘા કરવામાં આપણા ભાષણપ્રેમી નેતાઓ જ કાફી છે.
               
                        સ્કોર્પિયો સબમરિનના દસ્તાવેજ લીક થતા સુરક્ષા પાંખની આંતરિક અવસ્થા પર સવાલોના મેધ વરસ્યા, સ્પષ્ટતા કરવી પડે એવી બબાલ થઇ ગઇ અને લીકેજના રેલાથી દેશનું ગૃહમંત્રાલયનું વાતાવરણ ભેજવાળુ થઇ ગયું. અતિ આધુનિક પ્રોટેક્શન સિસ્ટમ, એનેટોમી, સિસ્ટમ વર્ક ફ્લો,ફ્રિકવંસી, સ્પીડ, મોટર ફોર્મેટ, રડાર ડિટેક્શન, સેંસર, જીપીએસ, ગ્લાસ મટિરિઅલ્સ જેવા 50 થી વધારે પાસાઓના 25000 જેટલા પાના ફ્રાંસની નિર્માતા કંપનીમાંથી ચોરાયા અને દાવો ઓસ્ટ્રેલિયાના અખબારે કર્યો. એક બાજુ આપણો પાડોશી દેશ જંગલીની જેમ ફુંફાડા મારે છે એવામાં લીકેજ જેવા મુદ્દાઓથી તેને દોડવું હતું ને ઢાળ મળ્યો. જો કે મુશ્કેલી ઊભી ન થવાનો અને આ મુદ્દે પ્રહાર થવાની તક આડે કાશ્મીરનું વણઉકેલાયેલું કોકડું છે. સમસ્યાઓને ટાળવા કરતા તેનો ઉકેલ મહત્વનો છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, સબમરિનના ડેટા લીક થયા એમા ચિંતા જેવું નથી. ઓસ્ટ્રેલિયાના અખબારે સબમરિનની વેપનરી સિસ્ટમનો ઉલ્લેખ કર્યો નથી. પણ આટલી મોટી સંખ્યામાં દસ્તાવેજોના પાના લીક થાય ત્યારે દિલાસો અપાતા જ શકના સીમાડા દેશના ડીફેન્સ સેક્ટરમાં શરૂ થાય એ સ્વાભાવિક છે. આ એ જ ફ્રાંસ  અને ઓસ્ટ્રેલિયા છે જેની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી અને સુરક્ષાની વાત કહી હતી. આ ઘટનાથી હવે ફ્રાંસથી ચેતવા જેવું છે કારણ કે ચેતતો દેશ સદા સુખી. આપણો દેશ સાયબર હુમલાઓ માટે કાયમ સોફ્ટ ટાર્ગેટ રહ્યો છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ડેટા થેફ્ટ (ડેટા ચોરી)ની એક વર્ષની ફરિયાદનો આંકડો 700ને પાર છે. આ અંક સરકારી અહેવાલમાંથી છે. મુંબઇમાં શેરબ્રોકરની આખી પેઢિઓ સર્કિટનો ડેટા ચોરતી ઝડપાય હતી. વર્ષ 2014માં પાઇરસી પાછળના રીસર્ચમાં અને ડેટા ચોરીમાં મુંબઇ અવ્વલ નંબરે હતું.


                         ગુજરાતના ઊનામાં દલિતોને  ઢોર માર મારતો વીડિયો વાઇરલ થયો એ પહેલા તો લીક થયો હતો. પછી સોશ્યિલ મીડિયાના ઉછ્ળતા મોજા છેક દિલ્લી સુધી પહોંચ્યા. જેનાથી પ્રજાના વોટપ્રેમી નેતાઓ સંવેદના ભીના થયા. પાનામાં પેપર્સ પણ લીક થતા અભિનેતાઓના મનમાં ભૂકંપ આવ્યો અને સૌ પોતપોતાના મમરા મૂકવા (ટ્વિટ કરવા) લાગ્યા. શાહિદ કપૂરની ફિલ્મ 'ઉડતા પંજાબ' વિવાદોમાંથી મુક્ત થતા પૂર્વે સેંસર કોપી લીક થઇ ગઇ. આ ઓરિજીનલ કોપી હતી. નવાઝુદ્દિન સિદ્દીકીની ફિલ્મ 'માંઝી' રીલીઝ થવાના 10 દિવસ પહેલા લીક થઇ હતી. લો હવે બનાવો લીસ્ટ. ફિલ્મ 'બજરંગી ભાઇજાન', 'બ્યોમકેશ બક્ષી', 'પાપનાસમ', 'પા', 'તેરા ક્યા હોગા જાની', 'મહોલ્લા' જેવી કોન્સેપ બેઇઝ ફિલ્મો લીક થઈ જતા થતી રોકડીની નાવ થોડા સમય માટે કોઇ દરિયા તોફાનમાં સપડાઇ હોય એમ લાગતું હતું. ફિલ્મ પ્લેયર્સમાં જેમ સોનમ કપૂર ટ્રાફિસ સિગ્નલ સિસ્ટમમાં સરેઆમ ટેકનિકલી ચેડા કરીને વાહવવ્યહારમાં ભંગાણ પડાવે છે. ખરેખર કોઇ પણ સિક્રસી કે સિક્યુરિટી બ્રેક થવાામાં ફિલ્મ 'ઝમીન'માં જે રોલ સુબેદાર પુરીનો હોય છે એવો વાસ્તવિક રીતે કોઇનો હોય છે. જે સિસ્ટમમાં રહીને પૈસા આપતા ગુરુઓની ઇચ્છા 'પુરી' કરતા હોય છે. હાલમાં આવેલી ફિલ્મ 'રૂસ્તમમ' આવીને દેશની સત્યઘટના પરથી પડદો ખુલ્લો થયો. ખરેખર આવા કિસ્સાઓમાં જ નહી પણ અન્ય બનાવોમાં જેને કંઇક ખબર હોય છે તે જ પોતાના ખિસ્સા ભરવાની લ્હાયમાં ખોટને ખો આપે છે.

                        જેમ ઓનલાઇન સાઇટ માટે ભારત મોટું માર્કેટ છે એમ ડેટા ચોરી માટે એક હબ છે. દેશમાં નેટવર્કના ધાંધિયા વચ્ચે પોકિમેનને કોઇ શોધે એમ વાઇફાઇ અને નેટની સ્પીડ માટે વલખા મારતો એક વર્ગ પોતાના એકસેસ પાછળ ઘણુ બધું શેર કરતો રહે છે. નેટ ચાલુ થતા આપમેળે વહેતા આ ધોધને અટકાવવો કઠિન છે. જેમાં લોકેશન ટ્રેક, મોબાઇલ નંબર,ડેટા પેક, મોબાઇલ પીંગ, સર્ફ અને ડાઉનલોડ સુધીનો ડેટા સર્વિસ પ્રોવાઇડર સુધી પહોંચે છે. આ લખનારનું બેગ્રાઉન્ડ પર આઇટીનું છે એટલે આ આખી પ્રોસેસ નજરે નીહાળેલી છે. ટેકનોલોજીની રસપ્રદ અને રોમાંચક દુનિયામાં કોઇ ગુપ્ત માહિતી જાહેર થઇ જાય ત્યારે સવાલ એ પણ થાય કે ખરેખર જગતમાં સિક્રેટ છે શું? જો કે ટેકનોલોજીને ટેસ્ટ કરવા તૂટી પડતા હેકર્સ સમગ્ર સિસ્ટમનુું પરિક્ષણ કરે છે સારી વાત છે પણ જો ખરેખર ડીજીટલ સિક્યુરિટી આપવી જ હોય તો દુબઇ શહેરના એરપોર્ટ જેવી હોવી જોઇએ જ્યાં હાર્ટબિટ અને રેટિના (આંખ) સ્કેન સિસ્ટમ છે. તમારી મધુર વાણી ખોટું બોલી શકે પણ દરેક વ્યક્તિએ બદલતા ધબકારા અને આંખ નહીં. ચીનમાં ગુગલના સ્થાને પોતાનું એક સર્ચ એન્જિન છે એટલે ત્યાં કોઇ ચિતરી ચડે એવો કચરો પીરસાઇ એ સવાલ જ આકાર નથી લેતો. બેંકોક ભલે 'જલસા' કરાવા માટે જાણિતું હોય પણ ત્યાંના દરેક મોલ ફ્રિ વાઇફાઇ ધરાવે છે પણ તમારા સર્ફમાંથી જો કોઇ શંકાસ્પદ ડેટા તમારી નજરની અનુમતી સાથે પાસ થાય તો ત્યાં જ તમારી પૂછીપૂછીને ગંધ નહીં પણ શરીરના દરેક છિદ્રમાંથી પરસેવો નાછુટકે છોડાવી દે. આને કહેવાય ફેસેલીટી વીથ પ્રોપર સિક્યુરિટી.

                        ટેકનોલોજીની દુનિયામાં કરવા હોય એવા ચેન્જ થાય અને જોઇએ એટલા ચાન્સ પણ મળી રહે. કારણ કે ટેકનિકલી ભારતમાં આઇટી લો કોસ્ટ રિસોર્સથી મળી રહે છે. દેશના રેલતંત્રની વેબસાઇટ સાઇબર હુમલાથી ઘવાયેલી છે, ત્યાર બાદના લક્ષ્યાંક પર બેંકની વેબસાઇટ, પછી માર્કેટના ડેટાની ચોરી, મોબાઇલ રિચાર્જ સાઇટ, મોંધીબ્રાંડની ફ્રેંચાઇઝીઓ અને સરકારી વેબસાઇટ પર ટાર્ગેટ કાયમ હોય છે. દેશની 108 બિલિયનની આઇટી ઇન્ડસ્ટ્રિનો ડેટા ખૂબ મોટા રિસ્ક નીચે જીવે છે. ટ્રાફિક સિગ્નલ તોડનારા ઇન્ટરનેટ પરની સિક્યુરિટી તોડે આ વાતને પચાવવી અઘરી એટલા માટે છે કારણ કે આમ કરવું સહેલું નથી. ચોરી ત્યાં જ થાય છે જ્યાં કોઇને જે તે વસ્તુની 'પુરી' ખબર હોય છે. બસ માધ્યમ અને રસ્તા જૂદા હોય છે. દેશનું પ્રથમ સાઇબર પોલીસ સ્ટેશન બેંગ્લોરમાં છે ત્યારે સૌથી વધુ સાઇબરના ગુના ત્યાં જ છે જેની સંખ્યા ડબલ ડીજીટમાં તો નથી જ. ડીજીટલ ડેવલપમેન્ટ આવકાર્ય, સ્વીકાર્ય અને અનિવાર્ય છે પણ ગુપ્તતા ન રહે, ડેટાનો ડાટ વળી જાય અને ઘોર ખોદાય જાયે એવા વિકાસની કોઇ જરૂર નથી.

આઉટ ઓફ ધ બોક્સઃ ટેકનિકલી આધિનતા ક્યારેય ન આવવી જોઇએ કારણ કે મશીન કરતા સારા માણસોની દેશને સૌથી વધુ જરૂર છે.

Wednesday, August 24, 2016

મેળોઃ મોજ મસ્તી અને મીઠાશ

                             
                               તહેવાર અને ગુજરાતનો સંબંધ ખૂબ મજબૂત છે. નવરાત્રિ ગુજરાતની ઓળખસમો તહેવાર છે પણ જન્માષ્ટમીનો મેળો સૌરાષ્ટ્રના અનેક ઉત્સવોમાં આઇકોન છે. જો કે સૌરાષ્ટ્રના મેળાઓ અને મેળામાં સૌરાષ્ટ્ર બંન્ને ઉજવણીના માધ્યમ કરતા સ્નેહમિલનની સિઝન છે એમ કહી શકાય. જુલાઇ મહિનો તહેવારોની પા પા પગલી નો જ્યારે ઓગષ્ટે ઉત્સવોનું મધ્યાહન છે. મધ્યાહન વિશે અનેક વિચારોને શબ્દો મળ્યા છે. શ્રાવણ માસ એટલા ભાંગ ભભૂત અને ભસ્મના દેવનો મહિનો. સંહારક દેવના પવિત્ર મહિનામાં સર્જનહારે સૃષ્ટિમાં આંખો ખોલી. જાણે કુદરતને પણ આધ્યાત્મની સાથે ઉપાસના, ઉપવાસ તથા જપ-તપનું સિંચન કરવાનું હોય. શ્રાવણના ત્રીસ દિવસનું મધ્યાહન એટલે ગોકુળ આઠમ, તહેવારોનો ધમધમાટ, આરાધના સાથે નવી ઊર્જા અને શક્તિનો સંચય કરવાનો તરવરાટ.
તસવીર વિશ્ર્વાસ ઠક્કર
             રક્ષાબંધનથી શરૂ થતા પર્વમાં અષ્ટમીનો મેળો કેન્દ્ર સ્થાને છે. જો કે મેળાની મજા ખરેખર સૌરાષ્ટ્રના શહેરોમાં છે. અઠવાડિયા પૂર્વે શહેરને ધજા પતાકાથી સુશોભિત કરવામાં આવે જાણે આધુનિક યુગમાં વૈકુંઠ તૈયાર થયું હોય. પાંચ-છ દિવસ મેળાની મોજ સાથે પરિવારમિલન પણ થાય છે. ગુજરાત પંથકમાંથી સૌરાષ્ટ્ર બાજૂ જતી બસ, ટ્રેનમાં ચિક્કાર ભીડ માદરે વતનનો મહિમા સ્પષ્ટ કરે છે. ભાતીગળ મેળાની મજા ચકડોળથી લઇને ચાટ મસાલાની લારીના ખાનપાન સુધી માણવી જોઇએ. હૈયેહૈયુ દળાય અને રજા પડતા હરવા ફરવાના શોખીનોનો 'મેળ' પડી જાય. ઘણાને મેળામાં પણ મેળ થઇ જાય. વિદેશી રાઇડ્સની સિરીઝ વચ્ચે મેળાના ગીત માત્ર દાંડિયા રાસ પુરતા જ સિમિત રહ્યા છે. મેળાનો માનવજાત સાથે સંબંધ પાષાણયુગ જેટલો જૂનો છે. કૃષ્ણજન્મની વધામણી સાથે ભક્તિભાવ અને ભાવતા ભોજનીયાની મીઠાશમાં મોંધવારીની મિસરી દુધમાં સાંકરની જેમ ભળી ગઇ છે. બાકી તો લીસ્ટ બનાવવું પડે એટલા મેળા છે. અંબાજી શક્તિપીઠ સ્થાનકે ભાદરવી પૂનમનો મેળો, કારતક સુદ અગીયારસથી પૂનમ સુધી મોશ્ર્વોનદીના કિનારે શ્યામળાજીનો મેળો, કાર્તિક સુદ તેરસ, ચૌદસ અને પૂર્ણિમાના દિવસે સાગરકિનારે સોમનાથમાં મેળો, સિધ્ધપુરનો મેળો જેમાં ભાવિકો રાત્રે સ્નાન કરી નદીના પટમાં રાત્રી પસાર કરે છે. સસ્તુ ભાડું અને સિધ્ધપુરની યાત્રા.

              કહેવતની જેમ એક વાર માતૃશ્રાધ્ધનું મહત્વ ધરાવતી આ ધરાની યાત્રા એકવાર કરવા જેવી છે, ભાંગ, ભભૂતી, સાધુ બાવાઓના ખેલ અને રવાડીની રોમાંચક યાત્રા એટલે ગરવા ગીરનારના ખોળામાં આવેલા ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો, લ્યો આ લીસ્ટને હજૂ આગળ વઘારીએ...સૌરાષ્ટ્રની શાન સમા રાજકોટનો લોકમેળો જેમાં દરવર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે, માધવપુરનો મેળો, સુરેન્દ્રનગરના થાન પાસે યોજાતો ભાતીગળ સંસ્કૃતિના અપાર વૈવિધ્ય સમાન તરણેતરનો મેળો, અમદાવાદ જિલ્લાના ધોળકામાં યોજાતો વૈઠાનો પશુમેળો, દેશમાં સૌથી મોટો પશુમેળો રાજસ્થાનના પુષ્કરતીર્થમાં ભરાય છે પણ વૈઠાના મેળામાં ગધેડાઓનું પણ પ્રદર્શન કરવામાં આવે છે, ડાંગમાં હોળીના દિવસોમાં આદિવાસીઓનો મેળો, ફાગણ વદની ચૌદસે સાંબરકાંઠાની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ગુણભાખરીનો કહેવાતો મેળો, પંચમહાલમાં હોળી પછીની પાંચમ, સાતમ કે બારસના દિવસે યોજાતો ગોળનો મેળો જેમાં એક માંચડો તૈયાર કરીને ગોળ ભરેલી પોટલી સુધી વિધ્નો પાર કરીને પહોંચવાનું હોય છે, ઊંઝાથી નજીક પુષ્પાવતી નદીના કિનારે ચૈત્ર સુદ સાતમના દિવસે હરસિધ્ધી અને આગીયા વીર વૈતાળનો લોકમેળો, ફાગણ વદ દસમ અને અગીયારસના દિવસે મહેસાણામાં પાલોદર ખાતે ચોસઠ જાગણીઓનો મેળો, વીસનગરના વાલમ ગામે ગાડાને શણગારીને હાથિયાઠાઠું બનાવવામાં આવે છે જેને હાથિયાઠાઠુંના મેળાથી ઓળખવામાં આવે છે, ચૈત્રી રામનવમીથી તેરસ સુધી ચાલતો પોરબંદર પાસે આવેલા માધવપુરઘેડનો મેળો, ચૈત્રી પૂનમે બહુચરાજીમાતાનો પ્રાગટ્ય ઉત્સવ હોવાથી તે બહુચરાજીના મેળાથી ઓળખાય, જન્માષ્ટમીએ ડાકોરમાં રણઠોડરાયનો મેળો, આ કુલ મળીને ગુજરાતભરમાં 1521 જેટલા મેળાઓ ભરાય છે જેમાંથી 800 જેટલા મેળાઓ સૌરાષ્ટ્રની ધરતી પર યોજાય છે, જે દરેક મેળાનું સામાજિક અને ધાર્મિક મહત્વ છે. પુરાણોની કથા જોડાયેલી છે. હા, આ તમામ મેળામાં 'ફન' છે પણ 'ફનફેર' કહેવાતો નથી.

                              જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ માટે ભલે ગમે તેટલું મોટું ગેટ ટું ગેધર ગોઠવાય પણ મેળા જેવી માસુમિયત નથી, મેળામાં મળ્યા હોય એને ખ્યાલ હશે કે તે મિલનની વેળા જીવનભર યાદ રહી જાય અને જેવી સાતમ આઠમ આવે ત્યારે એ યાદ મીઠાઇ પર સોનાના કે ચાંદીના સ્વાદિષ્ટ વરખ ચડે એમ  તાજી થાય. મોલ અને મલ્ટિપ્લેક્સના યુગમાં રૂકરૂકખાન કે સલિયા ફિલ્મ ભલે રીલિઝ થાય પણ લોકમેળાનું સૌદર્ય ઓછું થયું નથી. સૌરાષ્ટ્રના દરેક નાના મોટા નગર નદી કિનારે વસેલા છે. એ નદીના પટમાં મેળાનું આયોજન થાય છે પણ હવે ધીમે ધીમે પટ બંધ થતા ગયા અને મેળાઓ બીજા ખસતા ગયા. મેળામાં જેટલી સુરક્ષા હોય છે એટલી સુરક્ષા નદીઓની અને તેમાં સાફ સફાઇ માટે શ્રમયજ્ઞ કરવામાં આવે તો મેળાની રોશનીથી આસપાસની નદીઓ પણ દીપી ઉઠે. આ વખતે દહીંહાંડીમાં કોઇ બાળગોપાલ મટકી ફોડતા જોવા નહીં મળે, આ પણ એક મેળો જ છે ને? ખરેખર તો દ્વેષની મટુકી ફોડીને સંપ-સહકારનું ગોરસ વહેચાવું જોઇએ. પરંતું, 'હું' પણાનું જામી ગયેલુ પળ પલડતું નથી એટલે જ શ્રાવણની સાતમ આઠમ 'રમવાની' અને 'રમાડવાની' ઋતુ બની ગઇ છે. આ તમામ મેળાઓમાં વૈવિધ્ય જોવા મળે અને દરિયાની વિશાળતા કરતા પણ મોટી મોજ આવે. મૂડ બદલે એ મેળો. કોઇ પણ તહેવારની એક મીઠાશ હોય છે જેને ચાખવા માટે તહેવારને દિલ ખોલીને માણવો પડે, મોબાઇલ, ટિવી કે ટેબલેટની સ્ક્રિન પર જોઇને તેનો અહેસાસ ન થાય, મેળા સાથે સાહસ, સૌદર્ય અને સૌપણું જોડાયેલું છે, નટના ખેલ, મોતના કુંવા અને મદારી સાપના ખેલ સાથે સાહસ છે જ્યારે મેળામાં પ્રવેશ કરતી વખતે વાંસની વાસલડી વગાડનાર ભલે અબુધ કે અભણ હોય તેની ફૂંકમાંથી નીકળતા સૂરમાં એક સૌદર્ય છે અને પરિવારના તમામ લોકો મેળામાં જાય તેમાં સૌપણું છે

આઉટ ઓફ બોક્સ
આનંદની અનુભૂતિ કરાવે એ તહેવાર અને તહેવાર એટલે ટ્રેડિશન પ્લસ ઇમોશન.

Wednesday, August 10, 2016

ગાય- મૌન તોડાવે અને મત અપાવે

                 કોઇ એમ કહે કે ગાય દૂધ આપે છે. સાચી વાત છે પણ હવે તો ગાય મત પણ અપાવે છે. ગાયના નામે ચાલતી તકરારના તણખા દેશની સાંસદમાં એવા થયા કે ગુજરાતમાં એક પોલિટિકલ ટુરની સિઝન આવી. નેતાઓ મફતમાં મત માંગી જાય છે અને લઇ જાય છે. પણ હવે તો ખાદીધારીઓ અને મફલરધારીઓ મફતમાં ચા પી જાય છે જો કે આપણા દેશમાં લુખ્ખેશ લોકોની કમી નથી. જ્યારે સત્તા અને સમય સાથ આપતો હોય ત્યારે ગાંડા પણ રાજા બની જાય એવામાં  જ્યારે સુટબુટવાળી સરકારને એક સપ્તાહના અંતે સમય મળે છે ગાયના વિવાદિત મુદ્દાને ઉકેલવાનો. પોતાના રાજકિય હિત માટે કંઇ પણ રીત લડી લેનારાઓ દિલાસો આપવા અને રોકડની લ્હાણી કરવા થનગનતા હોય છે પણ જેને આવી બદમાશી, લુચ્ચાઇ, લુખ્ખાગીરી અને રાક્ષસી વર્તન કર્યુ એના ડામ પર મીઠું તો છાંટો. કડક સજા અને ત્વરિત નિર્ણયથી બનેલી વસ્તુ ફરી થવાની નથી પણ પુનરાવર્તન ન થાય એ માટે પણ એક ઉદાહરણ જોઇએ. જીવનના વણાંકને સીધા કરવામાં જેટલો સમય વીતે છે. એટલો સમયે કોઇને સમજવામાં અને સમજાવવામાં પસાર થાય તો તીવ્રતા હળવી થઇ જાય. ઊનાકાંડ પર ચાબખા મારીને વહેતી ગંગાને ચાખનારા આસ્થા અને શ્રધ્ધાની વાત કરે ત્યારે નવાઇ લાગે.
               
         ઘટના બની જાય  અને દિવસો પસાર થતા પરિસ્થિતિ લીલની જેમ જામી જાય પછી એના પરથી કોઇ લપસે નહીં તે માટે 'લોકનેતા' 108ની જેમ દોડી આવે. બિચારી ગાયનો પ્રભાવ કંઇ ઓછો થોડી અંકાય? ગાયના છાણમાંથી ખાતર બને અને ખુરશી પણ જાય. મૌનપ્રિય પીએમ મોદીને પણ ઊનાની ઘટનાના 22 દિવસ બાદ ગોરક્ષોકોની ગુંડાગીરી સામે માત્ર આંખ લાલ કરવાનું યાદ આવે. આ મૌન તૂટે અને મામલો છૂટે.હ્દયની સાંત્વનાથી સંવાદ સુધીની ઘટના પાછળ વોટનો હેતુ સ્પષ્ટ છે. પક્ષ કોઇ પણ હોય આવો મુદ્દો પડતો ન જ મૂકાઇ. જેમ દેશમાં ઋતુચક્ર યથાવત છે  તેમ સમસ્યા અને સવાલોની પરંપરા કાયમી છે. દાદરીની ઘટનામાં પણ ગાયના માંસની વાત હતી. ઊનાની કહાનીમાં પણ ગાય હતી. વરસાદ ખેંચાતા ગાયના ઘાસચારા માટે પણ માછલા ધોવાય પણ હવે થોડું પ્રેક્ટિકલ જોઇએ. ચા-પાન અને રેંસ્ટોરના બિલ કાઉન્ટર પર ગાયની આકૃતિમાં બનેલી પીગી બેંક (જેમાં એકવાર પૈસા નાંખ્યા બાદ બાહર ન આવે) જેવી વસ્તુઓમાં ગાયપ્રેમીઓ પૈસા-રૂપિયા નાંખિને ગાયના નામે ગચ્છનતી થઇ જાય પણ શું ગાયનું પેટ રકમથી જ ભરાઇ? ગૌશાળાની પ્રવૃતિઓમાં આધુનિકતાની અગરબત્તીની સુવાંસ ફેલાવવાની જરૂર છે. વિદેશમાં કોઇ ગૌપ્રેમી નથી એવું નથી. જેમ માણસની સોસાયટી, માછલીઓ માટે પાણી, સરીશ્રૃપ માટે દર તો પછી ગાય માટે એક ઘર જોઇએ. શિસ્ત અને સંસ્કૃતિની વાત કરનારી સંસ્થાઓ ગાયના નામે મૂકાયેલી પીગીબેંકના નાણાનું શું થાય છે એની તપાસ તો કરો.


                       જો આટલી બધી સંખ્યામાં ઘણી બધી જગ્યાએ આવી બેંક મૂકવામાં આવી હોય તો, નાણાની સારી એવી આવક થતી હોય તો ગાય જીવે ત્યાં સુધી ભૂખે ન મરે એ વાત સ્વીકારવી પડે. પરંતુ કોઇ પણ સંસ્થાએ 'વહીવટ' કરવો પડે. કોહવાઇ ગયેલી ગાયના નિકાલ માટે થતી પ્રવૃતિમાં વટ પાડનારા ભડવીરોને રોકવા જોઇએ. જેથી આવું જોખમ ભરેલું કામ કરનારાને કોઇ માર ન પડે. ભુંડ જેવી માનસિકતામાંથી જીવદયાના બિઝનેસમેન ગાય માટે વૈજ્ઞાનિક અભિગમ વિચારે. કોઇ પણ કોન્સેપને અપનાવવામાં આપણે એટલું મોડું કરીએ છીએ કે સમયના વિલંબમાં આખો દરિયો સમાય જાય. વાતમાંથી વિવાદ થતા વાર નથી લાગતી. ગાયના માંસને લઇને કેન્દ્રમાં સળગેલા મુ્દ્દાને ગુજરાતે ઇંધણ પુરુ પાડ્યું. જેનાથી નેતાઓના વિમાન ગુજરાત બાજું ઊડ્યા. દેશભરમાં ગૌરક્ષાની પ્રવૃતિ ચલાવી રહેલા નરવીરો મોટાભાગે કોઇ દળ અને પરિષદના વતની હોય છે. ચૂંટણીમા ચટણી મળે તે માટે ઉમેદવારોની જીત માટે જીતની હાંકલ કરનારાઓ પણ આવા નવરેશ હોય છે. લુખ્ખાનું લુખ્ખેશ અેમ નવરાનું નવરેશ. ખરેખર તો ગાયના નામે રાજનીતિ અને ગૌરક્ષાના નામે ભાયગીરી બંધ થવી જોઇએ. અંતે મરો તો આમ જનતાનો થાય છે. જશખાટું જભ્ભાધારી અને કોટીધારી મામલાના ઘીને વાઢીમાં નાંખીને વાહ....વાહ... કરાવી જાય છે. જેની અસર અર્થતંત્રને થાય છે. વર્ષોથી સંપીને જીવનારી, 'ડર્ટી જોબ'ને પણ દિલથી કરનારી પ્રજાના કામને કોઇ દુશાસને ડહોળી નાંખી. સમાજમાં થતા પાર્ટીશન અંતે નેતાઓને નડવાના.

          ગાય અંગેની માન્યતાઓના સુંડલા ભરાય એટલી વાતો છે. કેટલાક વૈજ્ઞાનિક તથ્ય અને વૈશ્ર્વિક સત્ય પર એક નજર કરીએ. સ્વિત્ઝરલેન્ડમાંથી છપ્પનની છાતીથી કાળુંનાણું લાવવાની વાત કરનારાને કદાચ ખ્યાલ નહીં હોય કે સ્વિત્ઝરલેન્ડનું રાષ્ટ્રિય પ્રાણી ગાય છે. જ્યાં સો ટકા ગાયનું દૂધ (પાણી જવું નહીં) પીવાય છે. ગાય માટે એક આખું ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે જે મુખ્ય સિટીની બાહર છે જેથી શહેરમાં ગાયના પોંદરાની ખુશ્બુ ન આવે. સમગ્ર યુરોપમાં ગાયનું દૂધ પીવાય છે. ડેનમાર્કમાં સૌથી વધુ દૂધની આઇટમ બને છે. આપણા દેશના સ્વીટ હાઉસ જેવા ઉત્પાદન નહીં. પોલીથીનમાં દૂધ માત્ર ભારતમાં જ મળે છે. લંડનમાં દૂઘની ગુણવત્તા પર સરકાર મહોર મારે પછી જ વેંચી શકાય છે. અમેરિકામાં દૂધની બનાવટને ફરજિયાત ત્યાંની ફુડલેબનું પ્રમાણપત્ર લેવું પડે છે. ગાયના નામે ચરી ખાવાના બદલે આ દેશની કક્ષા સુઘી પહોંચીએ તો પણ સારૂ. હકિકતમાં દેશની અબુધ પ્રજાને ડોબા નેતાઓ કરતા સારા શિક્ષકની જરૂર છે

Sunday, August 07, 2016

કડવાશને ક્રેશ કરીને હળવાશ આપે તે મિત્ર

                 માણસના જીવનમાં વ્યવહારની સાયકલ અને વિશ્ર્વાસની બોટ કાયમ આગળ ચાલતી હોય છે સમુદાયમાં શ્ર્વાસ લેતો માણસ પોતાની ઉત્પતીથી સંગાથમાં રહેવા ઘડાયેલો છે. આદમ અને ઇવ બે જીવ. પછીથી સમાજના વિશાળવર્ગની રચનામાં એકથી વધુ અને વધુમાં એક એવા સંબંધોના શ્રીગણેશ થયા. બે વ્યક્તિ વચ્ચેના બોલવા-બોલાવવા, ખાવા-ખવડાવવા અને લેવા લઇ જવાના પરસ્પરના પૂલને ઘણા સંબંધના ટેગ લાગ્યા. પણ ઇલેક્ટ્રિકના વાયર અને ઉપકરણમાં અર્થિગ આવેને ટેસ્ટરમાં લાઇટ થાય એમ વર્ષો બાદ જેને જોઇને મળીને અને ભેંટીને એમ થાય કે યાર મોજ પડી ગઇ તે મિત્ર. મિત્રતાના સંબંધની ધણી ખરી દ્રશ્ટિને શબ્દો મળ્યા છે ત્યારે તેને ચોક્કસ અને બીબાંઢાળ વ્યાખ્યામાં બાંધી ન શકાય. છતાય ઇન્ટરનેટના વિશાળ દરિયામાંથી ગળે ઉતરે અને પચી પણ જાય તેવા ક્વોટની શ્રેણીમાંથી કેટલીક ચૂંટી કાઢેલી લાઇન્સ. મિત્ર એટલે જેને વારંવાર મળવાનું મન થાય, મિત્ર એટલે જે તમને જોઇને સૌથી વધુ ખુશ થાય, તમારી સફળતામાં સમસ્યા ઊભી કરવાના બદલે સામેથી સેલ્યુટ કરે, ઇર્ષા કરવાના બદલે આલિંગન આપીને સમજાવે, તમારી સાથે વિડીયો ગેમ કે અન્ય રમત રમે પણ તમારી પાછળ કે ઉપર ક્યારેય રમત ન રમે.
                   શાળામાં યુનિફોર્મની ચડ્ડી પહેરીને રિસેસમાં એકબીજાના ડબ્બામાંથી મન ભાવતો નાસ્તો બુકડાભરીને ખાવાનો આનંદ હતો જે આજે કોર્પોરેટ કંપનીની કેંટિગમાં સાથી મિત્રના ટિફિનમાં "થોડું વધારે લાવજે" એમ કહીને સંતોષ માનવો પડે. વાણી અને વર્તનથી પરખાતો માણસ તદ્દન વિરુધ્ધ સ્વભાવના વ્યક્તિની જિંદગી સાથે જોડાઇને જીવન વીતાવે છે એટલે દોસ્તી લગ્નજીવનમાં પણ હોય છે સપ્તપદીના વચનો પૈકીનું એક 'સપ્તમે સખા ભવ' મારા મત પ્રમાણે આ વચનને સૌથી પહેલા સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. કારણ કે વિજાતીય જીવ સાથે આકર્ષણની પ્રથમ ઇંટ તો મૈત્રી જ હોય છે ને? કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેના સંવાદમાં દ્રૌપદી કેશવ સામે હળવી થતી જણાય છે. મુક્તમને વાસુદેવના ચિત પર વિશ્ર્વાસના કાગળ મૌનની ભાષામાં લખે છે સામા પક્ષે શ્રેષ્ઠસારથી સંયમ જાળવીને અને લાજ સાચવીને સ્વરૂપ બદલીને સાથ નિભાવે છે. આ સંસ્કાર આપણને શાસ્ત્રો શીખવી ગયા. પરંતુ, આગળીના ટેરવાથી મોબાઇલની બારીમાં ફસાયેલી આજની પેઢિ જેમ દરિયામાં મરજીવા મોતી શોધે તેમ તક શોધવામાં મચી પડી છે. ઘણા ઉપરી અધિકારીઓ જાહેરમાં દોસ્ત કહીને પાછળથી પોતાની જ ટીમના ખેલાડીઓ સાથે પક્ષપાતી વલણ દાખવતા હોય છે જેની ગંધ બીજાને નથી આવતી પણ આગ જે તે વ્યક્તિને દઝાડે છે. અહીં વાત એક કોંન્ટ્રાંસની છે બાકી લાગણીના ખોટા વજનીયાથી હાથ મિલાવતા અને કાયમ તર્ક સાથે આગળ વધતા લોકો કાયમ અંદરથી એકલા જ હોય છે.

           દુનિયાદારીનું ભાન થાય અને જવાબદારીનો ભારો આવે એટલે મેચ્યોર થઇ જવાય અને સમય સાથે થવું પણ જોઇએ. આ મેચ્યોરિટીમાં મજા કરાવે તે સાચો મિત્ર. મિત્ર શબ્દ પહેલા 'સાચો' એટલા માટે લખવું પડે છે કારણે ખોટાનું તો મફતમાં માર્કેટિંગ થાય છે. યારીને ફોરવર્ડ કરીને પોતાની સાથે નવી કડી જોડવા કરતા શાળાની રિસેસમાં મળતા મિત્રોની ટીમમાંથી દરેકનો મેળો ન કરી શકાય? ટુંકમાં ગેટ ટું ગેધર.60ની બાજુ ઢળતી ઉમરે સમજણા થયા ત્યારનો એક મિત્ર મળે તો નસીબદાર કહેવાઓ. જરૂર બસ એક ટેકાની હોય છે. ક્યારેક હું પણાને મજબુત કરવામાં મિત્રતા તૂટતી હોય છે જેનું ભાન ત્યારે જ થાય છે જ્યારે અરમાનોના કાચ પર ગોફણરૂપી ઠોકર લાગે. કોઇ પણ ફ્રેન્ડશીપની ઇફેક્ટ કરતા ઇમ્પેક્ટ મહત્વની છે જેની દુંનિયા નોંધ લે છે, ગુગલના નામથી આજે કોઇ અજાણ નથી. તેના સ્થાપક લેરી પેજ અને સર્જી બીન બંન્ને ખાસ મિત્રો. અલીબાબાડોટકોમ ચીનનું પ્રખ્યાત વેબ પોર્ટલ. આ સાઇટના સ્થાપક એટલા જેકમા. આ બંદાએ પોતાના ચાર મિત્રો સાથે મળીને આ વેબસાઇટ બનાવી. જેકમાની એક ખાસ વાત નોંધવા જેવી છે કે આ વેબસાઇટ નાણા વગરના નાથિયા કહેવાતા મિત્રોએ તૈયાર કરી છે આજે કલાકમાં કરોડોની કમાણી કરે છે. વોટ્સએપ કોણ નથી વાપરતુ?? આ ટચુકડી પણ લોકોને ઘેલા કરતી એપ્સના પાયામાં પણ બે મિ્ત્રો છે. જેન કોઉમ અને બ્રિયાન એક્ટન. રિસેશન (છટણી)નો શિકાર બનેલા આ  બે મિત્રો પાસે એક વર્ષ સુધી કોઇ કામ ન હતુ,

                      એક એવી કંપનીમાંથી છુટા પડ્યા જેને સાબિત કર્યુ કે ચતુર કાગડો ઉકરડામાં બેસે. એ કંપની એટલે યાહું. જે તાજેતરમાં વેંચાઇ ગઇ. એસ્સારથી કોણ અજાણ હશે? એસ એટલે શશિન રુહિયા અને આર એટલે રવિ રૂહિયા. ભાઇઓ કરતા મિત્રો વધુ ગાઢ અને બેસ્ટ. એપલના આઇફોન પાછળ ગાંડી 'તિતલીઓ'ને કદાય ખબર નહીં હોય કે અડધા ખાધેલા સફરજન પાછળ બે ભેજા છે. આમ તો ચાર કહી શકાય કારણ કે એક માણસના બે મગજ હોય ને? સ્ટિવ જોબ અને સ્ટિવ વુઝનેક. ડિઝનીલેન્ડ વન્ડર પાર્ક બે મિત્રોના દિમાંગની પેદાઇશ છે. વોલ્ટ ડિઝની અને રોય હાર્લિ ડેવિડસન ગ્લેમર અને રોડ પર વટ પાડતા બાઇક હાર્લી વિલિયમ અને અર્થુર ડેવિડસનના સ્માર્ટ માઇન્ડની ઉપજ છે. બંન્ને બાળપણના પાક્કા ભાઇબંધ. એચપી કંપનીની કેટલી પ્રોડક્ટ માર્કેટમાં છે અને તમને કેટલી યાદ છે.? બનાવો લીસ્ટ. પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક, પ્રોસેસર....બિલ હેવલેટ અને દેવ પાકર્ડ આ બંન્ને મિત્રોએ દુનિયાને એક એવી વસ્તું આપી જેમાં કરોડો રૂપિયાનો ડેટા અહીંથી ત્યાં વગર વીજળીએ કે બેટરીએ ફેરવી શકાય. પેન ડ્રાઇવ તેનું છેલ્લું ઉત્પાદન પણ જાણીને નવાઇ લાગશે કે આ બંન્ને ભેજાઓએ મળીને એક ઓડિયો ડીવાઇસ બનાવ્યું હતુ જેને ખરિદનાર પ્રથમ ગ્રાહક વોલ્ટ ડિઝની હતા. શોક લાગ્યો ને. આવી યાદી ઘણી લાંબી છે બીજી વાર વાત

Wednesday, August 03, 2016

વિદાય કાયમ વસમી જ રહેવાની


                કોઇ પણ વસ્તુ હોય કે વ્યક્તિ તેની એક અવધી નિશ્ચિત હોય છે. સિમકાર્ડમાં બેલેન્સ અને બેલેન્સના કાર્ડની પણ એક વેલિડિટી હોય છે. આ વેલિડિટી પહેલા છોડી દેવામાં આવતી પ્રવૃતિને નિવૃતિનું નામ આપવામાં આવ્યુ છે. રાજકિય ક્ષેત્રે મસમોટી પ્રતિભાને પણ પડકારમાંથી પાસ થવુ પડે. રાજ્યના વાતાવરણમાં ભલે ટાઢક થઇ ગઇ હોય પણ રાજકારણમાં છેલ્લા બે મહિનાથી ગરમાવો વધતો જાય છે. એવામાં સીએમ આનંદીબેન પટેલના રાજીનામાથી ઉષ્ણાતામાન એટલું વધ્યુ કે તેની વસમી વરાળ ભરચોમાસે દિલ્લી સુધી પહોંચી ગઇ. ઓગષ્ટ મહિનાના પ્રથમ દિવસના 24 કલાકને અધૂરા રાખીને બેન હવે 'ઓફિશ્યલ' રિટાયર્ડ થયા છે. સમય સાંજનો હતો પણ પક્ષમાં અમાસની રાત હોય તેવો માહોલ હતો. ધણા સમયથી બેનની વિદાય અપેક્ષિત  ચર્ચાતી પણ એકાએક થઇ જતા રાજકીય ધરા ઘ્રુજી  ઊઠી છે. જો કે આ બાબતે સંકેતો હતો પણ સ્પષ્ટીકરણ અને સત્તાવાર જાહેરાત બેને ડીજીટલ ઇન્ડિયાને ટેકો આપતા હોય એમ કરી.
             
        ગુજરાતના પ્રથમ મહિલા સીએમ ફેસબુક પરથી રાજીનામુ આપનાર પણ પ્રથમ સીએમ રહ્યા. વિદાય વેળાએ પોતાની ઉમરનો હવાલો નાંખીને પોતાનો સંદેશો આપ્યો. આ સમગ્ર ઘટના વચ્ચે શાંતિની અપીલ કરતી ચેનલો સંયમ જાળવવામાં સફળ ન થઇ. ટીવી ચેનલો વચ્ચે પહેલા હું, પહેલા હું અને જાણે રેટ રેસ થઇ હોય એવો માહોલ જોવા મળ્યો. વિદાયમાં પણ ચેનલોનું એગ્રેશન? વિચારવા જેવો વિષય છે. રાજીનામા પાછળના પરિબળોમાં અનેક મુદ્દાઓની હારમાળા અને નિર્ણય લેવામાં બેનની ખરડાયેલી છબીની સાથોસાથ નીડર નેતૃત્વનું પાસુ પણ કેન્દ્ર સ્થાને રહ્યું. ઇતિહાસના પાનાઓને જોડીએ ત્યારે સરદાર પટેલને બાદ કરતા કોઇ પાટીદાર મુખ્યમંત્રીનો નેતૃત્વકાળ શાંતિપુર્ણ રીતે સંપન્ન થયો નથી.ચીમનભાઇ પટેલ, બાબુભાઇ, કેશુબાપા અને આનંદીબેન આ તમામ લોકોએ સત્તાને અધવચ્ચેથી છોડી દીધી. પરંતુ, બેનના કાર્યકાળમાં કૌભાંડ, તોફાન અને આંદોલનના લીધે તેઓ વિશાળ વર્ગ વચ્ચે વડોખાયા તેમજ તરછોડાયા. આ ઘટનાઓની અપાર તીવ્રતાના લીધે સીએમના શ્રેષ્ઠ પર્ફોમન્સ પર વિરોધનું મેલું પાણી ફરી ગયું. જેના લીધે પ્રજાલક્ષી વિકાસની સુંવાસ મર્યાદિત બગીચા સુધી જ રહી.

               ભાજપની માતૃસંસ્થાની વિચારધારા  ધરાવતા નેતાઓની અસરથી એકસુત્રતા લાવવા પ્રદેશ પ્રમુખની વરણી થઇ. શાસકપક્ષમાં આતરિક વિખવાદ અને વણસેલા સંબંધોની વણઝાર બહુ જૂની છે. વાસ્તવિકતા એ પણ છે કે વ્યક્તિની 'લોબી'ઓના લોબિંગની રેસમાં આનંદ હણાયો. જૂથવાદ, ટીમવર્ક અને ગમા અણગમા વચ્ચે માનસિક શાંતિનો ભોગ લેવાયો આ વાત નક્કી થઇ ગઇ. આ ઉપરાંત પક્ષને વિજયરેખા સુધી પહોંચાડનાર વર્ગે બેન માટે મુંઝવણ અને મુશ્કેલીના પથ્થરોનો એવો મજબુત સેતું બાંધ્યો કે જે અંતે વિદાયના દ્વારે ખુલ્યો. મહિલ સશક્તિકરણ, બાળ કલ્યાણ, મા અમૃતમ યોજના, 50 ટકા મહિલા અનામત, મેટ્રો રેલ પ્રોજેક્ટ, આંગણવાડી મહિલા કલ્યાણ યોજના, આવાસ યોજના અને નર્મદા નીરને સૌરાષ્ટ્ર સુધી વહેતી કરતી યોજનાઓમાં બેનની કામગીરીની ભાગ્યે જ નોંધ લેવાઇ. જે ખરેખર પ્રશંનીય હતા.

                સતત અને સખત તુલનાઓના તીરથી બેનનું શાસન વિધાંતુ રહ્યું,. જ્યારે વિપક્ષને ક્રિકેટ જેવડું મેદાન મળ્યું. વિધાનસભા 2017માં કમળની પીએમના ઘરમાં શાખ સાચવવા હવે શું? બાજ નજરે વિહંગાવલોકન કરીએ ત્યારે હવે પડકાર મોટા અને સમય ઓછો જેવી રેતઘડી ચાલવા નહીં પણ દોડવા માંડી છે. હવે એક તરફ યુપી અને બીજી તરફ ગુજરાત, એકમાં ગઢ બનાવવાનો અને બીજામાં ન માત્ર સાચવવાની પણ  મજબુત કરવાની કવાયત. ચોતરફ વિકાસની વાવણીમાં ડહોળાયેલી શાંતિથી ખટપટની બીયારણનું વાવેતર થયું હવે કોણ? અને હવે શું? વચ્ચે પ્રથમ પ્રજા પક્ષ અને પરિણામલક્ષી પગલા સરળ તો નથી જ. લાંબા સમયની અટકળોના અંતથી લોઢા જેવી બનેલી સ્થિતિના ચણા ચાવવા જ નહી પણ સારી રીતે પચાવવા પડશે. જેમાં જેટ વિમાનની ગતિએ જીતનો જલસો નહી થાય. કારણ કે સમાજ અને વોટ રાજનેતાની કેરિયર બનાવી શકે અથવા બગાડી પણ શકે. આ રાજકીય સ્ટંટનો અવસર નથી સાથે અંગતહિતની બાદબાકી પણ નથી. તેમજ મોજના ફુવારા ફૂંટે એવો સંજોગ પણ નથી. આંતરિક સંકલન, સંચાલન  અને મુલ્યાંકન નવા આવનારા મુખ્ય પદાધિકારીની પરિક્ષા કરશે. ચોમાસું ખેંચાતા કિસાનોને તૃપ્તિ મળે અને પ્રજાને હાશકારો થાય એવા બે મુદ્દાને હાથમાં લેનારાએ ભુતકાળની હસ્તરેખાને જોઇને ચાલવું પડશે, નારાજગીથી અને રસ હોવા છતા પ્રગટેલી નીરસતાની સપાટી ઉપસી આવી. ગુજરાતમાં અત્યારે ભલે રંગ બદલાય પણ જંગ 2017માં થશે. મતયુધ્ધમાં મુખ્યમંત્રીનું ટયુનિંગ અને રેપો કામ કરવો જોઇએ જે આનંદીબેનમાં ક્યારેય જોવા ન મળ્યું. 

Wednesday, July 27, 2016

માર્કસ તો એક ચોક્કસ વિષયમાં મેળવેલ જ્ઞાનના માત્ર સૂચક છે. તે કંઈ ચારિત્ર્યના માપદંડ નથી.

                  ડૉ.એ.પી.જે કલામના જીવન વિશે એમ કહી શકાય કે સાદુ જીવન, સાધના અને સ્વીકૃતિનું પર્યાય. દેશના નેતાઓને જ્યાં રાજકીય કારકિર્દી ઘડવામાં રસ હોય છે ત્યારે કલામને બાળકોના દિમાંગમાં જ્ઞાનનું ચણતર કરવામાં રસ હતો. આપણે વિચારોના અને વાસ્તવિકના ટ્રાફિકમાં અટવાયા છીએ ત્યારે એક પથદર્શકનું જીવન આપણને પથ પરના સાચા દર્શકોની ઓળખ કરાવી જાય છે. દેશમાં જ્ઞાતિ અને જાતિના નામે આજે પક્ષ પુરતી સહાનુભૂતિ દર્શાવાય છે ત્યાં શિક્ષણસંસ્થાઓમાં એક ભાવિ દિશાહીન થતુ જાય છે આ પણ વાસ્તવિકતા છે. એક વખત કલામ પોતાના નિત્યક્રમ પ્રમાણે પોતાના ભવન જતા હતા ત્યારે એક બાળકોનું ગ્રુપ શાળાએ જતુ હતુ અને તેની પીઠ પર પુસ્તકોના ભારથી લચી પડેલુ બેગ હતુ થોડા વિચારોમાંથી પસાર થયા બાદ કંઇ બોલે એ પહેલા કોલેજના યુવાનોનું ટોળુ જોવા મળ્યુ જેની બેગ દેખિતી રીતે ખાલી હતી અને હશે તો પણ જૂજ પુસ્તકો હશે. આ તફાવત જોઇને કલામે કહ્યું કે પુસ્તકોએ ખરેખર ક્યાં હોવું જોઇએ? પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ છે ત્યારે અહીંયા કોઇની માથે દલિલનો ટોપલો મૂકવાની જરૂર નથી. શૈક્ષણિક સંસ્થાઓના મૂળિયા આજે ક્યાંકને ક્યાંક નેતાઓને અડતા હોય છે કાં તો પાર્ટનરશીપમાં પાના ફરતા હોય છે. બાળદિવસ કે આઝાદીના પર્વમાં દેખાતા ફુલજેવા બાળકો પ્રત્યે સંવાદિતતા પણ પ્રાસંગિક થતી જાય છે. જ્યાંથી સૌથી વધુ આઇડિયા અને એક્સપરીમેન્ટના ઊબરા મળે છે ત્યાં અનુભવીઓ અનુભવની દિવાલ દેખાડીને અભિગમનો ક્યો પ્રવાહ રોકવા માગે છે?
Last Tweet Of KALAM

                   કલામ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃતિઓને વેગ આપવામાં અગ્રેસર રહ્યા, રાષ્ટ્રપતિને મળેલી ભેટ પહેલા દેશને મળેલી ભેટ છે આ વાત તેમણે જાહેરમાં કહી. ભાષણબાજી નહી પણ ભાવનાઓ અને યુવા શક્તિ પાસે રહેલી સંભાવનાઓને પ્રચંડ બનાવવા તેમણે પ્રથમ ભાષણ વર્ષ 1962માં શરૂ કર્યુ. લોકોને વાણી થકી કંઇક આપવાની પ્રવૃતિ છેલ્લા શ્ર્વાસ સુધી ચાલી અને કદાચ ઇચ્છિત મૃત્યુ પણ સ્વીકારી લીઘુ. વિદાય વસ્તુની હોય કે વ્યક્તિની કાયમ વસમી જ રહેવાની. કલામે જ્યારે રાષ્ટ્રપતિ પદ છોડ્યું તેના બીજ દિવસે જ દિલ્લી યુનિવર્સિટીમાં વિજ્ઞાન સંશોધનક્ષેત્રે લાગી ગયા. જીએસએલવીની આખી સિરીઝનું નામાંકરણ જ નહી પણ સમગ્ર અવતરણ એ અબ્દુલ કલામના વિજ્ઞાની ભેજાનું પરિણામ છે. ડિફેંસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશ જોઇન્ટ કર્યા બાદ તેમને સર્કિટ પર હાથ અજમાવ્યો પણ જાણીને નવાઇ લાગશે કે સૌ પ્રથમ પરિણામલક્ષી કામ તેણે ઇન્ડિય એરફોર્સ માટે એક નાનું હેલિકોપ્ટર ડીઝાઇન કરાવાનું કર્યુ. 1969માં ઇસરોમાં આવ્યા બાદ જીએસએલવીના પ્રથમ ડાઇરેક્ટર બન્યા. નોંધવા જેવું છે કે આપણે ભલે ગુગલના મેપ અને જીપીએસ સિસ્ટમનો બેફામ ઉપયોગ કરતા હોય પણ દેશમાં બનેલી જીપીએસ એન્ડ મેપ સિસ્ટમ ગગનને જીએસએલવીમાં મૂકી શકાય એવી પહેલ સૌ પ્રથમ કલામે કરી. આમ દેશમાં બનેલી જીપીએસ સિસ્ટમને જાહેર કરવાના પાયામાં પણ કલામ છે. ભાવુક અને ભોળા, જરા પણ કરપ્ટ નહી અને કોમ્યુનલ તો જરાય નહી એવા ડૉ. કલામને વિશાળ વિજ્ઞાનના દરિયામાંથી દેશને ઉપયોગી મોતી શોધવાની ઇચ્છા હતી. બાળકોને સક્ષમ અને સાક્ષર બનાવવા તેમના વિચારોની ધારા રાષ્ટ્રમાં ચોતરફ ફેલાઇ હતી,

            વિશ્ર્વમાં ઝનુન અને ઝેર ઓકતા કેટલાક કટ્ટરો યુવા પેઢિને પોઇઝનસ કરી રહ્યા છે તેમના માટે કલામના પુસ્તકો સાક્ષાત વિચાર પરિવર્તન માટેનો ગંથ્ર છે. મહેનત એળે જાય ત્યારે આળસ કરવાના બદલે અને નિષ્ફળતાનો વિચાર કરવાના બદલે નવસર્જનની પ્રક્રિયા નવી દિશા તરફ દોરી જશે. આ વાત આજે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્વીકારે તો માર્કની હોડ અને એડમિશનની દોડમાં થાક ન લાગે. સર્જન સમય માગે છે પણ સર્જનાત્મકતાને જ્યારે માધ્યમ અને પધ્ધતિસરનું શિક્ષણ મળે ત્યારે શોખ સાથે ગમતી પ્રવૃતિનો સૂર્યોદય થાય. આ વાત કલામ સાહેબે સાબિત કરી. પોતાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા વિમાનને જોઇને મનોમન જાતને કમિટમેન્ટ આપેલું કે હું આ વિજ્ઞાનની દુનિયામાં વિમાનને આકાર આપીશ. આકાર તો આપ્યો પણ એક દિવસ વિમાન પણ ચલાવ્યું એ પણ શ્રેષ્ઠ પાઇલટ્સ સાથે નહીં પણ તાલિમમાં શ્રેષ્ઠ નીવડેલા પાઇલટ્સ સાથે. પરિક્ષા અભ્યાસની હોય કે જીવનની પ્રયાસોની તીવ્રતા અને અખંડ ઇચ્છા શક્તિનો સફળતા સિવાઇ કોઇ વિકલ્પ નથી. આજે ગુણની ભાગાદોડીમાં ગુણવત્તા હાંસિયામાં મૂકાઇ ગઇ છે. ચારિત્ર્ય તો વૃક્ષ સમાન છે જેની નીચે છાંયડો મળે. વસંતઋતુ જેવી મોસમમાં કોઇ ત્રીજી વ્યક્તિ તમને સારી રીતે વધાવે. કલામે દેશને જે આપ્યું એનું ઋણ નહીં પણ પરિણામો એક પાળિયા સમાન છે દેશની મિસાઇલ ટેકનોલોજીમાં સૌથી સારા અને ઉપયોગી પ્રોગ્રામ કલામે આપેલા, સ્પેશ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ક્ષેત્રે સિધ્ધિ એવી મેળવી કે વૈશ્ર્વિક સ્તરે કલામની ખ્યાતિ ક્ષિતિજને પેલે પાર ગઇ. He led the Integrated Guided Missile Development Programme of the Defence Research Development Organisation with great success, અસાધારણ સફળતા છતા સરળતા, વાઇલ્ડ નહીં પણ માઇલ્ડ માણસ. જેનો ચહેરો જોઇને એક સ્વંમ પ્રેરણા મળે એવા વ્યક્તિએ છેલ્લે લખેલુ પુસ્કત. Advantage India: From Challenge to Opportunity    માં તદ્દન નવી વાત અને નવી જ રજૂઆત છે. વોટ્સએપ અને ફેસબુકમાંથી સમય કાઢીને વાંચવા જેવી બુક. આ બુક અમદાવાદ આઇઆઇએમમાંથી લોંચ થઇ હતી અને આજે પણ અમદાવાદ આઇઆઇએમની લાઇબ્રેરીમાં તેની ફસ્ટપ્રિન્ટ છે

અંતે એક ક્વોટ...
એક જવાબદાર નાગરિક તરીકે તમારા વિકાસ માટે સારા માર્કસ સાથે સારાં નૈતિક મૂલ્યો અને વર્તનને પણ જોડવાનાં છે.
હું સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તે મારા દેશને સખત કામ કરનારા અને જ્ઞાની લોકો મળે તેવા આશીર્વાદ આપે જે મારા દેશને આર્થિક રીતે વિકસિત બનાવે.
વી મિસ યુ કલામસર. આ દેશનો એક સામાન્ય નાગરિક અને વિદ્યાર્થી


Monday, July 18, 2016

નફરત કી દુનિયા કો છોડકર પ્યાર કી દુનિયામેં ખુશ રહેના મેરેયારઃ જતીન ખન્ના

          સિનેમાજગતમાં  ફિલ્મો, સંવાદ અને  સર્જનાત્મતાથી લઇને અવનવા વિષયો પર ક્યારેક સંવાદ તો ક્યારેક વિવાદ થતા રહે છે. મુદ્દો સેંસરશિપનો હોય કે સંવેદનાનો હોય કેન્દ્રમાં કલાકરો રહ્યા છે, અભિનયકલા અને અનોખા વ્યક્તિત્વથી તેની કાયમ ચર્ચા થતી રહે છે. આજે પણ વીતલા જમાનાના ગીત અદ્યતન સંગીતના સાધનોમાંથી રજૂ થાય છે ત્યારે મોર્ડનાઇઝેશનમાં મજા આવે છેે પણ અસલીયતનો 'આનંદ' ખૂટે છે. એક કલાકાર માટે અસલ વસ્તુની રજૂઆત માટેની ઇચ્છા કેવી હોય શકે?  ફિલ્મ હાથી મેરે સાથી શરૂ થઇ એ પહેલા રાજેશ ખન્નાએ પ્રાણીઓ સાથે 3 મહિનાથી વધુ સમય વીતાવેલો. ખાસ કરીને હાથીની નાનામાં નાની હિલચાલને ન માત્ર સમજવા પણ તેને પોતાની આગવી અદાથી અમલમાં મૂકવા માટે કાકાએ ખૂબ પરસેવો પાડેલો. આ સમય રાજેશ ખન્નાની કેરિયનો મધ્યાહન હતો. બોલીવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના હતા પણ એક મહાનાયકનું પદ મેળવવામાં અમિતાભ બચ્ચન મેદાન મારી ગયા. વર્ષ 1970 અને 1980નો સમયગાળો રાજેશ ખન્નાનો  હતો એમ કહી શકાય. બોલીવૂડમાં સતત ચાર વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો આપવાનો વિક્રમ રાજેશ ખન્નાના નામે છે જે આજ સુધી બોલીવૂડના કોઇ કલાકાર તોડી શક્યા નથી.

      જેમ અત્યારે ઇમરાન હાશમી અને શાહરૂખ ખાન નવી નવી એક્ટ્રેસને ડેબ્યુ આપે છે એમ રાજેશે બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓને ફિલ્મોમાં કામ કરવાની તક આપી. જેમાં હેમા માલિની એકમાત્ર એવી અભિનેત્રી છે જેની સાથે જતિન ખન્નાએ સૌથી વધારે ફિલ્મો કરી. હમ દોનો, સીતાપુર કી ગીતા, વિજય, બાબુ, રાજપુત, સુરાગ, દર્દ, કુદરત, નસીબ, બંદિશ, મહેબુબા એમ કુલ 15 ફિલ્મોમાં હેમા અને રાજેશે કામ કર્યુ અને ફિલ્મો પણ હિટ ગઇ. આ એ સમયના થનગનાટ અને તરવરાટથી ભરેલી એવી જોડી હતી જેને ફિલ્મી પડદે 100 ટકા સફળતા મળી. લોકપ્રિયતા અને વિલાસીપણુ સવાર થતા અંતે નિર્માતાઓએ ભોગવવાનો વારો આવતો. ક્યારેક છ-આઠ મહિનાઓ સુધી રાહ જોવી કાકાની મંજૂરીની રાહ જોવી પડતી. રાજેશ ખન્નાએ મુમતાઝ સાથે આઠ ફિલ્મ કરી અને એ તમામ સુપરહિટ સાબિત થઈ. 100 જેટલી ફિલ્મોમાં લીડ રોલ અને ઐયાશીજીવનશૈલીથી એક ગ્લેમરસ હીરો ઉભરી આવ્યો. પણ સાથે સાથે એક નવા કલાકારનો પણ સૂર્યોદય થતો હતો તે કલાકાર એટલે બીગ બી.


     જાણીને નવાઇ લાગશે કે અનિલ કપૂર અને શ્રીદેવીની ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા સૌ પ્રથમ રાજેશને ઓફર થઇ હતી અને આ ફિલ્મની થીમ પણ તેમને ખબર હતી એમ માનવામાં આવે છે જે પછીથી તેમણે નકારી દીધી, બોલીવૂડની દુનિયામાં એવોર્ડની અભિલાષા બધા કલાકારોને હોય છે પણ આ સુપરસ્ટાર પોતાના વાતાવરણ અને મહેફિલમાં જીવ્યા. ફિલ્મ આરાધના. જે રાજેશની પસંદગીની ફિલ્મોમાંથી એક હતી. આ ફિલ્મનું હિટ સોંગ રૂપ તેરા મસ્તાનાબોલીવૂડનું પહેલું સિંગલટેક સોંગ હતુ,

      આજે પણ રસ્તેથાપસાર થતા હોઇએ ત્યારે તેમનું ગીત કાને અથડાય તો ચિંત એ ગીતમાં ચોંટી જાય અને આગળનું ગીત આપમેળે સ્વરબધ્ધ રીતે સરી પડે. ખાસ નોંધવા જેવી અને ખૂબ ઓછાને ધ્યાને આવે તેવી વાત છે કે કિશોર કુમાર અને રાજેશ ખન્ના બંન્ને વરસાદી ગીતના શોખીન હતા. રાજેશના મોટાભાગના ગીતમાં કિશોર કુમારનો અવાજ છે, રૂપ તેરા મસ્તાના’, ‘મેરે સપનો કી રાની’, ‘આતે જાતે ખુબસુરત’, ‘જીવન કે હર મોડ પે’ , ‘વાદ તેરા વાદ (કિશોરકુમારે ગાયેલી કદાચ એકમાત્ર કવ્વાલી) જેવા ગીત રાજેશના જ નહી પણ કિશોરકુમારના આઇકોન પણ બન્યા. આજે જ્યારે રેંડિયોમાં કે એમપીથ્રીમાં તેમના ગીતા વાગે ત્યારે મન મોર બની થનગાટ કરે, પણ જ્યારે ડીજેમાંથી તે નીકળે ત્યારે કાને આડા ડૂચા દેવા પડે. રાજેશને રફી સાહેબ પર માન થઇ ગયુ જ્યારે તેમના અવાજમાં ગવાયેલા ગીત તેને સફળતાના શિખર સુધી લઇ ગયા, ‘’, યહાં વહાં સારે જહામે તેરના નામ હૈ’, ‘ગુગુના રહે હૈ ભવરે’, ‘નફરત કી દુનિયા કો છોડકે  બાવર્ચી’ ફિલ્મના સેટ પર અમિતાભ સાથે રાજેશ ખન્નાએ કરેલા વર્તનને કારણે જયા બચ્ચને રાજેશ ખન્ના સાથે મોટો ઝઘડો કર્યો હતો. આ બનાવના કારણે જયાને રાજેશની વર્તણુંક ગમી ન હતી, જો કે અંદરખાને અમિતાભની લોકપ્રિયતા રાજેશને ખૂંચતી હતી. 

       રોમાન્સના આ બાદશાહના જ્યાં સુધી શ્ર્વાસ ચાલ્યા અને શરીરમાં શક્તિ રહી ત્યાં સુધી એક ગ્લેમરમાં રહ્યા. વૈભવી લાઇફસ્ટાઇલ અને મદિરાની મિજબાનીમાં ખાસ્સો એવો સમય પસાર કર્યો. નસિબના મજબૂત જોડાણના લીધે ઓછી મહેનતે રાજેશે અણધારી સફળતાઓ મેળવી લીધી અને છવાઇ ગયા. કલાકારોના જીવન અને ફિલ્મ પરના વ્યવહારો ખૂબ જ અલગ હોય છે કોઇ જમીન સાથે જોડાયેલા હોય તો કોઇ આકાશની વિશાળતામાં નિરાકાર બની જાય છે, બોલીવૂડ અને ગ્લેમરના સ્વાદ મળે એટલે સંતુલન રાખવું પડે છે અન્યથા બધુ હોવા છતા એકલાના આવરણમાં શ્ર્વાસ લેવા પડે છે જે કાકાના જીવનમાં અનેકવાર બન્યું અને તેની તીવ્રતા પણ લાંબા સમય સુધી રહી. ઝિંદગી કે સફરમેં ગુઝર જાતે હૈ વો મકામ વો ફિર નહીં આતે

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...