Wednesday, November 23, 2016

નવેમ્બર-ડીસેમ્બર@ટ્રાવેલિંગ.કોમ

                   નવેમ્બર શરૂ થતા જ શિયાળાની પા પા પગલી થાય છે. જો કે ઠંડીની વિધિવત શરૂઆત નવરાત્રિના છેલ્લા દિવસોમાં થઇ જાય છે, શિયાળાની તીવ્રતા નવેમ્બર ડિસેમ્બરમાં અનુભવાય છે. આ દિવસોમાં ન્યૂયરની રજાઓમાંથી રેગ્યુલર થતી લાઇફને મિનિ વેકેશનનો મેળ આવતા ખાસ કરીને ગુજ્જુગણ આ ઠંડીને ફીલ કરવા ફરવા ઉપડે છે. આ સમયગાળામાં લગ્નગાળો પણ સોળેકળાએ ખિલી ઉઠે છે. એટલે કોઇને લગ્ન અર્થે ફરવા જવાનું થાય તો કોઇને લગ્ન બાદ "સ્પેશ્યલ" ફરવાનું થાય. જેને અંગ્રેજીમાં હનિમૂન કહેવાય. અને લગ્ન  પછી પહેલું હરવા ફરવાનું આજ નામથી ઓળખાય છે. આ વખતે આ માહોલને થોડી કર્ફયુની અસર થઇ છે. કારણ કે પીએમ મોદીએ ચલણી નાણું બદલાવો યોજનામાં લોકોને વગર રજીસ્ટ્રેશને લગાવી દીધા, સાહસિક અને સાંસ્કૃતિપ્રિય ફરવાની શોખીન પ્રજા ફરવાના બદલે આ મહિને ફદિયા બદલામાં ફસાણી. પણ જાને વાલે કો આખિર કૌન રોક સકતા હૈની માફક એક વર્ગ રખડવા ગયો પણ ખરા અને જુગાડડોટકોમ કરીને નોટનો મેળ પણ કરી લીધો.

       શિયાળો એટલે નોર્મલ ટેમ્પ્રેચરમાં પણ સુકાતા હોઠ, ગરમ કપડાની માર્કેટ બાજુ મુકાતી દોટ. અમદાવાદ હોય કે આબુ, નવસારી જેવું નાનું ગામ હોય કે નાથદ્વારા તિબ્બેટિયન ગરમ કપડાની માર્કેટમાં એકાએક ગરમી આવી જાય. આ માર્કેટ હવે દેશમાં યુનિવર્સલ થઇ ગઇ છે. આ માર્કેટ યોજનારા વર્ષમાં એકાદવાર ફરતા હશે પરંતુ,આપણી પ્રજા તો કાયમ ફરે, જો કે આ વખતે વર્ષાતે ફરનારાઓની ટ્રીપ બધી રીતે યાદગાર રહી હશે. જેમાં ખટારાવાળાથી લઇને ખાનદાની કહેવાતા પરિવારનો પણ સમાવેશ કરી શકાય. સફર યાદગાર રહેવાનું પ્રથમ પાનું એટલે ટોલટેક્સમાંથી મુક્તિ. હાશ થયુ હશે રોડ ટ્રાંસપોર્ટવાળાઓને અને લોંગ ટુર બાય રોડ જનારને. જાણે બંડીમાં અટવાયેલા શ્વાસને વિશાળ મેદાનમાંથી હવા મળી હોય એવી અનુભૂતિ થઇ હશે, જે રીતે હાઇવે પર યુટર્ન, ઇમરજન્સી સેવા અને માઇલસ્ટોનના બોર્ડ સાર્વત્રિક નહીં થયા હોય એટલુ આ બોર્ડ વ્યાપક બન્યુ. બસ સ્ટેન્ડ પરની દુકાનોથી લઇને ફ્લાઇટના બોર્ડિગ પાસ પાસે રહેલા બાર સુધી આ બોર્ડ દેશની તમામ ભાષાઓમાં દિવાલ કે કાઉન્ટર પર ચોંટ્યુ હશે 500 અને 1000રૂની નોટ સ્વીકારાશે નહીં. ફરવાવાળા હોટેલની લાઇન સાથોસાથ બેંકની લાઇનમાં પણ જોડાયા. જ્યાં ફરવા ગયા હોય ત્યાંથી કેમ છો? પહોંચી ગયા?? સાઇડમાં રહી ગયું અને હાલો કંઇક આમ રહ્યા 100રૂ.વાળી નોટ પડી છે ને? જાણે ફરવાના આનંદમાં એક્સચેન્જનું ગ્રહણ લાગ્યું હોય. પ્રોસેસમાં શોર્ટકટ લેનારાઓ પર સરકારે કડક અમલીકરણ કરી પ્રજાના પેશન્સ (ધીરજ)ની પરીક્ષા કરી. પારકા પૈસાની પ્રતિક્ષા કરવામાં આવતી હોય છે પણ પોતાની રોકળ માટે પણ સૌ વેઇટિંગ મોડ પર મૂકાયા. પપ્પુ કાન્ટ ડાંસ સાલા જેવી સ્થિતિ થઇ ગઇ.
                            
                     ફરવાના માહોલમાં ઠંડીની અસર કરતા લોકોને નોટની અસર વધુ થઇ. શ્રીનાથજીના દર્શન માટે ઉમટેલી ભીડ એટીએમ અને બેંક પાસે જોવા મળી. જો કે આ દિવસોમાં સર્વત્ર ફોલ ડાઉન જોવા મળ્યું, હોટલનું સસ્તામાં પતી ગયું હશે, રેલવેની નવી ટિકિટ તો શું પ્લેટફોર્મ ટિકિટને પણ કેન્સલ કરવામાંથી છુટ્ટાનો મેળ થયો હશે, નવેમ્બર જેવા ફરવાના મહિનામાં દેશની એકતાના દર્શન થયા આખો દેશ એટીએમ અને બેંકની કતારમાં. જો કે હજુ ડિસેમ્બર બાકી છે ત્યારે નાણાની અસર સ્વદેશમાં સફર માટે આવતા એનઆઇઆઇને પણ થશે. ડોલરના નાણાને રૂપિયામાં ફેરવતા ડોલરની સાઇન જેવી સ્થિતિ થશે. જો કે ફરવાનો ઉભરો ઓછો નહી હોય. આ બે મહિના લગ્નોત્સવની સાથે એનઆરઆઇનો પ્રવેશોત્સવ પણ હોય છે."નારી" માટે આવતા મુરતિયાઓ હવે નાણાનું વિચારતા થઇ ગયા છે. ધીમે ધીમે સામાન્ય થતુ જનજીવન અને આર્થિક અસરથી પ્રવાસન ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ટોલટેક્સથી મુક્તિનું એલાન આવ્યા છતા હાઇવે પર રખડતી કેટલાક જીવતા જાગતા જીવાણુંઓએ બે બે દિવસ સુધી ટ્રાફિક જામ કર્યા અને મુસાફરીની મજાને ટ્રાફિક જામની સજામાં રૂપાંતર કરી. નવેમ્બર ડીસેમ્બર એટલે હનિમુન નામના બાળકનો નવપરણિતની જિંદગીરૂપી શાળામાં પ્રથમ પિરિયડ. જેમાં અવનવા ટ્રાવેલ્સવાળા ટિચરો નતનવા પેકેજની શિખામણ આપે. સાથે નાનકડી ફુદડી તો હોય જ, આ બે મહિનામાં એટલે શિયાળાના ફ્રેશ વેજીટેબલ્સનો સ્વાદોત્સવ અને સુપનું વૈવિધ્ય પીવાનો જાહેર પ્રસંગ. પણ આપણો વર્ગ ઘરે ચાઇનિંઝ મંગાવે અને બાહર ગુજરાતી થાળી શોધે. છેલ્લે દાળભાતનું તો સરનામું શોધી જ લે.

                            ફરવાના રૂટ પર થતી મોજ દરેક યાત્રિકો માટે યથાવત હશે અને હળવાશ પણ વર્તાતી હશે. સમસ્યાઓને બાજુએ મૂકીને સંવેદનાઓના સમુદ્રમાં ભીંજાયને સાથ માણનારા પણ હશે જ. જો કે ગુ્જ્જુંઓની આવડતનું પ્રમાણપત્ર આપાતુ નથી એટલે પૈસા બદલે કે પ્રોસિજર બદલે. યે સફર જારી રહેગા

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...