Saturday, August 16, 2025

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

 જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

    હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ્રી કૃષ્ણ તમે જેટલા પૂજય છો એટલે જ પોતીકા છો. કદાચ તમે એક માત્ર એવા દેવ હશો જેને આ સંસાર તું કારો આપીને બોલાવે છે. 'કાના તને' એવું કહે છે. આમ તો તું જગત મંદિરમાં બિરાજે છે અને સૌનો પાલક છે એટલે અમારા બધાય કરતા ખૂબ મોટો છે. પણ તું વ્હાલો છે, બાળ ગોપાલ પણ છે અને તારુ આ રૂપ સૌને પ્રિય છે એટલે જ તને તું કારો આપતા હશે. આધ્યાત્મની માર્કેટમાં તું પાયોનિયર છે. પણ કળિયુગની હકીકત એ પણ છે કે કેટલાક લોકો એ તારા નામની માર્કેટ બનાવી નાખી છે. જેમાં હૃદયના ભાવ કરતાં સમૃદ્ધિના ભાવને વધારે જોવામાં આવે છે. 



   આમ તો દરરોજ તારી પાસે ગામ આખાની ફરિયાદ આવતી હશે. લોકો પોતાના દુઃખ દર્દ ઠાલવતા હશે. માગણીની ચીઠ્ઠી આવ્યા કરતી હશે એટલે હવે એ એક ગ્રંથ જેવડી બની ગઈ હશે. પણ મને વિશ્વાસ છે તે સૌને એની ક્ષમતાથી વધારે નહીં આપ્યું હોય અને આપ્યું હશે તો એનો ખાલીપો કોઈ એક બાબત પર ખૂબ મોટો હશે. કારણ કે તું બધાને બધું નથી આપતો. કારણ કે બધા સુદામા નથી. દર ઓગસ્ટ મહિનામાં તારી અને સુદામાની ફ્રેન્ડશિપનું જૂનુંને જાણીતું પોસ્ટર સ્ટેટસમાં મૂકીને દોસ્તોને વિશ કરવામાં આવે છે. નેતા, અભિનેતા સૌ કોઈ દોસ્તીનો તહેવાર માનવે છે. પણ તે ખરેખર દોસ્તી મનાવી છે. દોસ્તીને જીવી છે. સુદામા એ કોઈ જ વાત કરી નથી છતાં તું બધું જ સમજી ગયો. ડિજિટલ યુગમાં જે સમજે છે એને આખું ગામ સમજાવે છે અને નથી સમજતા એની સાથે બધા 'એડજસ્ટ' થઈ જાય છે.

    ઓધવજી, સુદામા અને અર્જુન. આમ તો આ ત્રણેય તારા ઓફિશિયલ મિત્રો છે. પણ દાયકાઓ પછી તારા મિત્ર બનવા ઘણાય થનગને છે. કારણ કે તે જે સુદામાને આપ્યું એ એમને પણ ક્યાંક ફૂલ નહીં ને ફૂલની પાંખડી જેટલું તો જોઈએ જ છે. અર્જુનને સખા કરતા શિષ્ય વધુ માની શકાય. એમને તે તારા મુખે અને અવાજે ગીતા સંભળાવી. તું એનો સારથી બન્યો. દ્વવાપર યુગ પછી ઘણા એવા છે જે ઇચ્છે છે કે તું એમનો જીવનરથ હાંકીને સારથી બને. પણ સ્વાર્થી હોય ત્યાં તું થોડી સારથી બને? તારી પાસે તો પહેલા મનથી ખાલી અને માયાથી મુક્ત થવું પડે. તો તારી કહેલી ગીતા સમજાય અને સંભળાય. હે કરનીશ (કૃષ્ણનું એક નામ) તને માનનારા ઘણા છે, ગણ્યા ગણાય નહીં એટલા, પણ તારું કહેલું માનનારા? બધાય કૃષ્ણને માને પણ કૃષ્ણનું કહેલું કોણ માને છે?. આ સવાલ હું રોજ મારી જાતને પૂછું છું. જવાબ પણ તું જ આપે છે એ પણ સરનામા સાથે. આ સવાલનો જવાબ ગીતા છે. એમાં પણ તારી વાત છે પણ એમાં તારી ક્યાંક સહી નથી. 

    ગીતાના જ્ઞાન બાદ તે અર્જુનને પણ કહ્યું કે, તારી ઈચ્છા પડે એમ કર. હું પથદર્શક છું, રક્ષક છું પણ રડવું છે કે લડવું એ નિર્ણય તારો. આમ તો તારા જેટલું જ્ઞાન મારું નથી. કદાચ કોઈનું પણ નહીં હોય. જ્યારે તારું જીવન જોવ છું ત્યારે એમાં કેટલાય દુઃખથી આંખો ભીની થઈ જાય છે. તમે તમારી નજર સામે એક આખી પેઢીનો સૂર્યાસ્ત થતા જોયો. મથુરાનું સામ્રાજ્ય શરૂ કરવાના બદલે સાંદિપની આશ્રમની રાહ પકડી. બાકી અમારે ત્યાં તો જીતેલી વસ્તુને છોડે એવા કોઈ છે નહીં. પણ હું એટલું તારા જીવન માંથી શિખ્યો કે, જે પોતાનું કર્મ છોડે એ પડે અને કે કરેલા સત્કર્મનું ફળ છોડે એ ચડે. પ્રગતિ કરે. તમે મથુરાધિપતી બની શકતા હતા પણ તમે દ્વારકા નરેશ બન્યા. ખુદની નગરી બનાવી દીધી. તમારી સાથેના દરેક પાત્રોને તમે જજ કર્યા પણ કોઈ દિવસ તમારું જજમેન્ટ ન આપ્યું. જ્યારે તારું જજમેન્ટ સમજાયું ત્યારે સમય વીતી ચૂક્યો હોય. 

   કૃષ્ણ તને પોંખનારા અને સાચા દિલથી વધાવનારાને ભલે તે કોઈ પ્રસિદ્ધિ ન આપી હોય પણ એટલું તો આપ્યું જ હશે કે એને કોઈ પ્રસિદ્ધિની જરૂર ન પડે. કોણ કેવા પ્રેમથી અને એ પ્રેમના પેકેટમાં પેટના પાપથી કોણ પૂજે છે એ તો તને ખબર છે. હે, રૂક્ષ્મણીપતિ રિલ્સની દુનિયામાં રહીને રેવન્યુની ચિંતા કરનારા ઘણા છે પણ મોબાઈલના વિશ્વમાં એટલું તો સમજાયું છે કે, ફેમસ થવું સરળ છે પણ સારી ઈમેજ બનાવતા વર્ષો વીતે છે.

    અને છેલ્લે તારા વિશે બોલું કે લખું એ ઓછું જ પડશે પણ વાસ્તવિકતા એ પણ છે કે આ મૌનને તું સમજે છે. આ મૌન પણ મોરપીંછ જેવું મુલાયમ હોય. હું તને સમજવા ખૂબ નાનો છું પણ એટલું જાણી લીધું છે કે, જ્યારે તને દુઃખ થયું ત્યારે તે કોઈને પણ ફરિયાદ નથી કરી. ગાંધારીના શ્રાપ સામે તારું મૌન એ ઘણું ઊંડું છે. આ પરથી મને એટલું તો આવડી ગયું કે આપણે આપણી કંપ્લેઈનને કંટ્રોલ કરવી જોઈએ. કોઈ પણ સ્થિતિમાં ખુશ રહેવાનું અને બીજાને પણ રાખવાના કારણ કે ખુશ હોઈએ ત્યારે ખરાબ વિચાર નથી આવતા. આજે દરેકને એવું છે કે બધાય એને ઓળખે પણ સાથે એવું પણ છે કોઈ એને ઓળખી ન જાય. બસ કાના આજે તારા જન્મદિવસ પર કોઈ જ માગણી નહીં પણ શબ્દો રૂપી લાગી લઈને આવ્યો છું. જવાબદારી તારી બહુ મોટી છે પણ મારી જરૂર હોય ત્યાં તારો ઈશારો મને માત્ર સમજાવજે. કામ તારું થશે પણ નામ મારું થશે આ ભરોસો છે તારા પર. લવ યુ કાના...

No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...