Wednesday, September 07, 2016

સાચુ શૌર્યએ ક્ષમા આપવી

                             દુનિયાનો કોઇ પણ સંબંધ, વ્યવહાર, પ્રોજેક્ટ કે કોઇ સાથેનો રેપો ક્ષતિ વિનાનો હોય જ શકે.  એ કંઇ પણ હોય ક્ષતિ વિનાનું હોય તો એ સજીવ ન હોય. જૈન ધર્મમાં સમગ્ર જીવસૃષ્ટિની ચિંતા કરવામાં આવે છે જ્યારે અમુક કહેવાતા સંગઠન એક માત્ર એવા પશુ પર નિમિત થઇ ગયા છે. જીવ અને ભક્ષણએ એકમેક સાથે જોડાયેલા છે.યાદ કરો શાળામાં શીખેલી આહારકડી.દેડકો-તીડ ખાય, સાપ-દેડકાને ખાય પરંતુ, માનવજીવની વિચારશક્તિએ એક માત્ર સર્વ સૃષ્ટિની રક્ષણકર્તા છે. માણસને પોતાની ભૂલ થયા હોવાનો અહેસાસ થાય છે. પશુ પ્રાણીને આ સંવેદના હોત તો આહારકડી ખોરવાઇ ગઇ હોત, જંગલનો રાજા બીજાને હણીને અસ્તિત્વ ટકાવે છે જ્યારે ઇતિહાસમાં વિરાટ રાજવીઓએ ક્ષમામાંગીને અને ક્ષમા આપીને પોતાનું જ નહી પણ સમગ્ર શાસન પ્રણાલીનું ચિત્ર ઉપસાવ્યું છે. ભૂલનું યોગ્ય સમયે ભાન થવું પણ જરૂરી છે. પણ ક્ષમાનું પર્વ એટલે અજાણતાથી દુખેલા દિલને શાતા આપવી, અકસ્માતે થયેલી ભૂલની માફી માંગવાનો દિવસ.

 જીવનમાં ભૂલનો અહેસાસ થવો ઘટના નહીં પણ કરેલા કાર્યોમાં થયેલી ભૂલને બિલોરી કાચથી જોવાની ક્ષણ છે. દરેકને વ્યક્તિને પોતાના જીવનમાં પસ્તાવો થયો હશે. સંબંધો તૂટવાની આરીએ હોય ત્યારે માફીનું કેમિકલ મનમાં ફરી વળે તથા આચરણમાં આવે તો સંબંધની આવરદા તેમજ અવધી બંન્ને વધી જાય. ક્યારેક અહમના લીધે ક્ષમા માગતા મન ખચકાતું હોય છે. હું થોડી સોરી કહું?? નાની અમથી વાતમાં જતુ ન કરવાની ભાવના માણસ નથી રાખતો એટલે જ વિશ્વની એક પણ સેન્ટ્રલ જેલના બેરેક ખાલી નથી. સમ્રાટ અશોકને વિજય બનવાની લોખંડી ઇચ્છાશક્તિએ નરસંહાર જોયો પછી સમ્રાટે ધર્મના દેવસ્થાનોને મનમાં કલ્પી યુધ્ધ ભૂમિમાં હાથ જોડી લીધા. પણ આજે હાથ જોડવાનો અર્થ બદલાય ગયો છે. ક્ષમાના સાથિયા પુરવાએ વ્યવહાર નહીં પણ ભીતરથી પરિવર્તનનો ચમકારો થવો જોઇએ. ખરેખર તો જેની સાથે વાકું પડ્યું હોય તે વ્યક્તિ પાસે ક્ષમા માંગવાની હોય પણ તે વ્યક્તિ પડતું મૂકવા માટે તૈયાર ન હોય અને જેને ડખો થયો હોય તે માફી માંગવા માટે સજ્જ ન હોય. સ્વીકારવું પડે તેવી વાસ્તવિકતા છે કે અહમ હંમેશા પોતાના પર આવે અને ક્રોઘ કાયમ બીજા પર આવે.મુઘલ બાદશાહ અકબર જ્યારે યુધ્ધમાં જીત મેળવતા ત્યારે શરણે થયેલા અને ક્ષમાં માંગવા માટે  આવેલા રાજાને રાજવી સન્માન સાથે ક્ષમા કરતા. રાજ ભલે ગમે તે કરે પણ માફી આપવી એ મોટી વસ્તુ છે.

                 ફિલ્મ 'આવારાપન'નું એક દ્રશ્ય છે જ્યારે ઇમરાન હાશમી સાથે કોઇ એક વ્યક્તિ તેની પાસે ક્ષમા માગવા માટે કરગરે છે જ્યારે ઇમરાન તેને થયેલી ભૂલમાંથી માફી આપે છે ત્યારે તે રાજીપો વ્યક્ત કરતો જાય છે, ઉછળતો, કુદતો આગળ વધે છે જાણે સ્વતંત્રતા મળી ગઇ હોય. માફ કરવાની પણ ક્ષમતા અનિવાર્ય છે. કથાકાર મોરારીબાપુના શબ્દોમાં એક કે બે વાર થાય તેને ભૂલ કહેવાય પણ એ જ વસ્તુ વારંવાર થાય તેને આદત કહેવાય. થપ્પડ મારીને કહેવાલા સોરી કરતા ઇરાદાપુર્વક મારેલી થપ્પડ વધુ ઉપસે છે. આપણને બાળપણથી જ ભૂલની સામે દંડનું પ્રકરણ શીખવવામાં આવે છે પણ હવે તો ભૂલના વેઇટેજ પરથી ક્ષમાની શક્યતાઓ નક્કી થવા લાગી છે. તમારા નિજાનંદ, તપ, સાધનામાં નિશ્ચિત હેતુંથી ખલેલ પહોંચાડનારાને માફી ન હોય એને તો ખંખેરી નંખાય, ઝાટકી નંખાય એવું ભગવાન શ્રી કૃષ્ણના વ્યવહારમાંથી ફલિત થાય છે. હણે એને હણવામાં કોઇ પાપ નથી. ત્યાં કોઇ પરોપકારની જરૂર પણ નથી.સંતોની વાણી અનુંસાર અજાણતાથી ભૂલ થાય બાકી જાહેર જીવનમાં થયેલો ગુનો તો કોઇ શેતાની દિમાંગની ઉપજ છે. જેમાં પુર્વયોજના કેન્દ્ર સ્થાને હોય છે. ગુનાની સજા હોય કારણ કે તે જીવના શ્ર્વાસને રૂંધતી બાબત છે.

         આ દેશના સમાજમાં જેમ માછલી પકડનાર માછીમારો હોય છે એમ બીજાની ભૂલ પકડનારા 'ભૂલ કલેકટર' હોય છે. જેમ ટિકિટ કલેકટર હોય. આવા લોકો કોઇની પણ ભૂલને સમય, સ્થળ કે સ્થિતિ જોયા વીના લાવા ફાટે એમ એ લઇને ફૂટી નીકળે છે. વ્યક્તિના ધજાગરા કરે છે. પણ આ જ સ્થિતિને ઉલ્ટાવીએ તો? આવા માણસોના જાહેરમાં માફી માંગવાનું થાય તો શેંકાયેલી સેન્ડવીચ અને દાબેલીબ્રેડ જેવું મોઢું થઇ જાય. ક્ષમાએ સંબંધોમાં ઓક્સિજનનું કામ કરે છે. ક્ષમા કરી જો જો. સામે વાળાની પ્રશંસાનું સાતમું આકાશ નજર સામે દેખાશે. કોઇનો હાશકારો આપણને અનુભવાશે. કોઇને થપ્પડ મારવાના ડેરિંગ કરતા માફ કરવાની તાકાત મોટી છે. એટલે જ સાચું શૌર્ય ક્ષમા આપવામાં છે. ક્ષમા એટલે વિવાદો પર કાયમી વિરામ, ક્ષમા એટલે મહાવરો જેને જીવનમાં કેળવી શકાય,  ક્ષમાં એટલે વાણી અને આંખોથી આપેલી ઔષધી જે આયખુ વધારી શકે, ક્ષમા એટલે ઇગોને ઓગાળવા માટેની ઉષ્મા અને હુંફના બીજનું વાવેતર. વાત કંઇ પણ હોય ત્યારે સાચું શું? એ વ્યક્તિએ વ્યક્તિએ બદલે છે. ક્ષમા એટલે હું પણાના સાચા હોવાના દાવાને ડામ દઇને સામેવાળાની સહજતાનો સ્વીકાર. પછીથી હકીકત સમજાવી અને જણાવી શકાય. આ બ્લોગ પર હિલોળા લેતા વાક્યોના દરિયામાં કોઇ શબ્દોના મોજાથી મનના ઘા પર ક્યારેક ખારાશ લાગી હોય તો મિચ્છામી દુક્કડમ...!!


No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...