Wednesday, August 03, 2016

વિદાય કાયમ વસમી જ રહેવાની


                કોઇ પણ વસ્તુ હોય કે વ્યક્તિ તેની એક અવધી નિશ્ચિત હોય છે. સિમકાર્ડમાં બેલેન્સ અને બેલેન્સના કાર્ડની પણ એક વેલિડિટી હોય છે. આ વેલિડિટી પહેલા છોડી દેવામાં આવતી પ્રવૃતિને નિવૃતિનું નામ આપવામાં આવ્યુ છે. રાજકિય ક્ષેત્રે મસમોટી પ્રતિભાને પણ પડકારમાંથી પાસ થવુ પડે. રાજ્યના વાતાવરણમાં ભલે ટાઢક થઇ ગઇ હોય પણ રાજકારણમાં છેલ્લા બે મહિનાથી ગરમાવો વધતો જાય છે. એવામાં સીએમ આનંદીબેન પટેલના રાજીનામાથી ઉષ્ણાતામાન એટલું વધ્યુ કે તેની વસમી વરાળ ભરચોમાસે દિલ્લી સુધી પહોંચી ગઇ. ઓગષ્ટ મહિનાના પ્રથમ દિવસના 24 કલાકને અધૂરા રાખીને બેન હવે 'ઓફિશ્યલ' રિટાયર્ડ થયા છે. સમય સાંજનો હતો પણ પક્ષમાં અમાસની રાત હોય તેવો માહોલ હતો. ધણા સમયથી બેનની વિદાય અપેક્ષિત  ચર્ચાતી પણ એકાએક થઇ જતા રાજકીય ધરા ઘ્રુજી  ઊઠી છે. જો કે આ બાબતે સંકેતો હતો પણ સ્પષ્ટીકરણ અને સત્તાવાર જાહેરાત બેને ડીજીટલ ઇન્ડિયાને ટેકો આપતા હોય એમ કરી.
             
        ગુજરાતના પ્રથમ મહિલા સીએમ ફેસબુક પરથી રાજીનામુ આપનાર પણ પ્રથમ સીએમ રહ્યા. વિદાય વેળાએ પોતાની ઉમરનો હવાલો નાંખીને પોતાનો સંદેશો આપ્યો. આ સમગ્ર ઘટના વચ્ચે શાંતિની અપીલ કરતી ચેનલો સંયમ જાળવવામાં સફળ ન થઇ. ટીવી ચેનલો વચ્ચે પહેલા હું, પહેલા હું અને જાણે રેટ રેસ થઇ હોય એવો માહોલ જોવા મળ્યો. વિદાયમાં પણ ચેનલોનું એગ્રેશન? વિચારવા જેવો વિષય છે. રાજીનામા પાછળના પરિબળોમાં અનેક મુદ્દાઓની હારમાળા અને નિર્ણય લેવામાં બેનની ખરડાયેલી છબીની સાથોસાથ નીડર નેતૃત્વનું પાસુ પણ કેન્દ્ર સ્થાને રહ્યું. ઇતિહાસના પાનાઓને જોડીએ ત્યારે સરદાર પટેલને બાદ કરતા કોઇ પાટીદાર મુખ્યમંત્રીનો નેતૃત્વકાળ શાંતિપુર્ણ રીતે સંપન્ન થયો નથી.ચીમનભાઇ પટેલ, બાબુભાઇ, કેશુબાપા અને આનંદીબેન આ તમામ લોકોએ સત્તાને અધવચ્ચેથી છોડી દીધી. પરંતુ, બેનના કાર્યકાળમાં કૌભાંડ, તોફાન અને આંદોલનના લીધે તેઓ વિશાળ વર્ગ વચ્ચે વડોખાયા તેમજ તરછોડાયા. આ ઘટનાઓની અપાર તીવ્રતાના લીધે સીએમના શ્રેષ્ઠ પર્ફોમન્સ પર વિરોધનું મેલું પાણી ફરી ગયું. જેના લીધે પ્રજાલક્ષી વિકાસની સુંવાસ મર્યાદિત બગીચા સુધી જ રહી.

               ભાજપની માતૃસંસ્થાની વિચારધારા  ધરાવતા નેતાઓની અસરથી એકસુત્રતા લાવવા પ્રદેશ પ્રમુખની વરણી થઇ. શાસકપક્ષમાં આતરિક વિખવાદ અને વણસેલા સંબંધોની વણઝાર બહુ જૂની છે. વાસ્તવિકતા એ પણ છે કે વ્યક્તિની 'લોબી'ઓના લોબિંગની રેસમાં આનંદ હણાયો. જૂથવાદ, ટીમવર્ક અને ગમા અણગમા વચ્ચે માનસિક શાંતિનો ભોગ લેવાયો આ વાત નક્કી થઇ ગઇ. આ ઉપરાંત પક્ષને વિજયરેખા સુધી પહોંચાડનાર વર્ગે બેન માટે મુંઝવણ અને મુશ્કેલીના પથ્થરોનો એવો મજબુત સેતું બાંધ્યો કે જે અંતે વિદાયના દ્વારે ખુલ્યો. મહિલ સશક્તિકરણ, બાળ કલ્યાણ, મા અમૃતમ યોજના, 50 ટકા મહિલા અનામત, મેટ્રો રેલ પ્રોજેક્ટ, આંગણવાડી મહિલા કલ્યાણ યોજના, આવાસ યોજના અને નર્મદા નીરને સૌરાષ્ટ્ર સુધી વહેતી કરતી યોજનાઓમાં બેનની કામગીરીની ભાગ્યે જ નોંધ લેવાઇ. જે ખરેખર પ્રશંનીય હતા.

                સતત અને સખત તુલનાઓના તીરથી બેનનું શાસન વિધાંતુ રહ્યું,. જ્યારે વિપક્ષને ક્રિકેટ જેવડું મેદાન મળ્યું. વિધાનસભા 2017માં કમળની પીએમના ઘરમાં શાખ સાચવવા હવે શું? બાજ નજરે વિહંગાવલોકન કરીએ ત્યારે હવે પડકાર મોટા અને સમય ઓછો જેવી રેતઘડી ચાલવા નહીં પણ દોડવા માંડી છે. હવે એક તરફ યુપી અને બીજી તરફ ગુજરાત, એકમાં ગઢ બનાવવાનો અને બીજામાં ન માત્ર સાચવવાની પણ  મજબુત કરવાની કવાયત. ચોતરફ વિકાસની વાવણીમાં ડહોળાયેલી શાંતિથી ખટપટની બીયારણનું વાવેતર થયું હવે કોણ? અને હવે શું? વચ્ચે પ્રથમ પ્રજા પક્ષ અને પરિણામલક્ષી પગલા સરળ તો નથી જ. લાંબા સમયની અટકળોના અંતથી લોઢા જેવી બનેલી સ્થિતિના ચણા ચાવવા જ નહી પણ સારી રીતે પચાવવા પડશે. જેમાં જેટ વિમાનની ગતિએ જીતનો જલસો નહી થાય. કારણ કે સમાજ અને વોટ રાજનેતાની કેરિયર બનાવી શકે અથવા બગાડી પણ શકે. આ રાજકીય સ્ટંટનો અવસર નથી સાથે અંગતહિતની બાદબાકી પણ નથી. તેમજ મોજના ફુવારા ફૂંટે એવો સંજોગ પણ નથી. આંતરિક સંકલન, સંચાલન  અને મુલ્યાંકન નવા આવનારા મુખ્ય પદાધિકારીની પરિક્ષા કરશે. ચોમાસું ખેંચાતા કિસાનોને તૃપ્તિ મળે અને પ્રજાને હાશકારો થાય એવા બે મુદ્દાને હાથમાં લેનારાએ ભુતકાળની હસ્તરેખાને જોઇને ચાલવું પડશે, નારાજગીથી અને રસ હોવા છતા પ્રગટેલી નીરસતાની સપાટી ઉપસી આવી. ગુજરાતમાં અત્યારે ભલે રંગ બદલાય પણ જંગ 2017માં થશે. મતયુધ્ધમાં મુખ્યમંત્રીનું ટયુનિંગ અને રેપો કામ કરવો જોઇએ જે આનંદીબેનમાં ક્યારેય જોવા ન મળ્યું. 

2 comments:

  1. સરસ... બેન આવ્યા ત્યારે જ મે પોસ્ટ કર્યુ હતુ..

    ReplyDelete
  2. इसमें कोई दो रॉय नहीँ कि बेन ने एक साहसी नेतृत्व दिया और कड़ी मोदी जी की मुख्यमंत्री के रूप में चुनोति पूर्ण पद को सुचारू निर्वाहित किया।
    जाहिर हे इस पद को जो खाका मोदी जी में बनाया था उसका न केवल अनुरक्षण वरन उसकोऔर भी श्रेष्ठ बनाना किसी भी राजनेता के लिए चुनोती था ।
    मिडिया इस गरिमामयी निवृत्ति को किस रूप में लेता हे।
    ये अलग विषय हे।
    बेन के कार्यकाल में दो आंदोलन का होना ड्रा बेक हो सकता हे लेकिन कई कल्याण कारी योजना का क्रियान्विति में आपके कार्यकाल को याद किया जाएगा
    गागर में सागर की कोशिश
    अच्छा लेख

    ReplyDelete

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...