ભાદરવા સુદ ચોથના
દિવસે વિધ્નહર્તા દેશવાસીઓના ઘરે બીરાજે છે.માત્ર વિચારથી જ નહી પણ વાસ્તવમાં પણ
ક્રાંતિકારી બાળ ગંગાધર ટિળકે શરૂ કરેલો ગણેશોત્સવ માત્ર હવે કોઇ પ્રાંત કે પ્રદેશ
પુરતો મર્યાદિત રહ્યો નથી. ગુજરાતના સુરતમાં નાની મોટી થઇને 80.000 જેટલી પ્રતિમાઓનું
સ્થાપન થયું છે. દેશમાં એકતા અને વિચારમાં એકસુત્રતા લાવવા વિનાયકના પર્વની ઉજવણી
શરૂ કરવામાં આવી હતી. દસ દિવસના અંતે આપવામાં આવતી ભાવભીની વિદાય સાથે માત્ર
પ્રતિમાં જ નહીં પણ આંખ પણ આસુંથી ઉભરાતી હોય છે. પ્રકૃતિના નિયમથી પરમાત્મા પણ
બાકાત નથી. જે આવે છે તેનું જવાનું નિશ્ચિત છે.ખરેખર તો વિસર્જન વ્યવહારમાં
વ્યાપેલું છે પણ જેનું વિસર્જન થવું જોઇએ એનું થતુ નથી.
Ganesh Visarjan At Mumbai, Warli |
વિસર્જન શબ્દમાં વ્યાપ નહીં
પણ ઊંડાઇ રહેલી છે. સંસ્કૃતમાંથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ પાણીમાં વિલિન થવું એવો
થાય છે. ગણેશચોથનું પર્વ વસમી સ્થિતિનું શાંતિથી વિસર્જન કરવાનું શીખવી જાય છે.
સ્થાપનાદિન નિમિતે ઇચ્છાઓની યાદી લઇને દગડું શેઠ સમક્ષ માંગણીઓ કરીએ છીએ પણ એમના
વિસર્જન વખતે આપણામાંથી શું વિસર્જીત કરીએ છીએ? જેને પાણીમાં પધરાવાનું
છે એવી ચીજ વસ્તુઓની સાથે વણજોઇતા વિચારો નથી છૂટતા. માત્ર ધાગા-દોરા જ નહીં ઘતિંગ
અને ડોળનું પણ વિસર્જન કરવાની જરૂર છે. વિસર્જનથી મનમાં ગોઠવાયેલા બીબાઢાળ અને
જામી ગયેલી લીલવાળા ચોકઠા ખાલી થાય. પાણીમાં વહી જાય તો જ નવીનતાને આવકારો મળે.
જેને યોગ્ય સમયે સ્વીકારવા પડે. દેશના સુટબુટધારી અને ખાદીધારી ભક્તો સાંસદ કે
વિધાનસભાના સત્રનું વિસર્જન થાય એવા મુદ્દાઓને ધક્કો મારતા હોય છે. મહત્વના
સત્રનું વિસર્જન સામાન્ય થતું જાય છે. ગરિમાં સચવાવી જોઇએ એવા સ્થાને સુત્રોચ્ચાર
કરતા ભક્તો સર્જન પણ નથી કરતા અને વિસર્જન પણ નથી કરવા દેતા. વોટના નામને વિખવાદ
થતો નીહાળે પણ ત્યાં શું વિસર્જન કરવાનું અને શેનું વિસર્જન કરવાનું એ
વિચારે પણ નહી.
નવા
વર્ષની શરૂઆતમાં નિયમોને સેટ કરવાથી જીવન ભારે થઇ શકે. વિસર્જનદિને ન જોઇતું
વહેતું કરીને હળવા થઇ શકાયજે વિચાર, વિકાર, વિવાદ, અભાવ, આડંબર જીદ તથા
પ્રાયોરિટીથી અકળાઇ જવાતું હોય તેને વિદાય આપી શકાય. નવરાત્રિ પર્વ દરમિયાન ઉજવાતી
દુર્ગા પૂજાનો અંત પણ વિસર્જનથી થાય છે. ત્યાં પણ જે બાબતો આપણને વિચલીત કરતી હોય
તેને વહેતા કરી દેવાય. મહેનતકશ શરીરમાંથી પ્રસ્વેદનું વિસર્જન, મોબાઇલ રિચાર્જની
સ્કિમની પણ એક વેલિડિટી હોય છે જેને તે સમયગાળામાં ઉપયોગમાં ન લેવાય તો આપ મેળે
એનું પણ વિસર્જન, કોઇ પણ સારા કામના હવનમાં હાડકાનાંખીને તે ક્ષણનું વિસર્જન
કરવામાં પક્ષો પાવરધા છે જ, વિસર્જન મોબાઇલના એક નોટિફિકેશન સમાન છે જેને યોગ્ય
સમયે નિયત અવધીમાં જોવું પડે- જાણવું પડે અન્યથા વેળા વહી જાય પછી અહેસાસ થાય.
પંચમહાભૂતમાં
પાણી સૌથી પવિત્ર છે અને ગણપતિ પાણીના
આરાધ્ય દેવ છે. દેવાનું નિવાસસ્થાન જળ છે. તેથી જ તેને જળમાં વિદાય આપવામાં આવે
છે. પાણી જેવી પારદર્શિતતાને સ્વીકારવાનો સંદેશો વિસર્જન પાઠવે છે. પરંતુ, આપણે
ત્યાં તંત્રના ડહોળાયેલા પાણીના લીધે ટ્રાંસપેરન્સી સમાજના ગુગલમાં શોધવી પડે.
સૃષ્ટિ અને સમાજનો આકાર બદલાના સ્થાને વિકાર તેમજ વેરની વળ છૂટે તો વિસર્જનપર્વ
સાર્થક થયું ગણાય. વૈવિધ્યપ્રેમી માણસના સ્વભાવ પણ જૂદા છે પણ જેમ દરેક ગણપતિમાં
એકસુત્રતા છે એવી વૈચારિક યુનિટી દેશ માટે અત્યારે અનિવાર્ય છે. માણસ વિખવાદના
દરિયાનો તરવૈયો બની ગયો એટલે જ વિવાદિત થતો ગયો. એક નિર્ણય કરીએ જેટલી નકારાત્મકતા
છે એનું વિસર્જન કરીએ.
No comments:
Post a Comment