Wednesday, August 24, 2016

મેળોઃ મોજ મસ્તી અને મીઠાશ

                             
                               તહેવાર અને ગુજરાતનો સંબંધ ખૂબ મજબૂત છે. નવરાત્રિ ગુજરાતની ઓળખસમો તહેવાર છે પણ જન્માષ્ટમીનો મેળો સૌરાષ્ટ્રના અનેક ઉત્સવોમાં આઇકોન છે. જો કે સૌરાષ્ટ્રના મેળાઓ અને મેળામાં સૌરાષ્ટ્ર બંન્ને ઉજવણીના માધ્યમ કરતા સ્નેહમિલનની સિઝન છે એમ કહી શકાય. જુલાઇ મહિનો તહેવારોની પા પા પગલી નો જ્યારે ઓગષ્ટે ઉત્સવોનું મધ્યાહન છે. મધ્યાહન વિશે અનેક વિચારોને શબ્દો મળ્યા છે. શ્રાવણ માસ એટલા ભાંગ ભભૂત અને ભસ્મના દેવનો મહિનો. સંહારક દેવના પવિત્ર મહિનામાં સર્જનહારે સૃષ્ટિમાં આંખો ખોલી. જાણે કુદરતને પણ આધ્યાત્મની સાથે ઉપાસના, ઉપવાસ તથા જપ-તપનું સિંચન કરવાનું હોય. શ્રાવણના ત્રીસ દિવસનું મધ્યાહન એટલે ગોકુળ આઠમ, તહેવારોનો ધમધમાટ, આરાધના સાથે નવી ઊર્જા અને શક્તિનો સંચય કરવાનો તરવરાટ.
તસવીર વિશ્ર્વાસ ઠક્કર
             રક્ષાબંધનથી શરૂ થતા પર્વમાં અષ્ટમીનો મેળો કેન્દ્ર સ્થાને છે. જો કે મેળાની મજા ખરેખર સૌરાષ્ટ્રના શહેરોમાં છે. અઠવાડિયા પૂર્વે શહેરને ધજા પતાકાથી સુશોભિત કરવામાં આવે જાણે આધુનિક યુગમાં વૈકુંઠ તૈયાર થયું હોય. પાંચ-છ દિવસ મેળાની મોજ સાથે પરિવારમિલન પણ થાય છે. ગુજરાત પંથકમાંથી સૌરાષ્ટ્ર બાજૂ જતી બસ, ટ્રેનમાં ચિક્કાર ભીડ માદરે વતનનો મહિમા સ્પષ્ટ કરે છે. ભાતીગળ મેળાની મજા ચકડોળથી લઇને ચાટ મસાલાની લારીના ખાનપાન સુધી માણવી જોઇએ. હૈયેહૈયુ દળાય અને રજા પડતા હરવા ફરવાના શોખીનોનો 'મેળ' પડી જાય. ઘણાને મેળામાં પણ મેળ થઇ જાય. વિદેશી રાઇડ્સની સિરીઝ વચ્ચે મેળાના ગીત માત્ર દાંડિયા રાસ પુરતા જ સિમિત રહ્યા છે. મેળાનો માનવજાત સાથે સંબંધ પાષાણયુગ જેટલો જૂનો છે. કૃષ્ણજન્મની વધામણી સાથે ભક્તિભાવ અને ભાવતા ભોજનીયાની મીઠાશમાં મોંધવારીની મિસરી દુધમાં સાંકરની જેમ ભળી ગઇ છે. બાકી તો લીસ્ટ બનાવવું પડે એટલા મેળા છે. અંબાજી શક્તિપીઠ સ્થાનકે ભાદરવી પૂનમનો મેળો, કારતક સુદ અગીયારસથી પૂનમ સુધી મોશ્ર્વોનદીના કિનારે શ્યામળાજીનો મેળો, કાર્તિક સુદ તેરસ, ચૌદસ અને પૂર્ણિમાના દિવસે સાગરકિનારે સોમનાથમાં મેળો, સિધ્ધપુરનો મેળો જેમાં ભાવિકો રાત્રે સ્નાન કરી નદીના પટમાં રાત્રી પસાર કરે છે. સસ્તુ ભાડું અને સિધ્ધપુરની યાત્રા.

              કહેવતની જેમ એક વાર માતૃશ્રાધ્ધનું મહત્વ ધરાવતી આ ધરાની યાત્રા એકવાર કરવા જેવી છે, ભાંગ, ભભૂતી, સાધુ બાવાઓના ખેલ અને રવાડીની રોમાંચક યાત્રા એટલે ગરવા ગીરનારના ખોળામાં આવેલા ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો, લ્યો આ લીસ્ટને હજૂ આગળ વઘારીએ...સૌરાષ્ટ્રની શાન સમા રાજકોટનો લોકમેળો જેમાં દરવર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે, માધવપુરનો મેળો, સુરેન્દ્રનગરના થાન પાસે યોજાતો ભાતીગળ સંસ્કૃતિના અપાર વૈવિધ્ય સમાન તરણેતરનો મેળો, અમદાવાદ જિલ્લાના ધોળકામાં યોજાતો વૈઠાનો પશુમેળો, દેશમાં સૌથી મોટો પશુમેળો રાજસ્થાનના પુષ્કરતીર્થમાં ભરાય છે પણ વૈઠાના મેળામાં ગધેડાઓનું પણ પ્રદર્શન કરવામાં આવે છે, ડાંગમાં હોળીના દિવસોમાં આદિવાસીઓનો મેળો, ફાગણ વદની ચૌદસે સાંબરકાંઠાની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ગુણભાખરીનો કહેવાતો મેળો, પંચમહાલમાં હોળી પછીની પાંચમ, સાતમ કે બારસના દિવસે યોજાતો ગોળનો મેળો જેમાં એક માંચડો તૈયાર કરીને ગોળ ભરેલી પોટલી સુધી વિધ્નો પાર કરીને પહોંચવાનું હોય છે, ઊંઝાથી નજીક પુષ્પાવતી નદીના કિનારે ચૈત્ર સુદ સાતમના દિવસે હરસિધ્ધી અને આગીયા વીર વૈતાળનો લોકમેળો, ફાગણ વદ દસમ અને અગીયારસના દિવસે મહેસાણામાં પાલોદર ખાતે ચોસઠ જાગણીઓનો મેળો, વીસનગરના વાલમ ગામે ગાડાને શણગારીને હાથિયાઠાઠું બનાવવામાં આવે છે જેને હાથિયાઠાઠુંના મેળાથી ઓળખવામાં આવે છે, ચૈત્રી રામનવમીથી તેરસ સુધી ચાલતો પોરબંદર પાસે આવેલા માધવપુરઘેડનો મેળો, ચૈત્રી પૂનમે બહુચરાજીમાતાનો પ્રાગટ્ય ઉત્સવ હોવાથી તે બહુચરાજીના મેળાથી ઓળખાય, જન્માષ્ટમીએ ડાકોરમાં રણઠોડરાયનો મેળો, આ કુલ મળીને ગુજરાતભરમાં 1521 જેટલા મેળાઓ ભરાય છે જેમાંથી 800 જેટલા મેળાઓ સૌરાષ્ટ્રની ધરતી પર યોજાય છે, જે દરેક મેળાનું સામાજિક અને ધાર્મિક મહત્વ છે. પુરાણોની કથા જોડાયેલી છે. હા, આ તમામ મેળામાં 'ફન' છે પણ 'ફનફેર' કહેવાતો નથી.

                              જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ માટે ભલે ગમે તેટલું મોટું ગેટ ટું ગેધર ગોઠવાય પણ મેળા જેવી માસુમિયત નથી, મેળામાં મળ્યા હોય એને ખ્યાલ હશે કે તે મિલનની વેળા જીવનભર યાદ રહી જાય અને જેવી સાતમ આઠમ આવે ત્યારે એ યાદ મીઠાઇ પર સોનાના કે ચાંદીના સ્વાદિષ્ટ વરખ ચડે એમ  તાજી થાય. મોલ અને મલ્ટિપ્લેક્સના યુગમાં રૂકરૂકખાન કે સલિયા ફિલ્મ ભલે રીલિઝ થાય પણ લોકમેળાનું સૌદર્ય ઓછું થયું નથી. સૌરાષ્ટ્રના દરેક નાના મોટા નગર નદી કિનારે વસેલા છે. એ નદીના પટમાં મેળાનું આયોજન થાય છે પણ હવે ધીમે ધીમે પટ બંધ થતા ગયા અને મેળાઓ બીજા ખસતા ગયા. મેળામાં જેટલી સુરક્ષા હોય છે એટલી સુરક્ષા નદીઓની અને તેમાં સાફ સફાઇ માટે શ્રમયજ્ઞ કરવામાં આવે તો મેળાની રોશનીથી આસપાસની નદીઓ પણ દીપી ઉઠે. આ વખતે દહીંહાંડીમાં કોઇ બાળગોપાલ મટકી ફોડતા જોવા નહીં મળે, આ પણ એક મેળો જ છે ને? ખરેખર તો દ્વેષની મટુકી ફોડીને સંપ-સહકારનું ગોરસ વહેચાવું જોઇએ. પરંતું, 'હું' પણાનું જામી ગયેલુ પળ પલડતું નથી એટલે જ શ્રાવણની સાતમ આઠમ 'રમવાની' અને 'રમાડવાની' ઋતુ બની ગઇ છે. આ તમામ મેળાઓમાં વૈવિધ્ય જોવા મળે અને દરિયાની વિશાળતા કરતા પણ મોટી મોજ આવે. મૂડ બદલે એ મેળો. કોઇ પણ તહેવારની એક મીઠાશ હોય છે જેને ચાખવા માટે તહેવારને દિલ ખોલીને માણવો પડે, મોબાઇલ, ટિવી કે ટેબલેટની સ્ક્રિન પર જોઇને તેનો અહેસાસ ન થાય, મેળા સાથે સાહસ, સૌદર્ય અને સૌપણું જોડાયેલું છે, નટના ખેલ, મોતના કુંવા અને મદારી સાપના ખેલ સાથે સાહસ છે જ્યારે મેળામાં પ્રવેશ કરતી વખતે વાંસની વાસલડી વગાડનાર ભલે અબુધ કે અભણ હોય તેની ફૂંકમાંથી નીકળતા સૂરમાં એક સૌદર્ય છે અને પરિવારના તમામ લોકો મેળામાં જાય તેમાં સૌપણું છે

આઉટ ઓફ બોક્સ
આનંદની અનુભૂતિ કરાવે એ તહેવાર અને તહેવાર એટલે ટ્રેડિશન પ્લસ ઇમોશન.

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...