સૌની યોજનાના સૂર્યોદયને લોકતિલક કરવા ચાલુ વર્ષે પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા, પાણીના પાયલોટ પ્રોજેક્ટનું લોકાપર્ણ અને પ્રથમ સભા સંવાદ પાછળ વિધાનસભા 2017 ચૂંટણીનું જોડાણ હોવાનું ચર્યાય રહ્યું છે. જો કે ઓગષ્ટ 2015થી શરૂ થયેલા આંદોલનો કોઇ પણ સરકારી કાર્યક્રમ સામે વિકટતા ઊભી કરી રહ્યું છે. પટેલ, દલિત, એસસી, એસટી, ઓબીસી સહિત તમામ નાની મોટી જ્ઞાતિઓનું સંગઠન નકારાત્મક વેગથી ઉપસતુ જાય છે. ક્યાંક ને ક્યાંક વિરોધ, બળવો અને માગને વોટ સાથે જોડીને જોર બતાવવાની હોડ જામી છે ત્યારે હક, અધિકાર અને જરૂરિયાત સામે ફરજ, જવાબદારી તેમજ નૈતિકતા જેવા તત્વો વગર તડકે સુકાઇ ગયા છે. ગુજરાતનો પ્રતિષ્ઠિત અને લેન્ડ લોર્ડ કહેવાતો વર્ગ ઉચ્ચ વિચાર તથા સાહસિકતા સાથે તળિયે બેસવા માગે છે. જ્યારે નિન્મ કક્ષાના વર્ગના અત્યાચારો થકી વિરોધના વહેણ સતત વહેતા થયા છે જેની અસર શાંતિપુર્ણ ગુજરાતના વાતાવરણને થઇ છે. કકરાટ અને વિખવાદનો ઉકરડો ઠલવાતા એક આખી પેઢિ ખોટી રીતે પ્રભાવિત થાય છે જેમાં બુધ્ધીજીવીઓ સારા નેતાના ગુણો જોતા હોય છે. આંદોલન કોઇ પણ હોય જીદ્દ અને તીવ્રતા વધે એટલે હિંસામાં હોમાવવાની શરૂઆત આ પ્રવાહને વેગ આપનારથી થાય છે. જમીન સાથે જોડાયેલી પેઢિની વિશાળ સંખ્યા જ્યારે હલકા થવાના પ્રયાસો થકી હકની વાત કરે છે ત્યારે ફરજ બજાવવાની વાત અંધારે મૂકાય છે. 'ડર્ટી જોબ્સ' કરતા વર્ગના લોકો જાહેરમાં પોતાની જ્ઞાતિ બોલતા ખચકાય છે પણ દેશના પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ વહેતી મૂકી સમકક્ષ-સમાનતાની વિચારધારા વહેતી કરી છે એમ કહેવાામાં કંઇ ખોટું નથી.
જાટ આંદોલનમાં થયેલી હિંસા અને અનામત આંદોલન વચ્ચે અનામત માંગ, હિંસા, જીદ તથા લડી લેવાના ઝનુનની મુદ્દાઓ સ્પષ્ટ છે. ખેતિ કરવા પ્રત્યે મોઢું ફેરવતી પેઢિને કારખાના નાંખીને સ્ટાટઅપ કરવું છે, વિદેશમાં વ્યાપાર વધારવો છે, સરકારી 'રાહત' પણ જોઇએ છે પણ જ્ઞાતિવાદનું ઝેરી કેમિકલ મનમાંથી ઓગાળવું નથી. હક માંગીએ છીએ ભીખ નહીં પણ દેશનો કોઇ એક નાનકડો વર્ગ એમ તો બોલો કે અમારી ફરજ અદા કરીએ છીએ, આખરે વર્ગ આવે છે તો સમાજમાંથી જ ને? લાખોની ગાડીઓ લઇને નંબર પ્લેટ પર ચોક્કસ રંગના પટ્ટા લગાવીને, સાઇન સિમ્બોલ તેમજ પોતની જ્ઞાતિ લખાવીને, કિંગ સ્ટાઇલના નંબર થકી પોતે બાપ હોવાનું પ્રેઝન્ટેશન કરે છે જ્યારે ટોલટેક્સ અને ઇનકમ ટેક્સ માટે લાગતા વળગતાને ફોન કરીને છટકબારી શોધે છે. લાખોની ગાડી સામે ટોલટેક્સની રકમની તુલના કરો તો નજીવી રકમ રહેવાની. દેશના એક પણ નેશનલ હાઇવે પરના ટોલટેક્સની રકમ ચાર કે પાંચ આંકડામાં નથી.
વિદેશમાં પણ સફાઇ 'કર્મચારી' છે જેના માટે કામ મોટું છે પણ આપણે ત્યાં ખાટલે મોટી ખોટ એ છે કે દેખાડો મોટો છે. સવારે કચરો લેવા આવનારને કચરાવાળો કહીએ છીએ. વાસ્તવમાં કચરાવાળા તો આપણે કહેવાય કારણ કે આપણી પાસે કચરો છે જે આપવાનો છે. દા.ત. જેની પાસે કાર છે તે કારવાળો, બંગલો છે તે બંગલાવાળો. આવા કામ કરનારો વર્ગ ગર્વ લેવાના બદલે શરમ અનુભવે છે. તેમની નોકરીના કોન્ટ્રાંક્ટ સામે કાયમી થવાના પ્રશ્ર્નોથી અવારનવાર હડતાલ પડતા કચરાના ગંધાતા ડૂંગરોનું માનવસર્જિત સર્જન થાય છે ત્યારે રોષના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. પ્રદર્શનના એક્સપોઝ સાથે માંગ ઊઠે છે. અમારે આ જોઇએ છે એ પણ મફત. જંગલના રાજા સિંહને પણ ભૂખ સંતોષવા કોઇ જીવનું ભંગાણ કરવું પડે છે. તો પછી નોકરીમાં સ્કિમ શા માટે? ખરેખર તો દેશની પ્રજા સેલિબ્રેશન કરવામાં સફળ અને એડોપ્ટ કરવામાં એક્સપર્ટ છે પણ કામ કરવામાં ડિસ્કાઉન્ટ શોધનારી પ્રજા છે, મેક્સિકન પીઝા મેક્સિકોમાં નહી ખવાતા હોય પણ દેશમાં ખવાય છે, ચીનમાં લોકો સ્ટિકથી ખાય છે અને આપણે ત્યાં ચાઇનીઝ 'ભેળ' જગન્નાથપુરથી જામજોધપુર સુધી મળી રહે છે. ગજબની સ્વિકૃતિ... દેશનો એક બહોળો વર્ગ શિક્ષિત થતો જાય છે પણ પ્રસંન્નતાને પોંખવામાં શબ્દો ખૂંટે તેવી માનસિકતા પ્રવર્તે છે જ્યારે બાલમંદિરમાં ય શિખવ્યું ન હોય તેમ છતા ટીકા કરવામાં અને કોઇને વોખડવામાં પીએચડી છે. એક આખી પેઢિ જ્ઞાતિ કેન્દ્રિત પરંપરામાં કામ કરવા માટે મચી પડી છે સારી વાત છે નવી ટેકનોલોજીના સ્પર્શથી સંધર્ષ યાત્રા સિમિત બનતી જાય છે, કામને નવા રંગરૂપ મળે છે. જે પેઢિને કામ સાયકલરૂપી કાર્યમાંથી ફંટાવવાની છૂટ છે ત્યાં તેમના મનમાં ક્વોટાના બીજ વાવીને લાભ લણવા માટે આંબા બતાવવામાં આવે છે. વિચારસરણી સાથે જ્ઞાતિની ચ્વિંગમ જાણે દિવાળીમાં દિવાલો પર પ્લાસ્ટિક પેઇન્ટ ચોંટે એમ ચોંટી ગઇ છે. પાછી પાણીમાં લીલની જામી પણ ગઇ છે. આવા સમાજનું ચાલે તો ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગની જ્ઞાતિ પણ પૂછી આવે, બિલ ગેટ્સને પોતાની જ્ઞાતિના બ્રાંડ એમ્બેસેડર બનાવી દે, સ્પીલબર્ગને પોતાના સમાજની ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે આપી દે.
ગાય (આ શબ્દ લખતા પણ બીક લાગે જાણે કોઇ જીવ દયા પ્રેમી તૂટી પડવાનો હોય) કાયમ સંવેદનાનો મુદ્દો રહ્યો છે એમ સમસ્યાઓની વિશાળતા વચ્ચે વિકાસ ત્યારે જ શકય છે જ્યારે જ્ઞાતિવાદના વિષના સ્થાને વૈવિધ્યનું વિટામીન વિચારમાં જમા થશે. દેશને જગતની હરોળમાં પ્રથમ આવવું છે પણ દેશવાસીઓને કંઇક આપવાની જગ્યાએ દેશમાંથી જ કંઇક લૂંટી લેવું છે. મહાસત્તા બનવાના વલખા મારવા કરતા માનવજાતે શિસ્ત પાલનની કેળવણી કેળવવી પડશે, પારકા રાષ્ટ્રનું કંઇક એડિટ કરીને પોતાનું કરવા કરતા સર્જનાત્મકતાનો સરવાળો કરવો જોઇએ, જ્ઞાતિવાદના સીમાડાને સાઇડમાં મૂકીને ક્રિએટિવીટી પર ધ્યાન અને ફલેક્સિબલ વિચારધારા અમલમાં મૂકનારા સમાજનો દેશના વિકાસ સાથે ગ્રોથ નિશ્ર્ચિત છે
આઉટ ઓફ ધ બોક્સઃ સારી અને સાચી વાતને સ્વીકારવામાં સમય નથી જતો એટલો સમય એને અમલમાં મૂકતા જાય છે
No comments:
Post a Comment