Monday, July 22, 2019

એવિએશન સેક્ટરઃ યાત્રી કૃપયા ધ્યાન દે...

એવિએશન સેક્ટરઃ યાત્રી કૃપયા ધ્યાન દે...

           સામાન્ય રીતે જ્યારે પણ કોઈ એરપોર્ટ કે એર ટ્રાફિકની વાત આવે છે ત્યારે નવી સર્વિસ, ક્નેક્ટિવિટી અને ઓછા પૈસા વધુ સવલતની ગ્લેમરસ ઓફર્સને ધાણી ફૂટે એમ દેખાડવામાં આવે છે. જેટ એરવેઈઝ કાયમી ધોરણે લેન્ડ થઈ ગઈ ત્યાર બાદ એર ઈન્ડિયા ખોટમાં  ચાલી રહી છે. બીએસએનએલના કર્મચારીઓને પગાર થયા નથી. ટૂંકમાં સરકારના જાહેર સાહસ ખોટમાં ચાલી રહ્યા છે એવા અહેવાલ છે. પણ એક તરફ નવા એરપોર્ટ શરુ કરવા માટેના બીજ રોપાઈ રહ્યા છે તો બીજી તરફ સર્વિસ ઘટતી જાય છે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને કોલકાતા જેવા દેશના મુખ્ય મહાનગરની ક્નેક્ટિવિટી માટે નાના શહેરમાંથી વેપારીઓ અને પ્રવાસીઓને નજીકના મહાનગરના એરપોર્ટ માટે લાંબુ થવું પડે છે. આ ઉપરાંત રોડ-રસ્તા મુદ્દે આત્મવિશ્વાસનો મત વ્યક્ત કરતી ભાજપ સરકારે માત્રે મહાનગર માટે કે નજીકના જિલ્લા-ટાઉન માટે રોડ જોડાણ મજબુત બનાવ્યું છે. બાકી તાલુકાઓ કે અતિ નાના શહેર-સેન્ટરની સ્થિતિ ચૂંટણી આવ્યે દીવા બળે એવી જ છે. 

              દિલ્હીમાં અને મુંબઈમાં એક નવા ટર્મિનલની વાત ચાલી રહી છે તો સૌરાષ્ટ્રમાં વર્ષોથી એરપોર્ટ સ્ટેશન વધારવાની માંગ કાગળ પર સડી રહી છે. એટલે કે જ્યાં માનવ મહેરામણ અને એરઓપરેશન છે ત્યાં જ વિકાસ. નવી સરકારની શિક્ષણ પોલીસી અને બિઝનેસ પોલીસીની ચોમેર ચર્ચા છે તો એર ટ્રાફિક વધવા છતાં સર્વિસ પર કાંપના મુદ્દે એક વર્ગ નિરાશ થતો જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના નાના સેન્ટરમાં દિવસની એક-બે ફ્લાઈટથી સંતોષ પરાણે માનવો પડે છે. આ ઉપરાંત જામનગર અને કચ્છ જેવો શહેરમાં એરફોર્સ-આર્મી જેવી સુરક્ષા એજન્સીઓ સિક્યુરિટી પ્રોસ્પેક્ટને લઈને ઘણુંય સાઈડમાં મૂકી રહી છે. જેથી આવા શહેરનો વિકાસ અંડરગ્રાઉન્ટ ગટરના ઢાંકણા નીચે માણસનો શ્વાસ રુંઘાય એ રીતે રુંઘાય છે. રાજકોટ-જામનગર તથા જૂનાગઢ એમ ત્રણથી ચાર સેન્ટરમાંથી એરટ્રાફિક સારો એવો રહેતો. 5600 સીટનું ઓપરેશ સિંગલ ફ્લાઈટ સર્વિસને કારણે માત્ર 660એ આવીને અટકી ગયું. એક તરફ વિકાસની વાતના બ્યુગલ વગાડવામાં આવે છે તો મહનગરની સામે નાના સેન્ટર તરફ આવું વલણ શા માટે? ટૂંકમાં એકને ગોળ અને બીજાને ખોળની સરકારની નીતિ સ્પષ્ટ થઈ છે. સમયના સેકન્ડ કાંટે બદલતી સ્થિતિને ધ્યાને લઈને એક વાત પણ સ્વીકારવી પડે કે, મહાનગર તરફ લોકોની દોટ રાતોરાત વધી રહી છે એ પાછળનું એક કારણ પરિવહન પણ છે. ખાસ કરીને રોકાણ કરીને આવક ઊભી કરનારાઓ માટે નાના સેન્ટરના સ્કોપ હાંસિયામાં ઘકેલાતા જાય છે.

        ગત વર્ષે 13.89 કરોડનો વાર્ષિક એક ટ્રાફિક નોંધાયો હતો. જેના કારણે દેશનું નામ સૌથી ઝડપથી વિકસતા એવિએશન સેક્ટરમાં આવી ગયું. પણ આ પાછળ સરકારી નહીં પણ પ્રાયવેટ પોલીસીઓ કામ કરી ગઈ. સસ્તી એર ટિકિટ સામે રિટર્ન ટિકિટમાં મળતા કમિશન તથા ઓનલાઈન પેમેન્ટ પર મળતા કેશબેકને કારણે બમ્પર ફાયદો થયો પણ સર્વિસ ઘટતા ઈન્ડિયન એરલાઈન્સ ફડચામાં ધકેલાતી ગઈ. અગાઉ એર ડેક્કન, સહારા અને કિંગફિશર જેવી એરલાઈન્સના પાટિયા બેસી જતા સીધો ઝટકો ટ્રાફિકને પડ્યો. એવામાં નાના સેન્ટરમાંથી સ્થાનિક રાજકારણને અર્થવિહોણી રજૂઆતથી કેન્દ્રમાં કોઈ પડઘા ન પડ્યા. સરવાળે શૂન્યમાંથી પસાર થતું પરિણામ એક વિરોધાભાસ સ્પષ્ટ કરે છે. એક તરફ વધતો એર ટ્રાફિક મહાનગરનું લિંકિગ વધારે છે તો નાના પોર્ટલ પર એવી કોઈ ખાસ સર્વિસ ન મળતા પેસેન્જરની પરિવહનમાં કમર તૂટે છે અને પૈસા ખૂટે છે. રોજગારી અને સ્ટાફની અછતના આંતરિક ડામ દરેક સરકારી સેક્ટર સહન કરે છે પણ સરકારને નાના સેન્ટરની સુખ-સુવિધામાં કોઈ રસ નથી. કારણ કે, સંખ્યા પાછળ મતનું ગણિત મહાનગરમાં મોટું અને અસરકારક છે. આવી સ્થિતિ યથાવત રહી તો નાના સીટીના એરપોર્ટ પણ ઘૂળ નહીં કાટ ખાઈ જશે.

Thursday, June 27, 2019

બીએસએનએલઃ ઈસ મે મેરા ઘાટા

બીએસએનએલઃ ઈસ મે મેરા ઘાટા

          ગત ફેબ્રુઆરી મહિનામાં એવિએશ ક્ષેત્રની સરકારી કંપની એર ઈન્ડિયાએ જાહેર કર્યું હતું કે, એર ઈન્ડિયાની સર્વિસ ખોટમાં ચાલી રહી છે. ત્યાર બાદ રેલવે તરફથી સમયાંતરે એ રીપોર્ટ સામે આવે છે કે, રેલવેમાં બેનિફિટ કરતા લોસનો આંકડો દિવસેને દિવસે મોટો થઈ રહ્યો છે. જાહેર સાહસની કંપનીઓ સસ્તા દરે વિશાળ સુવિધા સાથે સર્વિસ આપી રહી હોય ત્યારે સરકારી કંપનીઓના કર્મચારીઓ અને બીજા સ્ટાફની સેલેરી સામે જોખમ ઊભુ થાય છે સરળતાથી સમજી શકાય એવો મુદ્દો છે. હવે ખોટ કરતી સરકારી કંપનીઓની યાદીમાં વધુ એક કંપનીનો ઉમેરો થયો છે એ કંપની છે બીએસએનએલ. હાલમાં જ આ કંપનીએ પોતાના ગ્રાહકોનો સાચવી રાખવા માટે ઈન્ટરનેટની નવી સ્કિમ જાહેર કરી હતી. જેનો રીચાર્જ દર પણ નજીવો રાખવામાં આવ્યો હતો. પરંતુ, વાસ્તવિકતા એ પણ છે કે, આ સરકારી  કંપની અત્યારે આર્થિક સંકટના વાદળમાં અટવાઈ પડી છે. પોતાના 1.7 લાખ કર્મચારીઓને વેતન આપવા માટે પૂરતું ફંડ નથી. આ માટે કુલ રૂ.850 કરોડનું ફંડ કંપનીની તિજોરીમાં નથી.

              આ કંપનીના બેગ્રાઉન્ડ પર નજર કરીએ તો બીએસએનએલની દેશભરમાં કુલ 15000થી વધારે પોતાની માલિકીની બહુમાળી ઈમારતો છે. જ્યારે 11 હજાર એકરની જમીન માલિકીનો હક આ કંપનીનો છે. જોકે, પ્રોપર્ટીના દરનો આંકડો જોઈને કે સમજીને પગાર ચૂક્તે કરી શકાતો નથી. એ પણ હકીકત છે. આ ઉપરાંત વધુ એક સરકારી કંપની એમટીએનએલ વર્ષ 2010થી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. બે વર્ષ પૂર્વે 2017માં બીએસએનએલએ 4789 કરોડ રૂપિયાની ખોટ વેઠી હતી. આ વર્ષે આ આંકડો વધી શકે એવી પૂરી શક્યતાઓ છે. ગત વર્ષે આ આંકડો 8000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ખોટની રકમ વધી રહી છે એવામાં પોતાના ગ્રાહકો ટકાવી રાખવાનો પણ પહાડ જેવડો પડકાર છે. એ પણ વાસ્તવિકતા છે કે, લોકસભાની ચૂંટણી પહેલા દેશની કેટલીક રાજ્ય સરકારે વીજબિલ ન ભરતા વીજ લાઈન કાપી નાંખવાની વાત ઉચ્ચારી હતી. જોકે, કંપનીની આ હાલત માટે સરકારની કેટલીક નીતિ પણ અમુક અંશે જવાબદાર છે. સરકારે ક્યારે એવું મુલ્યાંકન કે નિરિક્ષણ કર્યું નથી કે, સરકારી તિજોરીના બે કામાઉ દીકરા એર ઈન્ડિયા અને બીએસએનએલ કેવી રીતે ચાલી રહ્યા છે. 90ના દાયકામાં આર્થિક ઉદારીકરણના રોપાયેલા બીજનો જેટલો ફાયદો ખાનગી કંપનીઓએ લીધો એટલો સરકારી કંપનીએ લીધો નથી. તેમ છતાં બીએસએનએલના ગ્રાહકો સૌથી વધારે હોવાનો દાવો છે. આ સિવાય દેશનું સૌથી મોટું ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક બીએસએનએલ પાસે છે. 8.19 લાખ કિમી. પરંતુ, ધીમે ધીમે રિલાયન્સ જીઓ આ ક્ષેત્રે કદમતાલ કરી રહી છે અને સફળતા માટે હવાતીયા મારી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા નાણામંત્રાલયે બીએસએનએલ અને એમટીએનએલને ફરી જીવંત કરવા કેટલાક પ્રસ્તાવ નવી સરકાર સામે મૂક્યા હતા.
                નવી સરકાર કેન્દ્રમાં આવી એને એક મહિનો થઈ ચૂક્યો છે. હવે બજેટ રજૂ થવાનું છે અને બીજી યોજનાઓ પણ જાહેર થવાની છે. એવામાં સરકાર આ બંને કમાઉ દીકરાને વેગ આપવા કેવું પગલું ભરે છે એના પર તેના ગ્રાહકોનો આધાર છે. કારણ કે લોકોની રુચિ બદલતા સમય નથી લાગતો. ખાનગી કંપનીઓના ગ્લેમર વચ્ચે સરકારી કંપનીઓનું નબળું પ્રમોશન દેખીતી રીતે ખોટના સંકેત આપી રહ્યું છે. ખાનગી કંપનીઓએ શીખી લીધું છે કે રાય જેટલું કામ અને હિમાલય જેટલો પ્રચાર. કંપનીને પાયાથી સુધારવાની જરુર છે. એક નવી પોલીસી આ બંને કંપનીઓને જીવનદાન આપી શકે છે. જ્યારે એર ઈન્ડિયામાં ખાનગી કંપનીઓની કેટલીક સારી પોલીસીને ગ્રહણ કરી જરુરી ફેરફાર સાથે એપ્લાય કરી શકાય છે. કારણ કે ત્રણેય કંપનીઓએ માર્કેટમાં ટકી રહેવા માટે માત્ર નામ જ નહીં કામ પણ એવા દેખાડવા પડશે.

જામનગર ઉદય-તા.27.6.2019

Tuesday, June 25, 2019

બજેટઃ કુછ આશ હૈ, કુછ ખાસ હૈ

બજેટઃ કુછ આશ હૈ, કુછ ખાસ હૈ
                મોદી સરકારની બીજી ટર્મમાં સૌથી વધારે લોકોની નજર જેના પર છે તે છે બજેટ. આ વખતે સૌ પ્રથમ વખત દેશના પ્રથમ મહિલા નાણા પ્રધાન દેશનું બજેટ રજૂ કરવાના છે ત્યારે દરેક ક્ષેત્રના  લોકોને રાહત મળવાની પૂરી આશા છે. ખાસ કરીને ખેડૂત વર્ગ ફરી કોઈ મફત સ્કિમની રાહ જોઈને બેઠો છે તો બેરોજગાર યુવાનો માટે કોઈ ખાસ આયોજનથી કમાણી કરી શકાય એ પ્રોવિઝનની રાહ જોવાઈ રહી છે. તા.5 જુલાઈએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન સૌ પ્રથમ વખત મોદી સરકારની બીજી ટર્મનું બજેટ રજૂ કરશે. જેમાં પીયૂષ ગોયેલની ચાવી રુપ ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ દેશમાં તેજી-મંદીનું મિશ્ર વાતાવરણ છે ત્યારે અનેક પડકારો સામે પહોંચી વળવાની ક્ષમતાની ખરી કસોટી થવાની છે. મોદી સરકારનું નવું મંત્રી મંડળ તૈયાર થયા બાદ ઓછા સમયમાં મોટા પ્રોજેક્ટને પહોંચી વળવાની ચેલેન્જડ છે. એવામાં આ બજેટ પણ ટૂંકા જ સમયમાં તૈયાર થયું છે. છેવાડાના રાજ્ય અને શહેરને કેવો તથા કેટલો લાભ મળી રહે છે એ જોવાનું છે. બીજી તરફ રાજ્ય સરકાર પણ ક્યો પ્રોજેક્ટ શરૂ કરશે જેથી પ્રજાને સીધો ફાયદો થાય એ સૌથી વધારે ચર્ચાતો મુદ્દો રહ્યો છે.
ઉદ્યોગ લોબી અને નોકરીયાત વર્ગને અસર કરતું સમાન પરિબળ ઈન્કમ ટેક્સ છે. ગત ચૂંટણી પહેલા મોદી સરકારે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બજેટમાં ઈન્કમ ટેક્સમાં થોડી રાહત આપવામાં આવી હતી. પણ એ તો ચૂંટણીલક્ષી બજેટ હતું. આવનારા દિવસોમાં વિવિધ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટાયેલા સાંસદો ફરી જનતાને મહેરબાન કરવા મેદાને પડે એવી પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને ઉદ્યોગો માટે સરકાર સકારાત્મક રહી છે, બીજી તરફ ગુજરાત અને દિલ્હી જેવા મહત્ત્વના સેન્ટરમાં નવા સ્ટાર્ટઅપ માટે સરકારી રેડ કાર્પેટ છે. એવામાં સ્થાનિક માર્કેટમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ સસ્તી થાય તો પાડોશી રાજ્ય કે દેશ સુધી મોકલવાનું દરેક ઉદ્યોગ સાહસિકને પરવડે. પણ ટેક્સ અને પરિવહનના મોંઘાદાટ માળખામાં ગૂંચવાયેલો રૂપિયો નફો ઓછો અને ખોટ વધારી રહ્યો છે. બીજી તરફ સરકારી તિજોરીને સમયાંતરે લાગતા ફટકાને આર્થિક રીતે સદ્ઘર કરવાની જવાબદારી નિર્મલાના માથે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ક્રુડના ભાવ અંગે ચોક્કસ પોલીસીથી કામ લેવું હવે અનિવાર્ય છે કારણ કે, ઈરાન અને અમેરિકા વચ્ચે છાશ ખાટી થઈ ગઈ છે. જેના છાંટા ભારતને ઉડવાના છે. વલણ બદલતું અમેરિકા અને પાડોશી દેશને મદદ કરતું ચીન આ બંને મુદ્દા દેશના અર્થતંત્રને સીધી રીતે અસર કરે છે. કારણ કે હજું પણ ચીનની આઈટમ સસ્તી હોવાને કારણે તે પ્રોફિટ ભારતમાંથી ખેંચી જાય છે. તો બીજી તરફ આદર્શવાદના દાવા ઠોકતું અમેરિકા પોતાની વૃતિ હાલમાં બદલે એવું લાગતું નથી.   


 નિર્મલા સીતારામણ મોદી સરકારની ટીમમાં સૌથી એક્ટિવ અને ક્રિએટિવ વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે. સંરક્ષણ ખાતું જ્યારે એમની પાસે હતું ત્યારે પણ તેમણે પોતાની વર્કિગ પોલીસીનો એ ક્ષેત્રને પરીચય આપ્યો હતો. આ ઉપરાંત અત્યારે બજેટનું છાપ કામ ચાલી રહ્યું છે ત્યારે પૈસો ક્યાંથી આવશે અને ક્યા અનિવાર્ય ક્ષેત્રમાં જશે એ સૌથી અગત્યનું પરિબળ બની રહેશે. એ વાત એ પણ ચોક્કસ છે કે, બજેટ બાદ વિપક્ષ તરફી રાજકીય ખળભડાટ મચી જવાનો છે. 40થી વઘારે આર્થિક સલાહકારની સલાહ લીધા બાદ આ બજેટ રજૂ થવાનું છે ત્યારે સરકારી કર્મચારીથી લઈને ખાનગી ક્ષેત્ર સુધી સૌ કોઈ રાહત ઈચ્છે છે. બસ કુછ આશ હૈ કુછ ખાસ હૈ.

જામનગર ઉદયમાં પ્રકાશિત. તા.24.6.2019

Sunday, April 28, 2019

ફ્લાઈંગ પોલીસીઃ સવાલ, સમસ્યા અને આંતરિક સમીકરણો

ફ્લાઈંગ પોલીસીઃ સવાલ, સમસ્યા અને આંતરિક સમીકરણો

એર ઈન્ડિયાના સર્વરે શીર્ષાસન કરતા લોકોના મગજનો પારો 45 ડીગ્રી સુધી પહોંચી ગયો. એરપોર્ટ પર અનાજની દુકાન જેવું ચિત્ર ઊભું થયું. બોર્ડિગ પાસ માટે બુમાબુમ અને ફ્લાઈટ ગુમાવીને હતાશ થવું પડ્યું એ જુદુ. પૈસા આપી દેવાનો દાવો કરતી એર ઈન્ડિયા કંપનીનું સાડા પાંચ કલાક બાદ બધુ વ્યવસ્થિત થયું. થોડા દિવસ પહેલા વિમાનમાં બેઠેલા એક મુસાફરે ઈમરજન્સી ગેટ ખોલી નાખતા પાયલટે વિમાનને ડીસબ્રેક મારવી પડી. એ મુસાફર પર લોકોના ગુસ્સાનો પર્વત પત્તા મહેલની જેમ તૂટી ગયો. એવિએશન ક્ષેત્રે હાલમાં માઠી ચાલી રહી છે. એક તરફ જેટએરવેઝની ફ્લાઈટ કાયમ માટે લેન્ડ થઈ ગઈ છે. બીજી તરફ એરપોર્ટના શેડ્યુલમાં સમયાંતરે આવતી એરરનું પ્રમાણ વધી ગયું છે. જેટ એરવેઝ માટે કોઈ સંકટમોચન ન બન્યું. મોટા ઉદ્યોગોની પ્રાયવેટ ફ્લાઈટનું બધુ ગોઠવાય જાય ત્યાં વાત પૂરી થઈ જાય છે. જેટ એરવેઝે ફ્લાઈટ ટેકઓફ ન કરવાનો નિર્ણય લીધો છે ત્યારે ઉડ્ડયન મંત્રાલય પાસેથી જવાબની અપેક્ષા રાખવામાં આવી છે. કાયમ માટે ટેક ઓફ ન થઈ શકનારી જેટ એરવેઝ એક માત્ર ફ્લાઈટ નથી. લીસ્ટ ઘણું લાબું છે. જેમ કે, કિંગફિશર એરલાઈન્સ. એ પહેલા ડેક્કન એરલાઈન્સ. એર સહારા તો કાયમી ધોરણે લેન્ડ તો થઈ અને પછી હંમેશાં માટે લોક પણ થઈ ગઈ.


એક તરફ વિમાન યાત્રીઓની સંખ્યામાં દિવસે નથી થતો એવો વધારો રાતોરાત થાય છે. બીજી તરફ એર સર્વિસ પૂરી પાડતી કંપનીઓ પોતાના કપાટ કાયમી ધોરણે બંધ કરી રહી છે. પરિવહન ક્ષેત્રની કોઈ પણ સર્વિસ એક વખત ફડચામાં જાય ત્યારે તેની અસર એક મોટા વર્ગ ઉપર પડે છે. સ્ટાફ, પાયલટ, ગ્રાઉન્ડ સ્ટાફ, એડમિન, આઈટી ક્ષેત્રના લોકો અને અંતમાં મુસાફરો. સૌથી નીચલા સ્તરે મુસાફરો છે પણ તે વૃક્ષ જેવું કામ કરે છે. મૂળમાંથી પાણી આવે છે અને ઉપર સુધી જાય છે. જેટના કેસમાં ડાળખા કપાઈ ગયા અને મૂળિયા હજુ વિસ્તરી રહ્યા છે. ફડચામાં ચાલતી માત્ર કોઈ ખાનગી કંપનીઓ જ નથી. એર ઈન્ડિયાનું નામ પણ તેમાં છે. પણ અહીં સૌને પોતાનું પેટિયું રળાય એટલું મળી રહે છે એટલે બધાની ફ્લાઈટ મર્યાદિત સીમા ધરાવતા રનવે પરથી દોડી રહી છે. 90ના દાયકામાં શરુ થયેલા ખાનગી એરલાઈન્સ કંપનીઓએ સારી એવી છાપ ઊભી કરી. લોકો પાસેથી ટિકિના પૈસાનો પાયો મજબુત બન્યો અને ટકી ગઈ. એ સમયે વાર્ષિક 10 કરોડ મુસાફરોએ હવાઈ યાત્રાની મોજ માણી. ગત વર્ષે આ આંકડો 11 હજાર કરોડ સુધી પહોંચ્યો. જેમાં જાહેર સાહસની ટકાવારી ઓછી અને ખાનગી સાહસની વધારે હતી. કારણ કે, બેસ્ટ સર્વિસ અને પર્ફેક્ટ ટાઈમિંગ. એર ટ્રાવેલર્સની સંખ્યામાં થતો એકાએક વધારો ખાનગી કંપનીઓ માટે સોનાની લગડી સમાન છે. પણ માત્ર ફોન જ સ્માર્ટ નથી થયા લોકો પણ સ્માર્ટ થયા છે. એર ઈન્ડિયાની સર્વિસમાં ક્યારે ભાવ ગગડે છે તેના પર વોચડોગની જેમ લોકો નજર રાખીને બેઠા હોય છે. એવા પણ લોકો જોયા છે જેઓ અમદાવાદથી મુંબઈ માત્ર હજાર રુપિયામાં પહોંચ્યા છે.

ડોમેસ્ટિક રુટની વાત કરીએ તો સૌથી વધારે નફો રડી આપતું આ માધ્યમ છે. જેમાં છેલ્લે થયેલા એક સર્વે અનુસાર દોઢ કરોડ મુસાફરોનો વધારો થયો છે. આવડી મોટી કંપનીઓમાં જ્યાં મુસાફરોને એરપોર્ટ પર ચારણીની જેમ ચારી ચારીને ચેક કરે છે ત્યાં અંદરખાને એવું તે શું થાય છે કે ફ્લાઈટને કાયમી તાળા લાગી જાય છે? એક લીટીનો સીધો અને સ્પષ્ટ જવાબ. આવક કરતા જાવકની માત્રા વધી જાય છે. આ સિવાય તે ઉડ્ડયન નીતિ સામે પણ સવાલ કરે છે. બીજી તરફ ઉધારીનું પોટલું એટલું વજનદાર થઈ ગયું હતું કે તેણે ફ્લાઈટના છાબડાં બેસાડી દીધા. પહેલા કિંગફિશરે લોન પર ધંધો કર્યો પણ નફામાંથી બેંકનું પેટ ન ભર્યું. ટૂંકમાં લોન ભરપાઈ ન કરી. એવામાં તેના માલિક શરાબી રાજા (લિંકર કિંગ) વિજય માલ્યા પરદેશ સીધાવી ગયા (ચાલ્યા ગયા). દેવામાં ડૂબેલી હોય એ ફરીથી ઊભી થાય નહીં. કમ્મર તોડ રકમ લઈને બેઠેલી કંપનીઓએ પછી સ્ટાફને હવા ખવડાવવાનો વારો આવે છે. બીજી તરફો ઓફર્સે કચ્ચર ઘાણ કાઢી નાંખ્યો. ગળાકાપ હરિફાઈમાં ટકી રહેવા અને વધુને વધુ મુસાફરોને આકર્ષવા માટે ઓફર મૂકતી ગઈ. અંતે કંપની પોતે મુશ્કેલીમાં મૂકાઈ ગઈ. દેશી ભાષામાં કંપની ઉપર પણ સ્કિમ થઈ ગઈ. એટલે કે હરિફાઈએ હંફાવી દીધા. ઉડ્ડયન ક્ષેત્રે એક નવી હવા વર્ષ 2000 બાદ શરુ થઈ. જ્યારે સામાન્ય લોકોને પોસાય એવા ભાડાથી એર સર્વિસ પ્રાપ્ય બની.


વર્ષ 2003માં ગોપીનાથની એર ડેક્કન શરુ થઈ. ત્યાર બાદ સ્પાઈસ જેટ, ઈન્ડિગો, ગો એર જેવી સર્વિસ પોતાના રુટ અને ભાવ પ્રમાણે વર્તવા લાગી. આ તમામ એર ફ્લાઈટ એક જ સુત્રો પર આગળ વધતી હતી. વધુ મુસાફરોની સંખ્યા સામે ઓછી તથા ઓફર્સ વાળી ટિકિટ. એવાં ઓનલાઈનથી તો આ કંપનીઓએ લોકોને સસ્તામાં ઘી ખવડાવવાનું શરુ કરી દીધું. તુલના ત્યાં સુધી થઈ કે, રેલવે કરતા એર ટિકિટ સસ્તી પડે. સમય બચે. પણ 2007 સુધીમાં ડેક્કનની ડૂટી દુખી ગઈ. આર્થિક સ્થિતિ ડામાડોળ થવા લાગી. 2012માં આવી જ સ્થિતિ કિંગફિશરની થઈ. જે હવામાં તો ઠીક પણ જમીન ઉપર પણ બેલેન્સ ન રાખી શકી. 2019માં જેટે પોતાની જટા બાંધી લીધી. હવે આવી સ્થિતમાં શું કરી શકાય? કારણ કે સર્વિસ તો મોંઘી પડે છે. જે ચાના એરપોર્ટની બાહર 12રુ.  રુપિયા છે ત્યાં અંદર સીધા 52રુ. છે.એટલે હો ગઈ ના વેલ્યુ ડબલ. જ્યારે જીએસટીનું એલાન થયું ત્યારે કેટલાક કંપની નિષ્ણાંતોએ કહ્યું હતું, કે, વિમાનમાં વપરાતા ઈંઘણને જીએસટી હેઠળ લાવવામાં આવે. પણ બીજા વાહિયાત વિરોધના સૂર વચ્ચે સરકારના કાને આ યોગ્ય અવાજ પડઘાયો નહીં. હાલમાં જે ઈંઘણની પોલીસી વિમાન માટે છે તેનાથી કંપનીને ખોટ થઈ રહી છે. ખાનગી કંપનીની વાત નથી એરઈન્ડિયા પણ અહીં સામિલ છે. બીજા દેશમાં ઈંઘણ પર લાગતો ટેક્સ ઓછો છે એટલે કે બાકીના 30 ટકા જ કંપનીને ખર્ચો આવે છે. તેથી વિદેશી મુસાફરોને ભારત ફરવું સસ્તામાં પતે છે અને આપણે આખી જિંદગીની કમાણી રોકીએ તો પણ ખૂંટે છે.


સરકાર સમયાંતરે રેલભાડામાં નોંધપાત્ર વધારો કરે છે. પરિણામ એ આવે છે કે લોકલમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી અને ચેરકાર ખાલી એ ખાલી જાય છે. જેમાં ખર્ચો વધે છે. કેમ કે, તેમાં એસી વ્યર્થ જાય, લાઈટ માટે જનરેટર પર લોડ વધે. ખાસ ગ્રાહકો માટે આપવા પડતા ઓસિકા ધાબડા લોકો ઘરભેગા કરી જાય. પરિણામે લોકલ બેસ્ટ થઈ જાય છે અને બેસ્ટમાં બેસવા લોકોને સ્વપ્નમાં પણ એ ડબ્બો દેખાતો નથી. કારણ કે ભાડું. હવે એક બાજું સરકાર આંતરિક પરિવહનમાં વિમાનની સેવા ઊભી કરવા મથી રહી છે. નાના શહેરમાં એરપોર્ટ ઊભા કરવા થનગની રહી છે. પણ જે અંદરનો સડો છે તેને કાઢવા માટે કોઈ નક્કર આયોજનનો અભાવ હોય એવું લાગે છે. પોલીસીમાં ફેરફાર કરવાથી પરિવર્તન આવે એની તો ગેરેન્ટી નથી પણ અંદરખાને એવી કોઈ વસ્તું ડામવાની જરુર છે. જે ખોટી હરિફાઈને પ્રેરે છે. એરપોર્ટ ચાર્જિસથી કમાણી થાય વાત સાચી છે પણ કંપનીઓના માલનું કમિશન ઘટાડી શકાય એવી પણ પોલીસી લાવવાની જરુર છે. કેવડો તફાવત કે, પેકિંગની ચાર્જ પરની વસ્તુની કિંમત પૂરેપૂરી ચૂકવવી પડે અને હાથેથી કે મશિનથી બનેલી ચાના મનફાવે એવા ભાવ વસુલાય. એટલે કે ઘર આંગણે ઘરના જ ઘાતકી જેવો ઘાટ. ઉકેલની ચર્ચા કરવાથી નહીં પણ વિચારોના અમલીકરણથી ચિત્ર બદલાય. જે કોઈ નવી સરકાર આવે એ આ એક પરિવર્તનથી પ્રજામાં કાયમી વસી જાય એવી આ તક છે. બસ જરુર છે આયોજન અને અમલીકરણ.

Sunday, February 03, 2019

વચેટિયાઓનું વર્ચસ્વ એટલે ઇધર કુવા ઉધર ખાઈ

વચેટિયાઓનું વર્ચસ્વ એટલે ઈધર કુવા ઉધર ખાઈ

નાનપણમાં એક રમત રમાડવામાં આવતી હતી. જેમાં કુંડાળામાં બેસીને બાળકો એકબીજાના કાનમાં કંઈક કહે. મુખ્ય વાત મુખ્ય વડા સુધી પહોંચતા જડમૂળથી બદલાઈ ગયેલી હોવાનું પરિણામ સામે છે. એકથી વધારે જ્યારે બાળકો રમતા હોય ત્યારે ચોક્કસ કઈ વ્યક્તિથી વાત બદલી તે કહેવું કઠિન હોય છે. આવું થાય છે આજની દુનિયામાં પણ ક્ષેત્ર બદલી ચૂક્યા છે. એ સમયે કુંડાળામાં બેસીને રમત રમતી આજે ડિજિટલ ડિવાઈસ પર આ રમત રમાઈ રહી છે. વાત છે વચેટિયાઓની. દુનિયાનું કોઈ પણ ફિલ્ડ લઈ ફીલિંગ્સથી લઈને ફાયનાન્સ સુધી તમામ પાસા અને પગથિયાઓ પર વચેટિયાઓ પ્રોફેશનલી રાજ કરે છે. દેશ અને દુનિયામાં ડંકો વગાડવા માટે અનેક લોકો થનગની રહ્યા છે. પણ લીલની માફક જામી ગયેલા આ એજન્ટોની દુનિયા અંડરગ્રાઉન્ડ માફિયા જેવી છે. જેમાં પ્રવેશવું તો સરળ છે પણ બહાર નીકળવું અભિમન્યુને ચક્રવ્યૂમાંથી બહાર કાઢવા બરોબર છે. તાજેતરમાં બર્લિનમાં થયેલા એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, એશિયા પેસિફિક રિજિયનમાં મોસ્ટ કરપ્ટ દેશની યાદીમાં ભારતનું નામ અગ્રસ્થાને છે. એજ્યુકેશનમાં એડમિશનથી લઈને ઓનલાઈટ ટિકિટ બુકિંગ સુધી તમામ ક્ષેત્રે આ લોકો 'વ્હાઈટ કોલર' જોબ કરે છે. ચાર્જ ચૂકવો અને ચાન્સ મેળવો.

રાજસ્થાનનું કોટા સિટી ટ્યુશનક્લાસ માટે દેશમાં ડંકો વગાડે છે. અહીંયા આઈએએસથી લઈને આઈઆરએસ સુધી અને તલાટીથી લઈને ટેક્સ કમિશનર સુધીની પરીક્ષાની તૈયારીઓ કરાવવા માટે આપણે ત્યાં જેટલા અંતરે પાણીપૂરીવાળાની રેકડીઓ હોય છે એમ અહીં ટ્યુશન ક્લાસ આવેલા છે. આ વાસ્તવિકતા છે પણ સત્ય એ પણ છે કે, કોઈ એક જાહેર સાહસની પરીક્ષામાં પાસ થઈ ગયા હો એટલે પ્રમોશન અને પસંદગીની જગ્યાએ ટ્રાંસફર સરળતાથી મળી જાય છે. અહીંયા કોણ કામ કરે છે? એજન્ટબાપુ. તૈયાર ફૂડમાં દેશી મસાલાના સ્વાદ શોધતી જનરેશનમાં પણ બે વર્ગો છે. એક મજબૂર છે અને એક પૈસા દઈને પણ મોકો શોધે છે. હવે આ રીતે કંઈ સફળતા મળી જાય તો તેને માસ્ટર સ્ટ્રોક સમજવો કે મજબૂત એજન્ટોની મહેરબાની? શિક્ષણક્ષેત્રે ચાલતી કેટલીક જાણીતી વીંગ પણ આ કામમાં જેમ મુન્નાના કામમાં સર્કિટ ભાગીદાર હોય છે એમ બ્રાન્ડેડ પાર્ટનરશીપ ધરાવે છે. અસ્તિત્વને અસ્થિર કરે દે એવી વાત તો એ છે કે, બર્લિનના અભ્યાસ અનુસાર દર દસમાંથી સાત લોકો 'વહીવટ' કરે છે. કેટલાક લોકો તો વહીવટી અધિકારી બની ગયા છે. થોડા મહિના પહેલા કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. વીજવેગે તપાસ થવા માંડી. કારણ કે, પોલીસ'ખાતા'ની પરીક્ષા હતી. યુનિવર્સિટીની પરીક્ષાના અનેક વખત પેપર લીક થઈ ગયા? કેમ ભીનું સુકા અને રાજકીય કપડાંમાં સંકેલાઈ ગયું? બર્લિનની એનજીઓએ આપણા દેશના કુલ 43 ક્ષેત્રનો જ નહીં પણ ત્યાં કચેરીમાં ઉડતી ઘૂળનો ડિટેઈલ રિપોર્ટ તૈયાર કરીને દાવો કર્યો છે કે, ઈન્ડિયામાં એન્જટ એટલે થાય કોઈ પણ કામ અર્જન્ટ.

મંગળ પર યાન મોકલવામાં આવે કે ચૂંટણીલક્ષી બજેટમાં મત મેળવવા માટેની ટેક્સ રાહત મળે એટલે દેશવાસીઓના મનમાં આનંદનો અણુંબોંબ ફૂટે. પીએમ તમામ વસ્તુઓ ઓનલાઈન કરીને ભ્રષ્ટાચાર ભડવીર દલાલ રાજ નાબૂદ કરવા માગે છે. એમના જ પક્ષના જાણીતા મંત્રીએ કહ્યું છે કે, મહેસુલખાતું સૌથી વધુ બદનામ અને બીજા નંબરે પોલીસખાતું છે. સિસ્ટમમાં સડો નથી એજન્ટની ટોપી પહેરીને બેઠેલો માણસ અંદરથી સડી ચૂક્યો છે. મહાકાય સમિટ કરીને વિશ્વની કંપનીઓ માટે એક તરફ રેડકાર્પેટ પાથરવામાં આવે છે ત્યારે આવી કંપનીઓ કંઈ ઠાલા વચનો અને મહેમાનગતીથી મહેરબાન થાય એમ નથી. દેશ અને દુનિયાની એનજીઓ તથા યુનિવર્સિટીએ કરેલા સર્વેને ધ્યાને લઈને પોતાના કરોડો રૂપિયા પારકા દેશમાં રોકે છે. એવામાં વચેટિયાઓનું વર્ચસ્વ ફાવી જાય અને યુવાનોની સ્કિલ શિકાગોમાં થતી હિમવર્ષાની માફક જામી જાય તો એજ્યુકેશન ક્યાં કામ આવશે? લેન્ડ ક્લિકર કરવાથી લઈને લાયસન્સ સુધી અને મીઠાઈની દુકાન લેવાથી લઈને મોબાઈલમાં સોફ્ટવેર અપડેટ કરાવવા સુધી બધે જ 'સેટિંગ' કરી દેનારા છે જ. થોડા સમય પહેલા રિયલ એસ્ટેટની એક વેબસાઈટમાં લખેલું હતું directly by owner. એક વ્યક્તિને ક્લિક કરીને જોયું તો દલાલોનું આખું નેટવર્ક હતું. એટલે ઓનલાઈન પર સબસલામતનું સિગ્નલ અને વાસ્તવમાં અજાણી જગ્યાએ રહેલા જોખમ જેવી સ્થિતિ. સત્તા માટેના સંઘર્ષો થાય પણ માત્ર આદર્શવાદી તો શબ્દો જ બોલાય. રેલવેની ટિકિટમાં બેફામ વધારો થાય પણ રેલઅકસ્માતમાં પૂર્ણવિરામ જ ન મૂકાય. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બાય રોડ જાવ ત્યારે પાસિંગ ચાર્જ સિવાય 200રૂ. ઉપરથી લેવાય છતા કંઈ થાય નહીં. પોતાના પ્રાંતની નંબર પ્લેટ ધરાવતા વાહનોને ગ્રીન સિગ્નલ મળે અને બીજા રાજ્યના વાહનો એરપોર્ટ પર પેસેન્જર ચેક થાય એ રીતે સ્કેન થાય. છતા 50 રૂ. તો વગર પહોંચના આપવા પડે.


બજેટના છોતરા કાઢી નાખવામાં આવા વચેટિયાઓ જ ત્રણ એક્કા ફેંકીને બાજી મારી જાય છે. આવા માણસો વીર હોય છે પણ વિખ્યાત હોતા નથી. બર્લિનની ટ્રાંસ્પેરન્સી ઈન્ટરનેશનલ નામની એનજીઓએ એવા પણ લોકોનો સર્વે કર્યો છે જે કામ કઢાવવા કાવડિયા ફેંકે છે. જ્યારે નોટબંધી થઈ ત્યારે એક એવો અંદાજો હતો કે, હવે  શ્યામલક્ષ્મી (બ્લેકમની) ધારકો છતા થશે પણ વચેટિયાઓ તો 'મિસ્ટર ઈન્ડિયા'  જેવો રોલ ભજવી ગયા. મનફાવે ત્યારે દેખાય અને મનફાવે ત્યારે ગાયબ. ગુજરાતમાં તો પ્રોપર્ટી ક્ષેત્રે મહાનગરમાં બીજ રોપવા હોય તો એજન્ટના ચરણસ્પર્શ નહીં પણ તેમને લક્ષ્મીસ્નાન કરાવવું પડે. બીજી તરફ એજન્ટો આપણને પાન સમજીને ચાવી જાય અને થૂંકી પણ કાઢે. (સ્નાન એટલે પાણી આપણા પર ઢોળવું અને પાન એટલે આપણે પાણીમાં જઈને ડૂબકી મારવી) આવા વાતાવરણમાં પ્રથમ વખત પ્રોપર્ટી લેનાર ભયભીત થઈ જાય અને અભણ, અંગુઠાછાપ, ભાઈગીરીનો મહારથી અને રાજકીય અથવા પોલીસ પીઠબળ ધરાવતો વચેટિયો ભયાનક બની જાય છે. પૈસ દેતી વખતે માત્ર પગ નહીં પણ આખું શરીર ધ્રુજી ઊઠે. આ બધા વચ્ચે મૂળ વાત એ પણ છે કે, જ્ઞાનના અભાવ વચ્ચે શોર્ટ કરીને ઉશ્કેરનારાઓ તૈયાર થઈ જાય છે. સર્ટિફાઈડ એજન્ટની જરૂર જ શું છે? એક તરફ ખરીદનાર અને બીજી તરફ વેંચનાર વચ્ચે સરકારી ટેક્સ અને યોગ્ય મજૂરી સિવાય ત્રીજા વ્યક્તિ કેવી રીતે અને શા માટે ફાવી જાય છે આ એક રિસર્ચ માગી લે તેવો વિષય છે. પી.એચડી થાય તો ધાર્યા કરતા મોટા નામની આતશબાજી થાય.

વિદેશમાંથી જ્યારે કોઈ વ્યક્તિનથી દેશમાં ટ્રાંસફર થાય છે ત્યારે તેઓ પોતાની કેટલીક વસ્તુઓ વેચવા કાઢે છે. ત્યાં કોઈ એજન્ટ કે દલાલ નથી હોતા ઓનલાઈન ફોટા પાડીને મૂકો એટલે વેચાય જાય. આ ઉપરાંત દરેક વિસ્તારમાં એક સેન્ટર હોય છે ત્યાં ફરિયાદ કરો એટલે તાત્કાલિક નીવેડો આવે છે. આપણો દેશ વ્યાપારી પ્રવૃતિ માટે વર્ષોથી જાણીતો છે. જેને વેચવું છે તે સ્વદેશથી લઈને પરદેશ સુધી મહેનત કરે છે. જેને લેવું છે તે અનેક જગ્યાએથી સરવે કરીને નાણાં ચૂકવે છે. તો પછી સિસ્ટમમાં આ વચ્ચે કોઈ પોતાની પ્રવૃતિ કરવા માટે કેમ 'સેટ' થઈ જાય છે. ઓનલાઈનનું માધ્યમ હોવા છતાં શા માટે એજન્ટો વ્હાઈટ કોલર થઈને ધંધો કરે છે. મકાન રોજ વેચાતા નથી, એડમિશન વર્ષે એક વખત થાય છે. પીજી (પેઈંગ ગેસ્ટ)માં દર વ્યક્તિએ ડિપોઝિટ લેવાય છે, આઈડી પ્રુફ લેવાય છે તો શા માટે તેની સાથે કોઈ અફઘાનના આતંકી જેવું વર્તન કરવામાં આવે છે? આવા અનેક સવાલ છે પણ જવાબ દર વખતે પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. દેશની સિસ્ટમ બદલવાની જરૂર નથી, પગથિયા પર બેસીને બીક બતાવીને સેટિગ કરી આપતા લોકોને બદલવાની જરૂર છે. લાયકાત હશે તો લોયાલિટી આપમેળે આવશે. રાજ કરવાની જરૂર નથી રોયલ બનવાની જરૂર છે. જરૂરિયાતને આવક નહીં આવકાર બનાવવાની આવશ્યકતા છે. બાકી આપણા દેશમાં રાજ કરનારા અંગ્રેજો નથી ટકી શક્યા તો વચેટિયાઓ શું ટકવાના?  વોટ્સએપના વિષવિદ્યાલયમાં રહીને ડિજિટલ સુખ મેળવતી આજની જનરેશ શોર્ટકટ છોડીને પુરાવા સાથે દાવો કરતા શીખશે ત્યારે વચેટિયાઓનું રાજ ખતમ થશે. અવાજમાં ઉશ્કેરાટ નહીં યોગ્ય રસ્તો શોધીને આવિષ્કાર કરવામાં દમ રાખવો જોઈએ. અન્યથા આપી દીધા બાદ પાછું વળી શકાતું નથી અને બદલાથી લીધેલું પામી શકાતું નથી.

આઉટ ઓફ ધ બોક્સ

વિદ્યાર્થીઃ મારી પાસે પાનકાર્ડ છે પણ તે અમુક જગ્યાએ ચાલતું નથી.
વચેટિયોઃ મને આપી દો, એડ્રેસપ્રુફ પ્રિન્ટ કરાવી આપીશ. તમારા માટે 500 થશે

Tuesday, November 06, 2018

દિવાળી એટલે તહેવાર, વ્યવહાર અને સંબંધોનું ગેટ-ટુગેધર

દિવાળી એટલે તહેવાર, વ્યવહાર અને સંબંધોનું ગેટ-ટુગેધર

                    આમ તો દિવાળી તહેવારોનું એક આખું પેકેજ છે. જેમાં અગિયારસથી શરૂ કરીને લાભ પાંચમ સુધી એક આખો માહોલ  જાણે સ્પેશ્યલ હોલી ડે લઈને આપણે રિલેક્સ અને આનંદ કરાવવા તૈયાર હોય. દિવાળી કદાચ એક માત્ર એવો તહેવાર હશે જેમાં રજાનું મેનેજ નહીં પણ રજામાં પ્લાનિંગ કરવામાં આવે છે. હા, જે લોકો ઈમરજન્સી નોકરી અને સર્વિસ સાથે જોડાયેલા છે તે લોકો માટે તેમના કામના સ્થળે જ તમામ તહેવારોની મજાનો ફરજિયાત આનંદ લેવાનો હોય છે. આખિર ક્યા કરે. ડ્યુટી હૈ. રોશનીના આ પર્વમાં શુભેચ્છાથી લઈને સંવાદ સુધીની સ્પેશ જાણે લાઈવ થતી હોય એવો માહોલ હોય છે. પાડોશીની સાથે આમ ભલે પાર્કિગથી લઈને પાણી સુધીની માથાકુટ થતી હોય પણ દિવાળીમાં તો ત્યાં પણ મીષ્ઠાન આપીને ઉજવણી કરવામાં આવે છે.

          દીવા પ્રગટાવીને અજવાશ કરવાની આ પરંપરા ભારત દેશમાં દાયકાઓ જૂની છે. રામનું અયોધ્યામાં આગમન અને મહાવીર પ્રભુના નિર્વાણદિવસમાં એક વાત સામાન્ય છે તે છે ભજન. આવકારમાં ભજન અને વિદાયમાં પણ ભક્તિ. પર્વનો આ જ તો સંદેશો છે કે સત્સંગથી માહોલ પલટાય છે. હવામાં 100 ગ્રામ ધૂમાડો હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. આજે દીવાઓનું ડીજીટાઈઝેશન થઈ ગયું છે. છતાં પણ દરેક ઘરમાં દીવાનું સાતત્ય યથાવત છે. દીવાનું અસ્તિત્વ જ પરંપરાના પુરાવા આપે છે. ઘર ભલે ગમે તેવું હોય કે ગમે એવડું હોય રંગોળીની શોભા એક સંસ્કૃતિની સાબિતી આપે છે. રજામાં મોજ કરવાની અને રીત રિવાજને જીવંત રાખવા તેમાં થોડા આપણા લેટેસ્ટ વાઈબ્રેશન ઉમેરવાના. પગે લાગવાનું અવગણવાનું નથી પણ નવી પેઢિની સામસામે ભેટવાની હગ સિસ્ટમને પણ અપનાવવામાં ખોટું નથી. તહેવાર એટલે ટોટલી રિલેક્સ, ચોઈસ કરીને આનંદના વોઈસમાં હસતા રહેવાનું સમયે આપેલું મેદાન. દીવાની વાત કરીએ તો પહેલા દીવાની વાટ તેલ કે ઘીમાં ઝબોળીને પ્રકાશનું પ્રાગટ્ય થતુ. પછી એક સમય આવ્યો જ્યારે રંગબેરગી લેમ્પને વાયરથી જોડીને પ્લગ પોરવીને સીરિઝ બનતી. આજે એલઈડીનો સમય છે. ચાઈનાનો માલ ભલે કાયમ વિવાદમાં અને ચર્ચામાં હોય પણ આપણા સેલિબ્રેશનમાં મસ્ત ડેકોરેશન કરી આપે છે. 

             આ વખતે મોંઘવારીના મારથી તહેવારોના રંગ ભલે થોડા બદલાયા હોય પણ ઉત્સાહ એવો જ તાજગીથી ભરપૂર છે. ઓછા બજેટમાં ઓનલાઈન સેલની સરપ્રાઈઝથી લઈને ડિસ્કાઉટ સુધી તહેવાર સચવાય એવું કરી આપે છે. પણ વ્યવહાર સચવાય એ માટે હવે આગોતરું આયોજન જોઈએ. કારણ કે ભેટની પાછળ ભોગ કરતા લાગણીઓ હવે પ્રાઈઝ ટેગ પરથી અને વસ્તુની ક્વોલિટી પરથી નક્કી થઈ રહી છે. સંબંધોના સ્નેહ મિલન હવે વોટ્સએપ ગ્રૂપમાં એડવાન્સમાં નક્કી થાય છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે ટાઈમલિમિટ આપીને ફૂલઝર ફોડવા સામે પણ આંખ લાલ કરી છે ત્યારે તહેવાર જાણે કોઈ એક્શનપ્લાનનું એનિમેશન હોય એવું લાગે છે. દિવાળીએ એટલે રિલેશનના રંગમાં રગાઈને સંવાદની રંગોળી કરવાનો ઉત્સવ. હમારા ઝમાને મે કોઈ દાદા-દાદી પાસેથી એમની દિવાળીના પ્રસંગ સાંભળજો, આજની દિવાળી ભારે અને ખૂબ ખર્ચાળ લાગશે.

              વ્યવહારમાં જ્યારે નવા વર્ષે, આમ તો નવું વર્ષ 1 જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે થાય છે. પણ ગુજરાતી વિક્રમસવંત પ્રમાણે નવા વર્ષે લક્ષ્મીપૂજનની પ્રસાદીમાં પણ લક્ષ્મી (પૈસા, રોકડ, નવી નોટ)નો પ્રસાદ આપીને ઉજવણી કરવામાં આવે છે. આ કોઈ પૈસાવાળા દેખાડવાનો ટ્રેન્ડ નથી પણ એક ટ્રેડિશન છે. દિવાળીમાં સૌથી વધારે મજા આવે નાનપણને વાગોળવાની. ફટાકડામાં તોડફોડ કરીને હરકત કરવાની અને ભગવાનના મંદિરમાંથી બાકસ ઉછીની લઈ જઈને પાછી ન આપવાની, તૂટેલા માટલામાં ફટાકડો મૂકવાની, વાટ કાઢીને ભડકો કરવાના, બોક્સ બાળવાના અને અનેક તોફાનમસ્તી. નવરાત્રી બાદ કદાચ હિન્દુધર્મનો આ બીજો નાઈટ ફેસ્ટિવલ વીથ લાઈટ ફેસ્ટ કહી શકાય. જ્યાં કળવાશને બાજુએ મૂકીને હળવાશને હૈયાથી માણવાની હોય. વીડિયો કોલના યુગમાં સગા નહીં પણ વ્હાલા કહેવાતા સંબંધો વિશ કરે તો જાણે બાજુમાં આવીને કોઈ સ્પર્શી ગયું હોય એવું અનુભૂતિ થાય. ફીલિંગ્સનું ફોલોઅપ નહીં પણ આપણા કહેવાતા લોકોની ફોરમમાં મઘમઘવાનો તહેવાર.

       વ્યવહારમાં આદાન-પ્રદાનનું વિશાળ નેટવર્ક આજે લિમિટેડ કવરેજ બની ગયું છે એ પાછળ ક્યાંય સંબંધોની ખટાશ અને લાગણીની ભેટ પાછળ પ્રાઈઝ લેબલ જોવાની વિચારધારા જવાબદાર છે. બાકી એક સમયે પાંચ રૂપિયાની નોટ પણ આજના પાંચસો જેવી લાગતી હતી. બદલતા સમયમાં પરિવર્તન પામતા ટ્રેન્ડ કરતા વ્યવહારના સ્ટેન્ડને વધુ સ્પષ્ટ કરીએ તો જ સંબંધોની મજા છે. કશુ ન આપીને ખુદની સમજણ આપવી એ પણ મોટી ગિફ્ટ છે. આજે સાધન, સંપત્તિ અને સુખ દરેક વ્યક્તિની વિચારાધારએ બદલે છે. સમય આપવો એ ભેટ છે પણ સમજના ડાયમંડની કિંમત કરોડોમાં હોય છે. વ્યક્તિ ભલે ઉમરવશ થાય પણ એ સાથે સમજવશ થાય તો જ વાર્ષિક પ્રસંગની મજા મજાની લાગે. જિદ્દના સમ્રાટ થવા કરતા સમજના સેનાપતિ બનીને સંબંધોને લાઈટ રાખી શકાય. બાકી જવાબદારીનો ભારો નવા વર્ષની સાથે વધતો જ જવાને છે. એક સરસ ક્વોટ છે. Space, choice and priority always present your think but understanding define your personality. Happy Diwali and Prosperous New Year with sentimental And Smiling memories.

Monday, October 29, 2018

સરદાર એટલે એકતા, આદર અને આદર્શના માણસ


સરદાર એટલે એકતા, આદર અને આદર્શના માણસ
           
            સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતના નહીં પણ ભારતના ઈતિહાસનું આ નામ હવે વૈશ્વિક સ્તરે વધુ એક ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યું છે. સરદાર વિશે લખવા આજે હું નાનો પડું. કારણ કે મારો જન્મ થયો એ પહેલા સરદારે કાયમી વિદાય લઈ લીધી હતી. આમ પણ સરદાર વિશે લખતા પહેલા એ અભ્યાસ કરવો પડે. જોકે, કોઈ પણ વિષયના વિચારોને શબ્દ આપતા એક સાધના કરવી પડે. પણ પ્રયત્ન અને કંઈક અલગ શોધી લાવવાની લોખંડી ઈચ્છા શક્તિથી સરદાર વિશે જે કંઈ અનોખુ પણ જે સત્ય સમજવા અને જાણવા મળ્યું તેના કેટલાક અંશો અહી મૂકુ છું. સરદાર પટેલ એટલે શિક્ષણ અને શિસ્તમાં માનનારા માણસ એવું કહી શકાય. એજ્યુકેટ થવામાં આજે બાળકોને ટપારવા પડે છે ત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વલ્લભભાઈ કોઈને કહ્યા વગર વકીલનું ભણવા માટે વિદેશ ગયા હતા.જ્યાંથી પરત આવીને અમદાવાદના આંગણે વકીલાત શરૂ કરી. અહીથી તેમના નેતૃત્વ અને વિરાટ વિચારોના અનુભવો શરૂ થયા. જ્યારે અમદાવાદમાં આરોગ્ય ખાતાની કચેરીના પ્રમુખ બન્યા ત્યારે એક-એક વોર્ડમાં જાતનિરિક્ષણ કરીને અભિયાન ચલાવેલું.

                22 વર્ષની ઉમરે 10મીની પરીક્ષા પાસ કરીને જિલ્લા અધિકારીની પરીક્ષામાં લાગી ગયા હતા. બાળપણથી જ પોતાના આદર્શ અને સન્માનના વિચારોને છેક સુધી વળગી રહ્યા. બીજી એક બહુચર્ચિત વાત છે કે, જ્યારે નેહરુને વડા પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે મોટાભાગના દેશવાસીએ સરદારને વડા પ્રધાન પદે જોવા માગતા હતા. પરંતુ, એક સત્ય એ પણ છે કે, ઉમર અને તબિયતને કારણે તેમને આ મોટી જવાબદારીથી દૂર રાખવામાં આવ્યા હતા. સક્ષમતા સામે સવાલ ન હતા કે વિલપાવર સામે કોઈ પ્રશ્ન ન હતો. પ્યોર પેશન અને સમસ્યાના સોલ્યુશનના માણસ હતા. મોટાઈ માટે કોઈ ઉમર નથી હોતી એ તો સરદારના સ્વભાવમાં હતી. જ્યારે ઈગ્લેડ વકીલાત માટે જવા પાસપોર્ટ આવ્યો ત્યારે તેમાં વી.જે.પટેલ લખ્યું હતું. હકીકતે પાસપોર્ટ સરદારનો હતો પણ પહોંતી ગયા વિઠ્ઠલભાઈ. આ સમયે કોઇ વાદ-વિવાદ કરવાને બદલે તેમણે ભાઈને સપોર્ટ કર્યો અને પૈસા પણ મોકલ્યા. આ સરદાર જે જીવનભર અસરદાર રહ્યા. આ લાગણી હતી પણ આપણે ત્યાં અત્યારે લાગણીઓ કરતા લુચ્ચાઓ વધી ગઈ છે.

             બીજો એક સૌથી વધુ ચર્ચાતો મુદ્દો જે આજે પણ ત્રાસ બની ચૂક્યો છે. કાશ્મીરના પ્રશ્ન વખતે જ્યારે સરદારે સૈન્ય સામે કાશ્મીરમાં જવાની તૈયારી દર્શાવી ત્યારે થોડું નહીં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. સમયસર લશકર કાશ્મીર પહોંચ્યું અને પાડોશીની નાકમાં દમ લેવા માટે પણ સમય ન આપ્યો. આ સરદાર નીતિ હતી. જો આ નિર્ણય પણ ન લેવાયો હોત તો આજે લેહ,લદ્દાખ અને જમ્મુ હરામખોર પાડોશી પાસે હોત. એ સમયે સરદારે સૈન્યને આપેલી છૂટછાટ સામે જવાબદારી દેશની અંદર રહેલા કહેવાતા પદાધિકારીઓને જવાબ આપવાની હતી. એ સમયે નિર્ણયની નોંધ ઈગ્લેન્ડમાં બેઠેલા અંગ્રેજો લીધેલી હોવાના પુરાવા છે. ઉગ્રતાની હદમાં પ્રવેશ લીધા વગર આત્મવિશ્વાસથી કામ પાર પાડવાની તેમના ખેવના હતી. એ પછી હૈદરાબાદના નિઝામનો નિર્ણય હોય કે સોમનાથનો પ્રશ્ન. સરદાર અને સોમનાથની અનેક વાત છે પણ સત્ય વાત એ પણ છે કે સરદારે સૌ પ્રથમ વખત સોમનાથના રીનોવેશન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આમ, સરદાર એક સ્વચ્છ, સમર્થ અને સંયમી નેતા હતા. આજે રાજકીય સ્વાર્થના સિક્સ પોકેટ ભરીને ખુરશી પર બીરાજતા લોકો કેન્દ્રમાં વહીવટ કરે છે.


                તેજસ્વી વ્યક્તિત્વ અને કાયમ તાર્કિક પ્રશ્નો સાથે સરદાર દેશની કાયમ ચિંતા કરતા રહ્યા છે. ભારતની વિદેશ નીતિ સમયાંતરે વાદ-વિવાદના ચક્રવાતમાં ચર્ચાતી રહે છે. સરદારને જૂનાગઢ, જમ્મુ-કાશ્મીર અને હૈદરાબાદના પ્રશ્નોથી સૌથી વધારે યાદ કરાવમાં આવે છે. પણ ઘણી સાચી વાત છે કે, સરદારે એ સમયે કહ્યું હતું કે ચીનથી ચેતવા જેવું છે. તેની ચાલ ભારત માટે સારી નથી. આજે વારંવાર ફૂંફાડા મારતા ચીનની તાસીર એ સમયે સરદારને ખબર પડી ગઈ હતી. આને તેની દીર્ધદ્રષ્ટિ કહી શકાય. અન્ય એક વાત જ્યારે જ્યારે તેઓ ગાંધી કે નેહરુંને મળતા ત્યારે પૂરા માન-સન્માન સાથે મળતા. એટલે સુધી કે જ્યારે દિલ્હીમાં નેહરુ સાથે મુલાકાત થાય ત્યારે નેહરું આગળ અને સરદાર પાછળ ચાલતા. પદની ગરીમાનું સન્માન તેમની પાસેથી શીખવા જેવું છે. આ ઉપરાંત તેઓ પોતાના દીકરીને પણ તમે કહીને બોલાવતા. ક્લિન ડિસિપ્લિન, કમિટમેન્ટ અને ટોટલ ક્લિયર માણસ. જ્યાં બળ કામ આવે ત્યા બળ અન્યથા કળથી કામ લેવાતું. તેઓ સાચા અર્થમાં વીર હતા પણ વિખ્યાતી માટે ક્યારેય વલખા નથી માર્યા.

                  આ દેશમાં બે વલ્લભ થઈ ગયા એક ધરતી બે અવતાર કહી શકાય. એક મહાભારતનો વલ્લભ અને બીજા સ્વંત્રતાના મહાસંગ્રામના વલ્લભ. આ બંને વ્યક્તિનું એક માત્ર સ્વપ્ન હતું. અખંડ ભારત. એ વખતે પણ હસ્તિનાપુર માટે લડાઈ હતી, સરદારના સમયે પણ દિલ્હી (હસ્તીનાપુર) પર રાજ કરતા અંગ્રેજો સામે યુદ્ધ હતું. બંનેની બીજી પણ સામ્યતા બંને ક્યારેય પ્રસિદ્ધિ પુરુષોત્તમ ન હતા. કૃષ્ણએ ક્યારેય નારદને પોતાના કામના પ્રચાર માટે મોકલ્યા ન હતા અને સરદારે પણ ક્યારેય મારું પ્રકાશિત કરવો એવું કહ્યું ન હતું. સરદારે તો પોતાના સંતાનોને પણ પોતાના નામનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આજે હરખાઈ હરખાઈને વન ટુ વનમાં વાહ વાહ કરતા નેતાઓ સરદાર પાસેથી કેટલું શીખેલા છે? આજે સરદારના નામે સંગઠનવૃતિ ચાલી રહી છે જેમાં માત્ર ચાન્સ અને ચેર (ખુરશી)ની વાત છે.


                દેશહિત માટેના નિર્ણયમાં તેઓ મક્કમ હતા. એ માટે પછી જે પગલાં ભરવા પડે એ માટે તેમની માનસિક તૈયારી હતી. કાશ્મીરના પ્રશ્ને પણ સરદારે ત્રણ વખત રાજા હરિસિંહને ચાન્સ આપ્યો હતો. કાશ્મીરનો કટકો પણ પાડોશી પચાવી જાય એ તેમને સ્વીકાર્ય ન હતુ. હાલમાં રોના ઈનપુટ ગૃહખાતાને મળે છે એવું ન હતું. સરદારને પણ જાણ હતી કે અવરચંડીલો પાડોશી સખળડખળ કરે છે જેનું ધ્યેય કાશ્મીર છે. ગાંધીજી અને નેહરુને સરદારે દાવા સાથે કહ્યું હતું કે, હું કાશ્મીરનો પ્રશ્ન ઉકેલી શકું એમ છું. પણ નેહરુના કેટલાક અક્કડ અને આદર્શ સામે સરદારનું મૌન તેમને અંદરથી કોરી ખાતું હતું. સલામ છે આ ગુજરાતીને જેનું આજે અખંડ ભારતનું સ્વપ્ન યથાવત છે. વધુ એક ઈતિહાસ સરદારના નામે થવા જઈ રહ્યો છે એમાં કોઈ રાજકીય વિખવાદ ન થાય અને સરદારના વિચારોથી આ દેશવાસીઓ તેના સાચા ફોલોઅર્સ બને એવી પ્રાર્થના. સેલ્યુટ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેના બલિદાનને.

Wednesday, October 10, 2018

ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેરઃ હિંસા, હોબાળો અને હૈયાતી સામે સવાલ


અઠવાડિયા પહેલા જ અહિંસાના પૂજારી ગાંઘીજીની 150મી જન્મજયંતીની ઘામઘૂમથી ઉજવણી કરવામાં આવી. એ જ ગાંધીના ગુજરાતમાં હિંસાના રાક્ષસે ફફડાટ પેદા કરી દીધો. આ ભય કોઇ સ્થાનિકો નહીં પરંતુ, બીજા રાજ્યમાંથી આવેલા પરપ્રાંતિય લોકોમાં એક ખૌફની સ્થાપના કરી દીધી. ગુજરાતમાં સબ સલામતના દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા. જોકે, ગુજરાત વૈવિધ્ય ધરાવતું રાજ્ય હોવાની સાથોસાથ ધટનાપ્રધાન રાજ્ય છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. થોડા અઠવાડિયા પહેલા 23 સિંહના મોતથી જૂનાગઢથી લઇને ગાંધીનગર સુધી વગર ચોમાસે વીજળી પડી હોય એવી ગતિથી દોડધામ મચી ગઇ. દેશ વિદેશમાંથી નિષ્ણાંતોની ટીમે ગીરમાં ધામા નાંખ્યા. નોંધવા જેવી વાત તો એ છે કે, વન વિભાગને દેશની પ્રતિષ્ઠ સંસ્થાએ સીડીએમ વાઈરસ અંગેની વોર્નિગ આપી હતી. પણ રાજ્યના કેટલાક "ખાતા"ઓમાં હોતી હૈ ચલતી હૈ જેવું ચાલ્યા કરે છે. મૂળ વાત પરપ્રાંતિઓ પર, એક દિવસમાં સાત હુમલાની ઘટનાથી મચી ગયેલા હોબાળાનો અવાજ છેક ઉત્તર પ્રદેશ અને બિહારના મુખ્યમંત્રીઓ કાન સુધી પડધાયો છે.


જેની સીધી અસર ગુજરાતની આવનારી ચૂંટણી પર થાય એવી પૂરી શક્યતાઓ છે. ગુજરાતના અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં થઇને પરપ્રાંતિયો પર હુમલાની કુલ 45 જેટલી ઘટનાઓ બની છે. જેના મૂળમાં સાબરકાઠાના ઢૂંઢર ગામમાં બનેલી 14 માસની બાળકી સાથેના કુકર્મની ઘટના છે. જેની આફ્ટર ઈફેક્ટ અમદાવાદથી લઇને સુરત સુધી આવી છે. જ્યાંથી ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ગુજરાતને ગુડ બાઇ કહી ચૂક્યા છે. એક જ સપ્તાહમાં 70 ટકા મજૂરો રાજ્યમાંથી રવાના થઇ ગયા છે. બીજી તરફ શાખ સાચવવા પ્રયત્નીશીલ પોલીસે ખાતરી આપી છે કે, સબ કંટ્રોલ મે હૈ.  ઉત્તર પ્રદેશ અને બિહારથી દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાત કમાણી કરવા આવે છે. રાજ્યમાં ભલે શિક્ષિત બેરોજગારી હોય પણ આ મોટાભાગના અભણવર્ગને રોજગારી ગુજરાત જ આપે છે. 

અસ્તિત્વને અસ્થિર કરી દે એવી વાત એ છે કે, આ મજૂરોને કલાકના પૈસા ગુજરાતી શેઠીયાઓ આપે છે. કારણ કે સસ્તી મજૂરી સામે લાંબો અને મોટો ફાયદો આ લોકો જ કરી આપે. ઉપરાંત, કલા-કારીગીરી અને હુન્નરબાજ હોવાને કારણે પૈસા કમાઈ જાણે છે. જોકે, સામ્યતા એ પણ છે કે જે કામ આપણા ભણેલા-ગણેલા લોકો પરેદશમાં કરે છે એ કામ આ લોકો રાજ્યમાં કરે છે. ફેર એટલો જ છે કે ત્યાં ડૉલર છે અને અહીંયા તેની સામે તળિયા ધસતો રૂપિયો છે. ખલિલ ધનતેજવીનો એક સરસ શેર છે. એ માસ્તરની રીત ક્યાં ખોટી હતી? હાથમાં એના સોટી હતી. ફર્ક એ જ છે તારામાં અને મારામાં દીકરા, આજના રૂપિયા કરતા એ મારી પાવલી મોટી હતી. રાજ્યમાં સબ સલામતનું સિગ્નલ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે રાજ્યમાં ક્રાઇમ રેટ વધે છે ત્યારે કોઇ પ્રાંત કે પ્રદેશનો રેશિયા કાઢતું નથી. ક્રાઇમ ક્રાઇ હોય છે.



શિક્ષણ, શિસ્ત અને શાંતિમાં માનનારા ગુજરાતમાં એક જ ઘટનાએ છબીના છોતરા કાઢી નાંખ્યા. મોબાઈલ હાથમાં આવ્યા બાદ હથેળીમાં મંગળની યાત્રા કરનારાઓને બુદ્ધિ સાથે બારગાડાનું છેટું થઇ ગયું. ચતુર શેઠીયાઓ આ પ્રજા પાસેથી બળથી નહીં કળથી કામ લેતા. રાજ્યમાં કોઇને મહેનતનું કામ ભાગ્યે જ કરવું હોય છે. આમ પણ રાજ્ય અનેક રીતે કામ કરવા માટે "સેફ" જ નહીં  રેડકાર્પેટ સમાન છે. અસ્તિત્વની ઘાર કાઢવા અને સિદ્ધ થવા માટે આ ભૂમિ ખુબ ફળદ્રુપ છે. જ્ઞાનનો અભાવ હોય ત્યાં ઉશ્કેરનારાઓ તૈયાર જ હોય. માત્ર અમદાવાદમાંથી જ 17 લાખ લોકોએ અલવિદા કહી દીધુ. આ એક એવી ધટના બની જેમાં શેઠ અને મજૂર બંનેના પેટ પર પાટું લાગ્યુ. છેલ્લા ત્રણ દિવસમાં ઉદ્યોગોની સ્થિતિનો વિચાર કરો ત્યા માનસિક રીતે સોજો ચડી જાય એવા હાલ છે. જોકે, રીસર્ચ કરવા જેવો મુદ્દો એ પણ છે કે, શાંતિભર્યા માહોલમાં જ્યા પેટનું માંડ પુરુ થતું હોત ત્યાં બીજા પ્રાંતમાંથી આવીને રાજ્યની સંસ્કૃતિ કોણ બગાડે? આ ધટનાની અસર ચૂંટણી આવતા ભલે ઓસરી જાય પણ તહેવાર ટાણે અસામાજિક તત્વોએ કરેલી ટકોર વાસ્તવિક ટ્રિગરનું કામ કરી ગઈ. ગુજરાત આમ પણ વૈવિધ્યભર્યું રાજ્ય છે. નવીનતાને આવકારે છે અને ઉજવે પણ છે. ત્યાં પ્રાંતવાદનું ઝેર ફેલાવીને હોબાળો મચાવવાથી કીચડ ગુજરાતીઓની છબીને જ ઉડવાનું છે. પણ ગુજરાત શાંતિપ્રિય, નવીનતાને આવકારતુ અને સુખી રાજ્ય છે, હતું અને રહેશે. જે સતત નવા આઇડિયાને આવકારે છે.

Thursday, September 20, 2018

વિસર્જનઃ વિદાય અને વ્હાલ બાદ ફરી સર્જનની શરૂઆત

        
        વિધ્નહર્તા વિદાયનું કાઉનડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ભારત એક એવો દેશ છે જ્યાં વિદાયમાં પણ સેલિબ્રેશન અને સેન્ટિમેન્ટસના દરિયામાં ડૂબકીઓ મારીને ઉત્સવને અનેરો બનાવવામાં આવે છે. દરેક તહેવાર આવે છે અને જાય છે. પણ ગણેશચોથ કદાય એકમાત્ર એવો તહેવાર છે જે ધામધુમથી આવે છે પણ વિદાયમાં પણ ધામધૂમ હોય છે. જોકે, વિદાય વિધ્નહર્તાની હોય કે વ્યક્તિની કાયમ વસમી જ રહેવાની. દીકરીની વિદાય વખતે ભલે વિદાયગીત ગવાતા હોય પણ પિતાથી લઇને સ્વજનોના સિસ્કારા તો હ્દય જ જાણતું હોય છે. જવાનું નિશ્ચિત છે પણ સમય અનિશ્ચિત છે. વસ્તુની સાથે વ્યક્તિની પણ વેલિડીટી હોય છે. આપણે ત્યાં દર વર્ષે રાવણદહનમાં મોંધવારીના રાક્ષસને, ભ્રષ્ટાચારને, અનીતિને, લાંચને, અરાજકતાને, ખોટી દાદાગીરીને અને અત્યાચારને અગ્નિ ચાંપીએ છીએ. એ જ વસ્તું ગણેયવિદાય વખતે કુદરત વ્યથા, દુઃખ, દારિદ્ર, હતાશા અને હૈયાવરાળને પોતાની સાથે લઇ જાય એવી પ્રાર્થના કરવામાં આવે છે.


 
   દુનિયાનો કોઇ પણ કુદરત કોઇને મારવા નથી આવતો. કર્મ ખોટા હોય ત્યાં કુદરતે રૂપ લઇને બધું અકુંશ કરવું પડે છે. દરેક વસ્તું છે એની વિદાય છે જ. આપણ વ્હાલને માણવાને બદલે સેલ્ફીના સેલફોનમાં તાંતણા બાંધીને બેઠા એટલે જ બાપાનો મેસેજ દરેક કાન સુધી પહોંચતો નથી. જવાબદારીઓના જે ભારથી મન જમીનદોસ્ત થયું છે એની સામે બાહુબલી બનવા કરતા બુદ્ધિજીવી બનવું જોઇએ આ બાપાનો મેસેજ છે. સોસાયટીની કૃતિ વિકૃતિમાં ન પરિણામે એનું ધ્યાન રાખવું જરૂરી જ નથી પણ અનિવાર્ય છે. માતા-પિતાની પ્રદક્ષિણાથી સમગ્ર બ્રહ્માંડની યાત્રા પૂરી થઇ ગઇ. પણ એ જ માતા-પિતા સામે વટનો સવાલ થઇને દાવો ઠોકવાનું કોઇ કાનુડો કે શ્રીગણેશ નથી શીખવાડતા. બીજી તરફ શિવ-શક્તિએ પોતાના સંતાનની માથે પોતાના આકાશીકદના સ્વપ્ન સંતાનના દિમાંગમાં ખિલા ઠોકીને બેસાડ્યા ન હતા. તાળી બંને હાથે વાગે એવી વાત છે. વિનાયકની વિદાય સાથે બંને તરફથી નક્કી કરવાનું છે વિદાય ખરેખર કોને આપવાની છે? સૌથી વધુ થાક વિચારોનો લાગે છે. જેને વિદાય આપવી એ ભલાલ દેવની કટ્ટરતા સામે વાર કરવા જેવું કામ છે.





 
         વિચારોની વિદાય આપવી કદાચ સૌથી અઘરું કામ છે. દરેકને પોતાની એક આગવી મેમરી હોય છે. જેને યાદ કરતા ફરી એ જ ક્ષણને જીવવાનું અને વહાલ કરવાનું મન થાય. પરંતુ, એ વહાલ વચ્ચેથી પણ એક્ઝિટને સેલિબ્રેટ કરવામાં મન માયુસ થઇ જાય છે. ગણેશથી લઇને ગાદીપતી સુધીના તમામ લોકોને વિદાય કઠે છે. પણ બાપાએ કદી નકારો કર્યો નથી. બાપા પાસેથી પણ સમજવાનું એ જ છે કે જ્યાં જવાનું છે ત્યાં ઉત્સાહ સાથે કેમ ન જઇ શકાય? જ્યાંથી અંત થાય છે આરંભ પણ ત્યાંથી જ થાય છે. તફાવત માત્ર સમયના અંતરનો રહ્યો છે. જ્યાં કોઇ વસ્તું ઝીરો નહી થાય તો એકમ ઊભું કેવી રીતે થશે? સર્જન કરવું જ હોય તો અંતને બાજુએ મૂકીને ઈંટની વચ્ચે સિમેન્ટ જે રીતે જામી જાય છે એવા અચલ નિર્ણયથી શરૂ કરવું જોઇએ. શું કરવું એ વિચારવું જોઇએ અને શરૂ કર્યા બાદ ખોટા વિચારને અલવિદા કહેવું જોઇએ. સલાહ અને સમજણમાં એક તફાવત છે કે સલાહ પર કોઇનો કોપીરાઇટ નથી જ્યારે સમજણનું અમલીકરણ પર દરેકનો પોતાનો દાવો હોય છે. બાપાને બુદ્ધિના દેવ અને વિદ્યાના પ્રભુ કહેવામાં આવે છે.  પણ શાસ્ત્રોમાં ક્યાંય ગણપતિએ કરેલા દાવા કે વટ માર્યાનો કોઇ ઉલ્લેખ નથી. વળમાં બધુ વહી જાય એના કરતા વળને વહાવીને સર્વત્ર વ્હાલના અગ્રણી બની શકાય છે.

આઉટ ઓફ બોક્સ

લાડવા પ્રસાદીના જ સારા લાગે, બાકી લગ્નથી લઇને લડાઈ સુધીના લડવા દૂરથી રણિયામણા અને પાસેથી બિહામણા જ રહ્યા છે. મીઠાશની મજા લેવાની હોય સજાથી તો શરીર બગડે.

Thursday, September 06, 2018

જીવનના પ્લસ માઇન્સઃ વ્યર્થ થવું એના કરતા વ્યક્ત થવું સારૂ.


જીવનના પ્લસ માઇન્સઃ વ્યર્થ થવું એના કરતા વ્યક્ત થવું સારૂ.

       ટાઇમટેબલના એન્જિન સાથે દોડતી જિંદગીમાં અનેક એવા જંક્શન આવે છે જ્યાં સગાની પરખ થાય અને વ્હાલાની વ્યાખ્યા મળી જાય. બેસ્ટ વસ્તુ પાછળ ક્યારેક વિવાદીત બની જવાતું હોય છે. દરેક વ્યક્તિએ પોતાના ભૂતકાળને બિલોરી કાચમાંથી જોયો જ હશે. એટલે વીતી ગયેલો સમય કાયમ મોટો લાગવાનો. પાસ્ટ કાયમ વિચારોની કાસ્ટ બદલતો રહે છે. બાળપણથી લઇને બુઢાપા સુધી દરેક વ્યક્તિ પાસે પોતાના કોમ્પ્રોમાઇઝની આખી સિરીઝ હશે અને એ પછી મળેલા પરિણામને વિરાટ રૂપ આપીને બોલાતું હશે. હું આટલા કિમી સુધી અપ-ડાઉન કરતો, અમે છ મહિના સુધી કોઇ ખરીદી કરી ન હતી, એ દિવસોમાં તો છૂટક તેલ પણ પરવડે એમ ન હતું. આવા કેટલાય નિવેદનો વાક્યરચનાનો વિચાર કર્યા વગર આપણે વગર તોતડાયે કે અચકાયે બોલીએ છીએ. પરંતુ, જ્યારે કોઇ મળ્યું હોય કે કંઇક મેળવ્યું હોય એ સફળતા વિશે બહું ઓછું બળબળ કરી શકાય છે. બોર્ડમાં ફસ્ટ આવેલો વ્યક્તિ પણ કરેલી મહેનત, કોઇને આપેલા શ્રેય અને લક્ષ્ય સિવાય કોઇ વાત કરોત નથી.

       જીવનના દરેક પાસામાં એક વિષય હોય છે અને એ વિષય સતત સાર્વત્રિક રીતે બદલતો હોય છે. ક્યારેક બિલની ચર્ચા તો ક્યારેક બિડાયેલા પરબિડીયાની સાબિતી. તકલીફ એ છે કે દરેકને પોતાનું માઇન્સ તરત યાદ રહી જાય છે અને પ્લસ વિશે બોલવાનું આવે તો વિચારવું પડે છે. પરિણામ આવે ત્યારે પ્રોસેસની મજાને કોઇ વાગોળતું નથી. વોટ્સએપ અને ફેસબુક-ટિ્વટરની દુનિયામાં અનેક સુવિચારો અને સુફિયાણી વાતો આપણી આંખ સાથે અથડાય છે. પણ પ્રેક્ટિકલની વાત આવે ત્યારે કોઇ પણ લજામણીના છોડ બની જાય છે. વાત કરો એટલે બીડાય જાય. કોઇ પણ મહાપુરુષના જીવનની મહેનતના ઉદાહરણ આપીને એના પરિણામની ચર્ચા કરવામાં આવે છે. એમાં એના પ્લસ અને માઇન્સની વાત હોય છે. આજની સોસાયટીમાંથી આવતા લોકો પાસે કાયમ માઇનસની વાત જ હોય છે. ખરેખર તો દરેકને માઇનસની વાત કરીને સ્વાર્થને સિક્યોર કરવાની ટેવ પડી ગઇ છે. કોણે શું ભોગ આપ્યો એનો હિસાબ દરેકને મોટો લાગે છે. પણ ખુલ્લી કિતાબ રાખીને ભાગ્યે જ કોઇ જીવવા માગે છે.

       દરેક સંજોગોમાં આપણામાં કંઇક પ્લસ થતું હોય છે અને કંઇક માઇનસ થતું હોય છે. સંબંધથી લઇને કેરિયરની સફળતા સુધી દરેક મુદ્દાઓમાં કંઇકને કંઇક પ્લસ હોય છે પણ દરેકને મેળવેલાના સ્થાને ખર્ચેલું યાદ રહી જાય છે. એક કપલની વાત છે, એક વખત બંનેએ નક્કી કર્યું કે, આજથી આપણે માઇનસને લેસન માનીને પ્લસનું પોઝિટિવ પરિણામ આપવા માટે પ્રયત્ન કરીશુ. એક અઠવાડિયા સુધી આ પ્રયોગ ચાલ્યો. પછીથી યુવતી આપમેળે જ ફરિયાદ કરતી બંધ ગઇ. સામે યુવક પણ કોઇ વાતનું વતેસર કરતો બંધ થઇ ગયો. એક વર્ષને અંતે પરિણામ એ આવ્યું કે, મેળવેલી વસ્તુથી લઇને અનુભૂતિની સુધીની  યાદી લાંબી હતી અને ગુમાવેલા ખાનામાં માત્ર સમય હતો. જે સાચી સમજદારી અને સંબંધોનું રિઝલ્ટ આપી ગયો. નેકી કર ઔર દરિયા મે ડાલ, આ માત્ર બોલવા પૂરતું રહી ગયું છે. બાકી આજે તો અભાવ બતાવીને દરિયામાંથી ખારાશને  પણ લોકો ઉલેચી લે છે. પ્લસ કરવાનો બીજો એક અર્થ એ થાય છે કે વ્યક્ત થવું જોઇએ. ગુસ્સો હોય કે અકળામણ, એબસન્સ (ખાલીપો) હોય કે એવીડન્સ, થાક હોય કે ઠોકર, આંસુ હોય કે અકસ્માત એક વખત એ જ તીવ્રતા અને આવેશમાં વ્યક્ત થવાથી હાંફ પછી જે હાશકારો મળે એવી હળવાશ ફીલ થાય છે. સમયની સાથએ રહીને નક્કી કરવાનું છે કે આપણા જ લોકોની વચ્ચે વ્યર્થ થવું કે વ્યક્ત થવું. સામે વ્યક્તિએ પણ આપણા લોકોની વાતને સમજવાની અને સ્વીકારવાની માનસિક તૈયારી ન માત્ર રાખવી જોઇએ પણ એ સ્પેસ પણ આપવી જોઇએ. કહી દેવાનું પણ માત્ર કહી જ દેવાનું ન હોય સમજવાનું પણ હોય જ.

       આઉટ ઓફ ધ બોક્સ...
       કમિટમેન્ટ એવું આપો કે સામેની વ્યક્તિ દુનિયા સામે દાવો કરીને કહી શકે કે, આવું તો મારો વ્યક્તિ કરી જ ન શકે, તમારી કંઇક ભૂલ થાય છે.


જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...