Showing posts with label Gujarat. Show all posts
Showing posts with label Gujarat. Show all posts

Saturday, August 16, 2025

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

 જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

    હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ્રી કૃષ્ણ તમે જેટલા પૂજય છો એટલે જ પોતીકા છો. કદાચ તમે એક માત્ર એવા દેવ હશો જેને આ સંસાર તું કારો આપીને બોલાવે છે. 'કાના તને' એવું કહે છે. આમ તો તું જગત મંદિરમાં બિરાજે છે અને સૌનો પાલક છે એટલે અમારા બધાય કરતા ખૂબ મોટો છે. પણ તું વ્હાલો છે, બાળ ગોપાલ પણ છે અને તારુ આ રૂપ સૌને પ્રિય છે એટલે જ તને તું કારો આપતા હશે. આધ્યાત્મની માર્કેટમાં તું પાયોનિયર છે. પણ કળિયુગની હકીકત એ પણ છે કે કેટલાક લોકો એ તારા નામની માર્કેટ બનાવી નાખી છે. જેમાં હૃદયના ભાવ કરતાં સમૃદ્ધિના ભાવને વધારે જોવામાં આવે છે. 



   આમ તો દરરોજ તારી પાસે ગામ આખાની ફરિયાદ આવતી હશે. લોકો પોતાના દુઃખ દર્દ ઠાલવતા હશે. માગણીની ચીઠ્ઠી આવ્યા કરતી હશે એટલે હવે એ એક ગ્રંથ જેવડી બની ગઈ હશે. પણ મને વિશ્વાસ છે તે સૌને એની ક્ષમતાથી વધારે નહીં આપ્યું હોય અને આપ્યું હશે તો એનો ખાલીપો કોઈ એક બાબત પર ખૂબ મોટો હશે. કારણ કે તું બધાને બધું નથી આપતો. કારણ કે બધા સુદામા નથી. દર ઓગસ્ટ મહિનામાં તારી અને સુદામાની ફ્રેન્ડશિપનું જૂનુંને જાણીતું પોસ્ટર સ્ટેટસમાં મૂકીને દોસ્તોને વિશ કરવામાં આવે છે. નેતા, અભિનેતા સૌ કોઈ દોસ્તીનો તહેવાર માનવે છે. પણ તે ખરેખર દોસ્તી મનાવી છે. દોસ્તીને જીવી છે. સુદામા એ કોઈ જ વાત કરી નથી છતાં તું બધું જ સમજી ગયો. ડિજિટલ યુગમાં જે સમજે છે એને આખું ગામ સમજાવે છે અને નથી સમજતા એની સાથે બધા 'એડજસ્ટ' થઈ જાય છે.

    ઓધવજી, સુદામા અને અર્જુન. આમ તો આ ત્રણેય તારા ઓફિશિયલ મિત્રો છે. પણ દાયકાઓ પછી તારા મિત્ર બનવા ઘણાય થનગને છે. કારણ કે તે જે સુદામાને આપ્યું એ એમને પણ ક્યાંક ફૂલ નહીં ને ફૂલની પાંખડી જેટલું તો જોઈએ જ છે. અર્જુનને સખા કરતા શિષ્ય વધુ માની શકાય. એમને તે તારા મુખે અને અવાજે ગીતા સંભળાવી. તું એનો સારથી બન્યો. દ્વવાપર યુગ પછી ઘણા એવા છે જે ઇચ્છે છે કે તું એમનો જીવનરથ હાંકીને સારથી બને. પણ સ્વાર્થી હોય ત્યાં તું થોડી સારથી બને? તારી પાસે તો પહેલા મનથી ખાલી અને માયાથી મુક્ત થવું પડે. તો તારી કહેલી ગીતા સમજાય અને સંભળાય. હે કરનીશ (કૃષ્ણનું એક નામ) તને માનનારા ઘણા છે, ગણ્યા ગણાય નહીં એટલા, પણ તારું કહેલું માનનારા? બધાય કૃષ્ણને માને પણ કૃષ્ણનું કહેલું કોણ માને છે?. આ સવાલ હું રોજ મારી જાતને પૂછું છું. જવાબ પણ તું જ આપે છે એ પણ સરનામા સાથે. આ સવાલનો જવાબ ગીતા છે. એમાં પણ તારી વાત છે પણ એમાં તારી ક્યાંક સહી નથી. 

    ગીતાના જ્ઞાન બાદ તે અર્જુનને પણ કહ્યું કે, તારી ઈચ્છા પડે એમ કર. હું પથદર્શક છું, રક્ષક છું પણ રડવું છે કે લડવું એ નિર્ણય તારો. આમ તો તારા જેટલું જ્ઞાન મારું નથી. કદાચ કોઈનું પણ નહીં હોય. જ્યારે તારું જીવન જોવ છું ત્યારે એમાં કેટલાય દુઃખથી આંખો ભીની થઈ જાય છે. તમે તમારી નજર સામે એક આખી પેઢીનો સૂર્યાસ્ત થતા જોયો. મથુરાનું સામ્રાજ્ય શરૂ કરવાના બદલે સાંદિપની આશ્રમની રાહ પકડી. બાકી અમારે ત્યાં તો જીતેલી વસ્તુને છોડે એવા કોઈ છે નહીં. પણ હું એટલું તારા જીવન માંથી શિખ્યો કે, જે પોતાનું કર્મ છોડે એ પડે અને કે કરેલા સત્કર્મનું ફળ છોડે એ ચડે. પ્રગતિ કરે. તમે મથુરાધિપતી બની શકતા હતા પણ તમે દ્વારકા નરેશ બન્યા. ખુદની નગરી બનાવી દીધી. તમારી સાથેના દરેક પાત્રોને તમે જજ કર્યા પણ કોઈ દિવસ તમારું જજમેન્ટ ન આપ્યું. જ્યારે તારું જજમેન્ટ સમજાયું ત્યારે સમય વીતી ચૂક્યો હોય. 

   કૃષ્ણ તને પોંખનારા અને સાચા દિલથી વધાવનારાને ભલે તે કોઈ પ્રસિદ્ધિ ન આપી હોય પણ એટલું તો આપ્યું જ હશે કે એને કોઈ પ્રસિદ્ધિની જરૂર ન પડે. કોણ કેવા પ્રેમથી અને એ પ્રેમના પેકેટમાં પેટના પાપથી કોણ પૂજે છે એ તો તને ખબર છે. હે, રૂક્ષ્મણીપતિ રિલ્સની દુનિયામાં રહીને રેવન્યુની ચિંતા કરનારા ઘણા છે પણ મોબાઈલના વિશ્વમાં એટલું તો સમજાયું છે કે, ફેમસ થવું સરળ છે પણ સારી ઈમેજ બનાવતા વર્ષો વીતે છે.

    અને છેલ્લે તારા વિશે બોલું કે લખું એ ઓછું જ પડશે પણ વાસ્તવિકતા એ પણ છે કે આ મૌનને તું સમજે છે. આ મૌન પણ મોરપીંછ જેવું મુલાયમ હોય. હું તને સમજવા ખૂબ નાનો છું પણ એટલું જાણી લીધું છે કે, જ્યારે તને દુઃખ થયું ત્યારે તે કોઈને પણ ફરિયાદ નથી કરી. ગાંધારીના શ્રાપ સામે તારું મૌન એ ઘણું ઊંડું છે. આ પરથી મને એટલું તો આવડી ગયું કે આપણે આપણી કંપ્લેઈનને કંટ્રોલ કરવી જોઈએ. કોઈ પણ સ્થિતિમાં ખુશ રહેવાનું અને બીજાને પણ રાખવાના કારણ કે ખુશ હોઈએ ત્યારે ખરાબ વિચાર નથી આવતા. આજે દરેકને એવું છે કે બધાય એને ઓળખે પણ સાથે એવું પણ છે કોઈ એને ઓળખી ન જાય. બસ કાના આજે તારા જન્મદિવસ પર કોઈ જ માગણી નહીં પણ શબ્દો રૂપી લાગી લઈને આવ્યો છું. જવાબદારી તારી બહુ મોટી છે પણ મારી જરૂર હોય ત્યાં તારો ઈશારો મને માત્ર સમજાવજે. કામ તારું થશે પણ નામ મારું થશે આ ભરોસો છે તારા પર. લવ યુ કાના...

Saturday, September 07, 2024

ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી

 ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી

     તહેવાર પાછળ પણ વિજ્ઞાન હોય છે. વિજ્ઞાનને સમવા માટે મેજિકને બાજુએ મૂકીને થોડું લોજીક લગાવવું પડે. અષાઢ પછી શ્રાવણ અને પછી ભારદવો. શ્રીકાર વરસાદ બાદ થોડી રાહત થાય એ પછી થોડો તડકો શરૂ થાય. આ વર્ષે ભારદવામાં અષાઢી માહોલ જોવા મળ્યો. ભારદવાનો ખૂંચતો અને ખંજવાળ ઉપડાવી દેતો તડકો મિસિંગ છે. સાર્વત્રિક વરસાદી માહોલમાં આ વર્ષે બાપા (સિદ્ધિવિનાયક)નું આગમન થવાનું છે. બાપાના આગમન પૂર્વે એક નાનકડી અરજી કરી છે. જેમાં સૌની વિનંતી છે, અપીલ છે અને એક્શન લેવા માટેની તીવ્ર રિક્વેસ્ટ છે.

     કેમ છો કાર્તિકેયના અનુજ? દુંદાળા દેવ પધારો. આખરે ભારદવા મહિનાની ચોથ આવી ગઈ. ઘરમાં રિદ્ધિ-સિદ્ધિના આશીર્વાદ આપવા માટેની ઘડી નક્કી થઈ ગઈ. એકદંતજી, એક વાત કહેવી છે. તમે તો વિદ્યાના દેવ છો, અંતર્યામી છો અને કૌશલ્યપ્રધાન છો. જ્યાં બળ કામ નથી આવતું ત્યાં કળ કેમ વપરાય, આપના પાસેથી શીખવા જેવું છે. વિનાયકજી, વિધ્ન એવું છે કે, જ્યારે તમે દર વર્ષે પધારો છો એની પહેલા આ ખાંડ, દૂધ અને સાકરના ભાવ ખૂબ જ વધી જાય છે. આ કારણે તમને અર્પણ કરવામાં આવતા ભોગમાં અમારો સ્નેહભાવ તો જોડાય છે પણ આવું કેમ? આ વખતે અમારા ગામમાં ભયાનક પૂર આવ્યું એમાં પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા. ગૌરનંદન, આ ખોટી નિંદામણ (કોઈ પણ પાક સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ) જેવી સમસ્યાનો ઉકેલ કહેજો ને...

     મૂષકના મિત્ર કલિકાળમાં દિવસ એવા જોવા પડે છે જ્યાં એક દીકરો જ એની મંદબુદ્ધિ માતાને અકાળે યમરાજાને સોંપી દે છે. આવી આત્માને લેવા માટે કદાચ યમરાજા પણ રાજી નહીં હોય. જેને પુત્ર-પુત્રી ન થતા હોય એ તમારે શરણે આવીને આશીર્વાદ લે છે. બાપા, આ સંકુચિત સમાજમાં આવા કપાતર ન પાકે એવી તને દુઃખના ભાવ સાથેની અપીલ છે. આ ધરતી પર તમે પણ કર્મ અર્થે બંધાયેલા હતા. રિદ્ધિ સિદ્ધિના સ્વામિ આ નંદનવન ગણાતી ધરતી પર, તમારા મમ્મીના અવતાર (દુર્ગા)ને સૌથી વધુ માનતી પ્રજાના પ્રદેશમાં અસુર બનીને અવતરેલા માણસનો કાયમી સંહાર થશે? તમે પણ અશોકસુંદરીના ભાઈ છો. એ ભૂમિ ઉપર પણ એક દીકરી કોઈની બહેન હતી. જે અકાળે ખોટી રીતે પીંખાઈ ગઈ. તમને બધી ખબર છે નામ આપવાની તમને જરૂર ન હોય. તમારા સુપડા જેવા કાન પાસે અઢળક વાતો આવતી હશે. માણસના નાનકડા કાન પાસે આવતી વાતોમાં ઉશ્કેરણીનો ઉકરડો ઠલવાતો બંધ થાય તો કેટલાય ઝઘડા ઓછા થઈ જાય. 

      બાપા, અમે તમને સીધી જ અરજી કરી શકીએ છીએ તો ભગવારંગ ધારણ કરીને બેઠેલા શેતાન રૂપી સંતોનો નીવડો લાવોને..કારણ કે, આવા ખોટા લોકોએ ભગવા પહેરી લીધા એટલે ભોળી પ્રજાએ એને ભગવાન માની લીધા છે. સાદગી અને સંપૂર્ણતાનું તમે પ્રતિક છો પણ જ્યારે આ લોકોના આશ્રમ પર નજર કરીએ ત્યારે પેલેસને પણ ટક્કર મારે એવી જાહોજલાલી જોવા મળે છે. આટલી સુવિધા અને આંતરિક સુંદરતા તમારા મહેલમાં પણ નથી જોઈ. આવું થાય ત્યારે એવું લાગે બાપા કે, સનાતન ધર્મનો દાટ વાળવા માટે આ જ વંદાછાપ કુદરતના ખોટા વકીલનો હાથ હશે. ધર્મને લઈને જ્યારે ખોટું થાય ત્યારે આ જ બની બેઠેલા બાબાઓ સમજૂતીના ધારા ધોરણ અને શાસ્ત્રોના પાનાઓ આગળ ધરીને મુદ્દાને ફંગોળી નાખે છે. આશ્રમ પર એક વેબ સીરિઝ પણ બનેલી છે. સાદુ જીવન જીવે એને સાધુ કહેવાય. વ્યક્તિના ત્યાગ, અડગતા અને સંયમતાની મિસાલ આપવી પડે એ સંત કહેવાય.

     વિદ્યાના દેવ આપનું દિમાગ જેટલું દોડે છે એનાથી અનેકગણી ગતિથી અહીંયા માણસો દોડે છે. ખબર નહીં કઈ દિશામાં દોટ ચાલી રહી છે. તમારા સતત હલતા કાન અમને એ શીખવાડે છે કે, ઉશ્કેરણીજનક કે ખોટા મુદ્દાઓને કાનની અંદર નહીં જવા દેવાના. તમારા એક તૂટેલા દાંતથી એ શીખવા મળે છે કે, જીવનમાં કંઈક ખૂટતું હોય તો એનો શોક કરવાના બદલે એને સૌદર્યની દ્રષ્ટિથી સ્વીકારવાનું. ખામી હોવા છતાં ખુશ રહેવાનું. આમ તો ફાંદવાળા દેવ છો તમે. માણસોની ફાંદ હોય તો એ અસ્વસ્થતાનું પ્રતીક મનાય છે. રોગનું ઘર બને છે. પ્રભુ, એવું ન બની શકે કે, મીઠાઈ તમારી પ્રસાદ તરીકે ખાઈએ છતાં કોઈને ડાયાબિટીઝ ન વધે અને મિલાવટ મુક્ત વસ્તુ મળે? તમારી ફાંદ એ શીખવાડે છે કે, પેટમાં જે હોવું જોઈએ એ શુદ્ધ હોવું જોઈએ. વાત કોઈની કોઈને કોઈ દિવસ લીક ન થવી જોઈએ. તમારી લાંબી સૂંઢ અમને અમારા કેરિયરની લાઈનને, વિચારોની વેવલેન્થને, પોઝિટિવ થિકિંગને, સારપની સીરિઝને લાંબી કરતા શીખવાડે છે. તમારા નાના પગ એ સમજાવે છે કે, નાનું-મોટું કશું હોતું નથી. ક્યારેક નાના બની જવામાં ભલાઈ હોય છે. મોટપ દરેક જગ્યાએ દેખાડવાની હોતી નથી. તમારા હાથ એટલે ભલાઈ માટે ટેકો દેવો અને નફ્ફટાઈ માટે કળથી કામ લેવું. તમે સાક્ષાત મોટિવેશનની મૂર્તિ છો. વેલકમ વિનાયક ગૌરીશંકર  

Tuesday, June 04, 2024

યે ક્યા હુઆ, કૈસે હુઆ ક્યો હુઆ

 યે ક્યા હુઆ, કૈસે હુઆ ક્યો હુઆ 

      લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂનની બપોર સુધીમાં સ્પષ્ટ થઈ ગયું. એક્ઝિટ પોલ સામે ગણતરી ઊંધી વળી ગઈ એવું ચિત્ર જોવા મળ્યું છે. ગુજરાતમાં મજબૂત મનાતા ભાજપને એ અહેસાસ તો થઈ ગયો કે, આ વખતે ખરેખર બચી ગયા. ચારથી પાંચ બેઠક પર મતગણના શરૂ થતા જે વિપક્ષના ઉમેદવારોના જંગી આકડાં સામે આવ્યા એમાં થોડો આત્મવિશ્વાસ વિજયને રહ્યો હતો. આ જીતના ઝંડાના પાયામાં મજબૂતી ખખડી ગઈ હતી. આ પણ વાસ્તવિકતા છે. ગુજરાતમાં ભાજપની ઘટી રહેલી વિશ્વસનીયતા ભાજપના નેતાઓ માટે ચિંતાનો વિષય તો છે જ. આ સાથે 300 સુધી પહોંચતા ખરેખર પક્ષ અને ઉમેદવારોને પરસેવો આવી ગયો આ પણ કમને સ્વીકારવું તો પડે જ. એક્ઝિટ પોલમાં ગળું ખેંચી ખેંચીને બોલતા એન્કર કહી રહ્યા હતા કે, ઈન્ડિયા ગઠબંધનને 100 બેઠક પણ નહીં મળે. જ્યારે કોંગ્રેસને આ ચૂંટણીથી સંજીવની મળી ગઈ છે. 


અનઅપેક્ષિત યુપી

       ઉત્તર પ્રદેશમાં પલટાયેલું પાસું છેક દિલ્હીમાં પડઘા પાડી ગયું. મીડિયામાં પણ આશ્ચર્ય અને ઉમેદવારોમાં પણ ચોંકાવનારૂ પરિણામ. ગુજરાતમાં ભાજપને ધારેલી લીડ ન મળી એ પાછળ કાર્યકર્તાઓની નારાજગી અને અસરકારક આગેવાનોને ન મળેલી ટિકિટ માની શકાય છે. પક્ષ પલટો કરનારા તરફ કોઈ પણ પક્ષ થોડા સમય માટે શંકાના ચશ્મામાંથી એને જુવે છે. આ કામની વેલિટિડી ખૂબ ઓછી રહી છે. ભાજપના જ કેટલાક નેતાઓ ભાજપ રહેલા કોંગ્રેસી નેતાઓ માટે કહે છે કે, પક્ષ પલટો કરનારા માટે આ પરિણામ છે એવું ધીમા અવાજે કહી રહ્યા છે. જે અવાજ પબ્લિકે મોટો કરી દીધો. મતદાનનો દિવસ યાદ કરીએ તો ટકાવારીના આધારે મતદાન પણ ઓછું થયું હતું. મોટા કહેવાતા નેતાઓ અને જાણીતા ચહેરાઓના મતવિસ્તારમાં મતદાનની ટકાવારી સૂચક હતી. એ સમયે ગરમીનું થર્મોમીટર આગળ ધરીને કેટલાકે સંતોષ માની લીધો. આનો અર્થ ડાયરેક્ટ પક્ષમાં ન રહેલા પણ પરોક્ષ રીતે ભાજપમાં રહેલા 'સિનિયર્સ' અમુક અંશે તો સમજી ગયા હતા.

છબી સામે સવાલ ન હતો  

    બીજો ખેલ પડ્યો ઉત્તર પ્રદેશમાં. જેટલી ભીડ સભા અને રેલીમાં જોવા મળતી હતી. એનાથી અનેકગણી રીતે અંદરખાને શાંતિ ધારણ થઈ ગઈ હતી. ચોક્કસ વર્ગ અને સ્થાનિક પક્ષોના માનીતા વોટર્સ બીજે શિફ્ટ થયા. જેની અસર આ રીઝલ્ટ સુધી જોવા મળી. સ્થાનિકોના પ્રકાશિત અહેવાલ અનુસાર અહીં મોંઘવારી, બેરોજગારી, યુવા મતદારોમાં અંદરખાને મોટી નારાજગી, રદ્દ થતી પરીક્ષાઓ, શિક્ષકોના પ્રશ્નો એવા અનેક કારણો અસર કરી ગયા. વડાપ્રધાનની છબી સામે એક સવાલ ન હતો પણ સાંસદ તરીકે ઊભા રહેલા ચહેરાઓને જે તે પ્રાંતની મૂળ સમસ્યા પણ ખબર ન હતી. જોકે, આ મુદ્દો તો ગુજરાતમાં પણ એટલો જ લાગું પડે છે. ભલું થયું કે, ભાજપને ફરી વિજયતિલક લોકોએ કર્યું. કોઈ જ્ઞાતિ કે વર્ગના પ્રભાવને ઓછો ન આંકી શકાય. ભલે બીજા પ્રાંતમાં એનો વિરોધ ઠારવા પ્રયાસ થયા હોય પણ અસર તો થાય. જે રીતે આગ લાગે ને પાડોશીને પહેલા ધૂમાડો લાગે એવી આ વાત છે.  બાકી વટ છે ગેનીબેનનો. જે બન્ને પક્ષ માટે રીસર્ચનો વિષય છે. એક ગુજરાતની નારી આખા રાજકારણ પણ ભારી એવું સ્પષ્ટ લખવું પડે.  હવે પછી ભાજપ જે પગલાં ભરે અને આત્મચિંતન બાદ જે નક્શીકામ કરશે એ ખૂબ જ તકેદારી કરતા ગણતરી પૂર્વકનું વધુ રહેશે. 


Image Source_Indiatv News Channel

ભાવની વધઘટ બધા જાણે છે

       સારી વાત છે મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં મામલો સ્પષ્ટ જીતનો રહ્યો છે. દિલ્હીમાં ભલે સરકાર કેજરીવાલે ચલાવી હોય પણ મોદીજીના સમર્થકો ઘણા છે. આ વાત આ પહેલાની 2019ની ચૂંટણીમાં પણ જોવા મળી હતી. યુપી, પ.બંગાળ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં આઘાત લાગે એવું પરિણામ છે. મોટાભાગની રેલી અને સભામાં વડાપ્રધાનની વાતને આગળ ધરી વિકાસના વડાને પબ્લિકને જે સ્વાદમાં ભાવે એ રીતે પીરસવામાં આવ્યા. હકીકતમાં લોકોને શું ભાવે છે એ પરિણામમાં દેખાયું. વિપક્ષનો બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ગેરંટી સાથે અસર કરી ગયો.  અગ્નીવીર યોજના અને ખેડૂતોને ન મળતા ભાવ ભલે સ્પષ્ટ રીતે સપાટી પર ન આવ્યા પણ ઈવીએમમાં જનાક્રોશ કેદ થયો હતો. પેટ્રોલ ડીઝલ જેવી જીવનજરૂરી ચીજ-વસ્તુમાં ઘટેલા ભાવથી લોકોને એ તો ખબર પડી ગઈ હતી કે, ચૂંટણી આવી રહી છે. પરિણામના એક દિવસ પહેલા વધેલા દૂધ અને ટોલટેક્સના ભાવથી પ્રજાને એ પણ આઈડિયા આવી ગયો કે, કંઈક તો ખોટું થઈ રહ્યું છે. લોકોને માત્ર ઈમોશનલ ક્નેક્ટ કરવાથી કદાચ બચી શકાય પણ આત્મચિંતન કરવું જ હોય તો પીડિત કોણ એનું રીસર્ચ કરવામાં આવે તો કંઈક નવી દિશમાં મોટું કામ થઈ શકે. બાકી પરિણામ રોચક છે એ તો સૌ સ્વીકારે છે.

Wednesday, October 10, 2018

ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેરઃ હિંસા, હોબાળો અને હૈયાતી સામે સવાલ


અઠવાડિયા પહેલા જ અહિંસાના પૂજારી ગાંઘીજીની 150મી જન્મજયંતીની ઘામઘૂમથી ઉજવણી કરવામાં આવી. એ જ ગાંધીના ગુજરાતમાં હિંસાના રાક્ષસે ફફડાટ પેદા કરી દીધો. આ ભય કોઇ સ્થાનિકો નહીં પરંતુ, બીજા રાજ્યમાંથી આવેલા પરપ્રાંતિય લોકોમાં એક ખૌફની સ્થાપના કરી દીધી. ગુજરાતમાં સબ સલામતના દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા. જોકે, ગુજરાત વૈવિધ્ય ધરાવતું રાજ્ય હોવાની સાથોસાથ ધટનાપ્રધાન રાજ્ય છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. થોડા અઠવાડિયા પહેલા 23 સિંહના મોતથી જૂનાગઢથી લઇને ગાંધીનગર સુધી વગર ચોમાસે વીજળી પડી હોય એવી ગતિથી દોડધામ મચી ગઇ. દેશ વિદેશમાંથી નિષ્ણાંતોની ટીમે ગીરમાં ધામા નાંખ્યા. નોંધવા જેવી વાત તો એ છે કે, વન વિભાગને દેશની પ્રતિષ્ઠ સંસ્થાએ સીડીએમ વાઈરસ અંગેની વોર્નિગ આપી હતી. પણ રાજ્યના કેટલાક "ખાતા"ઓમાં હોતી હૈ ચલતી હૈ જેવું ચાલ્યા કરે છે. મૂળ વાત પરપ્રાંતિઓ પર, એક દિવસમાં સાત હુમલાની ઘટનાથી મચી ગયેલા હોબાળાનો અવાજ છેક ઉત્તર પ્રદેશ અને બિહારના મુખ્યમંત્રીઓ કાન સુધી પડધાયો છે.


જેની સીધી અસર ગુજરાતની આવનારી ચૂંટણી પર થાય એવી પૂરી શક્યતાઓ છે. ગુજરાતના અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં થઇને પરપ્રાંતિયો પર હુમલાની કુલ 45 જેટલી ઘટનાઓ બની છે. જેના મૂળમાં સાબરકાઠાના ઢૂંઢર ગામમાં બનેલી 14 માસની બાળકી સાથેના કુકર્મની ઘટના છે. જેની આફ્ટર ઈફેક્ટ અમદાવાદથી લઇને સુરત સુધી આવી છે. જ્યાંથી ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ગુજરાતને ગુડ બાઇ કહી ચૂક્યા છે. એક જ સપ્તાહમાં 70 ટકા મજૂરો રાજ્યમાંથી રવાના થઇ ગયા છે. બીજી તરફ શાખ સાચવવા પ્રયત્નીશીલ પોલીસે ખાતરી આપી છે કે, સબ કંટ્રોલ મે હૈ.  ઉત્તર પ્રદેશ અને બિહારથી દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાત કમાણી કરવા આવે છે. રાજ્યમાં ભલે શિક્ષિત બેરોજગારી હોય પણ આ મોટાભાગના અભણવર્ગને રોજગારી ગુજરાત જ આપે છે. 

અસ્તિત્વને અસ્થિર કરી દે એવી વાત એ છે કે, આ મજૂરોને કલાકના પૈસા ગુજરાતી શેઠીયાઓ આપે છે. કારણ કે સસ્તી મજૂરી સામે લાંબો અને મોટો ફાયદો આ લોકો જ કરી આપે. ઉપરાંત, કલા-કારીગીરી અને હુન્નરબાજ હોવાને કારણે પૈસા કમાઈ જાણે છે. જોકે, સામ્યતા એ પણ છે કે જે કામ આપણા ભણેલા-ગણેલા લોકો પરેદશમાં કરે છે એ કામ આ લોકો રાજ્યમાં કરે છે. ફેર એટલો જ છે કે ત્યાં ડૉલર છે અને અહીંયા તેની સામે તળિયા ધસતો રૂપિયો છે. ખલિલ ધનતેજવીનો એક સરસ શેર છે. એ માસ્તરની રીત ક્યાં ખોટી હતી? હાથમાં એના સોટી હતી. ફર્ક એ જ છે તારામાં અને મારામાં દીકરા, આજના રૂપિયા કરતા એ મારી પાવલી મોટી હતી. રાજ્યમાં સબ સલામતનું સિગ્નલ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે રાજ્યમાં ક્રાઇમ રેટ વધે છે ત્યારે કોઇ પ્રાંત કે પ્રદેશનો રેશિયા કાઢતું નથી. ક્રાઇમ ક્રાઇ હોય છે.



શિક્ષણ, શિસ્ત અને શાંતિમાં માનનારા ગુજરાતમાં એક જ ઘટનાએ છબીના છોતરા કાઢી નાંખ્યા. મોબાઈલ હાથમાં આવ્યા બાદ હથેળીમાં મંગળની યાત્રા કરનારાઓને બુદ્ધિ સાથે બારગાડાનું છેટું થઇ ગયું. ચતુર શેઠીયાઓ આ પ્રજા પાસેથી બળથી નહીં કળથી કામ લેતા. રાજ્યમાં કોઇને મહેનતનું કામ ભાગ્યે જ કરવું હોય છે. આમ પણ રાજ્ય અનેક રીતે કામ કરવા માટે "સેફ" જ નહીં  રેડકાર્પેટ સમાન છે. અસ્તિત્વની ઘાર કાઢવા અને સિદ્ધ થવા માટે આ ભૂમિ ખુબ ફળદ્રુપ છે. જ્ઞાનનો અભાવ હોય ત્યાં ઉશ્કેરનારાઓ તૈયાર જ હોય. માત્ર અમદાવાદમાંથી જ 17 લાખ લોકોએ અલવિદા કહી દીધુ. આ એક એવી ધટના બની જેમાં શેઠ અને મજૂર બંનેના પેટ પર પાટું લાગ્યુ. છેલ્લા ત્રણ દિવસમાં ઉદ્યોગોની સ્થિતિનો વિચાર કરો ત્યા માનસિક રીતે સોજો ચડી જાય એવા હાલ છે. જોકે, રીસર્ચ કરવા જેવો મુદ્દો એ પણ છે કે, શાંતિભર્યા માહોલમાં જ્યા પેટનું માંડ પુરુ થતું હોત ત્યાં બીજા પ્રાંતમાંથી આવીને રાજ્યની સંસ્કૃતિ કોણ બગાડે? આ ધટનાની અસર ચૂંટણી આવતા ભલે ઓસરી જાય પણ તહેવાર ટાણે અસામાજિક તત્વોએ કરેલી ટકોર વાસ્તવિક ટ્રિગરનું કામ કરી ગઈ. ગુજરાત આમ પણ વૈવિધ્યભર્યું રાજ્ય છે. નવીનતાને આવકારે છે અને ઉજવે પણ છે. ત્યાં પ્રાંતવાદનું ઝેર ફેલાવીને હોબાળો મચાવવાથી કીચડ ગુજરાતીઓની છબીને જ ઉડવાનું છે. પણ ગુજરાત શાંતિપ્રિય, નવીનતાને આવકારતુ અને સુખી રાજ્ય છે, હતું અને રહેશે. જે સતત નવા આઇડિયાને આવકારે છે.

ઉફ્ફ યે મિલાવટ, ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ! લોગો કો લૂંટને કા યહી એક ફંડા હૈ

ઉફ્ફ યે મિલાવટ, ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ લોગો કો લૂંટને કા યહી એક ફંડા હૈ     એવું કહેવાય છે કે, અન્ન સમા પ્રાણ હોય છે. ભૂખ લગાડતા પેટના...