Tuesday, June 25, 2019

બજેટઃ કુછ આશ હૈ, કુછ ખાસ હૈ

બજેટઃ કુછ આશ હૈ, કુછ ખાસ હૈ
                મોદી સરકારની બીજી ટર્મમાં સૌથી વધારે લોકોની નજર જેના પર છે તે છે બજેટ. આ વખતે સૌ પ્રથમ વખત દેશના પ્રથમ મહિલા નાણા પ્રધાન દેશનું બજેટ રજૂ કરવાના છે ત્યારે દરેક ક્ષેત્રના  લોકોને રાહત મળવાની પૂરી આશા છે. ખાસ કરીને ખેડૂત વર્ગ ફરી કોઈ મફત સ્કિમની રાહ જોઈને બેઠો છે તો બેરોજગાર યુવાનો માટે કોઈ ખાસ આયોજનથી કમાણી કરી શકાય એ પ્રોવિઝનની રાહ જોવાઈ રહી છે. તા.5 જુલાઈએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન સૌ પ્રથમ વખત મોદી સરકારની બીજી ટર્મનું બજેટ રજૂ કરશે. જેમાં પીયૂષ ગોયેલની ચાવી રુપ ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ દેશમાં તેજી-મંદીનું મિશ્ર વાતાવરણ છે ત્યારે અનેક પડકારો સામે પહોંચી વળવાની ક્ષમતાની ખરી કસોટી થવાની છે. મોદી સરકારનું નવું મંત્રી મંડળ તૈયાર થયા બાદ ઓછા સમયમાં મોટા પ્રોજેક્ટને પહોંચી વળવાની ચેલેન્જડ છે. એવામાં આ બજેટ પણ ટૂંકા જ સમયમાં તૈયાર થયું છે. છેવાડાના રાજ્ય અને શહેરને કેવો તથા કેટલો લાભ મળી રહે છે એ જોવાનું છે. બીજી તરફ રાજ્ય સરકાર પણ ક્યો પ્રોજેક્ટ શરૂ કરશે જેથી પ્રજાને સીધો ફાયદો થાય એ સૌથી વધારે ચર્ચાતો મુદ્દો રહ્યો છે.
ઉદ્યોગ લોબી અને નોકરીયાત વર્ગને અસર કરતું સમાન પરિબળ ઈન્કમ ટેક્સ છે. ગત ચૂંટણી પહેલા મોદી સરકારે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બજેટમાં ઈન્કમ ટેક્સમાં થોડી રાહત આપવામાં આવી હતી. પણ એ તો ચૂંટણીલક્ષી બજેટ હતું. આવનારા દિવસોમાં વિવિધ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટાયેલા સાંસદો ફરી જનતાને મહેરબાન કરવા મેદાને પડે એવી પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને ઉદ્યોગો માટે સરકાર સકારાત્મક રહી છે, બીજી તરફ ગુજરાત અને દિલ્હી જેવા મહત્ત્વના સેન્ટરમાં નવા સ્ટાર્ટઅપ માટે સરકારી રેડ કાર્પેટ છે. એવામાં સ્થાનિક માર્કેટમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ સસ્તી થાય તો પાડોશી રાજ્ય કે દેશ સુધી મોકલવાનું દરેક ઉદ્યોગ સાહસિકને પરવડે. પણ ટેક્સ અને પરિવહનના મોંઘાદાટ માળખામાં ગૂંચવાયેલો રૂપિયો નફો ઓછો અને ખોટ વધારી રહ્યો છે. બીજી તરફ સરકારી તિજોરીને સમયાંતરે લાગતા ફટકાને આર્થિક રીતે સદ્ઘર કરવાની જવાબદારી નિર્મલાના માથે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ક્રુડના ભાવ અંગે ચોક્કસ પોલીસીથી કામ લેવું હવે અનિવાર્ય છે કારણ કે, ઈરાન અને અમેરિકા વચ્ચે છાશ ખાટી થઈ ગઈ છે. જેના છાંટા ભારતને ઉડવાના છે. વલણ બદલતું અમેરિકા અને પાડોશી દેશને મદદ કરતું ચીન આ બંને મુદ્દા દેશના અર્થતંત્રને સીધી રીતે અસર કરે છે. કારણ કે હજું પણ ચીનની આઈટમ સસ્તી હોવાને કારણે તે પ્રોફિટ ભારતમાંથી ખેંચી જાય છે. તો બીજી તરફ આદર્શવાદના દાવા ઠોકતું અમેરિકા પોતાની વૃતિ હાલમાં બદલે એવું લાગતું નથી.   


 નિર્મલા સીતારામણ મોદી સરકારની ટીમમાં સૌથી એક્ટિવ અને ક્રિએટિવ વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે. સંરક્ષણ ખાતું જ્યારે એમની પાસે હતું ત્યારે પણ તેમણે પોતાની વર્કિગ પોલીસીનો એ ક્ષેત્રને પરીચય આપ્યો હતો. આ ઉપરાંત અત્યારે બજેટનું છાપ કામ ચાલી રહ્યું છે ત્યારે પૈસો ક્યાંથી આવશે અને ક્યા અનિવાર્ય ક્ષેત્રમાં જશે એ સૌથી અગત્યનું પરિબળ બની રહેશે. એ વાત એ પણ ચોક્કસ છે કે, બજેટ બાદ વિપક્ષ તરફી રાજકીય ખળભડાટ મચી જવાનો છે. 40થી વઘારે આર્થિક સલાહકારની સલાહ લીધા બાદ આ બજેટ રજૂ થવાનું છે ત્યારે સરકારી કર્મચારીથી લઈને ખાનગી ક્ષેત્ર સુધી સૌ કોઈ રાહત ઈચ્છે છે. બસ કુછ આશ હૈ કુછ ખાસ હૈ.

જામનગર ઉદયમાં પ્રકાશિત. તા.24.6.2019

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...