Tuesday, December 31, 2024

2024 ગુડબાય....વેલકમ.....2025

 2024 ગુડબાય....વેલકમ.....2025 

     તારીખ દરરોજ બદલાય છે પણ એક દિવસ એવો આવે છે કે, તારીખ આખું વરસ બદલી નાંખે છે. આ દિવસ અને તારીખ એટલે 31મી ડિસેમ્બર. વર્ષની ગણતરીમાં ઊંડા ન ઊતરતા કે ફ્લેશબેકના રીવ્યૂમાં પડ્યા વગર વાત એ કરીએ કે, જે ગયું એ મેમરીઝ રહી જે આવશે એ મેકિંગ રહેશે. જેમાં મેમરીઝ કેવી અને કેવડી બનાવવી એ આપણા સૌના હાથમાં છે. શેરમાર્કેટથી લઈને સિનેમા સુધીના ક્ષેત્રમાં આપણી દિવાળી વખતે ભવિષ્યની નજીક રહેતી આખી ટાઈમલાઈન પ્રસારિત-પ્રકાશિત કરવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર જ્યારે સમય બદલે છે ત્યારે એ બી પ્રેક્ટિલ એવું શીખવાડી જાય છે. આપણા દેશમાં સામાન્ય ચૂંટણી રહી, જે ખરેખર તો કોઈ દિવસ સામાન્ય રહી નથી અને અમેરિકામાં પ્રેસિડન્ટ ઈલેક્શન રહ્યું. જેમાં વિવાદોના પંપને લાત મારીને ટ્રમ્પ મેજિકલ સાંતા ક્લોઝ તરીકે હાજર થાય એમ રાજકીય મેદાનમાં પ્રગટ થયા. 

       ઈઝરાયેલ, ઈરાન, રશિયા અને યુક્રેન આ તમામ યુદ્ધભૂમિમાં રહ્યા અને દુનિયા આખીને ભયભીત કરી દીધી. સતત મોતના ઓઠા હેઠળ જીવતા લોકોની આશા હવે એ હશે જ કે, ક્યાંયથી કોઈ બોંબ ન ફૂટે અને નવા વર્ષે કોઈ યુદ્ધ ન થાય. કારણ કે યુદ્ધ દુનિયાના બાકી દેશ કરે છે અને મોંઘવારીનો અજગર અમારા દેશવાસીઓને કરડી નહીં આખેઆખો પચાવી જાય છે. જેમાં સૌથી વધારે ક્રશ થાય છે મધ્યમવર્ગ. નોકરિયાત ક્લાસ. જેને કોઈ ફર્સ્ટક્લાસ ગણતું નથી. રાજનેતાઓ સિવાય. (ચૂંટણી વખતે જ હો). શેરમાર્કેટમાં રોકાણ કરતા લોકોને પૂછો તો કહે બે જ ઋતુ છે તેજી અને મંદી, શિક્ષકને પૂછો તો કહે રાબેતામુજબ શૈક્ષણિકાર્ય અને વેકેશન. પણ આ વખતે શિયાળાએ અહેસાસ કરાવ્યો કે, ઋતુની વાત આવે ત્યારે હું પહેલા છું અને સલમાન ખાનની જેમ ફરતા લોકો માટે અઘરો છું. આ વખતે તો સારા સારા પ્રદેશના પાણી શિયાળાએ થીજવ્યા. વાહ...ક્યા મૌસમ હૈ....

     સિનેમા ક્ષેત્રે સિંઘમ અગેઈન પર રામકૃપા થઈ ગઈ. ફિલ્મમાં ભલે કોઈ દમ ન હતો પણ રામાયણ પર રીસર્ચને કારણે ફિલ્મ બોક્સઓફિસના દરિયામાં તરી ગઈ. લોકોને ગમી ગઈ અને કરોડો કમાઈ ગઈ. એ પછી ભૂલભૂલૈયા પણ ઠીકઠાક ચાલી. આ બધા વચ્ચે ડંકો તો મહિલાઓનો વાગે હો...બોલે તો સ્ત્રી-2. પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને સુરક્ષા ક્ષેત્રથી લઈને સિનેસૃષ્ટિ સુધી. સેલ્યુટ ટુ લેડીઝ વિંગ. ડિફેન્સક્ષેત્રે 2024માં નોંધપાત્ર મહિલાઓની સંખ્યા જાણવા મળી. બાકી સ્ત્રી-2એ તો કમાણીના મામલે બાહુબલીને પણ પછાડ્યો. વાહ...શેરની વાહ....વિદાય લઈ રહેલા વર્ષની વાત છે ત્યાં સુધી આ વર્ષના અંતિમ તબક્કામાં ત્રિશોક અનુભવાયો. શ્યામ બેનેગલ, પુરૂષોત્તમ ઉપાધ્યાય અને ઝાકિર હુસૈન. એવું લાગે છે કે, સ્વર્ગમાં રતન ટાટા કોન્સર્ટ યોજશે. જેમાં સુગમ સંગીતના સમ્રાટ પુરૂષોત્તમ ઉપાધ્યાય સ્વર આપશે જ્યારે તબલા પર સાથ આપશે ઝાકીર હુસૈન. વાહ...શું એ સીન હશે! સ્વર્ગના સ્ટેજનો જ્યાં આપણી મર્યાદિત દ્રષ્ટિ પહોંચશે પણ નહીં અને દિલ એને માણશે પણ નહી. હા, આ ગીતમાં શબ્દો હશે સ્વ. મુનવ્વર રાણાના. પુરૂષોત્તમભાઈ સ્ટેજ પર પછી સરપ્રાઈઝ આપીને ચિઠ્ઠી આઈ હૈ ફેઈમ પંકજ ઉઘાસને રજૂ કરે તો તો જલસો.

      આવડી મોટી ઈવેન્ટ કંઈ પૈસા વગર થોડી થાય? નો ડાઉટ દેશ જ્યારે આર્થિક રીતે ખખડી રહ્યો હતો એ સમયે કોઈ જ દેવું વધાર્યા વગર જેણે પોલીસી મેકિંગથી નેશનને સ્ટ્રોંગ મોટિવેશન આપ્યું છતાં મૌન રહ્યા એવા સ્વ.ડૉ.મનમોહનસિંહ. પિતાની ઈચ્છા આ વ્યક્તિને ખરા અર્થમાં તબીબ બનાવવાની હતી. પણ આખરે અર્થશાસ્ત્ર પસંદ કરીને બીમાર અર્થતંત્રની સારવાર કરી. તબીબ તો ન બન્યા પણ પદવી લઈને ડૉક્ટર તો સો ટકા બન્યા. સ્વર્ગમાં યોજાનારા આ કાર્યક્રમનું સરનામું રામોજી ફિલ્મસિટી અવશ્ય રહેવાનું. ચલો જો ચલા ગયા વો વાપસ ન આયેગા. તું કિસ્મત લેકે આયા હૈ કરમ લેકે જાયેગા. ખોટ અને ખામીને બાજુએ મૂકીને મુવ-ઓન થઈએ. લેટ્સ વેલકમ ટુ 2025. જેમાં પ્રેક્ટિકલ બનીએ. ઈમોજીથી વ્યક્ત થવા કરતા ઈમોશનથી વ્યક્ત થઈએ. સ્ક્રિન ટચ કરતા ગમતી વ્યક્તિને સ્કિનટચ કરીએ (સામેવાળીની પરમિશન સાથે હો.) વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી નોલેજનો નીચોડ કાઢીએ અફવાઓને ઊલટી લાત મારીને એકચ્યુઅલમાં જીવીએ. 

       ડીયર 2025. ડીજેના તાલે તને આવકારતું યુવાધન અચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરમ ન ભૂલે એવી પ્રભુપ્રાર્થના. થનગનાટ વખતે દિલ માગે મોર અને પછી જાહેરમાં સુરક્ષાકર્મી કોઈના મોર ન બોલાવે તો સારૂ. શક્તિ વંદનાની વાતો વચ્ચે કોઈ દીકરી અને કોઈ જ વર્ગની દીકરી શરીરના ભૂખ્યા રાક્ષસોથી પીંખાઈ નહીં એવી પીળાપિતાંબરધારીને અરજી. મધુસુદનજીને પ્રિય એવું માખણ દૈનિક ધોરણે પોસાય એમ નથી. પણ કોઈ ભૂખ્યું ન સુવે મોંઘવારીનો એનાકોન્ડાના કાબુમાં કરવા કોઈ જગમોહન પધારે તો વગર પંડિતે મધ્યમવર્ગ એને પોંખે. ચૂંટણીમાં ઊતરે તો આને વગર પ્રચારે કેન ભરાઈને મત મળે. આમ તો મારો દેશ દરેક ક્ષેત્રમાં દુનિયાના દેશને હંફાવી રહ્યો છે. પણ ભાગ્યના ઈશ્વર, આ ધર્મના ફાકા મારનારા અને એની ફૌજ ઊભી કરનારાનું ફોતરૂં પણ ન અસર કરે એવા ભારતની અમે કલ્પના કરીએ છીએ. અને અંતે 2025માં આપણું ભારત નંદનવન બને અને આપણે સૌ એમાં મસ્ત રીતે નિયમપાલન સાથે રહીએ. હેપ્પી ન્યૂ યર





No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...