Thursday, September 06, 2018

જીવનના પ્લસ માઇન્સઃ વ્યર્થ થવું એના કરતા વ્યક્ત થવું સારૂ.


જીવનના પ્લસ માઇન્સઃ વ્યર્થ થવું એના કરતા વ્યક્ત થવું સારૂ.

       ટાઇમટેબલના એન્જિન સાથે દોડતી જિંદગીમાં અનેક એવા જંક્શન આવે છે જ્યાં સગાની પરખ થાય અને વ્હાલાની વ્યાખ્યા મળી જાય. બેસ્ટ વસ્તુ પાછળ ક્યારેક વિવાદીત બની જવાતું હોય છે. દરેક વ્યક્તિએ પોતાના ભૂતકાળને બિલોરી કાચમાંથી જોયો જ હશે. એટલે વીતી ગયેલો સમય કાયમ મોટો લાગવાનો. પાસ્ટ કાયમ વિચારોની કાસ્ટ બદલતો રહે છે. બાળપણથી લઇને બુઢાપા સુધી દરેક વ્યક્તિ પાસે પોતાના કોમ્પ્રોમાઇઝની આખી સિરીઝ હશે અને એ પછી મળેલા પરિણામને વિરાટ રૂપ આપીને બોલાતું હશે. હું આટલા કિમી સુધી અપ-ડાઉન કરતો, અમે છ મહિના સુધી કોઇ ખરીદી કરી ન હતી, એ દિવસોમાં તો છૂટક તેલ પણ પરવડે એમ ન હતું. આવા કેટલાય નિવેદનો વાક્યરચનાનો વિચાર કર્યા વગર આપણે વગર તોતડાયે કે અચકાયે બોલીએ છીએ. પરંતુ, જ્યારે કોઇ મળ્યું હોય કે કંઇક મેળવ્યું હોય એ સફળતા વિશે બહું ઓછું બળબળ કરી શકાય છે. બોર્ડમાં ફસ્ટ આવેલો વ્યક્તિ પણ કરેલી મહેનત, કોઇને આપેલા શ્રેય અને લક્ષ્ય સિવાય કોઇ વાત કરોત નથી.

       જીવનના દરેક પાસામાં એક વિષય હોય છે અને એ વિષય સતત સાર્વત્રિક રીતે બદલતો હોય છે. ક્યારેક બિલની ચર્ચા તો ક્યારેક બિડાયેલા પરબિડીયાની સાબિતી. તકલીફ એ છે કે દરેકને પોતાનું માઇન્સ તરત યાદ રહી જાય છે અને પ્લસ વિશે બોલવાનું આવે તો વિચારવું પડે છે. પરિણામ આવે ત્યારે પ્રોસેસની મજાને કોઇ વાગોળતું નથી. વોટ્સએપ અને ફેસબુક-ટિ્વટરની દુનિયામાં અનેક સુવિચારો અને સુફિયાણી વાતો આપણી આંખ સાથે અથડાય છે. પણ પ્રેક્ટિકલની વાત આવે ત્યારે કોઇ પણ લજામણીના છોડ બની જાય છે. વાત કરો એટલે બીડાય જાય. કોઇ પણ મહાપુરુષના જીવનની મહેનતના ઉદાહરણ આપીને એના પરિણામની ચર્ચા કરવામાં આવે છે. એમાં એના પ્લસ અને માઇન્સની વાત હોય છે. આજની સોસાયટીમાંથી આવતા લોકો પાસે કાયમ માઇનસની વાત જ હોય છે. ખરેખર તો દરેકને માઇનસની વાત કરીને સ્વાર્થને સિક્યોર કરવાની ટેવ પડી ગઇ છે. કોણે શું ભોગ આપ્યો એનો હિસાબ દરેકને મોટો લાગે છે. પણ ખુલ્લી કિતાબ રાખીને ભાગ્યે જ કોઇ જીવવા માગે છે.

       દરેક સંજોગોમાં આપણામાં કંઇક પ્લસ થતું હોય છે અને કંઇક માઇનસ થતું હોય છે. સંબંધથી લઇને કેરિયરની સફળતા સુધી દરેક મુદ્દાઓમાં કંઇકને કંઇક પ્લસ હોય છે પણ દરેકને મેળવેલાના સ્થાને ખર્ચેલું યાદ રહી જાય છે. એક કપલની વાત છે, એક વખત બંનેએ નક્કી કર્યું કે, આજથી આપણે માઇનસને લેસન માનીને પ્લસનું પોઝિટિવ પરિણામ આપવા માટે પ્રયત્ન કરીશુ. એક અઠવાડિયા સુધી આ પ્રયોગ ચાલ્યો. પછીથી યુવતી આપમેળે જ ફરિયાદ કરતી બંધ ગઇ. સામે યુવક પણ કોઇ વાતનું વતેસર કરતો બંધ થઇ ગયો. એક વર્ષને અંતે પરિણામ એ આવ્યું કે, મેળવેલી વસ્તુથી લઇને અનુભૂતિની સુધીની  યાદી લાંબી હતી અને ગુમાવેલા ખાનામાં માત્ર સમય હતો. જે સાચી સમજદારી અને સંબંધોનું રિઝલ્ટ આપી ગયો. નેકી કર ઔર દરિયા મે ડાલ, આ માત્ર બોલવા પૂરતું રહી ગયું છે. બાકી આજે તો અભાવ બતાવીને દરિયામાંથી ખારાશને  પણ લોકો ઉલેચી લે છે. પ્લસ કરવાનો બીજો એક અર્થ એ થાય છે કે વ્યક્ત થવું જોઇએ. ગુસ્સો હોય કે અકળામણ, એબસન્સ (ખાલીપો) હોય કે એવીડન્સ, થાક હોય કે ઠોકર, આંસુ હોય કે અકસ્માત એક વખત એ જ તીવ્રતા અને આવેશમાં વ્યક્ત થવાથી હાંફ પછી જે હાશકારો મળે એવી હળવાશ ફીલ થાય છે. સમયની સાથએ રહીને નક્કી કરવાનું છે કે આપણા જ લોકોની વચ્ચે વ્યર્થ થવું કે વ્યક્ત થવું. સામે વ્યક્તિએ પણ આપણા લોકોની વાતને સમજવાની અને સ્વીકારવાની માનસિક તૈયારી ન માત્ર રાખવી જોઇએ પણ એ સ્પેસ પણ આપવી જોઇએ. કહી દેવાનું પણ માત્ર કહી જ દેવાનું ન હોય સમજવાનું પણ હોય જ.

       આઉટ ઓફ ધ બોક્સ...
       કમિટમેન્ટ એવું આપો કે સામેની વ્યક્તિ દુનિયા સામે દાવો કરીને કહી શકે કે, આવું તો મારો વ્યક્તિ કરી જ ન શકે, તમારી કંઇક ભૂલ થાય છે.


No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...