Tuesday, September 22, 2026

શા માટે આ ગીત દેવઆનંદને બિલકુલ પસંદ ન હતું?

 આજ ફીર જીને કિ તમન્ના હૈ, આજ ફીર મરને કા ઈરાદા હૈ

   શા માટે આ ગીત દેવઆનંદને બિલકુલ પસંદ ન હતું?

    

     ફિલ્મઃ ગાઈડ,

     ડાયરેક્ટરઃ વિજય આનંદ

     મ્યુઝિકઃ એસ.ડી.બર્મન

     ગીતકારઃ શૈલેન્દ્ર

        વાત છે વર્ષ 1965ની. દેવ આનંદ એક ફિલ્મ બનાવી રહ્યા હતા જેનું નામ હતું 'ગાઈડ', આ ફિલ્મના કર્તા-હર્તા અને ઓલ ઈન વન કહી શકાય એવા વ્યક્તિ એટલે દેવ આનંદ. વિજય આનંદ ફિલ્મના કેટલાક ટેકનિકલ પાસા સંભાળતા અને બાકીની તમામ વસ્તુઓ દેવ આનંદ પાસે હતી. દેવ આનંદ એક ફિલ્મ બનાવવા માગતા હતા જેમાં એક પ્રેમકથા હોય, ઈમોશનન્સ હોય છતાં કંઈક તો એવું મિસિંગ ફીલ થતું હોય. કહેવાય છે કે, દેવ આનંદની સૌથી સફળ ફિલ્મોમાં 'ગાઈડ' પહેલા નંબર પર આવે. ફિલ્મ તૈયાર થઈ ન હતી એ પહેલાની જ મિટિંગમાં દેવ આનંદનું કમિટમેન્ટ હતું સંગીતકાર બર્મનદા સાથે. ફિલ્મના તમામ ગીતમાં સંગીત એ જ આપશે. પણ નસીબ અને પરિસ્થિતિ દરેકનો સાથ આપે એવું જરૂરી નથી. આ એ સમય હતો જ્યારે બર્મનદા પોતાની સેકન્ડ ઈનિંગ્સના કેટલાક કપરા સમયમાં હતા. આર્થિક રીતે નહીં પણ માનસિક અને શારીરિક રીતે. બર્મનદાને હાર્ટ એટેક આવ્યો છે. આ ન્યૂઝ સાંભળતા જ દેવ આનંદને પેટમાં ફાડ પડી. યુદ્ધના ધોરણે બધુ કામ મૂકીને પહેલા દાદાની ખબર કાઢી. કઠિન નિર્ણય કરીને ફિલ્મનું શુટિંગ 6 મહિના સુધી બ્લોક રાખ્યું.

      જ્યારે હોસ્પિટલમાં બર્મનદાને મળવા માટે દેવ આનંદ ગયા એ સમયે પણ કહ્યું, મારી ફિલ્મોમાં તમામ પ્રકારના સંગીત તમારે જ આપવાના છે. તમે શાંતિથી આરામ કરો, સ્વસ્થ થઈ જાવ અને પછી આરામથી કામ કરીશું. કમિટમેન્ટ સામે બર્મનદાએ પણ પોતાની ક્ષમા માગી કે નિયત સમયમાં તેઓ સંગીત ન આપી શક્યા. સંગીતનો જીવ શાંત થોડી રહે! હોસ્પિટલની પથારીમાં જ શયન અવસ્થામાં કેટકેટલીય ધૂન વિચારી લીધી અને કેવી રીતે કામ કરવું છે એ નક્કી કરી લીધુ. થોડા સ્વસ્થ થયા અને કામ કરવા માટે ફરી તૈયાર થયા. એ સમયે માત્ર પાંચ દિવસમાં ગાઈડના તમામ ગીતનું કામ ખતમ થઈ ગયું. રેકોર્ડિંગ સહિત. એ પહેલાનો એક કિસ્સો પણ રસપ્રદ છે. ગીતકાર તરીકે શૈલેન્દ્ર પહેલી પસંદ હતા જ નહીં. આ કામની જવાબદારી આપવામાં આવી હતી હસરત જયપુરીને. એક ગીત તેમણે ખાસ દેવ આનંદના પાત્ર માટે લખ્યું. સંગીત પણ બની ગયું. પણ દેવ આનંદને પસંદ ન આવ્યું. થોડા ફેરફાર માટે કહ્યું ત્યારે હસરત જયપુરીએ આખા પાત્રને લાર્જ કરીને સમજાવ્યું પણ દેવ આનંદને આ ગમ્યું નહીં. બીજી બેઠક પહેલા જ દેવ આનંદને જયપુરી સાથે વાંધો પડ્યો એટલે ગીત ફિલ્મ સુધી પહોંચે એ પહેલા જ કપાઈ ગયું. 

       પછી પસંદગી થઈ શૈલેન્દ્રની. એમાં પણ દેવ આનંદ અને શૈલેન્દ્રના સંબંધની દાળ ખાટી થતા થતા બચી ગઈ. એમાં શૈલેન્દ્ર સાચા હતા અને એના શબ્દોમાં પણ ગજબની તાકાત હતી. ગીત હતું 'આજ ફીર જીને કી તમન્ના હૈ, આજ ફીર મરને કા ઈરાદા હૈ'. જે ગીત એવોર્ડ અપાવી ગયું એ એક સમયે દેવ આનંદને ગમ્યું ન હતું. કારણ એ હતું કે, ગીતની આખી સિચ્વેશનમાં ક્યાંક જીવવાની તો એ જ લાઈનમાં ફરી મરવાની વાત થાય છે. એક જ ગીતમાં આવો કોન્ટ્રાસ્ટ? આ વાત દેવ આનંદને ગમતી ન હતી. ડાયરેક્ટ વિજય આનંદને આ વાતની ખબર પડી અને દેવ આનંદે આની ચોખવટ પણ કરી. પણ એ સમયે ડાયરેક્ટરે કહ્યું કે, શુટિંગ તો કરી લઈએ. પછી જોયું જાશે. પણ શુટિંગ વખતે દેવ આનંદે નિરીક્ષણ કર્યું કે, ફિલ્મની ટીમના વ્યક્તિના કાને જ્યારે એ ધૂન સાથે ગીત પ્લે થયું ત્યારથી દિલમાં વસી ગયું. સ્પોટબોયથી લઈને લાઈનમેન સુધી દરેક કોઈ આ ગીત લલકારતા હતા. ગણગણાવતા હતા. પછી દેવ આનંદે સહમતી દર્શાવી ને ગીત ફિલ્મમાં એડ થઈ ગયું. 'દિન ઢલ જાયે', 'ગાતા રહે મેરા દિલ','પીયા તો સે નૈના લાગે રે','તેરે મેરે સપને અબ એકરંગ હૈ', 'આજ ફિર જીને કી તમન્ના હૈ' એકથી એક ચડિયાતા ગીત અને એનાથી પણ ચડે એવું એનું સંગીત. ફિલ્મના દરેક ગીત જેને સાંભળ્યા હશે,એને ખૂબ પસંદ આવ્યા જ હશે. પણ ખૂબ ઓછાએ એ વાત માર્ક કરી હશે કે, દરેક ગીતમાં જે વાદ્યો વાગે છે, ધૂન વાગે છે અને જે રીધમ છે એ કોઈ જ ગીતમાં ફરીથી નથી વાગતી. 

      'આજ ફિર જીને કિ તમન્ના હૈ' આ ગીતનું શુટિંગ રાજસ્થાનના ઉદયપુર હાઈવે પર, ચિત્તોડગઢમાં અને પદ્માવતી મહેલના પરિસરમાં શૂટ થયું છે. સામાન્ય રીતે જ્યારે શબ્દોને સંગીતના કચકડે મઢવાના હોય ત્યારે મુખડા માટે અલગ સંગીત હોય અને અંતરો એક અલગ સંગીતના બેગ્રાઉન્ડમાંથી ઉપડે. પણ આ ગીતમાં એવું નથી. આખું ગીત એક જ રીધમમાં તૈયાર થઈ ગયું છે. અંતરો ગાવ તો પણ મુખડાની ધૂન અને મુખડું ગાવ તો પણ એ જ અંતરાની ધૂનને પ્લે કરી શકાય. ટૂંકમાં મુખડા અને અંતરા વચ્ચે વેરિએશન નથી છતાં ગીતમાં વેરીએશન ફીલ થાય છે. વાહ...બર્મનદા વાહ....

આઉટ ઓફ બોક્સ

હસરત જયપુરીનું જે ગીત ગમ્યુ ન હતું એ હતું 'દિન ઢલ જાયે' જે સુપરહીટ ગયું. શૈલેન્દ્ર ફિલ્મની સેકન્ડ ચોઈસ છે એ વાત માલુમ પડતા શૈલેન્દ્રએ પોતાની ફી ચારગણી કરી નાખી હતી.

Friday, September 04, 2026

જોઈએ છે...કળયુગમાં એક કૃષ્ણ

 જોઈએ છે...કળયુગમાં એક કૃષ્ણ  

          અષ્ટમી દર મહિને આવે છે પણ જન્માષ્ટમી સૌથી અલગ દિવસ છે. આઠમ દર માસમાં આવે છે પણ ગોકુળ આઠમની વાત કંઈક ઔર હોય છે. એક એવા ઈશ્વની વાત જેણે અખંડ બ્રહ્માડમાં બાળપણથી જ ડંકા વગાડી દીધા હતા. દેવ અને દેવોના પણ દેવે એના કર્મ, ફરજ, ડયૂટી અને કર્તવ્યને લીલા કહીને સ્વીકારી છે. કૃષ્ણ એટલે એક યુનિવર્સિલ ગોડ, એક એવો ભગવાન જેને તુ કહીને સંબંધી શકાય અને કોઈપણ ભાવમાં સ્વીકારી શકાય. બસ, આ ભાવ આપણો પોતાનો હોવો જોઈએ અને સાચો હોવો જોઈએ. પ્રેમ છે ત્યાં પરમેશ્વર છે જ પણ પ્રેમના નામે પાખંડ થાય ત્યારે પરાક્રમી યોદ્ધા બનીને એ આવે. કૃષ્ણ અત્યારે અવતરે નહીં પણ પરિસ્થિતિનું સર્જન તો એ જ કરી શકે. કૃષ્ણ એટલે રાસ રમી શકે અને જિંદગીના હેતુને પણ રસપ્રદ રીતે સમજાવી શકે. પોલિટિક્સ ન કરે પણ પોલિટિકલી પ્રયાસ કરીને પરિણામનો સંકેત પહેલા આપી દે, જો ઓળખતા આવડે તો. કૃષ્ણ વિશે પોથી અને થોથા ભરીને લખાયું છે, લખાય છે અને દર વર્ષે લખાશે. 

       જન્માષ્ટમી પર્વ એટલે શ્રાવણોત્સવનો કેન્દ્રીય મહોત્સવ. સાતમ-આઠમ અને નોમ એમ ત્રણ દિવસનો તહેવાસ સૌરાષ્ટ્રમાં દાયકાઓથી દિલ ખોલીને ઉત્સાહ સાથે મનાવાય છે. એમાંય રાજકોટ તો ગોકુળીયું ધામ બની જાય. રેસકોર્સમાં મેળો અને મેળાની મજા, મજાની વાત એ છે કે, દર વર્ષે આ મેળમાં કંઈક નવું ફીલ થાય. આની આખી વાયબ્રન્સી અલગ હોય. વાસુદેવ પુત્રના આગમની તૈયારીઓ જોરશોરથી થાય. વિશેષ ટ્રેન દોડાવાય, એ ય છેક ડાકોરથી દ્વારકા સુધી. માત્ર રાજકોટ જ નહીં આઠમનું પર્વ આખા દેશમાં એક અનોખા ઉત્સાહ સાથે ઉજવાય, સેલિબ્રેટ થાય અને સ્પિરિચ્યુલ આનંદ આપી જાય.ઓખાથી લઈને ઓડિશાના પૂરી સુધી અને દિલ્હીના ઈસ્કોનથી લઈને ચેન્નઈના કૃષ્ણમંદિર સુધી. આખું ભારત જાણે નંદનવન બન્યું હોય એવો માહોલ હોય. મથુરામાં તો માણસો સમાય નહીં એટલી ભીડ. પણ ભગવાન એક સવાલ છે કે, આ એક જ દિવસ આખું ભારત કેમ નંદનવન બને છે? કાયમી ધોરણે આને નંદનવન ન બનાવી શકાય? માખણ પ્રિય માધવ, આજે ભેળસેળીયા ઉદ્યોગ ધમધમે છે. માખણ એટલું મોંઘુ થયું છે કે, મધ્યમવર્ગને માંડ માંડ ભેગુ થાય છે. એવામાં કંઈક એવો ચમત્કાર ન થાય કે, દૂધ સસ્તુ થાય અને તારૂ માખણ દેશના દરેક બાળકને જન્મથી બાર મહિના સુધી ફ્રીમાં ખાવા મળે. 

      પ્રભુ તમે તો ભક્તોના ભાવને પ્રાયોરિટી આપનારા. પણ ભાવ નામ કાને અથડાતા પછીનો શબ્દ વધારો હવે જાણે કાયમી બની રહ્યો છે. મોંઘવારીના સેંસેક્સ કડાકો બોલતો જ નહીં. અહીંયા તો કાયમ હાયર અને અપર સર્કિટ જ લાગેલી હોય છે. ગાયના નામ મત ઉઘરાવી જાય પણ ગાય સુરક્ષા અને વ્યવસ્થા માટે રસ્તે આંદોલન થઈ જાય. ગોપાલ પ્રભુ, તમે પણ ગાયો ચરાવતા ત્યારે કેટલી સરસ વ્યવસ્થા હતી. અત્યારે વ્યવસ્થાના નામે 'વહીવટ' છે. એ ય પાછો ઉત્તમ છે. બાળપણ રમવા હોય, જલસો કરવા માટે અને જ્ઞાનપ્રાપ્તિ માટે પણ હોય. રમવાની વાત આવી એટલે જન્માષ્ટમીના દિવસોમાં જ એક ચોક્કસ પ્રકારની રમત ઘર-ઘરમાં શરૂ થાય. આ માટે તો ખાસ ઘર અને જૂના મકાનોને રંગરોગાન કરીને ચોખ્ખા ચણક કરવામાં આવે. ત્રણ ત્રણ દિવસ સુધી હાથમાં પંખો બનાવીને એવું રમે જાણે ઘરે ઘરે ખેલમહોત્સવ ચાલતો હોય. શાસ્ત્રોમાં આનો તો ક્યાંય ઉલ્લેખ નથી. તારી લીલામાં એટલું ખરૂ કે, મથુરા નગરીમાં રમતા રમતા યમુના નદીમાંથી કાળીયા નાગને તમે તમારા પગ નીચે નચાવ્યો અને તમે પણ હાઈક્લાસ નૃત્યુ કર્યું. કળયુગમાં આવા નાગ દરેક શેરી-મહોલ્લામાં છે. યુમનાના બદલે જાહેરમાં છે. 

        આને નાથવા માટે એક એવા કૃષ્ણ જોઈએ છે જે ક્રૂર ન હોય પણ કડક હોય. પરિણામ ભલે ન બદલે પણ પરિસ્થિતિને પલટાવે. પોતે ભલે ઉપર બેઠા બેઠા કાંડ જોવે પણ નિર્દોષ કચડાય નહીં એ પણ ખાસ જોજો પ્રભુ. આઠમ આવે ને લાલો યાદ ન આવે એવું તે કેમ બને. કૃષ્ણના નામની નામાવલી ખોલીએ તો ડિક્શનરી પણ ટૂંકી પડે. દરેક ઘરમાં લાલો પૂજાય. નાના બાળકને લાલનો બનાવાય. પણ હે ઓરિજિનલ લાલા. આ કળયુગમાં કેટલાક શિક્ષણદાતાઓ એવા છે જે લાલાને જાણે કંસ સમજીને ઢીબી નાખે છે. તારા યુગમાં સોશિયલ મીડિયા હતું નહીં એટલે તને અત્યારનો આઈડિયા નથી. પણ એ સમયે તારી પાસે લાઈવ સેટેલાઈટ કરતા પણ અઘરી અને અસાધારણ ટેક્નોલોજી હતી. વેવલેન્થ ઓફ માઈન્ડ. થોટ પ્રોસેસ શરૂ થાય ત્યારથી તને ખબર પડી જાય. બસ કળયુગમાં અમારે આવા શિક્ષણદાતા નથી જોઈતા. જે સોટી વાગે ચમચમ કરીને ચામડા ચીરી નાખે છે. આમા વિદ્યા તો આવી કે નહીં એની ખબર નથી પણ વિધ્ન એવું ઊભુ થાય છે કે, આખા શિક્ષણજગતમાં દેકારા થાય છે. ગોપીભાવે ભક્તિ કરનારાની વચ્ચે તું રહે છે. ઊભો રહે છે. વાયબ્રન્ટ વાસળી વગાડે છે પણ આ ભક્તિ માર્ગમાં પણ કેટલાક બાબા-બેબી, સ્વામી-મહારાજ તારો જાણે કોપીરાઈટ લઈને બેઠા છે. શાસ્ત્રોના નામે મારાહાળા પોતાના મનનું ધાર્યું કરાવી જાય. દક્ષિણા લેવા આવ્યા છે કે ડીલ કરીને ડૉલર જેટલું વસુલ કરવા આવ્યા છે એ જ સમજાતું નથી. 

       ઓશો રજનીશ એવું કહેતા કે, કૃષ્ણ શાશ્વત છે. જીવનને રસપ્રદ કરે અને જીવનને એક સેલિબ્રેશનની જેમ ઉજવે. પ્રભુ રાધાજી કેટલા પાવરફૂલ હતા એ તમે જાણો છો, પણ આજે ઘરમાં રાધાજી આવે તો રીસ કેમ લોકોને ચડે છે એ સમજાવજો. ઘરે ઘરે કૃષ્ણ જોઈએ છે પણ દેવકી,યશોદા કે વાસુદેવ કેટલાને થવું છે? માત્ર લડવાનો ભાવ મોટો થયો પણ સનાતન રહેવાનો અને સત્ય પર ટકી રહેવાની કસોટી નીટની પરીક્ષા કરતા અઘરી થઈ ગઈ છે. ફળનું વિચારીને કામ કરનારા વધ્યા કદાચ એટલે જ કામ પરનું ફોક્સ ખસી ગયું. એટલે જ પરિણામ થોડું બ્લર આવે છે. બસ હવે પ્રભુ આ બ્લર વાળી સિસ્ટમ જ દૂર થાય તો કેવું સારૂ. પ્રયાસને પોંખનારા વધે અને પરિણામને તારૂ ફળ માનનારા વધે તો કોઈ નાપાસ થાય તો પણ નાસીપાસ ન થાય. ગુજરાતમાં તો કૃષ્ણ તમે એક ગ્રીટિંગ્સ છો. અજાણ્યાના મોઢે પણ જય શ્રીકૃષ્ણ નીકળે અને જાણીતા જતા જતા પણ જય શ્રીકૃષ્ણ કહેતા જાય. જીવનમાં તને પણ રડવું આવ્યું છે, અફસોસ થયો છે અને કર્મનું ફળ પણ મળ્યું છે. બસ અમારા સૌના કર્મ સિદ્ધ થાય, સમસ્યા ઊભી કરવા કરતા સતકર્મ કરીએ, વિધ્ન ઊભુ કરવા કરતા વાસુદેવનંદનનું નામ લઈએ, માખણમાં મિલાવટ કરતાને મોરપીંછનો સ્પર્શ લાગી જાય અને ભારતમાં જન્મતું દરેક બાળક કૃષ્ણ અને રાધા બની જાય. મીરાં જેવી ખ્યાતિ પામી જાય. જવાબદારી લઈને પણ જલસો કરી જઈએ. એ જ તારા ચરણોમાં પ્રાર્થના. હેપ્પી બર્થ ડે મારા વ્હાલા. કાન્હા. હું એ ગીત બિલકુલ નહીં ગાવ કે, કાન્હા સોજા ઝરા. હું એટલું જ કહીશ કે, તું જાગતો રહેજે જેથી તારી ભક્તિ કરવા હું બીજા દિવસે સ્વસ્થ થઈને ઊઠી શકું. કારણ કે ભક્ત વગર તો તું પણ અધૂરો છે. 



આઉટ ઓફ ધ બોક્સ

દરેક માણસને કંઈકને કંઈક ખૂટતું હોય છે. પણ આ અધુરપને પણ મધુરપ બનાવીએ તો મથુરાધીપતિ મનમોહન થઈને ક્યારેક મળી પણ જાય. એનો સાક્ષી ભાવ જોઈએ પણ આપણે માગણી ભાવની સર્કિટ લઈને બેઠા છીએ એટલે બાંકેબિહારી બિન્દાસ્ત બેઠા છે. મળવાના થનગનાટ કરતા.

Tuesday, February 24, 2026

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો

    વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. નેપાળ અને શ્રીલંકા જેવા દેશમાં યુવાપેઢી જ્યારે રસ્તે ઊતરી તો ધમાલ થઈ, ધીંગાણા થયા. એક સ્પાર્ક દુનિયાએ એવો ફીલ કર્યો કે, લાગ્યું આવી રહેલી આ નવી પેઢીમાં કંઈક તો છે. સકારાત્મક કે નકારાત્મક એ બીજા નંબરની વસ્તુ છે. જેન ઝીથી ઓળખતી આ પેઢી પાસે ભલે અધુરપની કોઈ મધુરપ નથી પણ જે છે એનો અફસોસ નથી. દેશની મોટી-મોટી કંપનીઓમાં એક્ચ્યુલ વર્કફોર્સને સતત આગળ ધપાવવામાં જુનિયર્સ એ ઊર્જા છે, ગતિ છે, વેગ છે અને વાયબ્રન્ટ પણ છે. એક સમય એવો હતો જ્યારે હાયરિંગ (જોઈએ છે) ની જાહેરાત આવતી ત્યારે સ્પષ્ટ લખાતું કે, ફ્રેસર્સે ટ્રાય મારવી નહીં. હવે અનુભવીઓને સેટ થવામાં કાઠું પડે છે. આ પાછળનું સ્પષ્ટ કારણ બે મુદ્દાઓ સાથે જાડાયેલું છે. નંબર વન, પેઢી-માલિકો જે નોકરી આપે છે એનું બજેટ ફિક્સ છે. ફેસર્સ પાસે ભલે નોલેજ ઓછું પણ કામ કરવાના કમિટમેન્ટમાં પૈસા મળે છે. બોસ ઈસ ઓલવેઈઝ રાઈટના મંત્ર સાથે લાગી જાવ. નહીંતર થઈ જશે પૈસાના દાવ. 

    અનુભવના ઓટલે બેસીને એક અલગ અદાથી કામનારાઓનો આખો વર્ગ અત્યારે પોતના ઢસેડાના (પુરુષાર્થ)ના દિવસો યાદ ક્યારેક તો કરતો હશે. આ એવો સમય હતો જ્યારે કેલક્યુલેટર કરતા મોઢે હિસાબમાં ઝડપ હતી, ઈન્ટરનેટ નવું નવું હતું, સર્ચિંગના બદલે જૂના છાપા-પુસ્તકના કટિંગ અને લીથાનો જમાનો હતો, સંદર્ભ તરીકે કોઈનું નામ આપીએ તો વટ પડતો-સામે છેડે એક મોભી એય ભારપૂર્વક કહેતા કે, મારૂ બજેટ નથી તારે ત્યાં સેટ થાય તો જોજે. મહાનગરના બદલે એક યુગ નાના ટાઉનનો હતો, જ્યાં એક જ શહેરમાં રહેતા બે જુદી જુદી દિશા અને વિસ્તારના લોકોનો એક વાટકી વ્યવહાર પણ કામ અપાવતો. પીરિયોડિક લેબર સર્વેનો રીપોર્ટ એવું કહે છે કે, 2012 પછી મહાનગર તરફની દોડ વધી. આ પાછળનું કારણ નાના શહેરમાં જુનિયર્સને કોઈ ગાંઠતું નથી. મહાકાય એકમો કોન્ટ્રક્ટના નામે રાખીને શરીરમાંથી લોહી તો ઠીક આત્મા કાઢી લેતા. કોઈના રેફરન્સથી લાગેલાને કોઈનો રેફન્સ નડતો, પાર્ટટાઈમમાં કંઈ થતું નહી, રોકડી ઓછી અને રડકકડાટ વધ્યો. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હૈદારબાદ, જયપુર જેવા શહેરમાં એક દાયકા પહેલાનો સર્વે ચોંકાવનારો છે. લેબરફોર્સ રીપોર્ટ અનુસાર મહાનગરમાં આવતા મજૂર કરતા શિક્ષિત બેરોજગારો વધ્યા હતા. 

    મહાનગરમાં રહેલા મોટા એકમમોમાં પણ કોન્ટ્રાક્ટ છે. આ સિવાય દેશની કડવી હકીકત એ પણ સ્વીકારવી પડે કે, આપણા દેશમાં સૌથી સસ્તો શ્રમ છે. ઢગલાબંધ માણસોને ગમે ત્યાં કામે લગાડો લાગી જશે. નજીવા પૈસાથી હિમાયલ પણ ઉંચકી દેશે, પણ હવે આ વિચારધાર તૂટી રહી છે. જુનિયર્સ એવું જ કહે છે પૈસા આપો એટલું કામ થશે. ક્વોલિટી સાથે આવા જુનિયર્સ ફોર્સમાંથી માત્ર 30 ટકા લોકોને જ લેવાદેવા છે. આવું બ્રિટાનિકાનો રીપોર્ટ કહે છે. સામે છેડે પ્લેસમેન્ટ આપતી કંપનીઓએ પોલીસી બદલી, કારણ કે ત્યાં પણ એમબીએ (મને બધુય આવડે) કરેલા મહારથી બેઠા હોયને? પર્ફોમન્સ બેઝડ ગ્રોથ. આ મુદ્દાના અમલીકરણ બાદ શરૂ થઈ વ્હાલા-દવલાની નીતિ, અગાઉ કોણ કોનો માણસ છે એ રીસતરની ખબર પડતી હવે આ પોલીસીએ ખેલ બગાડી દીધો. જુનિયર્સ પર્ફોમન્સ આપે અને ગ્રોથ મળે એટલે જંપ. કંપનીનું કમિટમેન્ટ અને વર્કલોડ ગયો ગટરમાં. માઈન્ડ સેટ ફિક્સ થયું કે, અપના કામ બનતા તો ભાડ મેં જાય જનતા. આ જ જેનઝીને ગુમાવ્યાનું દુઃખ નથી પણ કંઈક અલગ કરવાના પુરુષાર્થ પર પાવર છે. આપણે ત્યાં કોઈપણ કોર્પોરેટ કે સરકારી ક્ષેત્રની સૌથી મોટી તકલીફ એ છે કે, કોઈ કોઈના પ્રયાસને પોંખતું નથી. પરિણામ પ્રેમીઓના ગાડા નહીં C70 જમ્બોજેટ વિમાન ભરાય એટલા પડ્યા છે. બીજી એક ખોટ એવી છે કે, માર્કેટમાં એસ્ટાબ્લિશ્ડ અને સ્ટેજ પર બેઠેલા એક પેઢીને તૈયાર કરવામાં માનતા નથી. જે કરે છે એને સલામ છે પણ એ જ તૈયાર થઈને એમના જ ગુરૂની ખુરશી હલી જાય એવા ધંધા કરે ત્યારે ડખો થાય.

AI Generated

    માણસને પોતાના પદની બીક લાગે ત્યારે તે ગોઠવવાનું શરૂ કરે. શું ગોઠવે? એ સમજી જજો અને ન સમજાય તો કોઈપણ ક્ષેત્રના અનુભવીને પૂછી લેજો. આવી ગોઠવણમાં જૂની પોલીસીમાં નવા માણસો સેટ થાય. એ પણ પાછા જુનિયર્સ જ. કારણ કે, જે ઠોકરથી અનુભવનું સિલ્વર કો ગોલ્ડન પેકેજ શિલ્ડ ઘડાયું હોય એ ઝડપથી થોડું જુનિયર્સને સમજાય? પૈસા ઓછા ને કામ સો જણાનું, બે-પાંચ વર્ષ કામ કરીને 'સાહેબ' બીજી પોલીસીમાં મોહે એ પહેલા ગચ્છંતી. બીજી તરફ કંપનીઓની પોલીસીને કારણે પણ પૈસા પ્રત્યે ઘણાય જુનિયર્સને અસંષોત છે, હતો અને રહેવાનો. કારણ કે, આપણા દેશમાં કોર્પોરેટ ફેવર લૉ છે. લેબર લૉ પણ છે પણ ફેવરિંગ કોર્પોરેટનું છે. કદાચ એટલે જ રાહુલ ગાંધી સમયાંતરે કહે છે કે, આ દેશમાં કોર્પોરેટ રાજ છે. મેકિન્સે સર્વેનો રીપોર્ટ કહે છે કે, એકવર્ષના સમયમાં જુનિયર્સમાંથી સૌથી વધારે ટકાવારી છોકરીઓ-મહિલાઓની છે. સવા કરોડના વર્કફોર્સ સામે 60 ટકા મહિલાઓ નાનું-મોટું (શારીરિક કે માનસિક) કોપ્રોમાઈસ કરીને ગ્રોથ લઈ લે છે. રીસ્ક લેતી વખતે જુનિયર્સ એ જ વાત નક્કી કરે છે, સેફ્ટિથી નીકળો અને સફળતા માટે મથો. ઓવરલોડના એક્યુપ્રેશરથી વધુ પ્રેશર ધરાવતા વર્કલોડમાં પરિણામ શરીર પર આવે છે. જ્યાં 1997માં યુથ સિક્સપેક અને સ્લીમનું દિવાનું હતું એ હવે ચબ્બી ચિક્સ હોય તો કહે છે, મહેનત કરીએ છીએ અમારી પાસે પૈસા છે. મની માઈન્ડેડ ઈઝ એવરીવેર. જ્યારે બોય્ઝ-પુરુષો વિચારે છે, પૈસાથી મતલબ છે-જેને જે કરવું હોય એ કરે. 

ઝટકો
95 ટકા યુથ એવું કહે છે કે, સારા કર્મચારી બનવું છે બોસ નહીં. બોસ એક જ શરતે બનવા તૈયાર, ટીમ યંગ અને ડાયનામાઈક જેવી જોઈએ


શા માટે આ ગીત દેવઆનંદને બિલકુલ પસંદ ન હતું?

  આજ ફીર જીને કિ તમન્ના હૈ, આજ ફીર મરને કા ઈરાદા હૈ    શા માટે આ ગીત દેવઆનંદને બિલકુલ પસંદ ન હતું?           ફિલ્મઃ ગાઈડ,      ડાયરેક્ટરઃ વિ...