અઠવાડિયા પહેલા જ અહિંસાના પૂજારી ગાંઘીજીની 150મી જન્મજયંતીની ઘામઘૂમથી ઉજવણી કરવામાં આવી. એ જ ગાંધીના ગુજરાતમાં હિંસાના રાક્ષસે ફફડાટ પેદા કરી દીધો. આ ભય કોઇ સ્થાનિકો નહીં પરંતુ, બીજા રાજ્યમાંથી આવેલા પરપ્રાંતિય લોકોમાં એક ખૌફની સ્થાપના કરી દીધી. ગુજરાતમાં સબ સલામતના દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા. જોકે, ગુજરાત વૈવિધ્ય ધરાવતું રાજ્ય હોવાની સાથોસાથ ધટનાપ્રધાન રાજ્ય છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. થોડા અઠવાડિયા પહેલા 23 સિંહના મોતથી જૂનાગઢથી લઇને ગાંધીનગર સુધી વગર ચોમાસે વીજળી પડી હોય એવી ગતિથી દોડધામ મચી ગઇ. દેશ વિદેશમાંથી નિષ્ણાંતોની ટીમે ગીરમાં ધામા નાંખ્યા. નોંધવા જેવી વાત તો એ છે કે, વન વિભાગને દેશની પ્રતિષ્ઠ સંસ્થાએ સીડીએમ વાઈરસ અંગેની વોર્નિગ આપી હતી. પણ રાજ્યના કેટલાક "ખાતા"ઓમાં હોતી હૈ ચલતી હૈ જેવું ચાલ્યા કરે છે. મૂળ વાત પરપ્રાંતિઓ પર, એક દિવસમાં સાત હુમલાની ઘટનાથી મચી ગયેલા હોબાળાનો અવાજ છેક ઉત્તર પ્રદેશ અને બિહારના મુખ્યમંત્રીઓ કાન સુધી પડધાયો છે.
જેની સીધી અસર ગુજરાતની આવનારી ચૂંટણી પર થાય એવી પૂરી શક્યતાઓ છે. ગુજરાતના અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં થઇને પરપ્રાંતિયો પર હુમલાની કુલ 45 જેટલી ઘટનાઓ બની છે. જેના મૂળમાં સાબરકાઠાના ઢૂંઢર ગામમાં બનેલી 14 માસની બાળકી સાથેના કુકર્મની ઘટના છે. જેની આફ્ટર ઈફેક્ટ અમદાવાદથી લઇને સુરત સુધી આવી છે. જ્યાંથી ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ગુજરાતને ગુડ બાઇ કહી ચૂક્યા છે. એક જ સપ્તાહમાં 70 ટકા મજૂરો રાજ્યમાંથી રવાના થઇ ગયા છે. બીજી તરફ શાખ સાચવવા પ્રયત્નીશીલ પોલીસે ખાતરી આપી છે કે, સબ કંટ્રોલ મે હૈ. ઉત્તર પ્રદેશ અને બિહારથી દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાત કમાણી કરવા આવે છે. રાજ્યમાં ભલે શિક્ષિત બેરોજગારી હોય પણ આ મોટાભાગના અભણવર્ગને રોજગારી ગુજરાત જ આપે છે.
અસ્તિત્વને અસ્થિર કરી દે એવી વાત એ છે કે, આ મજૂરોને કલાકના પૈસા ગુજરાતી શેઠીયાઓ આપે છે. કારણ કે સસ્તી મજૂરી સામે લાંબો અને મોટો ફાયદો આ લોકો જ કરી આપે. ઉપરાંત, કલા-કારીગીરી અને હુન્નરબાજ હોવાને કારણે પૈસા કમાઈ જાણે છે. જોકે, સામ્યતા એ પણ છે કે જે કામ આપણા ભણેલા-ગણેલા લોકો પરેદશમાં કરે છે એ કામ આ લોકો રાજ્યમાં કરે છે. ફેર એટલો જ છે કે ત્યાં ડૉલર છે અને અહીંયા તેની સામે તળિયા ધસતો રૂપિયો છે. ખલિલ ધનતેજવીનો એક સરસ શેર છે. એ માસ્તરની રીત ક્યાં ખોટી હતી? હાથમાં એના સોટી હતી. ફર્ક એ જ છે તારામાં અને મારામાં દીકરા, આજના રૂપિયા કરતા એ મારી પાવલી મોટી હતી. રાજ્યમાં સબ સલામતનું સિગ્નલ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે રાજ્યમાં ક્રાઇમ રેટ વધે છે ત્યારે કોઇ પ્રાંત કે પ્રદેશનો રેશિયા કાઢતું નથી. ક્રાઇમ ક્રાઇ હોય છે.
શિક્ષણ, શિસ્ત અને શાંતિમાં માનનારા ગુજરાતમાં એક જ ઘટનાએ છબીના છોતરા કાઢી નાંખ્યા. મોબાઈલ હાથમાં આવ્યા બાદ હથેળીમાં મંગળની યાત્રા કરનારાઓને બુદ્ધિ સાથે બારગાડાનું છેટું થઇ ગયું. ચતુર શેઠીયાઓ આ પ્રજા પાસેથી બળથી નહીં કળથી કામ લેતા. રાજ્યમાં કોઇને મહેનતનું કામ ભાગ્યે જ કરવું હોય છે. આમ પણ રાજ્ય અનેક રીતે કામ કરવા માટે "સેફ" જ નહીં રેડકાર્પેટ સમાન છે. અસ્તિત્વની ઘાર કાઢવા અને સિદ્ધ થવા માટે આ ભૂમિ ખુબ ફળદ્રુપ છે. જ્ઞાનનો અભાવ હોય ત્યાં ઉશ્કેરનારાઓ તૈયાર જ હોય. માત્ર અમદાવાદમાંથી જ 17 લાખ લોકોએ અલવિદા કહી દીધુ. આ એક એવી ધટના બની જેમાં શેઠ અને મજૂર બંનેના પેટ પર પાટું લાગ્યુ. છેલ્લા ત્રણ દિવસમાં ઉદ્યોગોની સ્થિતિનો વિચાર કરો ત્યા માનસિક રીતે સોજો ચડી જાય એવા હાલ છે. જોકે, રીસર્ચ કરવા જેવો મુદ્દો એ પણ છે કે, શાંતિભર્યા માહોલમાં જ્યા પેટનું માંડ પુરુ થતું હોત ત્યાં બીજા પ્રાંતમાંથી આવીને રાજ્યની સંસ્કૃતિ કોણ બગાડે? આ ધટનાની અસર ચૂંટણી આવતા ભલે ઓસરી જાય પણ તહેવાર ટાણે અસામાજિક તત્વોએ કરેલી ટકોર વાસ્તવિક ટ્રિગરનું કામ કરી ગઈ. ગુજરાત આમ પણ વૈવિધ્યભર્યું રાજ્ય છે. નવીનતાને આવકારે છે અને ઉજવે પણ છે. ત્યાં પ્રાંતવાદનું ઝેર ફેલાવીને હોબાળો મચાવવાથી કીચડ ગુજરાતીઓની છબીને જ ઉડવાનું છે. પણ ગુજરાત શાંતિપ્રિય, નવીનતાને આવકારતુ અને સુખી રાજ્ય છે, હતું અને રહેશે. જે સતત નવા આઇડિયાને આવકારે છે.
Good observations
ReplyDeleteThanks you so much.
ReplyDeleteKeep Read and get in touch