Tuesday, February 24, 2026

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો

    વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. નેપાળ અને શ્રીલંકા જેવા દેશમાં યુવાપેઢી જ્યારે રસ્તે ઊતરી તો ધમાલ થઈ, ધીંગાણા થયા. એક સ્પાર્ક દુનિયાએ એવો ફીલ કર્યો કે, લાગ્યું આવી રહેલી આ નવી પેઢીમાં કંઈક તો છે. સકારાત્મક કે નકારાત્મક એ બીજા નંબરની વસ્તુ છે. જેન ઝીથી ઓળખતી આ પેઢી પાસે ભલે અધુરપની કોઈ મધુરપ નથી પણ જે છે એનો અફસોસ નથી. દેશની મોટી-મોટી કંપનીઓમાં એક્ચ્યુલ વર્કફોર્સને સતત આગળ ધપાવવામાં જુનિયર્સ એ ઊર્જા છે, ગતિ છે, વેગ છે અને વાયબ્રન્ટ પણ છે. એક સમય એવો હતો જ્યારે હાયરિંગ (જોઈએ છે) ની જાહેરાત આવતી ત્યારે સ્પષ્ટ લખાતું કે, ફ્રેસર્સે ટ્રાય મારવી નહીં. હવે અનુભવીઓને સેટ થવામાં કાઠું પડે છે. આ પાછળનું સ્પષ્ટ કારણ બે મુદ્દાઓ સાથે જાડાયેલું છે. નંબર વન, પેઢી-માલિકો જે નોકરી આપે છે એનું બજેટ ફિક્સ છે. ફેસર્સ પાસે ભલે નોલેજ ઓછું પણ કામ કરવાના કમિટમેન્ટમાં પૈસા મળે છે. બોસ ઈસ ઓલવેઈઝ રાઈટના મંત્ર સાથે લાગી જાવ. નહીંતર થઈ જશે પૈસાના દાવ. 

    અનુભવના ઓટલે બેસીને એક અલગ અદાથી કામનારાઓનો આખો વર્ગ અત્યારે પોતના ઢસેડાના (પુરુષાર્થ)ના દિવસો યાદ ક્યારેક તો કરતો હશે. આ એવો સમય હતો જ્યારે કેલક્યુલેટર કરતા મોઢે હિસાબમાં ઝડપ હતી, ઈન્ટરનેટ નવું નવું હતું, સર્ચિંગના બદલે જૂના છાપા-પુસ્તકના કટિંગ અને લીથાનો જમાનો હતો, સંદર્ભ તરીકે કોઈનું નામ આપીએ તો વટ પડતો-સામે છેડે એક મોભી એય ભારપૂર્વક કહેતા કે, મારૂ બજેટ નથી તારે ત્યાં સેટ થાય તો જોજે. મહાનગરના બદલે એક યુગ નાના ટાઉનનો હતો, જ્યાં એક જ શહેરમાં રહેતા બે જુદી જુદી દિશા અને વિસ્તારના લોકોનો એક વાટકી વ્યવહાર પણ કામ અપાવતો. પીરિયોડિક લેબર સર્વેનો રીપોર્ટ એવું કહે છે કે, 2012 પછી મહાનગર તરફની દોડ વધી. આ પાછળનું કારણ નાના શહેરમાં જુનિયર્સને કોઈ ગાંઠતું નથી. મહાકાય એકમો કોન્ટ્રક્ટના નામે રાખીને શરીરમાંથી લોહી તો ઠીક આત્મા કાઢી લેતા. કોઈના રેફરન્સથી લાગેલાને કોઈનો રેફન્સ નડતો, પાર્ટટાઈમમાં કંઈ થતું નહી, રોકડી ઓછી અને રડકકડાટ વધ્યો. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હૈદારબાદ, જયપુર જેવા શહેરમાં એક દાયકા પહેલાનો સર્વે ચોંકાવનારો છે. લેબરફોર્સ રીપોર્ટ અનુસાર મહાનગરમાં આવતા મજૂર કરતા શિક્ષિત બેરોજગારો વધ્યા હતા. 

    મહાનગરમાં રહેલા મોટા એકમમોમાં પણ કોન્ટ્રાક્ટ છે. આ સિવાય દેશની કડવી હકીકત એ પણ સ્વીકારવી પડે કે, આપણા દેશમાં સૌથી સસ્તો શ્રમ છે. ઢગલાબંધ માણસોને ગમે ત્યાં કામે લગાડો લાગી જશે. નજીવા પૈસાથી હિમાયલ પણ ઉંચકી દેશે, પણ હવે આ વિચારધાર તૂટી રહી છે. જુનિયર્સ એવું જ કહે છે પૈસા આપો એટલું કામ થશે. ક્વોલિટી સાથે આવા જુનિયર્સ ફોર્સમાંથી માત્ર 30 ટકા લોકોને જ લેવાદેવા છે. આવું બ્રિટાનિકાનો રીપોર્ટ કહે છે. સામે છેડે પ્લેસમેન્ટ આપતી કંપનીઓએ પોલીસી બદલી, કારણ કે ત્યાં પણ એમબીએ (મને બધુય આવડે) કરેલા મહારથી બેઠા હોયને? પર્ફોમન્સ બેઝડ ગ્રોથ. આ મુદ્દાના અમલીકરણ બાદ શરૂ થઈ વ્હાલા-દવલાની નીતિ, અગાઉ કોણ કોનો માણસ છે એ રીસતરની ખબર પડતી હવે આ પોલીસીએ ખેલ બગાડી દીધો. જુનિયર્સ પર્ફોમન્સ આપે અને ગ્રોથ મળે એટલે જંપ. કંપનીનું કમિટમેન્ટ અને વર્કલોડ ગયો ગટરમાં. માઈન્ડ સેટ ફિક્સ થયું કે, અપના કામ બનતા તો ભાડ મેં જાય જનતા. આ જ જેનઝીને ગુમાવ્યાનું દુઃખ નથી પણ કંઈક અલગ કરવાના પુરુષાર્થ પર પાવર છે. આપણે ત્યાં કોઈપણ કોર્પોરેટ કે સરકારી ક્ષેત્રની સૌથી મોટી તકલીફ એ છે કે, કોઈ કોઈના પ્રયાસને પોંખતું નથી. પરિણામ પ્રેમીઓના ગાડા નહીં C70 જમ્બોજેટ વિમાન ભરાય એટલા પડ્યા છે. બીજી એક ખોટ એવી છે કે, માર્કેટમાં એસ્ટાબ્લિશ્ડ અને સ્ટેજ પર બેઠેલા એક પેઢીને તૈયાર કરવામાં માનતા નથી. જે કરે છે એને સલામ છે પણ એ જ તૈયાર થઈને એમના જ ગુરૂની ખુરશી હલી જાય એવા ધંધા કરે ત્યારે ડખો થાય.

AI Generated

    માણસને પોતાના પદની બીક લાગે ત્યારે તે ગોઠવવાનું શરૂ કરે. શું ગોઠવે? એ સમજી જજો અને ન સમજાય તો કોઈપણ ક્ષેત્રના અનુભવીને પૂછી લેજો. આવી ગોઠવણમાં જૂની પોલીસીમાં નવા માણસો સેટ થાય. એ પણ પાછા જુનિયર્સ જ. કારણ કે, જે ઠોકરથી અનુભવનું સિલ્વર કો ગોલ્ડન પેકેજ શિલ્ડ ઘડાયું હોય એ ઝડપથી થોડું જુનિયર્સને સમજાય? પૈસા ઓછા ને કામ સો જણાનું, બે-પાંચ વર્ષ કામ કરીને 'સાહેબ' બીજી પોલીસીમાં મોહે એ પહેલા ગચ્છંતી. બીજી તરફ કંપનીઓની પોલીસીને કારણે પણ પૈસા પ્રત્યે ઘણાય જુનિયર્સને અસંષોત છે, હતો અને રહેવાનો. કારણ કે, આપણા દેશમાં કોર્પોરેટ ફેવર લૉ છે. લેબર લૉ પણ છે પણ ફેવરિંગ કોર્પોરેટનું છે. કદાચ એટલે જ રાહુલ ગાંધી સમયાંતરે કહે છે કે, આ દેશમાં કોર્પોરેટ રાજ છે. મેકિન્સે સર્વેનો રીપોર્ટ કહે છે કે, એકવર્ષના સમયમાં જુનિયર્સમાંથી સૌથી વધારે ટકાવારી છોકરીઓ-મહિલાઓની છે. સવા કરોડના વર્કફોર્સ સામે 60 ટકા મહિલાઓ નાનું-મોટું (શારીરિક કે માનસિક) કોપ્રોમાઈસ કરીને ગ્રોથ લઈ લે છે. રીસ્ક લેતી વખતે જુનિયર્સ એ જ વાત નક્કી કરે છે, સેફ્ટિથી નીકળો અને સફળતા માટે મથો. ઓવરલોડના એક્યુપ્રેશરથી વધુ પ્રેશર ધરાવતા વર્કલોડમાં પરિણામ શરીર પર આવે છે. જ્યાં 1997માં યુથ સિક્સપેક અને સ્લીમનું દિવાનું હતું એ હવે ચબ્બી ચિક્સ હોય તો કહે છે, મહેનત કરીએ છીએ અમારી પાસે પૈસા છે. મની માઈન્ડેડ ઈઝ એવરીવેર. જ્યારે બોય્ઝ-પુરુષો વિચારે છે, પૈસાથી મતલબ છે-જેને જે કરવું હોય એ કરે. 

ઝટકો
95 ટકા યુથ એવું કહે છે કે, સારા કર્મચારી બનવું છે બોસ નહીં. બોસ એક જ શરતે બનવા તૈયાર, ટીમ યંગ અને ડાયનામાઈક જેવી જોઈએ


Saturday, October 11, 2025

ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ

 ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ

    

   દિવાળીનો તહેવાર દરવર્ષે આવે છે. ફટાકડા ફોડવા કે નહીં એની માથાકુટ પણ વાર્ષિક થઈ ગઈ છે. ફટાકડાના ધુમાડાંથી પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ દરેક જીવ માટે હાનિકારક છે. વાત સાચી છે અને પર્યાવરણ માટે સારી છે. નવ દિવસીય તહેવાર નોરતા પૂરા થાય એટલે દિવાળીના એંધાણ વર્તાય. નોરતાના પૂરા થાય એના ચારથી પાંચ દિવસમાં ઘર-ઘરમાં સફાઈ અભિયાન શરૂ થાય. સ્વચ્છતાનો વાર્ષિક કાર્યક્રમ. એમાંથી પણ નાના-મોટા કોઈ ફટાકડાના પેકેટ જડે. અગાઉના ઘરમાં માળીયા હતા હવે ફ્લેટમાં રહેતા લોકો કબાટ અને ફર્નિચર સાફ કરે છે. માળીયામાં અનેક એવી જૂની-પુરાણી વસ્તુઓ આ સફાઈ વખતે નીકળે. વડીલ-વૃદ્ધો એ સમયે બોલે કે, આ તો સંઘરેલો સાપ છે. સંઘરેલા હોય કે જંગલના હોય, પાણીના હોય કે રેતીના. સાપ ક્યાંય કામ આવે? 😆 દિવાળી એટલે ફટાકડાની પ્રાઈમ સીઝન. ફોડવાની મજા આવે પણ વેચવા માટે પાછું મંજૂરીઓ જોઈએ. અમારા ગામમાં તો આ વર્ષે બે વિભાગો વચ્ચે મંજૂરીને લઈને ખો-ખો શરૂ થઈ ગઈ. 😏


        અમારા ગામમાં દરવર્ષે ચુનીકાકા ફટાકડાની દુકાન કરે. દિવાળી બાદ ડિસપ્લેમાં સ્ટોક ગોઠવે. નીવડેલા પાક્કા વેપારીની જેમ પહેલા જૂનો સ્ટોક વેચે અને પછી તદ્દન નવો નક્કોર. ચુનીકાકાની દુકાને હમણા એક ભાઈ આવ્યા અને કહ્યું કે, હું દરેક ફટાકડાનો ટેસ્ટ લઈશ અને પછી ખરીદી કરીશ.😆 એક તો સ્ટોક મર્યાદિત હતો અને એવામાં આ ભાઈએ તો તમામ આઈટમની દઈ નાંખી. 😏 દરેક બોક્સ ઉઘાડ્યા અને સુરસુરિયા કરીને જતા રહ્યા. એ ભાઈને એવી આશંકા હતી કે ફટાકડા નહીં ફૂટે તો? આવો આઈડિયા કરવા જેવો ખરા. 😆ભાઈએ ચુનીકાકા સામે એવી દલીલ કરી કે, ભાઈ અમારે શાકભાજીમાં મરચા 💥 પણ ઘણા લોકો ચાખીને લે છે, આ તો ફટાકડા છે. 😆 ભાઈ પણ ખરો નીકળ્યો, કાકાને કહે કપડાં લેવા જાવ ત્યારે પણ ટ્રાયલ રૂમ હોય છે. વ્યવસ્થિત લાગે પછી લેવાના તો ફટાકડામાં કેમ નહીં? 😠 ચુનિકાકો બરોબરનો અકળાયો. 

       કાકાએ થોડું બ્રાંડિગ કર્યું. આ ફટાકડા શિવાકાશીના છે. એકદમ બેસ્ટ અને કાનતોડી નાંખે એવા અવાજવાળા. રોકેટ તો બોટલમાં મૂકો તો પણ સીધા ન જાય એની ગેરેન્ટી 😆. ચક્કર (સૌરાષ્ટ્રમાં જમીન ચક્કરી) તો એવા છે કે, જોરદાર ફરશે. શંભુ (સૌરાષ્ટ્રમાં ઝાર) માંથી તો ઝીણાઝીણા દીવા જેવા દાણા ખરશે. કોઠીબોંબ તો કાચ ધ્રુજાવશે. પોન્સના ડબ્બા જેવી આતશબાજીના બે-ચાર ડબ્બામાં ડિસ્કાઉન્ટ કરી આપીશ. બસ એક જ શરત કે એનો ટેસ્ટ ન લેતા. ચુનીકાકા ડબ્બામાં પણ ડિસ્કાઉન્ટ પર ઊતર્યા. 😆 ફટાકડાના ફીચર્સ સાંભળીને ભાઈએ આપેલો જવાબ પણ દમદાર છે. ચુનિકાકા, શિવાકાશીના નામ પર ફટાકડા ફૂટે વાત સાચી પણ મારે ત્યાં તો નામ લખવાના મુદ્દે ફટાકડા ફૂટી ગયા. એ પણ બે સખીઓ વચ્ચે બોલો. 👧👧 રોકેટની તો વાત જ મૂકી દો. અમારા વિભાગમાં તો દરરોજ નવા નવા નિયમોના રોકેટ ઉડે.  🚀 પણ ફૂટે અમુક લોકો ઉપર જ. કેટલાક રોકેટ તો આખું વર્ષ એવા આવે છે કે, એને રોકેટની સ્પીડ કરતા વધારે ફૂટવાની ને ઉડવાની ઉતાવળ હોય. આવા મારે ત્યાં છે એવું નથી બધેય છે જ. જેને બોટલ પણ જોઈએ અને પછી ઉડવાય જોઈએ. 😜 મેં ગયા વર્ષે પ્લાસ્ટિકની બોટલમાં રોકેટ મૂક્યું હતું. રોકેટ તો ઉડ્યું પણ પ્લાસ્ટિકની બોટલ સવારે ઊઠીને આળસ મરડતા માણહ જેવી થઈ ગઈ. તમે જેને શંભુ કહો એને અમે ઝાર કહીએ. જેની માથે ડામ દેતા એમાંથી એ ફાટે પણ ફૂટે નહીં. દરેક જગ્યાએ સાથે રહેનારા કરતા માથે રહેનારા વધારે હોય છે. એ પાછા ડામ પણ દઈ જાય. પછી આપણે ફાટી(બોલી) એ તો ખોટું લાગી જાય. ફૂટે તો દશા હું થાય? 

     તમારા કોઠી બોંબ તો ધ્રુજાવશે પણ ઘણાય વગર ધ્રુજારીએ કોઠી જેવા થઈ ગયા છે એનું શું? આવી કોઠીઓ પાછી તળીયા વગરની હોય. સંતોષ નામની સર્કિટ જ કુદરત મૂકતા ભૂલી ગયો હોય એવું લાગે. 😜 કાકા તમે ડબ્બામાં ડિસ્કાઉન્ટની વાત ન કરો. અહીંયા સૌથી વધારે મગફળી મારા ગામે પાકે છે છતાં તેલના ડબ્બા સસ્તા થતાં નથી. દહ-વીહ રૂપિયા ઘટે તો જાણે સોનું સસ્તુ થયું હોય એમ વાવડ વહેતા થાય. પણ દરિયામાંથી ડોલ કાઢો તો કંઈ ફેર પડે? 💸 ચુનીકાકાએ ફૂલઝરનો ફોર્સ કર્યો. આ કલરફૂલ ફૂલઝર લઈ જાવ, લાલ-લીલી, પીળી-તળતળીયાળી. એક કામ કરો દોરી લઈ જાવ, એમાં પણ કલર્સ છે આપણી પાસે. કાકાએ કપડાં સુકવવાની દોરી દેવાની હોય એમ એમાં કલર ભેળવ્યા. આ પેન્સિલ આ વખતે મસ્ત છે. લાડવા લઈ જાવ લાડવા..ભાઈએ ફરી ચુનીકાકાને રીપ્લાય કર્યો. ફૂલઝર રહેવા તો ઘણાય એવા હોય છે હું પીને આવ્યો છું.  🤓 ચુનીકાક ડઘાઈ ગયા. પછી ખબર પડી કે ભાઈ ફૂલઝર સોડાના ફ્લેવરની વાત કરે છે. ભાઈ ફૂલઝર રહેવા દો. જે હાથમાં રાખે અને ફૂટી જાય અને સરીયા દેખાય એટલે ફેંકી દે. અમારે ત્યાં આવા ઘણાય માણહ છે. રમતથી લઈને રાજનીતિ લગી. કેટલાક તળતળીયા જ કરે પણ એનાથી થાય કંઈ નહીં.  😁

     દોરીની તો વાત જ મૂકો. લેવી જ નથી. ગત વર્ષે મેં એમાં ગાંઠ મારી હતી. લાગ્યું કે ઠરી જશે પણ એનો ભડકો થઈ ગયો. પેન્સિલ તો કાઢતા જ નહીં. ઈન્ટરવ્યૂર પેન્સિલ લઈને બેહતા થઈ ગયા છે. ખબર નહીં કોના નામ પર છેકરબ્બર કળા કરી જાય. તમારી પાસે ઓલી ડિજિટલ પેન્સિલ હોય તો બતાવો. જે દિવાળીમાં પણ ચાલે અને ફોનમાં પણ ચાલે. ચુનીકાકો ફરી અકળાયો. મીઠાઈના ભાવ આસમાને છે. આમા કંઈક ડિસ્કાઉન્ડ આપો. મિષ્ઠાનમાં નહીં તો ફટાકડામાં હી સહી. ભાઈએ જમીનની લગડીમાં અડધો ફૂટ વધારે આપજો એવી માગ કરી લીધી. છેલ્લે ચુનીકાકો કંટાળ્યો. તમારે જોઈએ છે હું? ભાઈ કે, કંઈ નહીં આ તો ઘરના સફાઈ ન કરાવે એટલે ફટાકડા અને મીઠાઈ લેવા જાવ છું એવું કહીને નીકળ્યો હતો...

Friday, October 10, 2025

કૉલકાતા અપને આપ મેંઃ સ્ટોરી, હિસ્ટ્રી અને ફિલ્મ

કૉલકાતા અપને આપ મેંઃ સ્ટોરી, હિસ્ટ્રી અને ફિલ્મ

     

    ઓનલાઈન કહેવાતા યુગમાં ઓટીટી પ્લેટફોર્મનો દબદબો રીતસર વર્તાય છે. ફિલ્મો જે સિનેમાહોલમાં રીલિઝ થતી, એ હવે ઓટીટી પર થાય છે. ઘણી સારી પણ જૂની ફિલ્મ ઓટીટી પર જોવા મળે એ રાહ જોનારો પણ એકવર્ગ છે. સિનેમાહોલ અને ફિલ્મ એ એક સિક્કાની બે બાજુ છે. એવું કહેવામાં કંઈ ખોટું નથી. મોબાઈલ જનરેશનમાં ઓટીટીએ એક સમયની ટીવી સીરીયલ જેવું કામ કર્યું છે. સીરીયલનો દરરોજ એક એપિસોડ પ્રસારિત થતો. અહીં બધા એપિસોડ એક સાથે પીરસાય છે. આ જ ફેર છે. બોલિવુડ હિન્દી ફિલ્મોનું નામ આવે એટલે કેટલાક શહેરોનું હોવું એક અપેક્ષિત છે. સમય બદલતા હિન્દી સિનેમાની વાર્તાના મૂળ સુધી પહોંચવા કેટલીય ફિલ્મોએ એના ઓરિજિનલ લોકેશન સુધી પહોંચવા કમર કસી. હિન્દી સિનેમામાં ફિલ્મો પાછળ થતું સ્ટોરીવર્ક અને હોમવર્ક ઘટ્યુ. આની અસર સ્ટોરી પર પડી એના કરતા જ્યાંથી એ સ્ટોરી આવતી એના પર વધારે થઈ. ફિક્શનની સાથે સત્યઘટનાથી પ્રેરિત ફિલ્મોનો આખો ફાલ આવ્યો. મોબાઈલમાં ઓટીટીના પ્રભાવ વચ્ચે સિનેમાહોલનો એક યુગ હતો.

       સોની કંપનીના સ્પીકર અને ડલબી ડિજિટલની ઈફેક્ટ સાંભળવા યુવાનોની લાઈન લાગતી. સિંગલ સ્ક્રિન થિએટર્સ એક સમયના કિંગ હતા. આવા સિનેમાહોલ સાથે એક આખી પેઢીની યાદો જોડાયેલી છે. એ સિનેમા હોલની આસપાસ મળતી ખાણી-પીણીની આઈટમ, ટિકિટ માટે થતા જુગાડ, મનપસંદ જગ્યા માટે થતા ટિકિટ એક્સચેન્જ, ટાઈટલ ટ્રેક જોવા શૉ ટાઈમ કરતા વહેલા પહોંચવાનું એક્સાઈટમેન્ટ, ઈન્ટરવલમાં ફરી સિંગચણા કે દાળની પડીકી લઈને અંદર દોડવાની મજા હતી. એક્ઝિટ ગેઈટમાંથી બાહર આવીએ ત્યારે પણ બીજી આવનારી ફિલ્મના પોસ્ટર દેખાતા. એટલે એ પછી રીલિઝ થતી ફિલ્મ જોવા વાત થતી. ફિલ્મોમાં સ્ટોરી હોય અને સ્ટોરીમાં અનેક પાત્ર હોય. પાત્રનું જે તે શહેર સાથે એક ક્નેક્શન હોય. બોલિવૂડની અનેક એવી ફિલ્મમાં સ્ટોરીલાઈન અલગ હોવા છતાં દેશની પ્રથમ રાજધાની કોલકાતાનું દમદાર સિનેમેટિક થયું. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, મુંબઈ અને દિલ્હી જેવા શહેરને જે સ્થાન મળ્યું એવું સ્થાન ફિલ્મોમાં કોલકાતાને ન મળ્યું. પણ રાજનીતિમાં વિવાદાસ્પદ રીતે મળ્યું. કોલકાતા એટલે સ્ટોરી, હિસ્ટ્રી અને કલ્ચરનો ત્રિવેણી સંગમ. આર્ટ વીથ એક્ટિવિટી, કલર્સ વીથ ટ્રેડિશન, ઈમેજ વીથ ઈમોશન. આપણા દેશમાં પ્રથમ થિએટરનું નિર્માણ કોલકાતામાં થયેલું અને એક ગુજરાતી-પારસી વ્યક્તિએ બનાવેલું. વર્ષ 1907માં જમશેદજી ફરામનજી માદન નામના વ્યક્તિએ એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસ નામનું થિએટર બંધાવ્યું. મૂળ આ વ્યક્તિ નાટકના જીવ. ફિલ્મ સાથે સીધો તો નહીં પણ વાયા-વાયા સંબંધ. ખુરશીમાં બેસીને ફિલ્મ જોવાના શોખીન પારસીએ થિએટર બનાવી નાંખ્યું.                  

        પ્રથમ થિએટર કોલકાતામાં બંધાવ્યા બાદ દેશના બીજા શહેરમાં આ શૃંખલા શરૂ કરી. વર્ષ 1913માં બનેલી પ્રથમ મૂક ફિલ્મ 'રાજા હરિશચંદ્ર' સૌ પ્રથમ આ જ થિએટરમાં રીલિઝ થયેલી. આઝાદી બાદ સિંગલ સ્ક્રીન થિએટરનો યુગપ્રારંભ થયો. એમાં પણ કોલકાતાના ફ્લેવર ફીલ થતા. બંગાળની ધરતીની મહેક હતી. મૃણાલ સેન અને સત્યજીત રેની જન્મભૂમિ પશ્ચિમ બંગાળ સાહિત્યની સાથે ફિલ્મકલાનું કેન્દ્ર રહ્યું પણ સ્ક્રીન સુધી એટલું પહોંચ્યું નહીં. એ પછીના દાયકાઓ બાદ કોલકાતા સ્ક્રીન પર ચમક્યું. 'ગુંડે' અને 'સ્પેશ્યલ 26' જેવી ફિલ્મોએ કોલકાતાના કલર્સ બતાવ્યા. જ્યારે 'કહાની' જેવી ફિલ્મોએ ટ્રેડિશનની સાથે કિલર સ્ટોરી પીરસી. આ પાછળનું એક કારણ એ છે કે, કોલકાતામાં પ્રોડક્શન કોસ્ટ મુંબઈ કરતા ઓછી છે. મહેનતાણું ઓછું અપાય છે. 'બુલેટ રાજા' ફિલ્મના કેટલાક સીન હૈદરાબાદમાં તો કેટલાક કોલકાતામાં રેકોર્ડ થયેલા. આ જ ફિલ્મની પ્રોડક્શન ટીમના એક વ્યક્તિ રાહુલ મિત્રા કહે છે કે, ફિલ્મને લઈને આ સિટીનું પ્રમોશન જરૂરી છે. કારણ કે અહીં આધુનિકતા અને વિરાસત બન્નેનો સંગમ છે. આજે પણ આ શહેરની અંગ્રેજોના યુગની એક ઓળખ યથાવત છે. દેશની પ્રથમ રાજધાની તરીકે આ શહેરે જે સહન કર્યું એ 'બેંગાલ ફાઈલ્સ'માં જોયું.


      બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો કોલકાતા બીજા શહેરો કરતા સ્લો છે. લાઈફસ્ટાઈલ અલગ છે. ટ્રામ સિટીથી લઈને ટેલિકોમ હબ તરીકે વિકસી રહેલા સિટીમાં ફિલ્મોનો નાતો આઝાદી પહેલાનો છે. શહેરના જૂના વિસ્તારમાં ફરો એટલે એક અલગ ફીલ આવે છે. જ્યાં સુધી વાત ફિલ્મોની છે તો એમાં બંગાળી ફ્લેવર અપગ્રેડ થઈને પીરસાયો છે. 'કહાની' જ જોઈ લો. 'લૂટેરા', 'બરફી', 'સ્પેશ્યલ 26' આ ફિલ્મોના રૂટ પશ્ચિમ બંગાળના છે. શહેર ભલે કેન્દ્રમાં રહ્યું પણ ફ્લેવર બંગાળી છે. 'દો બીઘા જમીન' અને 'બ્યોમકેશ બક્ષી' એના રૂટ પણ પશ્ચિમ બંગાળના. રાજકીય વિવાદોમાં ન પડતા અહીં આજે પણ વહેલી સવાર આપણે ત્યાંના રાત્રીના 3.30 વાગ્યે પડે છે. અનેક એવા મઠમાં સંગીતના માધ્યમથી પૂજા થાય. આરતી વખતે વાગતું સંગીત અલગ. કિશોર કુમાર જેવા ગાયક અને નીરજ પાંડે જેવા ઉચ્ચ કક્ષાના ડાયરેક્ટર પશ્ચિમ બંગાળથી જ આવે છે. પણ કોલકાતા સિટી ક્યાંય ફિલ્મની સ્ક્રિનમાં પાછળ રહી ગયું. સ્ટોરીલાઈનમાં દમ અને રૂટ સંશોધનમાં પ્રાદેશિક ભાષા જેવી અનેક એવી મર્યાદાઓ વચ્ચે સિટીએ પોતાનો સ્પાર્ક જાળવી રાખ્યો. 'પરિણિતા' અને 'દેવદાસ' જેવી ફિલ્મોએ એને ક્નેક્ટ કરવાનો મસ્ત પ્રયાસ કરેલો. જે ખરેખર પોંખવા જેવો. જ્યારે 'લવ આજ કલ' જેવી ફિલ્મોએ પણ કંઈક બતાવવાનો પ્રયાસ કર્યો..


આઉટ ઓફ બોક્સ

આધુનિક કોલકાતા અને અપગ્રેડ થયેલી સિટી જોવું હોય તો વિક્કી ડોનર ફરી જોઈ લેજો. રાજ બાડિયોના અદભૂત લોકેશન ખરેખર એક વિઝિટ કરવા ઉત્સાહિત કરે એવા છે.

Sunday, September 21, 2025

નવરાત્રી ફેસ્ટિવલઃ ફન, લર્ન અને એનર્જીનું પાવરબુસ્ટર

 નવરાત્રી ફેસ્ટિવલઃ ફન, લર્ન અને એનર્જીનું પાવરબુસ્ટર

   તહેવારો એ તેજીનો સ્પાર્ક છે. ફાયનાન્સની ચિંતા વગર ફેસ્ટિવલનું ડીએનએ થનગનાટ સાથે એક્ટિવ થાય છે. 

 

    શહેરને ગામડું બનવાના ઓરતા જાગ્યા, ત્યારે સમજજો નોરતા નજીક આવ્યા. શહેરની શેરીઓમાં મોલ કરતા વધારે ભીડ જામે ત્યારે નોરતાના એંધાણ સ્પષ્ટ વર્તાય. મોલના સ્ટોલ કરતા રસ્તાના કિનારે પાથરણું પાથરીને બેઠેલા નાના એવા વેપારીને ત્યાં ભીડ થાય. એની પાસેથી ભાવ-તાલ કરાવી છતાં સામેવાળાનો નફો સાચવીને વસ્તુ લેવાની કળા નારીના ડીએનએમાં છે. વસ્તુની મૂળકિંમત પર લાગતા કરથી આર્થિક ફટકા વધુ લાગે છે.  આ પણ વાસ્તવિકતા છે. બચતની મૂડીમાંથી, અંશ વાપરીને વંશ આવ્યા જેવડો આનંદ કરવામાં ખરી મોજ છે. દર વર્ષે નોરતાના તહેવાર આસપાસ ફિક્સ ફેસ્ટિવલ લોક થયા છે. ભારતનો મીડલ ક્લાસ ફેસ્ટિવલમાં પોતાના ઈન્વેસ્ટમેન્ટની ચિંતા વગર એન્જોય કરવામાં માને છે. શેરમાર્કેટના નિષ્ણાંતો પણ આ વાત સ્વીકારે છે. જીએસટીના દર ઘટવાથી રાતોરાત મોંઘવારી ઘટી નથી ગઈ. સસ્તી વસ્તુથી ક્વોલિટી સુધરી પણ નથી ગઈ. આ સચ્ચાઈના સ્વીકાર વચ્ચે સંઘર્ષના હલેસા મારતો વર્ગ તહેવારને માણી લેવામાં માને છે. 

      માર્કેટમાં બુસ્ટર ડોઝ મળ્યો હોય એવી તેજી તો નથી. પણ સાવ મંદી પણ નથી. દેશના મહાનગરોની હોલસેલ માર્કેટમાંથી ગ્રોથરેટની છૂટછાટ દરેક રોકાણકાર સેટ કરે છે. નોકરીની માસિક શોષણ પ્રવૃતિ સામે માંડ માંડ મેનેજ થતું બધું એમાંય બચતવૃતિની પાળ પીટાઈ ગઈ છે. ટકાવારી ઓછી કરવાથી ભાવમાં ફેર પડે તો ખાનગી કંપનીઓની ખોટી નફાખોરીમાં કેમ ગાબડાં નથી પડતા? કમાય બધાને લેવું છે એમાં ફેસ્ટિવલ એ મોટું બેનર છે. આવકનો સોર્સ છે. નિયમિત આવકના મજબૂત સ્ત્રોત ઊભા કરવામાં જિંદગીની ઉંમર વૃદ્ધ થાય. આવકના પ્રવાહની સાથે બીજો નળ શોધાય તો પણ નોકરિયાત વર્ગના સત્તાધીશો રાજી ન હોય. ટૂંકમાં રાહત આપો તો એનું કદ પ્રસાદી જેટલું હોય અને બીજું શોધીએ તો રડારમાં હોઈએ. છતાં ફેસ્ટિવલ એ જોડવાનો, ભેગા થવાનો અને સાથે રહેવાનો માઈક્રો મેસેજ આપે છે. જે પ્રોફેશનલની પાવરફૂલ દુનિયામાં કેટેગરી પ્રમાણે સ્વીકારાય છે. ઓફરના આભાસી બજારની સાથે નક્કર માર્કેટ પણ અસ્તિત્વ ધરાવે છે. સ્કેનથી પેમેન્ટની રેટરેસ વચ્ચે રોકડાનો ગ્રાફ ભલે નીચો છે પણ યથાવત છે. કેશલેસ ઈકોનોમીમાં કેટલાય ઈનકમલેસ દર વર્ષે થાય છે, એનો આંકડો સુદ્ઘા બહાર આવતો નથી. પણ તહેવારમાં એ વર્ગ પણ થોડું સર્વાઈવ થઈને નાની બચતમાં રોનક માણે છે. નાણુ ફરતું રહે તો એવું માની શકાય કે ખર્ચ થાય છે. બચત હશે તો થશે એ વાત હવે સ્વીકારવી કઠિન છે. 

    સમૃદ્ધિની શુભેચ્છાઓ અપાશે એટલે આશીર્વાદનો ઝગમગાટ ઝાંખો ન થવો જોઈએ. ફાયનાન્સની નાની સેવિંગ વચ્ચે તહેવાર એ તેજીના સ્પાર્ક છે. સમયાંતરે કથળતી દરેક વર્ગની આર્થિક વ્યવસ્થામાં બે છેડાં ભેગા માંડ થાય ત્યાં વ્યવહારનું વહાણ આવે. બસ, આ જ ટાઈટેનિકને ડૂબવા ન દે એ જ ખરો આર્થિક શીપમેન, હાડનો પ્રવાસી એવો નાવનો ખલાસી. બચતનો બાદશાહ. ફેસ્ટિવલ પાછળનો બુસ્ટર ડોઝ ફાયનાન્સ હોય તો જ ફીલ થાય પણ આ નાણાના ફરતા પ્રવાહમાં કમાઈ જ લેવાના અને ફેસ્ટિવલને કમાવવાના જ દિવસો માનવા એ ખોટું છે. વાહનવ્યવહારમાં ભાડા વધે, ઓનલાઈન ટિકિટ બુકિંગના કમિશન વધે, લાંબા અંતરના પ્રવાસનું એડવાન્સ બુકિંગ હોય પણ બીજા ચાર્જિસ વધે. એક વાત સમજાતી નથી કે, ડીઝલના ભાવ ઘટે પણ દૂધના ભાવ કોઈ દિવસ દૈનિક વપરાશના કદમાં ઘટતા નથી. આ પાછળ શું ગણિત હોય અને રેવન્યૂ હોય એ મારો રામ જાણે. 


   માણસ ઓછા બજેટમાં તહેવાર ઉજવે એના પાયામાં સાદગી હોય છે. સાદગી હોય એટલે બજેટ નથી એવું બિલકુલ હોતું નથી. સુશોભનમાં દર વર્ષે એટલા નાણા નથી ખર્ચાતા. દર વર્ષે તહેવાર નજીક આવતા પાડોશી દેશની બનાવટના ડેકોરેશન દાટ વાળી દે છે. આ પણ હકીકત તો છે જ. ફન એન્ડ સેલિબ્રેશન એટલે દેવું કરીને ઘી પીવાનું એવું બિલકુલ નહીં. નવી પેઢીનો દ્રષ્ટિકોણ ટ્રેડિશન સાથે થોડા ફન ઔર થોડા લર્નનો છે. ફેસ્ટિવલમાં પણ ફેમિલી સાથે ફ્રેન્ડ્સને ન ભૂલીને 'જોડે રેજો રાજ....' પર માત્ર ગરબા નથી રમતા, એને સાર્થક કરે છે. હવે વાત નોરતાની. ગતવર્ષે આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી હતી. સોશિયલ મીડિયા પર વાત એ વાયરલ થઈ હતી કે, ડીજેવાળા, સાઉન્ડવાળા અને ગાવા-વગાડવા વાળાને બીજીપાળી કે ઓવરટાઈમ ચૂકવવો પડશે. બાર વાગ્યા સુધીમાં સમાપન એ સૌને માફક આવી ગયું છે. જેથી સોશિયલમીડિયા પ્રેમીઓને પોસ્ટમૂકવા મળી રહે (આમા નેતા પણ આવી ગયા....હા..હા...હા...). એ પણ સમયસર.

     મોટા પાર્ટીપ્લોટ ગરબાના આયોજનમાં કેટલાય લોકોની દિવાળી આર્થિક રીતે સચવાય જાય છે. સમૃદ્ધિના સમ્રાટોના સહારે રાજકીય પરપોટો રચાય. બન્ને એક ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરી લે છે. એક મની માટે બીજા મત માટે. ખેર, જૈસી જીસકી સોચ. મોટા આયોજનોની આસપાસ નાનું રોકાણ કરી ખાણી-પીણીના સ્ટોલવાળા, રાઈડર, મંડપ ડેકોરેશનથી લઈ પાસ સુધી અને પ્રિન્ટિંગથી લઈ પાણીની બોટલ વેચનારા સુધી મોટો વર્ગ સચવાય. એમાય પાસ લેનારા વધે એટલે ખર્ચો કાઢતા અમૂક રકમ બચે. નવરાત્રી એટલે ફન, જોબન, નર્તન આ બધુ મળે એટલે મન પ્રસન્ન. ટૂંકમાં ફન ત્યાં ફંદ નહીં ધન. નોરતાથી દિવાળી અને દિવાળીથી છેક ડિસેમ્બર સુધી, આખો સમયગાળો ફેસ્ટિવલના બેનર નીચે ઊભું થતું એક બિઝનેસ પ્લેટફોર્મ છે. દિવાળીની પોસ્ટ અને શુભેચ્છાઓ મોકલ્યા બાદ શું કરવું? યસ. ઈવેન્ટ બિઝનેસ. લગ્નસીઝન શરૂ થાય. એમાં પણ ગરબા તો થાય જ છે. મની મેકિંગનું મેજિક ખબર હોય ત્યાં પૈસા મળે. પણ સમયે ચિત્ર બદલ્યું છે. હવે ભપકા કરતા ભાવ અને ઈવેન્ટ કરતા ઈમોશન વધારે ધ્યાને લેવાય છે. વિડિયોકોલથી સ્વજનની હાજરી પૂરાય અને રીલથી મેમરીઝ બને છે. પ્રસંગનો ફોટો આલ્બમ કે વિડિયો કરતા રીલ્સમાં બધુ આવી જાય એટલે ભયોભયો. ના...ના..માસ્ટરપીસ કહો. ચાલો ત્યારે નવરાત્રીની શુભકામનાઓ.  

Friday, September 05, 2025

યે બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મો કા સંગમ હૈ

 યે બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મો કા સંગમ હૈ

    ઓનસ્ક્રિન સલમાન અને શાહરૂખ ખાનને ઈમોશનલ થતા તો સૌએ જોયા હશે. કોઈ સ્ટેજ પર એક સિન પ્લે થાય અને બન્નેની આંખમાંથી આંસુ સરી પડે અને કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાન સલમાનના આસું લૂંછે. કદાચ આ ક્ષણ જ ઘણીબધી યાદને તાજા કરાવી જાય. બોલિવૂડની ફિલ્મની દુનિયામાં સૌથી સફળ અને સતત જુદા જુદા વિષયથી પરિચિત કરાવીને ફિલ્મો આપનાર આ બન્ને ખાન બંધુઓની ફિલ્મ કરણ-અર્જુનની સિલ્વર જ્યુબલી સેલિબ્રેટ થઈ. હાલ તો આ ફિલ્મને ત્રીસ વર્ષ થયા. મેકિંગથી લઈને એક્શન સુધી અને ડાયલોગ્સથી લઈને ડેસ્ટિનેશન સ્પોટ સુધી આ ફિલ્મનું ઘણુંખરુ ઓફ ધ સ્ક્રિન સામે આવી ચૂક્યું છે. આટલા વર્ષો પછી કરણ-અર્જુનના એ ગામની સ્થિતિ પણ બદલી ચૂકી છે. પાક્કા મકાન અને પાક્કા રસ્તા, પહાડની નીચેથી પસાર થતી ઊંટ ગાડીનો રસ્તો હવે હાઈવે જેવો થઈ ચૂક્યો છે. ફિલ્મમાં ઠાકુર દુર્જનસિંહની હવેલી એટલે આજનો સારિસ્કા પેલેસ જે ભાનગઢ નજીક આવેલો છે. ફિલ્મનું મોટાભાગનું શુટિંગ બિકાનેર સિટી અને જયપુર સિટીના ગ્રામ્ય વિસ્તારમાં થયું છે. યસ. આ ફિલ્મમાં જે જે ગ્રામ્ય વિસ્તારની પ્રોપર્ટીનો ઉપયોગ થયો એના પૈસા ડાયરેક્ટરે આપેલા. 


    ફિલ્મને લઈ સમગ્ર યુનિટ પાસેથી એવા ફેક્ટ જાણવા મળ્યા જે જાણીને ખરેખર આશ્ચર્ય થાય એવું છે. ફિલ્મમાં જે માલખેડા ગામ બતાવાયું છે એ ખરેખર છે. ફિલ્મમાં જે રેલવે સ્ટેશન શૂટ થયું છે એ રીયલ છે. પણ એ પછીના સીન કેટલાક અલવર જિલ્લાના તો કેટલાક અજબગઢના છે. પુષ્કર એટલે બ્રહ્માજીનું મુખ્ય મંદિર. આ જગ્યા પર આવેલા દુર્ગા મંદિરમાં જે ગીતનું શુટિંગ થયું એ જય મહા કાલી. આ ફિલ્મમાં આજના સુપરસ્ટાર પૈકી એક એવા રીતિક રોશને સેટ આસિસ્ટન્ટ તરીકે કામ કરેલું. એમનો એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો એ સમયે સોશિયલ મીડિયા ન હતું છતાં ફરતો થયેલો. કેટલાક સીન જયપુર જિલ્લાના મહરકલાં ગામના પણ મસ્ત છે. એક્શન ફિલ્મમાં ઈમોશન અવ્વલ નંબરે હતું. પહેલીવાર એવું બની રહ્યું હતું કે, બે સુપરસ્ટાર એક જ ફિલ્મમાં અને એ પણ લીડ એક્ટર તરીકે. સ્ટોરીલાઈન એવી મજબૂત હતી એટલે ખાસ કોઈ મહેનત સ્ટારકાસ્ટને લઈને થઈ નથી. જોકે, પહેલા શાહરૂખના બદલે આમીરનું નામ પહેલી પસંદ રહ્યું હતું. એ પછી બન્નેએ એકબીજાની ફિલ્મમાં ગેસ્ટ અપિરિયન્સ તરીકે કામ લેવાનું શરૂ કર્યું. 

   ફિલ્મી સ્ક્રિન પર ભલે એક સ્પર્ધા હોય પણ ઓનસેટ બન્નેનું બોન્ડિંગ એક ભાઈ કરતા પણ બેસ્ટ રહ્યું છે. આ વાત ફિલ્મના ડાયરેક્ટર રાકેશ રોશન કહી ચૂક્યા છે. રાકેશજીની સલમાન સાથેની આ પહેલી ફિલ્મ હતી. રૂ.6 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ફરી રીલિઝ થાય અને એ પછી પણ મોટા બજેટ સાથે કમાણી કરે એ ખરેખર સફળતાથી કમ નથી. કાયનાત ફિલ્મનું ટાઈટલ નક્કી થયું હતું પણ અંતે તો કરણ અર્જુન જ ફાઈનલ થયા. આમ તો ફિલ્મમાં ડ્રામા પ્લસ એક્શન છે. પ્લોટ સાદો સરળ છે પણ ફ્લેશબેક સાથેનું ક્નેક્શન ફરી બતાવવું એ ચેલેન્જ પાર કરી. એમાં પણ જોની લીવર અને રણજીત જેવા એક્ટરને એક અલગ શેડમાં બતાવવા પડકારજનક હતું. રાકેશ રોશનની પુત્રીએ લખેલી બુક અનુસાર પહેલા સલમાન ખાનના બદલે અજય દેવગન અને શાહરૂખ ખાન ફાઈનલ થયા હતા. પછી સલમાનની એન્ટ્રી થઈ. 

   સ્ટોરી અને સ્ક્રિપ્ટ તો આમીરને પણ પસંદ હતી. પણ કાસ્ટિંગને લઈ થયેલા ડખા પર અનેક એવી વાર્તાઓ છે. ભાનગઢ ગામનું આખુ ભૂગોળ આ ફિલ્મમાં જોવા મળે છે. રાજેશ રોશનને આ ફિલ્મની એક ટ્યુન બિલકુલ ગમતી ન હતી. ગીત હતું જાતી હું મૈ, જલ્દી હૈ ક્યા. પણ પછી બધુ થાળે પડતાં બધું ગોઠવાઈ ગયું. પછી આ ગીત હિટ ગયું. કાજોલના બદલે જુહી ચાવલાને ફિલ્મની લીડ એક્ટ્રેસ તરીકે પસંદ કરવામાં આવી હતી. પણ ડેટ અને બીજા કેટલાક પાસાના કારણે જુહી ફિલ્મનો ભાગ ન બની શકી. જાતી હું મેં ગીતને લઈ કાજોલનો ઓન સેટ કોસચ્યુમને લઈને મોટો ઝઘડો થયેલો. જેના કારણે શુટિંગમાં ડિલે થયું. પછી કિંગખાને સમગ્ર બાજી સંભાળી અને કાજોલે ગીત કરવાની હા પાડી અને ગીતનું શુટિંગ પુરૂ થયે એક સેકન્ડનો વિલંબ કર્યા વગર સેટ પરથી જતી રહી. આ ફિલ્મના ઘણા સ્ટાર બાઝીગરમાં પણ હતા. કદાચ એ જોઈને જ રાકેશજીએ પોતાની આ ફિલ્મનો નિર્ણય લીધો હશે. કરણ એટલે કે સલમાન ખાને એક સાથે બે પ્રોજેક્ટ સાઈન કરેલા. કરણ અર્જુન અને હમ આપકે હૈ કોન. આ સમયે બન્ને પ્રોજેક્ટમાં તે મેનેજ ન થતા. કરણ અર્જુન છોડવા સલમાને મન બનાવી લીધું હતું. પણ ડાયરેક્ટર સુરજ બડજાત્યાએ સલમાનને સલાહ આપતા કરણ અર્જુન સલમાને પૂરી કરી. એ પછી સલમાને ત્રણ મહિનાનું વેકેશન પણ કરેલું. 

આઉટ ઓફ બોક્સ

બેસ્ટ એડિટિંગ એવોર્ડ તરીકે કરણ અર્જુન ફિલ્મનું નામ આજે પણ પહેલા ક્રમે લેવામાં આવે છે. રેતીમાં ફાઈટનો સિન ચાર દિવસે પૂરો થયો કારણ કે, સતત ગરમી અને તાપને કારણે કેટલાક સિન કેન્સલ કરવા પડ્યા હતા.

Friday, August 29, 2025

મેં મારી મમ્મીના પુરૂષાર્થને ટેકઓવર કરી લીધોઃ રોહિત શેટ્ટી

 મેં મારી મમ્મીના પુરૂષાર્થને ટેકઓવર કરી લીધોઃ રોહિત શેટ્ટી

  "ક્યારેય એવી આશા ન હતી કે, આર્થિક રીતે સર્વાઈવ થવા માટે બનાવેલી ફિલ્મ મારી આખી ટીમને સાચવી લેશે. આ ફિલ્મ હિટ પણ થઈ અને ફિલ્મ તરીકે બ્રાંડ બની હોય એવી કદાચ આ મારી પહેલી ફિલ્મ હશે. એકથી વધારે ફિલ્મના પ્રોજેક્ટ ચાલી રહ્યા હોય ત્યારે દરેક વ્યક્તિના મનમાં પહેલો વિચાર આર્થિક રીતે સર્વાઈવ થવાનો જ આવતો હોય. કામ વિશે ઘણું વિચાર્યું પણ પૈસા વિશે શરૂઆતમાં મેં કદી વિચાર કર્યો જ નહીં." આ શબ્દો છે જાણીતા ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના. જેણે 'ગોલમાલ', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'સિંઘમ', 'ઝમીન' અને 'સૂર્યવંશી' જેવી હિટ ફિલ્મો આપી. એક પ્રોડ્યુસરનો વિચાર લઈને નિકળેલી વ્યક્તિએ ફિલ્મના સેટ પર સંઘર્ષ કરતા પરિવારનો ફિલ્મો પ્રત્યેનો લગાવ અને પુરૂષાર્થ બંન્ને જોયા છે. કર્ણાટકના ઉડુપી જેવા મસ્ત ટાઉનમાંથી એક મા અને દીકરો માયાનગરી મુંબઈ આવે છે. ફિલ્મોમાં કામ માટે ધક્કા ખાય છે. ફિલ્મોમાં સાઈડ રોલ માટે એટલા પૈસા નથી મળતા જેટલા એક એક્ટ્રેસને મળતા હોય છે. 

    "મેં નોકરી પણ કરી છે પણ લોકો માનતા નથી. મુંબઈ જ્યારે આવ્યો એ સમયે સ્કૂલિંગ ચાલતું હતું." એક જાણકારી ખાતર કે, રોહિત છઠ્ઠા ધોરણમાં નાપાસ થયેલા છે. "દહીંસરમાં નાનીના ઘરેથી ફિલ્મસિટીના સેટ સુધીની સફર આજે ભલે કલાક કે દોઢ કલાક સુધીની હોય પણ મને વર્ષો વીત્યા છે. ફિલ્મસેટ પર તો ઘણીવાર જવાનું થતું પણ જ્યારે એક ફિલ્મને સમજતો થયો એ સમયે એક ચિત્ર મારી થિંક પ્રોસેસમાં સેટ થઈ ગયું હતું. અમિતાભ બચ્ચનજીની ફિલ્મ હતી. સેટ પર ધડાધડ બધા કો-એક્ટર પડી રહ્યા છે. એક-પછી એક ફાઈટ સિનમાં હિરો આટલો માર ખાવા છતાં સ્ટે રહે છે. હાલી-ચાલી શકે છે. આ સિન માટે મેં ડાયરેક્ટરને માત્ર એટલું પૂછેલું કે, આ શું? આટલો માર ખાવા છતા હીરો આટલો સ્ટેબલ? એનો રીપ્લાય કોઈપણ ડાયરેક્ટર માટે ફિલ્મ મેકિંગનું પહેલું લેસન બની શકે. વો મેરા હીરો હૈ, વો કુછ ભી કર સકતા હૈ." હવે રોહિતની કોઈપણ ફિલ્મ જોઈ લો, હિરો એકદમ અને આખી ફિલ્મ માટે પાવરફૂલ રહેશે.

   "હા, બિલકુલ સાચી વાત છે. ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના ક્લાઈમેક્સમાં થયેલો બ્લાસ્ટ રીયલ છે અને એમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચેલી છે. આવો જ એક કિસ્સો મારા પપ્પા સાથે બન્યો હતો જેમાં મનસુર નામના સાઈડ આર્ટિસ્ટનું મૃત્યું થયું. થોડા સમય માટે તો આખો માહોલ એ ફરી યાદ આવી ગયો કે, આ શું થઈ ગયું? તમે સ્ટંટ કરતા હોવ એ સિક્કાની બીજી બાજું જોખમ છે. મેં મારા પપ્પાને ઘણીવાર લોહીના ડાઘ વાળા કપડાં સાથે ઘરે આવતા જોયા છે. ક્યારેક એના હાથમાં પાંટો હોય છે તો ક્યારેક પ્લાસ્ટર પણ આવેલું છે. હવે તો ઘણી સેફ્ટિ છે સ્ટંટ આર્ટિસ્ટને, અનેક એવી ટેકનિકથી મદદ મળે છે. 'ફૂલ ઔર કાંટે' જે અજય દેવગન સર માટે એક દમદાર ફિલ્મ હતી. ખરેખર, અજયસર આ માટે ફર્સ્ટ ચોઈસ હતા જ નહીં. આ ફિલ્મ પહેલા અક્ષયકુમારને ઓફર થઈ હતી. પણ ડેટ અને બીજા કેટલાક પાસાને કારણે અક્ષયે ના પાડી પછી અજયસર પાસે આવી. અજય મારા માટે એક બોસ છે. એટલા માટે કારણ કે, જ્યારે એની ફિલ્મ ફ્લોપ થઈ હતી એ સમયથી હું એની સાથે કામ કરૂ છું."

   "ફિલ્મ લાઈનની અંદર માત્ર આસિસ્ટન્સ જેવું નથી હોતું. આસિસ્ટન્સના પણ બીજા ફર્સ્ટ પર્સન, સેકન્ડ ડાયરેક્ટર, લાઈનમેન જેવા લોકો સાથે હોય છે. આ દરેક પાસા મેં જોયા છે. એક એવો પણ સમય હતો જેમાં એક્શનને કોઈ એવોર્ડ મળતા ન હતા. ફૂલ ઔર કાંટે ફિલ્મથી આ કેટેગરી ફિલ્મફેરે એડ કરી હતી. એ સમયે અનિલ કપૂરની ફિલ્મ લમ્હે આવી હતી. વીરૂ દેવગન (અજય દેવગનના પપ્પા) અને મારા પપ્પા ઘણા સારા મિત્ર હતા. એટલે આ આખો માહોલ મેં મારી નજર સામે જોયો છે. અમિતાભ બચ્ચન રીયલ એક્શન કરતા હતા. દોસ્તાના ફિલ્મમાં હેલિકોપ્ટર વાળો શોટ રીયલ છે. કોઈ સેફ્ટિ બેલ્ટ ન હતા. કારણ કે, ફેન્સને એની ઈમેજના રીયલાલિઝમ ફીલ થવું જોઈએ. હાલ તો સ્પેશ્યલ ઈફેક્ટનો જમાનો છે. પણ ઘટનાને તમે રોકી નથી શકતા. સાઈડ આર્ટિસ્ટની દુનિયામાં એક ઉંમર પછી કામ ફિલ્મલાઈનમાં નથી મળતું. આ પણ હકીકત છે."

  સ્ટંટને લઈને ડર હવે ઓછો લાગે છે. કારણ કે હવે પ્રોફેશન છે તો થોડા ઘણા બનાવ તો થવાના. ફ્રી ટાઈમમાં હોવ ત્યારે શરીર પરના ઘાવ ગણવાના બદલે લોકોએ જે દુઆ આપી છે એ યાદ કરી લઉં છું. જે પુરૂષાર્થ મમ્મી (રત્ના શેટ્ટી)એ કર્યો એને મેં ટેકઓવર કરી લીધો. બસ વિષય થોડો પરિવર્તિત થયો છે.હા..હા..હા... લોકો બે પ્રકારના હોય છે કે, એક તમારા એક્શનની કદર કરે છે અને બીજા કોમેન્ટ પાસ કરે છે. આ જ વસ્તુ ફોરેન ફિલ્મોમાં થાય તો લોકો પચાવી જાય છે. યસ, હોલિવૂડ પાસે વર્લ્ડ માર્કેટ છે. બોલિવૂડની કોઈ પણ ફિલ્મ લઈ લો એનું બજેટ મર્યાદિત હોય છે. 


આઉટ ઓફ બોક્સ

અજય દેવગનની ફિલ્મ ફૂલ ઔર કાંટે સતત 25 વીક ચાલી હતી. એ સમયે અનિલ કપૂરની ફિલ્મ લમ્હે સ્લો લવ સ્ટોરી હોવા છતા સોંગને કારણે દોડી ગઈ હતી.

Saturday, August 16, 2025

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

 જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

    હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ્રી કૃષ્ણ તમે જેટલા પૂજય છો એટલે જ પોતીકા છો. કદાચ તમે એક માત્ર એવા દેવ હશો જેને આ સંસાર તું કારો આપીને બોલાવે છે. 'કાના તને' એવું કહે છે. આમ તો તું જગત મંદિરમાં બિરાજે છે અને સૌનો પાલક છે એટલે અમારા બધાય કરતા ખૂબ મોટો છે. પણ તું વ્હાલો છે, બાળ ગોપાલ પણ છે અને તારુ આ રૂપ સૌને પ્રિય છે એટલે જ તને તું કારો આપતા હશે. આધ્યાત્મની માર્કેટમાં તું પાયોનિયર છે. પણ કળિયુગની હકીકત એ પણ છે કે કેટલાક લોકો એ તારા નામની માર્કેટ બનાવી નાખી છે. જેમાં હૃદયના ભાવ કરતાં સમૃદ્ધિના ભાવને વધારે જોવામાં આવે છે. 



   આમ તો દરરોજ તારી પાસે ગામ આખાની ફરિયાદ આવતી હશે. લોકો પોતાના દુઃખ દર્દ ઠાલવતા હશે. માગણીની ચીઠ્ઠી આવ્યા કરતી હશે એટલે હવે એ એક ગ્રંથ જેવડી બની ગઈ હશે. પણ મને વિશ્વાસ છે તે સૌને એની ક્ષમતાથી વધારે નહીં આપ્યું હોય અને આપ્યું હશે તો એનો ખાલીપો કોઈ એક બાબત પર ખૂબ મોટો હશે. કારણ કે તું બધાને બધું નથી આપતો. કારણ કે બધા સુદામા નથી. દર ઓગસ્ટ મહિનામાં તારી અને સુદામાની ફ્રેન્ડશિપનું જૂનુંને જાણીતું પોસ્ટર સ્ટેટસમાં મૂકીને દોસ્તોને વિશ કરવામાં આવે છે. નેતા, અભિનેતા સૌ કોઈ દોસ્તીનો તહેવાર માનવે છે. પણ તે ખરેખર દોસ્તી મનાવી છે. દોસ્તીને જીવી છે. સુદામા એ કોઈ જ વાત કરી નથી છતાં તું બધું જ સમજી ગયો. ડિજિટલ યુગમાં જે સમજે છે એને આખું ગામ સમજાવે છે અને નથી સમજતા એની સાથે બધા 'એડજસ્ટ' થઈ જાય છે.

    ઓધવજી, સુદામા અને અર્જુન. આમ તો આ ત્રણેય તારા ઓફિશિયલ મિત્રો છે. પણ દાયકાઓ પછી તારા મિત્ર બનવા ઘણાય થનગને છે. કારણ કે તે જે સુદામાને આપ્યું એ એમને પણ ક્યાંક ફૂલ નહીં ને ફૂલની પાંખડી જેટલું તો જોઈએ જ છે. અર્જુનને સખા કરતા શિષ્ય વધુ માની શકાય. એમને તે તારા મુખે અને અવાજે ગીતા સંભળાવી. તું એનો સારથી બન્યો. દ્વવાપર યુગ પછી ઘણા એવા છે જે ઇચ્છે છે કે તું એમનો જીવનરથ હાંકીને સારથી બને. પણ સ્વાર્થી હોય ત્યાં તું થોડી સારથી બને? તારી પાસે તો પહેલા મનથી ખાલી અને માયાથી મુક્ત થવું પડે. તો તારી કહેલી ગીતા સમજાય અને સંભળાય. હે કરનીશ (કૃષ્ણનું એક નામ) તને માનનારા ઘણા છે, ગણ્યા ગણાય નહીં એટલા, પણ તારું કહેલું માનનારા? બધાય કૃષ્ણને માને પણ કૃષ્ણનું કહેલું કોણ માને છે?. આ સવાલ હું રોજ મારી જાતને પૂછું છું. જવાબ પણ તું જ આપે છે એ પણ સરનામા સાથે. આ સવાલનો જવાબ ગીતા છે. એમાં પણ તારી વાત છે પણ એમાં તારી ક્યાંક સહી નથી. 

    ગીતાના જ્ઞાન બાદ તે અર્જુનને પણ કહ્યું કે, તારી ઈચ્છા પડે એમ કર. હું પથદર્શક છું, રક્ષક છું પણ રડવું છે કે લડવું એ નિર્ણય તારો. આમ તો તારા જેટલું જ્ઞાન મારું નથી. કદાચ કોઈનું પણ નહીં હોય. જ્યારે તારું જીવન જોવ છું ત્યારે એમાં કેટલાય દુઃખથી આંખો ભીની થઈ જાય છે. તમે તમારી નજર સામે એક આખી પેઢીનો સૂર્યાસ્ત થતા જોયો. મથુરાનું સામ્રાજ્ય શરૂ કરવાના બદલે સાંદિપની આશ્રમની રાહ પકડી. બાકી અમારે ત્યાં તો જીતેલી વસ્તુને છોડે એવા કોઈ છે નહીં. પણ હું એટલું તારા જીવન માંથી શિખ્યો કે, જે પોતાનું કર્મ છોડે એ પડે અને કે કરેલા સત્કર્મનું ફળ છોડે એ ચડે. પ્રગતિ કરે. તમે મથુરાધિપતી બની શકતા હતા પણ તમે દ્વારકા નરેશ બન્યા. ખુદની નગરી બનાવી દીધી. તમારી સાથેના દરેક પાત્રોને તમે જજ કર્યા પણ કોઈ દિવસ તમારું જજમેન્ટ ન આપ્યું. જ્યારે તારું જજમેન્ટ સમજાયું ત્યારે સમય વીતી ચૂક્યો હોય. 

   કૃષ્ણ તને પોંખનારા અને સાચા દિલથી વધાવનારાને ભલે તે કોઈ પ્રસિદ્ધિ ન આપી હોય પણ એટલું તો આપ્યું જ હશે કે એને કોઈ પ્રસિદ્ધિની જરૂર ન પડે. કોણ કેવા પ્રેમથી અને એ પ્રેમના પેકેટમાં પેટના પાપથી કોણ પૂજે છે એ તો તને ખબર છે. હે, રૂક્ષ્મણીપતિ રિલ્સની દુનિયામાં રહીને રેવન્યુની ચિંતા કરનારા ઘણા છે પણ મોબાઈલના વિશ્વમાં એટલું તો સમજાયું છે કે, ફેમસ થવું સરળ છે પણ સારી ઈમેજ બનાવતા વર્ષો વીતે છે.

    અને છેલ્લે તારા વિશે બોલું કે લખું એ ઓછું જ પડશે પણ વાસ્તવિકતા એ પણ છે કે આ મૌનને તું સમજે છે. આ મૌન પણ મોરપીંછ જેવું મુલાયમ હોય. હું તને સમજવા ખૂબ નાનો છું પણ એટલું જાણી લીધું છે કે, જ્યારે તને દુઃખ થયું ત્યારે તે કોઈને પણ ફરિયાદ નથી કરી. ગાંધારીના શ્રાપ સામે તારું મૌન એ ઘણું ઊંડું છે. આ પરથી મને એટલું તો આવડી ગયું કે આપણે આપણી કંપ્લેઈનને કંટ્રોલ કરવી જોઈએ. કોઈ પણ સ્થિતિમાં ખુશ રહેવાનું અને બીજાને પણ રાખવાના કારણ કે ખુશ હોઈએ ત્યારે ખરાબ વિચાર નથી આવતા. આજે દરેકને એવું છે કે બધાય એને ઓળખે પણ સાથે એવું પણ છે કોઈ એને ઓળખી ન જાય. બસ કાના આજે તારા જન્મદિવસ પર કોઈ જ માગણી નહીં પણ શબ્દો રૂપી લાગી લઈને આવ્યો છું. જવાબદારી તારી બહુ મોટી છે પણ મારી જરૂર હોય ત્યાં તારો ઈશારો મને માત્ર સમજાવજે. કામ તારું થશે પણ નામ મારું થશે આ ભરોસો છે તારા પર. લવ યુ કાના...

Tuesday, June 17, 2025

ક્રેશ, ક્રેક અને કાટમાળ

 ક્રેશ, ક્રેક અને કાટમાળ

જુન મહિનાને અકસ્માતોનો મહિનો જાહેર કરી દેવામાં આવે તો કંઈ ખોટું નથી. કેદારનાથમાં પૂર હોનારત થઈ એ સમયની આફતે પણ અનેક લોકોના જીવ લીધા હતા. એ સમયે પણ જુન મહિનો હતો. આપણે ત્યાં જુન મહિનામાં જ ચોમાસું સીઝન શરૂ થાય છે. કોરોના કાળ વખતે જુન મહિનામાં જ સૌથી વધારે કેસ આવતા હતા. કોરોનાનો પ્રાઈમટાઈમ જુન મહિનો કહેવાય એ કહો તો પણ હકીકત છે. 12 મી જુન 2025. ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી હવાઈ દુર્ઘટનાનો કાળો દિવસ. અણધાર્યા અકસ્માતના પડઘા આવનારા દાયકાઓ સુધી ભૂલાશે નહીં. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં બેસીને લંડન જનારા વગર વિઝાએ યમલોક પહોંચ્યા. ફ્લાઈટ બુક કરાવનારને પણ ક્યાં ખબર હશે કે આ જીવનની અંતિમ સફર હશે? બી.જે. મેડિકલની મેસમાં બપોરનું ભોજન લેનારાને પણ ક્યાં ખબર હતી કે જે અનાજનું બટકું એ ભરે છે તેઓ પોતે જ કાળનો કોળીયો બની જશે. બપોરના સમયે જાણે આકાશમાંથી ઉડતું મોત આવ્યું હોય એમ પ્લેનક્રેશ થયું અને અનેક લોકોના ઘરમાં ભરબપોરે અંધારુ કાયમી ધોરણે છવાઈ ગયું. 

કોઈએ પોતાના માતા-પિતા ગુમાવ્યા તો કોઈએ પોતાનો ભાઈ, પરિવારમાંથી બાળકોનો કિલ્લોલ કાયમી ધોરણે વિમાન ક્રેશની આગમાં હોમાઈ ગયો. એક વ્યક્તિને બાદ કરતા વિમાનમાં બેઠેલા તમામ ટિકિટ સાથે અંતિમસફરની વાટે અકાળે ચાલ્યા ગયા. જેનાથી અનેક એવા પરિવારમાં એટલી મોટી ક્રેક (તિરાડ) પડી જે હવે ક્યારેય ભરી નહીં શકાય. એમાં હવે લાગણીની સિમેન્ટ કે યાદોના આંસુ પડશે તો પણ એ ક્ષણમાં સંવેદના હશે પણ સ્વજન નહીં હોય.ટ્રાંસપોર્ટના ત્રણેય ફોર્મેટ રોડ, રેલવે અને હવાઈમાં સૌથી વધારે સુરક્ષિત એર ટ્રાવેલિંગ માનવામાં આવે છે. ફ્લાઈટમાં બેસતા પહેલા જેટલું ચેકિંગ પ્રવાસીઓનું કરવામાં આવે છે કદાચ એટલું એ ફ્લાઈટનું માત્ર કાગળ પર થતું હશે. બોઈંગ કેટેગરીનું વિમાન દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. જેની પાછળ એક શબ્દનું કારણ જવાબદાર છે. એ શબ્દ એટલે અકસ્માત. ક્રુ મેમ્બર્સના ધારાધોરણો અને એ બનવા માટેની ફીનો આંકડો તપાસજો. ફ્લાઈટમાં એનાઉસમેન્ટ કરતી વખતે કદાચ કેટલી ઊંચાઈએથી કુદીએ તો જીવ બચી જાય એ કોઈ બોલતું નથી. કદાચ એવું ક્રુ મેમ્બર્સને તાલીમ દરમિયાન કોર્ષ પેપરમાં નહીં હોય. અન્યથા સ્વર્ગસૌદર્ય સમાન આ ટીમ બોલે નહીં? 

આપણા દેશની આ વર્ષની કદાચ આ સૌથી મોટી હવાઈ દુર્ઘટના હોઈ શકે. ભૂલ કોની હતી, શું હતી અને કેમ થયું એ તો તપાસના તબક્કા બાદ બહાર આવશે. જેને સ્વજનો ગુમાવ્યા એમની પાસે અત્યારે શબ્દો નથી. દોષ નસીબને આપવો કે નવી નવી વિકસતી ટેકનોલોજીને. એમના માટે આ એક એવી ક્રેક છે જે જેમાં લાગણીની સિમેન્ટ કે આંસુના ટીપાં પડે તો પણ સ્વજનોને સ્પર્શે નહીં. ભોજન કરતા ભાવિ તબીબોને સારવાર કરવાનો મોકો જ નહીં મળે એવું તો એના અભ્યાસક્રમમાં પણ નહીં હોય. ઘણીવાર આફત કરતા એના પછીના અણધાર્યા પરિણામ સ્તબ્ધ કરી દે છે. 46 કે 47 ડિગ્રીનું તાપમાન માંડ માંડ સહન કરનારા 1000 ડિગ્રીએ ભૂંજાઈ ગયા. મસાણની અગ્નિ પહેલાની આગે અંતિમવિધિ માટે દેહ પણ ન આપ્યો. કરૂણતાની હદપારની ઘટનામાં તબીબ બનીને બહાર આવશે એ આશાએ બેઠેલા વાલીઓને પોતાના તનનો હિસ્સો ઓળખ માટે આપવો પડશે એ દિવસ તો સંતાનના શબને કાંધ આપવા બરોબર લાગ્યો હશે. છઠ્ઠા દિવસે વિમાન અને ઈમારતના કાટમાળમાંથી જે વસ્તુઓ મળી એનું મુલ્ય માનવજીવન સામે શું હોઈ શકે? વિચારજો. 

સંપત્તિવાન થવા માટે જિંદગીમાં દોડધામ બધાની હોય છે પણ સંપત્તિ સામે આવે પણ વ્યક્તિ ન આવે ત્યારે એ બધુ જ વ્યર્થ લાગે છે. કમાયેલું પડ્યું રહ્યું અને કમાનાર કૈલાશે જતા રહ્યા. કરંસી મળી આવી પણ કોની છે એ જાણીને પણ શું ફાયદો? જિંદગીનો કોઈ ભરોસો નથી અને નશ્વરદેહમાંથી પ્રાણ ક્યારે, કેવી રીતે ઉડે એનું નક્કી નથી. પણ જે નક્કી છે, શક્ય છે અને યોગ્ય છે એ તો કરીએ. દરરોજ નાનકડુ પણ સારૂ કામ કરીએ. એ પણ ન થાય તો દરરોજ આપણા કારણે બીજાના મોઢા પર નાનકડી સ્માઈલ આવે એવું તો કરીએ. કદાચ એની લાગણી, ખુશી, દુઆ કે બ્લેસિંગ કપરાં સમયે કામ આવી જાય. એ ક્રેડિટ જીવ બચાવી જાય. ખાલીપો ભરી નહીં શકાય પણ બોધપાઠ તો લઈ શકાય. શું લેવો, કેવો લેવો અને ક્યો લેવો એ વ્યક્તિગત બાબત છે. વ્યક્તિ એડલ્ટ છે, મેચ્યોર છે બસ જોઈએ કે, સમજદાર કેટલો છે. 

Thursday, April 17, 2025

હવામાંથી પાણી બને, એ પણ પી શકાય એવું

હવામાંથી પાણી બને, એ પણ પી શકાય એવું
     
     ઉનાળાની ગરમીમાં વધારે પડતી તરસ લાગે અને ઠંડા પીણા અને પાણી આપણે સૌ પી એ નહીં પણ ઢીંચી લઈએ. પાણી માત્ર તરસને તૃપ્ત કરવાનું જ સાધન નથી. યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પાણી શરીરને મળે એ જરૂરી હોય છે. તમામ ડૉક્ટર્સ એવું કહે છે કે, પાણી વધારે પીવું જોઈએ પણ હદથી વધારે તો કેરીનો રસ પીવો તો પણ ઉપાધી થઈ જાય. પીવાનું શુદ્ધ જળ દરેકને મળી રહે એ માટે સરકારથી લઈને સંસ્થાઓ સુધી દરેક મોટાએકમ પ્રયાસો કરે છે. વાત પાણીની આવે ત્યારે ચર્ચા શુદ્ધતાની થયા વગર રહે નહીં. વરસાદી પાણીને સ્ટોર કરીને એકથી વધારે ઉપયોગમાં લઈ શકાય છે. આ કોન્સેપ્ટ આપણે સૌએ કેરળના ઘર-પરિવાર પાસેથી શીખવા જેવો છે. કેચ ધ રેઈનનું સરકારી સુત્ર સાર્થક થાય તો વરસાદી દરેક ટીપૂ બચી જાય. વાત સાચી પણ વરસાદી ટીપાની શુદ્ધતાની કોઈ ગેરેન્ટી વોરંટી લેતું નથી. આ પણ હકીકત છે. પાણીમાં ટીડીએસ કેટલો એ પણ જાણવું જરૂરી છે. એ પહેલા ટીડીએસ એટલે શું એ સમજીએ. ટીડીએસ એટલે ટોટલ ડીસોલ્વડ સોલિડ. પાણીમાં મેલ્ટ થયેલા કુલ પદાર્થ જેમ કે, ખનિજ, ધાતુ, ખારાશ જે પાણીની ગુણવત્તાનો સંકેત આપે છે. આ ટીડીએસ 0થી 50 હોય તો એ પાણી અતિશુદ્ધ ગણાય. જેમાં જરૂરી મિનરલ્સ ઓછા હોય છે. ટૂંકમાં આરોનું પાણી. 


      50થી 150 ટીડીએસ હોય એને સૌથી બેસ્ટ પાણી કહેવામાં આવે છે. પીવા માટેનું આ પાણી દરેકને મળવું જોઈએ. 150થી 300 ટીડીએસ હોય એ પાણી સારૂ ગણાય પણ પીવાલાયક ન ગણાય. 300થી 500નો ટીડીએસ હોય એ પાણી સારૂ હોય પણ સ્વાદ જીભને પોસાય એમ નથી. હવે 500થી ઉપર જાવ એટલે ગટરનું પાણી સમજી લો. હવે દરિયામાં પણ પાણી છે અને નદીમાં પણ પાણી છે. નદીનો એરિયા દરિયા કરતા નાનો છે. પણ દરિયાનું પાણી સીધું મોઢે મંડાતું નથી. શરીરમાં 60 ટકા પાણી હોય છે. પ્રકૃતિ પાસે પણ પાણી ખૂબ જ છે. ઘણાને કોનું અને ક્યાંનું પાણી હોય એ જ ખબર નથી પડતી જે સમયાંતરે ઊભરાતા હોય છે. પછી ખાખીધારીઓ એનું પાણી ઊતારી દે. ઘણા ક્ષમતા કરતા વધારે ફાંકા ફૌજદારી કરે ત્યારે એનું પાણી મપાઈ જાય. હવે પીવાના પાણીની માત્રા મર્યાદિત છે. પણ હવે કોઈ એવું કહે કે હવામાંથી પાણી બની શકે તો? હા, આ અશક્ય લાગતી વાત ચેન્નઈમાં શક્ય બની છે. આઈઆઈટી મદ્રાસની ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીમાંથી એક ટીમે હવામાંથી પાણી બને એવું મશીન તૈયાર કર્યું. જેમાંથી નીકળતું પાણી સીધુ જ પી શકાય છે.

    આ ટેકનોલોજીને કહેવાય છે એટમોસ્ફેરિક વોટર જનરેટર. જે રીતે વૃક્ષના પાન હવામાંથી ભેજ અને પાણી શોષે છે એ જ મેથળ પર મશીન તૈયાર કર્યું. એક સપાટી પર હવામાંથી ભેજ ભેગો કરી એક ટાંકીમાં ભેગો કરી એ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. પછી એમાં જરૂરી મિનરલ્સ યોગ્ય માત્રામાં ઉમેરીને આ પાણીને ગળે ઊતારવા લાગક બનાવવામાં આવે છે. આ મશીનથી દૈનિક ધોરણે 400 લિટર પાણી જનરેટ થાય છે. આ મશીન ચેન્નઈની કેટલીય જગ્યાઓ પર લગાવવામાં આવી છે. આપણે ત્યાં પાણીના પરબ બંધાય છે. પણ સાફ થાય છે એવો દાખલો જૂજ હોય છે એના બદલે આવી મશીન સેટ કરવામાં આવે તો ફાયદો થાય. હા. આ મશીનને પણ પાંજરે પેક કરીને રાખવી પડે. કારણ કે આપણે ત્યાં જાહેર પરબમાં લોકો ગ્લાસ પણ મૂકતા નથી. ચેન્નઈની ઘણી સ્કૂલમાં આ મશીન લાગેલી છે. આ હવાઈ પાણીનો ટેસ્ટ હવે ચેન્નઈ જાવ ત્યારે કરજો. મશીનની ખાસ વાત એ છે કે, મશીન એસીના આઉટડોર જેવું કામ કરે છે જેની પાઈપિંગ અંદર હોય છે. 

     30 લીટરનું મશીન એક પરિવારમાં જોઈએ. એટલે આ હિસાબથી ફરીથી આ મશીન તૈયાર કરવા માટે ટીમ લાગી ગઈ. આનાથી થયું એવું કે દરેક પરિવાર પાસે પીવાના પાણીનો પર્સનલ સોર્સ ઊભો થયો. એટલે ન કોર્પોરેશનના પાણીનો ઝંઝટ ન પાણીની બોટલનો ખર્ચો. ઘરે જ પાણીનું સર્જન અને પછી મોઢામાં વિસર્જન. 10 વર્ષ સુધી આ મશીન કામ કરે છે. એટલે વર્ષે સર્વિસ અને મેઈન્ટેનન્સનો માત્ર 3000 રૂપિયાનો ખર્ચો. હવે આ ટીમ દૈનિક ધોરણે 2000 લિટર પાણી આપે એવી મશીન તૈયાર કરી રહી છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ સમગ્ર મશીન સોલાર પેનલ પર ચાલે છે. એટલે કે, નો ઈલેક્ટ્રિસિટી. એક દિવસમાં 8000 ગ્લાસ પાણી તો ઓછામાં ઓછું મળે એ. હવે એ પણ જાણી લો કે પાણી ક્યારે પીવું જોઈએ. સવારે ઊઠીને (ગરમ પાણી પીવો તો સૌથી બેસ્ટ), જમવાના અડધો કલાક પહેલા, જમવાનું ચાલું હોય ત્યારે વચ્ચે પી શકો, જમ્યા પછીની 45 મિનિટ બાદ, કસરત કર્યાના 30 મિનિટ બાદ, રનિંગ કર્યાના 40 મિનિટ બાદ, સૂવા જાવ ત્યારે ઓછામાં ઓછા બે ગ્લાસ. હા, ગરમીની સીઝનમાં ગરમ પાણી ન પીવું જોઈએ. પણ ચીલ પાણી પણ ન પીવું જોઈએ. સૌથી બેસ્ટ માટલાનું પાણી. હા, મશીન તૈયાર કરનારી ટીમ પાછળ ટી પ્રદીપ, રમેશ સોની અને અંકિત નાગરનું ભેજું છે. વાહ મેરે દોસ્ત...ચલો હવે હું પણ પાણી પી લઉં.

Friday, April 11, 2025

બે ટંકનું જમવાનું અને એક ટાઈમ નાસ્તો મળશે ફ્રીમાં, બસ એક જ કામ કરવાનું છે.

   પૈસા મળે અને કાયદેસરના દાયરામાં આવતું હોય એવું વ્હાઈટ કોલર કામ કરવા દરેક વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે. કોર્પોરેટમાં હોય તો સતત પ્રમોશનના લક્ષ્યાંક સાથે અને વ્યાપારમાં હોય તો દમદાર નફો કમાવવા માટે, આ બે દોડ સિવાય વ્યક્તિ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની બાઉન્ડ્રીમાં અને પરિસ્થિતિમાં બંધાઈ જતા હોય છે. દરેક વ્યક્તિ ઑપ્શન બી વિશે વિચાર એમાંથી પણ રેવન્યૂ જનરેટ થવાનો મુદ્દો પહેલા ક્રમે હોય છે. તો કેટલાંક એવું પણ વિચારે કે, ડબલ પૈસા મળે તો કરવામાં ખોટું શું છે? પેટ માટે થતી પૈસાની રેસમાં જીવન જીવવાનું ભૂલી ગયા હોય એવા આપણી આસપાસ કરોડોની સંખ્યામાં લોકો છે. હવે કોઈ એવું કહે કે, બે ટંકનું જમવાનું અને એક સમયનો નાસ્તો, એસી ચેમ્બર, લેપટોપથી લઈને ઝેરોક્ષ મશીન સુધીની સુવિધા મળશે. આટલું વાંચ્યા પછી કામ કરવાનું વિચારો કે નહીં? ચલો સુવિધાને થોડી અપગ્રેડ કરીએ. સોફા પર બેસવાથી લઈને ટેબલ પર સૂવા સુધીની જગ્યા મળે તો?

લાયબ્રેરીની અંદરનો ફોટો 

   હવે સૂતા સૂતા પણ કામ કરવાના પૈસા મળે તો થોડું તો મન લલચાય. પુરૂષાર્થ કરવાથી પૈસો મળે પણ ડિજિટલ શ્રમથી ક્રિએટિવિટી અને આંખનો ખો થાય એવું અત્યારનું વિજ્ઞાન કહે છે. 47 ડિગ્રી તાપમાનમાં એસીવાળા માહોલમાં કામ પણ મળે અને પૈસા પણ તો કામ શું છે એના વિશે કોઈ એકવાર તો વિચારે. વાત છે રાજસ્થાનના એ છેવાડાના શહેરની જ્યાં શિયાળે જવાનું સૌને ગમે પણ ઉનાળે કોઈને ન ગમે. રાજસ્થાન રાજ્યનો છેવાડો એટલે ડેઝર્ટ. રણ અને ડેઝર્ટમાં થોડો ફેર છે. થારના રણમાં ભાદરિયા નામનું એક ગામ છે. જેસલમેરથી માત્ર એક કલાકના અંતરે આવેલા આ ગામમાં એક એવી લાયબ્રેરી છે જે જમીનની નીચે આવેલી છે. ખાસવાત એ છે કે, એ ભલે જમીનની નીચે રહી પણ ગરમી બિલકુલ લાગતી નથી. સેન્ટ્રલી એસી તો છે જ પણ શિયાળામાં ઠંડી પણ લાગતી નથી. એવી બેજોડ બાંધણી છે. એ પણ જમીનની નીચે. 

     જમીનથી 16 ફૂટ નીચે આ લાયબ્રેરી એશિયાની સૌથી મોટી અને અંડરગ્રાઉન્ડ લાયબ્રેરી છે. જે ખરેખરમાં તો એક રાજાએ પ્રજાને આપેલી ભેટ છે. આશરે 10 લાખથી વધારે પુસ્તકોનું ક્લેક્શન આ લાયબ્રેરીમાં છે. મૂળ પંજાબના રાજવી હરબંશસિંહ નિર્મલે આ લાયબ્રેરીનું નિર્માણ કરાવ્યું હતું. જેને ભદરિયા મહારાજ રાજવી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ, ખગોળ વિજ્ઞાન, વિજ્ઞાન, શબ્દકોષ, ઈતિહાસ અને રાજકારણ જેવા વિષયોના અઢળક પુસ્તકો છે. 562 રેકમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા પુસ્તકો ખરા અર્થમાં એક ખાણ છે. જ્ઞાનની ખાણ. જુદા જુદા પ્રાંતમાંથી પુસ્તકો એકઠા કરવામાં 22 વર્ષ વીત્યા છે. જગદંબા મંદિર સેવા ટ્રસ્ટ નામની સંસ્થા સમગ્ર લાયબ્રેરીનું મેનેજમેન્ટ સંભાળે છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર જમીનના માલિક ભદરિયા રાજા છે. પુસ્તક પ્રેમીઓ માટે આ લાયબ્રેરી વાંચનનું સ્વર્ગ છે. દેશ-વિદેશના ખૂણે ખૂણે પુસ્તકો લઈ અહીં મૂકવામાં આવ્યા છે. તો કેટલાંક પુસ્તકો ગિફ્ટમાં આવેલા છે. 

   ખરેખર તો વિષયલક્ષી રીસર્સ કરનારાઓ માટે આ ખજાનો છે. જેને ઉલેચવા માટે વ્યક્તિને સારી એવી સગવડ આપવામાં આવે છે. રાજા પોતે પણ વાંચનપ્રેમી હતા. તેમણે પોતાના માટે એક વાંચનકક્ષ બનાવ્યો હતો. જે હજું પણ અહીં એ જ સ્થિતિમાં વ્યવસ્થિ છે. આટલી ભવ્યતા જાણ્યા બાદ આંખે પાણી આવી જાય એવી હકીકત એ છે કે, અહીંયા કોઈ વાંચનારૂ નથી. આટલા પુસ્તકો તો ઠીક લાયબ્રેરી વાપરનાર વર્ગ પણ નથી. જેટલી શાંતિ રણમાં હોય છે એટલી જ શાંતિ આ લાયબ્રેરીમાં છે. જ્યાં પુસ્તકના પાના ફરવાનો પણ અવાજ નથી. ટીવીની શોધ થઈ ત્યારે વાંચન સામગ્રી સામે પ્રશ્નો ઊભા થયા હતા. ઓટીટી પ્લેટફોર્મ આવ્યું તો ટીવી સીરીયલ્સ સામે જોખમ ઊભું થયું. પણ ડિજિટલ ટેકનોલોજીનું સામ્રાજ્ય આવ્યા બાદ વાંચન ઘટ્યું એ વાત તો કડવા ઘૂંટડા સાથે સ્વીકારવી પડે. લાયબ્રેરી સુધી પહોંચવા માટે 32 પગથિયા માત્ર પ્રવાસીઓ ઊતરે છે. એ પણ એવા જેને આ લાયબ્રેરી અંગે ખબર છે. 

    2 લાખ પુસ્તકો તો 1 હજાર વર્ષ જૂના છે અને સારી રીતે સચવાયેલા છે. લાયબ્રેરી શરૂ કરવા પાછળનો રાજાનો હેતું આસપાસના ગ્રામ્યજનોમાં શિક્ષણ લાવવાનો હતો, શિક્ષણ તો આવ્યું પણ મોબાઈલથી અને ડિજિટલથી વાંચનનો વ્યાપ ડિજિટલ સ્ક્રિન વ્યૂઅર્સ સામે ટૂંકો થતો ગયો છે. રાજસ્થાનની મનુ સ્ક્રિપ્ટની ઓરજિનલ બુક અહીંયા પડી છે. પરમિશન સાથે જોવા મળશે. સ્થાનિક સુનિલ ચૌહાણ કહે છે કે, આ લાયબ્રેરી નહીં પુસ્તકોનું મ્યુઝિયમ છે. પોખરણ બ્લાસ્ટ થયો એ સમયે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. કલામ સાહેબ અહીં આવેલા. એની યાદી અહીં છે. તે પણ અહીં બુક વાંચી ચૂક્યા છે. એમના અક્ષરમાં લખાયેલી નોટ પણ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે, ત્રણ મહિનામાં ગણીને પાંચ વ્યક્તિ અહીં મુલાકાતે આવ્યા છે. રીસર્ચ કરનારા એકવાર અહીં મુલાકાત લે તો એમના વિષયને લગતું કંઈક તો એમને મળે એવી એક સ્થાનિક તરીકે મારી ગેરેન્ટી છે. ચાલો આટલું તો સૌએ વાંચ્યું. થેંક્યું.

Thursday, March 27, 2025

લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી

  લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી

  આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે હાથ મિલાવીને કર લો દુનિયા મુઠ્ઠી મેં સ્વપ્ન સાકાર કર્યું. એક સર્વે એવું કહે છે કે, આ મોબાઈલ નંબર ભાગ્યે જ કોઈને યાદ હોય છે. ચાર મોબાઈલ નંબરમાંથી બે માંડ યાદ હોય છે બાકીના નંબરમાં રીચાર્જ કે બિલ ભરવાની પ્રક્રિયા ઓટો પેઈડ મોડ પર હોય છે. સતત અને સખત વ્યસ્ત રહેતા લોકો એક મોબાઈલમાં બે નંબરથી પણ કંટાળી ગયા હોય ત્યાં બીજો વસાવવો આર્થિક રીતે પણ ભારી લાગે અને સ્ક્રિન ટાઈમિંગ પણ વધી જાય. મોબાઈલ સગવડ કરતા સમસ્યા વધારે બન્યો છે એવું ઘણા લોકો માને છે. એમાં પણ જ્યારથી રીલ્સ અને નાના વિડિયોનો જે રાફડો ફાટ્યો છે એમાં કોને શું બતાવવું છે અને શું જોવું છે એની કોઈને ખબર જ નથી પડતી. 

   બધાને ફેમસ થઈ જવું છે પણ હકીકત એ સ્વીકારવી પડે કે, ફોટો હોય કે દુનિયા ઈમેજ બનાવતા અને ક્રેડિટ મેળવતા ઘણીવાર લાગે છે. ખેર, મોબાઈલનો વિષય તો પીએચડી થાય એટલો વિશાળ છે. પણ મોબાઈલના જુદા જુદા મોડલ પાછળ ઊંડો અભ્યાસ અને શોખ ધરાવતો માણસ કેવો હોય ખ્યાલ છે? મહારાષ્ટ્ર રાજ્યના ઐતિહાસિક નગર થાણેમાં એક વ્યક્તિ છે જેની પાસે મોબાઈલનું જે મોડેલ માગો એ મળે. એ પણ ચાલું કંડિશનમાં. આ ભાઈના બેડરૂમનું કોઈ પણ ડ્રોઅર ખોલો એટલે મોબાઈલ સિવાય કંઈ ન જડે. છેલ્લા સાત વર્ષથી મોબાઈલ ફોનનું ક્લેક્શન કરવા માટે કમરતોડ પ્રયાસ કરતા આ વ્યક્તિ પાસે કોઈ કંપની એવી નહીં હોય જેનો ફોન માર્કેટમાં આવ્યો હોય અને એ મોડેલ આ વ્યક્તિ પાસે ન હોય. ખાસ અને મોટીવાત એ છે કે, માની લો કે નોકિયા કંપનીએ જુદા જુદા મોડેલ માર્કેટમાં મૂકેલા. આ વ્યક્તિ પાસે એ દરેક મોડેલનું સેમ્પલ નહીં ઓરિજિનલ ફોન મોડેલ છે. આખા દેશમાં ફરી ફરીને ક્લેક્શન ભેગું કર્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, ડબલ બેડના બેડ પર જો સેલફોન સેટ કરવામાં આવે તો પગ તો ઠીક હેથળી જેટલી જગ્યા પણ ન જોવા મળે એટલા ફોન છે. 

     ભારત જ નહીં, યુરોપ, યુકે, યુએસએ, દુબઈ, સ્વિત્ઝરલેન્ડ એવા અનેક દેશમાંથી મોબાઈલ પેઈડ ઓર્ડર કરીને મંગાવેલા છે. એવી ખબર પડે કે, શનિવારી-રવિવારી માર્કેટમાં જૂના ફોન વેચાવવા આવ્યા છે તો આ બંદો ત્યાં પણ ઉપડી જાય. વેપારીને મો માગ્યા પૈસા આપે અને ખરીદે પણ ખરા. બેડમાં રહેલા તમામ ડ્રોઅર, તિજોરી, કબાટ, બોક્સ અને ત્રિપાઈના ખાના સહિત હવે બઘુ જ ફોનથી ભરાઈ ગયું છે. જમાનો એવો છે કે, લોકો ફોનમાં ભરાઈ ગયા છે આ નરવીરે ઘર ફોનથી ભરી દીધું છે. હવે આવે છે એની કારનો વારો, ડેશબોર્ડ, ગિયર પાસેની જગ્યા, કારમાં ગ્લાસ સ્ટેન્ડ, વિન્ડોની નીચેની જગ્યા, ડેકી, હવે આવો એના રસોડામાં, થાળી-વાસણ રાખવાનો ઘોડો, કિચન ડ્રોઅર, અભેરાઈ આ તમામ જગ્યાઓ પર જોવા મળશે મોબાઈલ ફોન. હજું તો શરૂઆત છે. આવો બ્રશ કરવાના વોશબેસિન ઉપરના ખાનામાં, ટોયલેટના ઉપરના બોક્સમાં જ્યાં ટોયલેટ ક્લિનર રાખવામાં આવે છે. આ બધી જ જગ્યા પર ફોન જોવા મળશે.વસ્તુ એવી છે કે, એની પાસે નંબર માત્ર એક જ છે. જે મોબાઈલ ફોનથી કંટાળો આવે એ મૂકી દેવાનો અને બીજો મોબાઈલ ચાલું કરી દેવાનો.

    પછી કોન્ટેક્ટ અને બીજો ડેટા? ગજબનો મોબાઈલ લવર કહે છે કે, મારો તમામ ડેટા એકથી ત્રણથી ચાર મેઈલ આઈડી પર સ્ટોર છે. એટલે જે મોબાઈલ બદલે એમાં એ આઈડી લોગઈન કરીને વાપરૂ છું. એટલે ડેટાનો કોઈ ઈસ્યુ નહીં થયો. બાકી મલ્ટિમીડિયા ગૂગલમાં સ્ટોર છે. મારો પહેલો ફોન નોકિયા 3310 હતો. હું કૉલેજમાં હતો એ સમયે બીજા ફ્લોર પરથી મારો ફોન પડ્યો, હું ટેનશનમાં કે ફોન ચાલું હશે કે નહીં, મેં નવી બેટરી નાંખીને જોયું તો આશ્ચર્ય થયું કે, મોબાઈલ ચાલું હતો. અહીંથી શરૂ થયો મોબાઈલ ડિવાઈસ પ્રત્યેનો અનોખો પ્રેમ. હું ક્લેક્શન કરતા શીખ્યો ત્યારથીએ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે, મોબાઈલની કંડિશન સારી હોય અને મોબાઈલ ચાલું સ્થિતિમાં હોવો જોઈએ. અર્થાત હું સિમકાર્ડ નાખું અને ફોન થવો જોઈએ. ગેમ પણ રમી શકું એવું હોવું જોઈએ. મારી પાસે આજે 3500 થી વધુ ફોન છે. જે માટે અત્યાર સુધીમાં આશરે 20 લાખ જેટલા રૂપિયા ખર્ચી નાંખ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તમામ ફોનના કેમેરાથી લઈને ગેમ સુધી બધુ જ ચાલું હાલતમાં છે. આ છે મારી મોબાઈલની દુનિયા, લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મે એને જ મારી દુનિયા બનાવી.આ ભાઈનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં છે. સેલફોન મેન ઓફ ઈન્ડિયા મિસ્ટર જયેશ કાલે.

Friday, January 10, 2025

બાર આનાના છોલે ભટુરેઃ બ્રેકફાસ્ટનું અવુનવું

 બાર આનાના છોલે ભટુરેઃ બ્રેકફાસ્ટનું અવુનવું

    ડિસેમ્બરથી ફેબ્રુઆરીની સીઝન દેશભરમાં હરવા-ફરવા માટેની બેસ્ટ સીઝન માનવામાં આવે છે. સામાન્ય રીતે તો ઓક્ટોબરથી ટ્રાવેલ સીઝન શરૂ થાય છે જે ફેબ્રુઆરી સુધી ચાલે છે. એ પછી એપ્રિલના વેકેશનમાં પ્રવાસની મૌસમ ખીલે છે. વાત જ્યારે હરવા-ફરવાની હોય ત્યારે પેટની ચિંતા કર્યા વગર પેન્ટના કે મોબાઈલના ખિસ્સામાં રહીને (બજેટને ધ્યાને રાખી) મોજ કરવાનું આયોજન થતું હોય છે. દરેક શહેરની એક તાસીર હોય છે. દરેક વ્યક્તિની શરૂઆત સવારથી થાય છે એમાં પણ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં મુંબઈથી લઈને મોહાલી સુધીના તમામ નાના-મોટા એરિયામાં ચા સામાન્ય છે. ચા સાથે આવતી દરેક વસ્તુ બદલાયા કરે પણ ચા ફિક્સ. અમુક લોકો નથી પીતા એ અલગ છે.

      ચા ના નામથી કાર્યક્રમો ગોઠવાય, ચર્ચા થાય અને ચૂંટણીમાં જીતી પણ શકાય. એક ચા થી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ જેવી મોટી રાજકીય પાર્ટીઓએ સત્તાસ્થાન માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આમ આદમી પાર્ટી સુપ્રીમો અને વિવાદીત અરવિંદ કેજરીવાલ એ વાતનો ફાયદો ઊઠાવે છે કે, કોંગ્રેસ પાસે ચહેરો નથી અને ભાજપ પાસે દિલ્હીવાસીઓને જોડે એવી બેજોડ પોલીસી નથી. જોકે, લીકરકાંડ અને શિક્ષણમાં ભ્રષ્ટાચારથી ગંદી રીતે મેલી થયેલી આમ આદમી પાર્ટીની છબી પર લોભામણી સ્કિમ કેવી અને કેટલી કામ કરશે એ પરિણામના દિવસે ખ્યાલ આવશે. આ વખતે દિલ્હીવાસીઓ ક્યા નેતા પર વેલેન્ટાઈનનું વ્હાલ કરશે એ સ્પષ્ટ થશે. 

   આ વિધાનસભા ચૂંટણીની પ્રચાર યાત્રામાં જે જોવા મળ્યું એ હતા છોલે ભટુરે. મોટા કહેવાતા નેતાઓ પણ દાંત મારી મારીને ખાતા હતા અને કવરેજ માટે પહોંચેલા પત્રકારો પણ છોલેનો ટેસડો કરતા હતા. આમ તો નેતાઓ ખાતા જ હોય છે એ કંઈ સ્પષ્ટ કરવાની જરૂર નથી. શું ખાય છે એ પણ કહેવાની જરૂર નથી. પણ પ્રચારયાત્રામાં છોલે ભટુરે પણ પિન ચોંટી ગઈ. જેટલું વૈવિધ્ય દેશની સંસ્કૃતિમાં છે એનાથી ક્યાંક વધારે દેશના દરેક શહેરની થાળી-સ્ટ્રીટ ફૂડ અને બ્રેકફાસ્ટમાં છે. દિલ્હી માત્ર દેશની નહીં પણ બ્રેકફાસ્ટનું પણ કેપિટલ સિટી છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. દિલ્હીના નાસ્તામાં સવારે છોલે ભટુરે મળે છે. આપણા ગુજરાતીઓ દિલ્હી ફરે ત્યારે છોલે મંગાવે એની પહેલા ચા-પૂરીનો મેળ કરી છે.

   છોલે ભટુરેમાં પૂરી આવે અને ચાનો મેળ થઈ જાય એટલે મોજ આવી જાય. વાત જાણીને નવાઈ લાગશે કે, સવારે 7 વાગ્યે ગરમા-ગરમ નાસ્તો મળી રહે એ માટે ચાંદનીચૌકની દુકાન સવારે 3.30 વાગ્યે ખુલી જાય છે. છોલે ભટુરે ઓરિજિની ક્યા શહેરની ડીશ છે એ અંગે જુદા જુદા મત છે. પાકિસ્તાનના લાહોર સિટીવાળા કહે છે છોલે ભટુરે અમારી ઉપજ છે. હરિયાણાવાસીઓ કહે છે સૌથી પહેલા પૂરી સાથે છોલેચણા અમે શરૂ કર્યા. યુપીના લખનૌ અને સીતાપુરના ફૂડ સ્ટાર્ટઅપ વાળા કહે છે છોલે પૂરી અમારી ડીશ છે. પણ દિલ્હીમાં છોલે ભટુરેના મૂળીયા ઊંડા છે.

    દિલ્હીમાં સ્વાદિષ્ટ આ વ્યજંન બનાવવાનો શ્રેય સીતારામ દિવાનચંદ નામના વ્યક્તિને જાય છે. સીતારામજી પોતાના પુત્ર દિવાન સાથે દિલ્હી આવ્યા હતા. આ બન્ને પિતા-પુત્રએ બનાવેલી પહેલી છોલે ભટુરેની ડીશનો ભાવ હતો માત્ર બાર આના. એટલે કે માત્ર 75 પૈસા. સમય વીતતો ગયો અને દિલ્હીના મોર્નિંગ બ્રેકફાસ્ટમાં છોલે ભટુરેએ સ્થાન અચલ કર્યું. લોકોના દાઢે વળગી આ થાળી. હવે બ્રેકફાસ્ટ કલ્ચર દરેક જગ્યાએ અલગ અલગ છે. પણ અમદાવાદમાં ખાસ કોઈ બ્રેકફાસ્ટ નહી સ્નેક અને ફાસ્ટફૂડ કલ્ચર છે. સૌરાષ્ટ્રના કોઈ પણ ગામે કડક મીઠડી ચાનો સબડકો મારો એટલે ઊંઘ ઊડી જાય. કાઠિયાવાડીમાં કહું તો નીંદર ભાગી જાય. સુરેન્દ્રનગરની હદમાં પ્રવેશો એટલે સવારના 6 વાગ્યામાં ગરમાગરમા ગાંઠિયાની સુગંધ નાકને કાપાલભારતી પ્રાણાયમ કરાવે. જે જીભ સુધી વિસ્તરે.

     ભાવનગર તો ગાંઠિયાનું કેન્દ્ર. આ એકમાત્ર શહેર છે જેના નામ પરથી ગાઠિયા વેચાય છે. યસ ભાવનગરી ગાઠિયા. બાર ગામે બોલી બદલાય પણ અહીંયા તો આખેઆખી થાળી અને રેસિપી બદલાય. સુરેન્દ્રનગર વટો (આગળ જાવ) એટલે ગાંઠિયાનું સ્વરૂપ ફરી જાય. એનો નવો અવતાર ફાફડા અવતરે. જે હોય રેલગાડીના પાટા જેવા જાડા અને એની સાથે સાંજે પીવાતી કઢી સવારના પહોરમાં પીરસાય. ચોંકી ન જતા પપૈયાનું મીઠું ખમણ (જે રીતે બટાટાની ફ્રેન્ચફ્રાઈ હોય એવું) એકમાત્ર જામનગરમાં જ મળે છે. એમ તો સુરત અને અમદાવાદમાં જામનગરના ઘુઘરા મળે છે પણ એમાં પણ કસ્ટમાઈઝડ. ઓરિજિનલની વાત આખી અગલ છે. અમદાવાદનું મસ્કાબન કલ્ચર છેક દાહોદ અને ઈન્દૌર સુધી ફેલાયું છે. જ્યારે રાજકોટમાં ભાખરી-પરાઠામાં અન્નકુટ જેવી વેરાઈટી મળે છે. જ્યારે સુરતમાં ખમણ, ઢોકળા અને લોચો દિવસની શરૂઆત કરાવે છે. ખેર, જીવનના દરેક ક્ષણે ટેસ્ટ માણી લેવો. કારણ કે, પેટ પાપી નથી હોતું વિચાર પાપી હોય છે. હવે પૌઆ, ઈડલી, ઢોસા સ્થાન લઈ રહ્યા છે. થેપલા માત્ર ટ્રાવેલિંગ ફૂડ તરીકે મર્યાદિત થયું છે. હા, રાજસ્થાનના કોઈ પણ સિટીમાં જાવ તો બડી કચૌરી ટ્રાય કરવા જેવી છે.

Tuesday, December 31, 2024

2024 ગુડબાય....વેલકમ.....2025

 2024 ગુડબાય....વેલકમ.....2025 

     તારીખ દરરોજ બદલાય છે પણ એક દિવસ એવો આવે છે કે, તારીખ આખું વરસ બદલી નાંખે છે. આ દિવસ અને તારીખ એટલે 31મી ડિસેમ્બર. વર્ષની ગણતરીમાં ઊંડા ન ઊતરતા કે ફ્લેશબેકના રીવ્યૂમાં પડ્યા વગર વાત એ કરીએ કે, જે ગયું એ મેમરીઝ રહી જે આવશે એ મેકિંગ રહેશે. જેમાં મેમરીઝ કેવી અને કેવડી બનાવવી એ આપણા સૌના હાથમાં છે. શેરમાર્કેટથી લઈને સિનેમા સુધીના ક્ષેત્રમાં આપણી દિવાળી વખતે ભવિષ્યની નજીક રહેતી આખી ટાઈમલાઈન પ્રસારિત-પ્રકાશિત કરવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર જ્યારે સમય બદલે છે ત્યારે એ બી પ્રેક્ટિલ એવું શીખવાડી જાય છે. આપણા દેશમાં સામાન્ય ચૂંટણી રહી, જે ખરેખર તો કોઈ દિવસ સામાન્ય રહી નથી અને અમેરિકામાં પ્રેસિડન્ટ ઈલેક્શન રહ્યું. જેમાં વિવાદોના પંપને લાત મારીને ટ્રમ્પ મેજિકલ સાંતા ક્લોઝ તરીકે હાજર થાય એમ રાજકીય મેદાનમાં પ્રગટ થયા. 

       ઈઝરાયેલ, ઈરાન, રશિયા અને યુક્રેન આ તમામ યુદ્ધભૂમિમાં રહ્યા અને દુનિયા આખીને ભયભીત કરી દીધી. સતત મોતના ઓઠા હેઠળ જીવતા લોકોની આશા હવે એ હશે જ કે, ક્યાંયથી કોઈ બોંબ ન ફૂટે અને નવા વર્ષે કોઈ યુદ્ધ ન થાય. કારણ કે યુદ્ધ દુનિયાના બાકી દેશ કરે છે અને મોંઘવારીનો અજગર અમારા દેશવાસીઓને કરડી નહીં આખેઆખો પચાવી જાય છે. જેમાં સૌથી વધારે ક્રશ થાય છે મધ્યમવર્ગ. નોકરિયાત ક્લાસ. જેને કોઈ ફર્સ્ટક્લાસ ગણતું નથી. રાજનેતાઓ સિવાય. (ચૂંટણી વખતે જ હો). શેરમાર્કેટમાં રોકાણ કરતા લોકોને પૂછો તો કહે બે જ ઋતુ છે તેજી અને મંદી, શિક્ષકને પૂછો તો કહે રાબેતામુજબ શૈક્ષણિકાર્ય અને વેકેશન. પણ આ વખતે શિયાળાએ અહેસાસ કરાવ્યો કે, ઋતુની વાત આવે ત્યારે હું પહેલા છું અને સલમાન ખાનની જેમ ફરતા લોકો માટે અઘરો છું. આ વખતે તો સારા સારા પ્રદેશના પાણી શિયાળાએ થીજવ્યા. વાહ...ક્યા મૌસમ હૈ....

     સિનેમા ક્ષેત્રે સિંઘમ અગેઈન પર રામકૃપા થઈ ગઈ. ફિલ્મમાં ભલે કોઈ દમ ન હતો પણ રામાયણ પર રીસર્ચને કારણે ફિલ્મ બોક્સઓફિસના દરિયામાં તરી ગઈ. લોકોને ગમી ગઈ અને કરોડો કમાઈ ગઈ. એ પછી ભૂલભૂલૈયા પણ ઠીકઠાક ચાલી. આ બધા વચ્ચે ડંકો તો મહિલાઓનો વાગે હો...બોલે તો સ્ત્રી-2. પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને સુરક્ષા ક્ષેત્રથી લઈને સિનેસૃષ્ટિ સુધી. સેલ્યુટ ટુ લેડીઝ વિંગ. ડિફેન્સક્ષેત્રે 2024માં નોંધપાત્ર મહિલાઓની સંખ્યા જાણવા મળી. બાકી સ્ત્રી-2એ તો કમાણીના મામલે બાહુબલીને પણ પછાડ્યો. વાહ...શેરની વાહ....વિદાય લઈ રહેલા વર્ષની વાત છે ત્યાં સુધી આ વર્ષના અંતિમ તબક્કામાં ત્રિશોક અનુભવાયો. શ્યામ બેનેગલ, પુરૂષોત્તમ ઉપાધ્યાય અને ઝાકિર હુસૈન. એવું લાગે છે કે, સ્વર્ગમાં રતન ટાટા કોન્સર્ટ યોજશે. જેમાં સુગમ સંગીતના સમ્રાટ પુરૂષોત્તમ ઉપાધ્યાય સ્વર આપશે જ્યારે તબલા પર સાથ આપશે ઝાકીર હુસૈન. વાહ...શું એ સીન હશે! સ્વર્ગના સ્ટેજનો જ્યાં આપણી મર્યાદિત દ્રષ્ટિ પહોંચશે પણ નહીં અને દિલ એને માણશે પણ નહી. હા, આ ગીતમાં શબ્દો હશે સ્વ. મુનવ્વર રાણાના. પુરૂષોત્તમભાઈ સ્ટેજ પર પછી સરપ્રાઈઝ આપીને ચિઠ્ઠી આઈ હૈ ફેઈમ પંકજ ઉઘાસને રજૂ કરે તો તો જલસો.

      આવડી મોટી ઈવેન્ટ કંઈ પૈસા વગર થોડી થાય? નો ડાઉટ દેશ જ્યારે આર્થિક રીતે ખખડી રહ્યો હતો એ સમયે કોઈ જ દેવું વધાર્યા વગર જેણે પોલીસી મેકિંગથી નેશનને સ્ટ્રોંગ મોટિવેશન આપ્યું છતાં મૌન રહ્યા એવા સ્વ.ડૉ.મનમોહનસિંહ. પિતાની ઈચ્છા આ વ્યક્તિને ખરા અર્થમાં તબીબ બનાવવાની હતી. પણ આખરે અર્થશાસ્ત્ર પસંદ કરીને બીમાર અર્થતંત્રની સારવાર કરી. તબીબ તો ન બન્યા પણ પદવી લઈને ડૉક્ટર તો સો ટકા બન્યા. સ્વર્ગમાં યોજાનારા આ કાર્યક્રમનું સરનામું રામોજી ફિલ્મસિટી અવશ્ય રહેવાનું. ચલો જો ચલા ગયા વો વાપસ ન આયેગા. તું કિસ્મત લેકે આયા હૈ કરમ લેકે જાયેગા. ખોટ અને ખામીને બાજુએ મૂકીને મુવ-ઓન થઈએ. લેટ્સ વેલકમ ટુ 2025. જેમાં પ્રેક્ટિકલ બનીએ. ઈમોજીથી વ્યક્ત થવા કરતા ઈમોશનથી વ્યક્ત થઈએ. સ્ક્રિન ટચ કરતા ગમતી વ્યક્તિને સ્કિનટચ કરીએ (સામેવાળીની પરમિશન સાથે હો.) વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી નોલેજનો નીચોડ કાઢીએ અફવાઓને ઊલટી લાત મારીને એકચ્યુઅલમાં જીવીએ. 

       ડીયર 2025. ડીજેના તાલે તને આવકારતું યુવાધન અચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરમ ન ભૂલે એવી પ્રભુપ્રાર્થના. થનગનાટ વખતે દિલ માગે મોર અને પછી જાહેરમાં સુરક્ષાકર્મી કોઈના મોર ન બોલાવે તો સારૂ. શક્તિ વંદનાની વાતો વચ્ચે કોઈ દીકરી અને કોઈ જ વર્ગની દીકરી શરીરના ભૂખ્યા રાક્ષસોથી પીંખાઈ નહીં એવી પીળાપિતાંબરધારીને અરજી. મધુસુદનજીને પ્રિય એવું માખણ દૈનિક ધોરણે પોસાય એમ નથી. પણ કોઈ ભૂખ્યું ન સુવે મોંઘવારીનો એનાકોન્ડાના કાબુમાં કરવા કોઈ જગમોહન પધારે તો વગર પંડિતે મધ્યમવર્ગ એને પોંખે. ચૂંટણીમાં ઊતરે તો આને વગર પ્રચારે કેન ભરાઈને મત મળે. આમ તો મારો દેશ દરેક ક્ષેત્રમાં દુનિયાના દેશને હંફાવી રહ્યો છે. પણ ભાગ્યના ઈશ્વર, આ ધર્મના ફાકા મારનારા અને એની ફૌજ ઊભી કરનારાનું ફોતરૂં પણ ન અસર કરે એવા ભારતની અમે કલ્પના કરીએ છીએ. અને અંતે 2025માં આપણું ભારત નંદનવન બને અને આપણે સૌ એમાં મસ્ત રીતે નિયમપાલન સાથે રહીએ. હેપ્પી ન્યૂ યર





Friday, December 13, 2024

શતરંજ કા સ્ટેટઃ ચાલ સે લે કે ચેમ્પિયન તક

શતરંજ કા સ્ટેટઃ ચાલ સે લે કે ચેમ્પિયન તક 

    ડિસેમ્બર મહિનો વર્ષનો સૌથી છેલ્લે મહિનો ગણાય. આખા વર્ષમાં શું થયું એનું સંક્ષિપ્ત આ મહિનાના છેલ્લા ચાર-પાંચ દિવસોમાં આપણી સામે આવે. દિવાળી પછી આવતા ન્યૂયર પર રીઝોલ્યુશન સેટ ન કર્યું હોય હવે તેને સેટ કરવા માટેનો મહિનો. જેના છેલ્લા દિવસમાં એક આખું વર્ષ બદલી જાય. આમ તો દૈનિક ધોરણ પર તારીખ બદલે પણ વર્ષના અંતિમ દિવસે એક આખું વર્ષ બદલે. આવા બદલાવ વચ્ચે પણ સ્પોર્ટ્સ જગતમાં એક એવો ઈતિહાસ લખાયો જેની નોંધ રમતગમત જગતના દરેક ખેલાડીએ લીધી. મૂંછનો દોરો ફૂટ્યો ન હતો એવી ઉંમરમાં દેશના નામનો ડંકો સાત સમંદર પાર વગાડવાની લોખંડી ઈચ્છાશક્તિ ધરાવનાર વ્યક્તિએ ડિસેમ્બર 2024 બદલી નાંખ્યું. દક્ષિણ ભારતને એક અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આ પ્રાંતમાંથી સમયાંતરે એવા વિવાદ સામે આવે કે, અહીંયાના કેટલાક ગોબરગંદાઓ અલગ પ્રાંતની માંગ કરે છે. એની વિચારધારા સામે એમના જ ઝોનમાંથી આવતા વ્યક્તિએ પોતાની સિદ્ધિથી તમાંચો મારીને બોલતી બંધ કરી દીધી. હવે એ જ લોકો વી આર ઈન્ડિયનના પીપૂડી વગાડતા થઈ ગયા. ધેટ્સ એ સક્સેસ. આ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ એટલે રગરગમાં જોશ ધરાવતો તરવરિયો યુવાન એટલે ગુકેશ ડોમ્મારાજુ. (ડી.ગુકેશ)

    આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ એના જીવનના ફ્લેશબેકમાં ડોકિંયુ કરવામાં આવે તો પહેલીવાત એ શીખવા મળે છે કે, હારને પચાવતા શીખવી પડે. વિષય રમતનો છે એની સાથે સૌથી વધુ  જેની ચર્ચા સદાય થતી રહે છે એવા ક્રિકેટની પણ વાત કરીએ તો વિરાટનું કંગાળ પ્રદર્શન કેવું હતું એના દરેક ક્રિકેટપ્રેમી સાક્ષી રહ્યા છે. પત્તાપ્રેમીઓએ તો એના પર નંબર લગાવવાના બંધ કરી દીધા હતા. આ ભાઈનું બેટ ઉપડ્યું છેલ્લા ટી20 વિશ્વકપમાં. હાફસેન્ચુરી પૂરી કરીને ભાઈ ફોર્મમાં આવ્યો. એવી જ રીતે ગુકેશે પણ અંતિમ તબક્કામાં હરિફને પરસેવો લેવડાવી દીધો. ચીનના ખેલાડી ડિંન લિરેનને માત આપી દીધી. ચેસ ચેમ્પિયન ગુકેશ ચેન્નઈથી આવે છે. દક્ષિણ ભારતનું મહાનગર તમિલનાડું રાજ્યનું એપી સેન્ટર ગણાય છે. આ રાજ્યને ચેસનું કેન્દ્ર જ નહીં ગઢ કહેવામાં આવે છે. દેશના કુલ 85 ગ્રાન્ડ માસ્ટર્સમાંથી 31 તમિલનાડુંના છે. હવે તો માનવું પડે કે, બુદ્ધિ તો બાકી સાઉથમાં છે.

     આટલું વાંચ્યા બાદ સવાલ એ થાય કે, આમાં નવું શું છે. લો હવે જે છે એ નવું છે. સમ્રગ દેશના તમામ રાજ્ય કરતા સૌથી વધારે ચેસ મેન્ટર્સ તમિલનાડુંમાંથી છે. શતરંજને તમિલ ભાષામાં સથુરંગમ નામથી ઓળખાય છે. જેની ઉત્પત્તિ તમિલ ભૂમીમાંથી થઈ છે. એવું તમિલનાડુંના દરેક લોકોનું માનવું છે. તિરૂવરૂર નામનું એક સરસ સિટી છે. તમિલનાડુંના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલીને પણ અહીંયાથી રાજકીય સફર શરૂ કરી છે. જ્યાં સથરંગ વલ્લભનાથન મંદિર છે. જેની કલાકૃતિ મનમોહક છે. આ મંદિરનમાં જે પ્રભુ બિરાજમાન છે એને શતરંજના દેવતા મનાય છે. કહાની યહાં સે શુરૂ હોતી હૈ.  દંતકથા અનુસાર પ્રભુ શિવે એક ભક્તને રાજાની દીકરી સામે શતરંજમાં જીતી બતાવવાનું કહ્યું. આ ભક્ત જીતી જતા નામ અપાયું સથરંગ વલ્લભનાથન. હવે રાજરાજેશ્વરી તરીકે રહેલી સુંદરીને પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. આ રાજકુમારી પણ એક શતરંગની અનુભવી ખેલાડી રહી ચૂકી હતી.  

     સુંદરીના પિતા રાજા વસુસેને એ પણ એવું એલાન કરેલું હતું કે, જે સુંદરીને શતરંજમાં હરાવશે એના લગ્ન સુંદરી સાથે થશે. પિતા (રાજા)એ જ ચિંતા વ્યક્ત કરી કે, આને કોઈ પરાજીત કરી શકતું ન હતું. શિવકૃપાથી એક ભક્તે આ કરી બતાવ્યું. એવું પણ કહેવાય છે કે, આ કોઈ ભક્ત નહીં પણ સ્વયં પ્રભુ શિવ જ હતા. આ મંદિરના ડૉક્યુમેન્ટેશનમાં ચેસનો ઉલ્લેખ છે. વિશ્વનાથ આનંદથી લઈને માસ્ટર મૈનુઅલ આરોન સુધી દરેક માસ્ટરે પોતાના શિષ્યોને તૈયાર કર્યા. આ રીતે તૈયાર થઈ ટીમ ચેસ. જેને દુનિયાભારના ચેસના ખેલાડીને લલકારી ચેઝ કર્યા. તમિલનાડુંમાં બાળક જ્યારે સ્કૂલમાં હોય એ સમયથી એમને ચેસની ચાલનું પ્રાથમિક પ્રકરણ શિખવાડમાં આવે છે. દેશની પ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર સુબ્બારામન વિજયલક્ષ્મી પણ તમિલનાડુંથી હતા. ગ્રાન્ડમાસ્ટર્સની યાદીમાં કુલ 18 જેટલી તો મહિલાઓ છે. હવે કહેતા નહીં કે, છોકરીઓની બુદ્ધિ પગની પાનીએ હોય કારણ કે, ચેસ દિમાગથી રમાતી ગેમ છે. 

   જે રીતે આપણે ત્યાં શેરીએ શેરીએ સ્ટાર્ટઅપ (વેપાર, બિઝનેસ) ઊભું કરવા માટેના ભેજાબાજ છે એમ તમિલનાડુંના દરેક જિલ્લામાં શતરંજના પાવરફૂલ અને ઓરિજિનલ ખેલાડી છે. તમિલનાડું રાજ્યમાં એક પ્રોગ્રામ ચાલે છે. જેનું નામ છે સેવન ટું સેવનટીન. જે અંતર્ગત સાત વર્ષનું બાળક થાય એટલે એને ચેસની તાલીમ આપવામાં આપવામાં આવે છે. વેલામ્મલ વિદ્યાલય. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી એક એવી સરકારી પ્રાથમિક શાળા, જ્યાં 10000થી વધારે વિદ્યાર્થીઓને ચેસની ટ્રેનિંગ આપવામાં આવે છે. જે ચેસ રમવામાં હોશિયાર હોય એને પછી ભણવાનું ભારણ દેવાતું નથી. ચેસમાં જ એનો ગ્રોથ અને ગોલ ફિક્સ કરી દેવાય છે. આને કહેવાય સ્પોર્ટ્સના બીજ શિશુવયમાંથી. આપણા ગુકેશભાઈ પણ આ જ સ્કૂલના વિદ્યાર્થી છે. 

   તમિલનાડુંમાં શતરંજ એ કોઈ ગેમ નહીં પણ સંસ્કૃતિ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. તમિલનાડું સરકાર અને વેલમ્મલ જેવી સંસ્થાના પ્રયાસથી આ રાજ્ય ચેસનું પેરેડાઈઝ છે. એક સ્પોર્ટ્સ કલ્ચર કેવી રીતે બને એ તમિલનાડું પાસેથી શીખવું પડે. ગૂગલસર્ચ કરજો નેપિયર બ્રિજ. ચેસની દુનિયામાં પગલાં પાડ્યા હોય એવું લાગશે. માત્ર વાતો કરવાની જ વાત નથી. સમયાંતરે જે ટુર્નામેન્ટ થાય છે એમાં લાખો રૂપિાયના ઈનામ પણ વિજેતાને અપાય છે. ભાગ લેનારને પ્રમાણપત્ર અપાય છે. હવે તમે કહેશો કે એમ તો આપણે અહીંયા ખેલ મહાકુંભ પણ થાય છે. કડવું સત્ય સ્વીકારવું પડે કે, ગુજરાતમાંથી કોઈ જ ગ્રાન્ડમાસ્ટર્સ નથી. ચેસ ચેમ્પિયન નથી. પીટીની ચોપડીમાં ચેસનો પાઠ નથી. હશે તો પણ તજજ્ઞ નથી. 

Wednesday, November 13, 2024

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

 ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

      9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્યવસાયમાં કામ કરતી યુવતી અકાળે મોતને ભેટી. આઘાતનો સ્ટ્રોક ખાઈને ખમી ગયેલા એના માતા-પિતાએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે, ડ્યૂટી પૂરીને દીકરી ક્યારેય પાછી ઘરે આવશે જ નહીં. હિંસા અને હોબાળાથી ભરપૂર આ મહાનગરની ઘટનાએ દેશ-દુનિયામાં ફરી આપણી નારી સુરક્ષાના મુદ્દા સામે ડાચું બગાડ્યું. દૂધના ઊભરા જેવા સોશિયલ મીડિયામાં સમગ્ર પુરૂષજાત સામે વિરોધનો દાવાનળ એવો ફૂટ્યો કે, 48 કલાક સુધી ટ્રેન્ડ રહ્યો. દીકરીના ફોટા પરથી ઓળખ જાહેર થઈ ગઈ. શરીર ભૂખ્યા ઝોંબીને પણ પકડી લેવામાં આવ્યો. એ આખી ટોળખી તપાસના દાયરાામાં લોક થઈ ગઈ. દીકરીના વ્યવસાયને એના જ વ્યવસાય મંડળે એવો ટેકો આપ્યો કે, ગામેગામ-મહાનગરમાં એના ડંકા વાગ્યા. એક દિવસ કામથી દૂર રહીને વિરોધ નોંધવામાં આવ્યો. આટલું વાંચ્યા બાદ કોઈ વિચાર આવતો હોય તો એ આપની કલ્પનાનો ટ્રેક સત્યના પંથે છે. યસ, આર.જી.કર હોસ્પિટલ, કૉલકાતા. દુષ્કર્મ કાંડ. પાક્કા ત્રણ મહિના બાદ એ જ વ્યવસાયના કેટલાક હરામખાયા ધનપ્યાસી તબીબોએ ગુજરાતમાં કોઈના પેટની તો કોઈના હૈયાની પથારી ફેરવી. નામ ખ્યાતિ હોસ્પિટલ અને કામ સરકારી યોજનાના માધ્યમથી પૈસા ખંખેરવાનું. 

     આખો ઘટના ક્રમ શું હતો એ તો સૌ જાણે છે. ગુજરાત રાજ્યને વિકાસનું ઉદાહરણ કેવું હોય એ આઈકોન તરીકે ઉપસાવવામાં આવે છે. સારી વાત છે ઈન્ફ્રાં.થી એજ્યુકેશન સુધી બધું જ સલામત છે. શ્રેષ્ઠ છે. બસ ખિસ્સું પાવરફૂલ હોવું જોઈએ. એમાં લક્ષ્મીકૃપા કાયમી હોય તો શક્તિકૃપાથી કોઈ પણ શરણે થઈ જાય. જ્યારે કોલકાતામાં ન બનવી જોઈએ એવી ઘટના બની એ સમયે આખા દેશમાંથી ડૉક્ટરો એકમત થઈ ગયા હતા. વાહ... સલામ છે આ વ્યવસાયના લોકોની એકતાને..પણ જ્યારે એમના જ વ્યવસાયના કેટલાક અપવાદના અજગરો આવા કાંડ કરે ત્યારે એમની સામે કોઈ જ રેલી નથી નીકળતી. એમના ઘરની નેમપ્લેટ પર કોઈ કાળી પટ્ટી પર મારવા નથી જતું. માત્ર એક નાનકડી નોટિસ અને સસ્પેન્ડ. સસ્પેન્ડ એટલે અડધો પગાર ઘરે બેસીને ખાવાનો અને અડધા પડખે સુવાનું. આ એ જ માઈલા ડૉક્ટરે છે જે સિસ્ટમ સામે પોતાની માંગ સામે લડી લેવાના મૂડમાં હોય છે અને ગર્ભપરિક્ષણ છુપી રીતે તો કરતા જ હોય છે. જાહેરમાં વાત યોગ, ફિટનેસ અને ફ્રેશફ્રુટ ખાવાની કરતા હોય અને પ્રિસ્ક્રિપશનમાં એક પણ જીનેરિક દવા ન લખતા હોય. આવું તો દૈનિક ધોરણે થતું જ હશે. પણ કોઈ ભોપાળું બહાર ફૂટે એટલે બધાને રેલો આવે.

      સ્કૂલનો સમય પૂરો થયા બાદ નૈતિકતાનું માનસિક વિસર્જન થઈ જાય છે. મેડિકલની ફી સામાન્ય માણહને પોસાય એમ નથી એટલે જ્યારે એમાંથી જે તે વ્યક્તિ પાસ થાય છે ત્યારે એ પણ ભરેલા પૈસા એમ ઊભા થાય એની જ ફિરાકમાં હોય છે. વાત બિલકુલ સાચી છે કે, બધા એવા નથી હોતા. એવા જે હોય છે એને બીજાની શરમ પણ નથી હોતી. સિસ્ટમ જૂની અને જાણીતી કેસેટ વગાડશે કે, બેદરકારી બદલ કોઈને છોડવામાં નહીં આવે. સારૂ. એ પહેલા પણ પકડો તો ખરા.! ભૂગર્ભમાં ઊતરી ગયેલાના શ્યામલક્ષ્મી (બ્લેકમની.. યુ નો)  ધારકોને કોઈ ફેર પડતો નથી. બ્લડપ્રેશર હોય એ મીઠું ખાય તો એને પ્રેશર વધે, ડાયાબિટિઝ હોય અને વધારે પડતું મિષ્ઠાન ખાવ તો મુશ્કેલી ઊભી થાય. પણ એક સવાલનો જવાબ ગૂગલમાં પણ ગોત્યે જડતો નથી કે, આવા હરામખાયાઓ હરામનું ખાય એને કેમ એક ચોક્કસ સમય સુધી કંઈ થાતું નથી? આવા કાંડ ઉઘાડા પડે ત્યારે પહેર્યા કપડાં એમની ઈજ્જત ઊતરે. પછી ભૂગર્ભ રસ્તો શોધીને બીજે હાટડીઓ ખોલે. આવા લોકો કંઈ કાયમી ઘરે બેસે એવા હોતા નથી. સામે સિસ્ટમ પણ એવી ઉદાહરણ બેસાડી શકાય એવી સજા આપતું નથી એટલે ભક્તિ ચલતી હૈ. હવે જે પરિવારના ઘરમાંથી એક જીવ કાયમી ધોરણે ચાલ્યો ગયો એનું શું? પૈસાનો ઢગલો કરીએ તો પણ એનું ફરી અવતરણ તો થશે નહીં.

      મલ્ટિ ફેસેલિટી ધરાવતી હોસ્પિટલનો નજારો જોઈએ તો હોટેલ પણ ટૂંકી પડે. કાચનો દરવાજો ખોલો એટલે એ દર્દી (એમના માટે ગ્રાહક)ના ખિસ્સા નહીં બેંકની તિજોરીઓ ખેલાવી દે. ભાત-ભાતના ટેસ્ટ લખીને શારીરિત પરિક્ષણની સાથે માનસિક પરીક્ષણ કરતા હોય એવું લાગે. ટેસ્ટના લિસ્ટમાં તૂટી જતી અને હેરાન થતી પ્રજાની દયા કોઈને આવતી નથી. આવી હોસ્પિટલની પાછી શરત એ હોય છે કે, એમની જ મેડિકલ દુકાનમાંથી દવાઓ લેવાની. બહારના જનઔષધી કેન્દ્રના પ્રિસ્ક્રિપ્શન લખે તો તમને મળે ને? સરવાળે ગમે ત્યાંથી ઘી ઢોળાય પડે તો ખુદ નામની ખિચડીમાં જ. મેડિકલને મફત કરવાનો પ્રયાસ ઉત્તમ છે. પણ આવી ગટરછાપ માનસિકતા હોય ત્યાં દુર્ગંધના સ્ત્રોત શોધવા ન પડે. હરામની રેવન્યૂ રોડ પર ભલે લાવી તે પણ ભેગું સરસ કરાવી આપે છે. બસ, ઈમાનદારીને લોક કરી રાખવાની. મફતની સેવા પાછળ પણ હેતું તો મતનો જ હોય છે. ચૂંટણીસ્પર્શી એજન્ડા અને બેકપ્લાન માટે આવી ખખડી ગયેલી પોલીસી હોય ત્યાં સામાન્ય પ્રજાને હક માટે પણ સંઘર્ષ કરવો પડે. આ હકીકત છે. ખેર, હવે ફ્રિ કેમ્પમાં જતા પહેલા સો વખત વિચારવું પડશે. બાકી આવા ધોળા લૂંગડાવાળા ધારે તો ખરા અર્થમાં સેવા કરી શકે.

Thursday, October 31, 2024

દિવાળીના ફટાકડા...ક્યાંક ધડાકા તો ક્યાંક સુરસરિયા

 દિવાળીના ફટાકડા...ક્યાંક ધડાકા તો ક્યાંક સુરસરિયા

  દીવાઓની હારમાળા અને રોશનીનો તહેવાર એટલે દિવાળી. નવમા નોરતા બાદ દશેરા એટલે દિવાળીના ઓફિશિયલ એંધાણ. આમ તો દિવાળીને વર્ષાંત કહી શકાય જ્યારે નવા વર્ષને શુભશરૂઆત. કોઈ જ્ઞાતિ-જાતિ કે વર્ગીકરણના વાળા વગર સૌને કનેક્ટ કરતો કદાચ એકમાત્ર તહેવાર દિવાળી છે. 14 વર્ષના વનવાસ પછી પ્રભુ રામે વતનવાપસી કરી હતી. આ હકીકત હવે ગામથી દૂર રહેતા, પરિશ્રમ કરીને પૈસો કમાતા લોકોમાં જોવા મળે છે. વર્ષે એકવખત વતનની વાટે પહોંચવાનો આનંદ ભીડમાં પણ અકબંધ તેમજ યથાવત હોય છે. સુરતના ઉઘનાના રેલવે સ્ટેશનના દ્રશ્યો હોય કે પછી બસની ઉપર બેસીને જવાની જોખમી સવારી. વતનની વાટે એટલે જૂની યાદો તાજા કરવાની અને નવી બનાવવાની. મો મીઠાં કરવાનો અને કારવવાનો, આવકારો લેવાનો અને દેવાનો, આંગણું પૂજવાનો અને ઘરે આવેલાને પોંખવાનો, રંગોની ખરીદી કરીને જીવનના ખાલીપામાં કેટલાક નવા રંગો ભરવાનો ઉત્સવ એટલે દિવાળી. 

    દિવાળીની વ્યાખ્યા કે કથા સાથે તો ઘણા એવા પ્રસંગો જોડાયેલા છે. દેશની જેટલી વ્યક્તિ એટલી કથા આ તહેવારને જોડીને લખી શકાય, કહી શકાય અને ડિજિટલ યુગમાં પોસ્ડકાસ્ટ પણ કરી શકાય. ઈમરજન્સી ડ્યૂટી કરતો આખો વર્ગ ઓનડ્યૂટી દિવાળી મનાવે છે. પરિવારને થોડી એવી અધૂરપ આપીને કર્તવ્યની મધૂરપમાં પોતાનું સો ટકા આપે છે. આ દિવાળીએ એક દીવો એમની પ્રાર્થના માટે. આપણા તહેવારો આપણા જીવન શેડ્યુલ સાથે જોડાયેલા છે. ટેકનોલોજીના યુગમાં એને કોઈ જ સ્પર્શ લાગ્યો નથી. એટલે કે શ્રાવણ માસ પછી ગણપતિ પછી નોરતા પછી દશેરા. હા, એડવાન્સમાં આની તૈયારીઓ સો ટકા થતી હોય છે. ઘણા લોકો નોરતા અને દિવાળીની તુલના કરે છે. જે ખરેખર તો કરી શકાય એમ નથી. દિવાળીમાં પણ મા (કાળી ચૌદશ) છે અને નોરતાના ગરબામાં તો ગોપી, કૃષ્ણ અને સ્વયં મા ખુદ રાસ રમે છે. આપણી આસપાસની પ્રકૃતિ, માહોલ અને કણ કણ જાણે દીપિ ઊઠે એ દિવાળી. તન અને મન ભલે અપડેટ થતા વાર લાગે પણ કપડાંથી લઈને કેશ (રોકડા) સુધી બધુ નવું જોઈએ. 

    અચૂક મને તો એ દિવાળી દર વર્ષે થોડી થોડી મિસ થાય છે જ્યારે દિવાળીના પાંચ દિવસ પહેલા બેંકમાંથી નવી નોટના બંડલ આવતા, કેલેન્ડરના પાના પૂરા થતા, દૈનિક ધોરણે એક પત્તુ ફાળવાના ડટ્ટામાં છેલ્લા પાંચ-સાત પાના બાકી હોય, રહોડા (રસોડા)માંથી પૂરીની સુગંધ આવતી હોય, નવા નવા મુખવાસની નાની પણ ક્રિએટિવ ડબ્બીઓ ભરાતી હોય. દરરોજ થોડ થોડા ફટાકડા ફોડીને વેલકમ નવરાત્રીની જેમ વેલકમ દિવાળી થતું. આ હવે અમુક સોસાયટીમાં પ્લેહાઉસ કે સ્કૂલના બાળકો પૂરતું જ મર્યાદિત રહ્યું. આ પાછળનું કારણ મોબાઈલ. સિંદરી બૉંબ (સુતળી બૉંબ) ફોડવામાં રીતસરની ફાટતી હોય છતાં હોશિયારી મારવાની મજા હતી. જમીન ચક્રી (ભોં ચક્કર)ને તગારામાં ફોડવાનો આનંદ હતો. દોરીને કચરાના બોક્સમાં વીંટાળીને કલરફૂલ દીવાસળી મૂકતા. આ પણ એક યુગ હતો. હવે ઘણા લવિંગયા જેવા હોય જે અવાજ મોટો કરે પણ કદ નાનું હોય. ગનપાઉડર સમાન ગુસ્સો એવો ભર્યો હોય કે ભૂલથી પણ ઠપકાની સળી મૂકો તો જગ્યા કે જણને ધ્યાને લીધા વગર ફૂટે. આમાં કેટલાકના બોસ પણ એવા હોય.. કર્મચારીગણના સામ્રાજ્યમાં તડાફડીની સર ફૂટે એમ ધડધડાવી નાંખે. જેના તણખલા કેટલાક શાણા માણસોને પણ ઊડે. ઘણા સૂતળી બૉંબ જેવા હોય ફૂટી ગયા બાદ પણ બળતા હોય. બાકી ઘણાના બીજી વ્યક્તિને નીચા દેખાડવાના સુરસુરિયા તો આખું વર્ષ પ્રાપ્ય હોય.


    જેટલી વિવિધતા ફટાકડાની છે એનાથી અનેકગણી વિવિધતા લોકોની છે. બસ, ક્નેક્ટ કરવા માટે યોગ્ય દ્રષ્ટિકોણ જોઈએ. ઘણા તારામંડળ (ફૂલઝર) જેવા હોય, હેરાન કોઈને ન કરે પણ કોઈનો હાથ પાછળ હોવો જોઈએ. રાજકારણમાં આવા તારામંડળની શૈલીના ઘણા છે. જે સ્વયં ન ફૂટે પણ કોઈનો હાથ પાછળ હોય તો મસ્ત કલર બદલે, તારામંડળમાં પણ તળતળીયાળી આવે. જે થોડી થોડી સેકન્ડે ફૂટે. દરેકની ઓફિસમાં આવી તળતળીયાળી કોઈને કોઈ તો હોઈ જ. તે સમયાંતરે ફૂટતી રહે પણ કોઈ મજબૂત વ્યક્તિનો પાછળ હાથ જોડાયેલો હોય. ઘણા જમીન સાથે જોડાયેલા રહેવાની વાતો કરતા હોય એ જમીન ચક્રી જેવા હોય. કોઈનો પાવરચડે એટલે એવા ફરે કે ન પૂછો વાત. પછી એનો પાવર ખતમ થઈ જાય તો પણ ફરતા જ હોય. આવા ઘણાય મળશે થોડું નિરિક્ષણ કરજો. ઘણા આતશબાજી જેવા હોય પોતે નુકસાન સહન કરી લે પણ બીજાને પ્રકાશિત કરતા જાય. આવા માણસોની સમાજ અને દુનિયામાં કાયમી ખોટ વર્તાય. પરિવાર કે ઓફિસમાં જે ગયા એનો કોઈ પ્લસપોઈન્ટ યાદ કરી જોજો. 

     રોકેટની ખાસ વાત એ છે કે, એને બોટલનો (લીકરની નહીં ફટાકડા ફોડવા માટેની) સહારો જોઈએ. બદલતા સમયની સાથે હવે હાથમાં પ્રગટાવીને ઘા કરવાના રોકેટનો ટ્રેન્ડ છે. એટલે આવા લોકોથી બચવું. જે આજે કોઈના હાથમાં તો કાલે બીજાને ત્યાં ફૂટતા હોય. આવા લોકોના ઘા કાયમી ધોરણે હૈયા બાળી જતા હોય છે. પેન્સિલ (સ્ટિક) ફોડવાની પણ મજા છે, એ અડધી થાય ત્યાં એનું આત્મવિલોપન થઈ જાય. એટલે કેટલાક માણસો કાયમી અધૂરા જ હોય. એને કુબેરનો ભંડારો ખોલી આપો તો પણ અંસતોષની આગ પ્રગટતી હોય. ખેર આવી તો ઘણી વેરાઈટી તમારે ત્યાં અને મારે ત્યાં છે. આ બધા વચ્ચે આપણે આપણા હૈયા, હરખ અને મનને મસ્ત કલરફૂલ કરીને દિવાળી મનાવવાની છે. બસ ક્યાં ફૂટવું અને ક્યાં તૂટવું એ નવા વર્ષે થોડું ધ્યાન રાખવાનું છે. આપણા દિમાગની વેલ્યું સોના જેવી કરીએ. કાયાને પ્લેટિનમ જેવી કરીએ. ખુશ રહેવાની લીલીવાડી કરીએ. ચાલો ભારતને નંદનવન બનાવે એવી દિવાળી કરીએ. હેપ્પી દિપાવલી...નવા વર્ષના રામ રામ....

Saturday, September 21, 2024

લાઈન, લાગવગ અને લાચારી

લાઈન, લાગવગ અને લાચારી

    દુનિયામાં કોઈ પણ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું એક શિસ્ત માનવામાં આવે છે. વ્યવસ્થા બગડે નહીં એ માટે લોકો સહકાર આપીને લાઈનમાં ઊભા હોય છે. કોઈ પણ શહેર કે ગામમાં એક હદથી વધારે લાઈન લાંબી હોવી એ દર્શાવે છે કે, ખરેખર કંઈક ગુણવત્તાયુક્ત વસ્તુ મળી રહી છે. એનાથી ઊલટું બેકારના પેટની વસ્તુ માટેની લાઈન પણ દરેકે નજર સામે નિહાળી જ હશે. ચૂંટણીમાં મત આપવા માટેની લાઈન લાંબી હોય ત્યારે એ વાત ચોક્કસથી સમજી શકાય કે, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું છે. ડિમાન્ડ અને સપ્લાયની લાઈન વ્યવસ્થિત બની હોય તો અર્થતંત્ર મજબૂત થાય છે. કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે નિયમની લાઈન તૂટે છે ને ત્યારે મોટું ભંગાણ થાય છે. સ્કૂલથી લઈને સ્કોલરશીપ સુધી, ક્લાસથી લઈને કોન્ફરન્સરૂમ સુધી, રાશનથી લઈને રોજગારી માટેના ભરતી મેળા સુધી, એડમિશનથી લઈને ઈમરજન્સીમાં એડમીટ થવા સુધી એક ચોક્કસ લાઈનને સૌ કોઈ ફોલો કરે છે. ક્યારેક એમાં કંટાળો આવે છે તો ક્યારેક સવાલ થાય છે કે, આટલું બધું ડિજિટાઈઝેશન થયું હોવા છતાં આ લાઈનનું આવું મજબૂત અસ્તિત્વ?

    થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક હોટેલમાં નોકરી માટે લાઈન જોવા મળી હતી. બેરોજગારોની આવી લાઈન જોઈને ચિંતા થાય છે. પછી એ વીડિયોમાં રેલિંગ તૂટી અને નોકરી વગરના નીચે પટકાયા. વિડિયો અંકલેશ્વરની એક હોટેલ પાસેનો હતો. જ્યાં ઓપન ઈન્ટરવ્યૂ હતા. તારીખ 20મી સપ્ટેમ્બર, લોકેશન મુંબઈનું BKC અને દિલ્હી સાકેત એરિયા. જ્યાં આઈફોન 16 લેવા માટે લાંબી લાઈનમાં ઊભો રહેલો એક યુવાવર્ગ જોવા મળ્યો. કલાકો સુધી રાહ જોયા બાદ સ્ટોર ખુલ્યા અને ખિસ્સાથી મજબૂત લોકોએ આઈફોન 16 ખરીદ્યો. ગુજરાતના કેટલાક આઈફોન 'લવર્સ' મુંબઈ-દિલ્હી પહોંચ્યા હતા. કોઈ આઈફોન લે એમાં કંઈ ખોટું નથી અને વિરોધ પણ નથી. કેટલાક આંકડાકીય તથ્યો પર નજર કરવા જેવી છે જે વિચારવા મગજને વેગ આપે છે. દેશના દરેક મહાનગરમાં કોર્પોરેટ સેક્ટરની બેઝિક સેલેરી ઓછામાં ઓછી 15થી 18000 રૂપિયા મળે છે. દિલ્હી જેવા સિટીમાં તો હવે છેક 21થી 24000 સ્ટાર્ટિંગ સેલેરી થઈ. અમદાવાદમાં રેશિયો હજું 15000 જ છે. જે આઈફોન પાછળ યુવાવર્ગ ગાંડો (સારી ભાષામાં ક્રેઝી) છે. તેના લોએસ્ટ મોડેલની કિંમત 79,000 રૂપિયા છે. આ પરથી એક વાત તો નક્કી છે કે, જેટલા લાઈનમાં ઊભા હતા એની પાસે આવકનો પ્લાન બી તો છે જ. (મોટાભાગે શેરબજાર)

    પાટનગર ગાંધીનગરમાં અને દિલ્હીમાં એક વસ્તુ કોમન છે. દર મહિને એક વિરોધ પ્રદર્શન. થોડા સમય પહેલા ગાંધીનગરમાં શિક્ષકોના પ્રશ્નોને લઈ હતું. એ પછી દિલ્હીમાં એડમિશનમાં ચાલતી લાગવગશાહીને લઈને થયું. ભીડ બન્ને ઘટનામાં હતી પણ લાઈન ઊભી નહીં આડી હતી. રસ્તાના કિનારે બેઠી હતી. એમ તો રાજકોટમાં અગ્નિકાંડના પીડિતો પણ ન્યાય મળે એની લાઈનમાં જ છે ને? લાગવગ રંગીલા રાજકોટમાં કેવી પાક્કી અને સિમેન્ટના રોડની સખ્તાઈ જેવી હોય એનો પુરાવો મળ્યો, મનોજ સાગઠિયા કેસમાં. 

     ઈન્ચાર્જ સા-ગઠિયાએ કેટલાય 'લેન્ડલવર્સ'ને સાચવી લીધા. જે હવે કોઈ કેસમાં મગનું નામ મરી પાડતા નથી. મૌનનું રહસ્ય ક્યારેક અસ્પષ્ટ બની જતું હોય છે. બેદરકારીનું અમલીકરણ થયું એ પાછળ પણ નિયમોની લાઈન ક્રોસ કરી હતી એ જ હતું. લક્ષ્મણે સીતાજી માટે ખેંચેલી લાઈન ક્રોસ થઈ એટલે જ રાવણે પાપ આચર્યું. લાગવગની વ્યાખ્યા એ જ છે પણ જે રીતે એ કામ કરે છે એની શૈલી બદલી છે. થઈ જશે અને ગોઠવાઈ જશે શબ્દો કાને અથડાય એટલે અભણને પણ ખબર પડી જાય કે આખરે શું થયું છે? લાયકાત વગરના લાગવગિયા ગોઠવાયા હોય ત્યાં ટેલેન્ટને તળિયા ઘસવાનો વારો આવે એ હકીકત છે. વાત એ પણ સ્વીકારવી પડે કે, ટેલેન્ટ પાછું બાવળ જેવું હોય છે. આપોઆપ બીજે પણ ઊગી નીકળે અને ખોટું કરનારાને આપોઆપ ખૂંચે. એકવખત ભરતીમેળામાં આવેલા ડબલ ગ્રેજ્યુએટે કહ્યું હતું. "નોકરી મેળવવા માટે જડબેસલાક રેફરન્સ હોવો અનિવાર્ય છે. ગમે તે નોકરીમાં". કૌશલ્યને પોંખનારાની સંખ્યા ઘટી રહી છે એ બારીકીભર્યું સત્ય છે.

        ડખો ત્યાં પણ છે કે, નોકરી એટલે સરકારી નોકરી. બસ. વાર્તાપૂરી. એ પછી કરવાનું શું? ઉપલી ખુરશી કહે એમ, શીખવાનું, કરવાનું અને ગુડબુક બનાવવાની. સૌના મોઢે મીઠાં અને અંદરની ગ્રંથીથી તિખા. એટલે મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ એથી તો કાગા ભલા તનમન એક જ રંગ. થોડા પ્રશ્નો મૂકું છું, ઈમાનદારીથી જવાબ તમારા મનને આપજો. મુકેશ અંબાણી સરકારી નોકરી કરે છે? એની કંપનીમાં કામ કરતા કોર એમ્પલોય સરકારી પરીક્ષાના ફોર્મ ભરે છે? એને જરૂર નથી એવું નથી. એને એ વાતની તો ખબર છે કે, કરોડનું પેકેજ કોઈ જ સરકાર નથી આપવાની. કરોડનું વાર્ષિક પેકેજ હોય એટલે માસિક સેલેરી લાખોમાં થઈ. એક વાત દિલમાં યુવાનો કોતરી નાંખે તો બેડોપાર થઈ જાય. જ્યાં પણ નોકરી કરો દિલ અને ઈમાનદારીથી કરવી જોઈએ. હવે જ્યાં પણ નોકરી કરો ત્યાં કોઈ સંસ્થાના કમાઉ દીકરા હોવ તો કોઈ છોડશે તમને? લેવલ એટલું ઊચું કરીએ કે, સિસ્ટમમાં બેઠેલા પણ બે ઘડી પૂછવા આવે. 

     છેલ્લી વાત. લાચારી. ટ્રાફિક પોઈન્ટ પર ડાબીબાજું ખુલ્લી રાખવી એ નિયમ છે. એ સાઈડથી થોડે દૂર લાઈનમાં ઊભા રહેવું જોઈએ. કોણ ફોલો કરે છે આ? લાચાર એ વ્યક્તિ બને છે જેને ખરેખર ડાબીબાજું વળવું છે. એ બિચારો આખું ટ્રાફિકપોઈન્ટની લાઈટનું કાઉન્ટિંગ ખતમ થશે ત્યાં સુધી રાહ જોશે. હવે બોલો લાઈન કોણે ક્રોસ કરી? નિયમોની લાઈન દરેક જગ્યાએ ફોલો થતી હોય તો ભંગાણ અટકે અને લાગવગની વગ તીવ્રતાવિહિન થાય તો ટેલેન્ટને આકાશ મળે. બાકી તો દરેક ઘટના પાછળ મજબૂર લોકોની લાચારી અત્યાર સુધી જોઈ છે, ભવિષ્યમાં પણ જોવી પડશે.  

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...