Tuesday, June 17, 2025

ક્રેશ, ક્રેક અને કાટમાળ

 ક્રેશ, ક્રેક અને કાટમાળ

જુન મહિનાને અકસ્માતોનો મહિનો જાહેર કરી દેવામાં આવે તો કંઈ ખોટું નથી. કેદારનાથમાં પૂર હોનારત થઈ એ સમયની આફતે પણ અનેક લોકોના જીવ લીધા હતા. એ સમયે પણ જુન મહિનો હતો. આપણે ત્યાં જુન મહિનામાં જ ચોમાસું સીઝન શરૂ થાય છે. કોરોના કાળ વખતે જુન મહિનામાં જ સૌથી વધારે કેસ આવતા હતા. કોરોનાનો પ્રાઈમટાઈમ જુન મહિનો કહેવાય એ કહો તો પણ હકીકત છે. 12 મી જુન 2025. ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી હવાઈ દુર્ઘટનાનો કાળો દિવસ. અણધાર્યા અકસ્માતના પડઘા આવનારા દાયકાઓ સુધી ભૂલાશે નહીં. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં બેસીને લંડન જનારા વગર વિઝાએ યમલોક પહોંચ્યા. ફ્લાઈટ બુક કરાવનારને પણ ક્યાં ખબર હશે કે આ જીવનની અંતિમ સફર હશે? બી.જે. મેડિકલની મેસમાં બપોરનું ભોજન લેનારાને પણ ક્યાં ખબર હતી કે જે અનાજનું બટકું એ ભરે છે તેઓ પોતે જ કાળનો કોળીયો બની જશે. બપોરના સમયે જાણે આકાશમાંથી ઉડતું મોત આવ્યું હોય એમ પ્લેનક્રેશ થયું અને અનેક લોકોના ઘરમાં ભરબપોરે અંધારુ કાયમી ધોરણે છવાઈ ગયું. 

કોઈએ પોતાના માતા-પિતા ગુમાવ્યા તો કોઈએ પોતાનો ભાઈ, પરિવારમાંથી બાળકોનો કિલ્લોલ કાયમી ધોરણે વિમાન ક્રેશની આગમાં હોમાઈ ગયો. એક વ્યક્તિને બાદ કરતા વિમાનમાં બેઠેલા તમામ ટિકિટ સાથે અંતિમસફરની વાટે અકાળે ચાલ્યા ગયા. જેનાથી અનેક એવા પરિવારમાં એટલી મોટી ક્રેક (તિરાડ) પડી જે હવે ક્યારેય ભરી નહીં શકાય. એમાં હવે લાગણીની સિમેન્ટ કે યાદોના આંસુ પડશે તો પણ એ ક્ષણમાં સંવેદના હશે પણ સ્વજન નહીં હોય.ટ્રાંસપોર્ટના ત્રણેય ફોર્મેટ રોડ, રેલવે અને હવાઈમાં સૌથી વધારે સુરક્ષિત એર ટ્રાવેલિંગ માનવામાં આવે છે. ફ્લાઈટમાં બેસતા પહેલા જેટલું ચેકિંગ પ્રવાસીઓનું કરવામાં આવે છે કદાચ એટલું એ ફ્લાઈટનું માત્ર કાગળ પર થતું હશે. બોઈંગ કેટેગરીનું વિમાન દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. જેની પાછળ એક શબ્દનું કારણ જવાબદાર છે. એ શબ્દ એટલે અકસ્માત. ક્રુ મેમ્બર્સના ધારાધોરણો અને એ બનવા માટેની ફીનો આંકડો તપાસજો. ફ્લાઈટમાં એનાઉસમેન્ટ કરતી વખતે કદાચ કેટલી ઊંચાઈએથી કુદીએ તો જીવ બચી જાય એ કોઈ બોલતું નથી. કદાચ એવું ક્રુ મેમ્બર્સને તાલીમ દરમિયાન કોર્ષ પેપરમાં નહીં હોય. અન્યથા સ્વર્ગસૌદર્ય સમાન આ ટીમ બોલે નહીં? 

આપણા દેશની આ વર્ષની કદાચ આ સૌથી મોટી હવાઈ દુર્ઘટના હોઈ શકે. ભૂલ કોની હતી, શું હતી અને કેમ થયું એ તો તપાસના તબક્કા બાદ બહાર આવશે. જેને સ્વજનો ગુમાવ્યા એમની પાસે અત્યારે શબ્દો નથી. દોષ નસીબને આપવો કે નવી નવી વિકસતી ટેકનોલોજીને. એમના માટે આ એક એવી ક્રેક છે જે જેમાં લાગણીની સિમેન્ટ કે આંસુના ટીપાં પડે તો પણ સ્વજનોને સ્પર્શે નહીં. ભોજન કરતા ભાવિ તબીબોને સારવાર કરવાનો મોકો જ નહીં મળે એવું તો એના અભ્યાસક્રમમાં પણ નહીં હોય. ઘણીવાર આફત કરતા એના પછીના અણધાર્યા પરિણામ સ્તબ્ધ કરી દે છે. 46 કે 47 ડિગ્રીનું તાપમાન માંડ માંડ સહન કરનારા 1000 ડિગ્રીએ ભૂંજાઈ ગયા. મસાણની અગ્નિ પહેલાની આગે અંતિમવિધિ માટે દેહ પણ ન આપ્યો. કરૂણતાની હદપારની ઘટનામાં તબીબ બનીને બહાર આવશે એ આશાએ બેઠેલા વાલીઓને પોતાના તનનો હિસ્સો ઓળખ માટે આપવો પડશે એ દિવસ તો સંતાનના શબને કાંધ આપવા બરોબર લાગ્યો હશે. છઠ્ઠા દિવસે વિમાન અને ઈમારતના કાટમાળમાંથી જે વસ્તુઓ મળી એનું મુલ્ય માનવજીવન સામે શું હોઈ શકે? વિચારજો. 

સંપત્તિવાન થવા માટે જિંદગીમાં દોડધામ બધાની હોય છે પણ સંપત્તિ સામે આવે પણ વ્યક્તિ ન આવે ત્યારે એ બધુ જ વ્યર્થ લાગે છે. કમાયેલું પડ્યું રહ્યું અને કમાનાર કૈલાશે જતા રહ્યા. કરંસી મળી આવી પણ કોની છે એ જાણીને પણ શું ફાયદો? જિંદગીનો કોઈ ભરોસો નથી અને નશ્વરદેહમાંથી પ્રાણ ક્યારે, કેવી રીતે ઉડે એનું નક્કી નથી. પણ જે નક્કી છે, શક્ય છે અને યોગ્ય છે એ તો કરીએ. દરરોજ નાનકડુ પણ સારૂ કામ કરીએ. એ પણ ન થાય તો દરરોજ આપણા કારણે બીજાના મોઢા પર નાનકડી સ્માઈલ આવે એવું તો કરીએ. કદાચ એની લાગણી, ખુશી, દુઆ કે બ્લેસિંગ કપરાં સમયે કામ આવી જાય. એ ક્રેડિટ જીવ બચાવી જાય. ખાલીપો ભરી નહીં શકાય પણ બોધપાઠ તો લઈ શકાય. શું લેવો, કેવો લેવો અને ક્યો લેવો એ વ્યક્તિગત બાબત છે. વ્યક્તિ એડલ્ટ છે, મેચ્યોર છે બસ જોઈએ કે, સમજદાર કેટલો છે. 

No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...