નવરાત્રી ફેસ્ટિવલઃ ફન, લર્ન અને એનર્જીનું પાવરબુસ્ટર
તહેવારો એ તેજીનો સ્પાર્ક છે. ફાયનાન્સની ચિંતા વગર ફેસ્ટિવલનું ડીએનએ થનગનાટ સાથે એક્ટિવ થાય છે.
શહેરને ગામડું બનવાના ઓરતા જાગ્યા, ત્યારે સમજજો નોરતા નજીક આવ્યા. શહેરની શેરીઓમાં મોલ કરતા વધારે ભીડ જામે ત્યારે નોરતાના એંધાણ સ્પષ્ટ વર્તાય. મોલના સ્ટોલ કરતા રસ્તાના કિનારે પાથરણું પાથરીને બેઠેલા નાના એવા વેપારીને ત્યાં ભીડ થાય. એની પાસેથી ભાવ-તાલ કરાવી છતાં સામેવાળાનો નફો સાચવીને વસ્તુ લેવાની કળા નારીના ડીએનએમાં છે. વસ્તુની મૂળકિંમત પર લાગતા કરથી આર્થિક ફટકા વધુ લાગે છે. આ પણ વાસ્તવિકતા છે. બચતની મૂડીમાંથી, અંશ વાપરીને વંશ આવ્યા જેવડો આનંદ કરવામાં ખરી મોજ છે. દર વર્ષે નોરતાના તહેવાર આસપાસ ફિક્સ ફેસ્ટિવલ લોક થયા છે. ભારતનો મીડલ ક્લાસ ફેસ્ટિવલમાં પોતાના ઈન્વેસ્ટમેન્ટની ચિંતા વગર એન્જોય કરવામાં માને છે. શેરમાર્કેટના નિષ્ણાંતો પણ આ વાત સ્વીકારે છે. જીએસટીના દર ઘટવાથી રાતોરાત મોંઘવારી ઘટી નથી ગઈ. સસ્તી વસ્તુથી ક્વોલિટી સુધરી પણ નથી ગઈ. આ સચ્ચાઈના સ્વીકાર વચ્ચે સંઘર્ષના હલેસા મારતો વર્ગ તહેવારને માણી લેવામાં માને છે.
માર્કેટમાં બુસ્ટર ડોઝ મળ્યો હોય એવી તેજી તો નથી. પણ સાવ મંદી પણ નથી. દેશના મહાનગરોની હોલસેલ માર્કેટમાંથી ગ્રોથરેટની છૂટછાટ દરેક રોકાણકાર સેટ કરે છે. નોકરીની માસિક શોષણ પ્રવૃતિ સામે માંડ માંડ મેનેજ થતું બધું એમાંય બચતવૃતિની પાળ પીટાઈ ગઈ છે. ટકાવારી ઓછી કરવાથી ભાવમાં ફેર પડે તો ખાનગી કંપનીઓની ખોટી નફાખોરીમાં કેમ ગાબડાં નથી પડતા? કમાય બધાને લેવું છે એમાં ફેસ્ટિવલ એ મોટું બેનર છે. આવકનો સોર્સ છે. નિયમિત આવકના મજબૂત સ્ત્રોત ઊભા કરવામાં જિંદગીની ઉંમર વૃદ્ધ થાય. આવકના પ્રવાહની સાથે બીજો નળ શોધાય તો પણ નોકરિયાત વર્ગના સત્તાધીશો રાજી ન હોય. ટૂંકમાં રાહત આપો તો એનું કદ પ્રસાદી જેટલું હોય અને બીજું શોધીએ તો રડારમાં હોઈએ. છતાં ફેસ્ટિવલ એ જોડવાનો, ભેગા થવાનો અને સાથે રહેવાનો માઈક્રો મેસેજ આપે છે. જે પ્રોફેશનલની પાવરફૂલ દુનિયામાં કેટેગરી પ્રમાણે સ્વીકારાય છે. ઓફરના આભાસી બજારની સાથે નક્કર માર્કેટ પણ અસ્તિત્વ ધરાવે છે. સ્કેનથી પેમેન્ટની રેટરેસ વચ્ચે રોકડાનો ગ્રાફ ભલે નીચો છે પણ યથાવત છે. કેશલેસ ઈકોનોમીમાં કેટલાય ઈનકમલેસ દર વર્ષે થાય છે, એનો આંકડો સુદ્ઘા બહાર આવતો નથી. પણ તહેવારમાં એ વર્ગ પણ થોડું સર્વાઈવ થઈને નાની બચતમાં રોનક માણે છે. નાણુ ફરતું રહે તો એવું માની શકાય કે ખર્ચ થાય છે. બચત હશે તો થશે એ વાત હવે સ્વીકારવી કઠિન છે.
સમૃદ્ધિની શુભેચ્છાઓ અપાશે એટલે આશીર્વાદનો ઝગમગાટ ઝાંખો ન થવો જોઈએ. ફાયનાન્સની નાની સેવિંગ વચ્ચે તહેવાર એ તેજીના સ્પાર્ક છે. સમયાંતરે કથળતી દરેક વર્ગની આર્થિક વ્યવસ્થામાં બે છેડાં ભેગા માંડ થાય ત્યાં વ્યવહારનું વહાણ આવે. બસ, આ જ ટાઈટેનિકને ડૂબવા ન દે એ જ ખરો આર્થિક શીપમેન, હાડનો પ્રવાસી એવો નાવનો ખલાસી. બચતનો બાદશાહ. ફેસ્ટિવલ પાછળનો બુસ્ટર ડોઝ ફાયનાન્સ હોય તો જ ફીલ થાય પણ આ નાણાના ફરતા પ્રવાહમાં કમાઈ જ લેવાના અને ફેસ્ટિવલને કમાવવાના જ દિવસો માનવા એ ખોટું છે. વાહનવ્યવહારમાં ભાડા વધે, ઓનલાઈન ટિકિટ બુકિંગના કમિશન વધે, લાંબા અંતરના પ્રવાસનું એડવાન્સ બુકિંગ હોય પણ બીજા ચાર્જિસ વધે. એક વાત સમજાતી નથી કે, ડીઝલના ભાવ ઘટે પણ દૂધના ભાવ કોઈ દિવસ દૈનિક વપરાશના કદમાં ઘટતા નથી. આ પાછળ શું ગણિત હોય અને રેવન્યૂ હોય એ મારો રામ જાણે.
માણસ ઓછા બજેટમાં તહેવાર ઉજવે એના પાયામાં સાદગી હોય છે. સાદગી હોય એટલે બજેટ નથી એવું બિલકુલ હોતું નથી. સુશોભનમાં દર વર્ષે એટલા નાણા નથી ખર્ચાતા. દર વર્ષે તહેવાર નજીક આવતા પાડોશી દેશની બનાવટના ડેકોરેશન દાટ વાળી દે છે. આ પણ હકીકત તો છે જ. ફન એન્ડ સેલિબ્રેશન એટલે દેવું કરીને ઘી પીવાનું એવું બિલકુલ નહીં. નવી પેઢીનો દ્રષ્ટિકોણ ટ્રેડિશન સાથે થોડા ફન ઔર થોડા લર્નનો છે. ફેસ્ટિવલમાં પણ ફેમિલી સાથે ફ્રેન્ડ્સને ન ભૂલીને 'જોડે રેજો રાજ....' પર માત્ર ગરબા નથી રમતા, એને સાર્થક કરે છે. હવે વાત નોરતાની. ગતવર્ષે આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી હતી. સોશિયલ મીડિયા પર વાત એ વાયરલ થઈ હતી કે, ડીજેવાળા, સાઉન્ડવાળા અને ગાવા-વગાડવા વાળાને બીજીપાળી કે ઓવરટાઈમ ચૂકવવો પડશે. બાર વાગ્યા સુધીમાં સમાપન એ સૌને માફક આવી ગયું છે. જેથી સોશિયલમીડિયા પ્રેમીઓને પોસ્ટમૂકવા મળી રહે (આમા નેતા પણ આવી ગયા....હા..હા...હા...). એ પણ સમયસર.
મોટા પાર્ટીપ્લોટ ગરબાના આયોજનમાં કેટલાય લોકોની દિવાળી આર્થિક રીતે સચવાય જાય છે. સમૃદ્ધિના સમ્રાટોના સહારે રાજકીય પરપોટો રચાય. બન્ને એક ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરી લે છે. એક મની માટે બીજા મત માટે. ખેર, જૈસી જીસકી સોચ. મોટા આયોજનોની આસપાસ નાનું રોકાણ કરી ખાણી-પીણીના સ્ટોલવાળા, રાઈડર, મંડપ ડેકોરેશનથી લઈ પાસ સુધી અને પ્રિન્ટિંગથી લઈ પાણીની બોટલ વેચનારા સુધી મોટો વર્ગ સચવાય. એમાય પાસ લેનારા વધે એટલે ખર્ચો કાઢતા અમૂક રકમ બચે. નવરાત્રી એટલે ફન, જોબન, નર્તન આ બધુ મળે એટલે મન પ્રસન્ન. ટૂંકમાં ફન ત્યાં ફંદ નહીં ધન. નોરતાથી દિવાળી અને દિવાળીથી છેક ડિસેમ્બર સુધી, આખો સમયગાળો ફેસ્ટિવલના બેનર નીચે ઊભું થતું એક બિઝનેસ પ્લેટફોર્મ છે. દિવાળીની પોસ્ટ અને શુભેચ્છાઓ મોકલ્યા બાદ શું કરવું? યસ. ઈવેન્ટ બિઝનેસ. લગ્નસીઝન શરૂ થાય. એમાં પણ ગરબા તો થાય જ છે. મની મેકિંગનું મેજિક ખબર હોય ત્યાં પૈસા મળે. પણ સમયે ચિત્ર બદલ્યું છે. હવે ભપકા કરતા ભાવ અને ઈવેન્ટ કરતા ઈમોશન વધારે ધ્યાને લેવાય છે. વિડિયોકોલથી સ્વજનની હાજરી પૂરાય અને રીલથી મેમરીઝ બને છે. પ્રસંગનો ફોટો આલ્બમ કે વિડિયો કરતા રીલ્સમાં બધુ આવી જાય એટલે ભયોભયો. ના...ના..માસ્ટરપીસ કહો. ચાલો ત્યારે નવરાત્રીની શુભકામનાઓ.
No comments:
Post a Comment