Showing posts with label janmashtami. Show all posts
Showing posts with label janmashtami. Show all posts

Saturday, August 16, 2025

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

 જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

    હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ્રી કૃષ્ણ તમે જેટલા પૂજય છો એટલે જ પોતીકા છો. કદાચ તમે એક માત્ર એવા દેવ હશો જેને આ સંસાર તું કારો આપીને બોલાવે છે. 'કાના તને' એવું કહે છે. આમ તો તું જગત મંદિરમાં બિરાજે છે અને સૌનો પાલક છે એટલે અમારા બધાય કરતા ખૂબ મોટો છે. પણ તું વ્હાલો છે, બાળ ગોપાલ પણ છે અને તારુ આ રૂપ સૌને પ્રિય છે એટલે જ તને તું કારો આપતા હશે. આધ્યાત્મની માર્કેટમાં તું પાયોનિયર છે. પણ કળિયુગની હકીકત એ પણ છે કે કેટલાક લોકો એ તારા નામની માર્કેટ બનાવી નાખી છે. જેમાં હૃદયના ભાવ કરતાં સમૃદ્ધિના ભાવને વધારે જોવામાં આવે છે. 



   આમ તો દરરોજ તારી પાસે ગામ આખાની ફરિયાદ આવતી હશે. લોકો પોતાના દુઃખ દર્દ ઠાલવતા હશે. માગણીની ચીઠ્ઠી આવ્યા કરતી હશે એટલે હવે એ એક ગ્રંથ જેવડી બની ગઈ હશે. પણ મને વિશ્વાસ છે તે સૌને એની ક્ષમતાથી વધારે નહીં આપ્યું હોય અને આપ્યું હશે તો એનો ખાલીપો કોઈ એક બાબત પર ખૂબ મોટો હશે. કારણ કે તું બધાને બધું નથી આપતો. કારણ કે બધા સુદામા નથી. દર ઓગસ્ટ મહિનામાં તારી અને સુદામાની ફ્રેન્ડશિપનું જૂનુંને જાણીતું પોસ્ટર સ્ટેટસમાં મૂકીને દોસ્તોને વિશ કરવામાં આવે છે. નેતા, અભિનેતા સૌ કોઈ દોસ્તીનો તહેવાર માનવે છે. પણ તે ખરેખર દોસ્તી મનાવી છે. દોસ્તીને જીવી છે. સુદામા એ કોઈ જ વાત કરી નથી છતાં તું બધું જ સમજી ગયો. ડિજિટલ યુગમાં જે સમજે છે એને આખું ગામ સમજાવે છે અને નથી સમજતા એની સાથે બધા 'એડજસ્ટ' થઈ જાય છે.

    ઓધવજી, સુદામા અને અર્જુન. આમ તો આ ત્રણેય તારા ઓફિશિયલ મિત્રો છે. પણ દાયકાઓ પછી તારા મિત્ર બનવા ઘણાય થનગને છે. કારણ કે તે જે સુદામાને આપ્યું એ એમને પણ ક્યાંક ફૂલ નહીં ને ફૂલની પાંખડી જેટલું તો જોઈએ જ છે. અર્જુનને સખા કરતા શિષ્ય વધુ માની શકાય. એમને તે તારા મુખે અને અવાજે ગીતા સંભળાવી. તું એનો સારથી બન્યો. દ્વવાપર યુગ પછી ઘણા એવા છે જે ઇચ્છે છે કે તું એમનો જીવનરથ હાંકીને સારથી બને. પણ સ્વાર્થી હોય ત્યાં તું થોડી સારથી બને? તારી પાસે તો પહેલા મનથી ખાલી અને માયાથી મુક્ત થવું પડે. તો તારી કહેલી ગીતા સમજાય અને સંભળાય. હે કરનીશ (કૃષ્ણનું એક નામ) તને માનનારા ઘણા છે, ગણ્યા ગણાય નહીં એટલા, પણ તારું કહેલું માનનારા? બધાય કૃષ્ણને માને પણ કૃષ્ણનું કહેલું કોણ માને છે?. આ સવાલ હું રોજ મારી જાતને પૂછું છું. જવાબ પણ તું જ આપે છે એ પણ સરનામા સાથે. આ સવાલનો જવાબ ગીતા છે. એમાં પણ તારી વાત છે પણ એમાં તારી ક્યાંક સહી નથી. 

    ગીતાના જ્ઞાન બાદ તે અર્જુનને પણ કહ્યું કે, તારી ઈચ્છા પડે એમ કર. હું પથદર્શક છું, રક્ષક છું પણ રડવું છે કે લડવું એ નિર્ણય તારો. આમ તો તારા જેટલું જ્ઞાન મારું નથી. કદાચ કોઈનું પણ નહીં હોય. જ્યારે તારું જીવન જોવ છું ત્યારે એમાં કેટલાય દુઃખથી આંખો ભીની થઈ જાય છે. તમે તમારી નજર સામે એક આખી પેઢીનો સૂર્યાસ્ત થતા જોયો. મથુરાનું સામ્રાજ્ય શરૂ કરવાના બદલે સાંદિપની આશ્રમની રાહ પકડી. બાકી અમારે ત્યાં તો જીતેલી વસ્તુને છોડે એવા કોઈ છે નહીં. પણ હું એટલું તારા જીવન માંથી શિખ્યો કે, જે પોતાનું કર્મ છોડે એ પડે અને કે કરેલા સત્કર્મનું ફળ છોડે એ ચડે. પ્રગતિ કરે. તમે મથુરાધિપતી બની શકતા હતા પણ તમે દ્વારકા નરેશ બન્યા. ખુદની નગરી બનાવી દીધી. તમારી સાથેના દરેક પાત્રોને તમે જજ કર્યા પણ કોઈ દિવસ તમારું જજમેન્ટ ન આપ્યું. જ્યારે તારું જજમેન્ટ સમજાયું ત્યારે સમય વીતી ચૂક્યો હોય. 

   કૃષ્ણ તને પોંખનારા અને સાચા દિલથી વધાવનારાને ભલે તે કોઈ પ્રસિદ્ધિ ન આપી હોય પણ એટલું તો આપ્યું જ હશે કે એને કોઈ પ્રસિદ્ધિની જરૂર ન પડે. કોણ કેવા પ્રેમથી અને એ પ્રેમના પેકેટમાં પેટના પાપથી કોણ પૂજે છે એ તો તને ખબર છે. હે, રૂક્ષ્મણીપતિ રિલ્સની દુનિયામાં રહીને રેવન્યુની ચિંતા કરનારા ઘણા છે પણ મોબાઈલના વિશ્વમાં એટલું તો સમજાયું છે કે, ફેમસ થવું સરળ છે પણ સારી ઈમેજ બનાવતા વર્ષો વીતે છે.

    અને છેલ્લે તારા વિશે બોલું કે લખું એ ઓછું જ પડશે પણ વાસ્તવિકતા એ પણ છે કે આ મૌનને તું સમજે છે. આ મૌન પણ મોરપીંછ જેવું મુલાયમ હોય. હું તને સમજવા ખૂબ નાનો છું પણ એટલું જાણી લીધું છે કે, જ્યારે તને દુઃખ થયું ત્યારે તે કોઈને પણ ફરિયાદ નથી કરી. ગાંધારીના શ્રાપ સામે તારું મૌન એ ઘણું ઊંડું છે. આ પરથી મને એટલું તો આવડી ગયું કે આપણે આપણી કંપ્લેઈનને કંટ્રોલ કરવી જોઈએ. કોઈ પણ સ્થિતિમાં ખુશ રહેવાનું અને બીજાને પણ રાખવાના કારણ કે ખુશ હોઈએ ત્યારે ખરાબ વિચાર નથી આવતા. આજે દરેકને એવું છે કે બધાય એને ઓળખે પણ સાથે એવું પણ છે કોઈ એને ઓળખી ન જાય. બસ કાના આજે તારા જન્મદિવસ પર કોઈ જ માગણી નહીં પણ શબ્દો રૂપી લાગી લઈને આવ્યો છું. જવાબદારી તારી બહુ મોટી છે પણ મારી જરૂર હોય ત્યાં તારો ઈશારો મને માત્ર સમજાવજે. કામ તારું થશે પણ નામ મારું થશે આ ભરોસો છે તારા પર. લવ યુ કાના...

Sunday, August 25, 2024

રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટું

 રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટું


      ઓગષ્ટ મહિનો એટલે ક્રાંતિનો મહિનો પણ ઓગષ્ટ એટલે તહેવારનું પેકેજ. આસ્થા, આધ્યાત્મિકતા સાથે અવિસ્મરણીય રીતે ખીલી ઊઠેલી પ્રકૃતિનું સેલિબ્રેશન. ન તડકાનું ટેનશન ન ટાઢની ચિંતા. ખુશનુમા માહોલ વચ્ચે કુદરતી છતાં માણી શકાય એવી મસ્ત ટાઢક. લીલીછમ પ્રકૃતિનો રસ જ્યારે આંખ વાટે અંદર જાય ત્યારે ભલભલાના કલેજામાં ક્રિએટિવિટીના બીજ સ્ફૂરી ઊઠે. સીઝનલ કવિઓની આખી ફૌજ ઊભી થાય. હવે સમય થોડો અપડેટ થયો એટલે રીલ્સના રહુડિયાઓએ વીડિયોની હોડીમાં વિહાર કરવા નીકળી પડે. ડેમ ઓવરફ્લો થાય એ જોવા જાય ત્યાં પણ રીલ્સનું રેકોર્ડિંગ શરૂ થઈ જાય. ઘણી વખત જે તે જગ્યાએ એવા બોર્ડ વાંચીને આશ્ચર્ય થાય કે, જોખમી જગ્યા પર ખતરો કે ખિલાડીઓ(ખોટે)ને એટલી બુદ્ધિ તો નહીં જ હોય કે અહીંયા સેલ્ફી કે રીલ્સ ન બનાવાય. એટલા માટે જ બોર્ડ મૂકવા પડે. સીઝન હોય, શાંતિ હોય અને એ..યને મસ્ત માહોલ હોય એટલે એક રમત દર વર્ષે શરૂ થાય. આ ગેમ્સ હવે તો મોબાઈલમાં આવી ગઈ છે. એપ્લિકેશન સ્વરૂપે. દ્વાપરયુગથી રમાય છે પણ યુગે-યુગે એના સ્વરૂપ બદલાય છે. મહાભારતમાં પણ હતી. અત્યારે ભારતમાં પણ પોપ્યુલર છે. 

     જન્માષ્ટમી આવે એટલે સૌરાષ્ટ્રના ગામડાં ખૂંદવાનો મોકો મળે. એક ચોક્કસ પ્રજાતિ તો આ તહેવારના મહિનાઓ પહેલા એક જગ્યાએ ગોઠવાય જાય. 'વસ્તુ' તો મંગાવી શકાય નહીં કારણ કે શ્રાવણ મહિનો ચાલતો હોય એટલા માટે રમતના સાધનોનો બંદોબસ્ત એડવાન્સમાં થઈ ગયો હોય. પછી તો બેંકમાં પૈસા ગણવાનું મશીન જે ગતિએ પૈસા ગણે એમ એ ગતિએ વિતરણ થાય. ખેલાડીઓ ચોક્કસ સ્ટાઈલથી એને ઉપાડે અને પછી એવો પંખો બનાવે કે જાણે એમાંથી કરોડો રૂપિયાનો ઑક્સિજન મળવાનો હોય. અંતે હાર-જીતની ચર્ચાઓ મહિના સુધી ચાલે. કોણ ઊતર્યું અને કોણ ફાયદામાં એ માટે તો આ સીઝનમાં આ રમતના ખેલાડી વગર ડિગ્રીના ફેસ રિડીંગમાં પીએચડી થયા હોય એવો હિમાલય જેવડો આત્મવિશ્વાસ દેખાડે. હકીકતમાં તો આ રમત કાયમી થઈ ગઈ છે. નાના શહેરોમાં છાના ખૂણે રમાય અને રમાડાય છે. પછી જો જીતા વો સિકંદર જો હારા વો બંદર (બાતમીદાર). શેરમાર્કેટની પરિસ્થિતિ સમયાંતરે રોકાણકારો સાથે ગેમ રમી નાંખે છે. બાકી રાજરમત તો ગામેગામ કાયમી ધોરણે ક્યારેક ધીમી ગતિએ તો ક્યારેક વીજવેગે ચાલું જ હોય છે. ચૂંટણી નજીક હોય એવા સમયમાં તો ભારે રમત રમાય છે. વાયદાઓનો પિટારો એવો ખોલવામાં આવે કે, થોડો સમય તો એવું લાગે કે, આ ખેલાડી છે કે ઘરનો માણસ? પણ હકીકતમાં ઘરનો માણસ પણ એક ખેલાડી જ હોય છે. 

     ક્રિકેટ કે ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતોનું જોરશોરથી એલાન થાય છે. એ પહેલા એના સિલેક્શનમાં પણ ઘણી રમત રમાઈ ચૂકી હોય છે. પ્લેયર્સ માત્ર મેદાનમાં જ હોય એવું જરૂરી નથી. સમાજમાં પણ હોય અને સિસ્ટમમાં પણ હોય. ઓફટર ઓલ આવા ખેલાડી અંતે આવે છે તો આપણી આસપાસની જ સોસાયટીમાંથી. એટલે વધારે પડતા કોઈ રમતમાં ઊંડા ઊતરવું એ વ્યક્તિનું માનસિક ઑપરેશન કરવા જેવું થશે. જૂન મહિનો આવતા જ શિક્ષણ ક્ષેત્રે રમતો શરૂ થાય છે. ચોમાસામાં સારા વરસાદ પછી જે રીતે લીલું ઘાસ ચોતરફ ઊગી નીકળે એમ મે અને જૂન મહિનામાં બિલાડીના ટોપની જેમ શાળાઓ ઉઘડે. મેદાનના ઠેકાણા ન હોય તો પણ ક્યા જૂના વર્ષના ફોટો ટિંગાળીને વાલીઓ સાથે ગેમ રમવામાં આવે છે મારો રામ જાણે. આ બે મહિનામાં સ્ટેશનરીવાળાઓ પણ જબરા ખેલ પાડી દે. ડિસ્કાઉન્ટના નામે જૂનો ડુચો બટકાવી દે. એમઆરપીના સ્ટિકર તો દુકાને દુકાને નવા બનતા હોય એવું આજનું ચિત્ર છે. એક રમત તો એવી છે કે, ભલભલાને બોટલમાં ઊતારી દે. મોબાઈલ પર ફોરવર્ડ થતી લીંક. જેના પર ક્લિક કરો એટલે એક નંબર પૂછે અને પછી તિજોરૂનું તળિયું ખાલી બાકી રાખે. સિક્યોરિટીમાં આવી લોલમલોલ. સવાલ એ પણ થાય કે, આવા ભેજાબાજો પાસે નંબર આવતા ક્યાંથી હશે? નાનકડા નિરિક્ષણ પરથી કહું તો જે તે સોસાયટીઓમાં ચોપડામાં એન્ટ્રી કરાવવામાં આવે છે ત્યાંથી. કોઈને કોઈ તો આવા નંબરના ડીલિંગમાં હોય છે. 

     મીઠાઈની દુકાનથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગો સુધી એક રમતનું સાતત્ય અખંડ છે. ખોટું બોલવાની રમતનું. શરૂઆત અધિકારીથી થાય પછી એય ને ક્યાંનું ક્યાં પહોંચે કે ન પૂછો વાત. જન્માષ્ટમી પર જેનો બર્થ ડે આપણે જોરશોરથી ઉજવીએ છીએ એને પણ જુઠ્ઠ બોલવું પડ્યું હતું પણ એ બીજાની આજીવન ભલાઈ માટે હતું. બસ ફેર એટલો છે કે, અત્યારે લોકો 'મલાઈ' માટે બોલે છે. માખણથી લઈને મોલના રાશન સુધી મિલાવટની જબરી રમત ચાલે છે. સમયાંતરે પકડાઈ જાય છે પણ વેલિડિટી ઝડપથી પૂરી થઈ જાય છે. ફૂડ વિભાગના દરોડા હોય એક આયકર વિભાગના, સિક્યોરિટીના તળે અંદર કંઈક તો રમત રમાતી જ હશે. એટલા માટે જ કેટલાક હરામખાયાઓના નામ પબ્લિક જાણતી હોવા છતાં સરકારી ચોપડે નથી આવતા. ખેર આવી રમતોની યાદી મૂકીશું અને નિરિક્ષણ કરતા રહીશું તો રામરાજ્યની કલ્પના માત્ર બંધ આંખો પૂરતી સિમિત થઈ જશે. હકીકતમાં તો દેશને એક સશક્ત રાષ્ટ્ર બનાવવા માટેની તાતી જરૂર છે. બસ એના પાયામાં ભ્રષ્ટાચારની ઊધી ન હોવી જોઈએ. ચાલો ત્યારે ખોટી રમત રમવાનો વિચાર આવે ત્યારે રણછોડનું નામ લઈ જજો. હેપ્પી જન્માષ્ટમી. બસ આને જુગારાષ્ટમી ન બનાવી એ જ સાચી ઉજવણી. 



ઉફ્ફ યે મિલાવટ, ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ! લોગો કો લૂંટને કા યહી એક ફંડા હૈ

ઉફ્ફ યે મિલાવટ, ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ લોગો કો લૂંટને કા યહી એક ફંડા હૈ     એવું કહેવાય છે કે, અન્ન સમા પ્રાણ હોય છે. ભૂખ લગાડતા પેટના...