ઉનાળાની ગરમીમાં વધારે પડતી તરસ લાગે અને ઠંડા પીણા અને પાણી આપણે સૌ પી એ નહીં પણ ઢીંચી લઈએ. પાણી માત્ર તરસને તૃપ્ત કરવાનું જ સાધન નથી. યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પાણી શરીરને મળે એ જરૂરી હોય છે. તમામ ડૉક્ટર્સ એવું કહે છે કે, પાણી વધારે પીવું જોઈએ પણ હદથી વધારે તો કેરીનો રસ પીવો તો પણ ઉપાધી થઈ જાય. પીવાનું શુદ્ધ જળ દરેકને મળી રહે એ માટે સરકારથી લઈને સંસ્થાઓ સુધી દરેક મોટાએકમ પ્રયાસો કરે છે. વાત પાણીની આવે ત્યારે ચર્ચા શુદ્ધતાની થયા વગર રહે નહીં. વરસાદી પાણીને સ્ટોર કરીને એકથી વધારે ઉપયોગમાં લઈ શકાય છે. આ કોન્સેપ્ટ આપણે સૌએ કેરળના ઘર-પરિવાર પાસેથી શીખવા જેવો છે. કેચ ધ રેઈનનું સરકારી સુત્ર સાર્થક થાય તો વરસાદી દરેક ટીપૂ બચી જાય. વાત સાચી પણ વરસાદી ટીપાની શુદ્ધતાની કોઈ ગેરેન્ટી વોરંટી લેતું નથી. આ પણ હકીકત છે. પાણીમાં ટીડીએસ કેટલો એ પણ જાણવું જરૂરી છે. એ પહેલા ટીડીએસ એટલે શું એ સમજીએ. ટીડીએસ એટલે ટોટલ ડીસોલ્વડ સોલિડ. પાણીમાં મેલ્ટ થયેલા કુલ પદાર્થ જેમ કે, ખનિજ, ધાતુ, ખારાશ જે પાણીની ગુણવત્તાનો સંકેત આપે છે. આ ટીડીએસ 0થી 50 હોય તો એ પાણી અતિશુદ્ધ ગણાય. જેમાં જરૂરી મિનરલ્સ ઓછા હોય છે. ટૂંકમાં આરોનું પાણી.
50થી 150 ટીડીએસ હોય એને સૌથી બેસ્ટ પાણી કહેવામાં આવે છે. પીવા માટેનું આ પાણી દરેકને મળવું જોઈએ. 150થી 300 ટીડીએસ હોય એ પાણી સારૂ ગણાય પણ પીવાલાયક ન ગણાય. 300થી 500નો ટીડીએસ હોય એ પાણી સારૂ હોય પણ સ્વાદ જીભને પોસાય એમ નથી. હવે 500થી ઉપર જાવ એટલે ગટરનું પાણી સમજી લો. હવે દરિયામાં પણ પાણી છે અને નદીમાં પણ પાણી છે. નદીનો એરિયા દરિયા કરતા નાનો છે. પણ દરિયાનું પાણી સીધું મોઢે મંડાતું નથી. શરીરમાં 60 ટકા પાણી હોય છે. પ્રકૃતિ પાસે પણ પાણી ખૂબ જ છે. ઘણાને કોનું અને ક્યાંનું પાણી હોય એ જ ખબર નથી પડતી જે સમયાંતરે ઊભરાતા હોય છે. પછી ખાખીધારીઓ એનું પાણી ઊતારી દે. ઘણા ક્ષમતા કરતા વધારે ફાંકા ફૌજદારી કરે ત્યારે એનું પાણી મપાઈ જાય. હવે પીવાના પાણીની માત્રા મર્યાદિત છે. પણ હવે કોઈ એવું કહે કે હવામાંથી પાણી બની શકે તો? હા, આ અશક્ય લાગતી વાત ચેન્નઈમાં શક્ય બની છે. આઈઆઈટી મદ્રાસની ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીમાંથી એક ટીમે હવામાંથી પાણી બને એવું મશીન તૈયાર કર્યું. જેમાંથી નીકળતું પાણી સીધુ જ પી શકાય છે.
આ ટેકનોલોજીને કહેવાય છે એટમોસ્ફેરિક વોટર જનરેટર. જે રીતે વૃક્ષના પાન હવામાંથી ભેજ અને પાણી શોષે છે એ જ મેથળ પર મશીન તૈયાર કર્યું. એક સપાટી પર હવામાંથી ભેજ ભેગો કરી એક ટાંકીમાં ભેગો કરી એ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. પછી એમાં જરૂરી મિનરલ્સ યોગ્ય માત્રામાં ઉમેરીને આ પાણીને ગળે ઊતારવા લાગક બનાવવામાં આવે છે. આ મશીનથી દૈનિક ધોરણે 400 લિટર પાણી જનરેટ થાય છે. આ મશીન ચેન્નઈની કેટલીય જગ્યાઓ પર લગાવવામાં આવી છે. આપણે ત્યાં પાણીના પરબ બંધાય છે. પણ સાફ થાય છે એવો દાખલો જૂજ હોય છે એના બદલે આવી મશીન સેટ કરવામાં આવે તો ફાયદો થાય. હા. આ મશીનને પણ પાંજરે પેક કરીને રાખવી પડે. કારણ કે આપણે ત્યાં જાહેર પરબમાં લોકો ગ્લાસ પણ મૂકતા નથી. ચેન્નઈની ઘણી સ્કૂલમાં આ મશીન લાગેલી છે. આ હવાઈ પાણીનો ટેસ્ટ હવે ચેન્નઈ જાવ ત્યારે કરજો. મશીનની ખાસ વાત એ છે કે, મશીન એસીના આઉટડોર જેવું કામ કરે છે જેની પાઈપિંગ અંદર હોય છે.
30 લીટરનું મશીન એક પરિવારમાં જોઈએ. એટલે આ હિસાબથી ફરીથી આ મશીન તૈયાર કરવા માટે ટીમ લાગી ગઈ. આનાથી થયું એવું કે દરેક પરિવાર પાસે પીવાના પાણીનો પર્સનલ સોર્સ ઊભો થયો. એટલે ન કોર્પોરેશનના પાણીનો ઝંઝટ ન પાણીની બોટલનો ખર્ચો. ઘરે જ પાણીનું સર્જન અને પછી મોઢામાં વિસર્જન. 10 વર્ષ સુધી આ મશીન કામ કરે છે. એટલે વર્ષે સર્વિસ અને મેઈન્ટેનન્સનો માત્ર 3000 રૂપિયાનો ખર્ચો. હવે આ ટીમ દૈનિક ધોરણે 2000 લિટર પાણી આપે એવી મશીન તૈયાર કરી રહી છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ સમગ્ર મશીન સોલાર પેનલ પર ચાલે છે. એટલે કે, નો ઈલેક્ટ્રિસિટી. એક દિવસમાં 8000 ગ્લાસ પાણી તો ઓછામાં ઓછું મળે એ. હવે એ પણ જાણી લો કે પાણી ક્યારે પીવું જોઈએ. સવારે ઊઠીને (ગરમ પાણી પીવો તો સૌથી બેસ્ટ), જમવાના અડધો કલાક પહેલા, જમવાનું ચાલું હોય ત્યારે વચ્ચે પી શકો, જમ્યા પછીની 45 મિનિટ બાદ, કસરત કર્યાના 30 મિનિટ બાદ, રનિંગ કર્યાના 40 મિનિટ બાદ, સૂવા જાવ ત્યારે ઓછામાં ઓછા બે ગ્લાસ. હા, ગરમીની સીઝનમાં ગરમ પાણી ન પીવું જોઈએ. પણ ચીલ પાણી પણ ન પીવું જોઈએ. સૌથી બેસ્ટ માટલાનું પાણી. હા, મશીન તૈયાર કરનારી ટીમ પાછળ ટી પ્રદીપ, રમેશ સોની અને અંકિત નાગરનું ભેજું છે. વાહ મેરે દોસ્ત...ચલો હવે હું પણ પાણી પી લઉં.
No comments:
Post a Comment