જોઈએ છે...કળયુગમાં એક કૃષ્ણ
અષ્ટમી દર મહિને આવે છે પણ જન્માષ્ટમી સૌથી અલગ દિવસ છે. આઠમ દર માસમાં આવે છે પણ ગોકુળ આઠમની વાત કંઈક ઔર હોય છે. એક એવા ઈશ્વની વાત જેણે અખંડ બ્રહ્માડમાં બાળપણથી જ ડંકા વગાડી દીધા હતા. દેવ અને દેવોના પણ દેવે એના કર્મ, ફરજ, ડયૂટી અને કર્તવ્યને લીલા કહીને સ્વીકારી છે. કૃષ્ણ એટલે એક યુનિવર્સિલ ગોડ, એક એવો ભગવાન જેને તુ કહીને સંબંધી શકાય અને કોઈપણ ભાવમાં સ્વીકારી શકાય. બસ, આ ભાવ આપણો પોતાનો હોવો જોઈએ અને સાચો હોવો જોઈએ. પ્રેમ છે ત્યાં પરમેશ્વર છે જ પણ પ્રેમના નામે પાખંડ થાય ત્યારે પરાક્રમી યોદ્ધા બનીને એ આવે. કૃષ્ણ અત્યારે અવતરે નહીં પણ પરિસ્થિતિનું સર્જન તો એ જ કરી શકે. કૃષ્ણ એટલે રાસ રમી શકે અને જિંદગીના હેતુને પણ રસપ્રદ રીતે સમજાવી શકે. પોલિટિક્સ ન કરે પણ પોલિટિકલી પ્રયાસ કરીને પરિણામનો સંકેત પહેલા આપી દે, જો ઓળખતા આવડે તો. કૃષ્ણ વિશે પોથી અને થોથા ભરીને લખાયું છે, લખાય છે અને દર વર્ષે લખાશે.
જન્માષ્ટમી પર્વ એટલે શ્રાવણોત્સવનો કેન્દ્રીય મહોત્સવ. સાતમ-આઠમ અને નોમ એમ ત્રણ દિવસનો તહેવાસ સૌરાષ્ટ્રમાં દાયકાઓથી દિલ ખોલીને ઉત્સાહ સાથે મનાવાય છે. એમાંય રાજકોટ તો ગોકુળીયું ધામ બની જાય. રેસકોર્સમાં મેળો અને મેળાની મજા, મજાની વાત એ છે કે, દર વર્ષે આ મેળમાં કંઈક નવું ફીલ થાય. આની આખી વાયબ્રન્સી અલગ હોય. વાસુદેવ પુત્રના આગમની તૈયારીઓ જોરશોરથી થાય. વિશેષ ટ્રેન દોડાવાય, એ ય છેક ડાકોરથી દ્વારકા સુધી. માત્ર રાજકોટ જ નહીં આઠમનું પર્વ આખા દેશમાં એક અનોખા ઉત્સાહ સાથે ઉજવાય, સેલિબ્રેટ થાય અને સ્પિરિચ્યુલ આનંદ આપી જાય.ઓખાથી લઈને ઓડિશાના પૂરી સુધી અને દિલ્હીના ઈસ્કોનથી લઈને ચેન્નઈના કૃષ્ણમંદિર સુધી. આખું ભારત જાણે નંદનવન બન્યું હોય એવો માહોલ હોય. મથુરામાં તો માણસો સમાય નહીં એટલી ભીડ. પણ ભગવાન એક સવાલ છે કે, આ એક જ દિવસ આખું ભારત કેમ નંદનવન બને છે? કાયમી ધોરણે આને નંદનવન ન બનાવી શકાય? માખણ પ્રિય માધવ, આજે ભેળસેળીયા ઉદ્યોગ ધમધમે છે. માખણ એટલું મોંઘુ થયું છે કે, મધ્યમવર્ગને માંડ માંડ ભેગુ થાય છે. એવામાં કંઈક એવો ચમત્કાર ન થાય કે, દૂધ સસ્તુ થાય અને તારૂ માખણ દેશના દરેક બાળકને જન્મથી બાર મહિના સુધી ફ્રીમાં ખાવા મળે.
પ્રભુ તમે તો ભક્તોના ભાવને પ્રાયોરિટી આપનારા. પણ ભાવ નામ કાને અથડાતા પછીનો શબ્દ વધારો હવે જાણે કાયમી બની રહ્યો છે. મોંઘવારીના સેંસેક્સ કડાકો બોલતો જ નહીં. અહીંયા તો કાયમ હાયર અને અપર સર્કિટ જ લાગેલી હોય છે. ગાયના નામ મત ઉઘરાવી જાય પણ ગાય સુરક્ષા અને વ્યવસ્થા માટે રસ્તે આંદોલન થઈ જાય. ગોપાલ પ્રભુ, તમે પણ ગાયો ચરાવતા ત્યારે કેટલી સરસ વ્યવસ્થા હતી. અત્યારે વ્યવસ્થાના નામે 'વહીવટ' છે. એ ય પાછો ઉત્તમ છે. બાળપણ રમવા હોય, જલસો કરવા માટે અને જ્ઞાનપ્રાપ્તિ માટે પણ હોય. રમવાની વાત આવી એટલે જન્માષ્ટમીના દિવસોમાં જ એક ચોક્કસ પ્રકારની રમત ઘર-ઘરમાં શરૂ થાય. આ માટે તો ખાસ ઘર અને જૂના મકાનોને રંગરોગાન કરીને ચોખ્ખા ચણક કરવામાં આવે. ત્રણ ત્રણ દિવસ સુધી હાથમાં પંખો બનાવીને એવું રમે જાણે ઘરે ઘરે ખેલમહોત્સવ ચાલતો હોય. શાસ્ત્રોમાં આનો તો ક્યાંય ઉલ્લેખ નથી. તારી લીલામાં એટલું ખરૂ કે, મથુરા નગરીમાં રમતા રમતા યમુના નદીમાંથી કાળીયા નાગને તમે તમારા પગ નીચે નચાવ્યો અને તમે પણ હાઈક્લાસ નૃત્યુ કર્યું. કળયુગમાં આવા નાગ દરેક શેરી-મહોલ્લામાં છે. યુમનાના બદલે જાહેરમાં છે.
આને નાથવા માટે એક એવા કૃષ્ણ જોઈએ છે જે ક્રૂર ન હોય પણ કડક હોય. પરિણામ ભલે ન બદલે પણ પરિસ્થિતિને પલટાવે. પોતે ભલે ઉપર બેઠા બેઠા કાંડ જોવે પણ નિર્દોષ કચડાય નહીં એ પણ ખાસ જોજો પ્રભુ. આઠમ આવે ને લાલો યાદ ન આવે એવું તે કેમ બને. કૃષ્ણના નામની નામાવલી ખોલીએ તો ડિક્શનરી પણ ટૂંકી પડે. દરેક ઘરમાં લાલો પૂજાય. નાના બાળકને લાલનો બનાવાય. પણ હે ઓરિજિનલ લાલા. આ કળયુગમાં કેટલાક શિક્ષણદાતાઓ એવા છે જે લાલાને જાણે કંસ સમજીને ઢીબી નાખે છે. તારા યુગમાં સોશિયલ મીડિયા હતું નહીં એટલે તને અત્યારનો આઈડિયા નથી. પણ એ સમયે તારી પાસે લાઈવ સેટેલાઈટ કરતા પણ અઘરી અને અસાધારણ ટેક્નોલોજી હતી. વેવલેન્થ ઓફ માઈન્ડ. થોટ પ્રોસેસ શરૂ થાય ત્યારથી તને ખબર પડી જાય. બસ કળયુગમાં અમારે આવા શિક્ષણદાતા નથી જોઈતા. જે સોટી વાગે ચમચમ કરીને ચામડા ચીરી નાખે છે. આમા વિદ્યા તો આવી કે નહીં એની ખબર નથી પણ વિધ્ન એવું ઊભુ થાય છે કે, આખા શિક્ષણજગતમાં દેકારા થાય છે. ગોપીભાવે ભક્તિ કરનારાની વચ્ચે તું રહે છે. ઊભો રહે છે. વાયબ્રન્ટ વાસળી વગાડે છે પણ આ ભક્તિ માર્ગમાં પણ કેટલાક બાબા-બેબી, સ્વામી-મહારાજ તારો જાણે કોપીરાઈટ લઈને બેઠા છે. શાસ્ત્રોના નામે મારાહાળા પોતાના મનનું ધાર્યું કરાવી જાય. દક્ષિણા લેવા આવ્યા છે કે ડીલ કરીને ડૉલર જેટલું વસુલ કરવા આવ્યા છે એ જ સમજાતું નથી.
ઓશો રજનીશ એવું કહેતા કે, કૃષ્ણ શાશ્વત છે. જીવનને રસપ્રદ કરે અને જીવનને એક સેલિબ્રેશનની જેમ ઉજવે. પ્રભુ રાધાજી કેટલા પાવરફૂલ હતા એ તમે જાણો છો, પણ આજે ઘરમાં રાધાજી આવે તો રીસ કેમ લોકોને ચડે છે એ સમજાવજો. ઘરે ઘરે કૃષ્ણ જોઈએ છે પણ દેવકી,યશોદા કે વાસુદેવ કેટલાને થવું છે? માત્ર લડવાનો ભાવ મોટો થયો પણ સનાતન રહેવાનો અને સત્ય પર ટકી રહેવાની કસોટી નીટની પરીક્ષા કરતા અઘરી થઈ ગઈ છે. ફળનું વિચારીને કામ કરનારા વધ્યા કદાચ એટલે જ કામ પરનું ફોક્સ ખસી ગયું. એટલે જ પરિણામ થોડું બ્લર આવે છે. બસ હવે પ્રભુ આ બ્લર વાળી સિસ્ટમ જ દૂર થાય તો કેવું સારૂ. પ્રયાસને પોંખનારા વધે અને પરિણામને તારૂ ફળ માનનારા વધે તો કોઈ નાપાસ થાય તો પણ નાસીપાસ ન થાય. ગુજરાતમાં તો કૃષ્ણ તમે એક ગ્રીટિંગ્સ છો. અજાણ્યાના મોઢે પણ જય શ્રીકૃષ્ણ નીકળે અને જાણીતા જતા જતા પણ જય શ્રીકૃષ્ણ કહેતા જાય. જીવનમાં તને પણ રડવું આવ્યું છે, અફસોસ થયો છે અને કર્મનું ફળ પણ મળ્યું છે. બસ અમારા સૌના કર્મ સિદ્ધ થાય, સમસ્યા ઊભી કરવા કરતા સતકર્મ કરીએ, વિધ્ન ઊભુ કરવા કરતા વાસુદેવનંદનનું નામ લઈએ, માખણમાં મિલાવટ કરતાને મોરપીંછનો સ્પર્શ લાગી જાય અને ભારતમાં જન્મતું દરેક બાળક કૃષ્ણ અને રાધા બની જાય. મીરાં જેવી ખ્યાતિ પામી જાય. જવાબદારી લઈને પણ જલસો કરી જઈએ. એ જ તારા ચરણોમાં પ્રાર્થના. હેપ્પી બર્થ ડે મારા વ્હાલા. કાન્હા. હું એ ગીત બિલકુલ નહીં ગાવ કે, કાન્હા સોજા ઝરા. હું એટલું જ કહીશ કે, તું જાગતો રહેજે જેથી તારી ભક્તિ કરવા હું બીજા દિવસે સ્વસ્થ થઈને ઊઠી શકું. કારણ કે ભક્ત વગર તો તું પણ અધૂરો છે.
આઉટ ઓફ ધ બોક્સ
દરેક માણસને કંઈકને કંઈક ખૂટતું હોય છે. પણ આ અધુરપને પણ મધુરપ બનાવીએ તો મથુરાધીપતિ મનમોહન થઈને ક્યારેક મળી પણ જાય. એનો સાક્ષી ભાવ જોઈએ પણ આપણે માગણી ભાવની સર્કિટ લઈને બેઠા છીએ એટલે બાંકેબિહારી બિન્દાસ્ત બેઠા છે. મળવાના થનગનાટ કરતા.