બાર આનાના છોલે ભટુરેઃ બ્રેકફાસ્ટનું અવુનવું
ડિસેમ્બરથી ફેબ્રુઆરીની સીઝન દેશભરમાં હરવા-ફરવા માટેની બેસ્ટ સીઝન માનવામાં આવે છે. સામાન્ય રીતે તો ઓક્ટોબરથી ટ્રાવેલ સીઝન શરૂ થાય છે જે ફેબ્રુઆરી સુધી ચાલે છે. એ પછી એપ્રિલના વેકેશનમાં પ્રવાસની મૌસમ ખીલે છે. વાત જ્યારે હરવા-ફરવાની હોય ત્યારે પેટની ચિંતા કર્યા વગર પેન્ટના કે મોબાઈલના ખિસ્સામાં રહીને (બજેટને ધ્યાને રાખી) મોજ કરવાનું આયોજન થતું હોય છે. દરેક શહેરની એક તાસીર હોય છે. દરેક વ્યક્તિની શરૂઆત સવારથી થાય છે એમાં પણ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં મુંબઈથી લઈને મોહાલી સુધીના તમામ નાના-મોટા એરિયામાં ચા સામાન્ય છે. ચા સાથે આવતી દરેક વસ્તુ બદલાયા કરે પણ ચા ફિક્સ. અમુક લોકો નથી પીતા એ અલગ છે.
ચા ના નામથી કાર્યક્રમો ગોઠવાય, ચર્ચા થાય અને ચૂંટણીમાં જીતી પણ શકાય. એક ચા થી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ જેવી મોટી રાજકીય પાર્ટીઓએ સત્તાસ્થાન માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આમ આદમી પાર્ટી સુપ્રીમો અને વિવાદીત અરવિંદ કેજરીવાલ એ વાતનો ફાયદો ઊઠાવે છે કે, કોંગ્રેસ પાસે ચહેરો નથી અને ભાજપ પાસે દિલ્હીવાસીઓને જોડે એવી બેજોડ પોલીસી નથી. જોકે, લીકરકાંડ અને શિક્ષણમાં ભ્રષ્ટાચારથી ગંદી રીતે મેલી થયેલી આમ આદમી પાર્ટીની છબી પર લોભામણી સ્કિમ કેવી અને કેટલી કામ કરશે એ પરિણામના દિવસે ખ્યાલ આવશે. આ વખતે દિલ્હીવાસીઓ ક્યા નેતા પર વેલેન્ટાઈનનું વ્હાલ કરશે એ સ્પષ્ટ થશે.આ વિધાનસભા ચૂંટણીની પ્રચાર યાત્રામાં જે જોવા મળ્યું એ હતા છોલે ભટુરે. મોટા કહેવાતા નેતાઓ પણ દાંત મારી મારીને ખાતા હતા અને કવરેજ માટે પહોંચેલા પત્રકારો પણ છોલેનો ટેસડો કરતા હતા. આમ તો નેતાઓ ખાતા જ હોય છે એ કંઈ સ્પષ્ટ કરવાની જરૂર નથી. શું ખાય છે એ પણ કહેવાની જરૂર નથી. પણ પ્રચારયાત્રામાં છોલે ભટુરે પણ પિન ચોંટી ગઈ. જેટલું વૈવિધ્ય દેશની સંસ્કૃતિમાં છે એનાથી ક્યાંક વધારે દેશના દરેક શહેરની થાળી-સ્ટ્રીટ ફૂડ અને બ્રેકફાસ્ટમાં છે. દિલ્હી માત્ર દેશની નહીં પણ બ્રેકફાસ્ટનું પણ કેપિટલ સિટી છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. દિલ્હીના નાસ્તામાં સવારે છોલે ભટુરે મળે છે. આપણા ગુજરાતીઓ દિલ્હી ફરે ત્યારે છોલે મંગાવે એની પહેલા ચા-પૂરીનો મેળ કરી છે.
છોલે ભટુરેમાં પૂરી આવે અને ચાનો મેળ થઈ જાય એટલે મોજ આવી જાય. વાત જાણીને નવાઈ લાગશે કે, સવારે 7 વાગ્યે ગરમા-ગરમ નાસ્તો મળી રહે એ માટે ચાંદનીચૌકની દુકાન સવારે 3.30 વાગ્યે ખુલી જાય છે. છોલે ભટુરે ઓરિજિની ક્યા શહેરની ડીશ છે એ અંગે જુદા જુદા મત છે. પાકિસ્તાનના લાહોર સિટીવાળા કહે છે છોલે ભટુરે અમારી ઉપજ છે. હરિયાણાવાસીઓ કહે છે સૌથી પહેલા પૂરી સાથે છોલેચણા અમે શરૂ કર્યા. યુપીના લખનૌ અને સીતાપુરના ફૂડ સ્ટાર્ટઅપ વાળા કહે છે છોલે પૂરી અમારી ડીશ છે. પણ દિલ્હીમાં છોલે ભટુરેના મૂળીયા ઊંડા છે.
દિલ્હીમાં સ્વાદિષ્ટ આ વ્યજંન બનાવવાનો શ્રેય સીતારામ દિવાનચંદ નામના વ્યક્તિને જાય છે. સીતારામજી પોતાના પુત્ર દિવાન સાથે દિલ્હી આવ્યા હતા. આ બન્ને પિતા-પુત્રએ બનાવેલી પહેલી છોલે ભટુરેની ડીશનો ભાવ હતો માત્ર બાર આના. એટલે કે માત્ર 75 પૈસા. સમય વીતતો ગયો અને દિલ્હીના મોર્નિંગ બ્રેકફાસ્ટમાં છોલે ભટુરેએ સ્થાન અચલ કર્યું. લોકોના દાઢે વળગી આ થાળી. હવે બ્રેકફાસ્ટ કલ્ચર દરેક જગ્યાએ અલગ અલગ છે. પણ અમદાવાદમાં ખાસ કોઈ બ્રેકફાસ્ટ નહી સ્નેક અને ફાસ્ટફૂડ કલ્ચર છે. સૌરાષ્ટ્રના કોઈ પણ ગામે કડક મીઠડી ચાનો સબડકો મારો એટલે ઊંઘ ઊડી જાય. કાઠિયાવાડીમાં કહું તો નીંદર ભાગી જાય. સુરેન્દ્રનગરની હદમાં પ્રવેશો એટલે સવારના 6 વાગ્યામાં ગરમાગરમા ગાંઠિયાની સુગંધ નાકને કાપાલભારતી પ્રાણાયમ કરાવે. જે જીભ સુધી વિસ્તરે.
ભાવનગર તો ગાંઠિયાનું કેન્દ્ર. આ એકમાત્ર શહેર છે જેના નામ પરથી ગાઠિયા વેચાય છે. યસ ભાવનગરી ગાઠિયા. બાર ગામે બોલી બદલાય પણ અહીંયા તો આખેઆખી થાળી અને રેસિપી બદલાય. સુરેન્દ્રનગર વટો (આગળ જાવ) એટલે ગાંઠિયાનું સ્વરૂપ ફરી જાય. એનો નવો અવતાર ફાફડા અવતરે. જે હોય રેલગાડીના પાટા જેવા જાડા અને એની સાથે સાંજે પીવાતી કઢી સવારના પહોરમાં પીરસાય. ચોંકી ન જતા પપૈયાનું મીઠું ખમણ (જે રીતે બટાટાની ફ્રેન્ચફ્રાઈ હોય એવું) એકમાત્ર જામનગરમાં જ મળે છે. એમ તો સુરત અને અમદાવાદમાં જામનગરના ઘુઘરા મળે છે પણ એમાં પણ કસ્ટમાઈઝડ. ઓરિજિનલની વાત આખી અગલ છે. અમદાવાદનું મસ્કાબન કલ્ચર છેક દાહોદ અને ઈન્દૌર સુધી ફેલાયું છે. જ્યારે રાજકોટમાં ભાખરી-પરાઠામાં અન્નકુટ જેવી વેરાઈટી મળે છે. જ્યારે સુરતમાં ખમણ, ઢોકળા અને લોચો દિવસની શરૂઆત કરાવે છે. ખેર, જીવનના દરેક ક્ષણે ટેસ્ટ માણી લેવો. કારણ કે, પેટ પાપી નથી હોતું વિચાર પાપી હોય છે. હવે પૌઆ, ઈડલી, ઢોસા સ્થાન લઈ રહ્યા છે. થેપલા માત્ર ટ્રાવેલિંગ ફૂડ તરીકે મર્યાદિત થયું છે. હા, રાજસ્થાનના કોઈ પણ સિટીમાં જાવ તો બડી કચૌરી ટ્રાય કરવા જેવી છે.
No comments:
Post a Comment