Wednesday, November 13, 2024

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

 ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

      9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્યવસાયમાં કામ કરતી યુવતી અકાળે મોતને ભેટી. આઘાતનો સ્ટ્રોક ખાઈને ખમી ગયેલા એના માતા-પિતાએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે, ડ્યૂટી પૂરીને દીકરી ક્યારેય પાછી ઘરે આવશે જ નહીં. હિંસા અને હોબાળાથી ભરપૂર આ મહાનગરની ઘટનાએ દેશ-દુનિયામાં ફરી આપણી નારી સુરક્ષાના મુદ્દા સામે ડાચું બગાડ્યું. દૂધના ઊભરા જેવા સોશિયલ મીડિયામાં સમગ્ર પુરૂષજાત સામે વિરોધનો દાવાનળ એવો ફૂટ્યો કે, 48 કલાક સુધી ટ્રેન્ડ રહ્યો. દીકરીના ફોટા પરથી ઓળખ જાહેર થઈ ગઈ. શરીર ભૂખ્યા ઝોંબીને પણ પકડી લેવામાં આવ્યો. એ આખી ટોળખી તપાસના દાયરાામાં લોક થઈ ગઈ. દીકરીના વ્યવસાયને એના જ વ્યવસાય મંડળે એવો ટેકો આપ્યો કે, ગામેગામ-મહાનગરમાં એના ડંકા વાગ્યા. એક દિવસ કામથી દૂર રહીને વિરોધ નોંધવામાં આવ્યો. આટલું વાંચ્યા બાદ કોઈ વિચાર આવતો હોય તો એ આપની કલ્પનાનો ટ્રેક સત્યના પંથે છે. યસ, આર.જી.કર હોસ્પિટલ, કૉલકાતા. દુષ્કર્મ કાંડ. પાક્કા ત્રણ મહિના બાદ એ જ વ્યવસાયના કેટલાક હરામખાયા ધનપ્યાસી તબીબોએ ગુજરાતમાં કોઈના પેટની તો કોઈના હૈયાની પથારી ફેરવી. નામ ખ્યાતિ હોસ્પિટલ અને કામ સરકારી યોજનાના માધ્યમથી પૈસા ખંખેરવાનું. 

     આખો ઘટના ક્રમ શું હતો એ તો સૌ જાણે છે. ગુજરાત રાજ્યને વિકાસનું ઉદાહરણ કેવું હોય એ આઈકોન તરીકે ઉપસાવવામાં આવે છે. સારી વાત છે ઈન્ફ્રાં.થી એજ્યુકેશન સુધી બધું જ સલામત છે. શ્રેષ્ઠ છે. બસ ખિસ્સું પાવરફૂલ હોવું જોઈએ. એમાં લક્ષ્મીકૃપા કાયમી હોય તો શક્તિકૃપાથી કોઈ પણ શરણે થઈ જાય. જ્યારે કોલકાતામાં ન બનવી જોઈએ એવી ઘટના બની એ સમયે આખા દેશમાંથી ડૉક્ટરો એકમત થઈ ગયા હતા. વાહ... સલામ છે આ વ્યવસાયના લોકોની એકતાને..પણ જ્યારે એમના જ વ્યવસાયના કેટલાક અપવાદના અજગરો આવા કાંડ કરે ત્યારે એમની સામે કોઈ જ રેલી નથી નીકળતી. એમના ઘરની નેમપ્લેટ પર કોઈ કાળી પટ્ટી પર મારવા નથી જતું. માત્ર એક નાનકડી નોટિસ અને સસ્પેન્ડ. સસ્પેન્ડ એટલે અડધો પગાર ઘરે બેસીને ખાવાનો અને અડધા પડખે સુવાનું. આ એ જ માઈલા ડૉક્ટરે છે જે સિસ્ટમ સામે પોતાની માંગ સામે લડી લેવાના મૂડમાં હોય છે અને ગર્ભપરિક્ષણ છુપી રીતે તો કરતા જ હોય છે. જાહેરમાં વાત યોગ, ફિટનેસ અને ફ્રેશફ્રુટ ખાવાની કરતા હોય અને પ્રિસ્ક્રિપશનમાં એક પણ જીનેરિક દવા ન લખતા હોય. આવું તો દૈનિક ધોરણે થતું જ હશે. પણ કોઈ ભોપાળું બહાર ફૂટે એટલે બધાને રેલો આવે.

      સ્કૂલનો સમય પૂરો થયા બાદ નૈતિકતાનું માનસિક વિસર્જન થઈ જાય છે. મેડિકલની ફી સામાન્ય માણહને પોસાય એમ નથી એટલે જ્યારે એમાંથી જે તે વ્યક્તિ પાસ થાય છે ત્યારે એ પણ ભરેલા પૈસા એમ ઊભા થાય એની જ ફિરાકમાં હોય છે. વાત બિલકુલ સાચી છે કે, બધા એવા નથી હોતા. એવા જે હોય છે એને બીજાની શરમ પણ નથી હોતી. સિસ્ટમ જૂની અને જાણીતી કેસેટ વગાડશે કે, બેદરકારી બદલ કોઈને છોડવામાં નહીં આવે. સારૂ. એ પહેલા પણ પકડો તો ખરા.! ભૂગર્ભમાં ઊતરી ગયેલાના શ્યામલક્ષ્મી (બ્લેકમની.. યુ નો)  ધારકોને કોઈ ફેર પડતો નથી. બ્લડપ્રેશર હોય એ મીઠું ખાય તો એને પ્રેશર વધે, ડાયાબિટિઝ હોય અને વધારે પડતું મિષ્ઠાન ખાવ તો મુશ્કેલી ઊભી થાય. પણ એક સવાલનો જવાબ ગૂગલમાં પણ ગોત્યે જડતો નથી કે, આવા હરામખાયાઓ હરામનું ખાય એને કેમ એક ચોક્કસ સમય સુધી કંઈ થાતું નથી? આવા કાંડ ઉઘાડા પડે ત્યારે પહેર્યા કપડાં એમની ઈજ્જત ઊતરે. પછી ભૂગર્ભ રસ્તો શોધીને બીજે હાટડીઓ ખોલે. આવા લોકો કંઈ કાયમી ઘરે બેસે એવા હોતા નથી. સામે સિસ્ટમ પણ એવી ઉદાહરણ બેસાડી શકાય એવી સજા આપતું નથી એટલે ભક્તિ ચલતી હૈ. હવે જે પરિવારના ઘરમાંથી એક જીવ કાયમી ધોરણે ચાલ્યો ગયો એનું શું? પૈસાનો ઢગલો કરીએ તો પણ એનું ફરી અવતરણ તો થશે નહીં.

      મલ્ટિ ફેસેલિટી ધરાવતી હોસ્પિટલનો નજારો જોઈએ તો હોટેલ પણ ટૂંકી પડે. કાચનો દરવાજો ખોલો એટલે એ દર્દી (એમના માટે ગ્રાહક)ના ખિસ્સા નહીં બેંકની તિજોરીઓ ખેલાવી દે. ભાત-ભાતના ટેસ્ટ લખીને શારીરિત પરિક્ષણની સાથે માનસિક પરીક્ષણ કરતા હોય એવું લાગે. ટેસ્ટના લિસ્ટમાં તૂટી જતી અને હેરાન થતી પ્રજાની દયા કોઈને આવતી નથી. આવી હોસ્પિટલની પાછી શરત એ હોય છે કે, એમની જ મેડિકલ દુકાનમાંથી દવાઓ લેવાની. બહારના જનઔષધી કેન્દ્રના પ્રિસ્ક્રિપ્શન લખે તો તમને મળે ને? સરવાળે ગમે ત્યાંથી ઘી ઢોળાય પડે તો ખુદ નામની ખિચડીમાં જ. મેડિકલને મફત કરવાનો પ્રયાસ ઉત્તમ છે. પણ આવી ગટરછાપ માનસિકતા હોય ત્યાં દુર્ગંધના સ્ત્રોત શોધવા ન પડે. હરામની રેવન્યૂ રોડ પર ભલે લાવી તે પણ ભેગું સરસ કરાવી આપે છે. બસ, ઈમાનદારીને લોક કરી રાખવાની. મફતની સેવા પાછળ પણ હેતું તો મતનો જ હોય છે. ચૂંટણીસ્પર્શી એજન્ડા અને બેકપ્લાન માટે આવી ખખડી ગયેલી પોલીસી હોય ત્યાં સામાન્ય પ્રજાને હક માટે પણ સંઘર્ષ કરવો પડે. આ હકીકત છે. ખેર, હવે ફ્રિ કેમ્પમાં જતા પહેલા સો વખત વિચારવું પડશે. બાકી આવા ધોળા લૂંગડાવાળા ધારે તો ખરા અર્થમાં સેવા કરી શકે.

1 comment:

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...