Wednesday, May 30, 2018

વિદેશયાત્રાઃ મે તો યહા રિશ્તા જોડને આયા હું

વિદેશયાત્રાઃ મે તો યહા રિશ્તા જોડને આયા હું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા પર આવ્યા બાદ કુલ 41 દેશની મુલાકાત લીધી છે. જેમાં કેટલાક એવા પણ દેશ છે જ્યાં મોદીએ બે વખત મુલાકાત લઇને સંબંધને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબુતી આપી છે. જોકે, એ વાત જુદી છે કે, વિદેશયાત્રા કરવામાં અત્યાર સુધીના તમામ વડા પ્રધાનમાં મોદીજી મોખરે છે. કોઇ પણ બે દેશના નેતા એકબીજા સાથે મુલાકાત કરે ત્યારે સમગ્ર દુનિયાની નજર તેના પર હોય છે. એવામાં ચીનની બાજ નજર તો ભારતના દરેક પગલા પર હોય છે. ખાસ કરીને જ્યારે પીએમ મોદી ઇન્ડોનેશિયા, મેલશિયા અને સિંગાપુરની મુલાકાતે છે ત્યારે આ યાત્રાનું આખુ ગણિત જુદુ છે.

ઇઝરાયેલ અને ઇન્ડોનેશિયાની મુલાકાતથી કેટલાક મોટા દેશ કાયદેસર ચોંકી ઊઠ્યા છે. સિંગાપુરમાં યોજાનારા શાંગરી સમેલનમાં મોદી ભાગ લેવાના છે. આ સિંગાપુરના મંચ પરથી મલેશિયા સાથેને સંબંધો તાજા થશે. પણ આ યોજનાથી ચીનનું મૌન અનેક સવાલ કરે છે. અત્યાર સુધીમાં જેટલા પણ દેશમાં મોદીએ મુલાકાત લીધી ત્યાં સૌ પ્રથમ તેના ઇતિહાસ અને ત્યાં વસતા ભારતીયો સાથે રૂબરુ મુલાકાત કરી છે. ઉપરાંત જે તે દેશ મોટ ઉદ્યોગપતિ સાથે હાથ મિલાવ્યા છે. આતંકવાદ સામે એક જુથ થઇને લડવાની વાત વહેતી કરી છે. જ્યારે દેશમાં રોકાણ કરીને વેલ કમ ઈન્ડિયા કહે છે. આ તમામ મુલાકાતમાં સૌથી મુખ્ય વાત રોકાણકારોને ભારતમાં લાવવાની છે.

વ્યાપારી સંબંધોમાં ક્યાંથી કમાવવું અને ફાયદો બંનેને થાયે એ વાત તમામ ગુજરાતી પ્રજાના લોહીમાં હોય છે. ઇનવેસમેન્ટનું મેનેજમેન્ટ અને પછી કોમેન્ટ કરીને મોદીએ ઉદ્યોગપતિઓ સામે રેડકાર્પેટ પાથરી છે. પરંતુ,આપણે ત્યાં ઘણા બધા પાસાઓ પર અપગ્રેડ થવાની જરૂર જ નહીં અનિવાર્યતા છે. કોઇ પણ કંપની આવે તો તે પોતાની સાથે એક ટીમ લઇને આવે છે. હવે જ્યાં ઘરના ઠામ ખખડતા હોય ત્યાં આપણા પૈસા બીજા કમાય જાય એવું ચાલે? પીએમ મોદી જ્યાં જ્યાં ફર્યા ત્યાં સંબંધની વાત કરી, ટ્રમ્પથી લઇને ટોકિયોના વડા સુધી ફ્રેન્ડશીપના હાથ મિલાવ્યા. પણ જે જાપાનમાં આજે સેન્સર ટેકનોલોજીથી ટ્રેન ચાલે છે. જે જાપાન ભારતને આઉટડેટેડ ટ્રેન કેમ પધરાવી ગયું?

ભારતના દરેક મોટા પગલા તરફ ભૂખમરાના ઉંબરે બેઠેલા પાડોશી દેશની નજર છે જેના પર ચીનની અમીકૃપા છે. પોર્ટ વિકાસ અને વિદેશ વ્યાપારમાં સંબંધો જ મહત્ત્વના હોય છે ત્યારે નિકાસથી નાણા કમાવવાનો રસ્તો દેશ માટે બેસ્ટ છે. પણ સ્વદેશમાં જ સમસ્યાઓની શ્રેણી સાપ બનીને ફૂંફાડ મારતી હોય ત્યાં વિદેશપ્રવાસ થોડો અયોગ્ય ગણાય. આતરરાષ્ટ્રીય સ્તરે સંબંધો સારા હોવા જોઇએ અને ભારત આ વાત સારી રીતે જાણે છે. આ વખતે એવું બન્યુ કે રશિયાના પુતિને બીજી વખત સત્તા સંભાળ્યા બાદ મોદીને આમંત્રણ આપ્યું. આ કોઇ પ્લાનિંગ માટેની મુલાકાત ન હતી. છતા સંબંધનો ફાયદો થયો.

વિદેશમાં જઇને નરેન્દ્ર મોદી સંબંધની વાત કરે છે તેના પર માત્ર ભારત જ નહીં પણ દુનિયાના બધા દેશની નજર હોય છે. ખાસ કરીને જ્યારે બિઝનસ મિટ કે મોટું સંમેલન હોય ત્યાં મોદીનું કૌશલ્ય અનેક રીતે પ્રશંસનીય રહ્યું છે. મુડી રોકાણથી એક સદ્ધરતાની આશા રાખવી ખોટી નથી પણ જ્યાં વાસ્તવિક સમસ્યાથી મોંઘવારીનો માર ખાતી પ્રજા વિદેશી એકમમાં ભરોસો ઝડપથી ન મૂકી શકે. મોલ અને મેગા સ્ટોરના કલ્ચરમાં આપણા દેશમાં દરેક વર્ગનું એક સ્તર નક્કી છે. વિદેશમાં સંબંધથી શ્રેષ્ઠ વસ્તુઓ ઘર આંગણે મળી રહે એવું દરેક વડા ઈચ્છે. પણ એના લીધે દેશના જ નાના વેપારીઓને કચ્ચરઘાણ નીકળી જાય ત્યાં કોઇ વિદેશસંબંધ હાથ લાંબો કરીને ઊભો કરવા નથી આવતું.

Monday, May 28, 2018

હાઈવે હાઇક્લાસ, શહેરના રસ્તાઓ થર્ડ ક્લાસ

દિલ્હી બાયપાસ પાસેથી પસાર થતા લાખો વાહનોને દિલ્હી શહેરમાંથી થઇને ઉત્તરના રાજ્યમાં એન્ટ્રી મારવી પડતી. પરંતુ, 135 કિમીના હાઇવેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂકતા હાશકારો થયો છે. હવે ઉત્તરના રાજ્યમાં બાય રોડ જવા માટે દિલ્હી શહેરનો આંટો મારવાની કોઇ જરૂર નથી. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે જે દેશનો પ્રથમ ગ્રીન હાઇવે છે. જેમાં તમામ લાઇટ સાથે સોલાર પેનલ ફીટ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે આટલા મોટા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનું આંધણ થતુ હોય ત્યાં પરિણામ મજબૂત હોવાનું જ. મહાનગરોને જોડતા હાઇવેની હાલત એક વખત તપાસવા જેવી છે. ખાસ કરીને જ્યારે રોડ-રસ્તાના વિકાસની વાત આવે ત્યારે માત્ર હાઇવેની પ્રગતિનો નક્શો જોવા મળે છે.

       દેશમાં રહેવા લાયક બેસ્ટ શહેર હોય તો તે બેગ્લુરુ છે. પરંતુ જાણીને નવાઇ લાગશે કે, આ શહેરની આસપાસના રસ્તાઓ મગરમચ્છની ચામડી જેવા છે. ખાસ કરીને દેશના જિલ્લાંઓ અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓની હાલત દયનીય છે. જ્યારે જ્યારે દેશના મોટા પ્રોજેક્ટને ખુલ્લા મૂકવામાં આવે છે ત્યારે તેની પાછળ નાના શહેરો કે નાના કામની હકીકત દબાય જાય છે અને સરકાર મોટા બેનરમાં જશ ખાટી જાય છે. ગુજરાતમાંથી પણ નેશનલ હાઇવ પસાર થાય છે. હવે આ વિષયને થોડો ઝૂમ કરીએ. રાજયના ધોરીમાર્ગોની હાલત એક જાય અને એક આવે તેવી છે.

ગુજરાતમાં રાજકીય ધોરીમાર્ગ પર કોઇ પ્રકારનો ટોલ ટેક્સ નથી. આનંદીબેનની સરકારમાં આ કરમાંથી મુક્તિ આપવામાં આવી. હવે જ્યાં ટોલનાકું છે ત્યાં કેટલાક લુખ્ખા તત્વો જે પૈસા ઉઘરાવે છે તે કોના ખિસ્સામાં જાય છે. કંપનીઓના બોર્ડ નીચે ચાલતા આવા ધંધા સામે કેન્દ્ર સરકારે આંખ લાલ કરીને પગલા ભરવાની જરૂર છે. જે નેશનલ હાઇવે તૈયાર છે તેના પર ટોલટેક્સ છે જેનો આંકડો ત્રણ અંકમાં છે. એટલે કે બે ટ્રિપ કરો એટલે હજાર રૂપિયા પુરા. દરેક નેશનલ હાઇવ બનાવતી કંપની સરકાર સાથે કરાર કરે છે. જેમાંથી સરકારને અમુક વર્ષો સુધી એક રકમ મળે છે. ત્યાર બાદ લાઇફ ટાઇમ આવી કંપનીઓ બેસીને નાણાનું પડીકું ઓગારી જાય છે.

         અમદાવાદ, જયપુર, ઉદયપુર, મુંબઇ, ચેન્નઇ અને બેગ્લુરુ જેવા શહેરમાં મેઇન રોડના બાદ કરતા એક પણ રસ્તો એવો નથી જ્યાં પાણી ન ભરાતા હોય. દર વર્ષે ગુજરાતમાં પ્રિ મોન્સુન કામગીરીના નામે લાખો પૈસાની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ, જ્યાં રસ્તાઓ જ શ્રેષ્ઠ બનાવી શકાય ત્યાં પાણી ભરાવવાનો કોઇ સવાલ જ નથી. દરેક રસ્તા પર નાની એવી ડ્રેનેજ કે ખાળ મૂકને પાણીને વહેતું કરી શકાય છે. બીજી તરફ ગામડાંની કેડીઓને હવે કાયમી વિદાય આપવાની જરૂર છે. જ્યા સારા રસ્તા હશે ત્યાં પ્રિમોન્સુન કામગીરીનો ખર્ચો ઘટશે. ખાડા જ નહીં હોય ત્યાં પાણી કેવી રીતે ભરાશે? અમદાવાદમાં ગત ચૂંટણી દરમિયાન રસ્તાઓનુ અભિયાન ઉપાડવામાં આવ્યું હતું. પણ ચૂંટણી બાદ જૈસે થે....આપણ ત્યાં સ્થિતિ પણ એવી જોવા મળે છે કે તમામ કામ પુરુ થઇ ગયા બાદ ટેલિફોનવાળા વાયર માટે ખોદકામ કરે, પછી પાઇપલાઇન વાળા ખોદકામ કરે અને કંઇ ન હોય તો તંત્રના લોકો સ્પીડ બ્રેકર બનાવવા માટે રોડની પથારી ફેરવે.

         નિરિક્ષણ અને મુલ્યાંકનના અભાવે શહેરના રસ્તાઓ કમરના દુખાવાની ગિફ્ટ આપે છે. સમયાંતરે જો નિરિક્ષણ અને મુલ્યાકન કરવામાં આવે તો દરેક રસ્તો અમેરિકાના રસ્તાને ટક્કર મારે એવો બને. બીજી તરફ મહાનગરના ટ્રાફિકમાંથી પણ લોકોને થોડી રાહત મળી રહે. ચોમાસામાં પાણી ભારવવાની સમસ્યાઓમાં પણ ઘટાડો થાય. રસ્તા બનાવવાની રાજા નથી થઇ જવાતુ ડ્રેનેજની ડેમેજ સાઇડ જોઇને આગોતરુ આયોજન કરવામાં આવે  તો દરેક શહેરના રસ્તાઓ હાઇવેની સામે બેસ્ટ સાબિત થાય.

Thursday, March 22, 2018

ફેસબુકઃ પ્રસિદ્ધિ, પજવણી અને પોલિટિક્સ

ફેસબુકઃ પ્રસિદ્ધિ, પજવણી અને પોલિટિક્સ

    અમેરિકાથી શરૂ થયેલો ડેટાચોરીનો રેલો ભારત સુધી પહોંચ્યો છે. ભારતમાં ફેસબુક ડેટાચોરીને લઇને રાજકારણ રમાઇ રહ્યું છે. દેશના મોટા બે પક્ષો ડેટાચોરીને લઇને સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. બે લોકો બાજે અને તણખલું ત્રીજો મૂકી જાય એવો ઘાટ અહીં જોવા મળ્યો. નેતા મનિષ તિવારીએ જે સવાલ કર્યા તેને પાવર બતાવી દેવામાં બંને પક્ષોએ શાબ્દિક પ્રહારો કર્યા. અમેરિકાની કેમ્બ્રીજ ડેટા એનેલિટિકા ભારતમાં પણ વ્યાપાર ધરાવે છે. જે ડેટા ચોરાયો છે એમાં યૂઝર્સની આખી પ્રોફાઇલના ડેટા છે. જોકે, ભારતમાંથી કોઇ યૂઝર્સની માહિતી ચોરાય હોવાની સ્પષ્ટતા થઇ નથી. ભાજપના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી ફોલોઅર્સ નકલી છે.

     જ્યારે તેની સામે કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રચારના દિવ્યા સ્પંદનાએ આ નિવેદનને વાહિયાત નિવેદન ગણાવ્યું છે. ફેસબુકમાંથી કોઇ ભારતીય યૂઝર્સના ડેટા લીક થયા હશે તો ફેસબુકે જવાબ આપવો પડશે. મામલો ત્યાં આવી અટક્યો જ્યારે ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરવાની વાત આવી. આમ પણ ફેસબુકે ઘણા લોકોને પોતે સેલિબ્રિટિ હોવાના આભાસી સપના આપ્યા છે. પહેલાં લાઇકનું બટન બાદમાં લવ, લાફ અને વાવ જેવા એક્સપ્રેશનથી સારી દેખાતી યુવતી કે યુવક પર ઠલવાતા પ્રતિસાદ તેને એક નકલી ગ્લેમરની દુનિયમાં મૂકી છે. દરેકના ફેસબુકમાં એવા મગર જેવા આળસું અને લજામણીના છોડ જેવા સંકુચાયેલા યુઝર્સ હશે. જે ભાગ્યે જ ફૂફાડો મારે અને વાજતે ગાજતે સ્ટેટસ અપડેટ કરે.

    આવા સમયે લાઇકને લૂંટવા સેલ્ફ માર્કેટિંગ કરે, પણ હરામ જો કોઇને પ્રતિભાવ આપતા હોય તો. આવા લોકો એવું માને કે, કોઇને લાઇક આપવું જાણે જાહેરમાં શૌચાલય સાફ કરવા બરોબર છે. અમુક યૂઝર્સ એવા પણ હોય છે કે, જેમ ફ્રીજમાં કંઇ ન હોય તો પણ ઠંડક માણવા થોડી થોડી વારે ખોલવાનું મન થાય એમ ખોલ્યા કરે. જુવે કે, કેટલી લાઇક થઇ, કોણ કોણ એક્ટિવ છે. અમુક લોકો ગામ આખાને સ્કેન કરવાનું કામ કરતા હોય જે ઓનલાઇન હોય તો પણ હરામ બરોબર હાય નો જવાબ આપે. અમુક તો એટલા જાડી ચામડીના હોય કે એક વર્ષનું બર્થ વિશ આવતા બર્થ ડે પર ચેક કરે.

    જેમ જેમ સોશિયલ મીડિયાનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ પજવણીના કેસ પણ વધતા ગયા. કોલસેન્ટર પર ફોન કરીને ગાળો દેનારા લાખોની સંખ્યામાં છે. જે મોજ ખાતર કોઇની મજા લે છે. ખાસ કરીને યુવતીઓને કેસમાં વાઇરસ કરવાની ધમકી આપનારા અસુરોની સામે સાયબર ક્રાઇમ આંખ લાલ કરે છે. પરંતુ દુનિયાભરમાં આવા અસુરોને પકડવા માટે કૌરવોની સેના પણ ટૂંકી પડે છે. ફોટો પાછળની ફેક્ટ ફાઇલ જોઇએ. તો ફેસબુકમાં દરરોજ એક લાખથી વધારે ફોટો અપલોડ થાય છે. જેમાં દરેક યૂઝર્સને ફેક છે કે સાચા છે તેને આપણી બાજુથી તપાસી શકવા એ રેતીમાંથી પાણી કાઢવા જેવું કામ છે.


    પ્રિકોશન સારા છે. સિક્યુરિટી પણ હોવી જોઇએ. ફેસબુક પર જ્યારથી પોલિટિકલ ફ્લેવર આકાર પામી છે ત્યારથી નેતાઓના વિડીયો અને લિંક્સની લાઇક તેના આગેવાનો અને ફોલોઅર્સ થકી જ વધતી જાય છે. એમાં પણ તાજેતરમાં રિપોર્ટ આવ્યો કે, મોટા ભાગના આ લાઇક કરનારાઓ અને ફોલોઅર્સ ફેક છે. જોકે ઇન્ટરનેટના આભાસી વિશ્વમાં ખોટાની નામના વધારે અને સાચાને પ્રતિસાદ આપનારા ઓછા છે. દા.ત. કોઇ અભિનેતાના ફોટાથી ચાલતા એકાઉન્ટમાં દરેકને સારો પ્રતિસાદ આપતો વ્યક્તિ વાસ્તવમાં મજા લે છે કે જાસુસી કરે છે તે સમજી શકાતુ નથી. સૌથી વધુ સમજી શકાય એવો કિસ્સો આનંદીબેનનું રાજીનામુ. સીએમ પદ પરથી રાજીનામુ આપતી વખતે તેને ફેસબુક પર પોતાનો પત્ર પોસ્ટ કરી દીઘો હતો.
    જ્યારે જ્યારે પાયરેસીની વાત આવી છે ત્યારે ત્યારે ઇન્ટરનેટ સુરક્ષિત પૂરવાર થયું નથી. હવે આ મુદ્દો ચૂંટણી સમયે ગાજે કે ન ગાજે પણ બંને પક્ષો શંકાના દાયરામાં છે. કોઇનો ડેટા પાછો લાવવા માટે કોઇ આગેવાની લેતું નથી. પોલિટિકલ પ્રદર્શન અને પાવરની મજા લેનારાઓ બસ આક્ષેપબાજી કરવામાં ઉસ્તાદ છે.

આઉટ ઓફ બોક્સ
દરેકને દૂર બેઠેલી વ્યક્તિ પર અંગુઠો મારવો છે પણ મુલાકાત માટે મળવા આવવું નથી.

Tuesday, March 06, 2018

દેશનું અનોખું મંચ મંદિર.

દેશનું અનોખું મંચ મંદિર.

     ભારત એક આધ્યામિક દેશ છે. રાજકારણમાં ધર્મ અને ધર્મનું રાજકારણ એવા મુદ્દાઓને થોડા સમય માટે બાજૂએ મૂકને વિચારીએ તો આ દેશમાં એટલું વૈવિધ્ય છે કે ન પૂછો વાત. જ્યારે પણ વાત મંદિરની વાતે ત્યારે દરેકને પોતાની એક અનોખી યાત્રા આંખ સામે તરવરવા લાગે. એ પછી હરિદ્વારની હરપૌડી હોય કે અમરનાથની અદ્દભૂત યાત્રા. રામેશ્વરનો રોમાંચ હોય કે વૃંદાવનમાં વ્હાલપ્રેમીને નમન. દેશના કોઇ પણ મંદિર સાથે તેનો એક ઇતિહાસ જોડાયેલો છે. જેમાં ક્યાંક કોઇ રાજવીનું પ્રદાન છે તો ક્યાંક કોઇ દેવીની શૌર્યાગાથા. ક્યાંક માનતાનો મહાન વારસો છે તો ક્યાંક આસ્થાની અનુભૂતિ. માત્ર મંદિરના ઘાટ, આકાર કે રંગ જ નહીં કુદરતના મુખારવિંદમાં પણ એક વેરિએશન હોય છે.

       દરેક મંદિરનો પ્રસાદ બીજા કરતા જૂદો હોવાનો. દેશનું લીલુછમ રાજ્ય એટલે કેરળ. જ્યાં નાળિયેરી અને બીચનો સંગમ, નાના-નાના બીગચા અને વિશાળ ઉપવન. જ્યાં દરેક મંદિરમાં પાંદડાથી પૂજા થાય છે. દિવો પણ માટીનો તૈયાર કરવામાં આવે છે. જેમ આપણે ત્યાં દરેક થાળીમાં કંકુ કે ચંદન ફરજિયાત હોય છે તેમ ત્યાં પીળા ફૂલ અને સફેદ ફૂલ કમ્પલસરી છે. આવું જ એક અનોખું મંદિર એટલે મંચ ટેમ્પલ. બોલ તો મંચ મંદિર. આવું સાભળી કે વાંચીને વિચાર આવે કે, મંચ મંદિર એટલે શું તે કોઇ સ્ટેજ પર આવેલું હશે? જી ના, મંચ એટલે કેટબરીની મંચ જે બાળકો જ નહીં મોટેરાઓ અને વૃદ્ધોને પણ ખૂબ પ્રિય હોય છે.

     જોઇએ આ મંદિરની એક અનોખી કહાણી જ્યાં પ્રસાદમાં કોઇ દહી, કે દૂધ નહી પણ કેટબરી મંચ મળે છે. એ પણ એક કે બે નહીં પરંતુ જેટલી જોઇએ એટલી. તો ચલો બાલા મુર્ગન મંચ મંદિરની સફરે...જેમ કૃષ્ણને માખણ ભાવે છે, અયપ્પા પ્રભુને ઘી ભાવે છે, શિવજીને ખીર ભાવે છે પરંતુ, શિવના દીકરા એટલે કે બાલામુર્ગન સ્વામીને મંચ પસંદ છે. કેરળના અલાપૂઝામાં ભગવાન ચોકલેટ ખાય છે. એ બાળકે પણ મારી જેમ વિચાર્યુ હશે કે, લાલો માખણ ખાઇને કંટાળ્યો હશે અને ગણપતિને પણ કોક દિવસ લાડું સિવાઇની મીઠાઇ ખાવાનું મન થયું હશે. બસ પછી તો ચીલો પડી ગયો. અને બાલામુર્ગન સ્વામી મંચ મુર્ગનથી પોપ્યુલર બન્યા.

    કેરળના આ મંદિરનું નામ સુબ્રમણ્યિમ મંદિર છે. વર્ષએ પહેલા જ્યારે નાના બાળકે ભગવાનને ચોકલેટ ખવડાવવાનો નિર્ણય કર્યો હશે. પરંતુ પછીથી આધુનિક આવિષ્કારના ફળરૂપે ચોકલેટ મંચ પ્રસાદ તરીકે ચડાવવાનો ભક્તોએ સ્વયં નિર્ણય કર્યો. જે મંદિર ટ્રસ્ટને પણ માન્ય રહ્યો. ખાસ વાત એ છે કે, કોમના નામથી વાતાવરણની શાંતિને ડહોળવાનો પ્રયાસ થાય છે ત્યારે અહીં એ મુસ્લિમ બાળકે મંદિરમાં પ્રથમ વખત ચોકલેટનો પ્રસાદ પ્રભુને અર્પણ કર્યો. અન્ય પણ એક વાત છે કે, એ બાળક મંદિરમાં સતત ઘંટ વગાડતો હતો. પિતાએ ઠપકો આપતા બાળક ભયભીત થયો અને માંદો પડ્યો. માતાએ માનતા માની અને પ્રભુને ઘીને પ્રસાદ અર્પણ કર્યો પણ બાળકે પોતાના પાસે રહેલી ચોકલેટ પ્રભુને ખવડાવી. છોકરાની માંદગી કાયમ માટે જતી રહી.

      બસ, આ દિવસથી મંચ મંદિરમાં દિવસ રાત મંચનો પ્રસાદ ચડે છે. એટલું નહીં જ્યારે કોઇને ત્યાં નવજાત શિશુનો જન્મ થાય છે ત્યારે અહીં બાળકને નવજાત શિશુની ત્રાજવામાં તોલી મોટી સંખ્યામાં મંચના પેકેટ્સ સ્થાનિકોને વગર પૈસા વહેચવામાં આવે છે. આ ઉપરાંત જેટલા કિલોનું બાળક જન્મે એટલા કિલો મંચના પેકેટ અહીં ચડાવવામાં આવે છે. બાલામુર્ગન મંદિર કેરળના મોટાભાગના બાળકોનું ફેવરિટ મંદિર છે. જ્યાં દર્શન કે પૂજા કર્યા બાદ ખોબા ભરીને ચોકલેટ મળે છે. જાણીને નવાઇ લાગશે કે, માત્ર પ્રસાદરૂપે દરરોજના 1500 બોક્સ મંચનું વિતરણ થાય છે. આ ઉપરાંત આસપાસના સ્થાનિક વેપારીઓ કહે છે કે, દરરોજ 3,000થી વધારે બોક્સનું વેચાણ થાય છે. દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારમાં મંચનું એડવાન્સ બુકિંગ થાય છે. અહીની બજારમાં અન્ય ચીજ વસ્તુ મળે કે ન મળે, પાંચવાળી મંચથી લઇને બોક્સ સાઇઝ સુધીની મંચ ગમે ત્યારે ગમે તે દિવસે મળી રહે છે.

આઉટ ઓફ ધ બોક્સ
દ્વારકા મંદિરમાં આવેલું શિવ મંદિર કદાચ દુનિયાનું એક માત્ર એવું મંદિર છે જેમાં શિવજીનો પોઠિયો (નંદી) નથી.



Friday, February 23, 2018

બેન્કની શાખ પર કૌભાંડનું લાંછન

બેન્કની શાખ પર કૌભાંડનું લાંછન

દેશમાં જ્યારે જ્યારે કૌભાંડનો પર્દાફાશ થાય છે ત્યારે તમામ તપાસ કમિટીઓ એ શોધવા દોડાદોડી કરે છે કે, આ કેસમાં કમઝોર કડી કૌન? પણ દર વખતે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળુ મારવા જેવો ઘાટ રચાય છે. જ્યાં દરોડા પાડીને સરવાળે શું વસુલી શકાય તેનો "વહીવટ" થાય. સામાન્ય રીતે કોઇ પણ બેન્કમાં અંદર જઇએ એટલે સૌદર્યસભર નારીઓ સુકી ભેળ જેવી વિવિધ ભાષાઓ બોલીને સીસીટીવી કેમેરા નીચે પણ ઇનસિક્યુરિટી ફીલ કરતું સ્વાગત કરે. કહે હા, સર/મેડમ... મસમોટી જાહેરાત અને ઇન્ટરસ રેટ જોઇને કસ નીકળી જાય એટલા દસ્તાવેજ માગે (જમીનથી લઇને જમવાના બિલ સુધી). તમામ બેન્કમાં અતિઆધુનિક સિસ્ટમ વચ્ચે વ્યવહારો થતા હોય. પંજાબ નેશનલ બેન્કમાંથી કરોડોની સ્કિમ કરી જનાર જ્યારે ભાગેડું બન્યો ત્યારે બેન્કની આંખ ઉઘડી. પણ અબ પછતાયે હોગા ક્યાં જબ ચીડિયા ચૂક ગઇ ખેત. હવે ખરા અર્થમાં ઉપલા અધિકારીઓએ કાચની કેબિનમાં શિમલાના હવામાન જેવા ઠંડા એસી વચ્ચે બેસીને સ્ક્રિન દર્શન કરનારાઓનો ઉધડો લીધો છે. પહેલો સવાલ એ છે કે, બેન્કમાં કર્મચારીઓની બદલી. દર ત્રણ વર્ષે બેન્કના કર્મચારીઓની બદલી કરવાની હોય છે. પીએનબીને પૂછવામાં આવ્યું કે બદલી કેમ નથી કરી? તે મારા માટે કોફી કેમ મંગાવી? આ એના જેવો પ્રશ્ન નથી.


          બદલીનું નામ આવે એટલે કર્મચારીઓના મનમાં અકાળે સાક્ષાત રાજા યમ આવવાના હોય એવી અનુભૂતિ થાય. ત્રણ વર્ષમાં જે કર્મચારીઓની બદલી નથી થઇ એની ઝાટકણી બેન્કતંત્રએ કાઢી. પરંતુ, આટલા વિશાળ દેશની હજારો બેન્કમાં કેટલાક એવા પણ "કર્મનિષ્ઠ" હશે જેને કદી બદલી ન થાય એ માટે કામ કર્યું હશે. બીજી તરફ સામાન્ય પ્રજાનો સવાલ એ પણ છે કે, બેન્કવાળાનો આટલો તગડો પગાર હોવા છતા કર્મચારીઓ લાંચનાં લપસિયામાં લપસ્યા? બેન્ક થકી દેશને આ એવું નુકસાન છે જેની ભરપાઇ એટલી ઝડપથી થઇ શકે એમ નથી. માત્ર સંપત્તિ સીલ મારવાથી અને દરોડા પાડીને દોડધામ કરવાથી લાંછન સારી છાપમાં બદલી નથી જવાનું. જે બેન્કને નેશનલ એવોર્ડ મળેલો છે એ જ બેન્ક પર કૌભાંડનું કિચડ ઉછાળીને નીરવ મોદીએ ખરા અર્થમાં કળા કરી નાંખી. બેન્કમાં સીસીટીવીની બાજ નજરમાં બેન્કના જ કર્માચારીઓ આટલા મોટા કૌભાંડને પાર કેમ પાળી શક્યા? એ પણ સણસણતો સવાલ છે. દેશની બેન્કમાં અવારનવાર પ્રતિષ્ઠાઓના ગીત ગાઇને ગદગદીત થતા અધિકારીઓ હવે મૌનવ્રત લઇને બેઠા છે. જોકે, આ શ્રેણીમાં ખાનગી બેન્કો પણ કંઇ દૂધે ધોયેલી નથી. ખાતેદારોને માનસિક રીતે ખંખેરીને પોતાની વાહ વાહ લૂંટાવતી હોય છે. સૌથી વધુ માર્કેટિંગ કરતી ખાનગી બેન્કો પોતાને ત્યાં મહિલા સ્ટાફ રાખીને સ્ત્રીસશક્તિકરણની વાતો કરે. એટલે તમે ગુસ્સે થતા પહેલા પાંચ વખત વિચારો અને મીઠડું બોલતી બેન્કર પ્રેમથી ના પાડે તો પણ ગળ્યું લાગે.



બેન્ક આમ તો દરેક બાબતમાં કડક વલણ અપનાવીને પોતાની ચોક્કસતા ચાર પૈસા કમાતા લોકો સામે સાબિત કરે, ધનપતિઓ પાસે રેડકાર્પેટ પાથરે. સર કે મેડમ બોલીને વ્યવસાયિક રીતે ખાતેદારોને રાખતી બેન્કમાંથી જ્યારે કરોડોની સ્કિમ બહાર પડે એટલે બેન્કિગ સેક્ટરમાં રાતોરાત સિક્યુરિટી લાગી જાય. જાણે પોતાની બેન્કમાંથી કોઇ બીજો નીરવ મોદી લૉંચ થવાનો હોય. બેન્ક કર્મચારીઓને એમના ખાતેદારો કરતા થોડું વિશેષતમ મળતું હોય છે. તગડા પગાર સાથે એસી કેબિનની નોકરી, નોટો ગણવાની અને ગામને આપવાની. એટલે કોઇના પૈસે કળા કરનારાઓમાં બેન્ક કર્મચારીઓની ક્રિકેટ મેચમાં એમ્પાયર જેવી ભૂમિકા હોય છે. સમાજમાં લોકો વાત કરતા હોય કે, ભાઇ બેન્કમાં છે. ગગી તો ફલાણી બેન્કમાં સારી પોસ્ટ પર છે. પણ હકીકત અને સંબંધની તો પરીક્ષા તો નોટબંધી વખતે થઇ. ભલભલા બેન્કવાળા પોતાના ખિસ્સામાં હાથને સિવીને બેસી ગયા. જે સંબંધીઓએ કંઇક "કરી આપ્યું" એને મુબારક. આ જ માણસો પાછા જ્યારે સ્ટેજ પર આવે ત્યારે સમાજ સેવાની અને ગરીબીને દૂર કરવાની વાત કરે. સંસ્થા પ્રત્યેની વફાદારીમાં મેડલ ન હોય અને ગામના ગગાને મેડલનું ભૂત ચડાવે. વિજય માલ્યા, નીરવ મોદી, લલિત મોદી અને વિક્રમ કોઠારી જેવાએ બેન્કના ડરને ડેરિંગમાં પરિવર્તિત કરીને સાબિત કર્યું કે, નોટ છે તો જ બધું છે.



ઓનલાઇનના જમાનામાં ફોરજીની વાતો વચ્ચે હજુ ખાતું ખોલવવા બેન્કફોર્મ આપે છે. એના રેકોર્ડ માટે, જેની એન્ટ્રી થાય જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટરને રોજગારી મળે છે. આજ દિવસ સુધી એક વાત કૂતરાના ગળે હાડકું ફસાય એમ અટવાઇ ગઇ છે કે, મેનેજરની કેબિનમાં પ્રવેશો એટલે નાના લેટર પેડનો ડટ્ટો પડ્યો હોય, જે તે ખાતાના ટેબલ પાસે કોરા કાગળ કિલોના ભાવે ટિંગાતા હોય તો પછી બેન્કના ફોર્મમાં બોક્સ આટલા નાના શા માટે મૂકવામાં આવે છે? કોઇ વૃદ્ધ માણસની આંખની તાકાત નથી કે તે એક એક બોક્સમાં અક્ષરો લખીને ફોર્મ પૂર્ણ કરી શકે. ટૂંકમાં બેન્કના નામે ચરી ખાતા ફોલ્ડરીયાઓની મદદ લેવી જ પડે. હવે તો આ ફોલ્ડરિયાઓમાં પણ પ્રોફેશનાલીઝમ આવ્યું છે. ટાઇ પહેરીને, ફોર્મ ભરાવીને એવો ટૂંપો આપી જાય કે, પૈસા ભર્યા પછી ખબર પડે. અંતે આપણી દલીલના અંતે બોલે કે, જોવો તમે વાંચો, તમે જ સહી કરેલી છે. પણ જ્યારે આ ફોર્મ ભરાવવા માટે આવ્યો ત્યારે પાછળની બાજુએ અંગ્રેજોની ભાષામાં ચિતરેલા મૂળાક્ષરોના સમૂહની સમજૂતી તે કેમ ન આપી? પ્રતિષ્ઠાના નામે  શહેરમાં સર્કલ પર બોર્ડ મારવાથી  લોકોના મનમાં સારી છાપ નથી બંધાતી. ગ્લેમર જાહેરાત અને ઝાકઝમાડ દેખાડવાથી ખાતેદારો નથી મળવાના. આવનારા દિવોસમાં ગરીબ અને મધ્યમવર્ગ ઓનલાઇન નામથી ભાગે નહીં એવો સમય ન આવે તો સારૂ. બેન્કના નામથી કિલોમીટર દૂર ન જતો રહે એનું ધ્યાન દરેક નાણાકીય સંસ્થાએ પોતાની અંગત જવાબદારી હોય એ રીતે રાખવાનું છે. પરંતુ, જ્યાં સુધી ગવર્મેન્ટ સંસ્થાઓમાં કામ  કરનાર બેન્કવાળાઓમાં "સરાકરી"ની વિચારધારા જળમૂળની સાફ નહીં થાય ત્યાં સુધી બધુ અધુરુ છે. પાણીમાં લીલની જેમ જામી ગયેલી પદ્ધતિઓ સામે પણ પાયાથી જાગૃતિની જરૂર નહીં પણ અનિવાર્યતા છે. બાકી દર બે પાંચ વર્ષે બદલતી સરકારમાં કોઇ કળા કરનારા નરવીરો સામાન્ય પ્રજાના પૈસા ફોરેન ટૂર કરતાં જ રહેશે. માત્ર સિક્યુરિટી કે સીસીટીવી રાખવાથી કશું નથી બદલવાનું.

આઉટ ઓફ ધ બોક્સ
સામાન્ય રીતે બેન્કમાં નામ અને નંબર ઉપરથી ખાતા ખુલે છે. પણ સ્વીઝબેન્કને શંકા જાય તો ગમે એટલી અને ગમે તેની અરજી આવે ખાતું ખુલતું જ નથી.

Saturday, October 14, 2017

તખ્તો આવતા તાજ ભુલાયો.

તખ્તો આવતા તાજ ભુલાયો.

         યોગી આદિત્યનાથ ગુજરાતના પ્રવાસે છે અને કમળનો પ્રચાર વિસ્તારી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં નવા સીએમ તરીકે જ્યારે નામ જાહેર થયું ત્યારે અમિત શાહ અને મોદીની આ સરપ્રાઇઝડ વ્યક્તિની અનોખી વિચારધારાનો ધોધ વરસ્યો હતો. પ્રખર, ચુસ્ત, સ્પષ્ટ અને સાફ છબી વગેરે વગેરે. ઘટનાપ્રધાન દેશમાં બનાવને રાજકીય સ્પર્શ લાગતા સમય નથી લાગતો. એ પછી મામલો ઓક્સિજનના અભાવે બાળકની મોતનો હોય કે પ્રવાસન વિભાગના બ્રોસરનો. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના છ મહિનાના સમયગાળા બાદ યુપી પ્રવાસન વિભાગે પ્રકાશિત કરેલી પ્રવાસન પુસ્તિકામાં તાજમહાલનો ઉલ્લેખ ભૂલાય ગયો છે. આ બાબત થોડી ચોંકાવનારી અને ચર્ચાસ્પદ છે. આ મુદ્દે વિપક્ષે કમળને નિશાને રાખી સત્તાધારી પક્ષોની માનસિકતા પર પ્રહારો કર્યા. આમ પણ સરકાર કોઇ પણ હોય થૂંકેલું ચાટવામાં અને થયેલી ભૂલનું ભાવતું ભોજન બનાવી પીરસવામાં નિષ્ણાંત છે. યુપી સરકારના પ્રવાસન મંત્રી રીટા બહુગુણાએ ચોખવટ કરી કે આ બુકલેટ રાજ્યમાં પ્રવાસનને પ્રમોટ કરવા માટેની 'ઓફિસિયલ' બુકલેટ નથી. પરંતુ, હોબાળો સમુદ્રના મોજાની જેમ હિલ્લોળા લીઘા વિના રહે નહીં.



       દરેક રાજ્યમાં પ્રવાસનને પ્રમોટ કરવા માટે ચોક્કસ રકમ ફાળવવામાં આવે છે. ગુજરાતમા તો પુરેપુરા એબેસેડરને રોકવામાં આવે છે. છતા મદદના નામે મીંડું અને વ્યવસ્થામાં છીડું છાનું રહેતું નથી. ગુજરાત પ્રવાસનની વાત કરીએ તો, જે રીતે તેની જાહેરાતમાં દર્શાવવામાં આવે છે તે ટેન્ટસિટીમાં એક દિવસનું ભાડું અમીરચંદો સિવાઇ કોઇના ગજવામાંથી નીકળે એમ નથી. દર વર્ષે થતા ઉત્સવોમાં સ્થાનિક પ્રજાની રોજગારી સચવાયેલી હોય છે. સ્થાનિક બજારમાં જે તે ચીજ વસ્તુઓ જ્યાં બને છે ત્યાં પણ સસ્તી નથી એવામાં મેળામાં દામ ડબલ થાય એ સ્વાભાવિક છે. જેમ કે, જામનગરની બાંધણી તે શહેરમાંય સસ્તી નથી. જ્યાં ઉત્પાદન છે ત્યાં આર્થિક ઉપજ ઓછી છે. એક એવું ફોર્મેટ નક્કી થઇ શકે કે જ્યાં બને છે ત્યાંથી મળી રહેતા શ્રમને વધું સારૂ વળતર ચૂકવીને ગ્રાહકને ઓફરથી આવકારી શકાય. યુપીમાં અનેક સ્થળો જોવા લાયક છે. વૃંદાવન મથુરા, ફતેહપુર સિક્રી, આગ્રા તમામ સ્થળ પાછળ વિરાટ ઇતિહાસ જોડાયેલો છે. એવામાં તાજ આઇકોન સમાન છે.

        તાજની આજુબાજુ ટુરિસ્ટ ગાઇડ તરીકે 'વિકાસ' કરવા કરોડો રૂપિયા અલગ રખાયા છે પણ મુખ્ય વાત એ છે કે પર્યટનની ચોપડીમાંથી તાજ ક્યાં કારણોસર ગુમ થઇ ગયો? કે જાણી જોઇને બાકાત રખાયો? આ ઉપરાંત યોગીએ એવી વાણી વહેતી કરી હતી કે, તાજ દેશનું પ્રતીક નથી. સવાલ એ થાય કે આ ચોપડીમાં એવું છે શું, જવાબ છે યોગીનું પોતાનું મંદિર, ગોરખપુર આશ્રમ, નદીના સાઇટસિન. જ્યારે વિશ્વભરની અજાઇબીનું વૈશ્વિક સ્તર પર વોટિંગ કરવામાં આવ્યું ત્યારે આપણે ભરભરીને તાજને નંબર વન પર લાવવા માટે વોટ આપ્યો હતો. તાજ અજાઇબીમાં સામિલ છે ત્યારે વર્ષ 1983 આંતરરાષ્ટ્રિય સ્તરે વલ્ડ હેરિટેજ સાઇટનું ટેગ મળેલું છે. દરરોજના હજારો યાત્રિકો આ પ્રતીમાને જોવા અને પ્રેમને પ્રતીકને ઓળખવા માટે આવે છે. દુખની વાત એ છે કે, આયોજનના અભાવે કેટલોક ભાગ પોતાના અસલી રંગ ગુમાવી રહ્યો છે. જેટલી સુરક્ષા પ્રવેશતા પહેલા મૂકવામાં આવી છે એટલી તકેદારી સાચવણીમાં રાખવામાં આવે તે હવે અનિવાર્ય છે.

        પુસ્કતમાં તાજના અભાવે તંત્રની દેશવાસો જ નહીં પણ મુલાકાત માટે આવતા પરદેશીઓ પણ ટીકા કરશે. બ્રોશરમાં ભલે તાજની ચમકને હાંસિયામાં મૂકવામાં આવી પણ વાસ્તવિકતા જાણવા હજુ પણ યાત્રિકોનો ઘસારો રહેવાનો જ છે.બીજી તરફ યુપીમાં અનેક વિવાદે આસમાની ઉંચાઇ મેળવી છે. કુપોષણ હોય કે રાજકીય કકળાટ. ફોક્સમાં રહેતા નેતાઓ રાજ્યોના લેન્ડમાર્કને સાચવવા પાછળ પણ વોટબેંકને કેન્દ્રિત કરી રહ્યા છે. આવી જ હાલત ગુજારાતમાં છે. સરદાર પટેલની પ્રતિમાં તૈયાર કરવાનું એલાન ક્યારનું થઇ ચૂક્યું છે એવામાં જ્યારે પ્રતીમાં તૈયાર થશે ત્યારે સત્તાધારીપક્ષ જશ ખાટીને મતદારોને વિકાસની વિરાટતા બતાવશે. જ્યારે હયાત સ્થાપત્યોને સાચવવા એ માત્ર પ્રાસંગિક બની રહ્યું છે. માત્ર પ્રવાસન વિભાગના બોર્ડ અને હેરિટેજના ટેગ લાવવાથી જ ખ્યાતિ નથી થવાની તેની માવજત તેમજ યોગ્ય દિશામાં પ્રમોશન જરૂરી છે. જેથી સાચો ઇતિહાસ આવનારી પેઢી સુધી તેના મૂળ રૂપે વિસ્તરતો રહે.

Saturday, September 30, 2017

ફેસ્ટિવલઃ ફન,ફીલિંગ્સ અને ફ્રેશનેસ

ફેસ્ટિવલઃ ફન,ફીલિંગ્સ અને ફ્રેશનેસ

    દશેરા પછીના દિવસો એટલે દિવાળીના એંધાણ. પ્રકાશના પર્વની પૂર્વ તૈયારીઓના દિવસો, જેમાં બજારથી લઇને બ્યૂટિ પાર્લર સુધીનું બધુ જ તબક્કાવાર બદલે. વર્ષના તમામ દિવસોમાં નોરતા પછીના દિવસો એટલે સિઝનની સિરિઝ, સેલ અને શોપિંગની વસંતઋતુ, શણગાર અને સ્વચ્છતાનું પખવાડિયું. સામાન્ય રીતે આપણા દેશમાં બારે માસ કોઇને કોઇ રાજ્યમાં ચોક્કસ પ્રકારના તહેવારોની ઉજવણી ચાલું જ હોય છે. જ્યારે રાજકીય તહેવારો કાયમી રહે છે. ધર્મ અને સમાજ સાથે સંકળાયેલા દરેક તહેવારોમાં એક અનોખું વૈવિધ્ય છે. જે ભારત સિવાઇના દેશમાં જોવા નથી મળતું. ધાર્મિક તહેવારોની આધ્યાત્મિકતા અને પવિત્રતાનો સ્પાર્ક સમયાંતરે થતો રહે છે. આજે ભલે ઉપવાસની 'પેટન્ટ' બદલાઇ હોય પરંતુ,હિંદુ ધર્મમાં ફાસ્ટિંગએ ફેશન નહીં પણ ટ્રેડિશન છે. નવરાત્રિની ઉપાસના ઉપવાસથી થાય છે જ્યારે તહેવારોમાં રાતની પણ ઉજાણી છે. ઉત્સવ શબ્દ ભલે નાનો હોય તેનો વ્યાપ અને અસર અવકાશથી વિશાળ છે. કુદરતી તત્વો પર ઝાકળનો સ્પર્શ થાય એવો અહેસાસ છે. દરેક ઉજાણીમાં હવે મોંધવારીની અમાસ વર્તાય છે. એમા પણ જીએસટીથી માઠી બેઠી છે. તહેવારનો માહોલ એ જ છે પરંતુ, ભાવ વધારાથી ઉજવણીની રીત બદલાઇ રહી છે. ફેસ્ટિવલનું ફન બર્ન થવાના આરે છે. જ્યારે સોશ્યિલ મીડિયાથી શેર થતા સેન્ટિમેન્ટ આવનાર દિવસોમાં સ્નેહમિલન પણ ઓનલાઇન કરે તો નવાઇ નહીં.



    તહેવારો એટલે રોજિંદી જીવાતી જિંદગીમાં આનંદની પાવરફુલ બ્રેક. રજાનો દિવસ અને પરિવારની હુંફથી ઉત્સવની ઉજવણીનો ઉન્માદ બમણો થાય છે. તહેવારમાં સાથે રહેવું એ પણ એક સેલિબ્રેશન જેવું જ છે. જ્યારે રોજબરોજના દિવસો કોન્ફરંસથી લઇને ક્લાઇન્ટની મિટિંગમાં જ પસાર થાય છે. કોઇ પણ ઉત્સવ એક હળવાશ બક્ષે છે. દરેક તહેવાર સાથે એના માહોલની મજા હોય છે. દિવાળીમાં ઘણા પ્રાંતમાં ગરબાની રમઝટ બોલે છે પરંતુ, મજા તો નવરાત્રિમાં જ આવે છે ને? દરેક રાજ્યના તહેવાર સાથે સ્થાનિક લોકોની લાગણી જોડાયેલી હોય છે. રમવા ન જાવ પણ જોવા જઇએ એમાં પણ જાતનું ઇન્વોલમેન્ટ હોવાનું જ. ઓનલાઇનના જમાનામાં ફન સાથે ફેશને હાથ મિલાવતા તહેવારો વ્યક્તિએ વ્યક્તિએ બદલતા રહ્યા છે. યાદ છે? દિવાળી નજીક આવતા દરજીના ધંધામાં પુષ્યનક્ષત્રના દિવસે સોનું લેવામાં જેટલી ભીડ ન હોય એટલી ગરદી થાય. કાપડમાં સેલ આવે, બજારમાં બોર્ડ લાગે ફટાકડાનો તદ્દન નવો સ્ટોક, ટીવી પર કલરની જાહેરાત એવી રીતે પ્રસ્તુત થાય જાણે સ્ક્રિન પર દેખાતું ઘર પોતાનું જ હોય. સમય બદલાય છે એમ ઉજાણીની રીત ફરે છે. સાધનોની પ્રાપ્તિએ સીમાડા ઘટાડ્યા પરંતુ,આર્થિક મારથી સમસ્યાઓ એટલી જ વઘી છે.

    દિવાળીમાં દેશનો દરેક વર્ગ ઉત્સાહભેર ઉજવણીમાં જોડાય છે. આમ પણ ઉજાશની ઉજવણી તાજગી પ્રેરે છે. જેમ શિયાળામાં થોડી ગરમી મળે તો મોજ પડી જાય એમ દિવાળી પછી ફ્રેશનેસ એટલે જીવમાં રેડાયેલું જોમ. હિમાચલ પ્રદેશના એક ગ્રામ્ય વિસ્તારમાં પુત્ર જન્મની ઉજવણી થાય છે. છેલ્લા એક વર્ષમાં જેને ત્યાં પુત્રપ્રાપ્તિ થઇ હોય એવી માતા પારંપરિક પહેરવેશમાં ગોચી ઉત્સવ મનાવે છે. જેમાં નાના બાળકને માતા પોતાની પીઠ પરના બાસ્કેટમાં લઇને નૃત્ય કરે છે. કેરલા રાજ્યમાં ફૂલની રંગોળી કરીને ઓણમની ઉજવણી થાય છે. આ તહેવારમાં દરેક વ્યક્તિ કેરલાના ટ્રડિશનલ ફોર્મેટમાં જોવા મળે છે ત્રણ દિવસ સુધી ચાલતા આ તહેવામાં દરરોજ ટનની ગણતરીએ ભાત ખવાય છે અને વહેચાય છે. આ કેરલની ઓળખસમો તહેવાર છે. આપણે ત્યાં બેટી બચાવ બેટી પઢાઓના બેનર નીચે ફેકમફેક થાય છે. ખરા અર્થમાં આ વાત મણિપુરમાં સાબિત થાય છે.મણિપુરના યોશાગ ઉત્સવમાં પરિવારની સ્ત્રી અન્ય પરિવારને ત્યાં રસોઇ બનાવવા જાય છે જેથી સ્ત્રીઓનું મહત્વ અને ગરીમા દરેક પરિવાર સમજે.પાંચ દિવસ સુધી આ તહેવાર મનાવવામાં આવે છે. ગુગલમાં મેધાલયા સર્ચ કરતા ચાર બાબુના લાકડા પર નૃત્ય કરતી મહિલાઓના થોકબંધ ફોટા જોવા મળશે. મેધાલયમાં ખાસિસ નામનો સામાજિક તહેવાર મનાવાય છે. આ તહેવાર શનોગ નામના ગામડાંથી શરૂ થયેલો જે આજે દરેક શહેર-ગામમાં મનાવાય છે.જેનો હેતુ નૃત્ય કરતા કરતા ભક્તિનો છે. એમ આપણે ત્યાં ઇસ્કોનમાં થાય છે એમ.



    પંજાબમાં ગુરુપરબ નામનો તહેવાર ઉજવાય છે. આ દિવસે મોટાભાગના શીખ સમુદાયના લોકો લંગરમાં પ્રસાદ લઇને પવિત્ર થાય છે. શીખના મોટાભાગના ગુરુઓની વર્ષગાંઠ આ દિવસે મનાવાતી હોવાથી તેને ગુરુપરબ નામ આપવામાં આવ્યું છે. લદ્દાખ માત્ર બાઇક રાઇડિંગ માટેની જ જગ્યા નથી. લદ્દાખમાં દરવર્ષે હમિશ નામનો તહેવાર ઉજવાય છે.બુધ્ધ સંપ્રદાયના ગુરુની જન્મતિથીના ભાગ રૂપે આ તહેવાર ઉજવાય છે. જૂન મહિનાના દસ દિવસ સુધી આ તહેવાર ઉજવાય છે. એવું માનવામાં આવે છે કે આ તહેવામાં સૌ મિત્રો ઉજવણીનું આયોજન કરે તો લાભ થાય છે. શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો કહેવાય છે પરંતુ, છત્તિસગઢમાં આ મહિનામાં હરેલી નામનો ઉત્સવ મનાવાય છે. જેમાં ખેત ઓજારોની પૂજા કરવામાં આવે છે.જેનો હેતું કરેલી વાવણીથી પાક સફળ થાય તે છે. આ દિવસે જેમ સર્કસમાં જોકર લાંબી લાકડી પર સ્ટંટ કરે છે એમ  રૌતનાચા નૃત્યમાં છોકરાઓ લાકડી પર નૃત્ય કરે છે. આ દરેક તહેવાર ઓછામાં ઓછી બે દિવસીય રજા સાથે મનાવાય છે. જેમ દરેકનો માહોલ હોય છે એમ દરેક તહેવારની એક તાજગી હોય છે.જેની લહેરખી રોમરોમમાં રોમાંચ ભરે છે. પરંપરાઓમાં આધુનિકતા સ્પર્શી નથી કદાચ એટલે જ દેશમાં પૌરાણિક કથાઓનું આજે દાયકાઓ બાદ અસ્તિત્વ છે. ફીલિંગ્સ છે ત્યાં જોડાણ છે જીવમાં જોમ ભરીને જોશ અને હોંશથી કામ કરવાની એનર્જી આપતા તહેવાર એક પાવર બુસ્ટરનું કામ કરે છે.

Sunday, September 03, 2017

મંત્ર મંડળનું નવસર્જનઃ ચેલેન્જડ અને ચાન્સિસ

મંત્ર મંડળનું નવસર્જનઃ ચેલેન્જડ અને ચાન્સિસ

  લાંબી અટકળો બાદ મોદી સરકારના મંત્રીઓની ટીમ ત્રીજી વખત નવસર્જન પામી. જેમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. મંત્રી મંડળમાં ફેરબદલી પાછળ સીધુ ને સટ ગણિત છે દેશના રાજ્યોમાં વિધાનસભાની આવનારી ચૂંટણી. પીએમ મોદી તેમજ તેમની ટીમ મિશન 2019ની તૈયારીમાં છે ત્યારે મંત્રી મંડળમાં બદલાવએ પ્રથમ પગથીયું છે. મોદીની કેબિનેટમાં વુમન પાવર વિંગ અનુભવી અને અખતરો કરી જાણે એમ છે. ઇતિહાસ પરિવર્તન અને પુરનરાવર્તન કરાવે. મોદીની નવી કેબિનેટ ટીમમાં પણ આવું જ બન્યું છે. વડાપ્રધાન પદ પર રહીને ઇન્દિરા ગાંધીને રક્ષા મંત્રાલયનુ સંચાલન કર્યું હતુ. ત્યાર બાદ બીજી વખતા રક્ષા મંત્રાલયનો તાજ એક મહિલા પાસે છે. નિર્મલા સીતા રમણ. જેઓ અગાઉ વાણિજ્ય મંત્રાલય સંભાળી રહ્યા હતા. મોદી સરકારની જૂની ટીમમાં અનેક રાજનેતાઓ કોઇના કોઇ વિવાદને લઇને 'કેન્દ્ર'માં હતા. પરંતુ, નવી ટીમમાં પસંદગી પામેલા ચહેરાઓ લાંછન વિહોણા છે. સ્પષ્ટ, સરળ અનો એકદમ લો પ્રોફાઇલ છે. જુદા જુદા રાજનૈતિક પક્ષમાંથી પ્રમુખ લીડરને કેન્દ્રમાં સ્થાન આપીને જે તે રાજ્યમાં હુજ કમળ ખીલવવાની તૈયારીઓ થઇ રહી છે. એ સૌથી મોટો ટર્નિગ પોઇન્ટ છે. ડીગ્રી વિવાદ અને મુડી સ્વભાવથી ચર્ચામાં રહેલી સ્મૃતિ ઇરાની પાસે કાપડ મંત્રાલયની જવાબદારી છે. આ પહેલા તેમની પાસે માનવસંસાધન મંત્રાલયમાં આદેશ આપવાની સત્તા હતી. પરંતુ, ઉપરાષ્ટ્રપતિ પદે વૈંકયા નાઇડુંએ શપથ લેતા સુચના અને પ્રસારણ મંત્રાલય હવે સ્મૃતિ પાસે છે. ફેરબદલી બાદ સ્મૃતિ પાસે મીડિયાલક્ષી નિર્ણય લઇને પોલીસી તૈયાર કરવાની તક છે. 

ઝાંસીની સાંસદ ઉભા ભારતી રાજીનામાને લઇને ચર્ચામાં હતા પરંતુ, પ્રસ્તાવ પર વાત આવીને અટકી, તેમના નિર્ણયથી નીતીન ગડકરીની જવાબદારીમાં વધારો થયો છે. રોડ અને હાઇવે પોલીસીને લઇને તેમજ મેગા પ્રોજેક્ટને લઇને નીતીન ગડકરી સામે અમલવારીનો પડકાર છે. એવામાં ગંગાનદીના જીર્ણોધ્ધારની જવાબદારીમાં ક્યા નવા નિર્ણયનું વહેણ વહે છે તેના પર સૌની નજર છે. મોદીની નવી કેબિનેટ ટીમમાં કુલ 6 નવી મહિલાઓ છે. જેમની પાસે જૂની સમસ્યાઓના નવા અને નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા છે. ખાસ કરીને રક્ષા મંત્રાલયમાં દેશની પાંખમાં થતા વિવાદનો ઉકેલ, સૈન્યના સાધનોની ખરિદી, શસ્રો ખરિદીના મુદ્દે પરેદશ સાથેની વાટાઘાટ જેવા મુદ્દે પરિણામલક્ષી પર્ફોમન્સ કરવા મોકળું મેદાન છે. જ્યારે અન્ય મંત્રીઓને લઇને રાજકીય વિચારધારા હોવાના સંકેત છે. બીજેપીની માતૃસંસ્થા મનાતી એક સંસ્થાના મુખ્યાએ બિહારમાં ચૂંટણી વખતે બોલીને બગાડતા લાલુના પ્રદેશમાં કમળ કરમાયું હતુ. જ્યારે બિહારના સાંસદ અશ્વિની ચૌબેને ચાન્સ આપીને  પ્રચારલક્ષી પથ પરનું વિધ્નમાં પચાસ ટકા રસ્તો સરળ થઇ ગયો છે. લાલુ સામે સંપત્તિની બાબતે કેસ ચાલી રહ્યા છે જ્યારે નીતીશે ગઠબંધનને ગુડબાય કહી દીધુ છે. બિહાર માટે ફેરબદલ થયેલું મંત્રી મંડળ આગામી ચૂંટણી પ્રચારના બીજ સમાન છે. બિહારના જ રાજ કુમાર સિંહ આઇએએસનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. એટલે બિહારમાં બે પાયા મજબુત થયા છે. 

સૌથી મોટો આંચકો નીતીશ કુમારે લાગ્યો છે. કારણ મંત્રી મંડળમાં જેડીયુનો કોઇ નેતના સ્થાન નથી મળ્યું, મુદ્દો એ પણ અસરકારક છે કે, નીતીશ કુમારે 19 ઓગષ્ટ (એક મહિના પહેલા)ના દિવસે બીજેપી સાથે કદાય આ કારણોસર હાથ મિલાવ્યા હતા કે કેન્દ્રમાં કોઇને સ્થાન મળી રહે, પરંતુ મોદી મેજીક અને શાહના સરપ્રાઇઝ સામે નીતીશ કુમાર પાનખરમાં ફૂલ કરમાય એમ કરમાયા છે. હેવ મંત્રીમંડળમાં સાત ખાલી જગ્યાઓમાં શિવસેના, જેડીયુ અને એડીઆઇએમકે માટે પરીક્ષા છે. આ સાથે ગુજરાત માટે પણ એ વાત અસર કરે છે કે, જે નામની ચર્ચા થતી હતી એમાંથી કોઇને પણ સ્થાન મળ્યું નથી. આવનારા દિવસોમાં ગુજરાત સહિત અનેક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકવવાનું છે ત્યારે મોદી સરકારના મંત્રીમંડળનું નવસર્જન સ્પષ્ટ ચૂંટણીલક્ષી વ્યૂહરચના છે એવું અનુમાન કરી શકાય છે. આ સાથે જ મિશન લોકસભામાં ધોબી પછડાટ માટે સંગઠન શરૂ થઇ ચૂંક્યો છે. વિપક્ષ માટે વિરોધલક્ષી મુદ્દો નોટબંધી વિષય પર હતો પરંતુ, અબ પછતાયે હોગા ક્યા જબ ચીડિયા ચૂક ગઇ ખેત. શાહ અને મોદી સાથી રાજકીયપક્ષ સાથે થયેલા પક્ષપાતી વલણ સામે તીવ્ર પ્રચારનીતિ મૂકી શકે એમ છે. વિપક્ષ હવે ક્યા બેનર નીચે સત્તાવિરોધ કરે છે એ માટે વેઇટ એન્ડ વોચ

Tuesday, August 15, 2017

કૃષ્ણ એટલે મિત્ર, માર્ગદર્શક અને સારથિ

કૃષ્ણ એટલે મિત્ર, માર્ગદર્શક અને સારથિ

                મહાભારતના યુધ્ધમાં સંવાદથી શક્તિ આપનારો ઇશ્વર એટલે કૃષ્ણ.રાણભૂમિમાં માત્ર અવાજ અને શબ્દોથી જોમ સાથે સાચું ઝનુન ચડાવી દે તેવી સત્યતા. કૃષ્ણ એટલે ગીતામાં ગુરુ, સુદામાના મિત્ર, યુઘિષ્ઠિરના માર્ગદર્શક અને અર્જૂનના સારથિ. યુધ્ધભૂમિ જેવી પરિસ્થિતિમાં શ્યામ જેવો સારથિ હોય અને ગીતાનું જ્ઞાન ધરાવતો હોય તો આપણા લોકો સામેની લડાઇ પણ જીતી શકાય. ગીતા એટલે કૃષ્ણએ સ્વયં કહેલી વાતનું કાવ્યમય સ્વરૂપ જ્યારે મહાભારત એટલે મહાકાવ્ય. કદાય મહાભારત ન થયું હોતો તો ગીતા જેવો પવિત્ર ગ્રંથ પણ ન મળ્યો હોત. ભગવાને પોતે શીખવેલા અઢાર પ્રકરણ એટલે ગીતાના અઢાર અધ્યાય. જેમાં જીવન કેમ જીવવું, શું કરવું અને શું ન કરવું છતા ન કરવાનું થાય તો કેવા પરિણામ આવે તેનો આખો ચિતાર પ્રભુએ વિચારોના થ્રીડી પ્રોજેક્ટર પર રજૂ કરેલો. એ વખતે કોઇ વન ટુ વન રૂમ ન હતા એટલે કૃષ્ણએ કુરુક્ષેત્રમાં જ શૂન્યમનસ્ક થયેલા અર્જૂનને ગીતા જ્ઞાન આપેલુ. કૃષ્ણ બે વ્યક્તિના એકદમ બેસ્ટ ફ્રેન્ડ રહ્યા. એક સુદામા અને બીજા અર્જૂન. દ્રૌપદીને સૌથી વધુ પ્રેમ અર્જૂન પ્રત્યે હતો પણ પ્રેમ કેમ કરાય તેનું લેસન દેવકીનંદને શીખવ્યું.


           કૃષ્ણ જીવનને સમજવા કરતા તેની લીલામાંથી નીકળતા મોરલની સ્વીકૃતિ મહત્વની છે. બાળપણમાં સુદામા સાથેની દોસ્તી દર વર્ષે ઉજવાતા ફ્રેન્ડશીપ ડેના દિવસે માથે મારવામાં આવે છે. પરંતુ, કૃષ્ણ તો એક એવો મિત્ર છે જેને કશુંક કહ્યા વગર પણ તે પાંપણના પલકારામાં પરિસ્થિતિને પારખી જાય. જેની પાસે શબ્દો ગોઠવવાની નહીં પણ સીધું કહેવાની વાત છે. કૃષ્ણને સારા મિત્રની સાથોસાથ સ્પષ્ટ વક્તા કહી શકાય. ગીતાના સાતસો શ્ર્લોક કોઇ પણ પ્રકારના ફંબલ વીના કહી દે, એ પણ દુનિયાના ગમે તે માણસને સરળતાથી સમજાય જાય. એક સાથે સાતસો શ્ર્લોક અને મહાભારતમાં યોધ્ધા ન હોવા થતા એક યુનિવર્સલ ગોડ. મિત્ર એટલે હરખના હૈયા જોઇને હેત કરે એ. પણ અત્યારે મિત્રના હરખ જોઇને ક્યાંકથી વિખવાદનો વરખ મૂકને ખસી જનારાને કૃષ્ણ જેવો મિત્ર ક્યાંથી મળે? કાનાની મિત્રતા માટે સુદામાના જીવનનું દસ ટકા દુખ પણ આપણને પચે એમ નથી. ભીમના એગ્રેસિવ સ્વભાવના કારણે યુધિષ્ઠિર અને ભીમ વચ્ચે તણખા ઝરેલા ત્યારે કૃષ્ણએ યાદ અપાવેલું કે, અંતે તો ભીમ તમારો જ ભાઇ છે. સંબંધમાં સેતુ અને નિસ્વાર્થી હેતુનો અહેસાસ કરાવે એ કૃષ્ણ.

       ગ્રેટ ગોડ અને ગ્લેમર ગોવાળિયો ગોપીઓ સાથે ફ્રેન્ડશીપ કરે સામેથી કેટલીયે ગોપીઓનો લવ મેળવે. કળયુગમાં લસ્ટ (વાસના)ના વિચારે લવની શરૂઆત થાય છે અને પછી બ્રેક સંબંધમાં લાગે છે અને બદલો લેવાની ભાવના શેતાની દિમાંગમાં અપ થાય છે. મિત્રતા એટલે તમારા સ્વજનોને સાચવી રાખતો મણકો. મહાભારતમાં દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચેના સંવાદ ખૂબ ઓછા છે પરંતુ, એક સ્ત્રીના દિમાંગથી અનૂભુતિ કરીએ તો દ્રૌપદીને કેટલુ બધુ કહેવું હશે લાલાને? કોલેજકાળમાં ફાઇનલ સેમેસ્ટરના એસાઇમેન્ટના છેલ્લા દિવસે પોતાનું એસાઇમેન્ટ સબમિટ કરનારને આજની આધુનિક ગોપીઓ નથી ભૂલતી, જ્યારે કૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખી હતી. કદાચ આખી જિંદગી સોંપી દે અને થેંક્યું કાના, લવ યુ કાનાની માળા કરે તો પણ ઓછું પડે. કૃષ્ણની કહેલી વાતો, પ્રસંગો અને લીલાઓમાંથી એક વસ્તું તમામ પાસાઓમાં સામાન્ય છે એ છે સ્વયંશિસ્ત. કંસ પાપી હોવા છતા, જરાસંઘ બાહુબલીના ભલાલદેવો ક્રુર અને દુર્યોધન અત્યંત ડેરિંગવાળો હોવા છતા કૃષ્ણએ હાલે....ય એમ કરીને કોઇ તોછડાઇ કરી ન હતી. દુનિયાના તમામ દેવ-દેવતાઓને તમે કહેવાય છે પણ દ્વારકાવાળાને તો તું કહીને બોલાવીએ તો પણ એ સામે હંકારો આપે. જો નિખાલસતાના કાન હોય તો તે સંભળાય.


       કૃષ્ણ એમના સમયના બેસ્ટ મોટિવેશનલ સ્પીકર રહ્યા. ગીતાનું જ્ઞાન જ નહીં પણ એક આખી ફિલોસોફીની સ્થાપના કરી. નાના હતા ત્યારે પણ ગોવાળીયાઓના લીડર રહ્યા. વાણીમાં માઇન્ડ વોશ કરીને કે યુધ્ધમાંથી પલાયન થઇને પોતાના કર્મને પ્રાયોરિટી આપતા કૃષ્ણ પરમાત્માએ શીખવ્યું.
વાંસળી વગાડીને પણ કામ થાય અને સુદર્શન કાઢીને પણ કર્મ થાય. ટુંકમાં જેવી ટીમ એવી લીડરશીપ કરતા કૃષ્ણ પાસેથી શીખવાનું છે. પથદર્શક બનવામાં સૌ પ્રથમ સક્ષમતા અને પુર્ણતા જોઇએ. કૃષ્ણ હંમેશા ધ કમપ્લિટમેન રહ્યા. એ પછી રુકમણી સાથે હોય કે રાધા સાથે. દુનિયામાં સરપ્રાઇઝ દેવાની શરૂઆત કેશવે કરી. રાધાજીને પોતાનામાં ચીપકાવીને નહીં પણ ચોંકાવીને પ્રેમની હુંફ આપી. આજના સમયમાં બધા સ્પર્શ વગર અધુરપ અનુભવે છે. ભક્તની ચિંતા જ્યારે જ્યારે રુકમણીને થઇ ત્યારે અનેક વખત દેવી અધીરા થઇને રણછોડરાય પાસે નીવડો લાવવા આવેલા. પરંતુ, સમયની રાહ જોવાનું અને કર્મના બધંનની વાત કહેનારા વાસુદેવ કાયમ પ્રયત્ન સામે પરિણામની છબી દેખાડતા.

       ડખો ત્યાં છે કે, આપણે પ્રયત્ન પોટલી જેટલો કરવો છે અને પરિણામ પિરામીડ જેવડું જોઇએ. વિશાળાતા દરિયા જેવી જોઇએ છે અને ખારાશ પચાવવા પેરશુટ પહેરવા છે. આવી સ્થિતિમાં લક્ષ્યરૂપી મોતી મધદરિયે પણ ન મળે એટલે આપણે નસીબ અને નંદજીના લાલને દોષ દઇએ છીએ. હવે કૃષ્ણને સારથિ બનાવવા ગમે ત્યાં લડી લેવાની તૈયારી અનિવાર્ય છે. સાલુ લોચો ત્યાં છે કે, આપણે તો બોડાણાના ગાડામાં પણ સીટ બેલ્ટ શોધીએ છીએ. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર સ્માર્ટ ડ્રાઇવર હોય અને ઓછા સમયમાં પહોંચવાનું હોય ત્યારે શોર્ટકટ સ્વાભાવિક છે. પણ બોડાણાના પાઇલોટના સહારે જીવનનું પ્લેન મૂકીએ તો એ ક્રેશ લેડિંગ તો નહીં જ થવા દે. ક્યારેક લક્ષ્ય સુધી પહોંચાડવામાં મોડું કરશે કારણે આ તો મૂડી ભગવાન છે. પણ એના ભરોસે નૈયા પાર થશે અને જીવનની પરીક્ષા પાસ પણ થશે. કેરિયરની કોઇ પણ ફિલ્ડમાં કૃષ્ણ જેવો સારથિ હોવો જોઇએ તો જ સાચા યોધ્ધાની પરખ થાય. ઠોકર ખાવાથી મજબુતી આવે પણ બળજબરી કરવાની બુધ્ધી ન આવે. ક્રાતિવીર કૃષ્ણને કાયમ પોતીકા પ્રભુ કહી શકાય. ગીતાના સર્જકે કહેલો અર્જૂન વિષાદયોગ જીવનની દરેક સ્થિતિને સમજવામાં મદદરૂપ જ નહી પણ અમલીકરણ રૂપ છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. જ્ઞાની સારથી કાયમ તમારું ભલુ કરવાનો કારણે એમને પણ પરિવાર હોય ને?


આઉટ ઓફ બોક્સ
શું ન કરવું એ તો બધા કહે છે. પણ શું કરવું એ એક માત્ર કૃષ્ણ કહે છે ગીતાજીમાં.


Sunday, June 04, 2017

શું તમને ખબર છે દેશની ટ્રેનના નામ કેવી રીતે પડ્યા?

શું તમને ખબર છે દેશની ટ્રેનના નામ કેવી રીતે પડ્યા?
    
                મેટ્રો રેલના સ્વપ્નને સાકાર કરવા આગળ વધતા રેલ તંત્રએ મુસાફરલક્ષી અસરકારક પગલા લીધા છે. જ્યારે મે માસના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં ભારતની ઓળખસમી રેલાગાડીઓએ પોતાની યાત્રામાં અડધી સદી પુરી કરી. જેમાં ડેક્કન ક્વિન, પંજાબ મેલ, ગુજરાતમાં અમદાવાદથી શરૂ થયેલી પ્રથમ રેલગાડીનો સમાવેશ થાય છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના શ્રીગણેશ સપ્ટેમ્બરમાં થવાના છે ત્યારે જાપાન અને ભારતના વડા આ કાર્યક્રમમાં જોડાશે તેવી આશા રાખવામાં આવી રહી છે. કુલ રૂ.63 હજાર કરોડના આ પ્રોજેક્ટથી અમદાવાદ-મુંબઇ વચ્ચેનું અંતર ઘટશે. સાથોસાથ અમદાવાદમાં પણ મેટ્રોની સવારી શરૂ થવા જઇ રહી છે. જેનું કામ જેટગતિએ ચાલી રહ્યું છે. જે મેટ્રો શરૂ થતા અમદાવાદના આંતરિક પરિવહનનું ચિત્ર પણ પલટાશે.


               ભારતીય રેલ વિભાગ તેના સાહસ અને સિધ્ધ કરેલા સોપાનથી વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યું છે. ખાસ કરીને રેલવેની સિગ્લનલ સિસ્ટમની સાથે અતિ આધુનિક જીપીએસ સિસ્ટમે હાથ મિલાવતા પરિવહન માધ્યમ સરળ થતુ જાય છે. દેશની દરેક ટ્રેન તેના નંબર અને ઝોન પ્રમાણે ઓળખ ધરાવે છે. જે રીતે ટ્રેનના નંબરનું મહત્વ છે એટલું જ તેના નામનું મહત્વ છે. અંગ્રેજોએ શરૂ કરેલું આ પરિવહન માધ્યમ ભારતીય ઓથોરિટી પાસે આવતા સગવડ પ્રમાણે વ્યાખ્યાઓ બદલતી રહી એવું જરા પણ ન બન્યું. જે રીતે દેશના સૌથી લાંબા અને અગત્યના નેટવર્કે સાહસની સિક્સર મારી છે તેમાં સ્વરૂપો બદલતા જાય છે. જાણકારીની જડીબુટ્ટીઓમાં સતત અને સખત વધારો થતો ગયો તેમજ પાયાના ફોર્મેટનું સાતત્ય જળવાતુ ગયું. રેલવેની બાબતોમાં સામાન્ય જ્ઞાન સૌની પાસે રહેલું જ છે પણ ઇતિહાસની વાર્તા સાથે અમેઝિંક કહી શકાય તેવા પારાઓની રંગબેરંગી માળા તૈયાર કરવાનો પ્રયાસ અનેક વખત થયો.

                   દેશની દરેક રેલવેના નંબરમાં આઇઆર હોય છે. જે ઝોનલ નંબર દર્શાવે છે. મોટાભાગની ટ્રેનના નામ યાદ રાખવાની આદત આપણને હોય છે ત્યાર બાદ બર્થ નંબરની શોધ શરૂ થાય છે. રેલ માધ્યમથી કોઇ યાત્રા શરૂ થાય ત્યારે તેના આગમનથી જ એક અનોખો રોમાંચ હોય છે. મોટા અવાજ સાથે પ્લેટફોર્મમાં પ્રવેશતી રેલગાડીના ડબ્બા જે સ્પીડથી આવે છે તેમના બમણી સ્પીડથી તે રેલવેના હાઇવે પર દોડતા રહે છે. જ્યારે શરૂઆત થઇ ત્યારથી જ આંરભ અને અંતના જંક્શન બોલવામાં આવે છે જે આજે મેટ્રોમાં પણ યથાવત છે. જેમ કે, દિલ્લી-અમદાવાદ ટ્રેન. ત્યાર બાદ તે ટ્રેનનું નામ બોલાય છે. દિલ્લી-અમદાવાદ યોગા એક્સપ્રેસ. આપણા દેશની 80 ટકા ટ્રેનના નામ જે તે પ્રદેશના લેન્ડમાર્ક, નદીના નામ અને પહાડના નામ પરથી રાખવામાં આવ્યા છે. દરરોજ અપ-ડાઉન કરતા લોકો માટે શહેરના નામ સાથે વ્યવહાર કરવામાં આવે છે. તેથી ટ્રેનના નંબરના બદલે નામ લોકોના હોઠે વસી ગયા છે. પ્રાથમિક ધોરણે પ્રકૃતિના તત્વોને પ્રાધાન્ય આપ્યા બાદ વિશેષ વ્યક્તિના નામે ટ્રેનના નામ અંકિત થયા.

            ટ્રેનના નામાંકરણ બાદ જે તે ટ્રેનની કેટેગરી જોડી દેવામાં આવી. જેમ કે, ઇન્ટરસિટી એક્સપ્રેસ, જનતા મેલ, ચેન્નઇ-જયપુર એક્સપ્રેસ. હાવરા-અન્સોલ એક્સપ્રેસ ટ્રેનને અગ્નિવીણા એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું હતું. જેનું અગાઉનું નામ બિધાન એક્સપ્રેસ હતું. વાસ્તવમાં અગ્નિવીણા કવિ કાઝી નઝરુલનો કાવ્યસંગ્રહ છે. આવી અન્ય એક ઘટના. સાહિત્યની કૃતિ પરથી રેલનું નામ કામયાણી એક્સપ્રેસ. કામયાણી કવિ જયશંકર પ્રસાદનો કાવ્યસંગ્રહ છે. કોચી-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનને અહલ્યાનગરી એક્સપ્રેસ ટ્રેન નામ આપવામાં આવ્યું  કારણ કે, ઇન્દોર પર હોલ્કર રાણી અહલ્યાબાઇનું શાસન હતુ. દુર્ગ-ભોપાલ ટ્રેનને અમરકંટક એક્સપ્રેસ નામ અપાયું છે. કારણ કે ભોપાલ પાસે અમરકંટક પહાળ આવેલો છે. જેને નર્મદાનું ઉદ્દગમ સ્થાન કહેવામાં આવે છે. આવી જ અન્ય ટ્રેન મંડોવી એક્સપ્રેસ જેનું નામ મહારાષ્ટ્રની મંડવી નદી પરથી રાખવામાં આવ્યું છે. ગુવાહાટીથી નીકળતી કાંચનજંગા એક્સપ્રેસનું નામ કાંચનજંગાના પહાળી વિસ્તાર પરથી રખાયું છે.  કેટલાક નામ પાછળ જે તે પ્રદેશની ભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું. દુરંતો શબ્દ બંગાળી છે. જેનો અર્થ સ્પીડ, ગતિ એવો થાય છે. ઝારખંડ પાસે નાનું એવું જંક્શન છે જેનું નામ છે મુરી. જાણીને નવાઇ લાગશે કે, રેલ તંત્ર મુરી એક્સપ્રેસ દોડાવી રહ્યું છે.

        દેશના પાંચ ઝોનમાં ફેલાયેલું રેલ તંત્ર ઝોન વાઇસ પણ ટ્રેનને નામ આપી ચૂક્યું છે. હૈદરાબાદ-નિઝામુદ્દિન એક્સપ્રેસને દક્ષિણ એક્સપ્રેસથી ઓળખવામાં આવ છે. જ્યારે હાવરા-નવી દિલ્લીને પૂર્વ એક્સપ્રેસ કહેવામાં આવે છે. આ તમામ નામ પાછળની ખાસ વાત એ છે કે તમે રેલવેના ફોર્મમાં કોઇ જૂના નામ લખો કે આરંભ અને અંતના સ્ટેશન લખો તંત્રનું કોમ્પ્યુટર આપમેળે તે ટ્રેનનો નંબર ટિકિટમાં પ્રિન્ટ કરી દે છે. એટલે દક્ષિણ એક્સપ્રેસ લખો એટલે કામ ચાલી જાય. બ્લેક ડાયમંડ એક્સપ્રેસ, સ્ટીલ એક્સપ્રેસ, કોયલફિલ્ડ એક્સપ્રેસ. આ કોઇ ટોય ટ્રેનના નામ નથી. શહેરની સ્પેશ્યાલીટીને ટ્રેનના નામ સાથે જોડી દેવામાં આવી છે. બ્લેક ડાયમંડ એક્સપ્રેસ એટલે ધનબાદ, સ્ટીલ એક્સપ્રેસ એટલે ટાટાનગર. દેશના ભાગલા વખતે પણ ટ્રેને મહત્વની ભૂમિકા ભજવી. રઇશ ફિલ્મના પ્રમોશન વખતે કિંગ ખાને અગસ્ટક્રાંતિ એક્સપ્રેસમાં સવારી કરી. આ ટ્રેન પાછળ ઇતિહાસ જોડાયેલો છે. ભારત છોડોની ચળવળ વખતે માઇલસ્ટોન બનેલું ગ્વાલિયા ટાંક મેદાન જેને પછીથી ઓગસ્ટ ક્રાંતિ મેદાનથી ઓળવામાં આવ્યું, તે પરથી ટ્રેનનું નામ ઓગસ્ટક્રાંતિ એક્સપ્રેસ રાખવામાં આવ્યું. જે દિલ્લીથી મુંબઇને જોડે છે. આ તો થઇ ટ્રેનના નાંમાકનની વાત. હવે પછી ટ્રેનના અમેઝિંગ રૂટ વિશેની વાત.


Friday, May 19, 2017

ગુજરાત અને આફ્રિકા 'હમ સાથ સાથ હૈ'


ગુજરાત અને આફ્રિકા 'હમ સાથ સાથ હૈ'

           પ્રથમ વખત ગુજરાના આંગણે કોઇ પરદેશી બેંકના વિકાસના બીજ રોપાવા જઇ રહ્યા છે. આફ્રિકાની બાહર પ્રથમ વખત આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બેઠક યોજાવાની છે ત્યારે ખાસ વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદીની વૈશ્વિક ખ્યાતિ અસર કરી ગઇ છે. વિદેશ પ્રવાસને લઇને અનેક વખત ચર્ચાના વર્તુળમાં રહેલા મોદીએ ગુજરતને કેન્દ્રમાં રાખીને આડકતરી રીતે વેલકમ ઇન ઇન્ડિયા એન્ડ ઇવેસ્ટ ઇન ઇન્ડિયાને સાકાર કરી રહ્યા છે. ગુજરાત અને આફ્રિકાના સંબંધ વર્ષો જૂના છે. જ્યારે ફ્લાઇટની સગવડ ન હતી ત્યારે દરિયાઇ માર્ગે આફ્રિકાના અનેક પ્રાંતોમાં ગુજરાતના મરી મસાલા અને અથણાનો વેપાર થયો. જે સમય જતા વિકાસ પામ્યો અને વિસ્તરો. મરી મસાલામાંથી આગળ વધી આધુનિક મશીનરી સુધી વ્યાપારવૃધ્ધિમાં ગુજરાતી પ્રજાની દિમાંગી સુઝબુઝ સામે આફ્રિકનોની ક્ષમતાના સંગાથથી આજે ગુજરાત અને આફ્રિકા એક સાથે ઉભા છે.

     ભારતના નક્શામાં હ્દય સમાન ગુજરાત વેપાર કેન્દ્ર બન્યું છે ત્યારે વૈશ્વિક કક્ષાએ નાના અને મધ્યમકક્ષાના વેપારીઓના પ્રોજેક્ટને વૈશ્વિક સ્તર આપવાની આવશ્યકતા છે. દર વર્ષે થતી કરોડોની સમજૂતી કરતા સ્વીકૃતિ અને પરપસ્પર સંવાદની જરૂર છે. આફ્રિકન બેંકના વિકાસની બેઠકમાં સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટેનો એજન્ડા તંત્ર રજૂ કરી શકે. આફ્રિકા સાથે વ્યાપારી સંબંધો અગાઉ ખૂબ મજબુત હતા પરંતુ, પરદેશમાં વધી રહેલી ગુજરાતીઓની હિંસાને લઇ વાતાવરણ સમયાંતરે વધુને વધુ ડહોળાતું જાય છે. સુરક્ષાને લઇને સણસણતા સવાલો આજે પણ સંબંધોમાં લાંછન લગાડે છે.

            આફ્રિકા પાસેથી ટેક્નોલોજી અને બોટલિંગના અભિગમ સમજવા જેવા છે જ્યારે ગુજરાત ખેત પેદાશ તથા ઇલેક્ટ્રિકલ ગૂડઝ, પ્લાસ્ટિક, સાવરણી, પર્સ, બેલ્ટ, હાથ બનાવટના આસન જેવી કોમોડિટીની નિકાસ કરીને આર્થિક સમૃધ્ધિ રળી શકે. આફ્રિકાના 54 દેશના વડા ગુજરાતમાં ધામા નાખશે. દરેક પાસે પોતાના એજન્ડા તૈયાર હશે. મહત્વનું એ છે કે દેશની અનેક કોમોડિટી, સર્વિસ અને પ્રોડક્ટ માટે આફ્રિકા મોટું બજાર બની શકે. પરંતુ વ્યાપારી નેતૃત્વ અને સંગઠનના અભાવે માર્ગ સાંકળો બની રહ્યો છે. આફ્રિકામાં સુરક્ષાને લઇને અનેક વખત નકારાત્મક ચિત્ર સામે આવ્યું છે. વાણીમાં પાવરધા પીએમ મોદી લોજિક અને રિયાલિટિથી બેઠકમાં પરિણામલક્ષી સુચન કરે તેવી અપેક્ષા છે. ભારત અને આફ્રિકા બંન્ને વિકસતા રાષ્ટ્રો છે. સમસ્યાઓના કેટલાક મૂળિયા સરખા છે. જેમ આપણે ત્યાં દેશમાં પાંગરેલો આતંકવાદ એટલે કે નક્સલવાદ છે તેમ ત્યાં સ્થાનિક રાક્ષસોની આખી એક ફોજ છે. આ પ્રકારના અનેક મુદ્દાઓને લઇને મોદી બંન્ને દેશ માટે ફાયદાલક્ષી ડીઝાઇન મૂકી શકે.

            આફ્રિકા પાસે જેટલી કુદરતી સંપત્તિની વિશાળતા છે તે અન્ય ખંડની સરખાણીમાં સૌથી વધુ છે. જંગલો, નદી-નાળા અને જમીનની ફળદ્રુપતાને લઇ અનેક વખત કેટલાય રીસર્ચ થયા છે. પરંતુ વણવપરાયેલી જમીનનો ભાગ ખૂબ મોટો છે. આ ઉપરાંત આફ્રિકાના નિયમો આપણા દેશથી જુદા છે. પરવાનગીની શ્રેણીમાંથી પસાર થયા વિના છુટકો નથી. પ્રવૃતિનો ઢસરડો કરવા કરતાં પ્લાનિંગથી પ્રોસેસ સુધીના કામનો શુભારંભ થઇ શકે. ગુજરાતમાં વાઇબ્રન્ટ મીટ બાદ બીજી વખત આ પ્રકારની મોટી મીટ યોજાઇ રહી છે ત્યારે સ્થાનિક વૈવિધ્ય અને વાતાવરણનો પ્રસાદ પણ આ રાષ્ટ્રોના વડાઓને મળવો જોઇએ. ફ્રીની ફોર્મુલાની વાત નથી પણ ટેલેન્ટને સાત સમંદર પાર લઇ જવા માટેનો પ્રયાસ છે.

              વ્યાપારી હિતની સાથોસાથ રાષ્ટ્રહિતની પણ પ્રાથમિકતા છે. આફ્રિકા પાસે ચાન્સ અને ચેન્જ કરવા માટેના પુરતા સ્કોપ છે. જ્યારે ભારત પાસે પોતાના સંબંધો વધુ મજબુત કરીને આાંતરરાષ્ટ્રિય સમસ્યાઓ સામે સહમતી લેવાના અવકાશ છે. અન્ય એક એ પણ મુદ્દો છે કે, વેપાર માટે રેડ કાર્પેટ પાથરતા રાજ્ય માટે એટલી ઝડપથી રોજગારીનું સર્જન થવાનું નથી. કારણ કે દરેક કંપની કે સંસ્થા પોતાની ટીમ સાથે મેદાને ઉતરતી હોય છે

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...