Saturday, September 30, 2017

ફેસ્ટિવલઃ ફન,ફીલિંગ્સ અને ફ્રેશનેસ

ફેસ્ટિવલઃ ફન,ફીલિંગ્સ અને ફ્રેશનેસ

    દશેરા પછીના દિવસો એટલે દિવાળીના એંધાણ. પ્રકાશના પર્વની પૂર્વ તૈયારીઓના દિવસો, જેમાં બજારથી લઇને બ્યૂટિ પાર્લર સુધીનું બધુ જ તબક્કાવાર બદલે. વર્ષના તમામ દિવસોમાં નોરતા પછીના દિવસો એટલે સિઝનની સિરિઝ, સેલ અને શોપિંગની વસંતઋતુ, શણગાર અને સ્વચ્છતાનું પખવાડિયું. સામાન્ય રીતે આપણા દેશમાં બારે માસ કોઇને કોઇ રાજ્યમાં ચોક્કસ પ્રકારના તહેવારોની ઉજવણી ચાલું જ હોય છે. જ્યારે રાજકીય તહેવારો કાયમી રહે છે. ધર્મ અને સમાજ સાથે સંકળાયેલા દરેક તહેવારોમાં એક અનોખું વૈવિધ્ય છે. જે ભારત સિવાઇના દેશમાં જોવા નથી મળતું. ધાર્મિક તહેવારોની આધ્યાત્મિકતા અને પવિત્રતાનો સ્પાર્ક સમયાંતરે થતો રહે છે. આજે ભલે ઉપવાસની 'પેટન્ટ' બદલાઇ હોય પરંતુ,હિંદુ ધર્મમાં ફાસ્ટિંગએ ફેશન નહીં પણ ટ્રેડિશન છે. નવરાત્રિની ઉપાસના ઉપવાસથી થાય છે જ્યારે તહેવારોમાં રાતની પણ ઉજાણી છે. ઉત્સવ શબ્દ ભલે નાનો હોય તેનો વ્યાપ અને અસર અવકાશથી વિશાળ છે. કુદરતી તત્વો પર ઝાકળનો સ્પર્શ થાય એવો અહેસાસ છે. દરેક ઉજાણીમાં હવે મોંધવારીની અમાસ વર્તાય છે. એમા પણ જીએસટીથી માઠી બેઠી છે. તહેવારનો માહોલ એ જ છે પરંતુ, ભાવ વધારાથી ઉજવણીની રીત બદલાઇ રહી છે. ફેસ્ટિવલનું ફન બર્ન થવાના આરે છે. જ્યારે સોશ્યિલ મીડિયાથી શેર થતા સેન્ટિમેન્ટ આવનાર દિવસોમાં સ્નેહમિલન પણ ઓનલાઇન કરે તો નવાઇ નહીં.



    તહેવારો એટલે રોજિંદી જીવાતી જિંદગીમાં આનંદની પાવરફુલ બ્રેક. રજાનો દિવસ અને પરિવારની હુંફથી ઉત્સવની ઉજવણીનો ઉન્માદ બમણો થાય છે. તહેવારમાં સાથે રહેવું એ પણ એક સેલિબ્રેશન જેવું જ છે. જ્યારે રોજબરોજના દિવસો કોન્ફરંસથી લઇને ક્લાઇન્ટની મિટિંગમાં જ પસાર થાય છે. કોઇ પણ ઉત્સવ એક હળવાશ બક્ષે છે. દરેક તહેવાર સાથે એના માહોલની મજા હોય છે. દિવાળીમાં ઘણા પ્રાંતમાં ગરબાની રમઝટ બોલે છે પરંતુ, મજા તો નવરાત્રિમાં જ આવે છે ને? દરેક રાજ્યના તહેવાર સાથે સ્થાનિક લોકોની લાગણી જોડાયેલી હોય છે. રમવા ન જાવ પણ જોવા જઇએ એમાં પણ જાતનું ઇન્વોલમેન્ટ હોવાનું જ. ઓનલાઇનના જમાનામાં ફન સાથે ફેશને હાથ મિલાવતા તહેવારો વ્યક્તિએ વ્યક્તિએ બદલતા રહ્યા છે. યાદ છે? દિવાળી નજીક આવતા દરજીના ધંધામાં પુષ્યનક્ષત્રના દિવસે સોનું લેવામાં જેટલી ભીડ ન હોય એટલી ગરદી થાય. કાપડમાં સેલ આવે, બજારમાં બોર્ડ લાગે ફટાકડાનો તદ્દન નવો સ્ટોક, ટીવી પર કલરની જાહેરાત એવી રીતે પ્રસ્તુત થાય જાણે સ્ક્રિન પર દેખાતું ઘર પોતાનું જ હોય. સમય બદલાય છે એમ ઉજાણીની રીત ફરે છે. સાધનોની પ્રાપ્તિએ સીમાડા ઘટાડ્યા પરંતુ,આર્થિક મારથી સમસ્યાઓ એટલી જ વઘી છે.

    દિવાળીમાં દેશનો દરેક વર્ગ ઉત્સાહભેર ઉજવણીમાં જોડાય છે. આમ પણ ઉજાશની ઉજવણી તાજગી પ્રેરે છે. જેમ શિયાળામાં થોડી ગરમી મળે તો મોજ પડી જાય એમ દિવાળી પછી ફ્રેશનેસ એટલે જીવમાં રેડાયેલું જોમ. હિમાચલ પ્રદેશના એક ગ્રામ્ય વિસ્તારમાં પુત્ર જન્મની ઉજવણી થાય છે. છેલ્લા એક વર્ષમાં જેને ત્યાં પુત્રપ્રાપ્તિ થઇ હોય એવી માતા પારંપરિક પહેરવેશમાં ગોચી ઉત્સવ મનાવે છે. જેમાં નાના બાળકને માતા પોતાની પીઠ પરના બાસ્કેટમાં લઇને નૃત્ય કરે છે. કેરલા રાજ્યમાં ફૂલની રંગોળી કરીને ઓણમની ઉજવણી થાય છે. આ તહેવારમાં દરેક વ્યક્તિ કેરલાના ટ્રડિશનલ ફોર્મેટમાં જોવા મળે છે ત્રણ દિવસ સુધી ચાલતા આ તહેવામાં દરરોજ ટનની ગણતરીએ ભાત ખવાય છે અને વહેચાય છે. આ કેરલની ઓળખસમો તહેવાર છે. આપણે ત્યાં બેટી બચાવ બેટી પઢાઓના બેનર નીચે ફેકમફેક થાય છે. ખરા અર્થમાં આ વાત મણિપુરમાં સાબિત થાય છે.મણિપુરના યોશાગ ઉત્સવમાં પરિવારની સ્ત્રી અન્ય પરિવારને ત્યાં રસોઇ બનાવવા જાય છે જેથી સ્ત્રીઓનું મહત્વ અને ગરીમા દરેક પરિવાર સમજે.પાંચ દિવસ સુધી આ તહેવાર મનાવવામાં આવે છે. ગુગલમાં મેધાલયા સર્ચ કરતા ચાર બાબુના લાકડા પર નૃત્ય કરતી મહિલાઓના થોકબંધ ફોટા જોવા મળશે. મેધાલયમાં ખાસિસ નામનો સામાજિક તહેવાર મનાવાય છે. આ તહેવાર શનોગ નામના ગામડાંથી શરૂ થયેલો જે આજે દરેક શહેર-ગામમાં મનાવાય છે.જેનો હેતુ નૃત્ય કરતા કરતા ભક્તિનો છે. એમ આપણે ત્યાં ઇસ્કોનમાં થાય છે એમ.



    પંજાબમાં ગુરુપરબ નામનો તહેવાર ઉજવાય છે. આ દિવસે મોટાભાગના શીખ સમુદાયના લોકો લંગરમાં પ્રસાદ લઇને પવિત્ર થાય છે. શીખના મોટાભાગના ગુરુઓની વર્ષગાંઠ આ દિવસે મનાવાતી હોવાથી તેને ગુરુપરબ નામ આપવામાં આવ્યું છે. લદ્દાખ માત્ર બાઇક રાઇડિંગ માટેની જ જગ્યા નથી. લદ્દાખમાં દરવર્ષે હમિશ નામનો તહેવાર ઉજવાય છે.બુધ્ધ સંપ્રદાયના ગુરુની જન્મતિથીના ભાગ રૂપે આ તહેવાર ઉજવાય છે. જૂન મહિનાના દસ દિવસ સુધી આ તહેવાર ઉજવાય છે. એવું માનવામાં આવે છે કે આ તહેવામાં સૌ મિત્રો ઉજવણીનું આયોજન કરે તો લાભ થાય છે. શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો કહેવાય છે પરંતુ, છત્તિસગઢમાં આ મહિનામાં હરેલી નામનો ઉત્સવ મનાવાય છે. જેમાં ખેત ઓજારોની પૂજા કરવામાં આવે છે.જેનો હેતું કરેલી વાવણીથી પાક સફળ થાય તે છે. આ દિવસે જેમ સર્કસમાં જોકર લાંબી લાકડી પર સ્ટંટ કરે છે એમ  રૌતનાચા નૃત્યમાં છોકરાઓ લાકડી પર નૃત્ય કરે છે. આ દરેક તહેવાર ઓછામાં ઓછી બે દિવસીય રજા સાથે મનાવાય છે. જેમ દરેકનો માહોલ હોય છે એમ દરેક તહેવારની એક તાજગી હોય છે.જેની લહેરખી રોમરોમમાં રોમાંચ ભરે છે. પરંપરાઓમાં આધુનિકતા સ્પર્શી નથી કદાચ એટલે જ દેશમાં પૌરાણિક કથાઓનું આજે દાયકાઓ બાદ અસ્તિત્વ છે. ફીલિંગ્સ છે ત્યાં જોડાણ છે જીવમાં જોમ ભરીને જોશ અને હોંશથી કામ કરવાની એનર્જી આપતા તહેવાર એક પાવર બુસ્ટરનું કામ કરે છે.

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...