Saturday, October 14, 2017

તખ્તો આવતા તાજ ભુલાયો.

તખ્તો આવતા તાજ ભુલાયો.

         યોગી આદિત્યનાથ ગુજરાતના પ્રવાસે છે અને કમળનો પ્રચાર વિસ્તારી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં નવા સીએમ તરીકે જ્યારે નામ જાહેર થયું ત્યારે અમિત શાહ અને મોદીની આ સરપ્રાઇઝડ વ્યક્તિની અનોખી વિચારધારાનો ધોધ વરસ્યો હતો. પ્રખર, ચુસ્ત, સ્પષ્ટ અને સાફ છબી વગેરે વગેરે. ઘટનાપ્રધાન દેશમાં બનાવને રાજકીય સ્પર્શ લાગતા સમય નથી લાગતો. એ પછી મામલો ઓક્સિજનના અભાવે બાળકની મોતનો હોય કે પ્રવાસન વિભાગના બ્રોસરનો. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના છ મહિનાના સમયગાળા બાદ યુપી પ્રવાસન વિભાગે પ્રકાશિત કરેલી પ્રવાસન પુસ્તિકામાં તાજમહાલનો ઉલ્લેખ ભૂલાય ગયો છે. આ બાબત થોડી ચોંકાવનારી અને ચર્ચાસ્પદ છે. આ મુદ્દે વિપક્ષે કમળને નિશાને રાખી સત્તાધારી પક્ષોની માનસિકતા પર પ્રહારો કર્યા. આમ પણ સરકાર કોઇ પણ હોય થૂંકેલું ચાટવામાં અને થયેલી ભૂલનું ભાવતું ભોજન બનાવી પીરસવામાં નિષ્ણાંત છે. યુપી સરકારના પ્રવાસન મંત્રી રીટા બહુગુણાએ ચોખવટ કરી કે આ બુકલેટ રાજ્યમાં પ્રવાસનને પ્રમોટ કરવા માટેની 'ઓફિસિયલ' બુકલેટ નથી. પરંતુ, હોબાળો સમુદ્રના મોજાની જેમ હિલ્લોળા લીઘા વિના રહે નહીં.



       દરેક રાજ્યમાં પ્રવાસનને પ્રમોટ કરવા માટે ચોક્કસ રકમ ફાળવવામાં આવે છે. ગુજરાતમા તો પુરેપુરા એબેસેડરને રોકવામાં આવે છે. છતા મદદના નામે મીંડું અને વ્યવસ્થામાં છીડું છાનું રહેતું નથી. ગુજરાત પ્રવાસનની વાત કરીએ તો, જે રીતે તેની જાહેરાતમાં દર્શાવવામાં આવે છે તે ટેન્ટસિટીમાં એક દિવસનું ભાડું અમીરચંદો સિવાઇ કોઇના ગજવામાંથી નીકળે એમ નથી. દર વર્ષે થતા ઉત્સવોમાં સ્થાનિક પ્રજાની રોજગારી સચવાયેલી હોય છે. સ્થાનિક બજારમાં જે તે ચીજ વસ્તુઓ જ્યાં બને છે ત્યાં પણ સસ્તી નથી એવામાં મેળામાં દામ ડબલ થાય એ સ્વાભાવિક છે. જેમ કે, જામનગરની બાંધણી તે શહેરમાંય સસ્તી નથી. જ્યાં ઉત્પાદન છે ત્યાં આર્થિક ઉપજ ઓછી છે. એક એવું ફોર્મેટ નક્કી થઇ શકે કે જ્યાં બને છે ત્યાંથી મળી રહેતા શ્રમને વધું સારૂ વળતર ચૂકવીને ગ્રાહકને ઓફરથી આવકારી શકાય. યુપીમાં અનેક સ્થળો જોવા લાયક છે. વૃંદાવન મથુરા, ફતેહપુર સિક્રી, આગ્રા તમામ સ્થળ પાછળ વિરાટ ઇતિહાસ જોડાયેલો છે. એવામાં તાજ આઇકોન સમાન છે.

        તાજની આજુબાજુ ટુરિસ્ટ ગાઇડ તરીકે 'વિકાસ' કરવા કરોડો રૂપિયા અલગ રખાયા છે પણ મુખ્ય વાત એ છે કે પર્યટનની ચોપડીમાંથી તાજ ક્યાં કારણોસર ગુમ થઇ ગયો? કે જાણી જોઇને બાકાત રખાયો? આ ઉપરાંત યોગીએ એવી વાણી વહેતી કરી હતી કે, તાજ દેશનું પ્રતીક નથી. સવાલ એ થાય કે આ ચોપડીમાં એવું છે શું, જવાબ છે યોગીનું પોતાનું મંદિર, ગોરખપુર આશ્રમ, નદીના સાઇટસિન. જ્યારે વિશ્વભરની અજાઇબીનું વૈશ્વિક સ્તર પર વોટિંગ કરવામાં આવ્યું ત્યારે આપણે ભરભરીને તાજને નંબર વન પર લાવવા માટે વોટ આપ્યો હતો. તાજ અજાઇબીમાં સામિલ છે ત્યારે વર્ષ 1983 આંતરરાષ્ટ્રિય સ્તરે વલ્ડ હેરિટેજ સાઇટનું ટેગ મળેલું છે. દરરોજના હજારો યાત્રિકો આ પ્રતીમાને જોવા અને પ્રેમને પ્રતીકને ઓળખવા માટે આવે છે. દુખની વાત એ છે કે, આયોજનના અભાવે કેટલોક ભાગ પોતાના અસલી રંગ ગુમાવી રહ્યો છે. જેટલી સુરક્ષા પ્રવેશતા પહેલા મૂકવામાં આવી છે એટલી તકેદારી સાચવણીમાં રાખવામાં આવે તે હવે અનિવાર્ય છે.

        પુસ્કતમાં તાજના અભાવે તંત્રની દેશવાસો જ નહીં પણ મુલાકાત માટે આવતા પરદેશીઓ પણ ટીકા કરશે. બ્રોશરમાં ભલે તાજની ચમકને હાંસિયામાં મૂકવામાં આવી પણ વાસ્તવિકતા જાણવા હજુ પણ યાત્રિકોનો ઘસારો રહેવાનો જ છે.બીજી તરફ યુપીમાં અનેક વિવાદે આસમાની ઉંચાઇ મેળવી છે. કુપોષણ હોય કે રાજકીય કકળાટ. ફોક્સમાં રહેતા નેતાઓ રાજ્યોના લેન્ડમાર્કને સાચવવા પાછળ પણ વોટબેંકને કેન્દ્રિત કરી રહ્યા છે. આવી જ હાલત ગુજારાતમાં છે. સરદાર પટેલની પ્રતિમાં તૈયાર કરવાનું એલાન ક્યારનું થઇ ચૂક્યું છે એવામાં જ્યારે પ્રતીમાં તૈયાર થશે ત્યારે સત્તાધારીપક્ષ જશ ખાટીને મતદારોને વિકાસની વિરાટતા બતાવશે. જ્યારે હયાત સ્થાપત્યોને સાચવવા એ માત્ર પ્રાસંગિક બની રહ્યું છે. માત્ર પ્રવાસન વિભાગના બોર્ડ અને હેરિટેજના ટેગ લાવવાથી જ ખ્યાતિ નથી થવાની તેની માવજત તેમજ યોગ્ય દિશામાં પ્રમોશન જરૂરી છે. જેથી સાચો ઇતિહાસ આવનારી પેઢી સુધી તેના મૂળ રૂપે વિસ્તરતો રહે.

No comments:

Post a Comment

ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ

 ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ         દિવાળીનો તહેવાર દરવર્ષે આવે છે. ફટાકડા ફોડવા કે નહીં એની માથાકુટ પણ વાર્ષિક થઈ ગઈ છે. ફટાકડાના ધુમાડાં...