Showing posts with label janmashtami special. Show all posts
Showing posts with label janmashtami special. Show all posts

Saturday, August 24, 2019

અરે દ્વારપાલો...કનૈયા સે કહે દો.

અરે દ્વારપાલો...કનૈયા સે કહે દો.

દુનિયામાં અનેક પ્રકારના ધર્મ છે. ધર્મની સાથે ચાલતા અઢળક સંપ્રદાયો છે. વિશ્વના અનેક પંથ, સમુદાય અને ધર્મના પ્રવાહો એક લયમાં કુદરતી નિયમો અનુસાર દોડે છે. ભૌતિકવાદ અને આધ્યાત્મ વચ્ચે સીધો તફાવત તો મોટો છે પણ પરોક્ષ રીતે કુદરત પ્રત્યેની શ્રદ્ધાનો દરેકમાં એક સ્પાર્ક હોય છે. પરંતુ, કૃષ્ણ એટલે એક એવો દેવ જેને તુકારો આપીએ તો પણ પોતીકો લાગે અને જેને સખા બનાવીએ તો પણ તે કટોકટીના સમયમાં તારણહાર બની જાય. એક રીસર્ચ એવું કહે છે કે, દુનિયામાં સૌથી વધારે જે પરમાત્મા પર લખાયું અને છપાયું છે તે કૃષ્ણ પરમાત્મા છે. જગતમાં પ્રેમના બે દેવ પૃથ્વી પર અવતરીને આસ્થાના સંદેશાઓ આપી ગયા. એક ભગવાન ઈસુ ખ્રિસ્ત અને બીજા ભગવાન શ્રીકૃષ્ણ. કૃષ્ણનું બાળપણ એટલે દરેક માણસે ક્યારેક એવા કરેલા તોફાનની ઝાંખી. મિત્રો સાથે ખિલખલાહટ અને ટીમવર્કમાં લડી લેવાનો જુસ્સો. દુનિયાનો એક માત્ર આ એવો ભગવાન છે જે કોઈ ફોર્મેટમાં ન હોવા છતા જીંદગી જિવવાનું ફોર્મેટ શીખવાડી જાય છે. યુદ્ધ ભૂમિમાં પણ સરળ અને સ્પષ્ટ સાર આપીને સંવાદના માધ્યમથી સાચા ખોટાની સમજ આપી જાય. સલમાન ખાને તો પછી કહ્યું કે, દિલ મેં આતા હું, સમજ મે નહીં. પણ મુરલી મનોહર તો આ વાક્ય પાંચ હજાર વર્ષ પહેલા કહી ગયા છે. કૃષ્ણ લોજિકનો નહીં મેજિકનો દેવતા છે. પણ એના દરેક મેજિક પાછળ એક માનવહિતનો સંદેશો હોય છે.



કૃષ્ણને હેપી બર્થ ડે કહેવાનું હોય ત્યારે કેટલી તૈયારીઓ કરવી પડે. શૃંગાર, વાઘા, વિધિ, શ્લોક અને પછી આરતી. પણ એના પ્રત્યેનો ભાવ જ્યારે ભેજામાં નહીં હ્દયમાં હોય તો એને કોઈ શબ્દોની જરૂર પડતી નથી. પાંચ હજાર વર્ષ પહેલા જે બેસ્ટ ફેસ રીડર હતો એ કૃષ્ણ. પણ આ માટે એને કોઈ યુનિવર્સિટીમાંથી ટ્રેનિંગ કે ડિગ્રી લીધી ન હતી. સામે સૃષ્ટિનો પાલક હોય અને કંઈક કહેવાનું હોય તો આપણી પાસે આખુ લીસ્ટ હોય છે. પણ આ બર્થ ડે પર એક ભજન તથા ભાવના માધ્યમથી મેઘધનુષી માધવને કહેવું છે. તારુ હોમટાઉન વૃંદાવન અને રાજ્ય દ્વારકા સંગ્રામવીર નેતાઓનો રાજકીય અખાડો બની રહ્યા છે. સૌ હૈયામાં તું અગ્ર સ્થાને છે, ફર્સ્ટ પ્રાયોરિટી. તો અંતિમ સ્થાને રહેલો માનવી સ્વાર્થની રાજનીતિ પણ તારી ચાલે ચાલે કરે છે. તે દ્વાપરયુગમાં હાર્ટબ્રેક કરી દેતા હાલાતને હળવા કરી દીધા અને લોકોનું હિત વિચાર્યું. પણ તારા જ અનુયાયીઓએ તારા જ દર્શન માટે જુદી જુદી કેટેગરી બનાવી દીધી છે. વીવીઆઈપી, સીધા દર્શન, લાઈનમાં ઊભું રહેવું નહીં પડે. હવે જ્યારે નિયતીની ઘડિયાળમાં તારે પણ લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું, સમયની રાહ જોવી પડી હતી. તો માણસ પાસે અત્યારે ટાઈમ નથી. કેવડો મોટો કોન્ટ્રાસ આ..! હે રણછોડ આજે તારા પ્રાગટ્ય દિવસ પર બીજી પણ એક વાત કહેવી છે. જરાસંગ સામે તે એક આઈડિયાથી રણ છોડ્યું હતું. પણ માનસિક રીતે ખખડી ગયેલા તારા ભક્તો પરિસ્થિતિ સામે પોતાનો જીવ છોડી દે છે ત્યારે તને દુઃખ નથી થતું? પરીક્ષામાં નાપાસ થયા તો જીંદગી ટૂંકાવી. આર્થિક ભીંસ આવી તો જીવ દઈ દીધો, પારિવારિક ઝઘડા થયા તો વિષપાન કરી લીધુ. આવા વાવડ જ્યારે આવે ત્યારે વિચારોના ટ્રાફિકમાં મન વધારે બ્લોક થઈ જાય છે. જ્યારે ઈન્દ્રદેવે તારી પરીક્ષા કરી ત્યારે તે પણ સાત સાત દિવસ સુધી તે પણ ભૂખ્યા-તરસ્યા રહીને ગોવર્ધન ટચલી આંગળી પર ઉપાડીને અનેક જીવ માટે સંઘર્ષ કર્યો હતો. તારા ભક્તો માટે તારું જીવન એક મોટિવેશનલ પાવર જેવું જ છે. તું કહે છે એમ કોઈને કરવું નથી પણ તું કરે છે એવું બધાને કરવું છે. તારા પૃથ્વી પરના અવતાર બાદ તે આરામ જરુરથી કર્યો હશે. પણ ઐયાશી ક્યારેય નથી કરી. પણ આજે દરેકને અપસરા અને આસવ (દારુ)ના નશામાં ઐયાશી કરવી છે. હે લક્ષ્મીપતિ આ બધાની મતિને સાચી દિશામાં ગતિ કરતી કરી દેજે. અન્યથા કળયુગમાં પણ યાદવાસ્થળી જેવું થશે.

ડાકોરના ઠાકોર આમ તો તારામાં સૌદર્યથી લઈને સદગુણ સુધીના તમામ તત્વો છે. તારા ઉપર પણ ફરજ પાલનનું વજન હતું. પણ ભગવાધારી નિર્દોષ મન પર રાજ કરીને ખોટી રીતે ભડકાવે છે ત્યારે તારા જ ભક્તો ભટકી જાય છે. સંસારમાં તું એક અને સ્વરુપ અનેક છે. તે પણ યુદ્ધ ભૂમિમાં ક્યારેક હથિયાર નથી ઉપાડ્યું. તો આજે તારી જ નગરીમાં હથિયાર રાખવાના શોખીન કેમ વધતા જાય છે? થોડું રીસર્ચ કરીને આ વાત કરું છું. તે ખોટા અને ખતરનાખ સમીકરણોનો કાયમી ઉકેલ લાવી લીધો છે. એટલે તો તું બેસ્ટ લીડર છે. પણ આજના નેતાઓને વોટબેન્કનું આકર્ષણ છૂટતું નથી કદાચ એટલે જ કેટલીક સમસ્યાઓ પાણીમાં જામેલી લીલની જેમ ઘર કરી ગઈ છે. હે ગીતાસર્જક, ઘણી વખત કેટલાક ભગવાધારી કહેતા હોય છે કે, ગીતામાં આવું લખ્યું, ગીતામાં તેવું લખ્યું છે. જ્યારે ગીતાને તેઓ પોતાના ફોર્મેટમાં એડિટ કરવાનો ઓપશન શોધી લે છે ત્યારે તમને કેટલું દુઃખ થતું હશે. જો તમે ગીતા અર્જુનને કહી જ હોત તો લાગે છે કે, આ બની બેઠેલા ધોતીધારીઓની દુકાન ચાલત જ નહીં. પણ તમે તો કર્મના સિદ્ધાંતને અનુસરો છો એટલે એનું સરભર પણ કરી દેતા હશો. ગીતા એટલે કૃષ્ણએ ગાયેલું ગીત, જેને જિંદગી આખી વાંચીએ તો પણ એક કૃષ્ણત્વનો સ્પાર્ક યથાવત રહી શકે. પણ મૃત્યું પહેલા વાંચવાના ગ્રંથને માણસોએ માણસના મૃત્યું પછી વાંચવાનો ગ્રંથ બનાવી દીધો. બોસ, માણસાઈ જેવી ચીજનું તો ચિંતન કરો. પાડોશી દેશ બૂમ-બરાડા પાડીને આક્ષેપોના છાણાનું લિંપણ આપણા દેશ પર કરે છે ત્યારે એમ થાય કે, આ એ જ ભાગ છે જેણે આપણામાંથી અલગ કરવામાં આવ્યું હતું. આ દેશમાં બે મોહને ભારતની ભૂમિને નંદનવન બનાવવાનું કામ કર્યું. એક મોહનદાસ કરમચંદ ગાંધી અને બીજો આપણો મોહન. કૃષ્ણ વાસુદેવ યાદવ. તું બેસ્ટ સ્પીકર છો કાના. પણ જ્યારે કેટલાક પત્રકારો-સ્પીકરો તારા કોપીરાઈટને મારી-મચકોડીને પોતે કૃષ્ણત્વનો પાવર ધરાવે છે એવું જગજહેરમાં બોલે છે ત્યારે એવો વિચાર આવે છે કે, આવું તો તે ક્યારેક કહ્યું જ નથી. તે દરેક કોમ્પિટિશનમાં ભાગ લીધો પણ કોમ્પિટિટરને પછાડવાની નહીં પણ તક આપવાની તારી વૃતિ હતી. આજે તો હરિફ એટલે હંફાવી દેવાના. રાક્ષસો પાસે રહેલી શક્તિ અને નોલેજને પણ બિરદાવ્યા છે. પણ સ્પર્ધકો જ્યારે પોતાના ક્ષેત્રના મેદાનમાં આવે છે ત્યારે વખાણવાને બદલે એવા વખોડી કાઢે છે. જાણે પોતે વામન બનીને સામે વાળાને બલીરાજા સમજી લેવાના. ત્રીજા પગથિયે કળળભૂસ કરી માનસિક રીતે પાતાળલોક ધકેલી દેવાના.



પ્રજા અને વિદ્યાર્થીઓ માટે તમે યોગેશ્વર હો પણ નેતાઓ માટે તમે ઉપયોગેશ્વર છો. રથાયાત્રાની શરુઆતમાં રથ ખેંચતા હોય એવો ફોટો પડાવવા આવી જાય છે પણ રસ્તામાં પડેલા ખાડાને જોવા કે એનો આનંદ માણવા પણ નથી ડોકાતા. પ્રભુ તારી પ્રિય કામધેનુ (ગાય) મત મેળવવાનું અને ગૌચરના નામે જમીન કૌભાંડ કરવાનું મીડિયા બનતી જાય છે. તારા માટે તો દરેક જીવ પ્રિય હતો પણ અહીં તો માણસભલે યમલોક ભેગો થઈ જાય પણ પશુને વાહનની આંખ કે પાંખ કંઈ અડવું ન જોઈએ. તારા સમયમાં તો અનેક ગાય માટે વ્યવસ્થા હતી. પણ સમજી શકાય છે કે, વસતી વધતા ગૌશાળાની જમીન પર ગેમઝોન અને બંગલા બની ગયા છે. હે અર્જૂનસખા, તમે જ કહ્યું હતું કે, મહાભારતના યુદ્ઘને સમજતા પહેલા દ્રૌપદીના મનને સમજવું અને સ્વીકારવું પડે. તમે કહ્યું હતું કે, યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું પછી રથચક્રને સુદર્શનચક્ર બનાવી તમે પૂર્વ આયોજિત યુક્તિ પાર પાડી. અમારા નેતાઓ પણ આવું કરે છે. પ્રચારનું માઈક્રો મેનેજમેન્ટ એવું કરે કે, જાપાનની મેગ્લેવ ટ્રેન અમદાવાદ લઈ આવે. પછી ભલેને એમના દેશમાં એ આઉટડેટેડ થઈ ગઈ હોય. છે ને બાકી તારા સાચા ફોલોઅર્સ. હે બ્રીજ, તારા જન્મદિવસના દિવસો પહેલા લોકો હવે ઉપવાસ કે એકટાણા નથી કરતા. પણ એક ઠેકાણે બેસીને પત્તા ટીંચે છે. તે તો મેગા ગેંબલિંગ ઈવેન્ટ થઈ ત્યારે દ્રૌપદીને વસ્ત્રાહરણમાંથી બચાવી હતી. એ પણ જુગાર જ હતો ને? પણ જ્યારે જન્માષ્ટમીની પાછળ 'જુગારીઓની મૌસમ' એવું બોલાય કે વંચાય છે ત્યારે એમ થાય છે કે, જન્માષ્ટમીને પ્રાગટ્ય દિવસમાંથી પત્તાની કેટનો ઉત્સવ બનાવી દીધો છે. પાંચ હજાર વર્ષો પછી તારું માખણ એટલું ખારું લાગે છે કે, વાત જવા દે. આઘાતના અથડાતા મોજા તે પણ અનુભવ્યા હશે. પણ આશંકાનાન પરપોટામાં જામી ગયેલી માનવસમજને તારે ધર્મસંવાદથી વિસ્તારવાની છે. હે ગિરિવર જેમ તારી જીવનલીલાનો કોઈ પાર નથી એમ નેતા, સ્વાર્થી, પત્તાપ્રેમી, પ્રસિદ્ધિ પુરુષોત્તમ, લક્ષ્મીલવર્સની સમજ સલીલાનો પણ કોઈ પાર નથી.

-તારો જ એક ભક્ત. લવ યુ કાના, તને જ્યારે કામ પડે ત્યારે યાદ કરજે. બાકી આજથી ભીખારીપણું (માગવાનું) બંધ અને ભક્ત બનવાનું શરુ. મળતો રહેજે કોઈ પણ ફોર્મેટમાં.

Monday, September 03, 2018

કૃષ્ણ એટલે પ્રેમી અને પૂર્ણ પુરૂષોત્તમ


કૃષ્ણ એટલે પ્રેમી અને પૂર્ણ પુરૂષોત્તમ

       દુનિયાનો એક માત્ર એવો કુદરત જેના વિશે કદાચ સૌથી વધારે લખાયું હશે અને વંચાયું પણ હશે જ. કૃષ્ણ અને રાધાને પ્રેમી-પ્રેમીકા એવું દાવા સાથે કહી શકાય. કૃષ્ણ અને રૂક્ષમણી એવું ક્યારેક જ સાંભળવા મળે પણ રાધે કૃષ્ણ એ તો આજે સવારના ગુડ મોર્નિગનું સ્થાન લઇ લીધું છે. રોજ સવારે જય શ્રીકૃષ્ણનો રણકો આજે પણ કોઇ પણ ગામડાંમાંથી પસાર થાવ તો કાને સાંભળવા મળે. કૃષ્ણ એક એવો ભગવાન જેને દરેક ભક્ત, દરેક વ્યક્તિ અને દુનિયાનો કોઇ પણ ધર્મ સંપ્રદાય પોતાના એક ફોર્મેટમાં જુવે છે. એ દરકે ફોર્મેટમાં કાનુડો પોતાનો લાગે. પ્યારો લાગે અને સાચો પ્રેમી લાગે.


       બાળપણમાં ગૌપ્રેમી, ગોપીપ્રેમી અને પછી રાધાનો રિયલ લવર. યુવાનીમાં ખરો ક્રિએટિવ ગોડ. રાસલીલા કરે, રાધાની રીસમાં અને દરેક રસપ્રદ ક્ષણને મેમોરેબલ બનાવે. સાચા પ્રેમીઓ વચ્ચે ઝઘડો તો સામાન્ય હોય. પણ જ્યારે અભિમાન આકાશ જેટલું વિરાટરૂપ લે ત્યારે સાલુ લાગી આવે. જ્યારે માર્વેલસ માધવે કાયમ માટે મથુરા છોડ્યુ ત્યારે એક વખત પણ પાછું વળીને ગોપી કે રાધાની સામે જોયું નહીં. એટલે જ તો આજે પણ બરસાના અને મથુરામાં કૃષ્ણએ લીલા કરી હોવા હોવા છતા કોઇ જયશ્રી કૃષ્ણ કે જય દ્વારકાધીશ બોલતું નથી. રાધે રાધે બોલે છે. પ્રેમ કેવો હોવો જોઇએ? એ માટે અનેક વખત આપણે સાંભળીએ છીએ કે રાધા અને માધા જેવો હોવો જોઇએ. પણ સમાજ કોઇ નિખાલસ પ્રેમને સ્વીકારે છે ખરા? જાતિ, જ્ઞાતિ, ધર્મ અને જડતાના બાવળમાં બાંધીને મેણા-ટોણાંની સોસાયટીઓ ઊભી થઇ ગઇ હોય ત્યાં ફરી વૃંદાવન બનાવવા માટે વૈચારિક પરિવર્તન અનિવાર્ય છે. ધર્મના નામે ભવિષ્યમાં ધર્મને જ સિક્યુરિટી આપવાની અને ટકાવી રાખવાની હોડમાં નિર્દોષ જિંદગીઓ હોમાઇ ગઇ હોય એવા અનેક દાખલા છે.

       દામોદરે ક્યારેય કોઇ ડિમાન્ડ કરી હોય એવું ક્યાંય સાંભળવા નહીં મળ્યું હોય. રાધીકા ગોરી સે, બીરજ કી છોરી સે, મૈયા કરા દે મેરો બ્યાહ. ભજન હંમેશા ભક્તની કલ્પનામાંથી જન્મે. પણ મોરલીવાળો તો માય વર્ડસ માય ફેસ જેવો. હું જ છું મારા શબ્દોમાં. અર્થઘટન અને અમલીકરણ તો તારે કરવાનું છે. પ્રેમી તરીકે આજે અનેક લોકો પોતાની પ્રેયસી સામે ડિમાન્ડ કરે છે. રાધાજીએ કાયમ કૃષ્ણને પ્રોટેક્શન આપ્યું. હિસાબી જમાનામાં કપલ્સ સામસામે અવાજના અધિકારથી કહે. મે આમ કર્યું, જે આ જતું કર્યું. પણ પિળાપિતાંબર વાળાએ પોતાના જીવન દરમિયાન ક્યાંય એમ નથી કહ્યું કે, મારે તો આ જોઇએ જ. જીદ છે ત્યાં જોખમ છે એમ ઇગો છે ત્યાં કોઇ ઇમોશન કાયમ ટકી ન શકે. કૃષ્ણની પ્રેમકથામાંથી એક વાત શીખવા મળે કે પામવું ક્યારે પ્રેમ ન હોય શકે. કોઇ પણ શરીરને એક સ્પર્શ જોઇએ. પણ એમાં લવ હોવો જોઇએ લસ્ટ (વાંસના) નહીં.


       રાધા અને રણછોડની લવસ્ટોરી પણ સંવાદ વગરની પણ પૂરી સેન્ટિમેન્ટલ હતી. ઈશારો થાય એટલે રાધાજી સમજી જાય અને અવાજમાં રજભારનો પણ ફેર પડે તો લાલો સમજી જાય. કદાચ સમજ જ પ્રેમ માટેનું પ્રથમ તત્વ છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. શિક્ષણ અને શિસ્તમાં માનનારો એક માત્ર પ્રેમી એટલે કૃષ્ણ. પારકાની અપેક્ષા વગર પરિશ્રમથી પોતાના પરાક્રમ કરનાર પૂર્ણ પુરૂષોત્તમ. જેણે કાયમ સજેશન આપ્યું પણ સોલ્યુશન તમારા હાથમાં મૂકી દીધું. કોઇ માણસ પર્ફેક્ટ નથી અને કમપ્લિટ નથી. પણ કાનુડાને તો તુકારો આપીને અ પર્ફેક્ટ કમપ્લિટમેન કહી શકાય. એ પણ કોઇ જાતના પૂરાવા કે સાબિતી આપ્યા વગર. ગોપાલ એટલે એવો ગોડ જેને મસ્કા લગાવ્યા વગર મોઢે જ કહી શકાય કે વ્હાલા આમા મજા આવી અને અહીં મજા ન આવી. પુર્ણ પુરૂષોત્તમ પોતાના જીવનકાળ દરમિયાન વીર રહ્યા પણ વિખ્યાતી માટે ક્યાંય ભડક્યા નથી.

       ગીતાના સર્જકે પોતે કહેલી ગીતામાં પણ ક્યાંય પોતાની સિગ્નેચર નથી મૂકી. છતા મોક્ષ માટેના એક નહીં પૂરેપૂરા 18 અધ્યાય અને 700 શ્લોક આપી દીધા એ પણ કોઇ પ્રકારના ચાર્જિસ વગર. દુનિયાના કોઇ પણ ક્ષેત્રમાં કૃષ્ણ જેવો સારથી મળે ને તો માત્ર કુરૂક્ષેત્રનું જ નહીં પણ કેરિયની લડાઇ સરળતાથી જીતી શકાય. પણ દરેક વખતે આપણી અર્જૂન જેવી યોગ્યતા અને સક્ષમતા હોતી નથી. એકાગ્રતાના દાખલા આપતી વખતે કરોડો વખત અર્જૂનને આપણે આગળ ધરી દઇએ છીએ. પણ જેને પ્રોસેસ અને રિઝલ્ટ બંને ખબર હતી એને તો અનેક લોકોએ રાજકારણીની ઉપમા આપી દીધી. એ સાચો રાજનેતા એટલે રૂક્ષમણીપતિ. જેણે પોતાના જીવનની દરેક પળ દરમિયાન કોઇ પણ વિષય કે વાતને કમપ્લિટ ફોર્મેટ આપ્યું. રાધાનું નામ ભાગવતમાં નથી પણ ભગવાનના જીવનની શરૂઆત જ રાધાથી થયેલી. બીજી તરફ રાધાજી પણ કેવા પ્રેમી, રાજાધિરાજના આગમન પહેલા તો આંખ પણ ન ખોલે. દુનિયાના એક નહીં બે ભગવાને કહ્યું કે બિન્દાસ્ત પ્રેમ કરો, એક કૃષ્ણ અને બીજા ઈસુ ખ્રિસ્ત. પ્રેમની સાથે પૂર્ણત્વ માટેના છપ્પરફાળ પ્રયાસો પણ એટલા જ અનિવાર્ય છે. અધુરી છોડવું એ કેશવની પ્રકૃતિમાં ન હતું અને આલિંગન આપીને મુક્ત કરીને કૃષ્ણત્વમાં ડૂબોડી દેવા એ કાનાનો એટિટ્યુડ કહી શકાય. અફેક્શનના રંગ બદલતી દેડકા દેવી દુનિયામાં પ્રેમ કરો ત્યારે લાલને સેન્ટરમાં રાખીને પગલું ભરવું. દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિને લવ યુ કહેવામાં કોઇ પાપ નથી. બસ સાચા દિલ અને દિમાંગથી એને સમજનારા ને સ્વીકારનારા નિસ્વાર્થી હોવા જોઇએ. ફન કરવું જોઇએ ફંદ નથી. લાગણીઓને કાયમ રિલોડ કરતા રહેવું જોઇએ ફ્રોડ તો શેરીએ શેરીએ થાય છે. હેપી બર્થ ડે, સાંદિપનીના શ્રેષ્ઠ શિષ્ય.

Tuesday, August 15, 2017

કૃષ્ણ એટલે મિત્ર, માર્ગદર્શક અને સારથિ

કૃષ્ણ એટલે મિત્ર, માર્ગદર્શક અને સારથિ

                મહાભારતના યુધ્ધમાં સંવાદથી શક્તિ આપનારો ઇશ્વર એટલે કૃષ્ણ.રાણભૂમિમાં માત્ર અવાજ અને શબ્દોથી જોમ સાથે સાચું ઝનુન ચડાવી દે તેવી સત્યતા. કૃષ્ણ એટલે ગીતામાં ગુરુ, સુદામાના મિત્ર, યુઘિષ્ઠિરના માર્ગદર્શક અને અર્જૂનના સારથિ. યુધ્ધભૂમિ જેવી પરિસ્થિતિમાં શ્યામ જેવો સારથિ હોય અને ગીતાનું જ્ઞાન ધરાવતો હોય તો આપણા લોકો સામેની લડાઇ પણ જીતી શકાય. ગીતા એટલે કૃષ્ણએ સ્વયં કહેલી વાતનું કાવ્યમય સ્વરૂપ જ્યારે મહાભારત એટલે મહાકાવ્ય. કદાય મહાભારત ન થયું હોતો તો ગીતા જેવો પવિત્ર ગ્રંથ પણ ન મળ્યો હોત. ભગવાને પોતે શીખવેલા અઢાર પ્રકરણ એટલે ગીતાના અઢાર અધ્યાય. જેમાં જીવન કેમ જીવવું, શું કરવું અને શું ન કરવું છતા ન કરવાનું થાય તો કેવા પરિણામ આવે તેનો આખો ચિતાર પ્રભુએ વિચારોના થ્રીડી પ્રોજેક્ટર પર રજૂ કરેલો. એ વખતે કોઇ વન ટુ વન રૂમ ન હતા એટલે કૃષ્ણએ કુરુક્ષેત્રમાં જ શૂન્યમનસ્ક થયેલા અર્જૂનને ગીતા જ્ઞાન આપેલુ. કૃષ્ણ બે વ્યક્તિના એકદમ બેસ્ટ ફ્રેન્ડ રહ્યા. એક સુદામા અને બીજા અર્જૂન. દ્રૌપદીને સૌથી વધુ પ્રેમ અર્જૂન પ્રત્યે હતો પણ પ્રેમ કેમ કરાય તેનું લેસન દેવકીનંદને શીખવ્યું.


           કૃષ્ણ જીવનને સમજવા કરતા તેની લીલામાંથી નીકળતા મોરલની સ્વીકૃતિ મહત્વની છે. બાળપણમાં સુદામા સાથેની દોસ્તી દર વર્ષે ઉજવાતા ફ્રેન્ડશીપ ડેના દિવસે માથે મારવામાં આવે છે. પરંતુ, કૃષ્ણ તો એક એવો મિત્ર છે જેને કશુંક કહ્યા વગર પણ તે પાંપણના પલકારામાં પરિસ્થિતિને પારખી જાય. જેની પાસે શબ્દો ગોઠવવાની નહીં પણ સીધું કહેવાની વાત છે. કૃષ્ણને સારા મિત્રની સાથોસાથ સ્પષ્ટ વક્તા કહી શકાય. ગીતાના સાતસો શ્ર્લોક કોઇ પણ પ્રકારના ફંબલ વીના કહી દે, એ પણ દુનિયાના ગમે તે માણસને સરળતાથી સમજાય જાય. એક સાથે સાતસો શ્ર્લોક અને મહાભારતમાં યોધ્ધા ન હોવા થતા એક યુનિવર્સલ ગોડ. મિત્ર એટલે હરખના હૈયા જોઇને હેત કરે એ. પણ અત્યારે મિત્રના હરખ જોઇને ક્યાંકથી વિખવાદનો વરખ મૂકને ખસી જનારાને કૃષ્ણ જેવો મિત્ર ક્યાંથી મળે? કાનાની મિત્રતા માટે સુદામાના જીવનનું દસ ટકા દુખ પણ આપણને પચે એમ નથી. ભીમના એગ્રેસિવ સ્વભાવના કારણે યુધિષ્ઠિર અને ભીમ વચ્ચે તણખા ઝરેલા ત્યારે કૃષ્ણએ યાદ અપાવેલું કે, અંતે તો ભીમ તમારો જ ભાઇ છે. સંબંધમાં સેતુ અને નિસ્વાર્થી હેતુનો અહેસાસ કરાવે એ કૃષ્ણ.

       ગ્રેટ ગોડ અને ગ્લેમર ગોવાળિયો ગોપીઓ સાથે ફ્રેન્ડશીપ કરે સામેથી કેટલીયે ગોપીઓનો લવ મેળવે. કળયુગમાં લસ્ટ (વાસના)ના વિચારે લવની શરૂઆત થાય છે અને પછી બ્રેક સંબંધમાં લાગે છે અને બદલો લેવાની ભાવના શેતાની દિમાંગમાં અપ થાય છે. મિત્રતા એટલે તમારા સ્વજનોને સાચવી રાખતો મણકો. મહાભારતમાં દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચેના સંવાદ ખૂબ ઓછા છે પરંતુ, એક સ્ત્રીના દિમાંગથી અનૂભુતિ કરીએ તો દ્રૌપદીને કેટલુ બધુ કહેવું હશે લાલાને? કોલેજકાળમાં ફાઇનલ સેમેસ્ટરના એસાઇમેન્ટના છેલ્લા દિવસે પોતાનું એસાઇમેન્ટ સબમિટ કરનારને આજની આધુનિક ગોપીઓ નથી ભૂલતી, જ્યારે કૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખી હતી. કદાચ આખી જિંદગી સોંપી દે અને થેંક્યું કાના, લવ યુ કાનાની માળા કરે તો પણ ઓછું પડે. કૃષ્ણની કહેલી વાતો, પ્રસંગો અને લીલાઓમાંથી એક વસ્તું તમામ પાસાઓમાં સામાન્ય છે એ છે સ્વયંશિસ્ત. કંસ પાપી હોવા છતા, જરાસંઘ બાહુબલીના ભલાલદેવો ક્રુર અને દુર્યોધન અત્યંત ડેરિંગવાળો હોવા છતા કૃષ્ણએ હાલે....ય એમ કરીને કોઇ તોછડાઇ કરી ન હતી. દુનિયાના તમામ દેવ-દેવતાઓને તમે કહેવાય છે પણ દ્વારકાવાળાને તો તું કહીને બોલાવીએ તો પણ એ સામે હંકારો આપે. જો નિખાલસતાના કાન હોય તો તે સંભળાય.


       કૃષ્ણ એમના સમયના બેસ્ટ મોટિવેશનલ સ્પીકર રહ્યા. ગીતાનું જ્ઞાન જ નહીં પણ એક આખી ફિલોસોફીની સ્થાપના કરી. નાના હતા ત્યારે પણ ગોવાળીયાઓના લીડર રહ્યા. વાણીમાં માઇન્ડ વોશ કરીને કે યુધ્ધમાંથી પલાયન થઇને પોતાના કર્મને પ્રાયોરિટી આપતા કૃષ્ણ પરમાત્માએ શીખવ્યું.
વાંસળી વગાડીને પણ કામ થાય અને સુદર્શન કાઢીને પણ કર્મ થાય. ટુંકમાં જેવી ટીમ એવી લીડરશીપ કરતા કૃષ્ણ પાસેથી શીખવાનું છે. પથદર્શક બનવામાં સૌ પ્રથમ સક્ષમતા અને પુર્ણતા જોઇએ. કૃષ્ણ હંમેશા ધ કમપ્લિટમેન રહ્યા. એ પછી રુકમણી સાથે હોય કે રાધા સાથે. દુનિયામાં સરપ્રાઇઝ દેવાની શરૂઆત કેશવે કરી. રાધાજીને પોતાનામાં ચીપકાવીને નહીં પણ ચોંકાવીને પ્રેમની હુંફ આપી. આજના સમયમાં બધા સ્પર્શ વગર અધુરપ અનુભવે છે. ભક્તની ચિંતા જ્યારે જ્યારે રુકમણીને થઇ ત્યારે અનેક વખત દેવી અધીરા થઇને રણછોડરાય પાસે નીવડો લાવવા આવેલા. પરંતુ, સમયની રાહ જોવાનું અને કર્મના બધંનની વાત કહેનારા વાસુદેવ કાયમ પ્રયત્ન સામે પરિણામની છબી દેખાડતા.

       ડખો ત્યાં છે કે, આપણે પ્રયત્ન પોટલી જેટલો કરવો છે અને પરિણામ પિરામીડ જેવડું જોઇએ. વિશાળાતા દરિયા જેવી જોઇએ છે અને ખારાશ પચાવવા પેરશુટ પહેરવા છે. આવી સ્થિતિમાં લક્ષ્યરૂપી મોતી મધદરિયે પણ ન મળે એટલે આપણે નસીબ અને નંદજીના લાલને દોષ દઇએ છીએ. હવે કૃષ્ણને સારથિ બનાવવા ગમે ત્યાં લડી લેવાની તૈયારી અનિવાર્ય છે. સાલુ લોચો ત્યાં છે કે, આપણે તો બોડાણાના ગાડામાં પણ સીટ બેલ્ટ શોધીએ છીએ. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર સ્માર્ટ ડ્રાઇવર હોય અને ઓછા સમયમાં પહોંચવાનું હોય ત્યારે શોર્ટકટ સ્વાભાવિક છે. પણ બોડાણાના પાઇલોટના સહારે જીવનનું પ્લેન મૂકીએ તો એ ક્રેશ લેડિંગ તો નહીં જ થવા દે. ક્યારેક લક્ષ્ય સુધી પહોંચાડવામાં મોડું કરશે કારણે આ તો મૂડી ભગવાન છે. પણ એના ભરોસે નૈયા પાર થશે અને જીવનની પરીક્ષા પાસ પણ થશે. કેરિયરની કોઇ પણ ફિલ્ડમાં કૃષ્ણ જેવો સારથિ હોવો જોઇએ તો જ સાચા યોધ્ધાની પરખ થાય. ઠોકર ખાવાથી મજબુતી આવે પણ બળજબરી કરવાની બુધ્ધી ન આવે. ક્રાતિવીર કૃષ્ણને કાયમ પોતીકા પ્રભુ કહી શકાય. ગીતાના સર્જકે કહેલો અર્જૂન વિષાદયોગ જીવનની દરેક સ્થિતિને સમજવામાં મદદરૂપ જ નહી પણ અમલીકરણ રૂપ છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. જ્ઞાની સારથી કાયમ તમારું ભલુ કરવાનો કારણે એમને પણ પરિવાર હોય ને?


આઉટ ઓફ બોક્સ
શું ન કરવું એ તો બધા કહે છે. પણ શું કરવું એ એક માત્ર કૃષ્ણ કહે છે ગીતાજીમાં.


જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...