Thursday, March 16, 2017

રાષ્ટ્રના ધોરીમાર્ગોના રોમાંચક સફર


રાષ્ટ્રના ધોરીમાર્ગોના રોમાંચક સફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત ભલે ચૂંટણીલક્ષી માનવમાં આવતી હોય પણ જે રીતે વડીલો વતનમાં આવીને ભેંટ આપતા હોય છે તેમ મોદીએ પણ ઘરે આવીને જાહેરાત કરી દીઘી. એક પ્રવાસપથને ખુલ્લો મૂકને અન્યા માર્ગોની કાયાપલટના વાવડ વહેતા કર્યા. રાજ્યના પૂર્વ સીએમ આનંદીબેન પટેલે પોતાની વિદાય વખતે ટોલ ફ્રીની 'સ્કિમ' આપીને આનંદિત કર્યા. જ્યારે પીએમએ રાજ્યમાં 8 નવા નેશનલ હાઇવેની વાત કરીને પેઇડ પોલીસીના એંધાણ આપી દીધા. આ દેશના એવા ઘણા ધોરી માર્ગો છે જેની સફર એક યાદગીરીના પ્રવાસથી ઓછી નથી. દેશના મજબુત રોડ નેટવર્કની મજેદાર શાબ્દિક સફરમાં આપનું સ્વાગત છે. સડસડાટ જતી કાર, સવારનો આછો તડકો, પ્રમાણસર ટ્રાફિક, કારમાં વાગતા ભજનીયા, સારી ચા મળી રહે અને થોડી હળવાશ થાય એવા ધાબા શોધતી ડ્રાઇવરની આંખો, પ્રવાસના અનોખા વાતાવરણની આ અદ્દભૂત મજા છે.
NH7 Varanasi To Kanyakumari.

                      આંખના પલકારામાં પસાર થતા રોડ સાઇડના માઇલસ્ટોન મહાનગરોના કિમી-અંતર, આવનારા નાના મુકામના ઓછા થતા કિલોમીટર, ફેલાયેલી પ્રકૃતિ વચ્ચેથી પસાર થતી કાર ક્યારે કોઇ ફ્લાઇ ઓવર ચડી જાય એનો ખ્યાલ ન રહે. મોદી સરકારના શાસનમાં મફતનું આપવાની યોજનાઓની આખી શ્રેણી જાહેર થઇ છે. જ્યારે વાજપેઇ રાજાના સમયમાં દેશની રોડલિંકનું બેસ્ટ કામ થયું છે. બે રાજ્યો વચ્ચેના રસ્તાઓ જ નહીં પણ રાજ્યના અંદરના એટલે કે સ્ટેટ હાઇવેની પણ સુરતી બદલી છે. જેથી રોડ રાઇડિંગ એડવેંચર ટ્રીપ કરનારાઓને હાઇવેરૂપી સમુદ્ર કાર કે બાઇકથી ખેડતા હોય એવું લાગે. ગ્રામ્ય કે જિલ્લાઓને જોડતા એક્સપ્રેસ વે સહિતના કુલ હાઇવેની લંબાઇ આશરે 33 લાખ કિમી જેટલી છે. જેમાં સ્ટેટ હાઇવે જે એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવેને મળે છે એનો સમાવેશ થાય છે. હાઇવે ઓથોરિટીની યાદીમાં નાના મોટા થઇને કુલ 200 હાઇવેની નોંધ લેવામાં આવી છે. ગુજરાતના નવા જાહેર થયેલા હાઇવેનું લિસ્ટિંગ થશે તો કુલ સંખ્યા 208ની થશે જ્યારે લંબાઇ 92,851 કિમીથી વધી જશે. તેલંગણાને બાદ કરતા તમામ રાજકીય ધોરીમાર્ગની કુલ લંબાઇ 1,31,899 કિમી જેટલી છે. નવા જાહેર થયેલા હાઇવેની કુલ લંબાઇ ઉમેરાશે તો કુલ 50,000કિમીનો વધારો થશે.

                   અહીં માહિતીનો ખડકલો કે લેકચરની લાપસી પીરસવાનો કોઇ ઇરાદો નથી પણ ફેક્ટ અને ફિગરને જીગરથી લખવાની ઇચ્છા છે. દેશના કુલ 22,900 કિમીના હાઇવે 4 અને 6 લેનના છે એ પણ ટોલ ટેક્સની ટોપલીઓ સાથે. હવે લીવર ડાઉન કરીને બ્રેક પર વજન વધારીએ...મહાનગરોને જોડતા નાના મોટા હાઇવે, અંડરપાસ અને ફ્લાઇ ઓવર શહેરી તંત્રના રોડ પ્રોજેક્ટથી 40 % ટ્રાફિકને કંટ્રોલ કરે છે એટલે કે દ્વારકાથી અમદાવાદ આવવું હોય તો રાજકોટ સિટીમાં આવવાના જગ્યાએ બાયપાસથી ડાઇવર્ટ થઇ શકાય.એવી જ રીતે અમદાવાદથી નાથદ્વારા જતી વખતે ઉદયપુરની ઉડતી મુલાકાત ન કરવી હોય તો ગીતાંજલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ બાદ તરત જ જમણા હાથે રસ્તો નીકળે છે એ પણ ફોરલેન. જે સીધો ફ્લાઇ ઓવર પર થઇને નાથદ્વારા ટચ થાય છે. તો હવે કરો કલ્ચ પાડો ગેર અને દબાવો લીવર...


                     દેશના નેશનલ પ્રોજેક્ટમાં પ્રકૃતિને ડેમેજ થવાની ખોટી પિપૂડી વગાડીને પર્યાવરણ હિતલક્ષી કેસ ફાઇલ કરીને કોર્ટમાં મેટર વધારતા કાટ ખાઇ ગયેલી બુધ્ધીના બારદાન લાયક માણસો બે પહાડો વચ્ચેથી રસ્તો નીકળતો જોઇને મૌનવ્રત સેવી લે છે. એવું નથી કે કોઇ પણ ભોગે વિકાસનો નક્શાને આકાર આપવો. આસપાસના ઝાડનું જતન કરવામાં આવે છે. ડિવાઇર વચ્ચેની જગ્યાઓમાં ફૂલછોડ ઉગાડવામાં આવે છે. આ કાગળ પરની વાત નથી પણ પરિણામ આપી ચૂકેલો પ્રોજેક્ટ છે. જોવું જ હોય તો આંટો મારી આવો  ઉદયપુર-આબુ વચ્ચેના રોડ પર 4 લેન વીથ ટોલ ટેક્સ સાથે ટનલની મજા અલગ..હવે કાઢો ડાયરી અને પેન. સવલત અને સમૃધ્ધિને શબ્દોનું રૂપ આપતા જાવ. દેશનો સૌથી નાનો હાઇવે NH47 જેની માંડ માંડ લંબાઇ 6 કિમીની છે. જે અર્નાકુલમ પોર્ટથી કોચી પોર્ટને જોડે છે. અર્નાકુલમખ પહોંચવા માટે ગુજરાતમાંથી ડાઇરેક્ટ ટ્રેન છે. ઓખા-અર્નાકુલમ એ પણ સુપરફાસ્ટ.



આ ઝિયારત (યાત્રા)ને આગળ વધારીએ. ટાંટિયામાં તાકાત, બાવણામાં બળ અને જીવમાં જોમ છે.? તો પહોંચી જાવ NH7 પર. આ નેશનલ હાઇવે દેશનો સૌથી લાંબો અને સુંદર નેશનલ હાઇવે છે. જે અત્યંત લાંબો છે. નેશનલ હાઇવે 2370 લાંબો છે જે મોદીસાહેબના મતક્ષેત્ર વારાણસીથી કન્યાકુમારીને જોડે છે. કદાય પીએમએ આ જોઇને વારાણસીને પોતાના મતવિસ્તાર તરીકે પસંદ કર્યો હશે. આ હાઇવેની બંન્નેબાજું ખેતરો, લીલાછમ પહાડ, ડિવાઇર વચ્ચે ઉગી નીકળેલું ઘાસ, સેલ્ફી જ નહીં પણ સેલ્ફને પહોંળા કરીને સુઇ શકાય એટલી મોટી ડીવાઇડરોની પહોંળાઇ. રસ્તામાં પાણીની બોટલ તો શું, કોઇ પ્રાણીનું છી પણ જોવા નહીં મળે એટલી સ્વચ્છતા. રાત્રે આ રોડ પરથી પસાર થાવ તો લાગે જાણે પીળી લાઇનની રેલગાડી આગળ વધી રહી હોય. પોઇન્ટ ટુ બી નોટેડ. બે વર્ષ પહેલા 7300 કિમીનો હાઇવે પ્રોજેક્ટ નોર્થ ટુ સાઉથ, ઇસ્ટ ટુ વેસ્ટ કોરિડોરને આવરી લેતો મેગા સ્ટ્રક્ચર પ્લાન ગત વર્ષે જ પૂરો થયો.

           આ ઉપરાંત દેશના મુખ્ય ચાર મેટ્રોસિટી દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇને જોડતો હાઇવે ચતુષ્કોણ પ્રોજેક્ટ તાજેતરમાં જ પુરો થયો છે. આ હાઇવે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને વાપીમાંથી પસાર થઇને મુંબઇ સુધી પહોંચે છે. આ ઉપરાંત ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં પોરબંદરથી આસામ સુધીનો 6 લેન હાઇવે શરૂ થઇ ચૂકયો છે. દેશનો પ્રથમ નંબરનો અને બેસ્ટ એક્સપ્રેસ વે એટલે અમદાવાદથી વડોદરા (2004માં તૈયાર થયો હતો.), ત્યાર બાદ મુંબઇથી પુણેના હાઇવેનો નંબર આવે છે. દેશનો સૌથી મોટો અને લાંબો પુલ હાઇવે બ્રીજ મદુરાવોયલ એલિવેટેલ એક્સપ્રેસ વે જે ચેન્નઇમાંથી પસાર થાય છે. જે અંતે નેશનલ હાઇવે 4 સાથે જોડાય છે. આ ઉપરાંત કાઠીપરા જંકશન, દિલ્લી નોઇડા વે, દિલ્લી-પંજાબ ફોર-વે, હેબલ ફ્લાઇ ઓવર બેંગ્લોર, દિલ્લી ગુડગાંવ હાઇવે જેના પર દેશનું સૌથી વિશાળ ટોલનાકું આવેલું છે. જેના એક ફેસમાં 16 લાઇન્સ સાથે 90 વાહનો એક સાથે પસાર થઇ શકે છે. હાઇવેની વધુ વાતો આવતા અંકે...




Thursday, February 09, 2017

કોર્ષ પૂરો કરો ને હાથ ઊંચા કરો

કોર્ષ પૂરો કરો ને હાથ ઊંચા કરો

           ફેબ્રુઆરી એટલે જાહેરાતનો મહિનો, બાલમંદિરથી લઇને બજેટ સુધી અવનવી જાહેરાત એવી રીતે થાય કે, જાણે સમાજના તમામ વર્ગોના જીવનધોરણ તથા શૈલીને નવા વર્ઝનમાં પરાણે ધકેલના હોય. જેમ ઘઉંની સિઝન આવે, મરચાની મૌસમ આવે એમ માર્ચ મહિનાના એક મહિના પહેલા પરીક્ષાનો પરિયડ આવે. બોર્ડની પરીક્ષાનું સમયપત્રક જાહેર થાય. નવા સત્રમાં ભણવાના દિવસો કેટલા?  રજા કેટલી? વેકેશન કેટલું? તેનું વાર્ષિક કેલેન્ડર વિદ્યામંદિરોમાં પહોંચે. જેના પરથી 'અસાધારણ શિક્ષક' ભણાવવાના દિવસો કેટલા? તેનું પાકું સરવૈયું એવી રીતે તૈયાર કરે કે, જેમાં પોતાના પારિવારિક પ્રસંગોથી લઇને સ્કૂલની પિકનિક સુધીનું બધુ ગોઠવાઇ જાય. સમયસર કોર્ષ પૂરો થઇ જાય. અમરેલીના લાઠીની એક શાળામાં વિદ્યાર્થીને દુશ્મન સમજીને ધોલાઇ કરનાર શિક્ષકનો વીડિયો વાઇરલ થયો એ પણ ઘટના પૂરી થઇ ગયાના મહિના બાદ. ત્યાં સુધીમાં પેલા અસાધારણ શિક્ષક વિજય માલ્યા બની ચૂક્યો હોય છે. ગુણોત્સવમાં એક શાળાની મુલાકાતે પહોંચેલા એક મંત્રીજીએ પોતે ખોટો સ્પેલિંગ લખ્યો છે એ સ્વીકારવાના બદલે તે વિદ્યાર્થીઓની કસોટી કરતો હોવાનું રટણ કરીને 'પાસ' થઇ ગયા. રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરી અને નિરિક્ષક એચ.એમ. દવે 25 હજારની લાપસી જેવી લાંચ લેતા ઝડપાયા.


            શિક્ષણજગતમાં જેટલી તીવ્રતાથી ઘટનાઓના પરમાણું બોમ્બ ફૂટે છે. એનાથી ત્રણ ગણી ઝડપે તેના ધુમાડાં વિલિન થઇ જાય છે. ઇન્વેસમેન્ટનું આધારબિંબ અને સાઇડઇન્કમનું સાધન બનેલી શાળાઓમાં કોર્ષ પૂરો કરો ને હાથ ઊંચા કરોનો અભિગમ સોળે કળાએ ખિલ્યો છે. પરીક્ષાઓમાં પાસ થઇ ગાય એટલે બેડો પાર. જો કે શિક્ષણથી લઇને સાંસદ સુધી બધુ 'પાસ' થવાના ઉપર જ ચાલે છે. માતૃભાષા માટે અભિયાન ચલાવવું પડે છે ત્યાં સરકાર ધો.1થી અંગ્રેજોની ભાષા (અંગ્રેજી) અમલી કરવાના ગીત ગાય છે. કોર્ષ બદલતા અભ્યાસક્રમમાં વાસ્તવિકતાને બિલોરીકાચ લઇને શોધવા જેવું છે. પાસ થાય એટલું કરો અથવા કરાવો અને આગળ વધો.

              વિવાદોની વિદ્યાપીઠ બનતી યુનિવર્સિટીઓ, માન્યતા રદ્દ થયેલી શાળાઓ, સજા પામેલા શિક્ષકો, ટ્રસ્ટીઓ તેમજ આ તમામ કુંડાળાઓમાં સંડોવાયેલા ટિચરો ખરેખર તો ચિટર છે. પણ ક્યાંય તેમને નોટબંધી નડી?  કોઇ શાળાએ એક મહિનાની ફી માફી કરી?, સંડોવાયેલા ચિટરોના ઘરે ભૂખમરો આવ્યો?,  તેમના બાળકો કોઇ દિવસ નાપાસ થયાના સમાચાર સાંભળ્યા? આવા અનંત સવાલોની શ્રેણીનો એક લાઇનમાં ઉત્તર એ છે કે, તેમનો કોર્ષ બહું ખાનગી હોય છે. જે ક્યારે શરૂ થાય અને ક્યાં પૂરો થાય એનું રિપોટકાર્ડ કોઇ કોઇને બતાવતું નથી. એ જ્યારે જાહેર થાય ત્યારે દૂધના ઉભરાની જેમ બઘુ એકાએક ઉપર આવે અને જેટવિમાનની ગતિએ શમી જાય. રાજકિય પક્ષથી લઇને પરિક્ષક સુધી 'વહીવટકર્તાઓનું' અદ્રશ્ય બજાર છે. જ્યાં કોર્ષ પેપર અને પાસિંગ માર્ક કોઇ વિદ્યાર્થીઓની ક્રિએટિવિટીના જોરે નહીં પણ તે સંસ્થા કે વાલીઓના સ્ટેટસના જોરે નક્કી થાય છે. શિક્ષકોને ખાદી પહેરાવાની અપીલ કરવામાં આવી છે ત્યારે હવે કોઇ ચિટર સોરી... સોરી... ટિચર ચિંટિગ કરતો પકડાશે તો ખાદીની ગરિમાં જશે. કારણ કે ખાદી સાથે દેશના મહાપુરષ તથા મહાત્મા સાથે સીધો સબંધ છે જેને કદી કોઇ અસત્યનું આચરણ કર્યુ ન હતુ.


               કોઇ વિદ્યાર્થી ચોરી કરતો પકડાય તો ટર્મ રદ્દ થાય, પરિણામ અટકાવાય, નામ સરનામા સાથે કોઇ મોટી સેલિબ્રિટી પક઼ડાય હોય એવી રીતે તે મુદ્દાને ચગાવવામાં આવે. પણ જ્યારે કોઇ અધિકારી-શિક્ષક કે ટ્રસ્ટી ઝડપાય તો માત્ર જાહેરાત થતી હોય એવું લાગે. ફલાણી સંસ્થાના ઢીકણાભાઇ પૂંછડી સ્કૂલમાં ખોટી માન્યતા સાથે કોર્ષ કરાવતા હતા અને વિદ્યાર્થીઓ સાથે 'શૈક્ષણિકપ્રવૃતિ' કરતા. ગુજરાતમાં શિક્ષકોની સ્થિતિ પણ ક્રિકેટની રમતમાં ઓલરાઉન્ડર જેવી હોય છે. શૈક્ષણિક વિષયોના કોર્ષ પૂરા થાય કે તરત જ કોઇ સરકારી ટ્રેનિંગ આવી જાય, વસ્તીગણતરીમાં લગાડી દેવાય, પોલીયોમાં અભિયાનમાં જોડી દેવાય, ચૂંટણીના ડ્યુંટી સોંપી દેવાય. આ તમામ પ્રવૃતિઓની સાથે ગુણોત્સવ, પ્રવેશોત્સવ અને વાર્ષિક ઉત્સવની ઇત્તર પ્રવૃતિઓ તો ખરા જ. ગત વર્ષે નીટના પાણીએ સેમેસ્ટર સિસ્ટમની ખસ ગઇ એમ આ વખતે સરકારે પીજીડિસીએની ડીગ્રીને કોપ્મ્યુટરના શિક્ષકો માટે અમાન્ય કરી દેવામાં આવી. તાજેતરમાં સીબીએસસી બોર્ડે ઓપનબુક એક્ઝામને રદ્દ કરીને પોતે જ થૂંકેલું ચાટ્યું. આ પ્રકારના અખતરાથી ખતરાનો સામનો વિદ્યાર્થીઓને જ કરવો પડે છે એવું વિચારે કોણ? ડીજીટલ પ્લેટફોર્મને અમલી બનાવવાની વાત છે ત્યાં કોમ્પ્યુટર શિક્ષકોની માંગ વધવાની છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે, સરકારને પીજીડીસીએ કરેલા શિક્ષકો માન્ય નથી. બીસીએ કરેલા લોકોને શિક્ષણ જગતમાં પ્રવેશ લેવા માટે કે શિક્ષક બનવા માટે બીએડના કોર્ષમાં ફરજિયાત મેથ્સ એન્ડ સાઇન્સ રાખવાનું. પણ ભાઇ...ભણાવવાનું કોમ્પ્યુટર અને વિજ્ઞાનના રંગસુત્રો કોમ્પ્યુટરના ક્યાં પ્રોગ્રામને સમજાવવામાં મદદરૂપ થશે? આ સવાલનો જવાબ કદાચ સરકાર પાસે હશે. આ ઉપરાંત આઇઆઇએમ અને આઇઆઇટીની પરીક્ષા કરતા પણ મોટી  ટાટની પરીક્ષામાં ફોર્મ નક્કી કરનારે બીસીએનું ખાનું આપતા ભૂલી ગયો હશે. હવે જેને બીસીએ કર્યું છે અને ટિચર થવું છે એ લોકો શું કરે? ઉપાય સરકાર એ અપનાવશે જે સાર્વત્રિક છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર શિક્ષકોની 'ભરતી'.

          ભૂતપૂર્વ સીએમ અને પ્રધાનમંત્રીએ શરૂ કરેલો ગુણોત્સવ હવે મુલ્યાંકન વગરની પ્રણાલી થઇ ગઇ. ગુણોત્સવ એટલે વિદ્યાર્થીઓના ગુણોનો ઉત્સવ. તેમનામાં રહેલી સ્કિલને ઉજાગર કરવા પ્રોત્સાહનનું પારિતોષિક આપવાનું કોઇ વિચારતું નથી. પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના અને ચિંતા મા-બાપની. પાયાનું જ્ઞાન જરૂરી છે પણ માસ્ટર તો એકમાં જ થવાનું હોય છે. મલ્ટિટાસ્કિંગની દુનિયા છે પણ પરાણે થોપેલું ટેલેન્ટ તો સરકસના સિંહ સમાન હોય છે. જેનું ચાબુક કોઇ ત્રીજારિંગ માસ્ટરના હાથમાં હોય છે.

           કોર્ષ પૂરો દેવાથી ડ્યુટી પૂર નથી થઇ જતી. સાચી જવાબદારી પછી જ શરૂ થાય છે. ગુજરાતી ભાષામાં બે લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયાના અહેવાલથી ખુદ શિક્ષણમંત્રી પણ ચોંકી ઉઠ્યા. ત્યારે સર્વે એ પણ જરૂરી છે કે, રાજ્યમાં ભાષાના શિક્ષકો કેટલા? કેટલી શાળામાં? સંખ્યા કેટલી? તાળી એક હાથે ન વાગે સામે વિદ્યાર્થીઓનો પણ પુરુષાર્થ અનિવાર્ય છે. અંગ્રજી લાગુ કરવાથી જંગ નથી જીતી જવાતો, અત્યારે જે ગુજરાતીની જોડણીઓ ખોટી લખાય છે પછી અંગ્રેજીની સ્પેલિંગ ખોટા લખાશે Sonના સ્થાને sun લખાશે. (આ મેં ગોખેલું છે પણ સો ટકા સાચું છે) અર્થનો અનર્થ થશે. કોર્ષ જૂનો હોય કે નવો પાયાનું છીંડાયુક્ત આયોજન અને અધુરા સંદર્ભોએ અભ્યાસની અવદશા કરી છે.

            માર્કેટની માફક કોર્ષ એટલે શિક્ષકો માટે ટાર્ગેટ. શિક્ષણસંસ્થા વિદ્યા આપવાનો નહીં નાણા કમાવવાનું એસીની સવલત ધરાવતું અદ્યતન કોમ્પેક્સ બની ગઇ છે. જેમાં વિષયોના શોર્ટકટ કરીને વિદ્યાર્થીરૂપી ગ્રાહકોને ફીટ કરી દેવાય છે. આઇનસ્ટાઇન ગુજરાતી ન હતો, ગ્રેહામબેલે અભ્યાસ પૂરો કર્યો ન હતો, બિલ ગેટ્સ પાસે કોલેજની ડીગ્રી નથી, વોટ્સએપના જન્મદાતા જ્હોન કોમ અને બ્રેઇન ઓક્ટનને ચાલુ નોકરીએ ઉતારી દેવામાં આવ્યા હતા પછી  વોટ્સએપનું સર્જન થયુ. કહેવાનો અર્થ એ છે કે, વિદેશમાં ટેલેન્ટને પ્રાધાન્ય આપવામાં આવે છે. કડાકુટ કરનારને સારી એવી કિંમત મળે છે. ક્રિએટિવીટીને પ્લેટફોર્મ આપનારાઓ માટે એક જગ્યા છે.  જ્યારે આપણે ત્યાં ડીગ્રીધારીઓને ગુજરાતીમાં અરજી લખતા નથી આવડતું. સોળ નંબરના ફોર્મની જાણકારી નથી. સલામ છે એ લોકોના કોર્ષ પેપરને.

આઉટ ઓફ બોક્સ
ઓલ ધ બેસ્ટ બોર્ડના વિદ્યાર્થીઓને. યાદ રાખો માર્કશીટ અને પાસિંગનું પ્રમાણપત્ર કોઇ યુનિવર્સિટી માટેની એન્ટ્રિ ટિકિટ છે. બાકી ટેલેન્ટને જ દુનિયા સ્વીકારે છે.




Monday, January 30, 2017

વસંતઃ વૈવિધ્ય, વિદ્યા અને વ્હાલની ઋતુ

વસંતઃ વૈવિધ્ય, વિદ્યા અને વ્હાલની ઋતુ

           સૌદર્ય સાર્વત્રિક છે. એ પછી પ્રકૃતિનું હોય કે પરમાત્માનું, બ્યુટી છે ત્યાં બગિચા જેવી ભીનાશ હૈયા અને મનને સ્પર્શે ત્યારે એક હુંફ અનુભવાય છે. સ્થાપત્યોની કલાકૃતિથી લઇને કુદરત સુધીના વિશાળ અવકાશમાં ઐશ્વર્યનું આલિંગન અબુધ માણસને પણ મંત્રમુગ્ધ કરી દે. સતત બદલતી સૃષ્ટિને સોળે કળાએ ખિલવાની મૌસમ એટલે વસંત. વ્યક્તિને જન્મદિવસ ભલે વર્ષના પ્રથમ દિવસે આવે પણ વિદ્યાની દેવીનો જન્મદિન એટલે પ્રકૃતિમાં આવતું પરિવર્તન. મહાસુદ પાંચમના દિવસે વિદ્યાદેવી મા સરસ્વતિનો હેપી બર્થ ડે. ઉનાળાનો મધ્યાહન અને શિયાળાની સવાર કરતા પણ વધુ મોહક અને મનમાં મહેફિલ જમાવી દેનારી ઋતુ. વસંત એટલે પ્રકૃતિનું વૈવિધ્ય, કુદરતનો વૈભવ, જગતના સર્જકનો સૃષ્ટિમાં રંગ પૂરવાનો પિરિયડ, ખિલી ઉઠતું સૌદર્ય. આપણે ત્યાં જૂન અને જૂલાઇ એટલે શૈક્ષણિક સત્રનો આંરભકાળ પણ જ્યારે ગુરુકુલ પ્રથા હતી તેમજ આશ્રમ અનુભવની પાઠશાળા હતી ત્યારે વસંત પંચમી એટલે રાજનંદનથી લઇને રંકવર્ગ સુધીના બાળકોનો એડમિશન ડે. જ્યાં પાંચમથી પ્રારંભ થતો. કપાળ પર તિલક કરીને નાની નાની આંગડીઓમાં પેન કે મોરપંખ પોરવીને લખવાનું શિખવવામાં આવતું. આજની ભાષામાં કહીએ તો પ્રવેશોત્સવ. પરતું, કઠણાય સાથે કહેવું પડે કે આજના વિદ્યામંદિરોમાં અક્ષરજ્ઞાન અપાય છે આત્માજ્ઞાન નહીં. લખવાનું શિખવાડવામાં આવે છે પણ શું લખવું, કેવું લખવું અને કેમ લખવું એ કોઇ નથી શિખવાડતું.


        ભગવાન શ્રી કૃષ્ણએ વસંત પંચમીના દિવસે સાંદિપની શાળામાં એડમિશન લઇને એજ્યુકેશન લીધેલુ. મા સરસ્વતિની પૂજા કરેલી. મહા માસની પાંચમના દિવસે બ્રહ્માજીએ સૂકાયેલી ધરતી પર છંટકાવ કર્યો. માને પ્રાર્થના કરી કે શ્વેત જેવા ઉજળા જ્ઞાનના ઝરણાને વહેતું કરો. ત્યારથી શરૂ થઇ વસંત પંચમી. આ ઋતુમાં પ્રકૃતિને પર્ણો ફૂટે, નવા ફૂલ આવે, બ્યૂટી ઓફ નેચરના દર્શન થાય, આકાશમાં અવનવા રંગોની રંગોળી રચાય, શિયાળાનો અંતિમ તબક્કો અને અને ઉનાળાની પા પા પગલી, કેસુડો લીલાછમ પાંદડામાંથી પોતાના કલર સાથે ડોકિયું કરે, ગાર્ડનમાં વેરિએશન આવે. વસંતઋતુ એટલે રોમેન્ટિક ઋતુ, મસ્ત બહાર ખિલી હોય ત્યાં રોમેરોમ મહેકી ઉઠે. મજા પડી જાય એવી મૌસમ, તનના તરવરાટ સાથે મનની મસ્તી. જેમાં ભલભલા કંટ્રોલમાં રાખીને બેઠેલાને કંઇક કરવાનું મન થાય. કેમેરાની ક્લિકથી લઇને સૌદર્યને શબ્દમાં કંડારવા સુધી. આ એક યુનિવર્સલ પ્રોસેસ છે. માનવીમાં કામનાનું વલોણું સક્રિય થાય કારણ કે વસંતઋતુ પ્રેમની ઋતુ છે. આ જ સમયગાળામાં વેલેન્ટાઇન ડે આવે છે. નિસર્ગનો નજારો અને ફૂલની ફ્લેવર દિલમાં રોમેન્ટિક સેક્સોફોન તથા વાયોલીન વગાડે છે.


         વસંતના રંગોનું વૈવિધ્ય છે જેને યંત્રવત જીવનમાંથી સમય કાઢીને, શેડ્યુઅલને સાઇડમાં મૂકીને, મોબાઇલ સાઇલન્ટ મોડ કરીને માણવું પડે. પાનખર પછીની વસંત એટલે નેચરનો નવો જન્મ. કુદરતની વાઇબ્રન્ટ સમિટ જ્યાં કોઇ એમઓયુ નથી. ઓનલી એજોન્યમેન્ટ છે. બંગાળમાં આજે પણ પાંચમપૂજા થાય છે. જે દિવસે સરસ્વતિનું પૂજન કરવામાં આવે છે. ખુચુરી અને પાઓશ (ખિચડી અને ખિર)નો પ્રસાદ ધરવામાં આવે છે. પ્રકૃતિના તત્વોમાં પીડાશ એટલે કે યલો ટોન આવે એટલે સમજવું કે વસંત આવી છે. પીળો રંગ આ મૌસમની ઓળખ છે. હોળી માનવનિર્મિત રંગોની ઋતુ છે. જ્યારે વસંત કલરની અંદર અવનવા શેડ્સની ક્રિએટિવિટી છે. એટલે જ વસંતને વસંતોત્સવ કહેવાય છે, ઉજવાય છે. જાણે ઝાડ, ફૂલ કે ડાળીઓના ઘરે ઉજાણી થઇ રહી હોય. જેમાં હવા સંગીત વગાડવા માટે ઝાડરૂપી ગીટારને બિટ કરે. કુદરતી અવાજ રણઝણે, જેના કોરસમાં કોયલનો ટહુકો, સુકાયેલા ખરી પડેલા પાંદડાઓની ખરખરાટ. આવું મ્યુઝિક તો કોઇ અતિ આધુનિક વાદ્યમાંથી પણ ન જન્મે. ઇમારતોના વનમાં અને કોંક્રિટના અવ્યવસ્થિત ગોઠવાયેલા કિચડમાં આ નજારો જોવા માટે ગુગલમાં લોકેશન શોધવું પડે. કારણ શહેરો સ્માર્ટ થતા ગયા એમ કુદરતી વસ્તુઓનો કચ્ચરઘાણ નીકળી ગયો. બસ વહેલી સવારે ચા-કોફી-દૂધના કપને હાથમાં ઝાલીને બારીમાંથી જોવા મળતો શિયાળો આ પૂરતા મર્યાદિત બન્યો છે.


        પંડિતો, બ્રાહ્મણો તથા જ્યોતિષો લગ્ન, સગાઇ કે સગપણ આ વસંત પંચમીના દિવસે ગોઠવાય એવો આગ્રહ રાખે છે. ઋતુઓ લિમિટેડ ટાઇમમાં બદલાય છે પણ દિલમાં વસેલી વ્યક્તિ અને વૈવિધ્યની યાદો આખી જિંદગીને ગોલ્ડન પરિયડમાં પરિવર્તિત કરે છે. આ સિઝનમાં અનુભવ ઇન્દ્રિયોને મળે છે જ્યારે અનુભૂતિ આત્માને થાય છે. જ્યાં કોઇ લોજિક ચલાવવું ન પડે તે બ્યૂટી. જેમાં લોટાણી કરીને તરબતર થવાનું હોય. બ્યૂટીના ક્વોટેશન અને કવિતાઓની ઢંગધડા વગરની ઠોકમબાજી નહીં પણ રમણીય રૂપની રંગાયેલી આંખો. નિસર્ગનું યૌવન, તીવ્રતા તેમજ આનંદ. આજની વલ્ગારિટી અને વિશાળ વાયોલંસે નિખાલસ પ્રેમની પથારી ફેરવી નાંખી છે. વ્યહારમાં વ્હાલ અને દિમાંગમાં દાવપેચ, આશીર્વાદની અવ્યવસ્થિત ભેળસેળ અને ખોટા આવેગના જ્વાળામુખીથી બે માણસ વચ્ચે સંવેદનાઓ લાવામાં બળી ગઇ છે. ઇમોશન ડિસ્ટન્સમાં ડિવાઇડ થઇ રહ્યા છે.

            આપમેળે ઉગવાનું અને આગળ વધવાનું સૂચન વસંત આપે છે. જીવનને હરિયાળુ રાખીએ તો વૈવિધ્ય આપમેળે ઉઘડશે. જ્યાં લેક્ચરની લાપસી નહીં સંવેદનાઓનું શિરામણ થશે. વેદકાલિન પર્વ ધરાવતી વંસતઋતુ ભલે મૌસમના રાજા સ્થાને હોય પણ તે રૂઆબની જગ્યાએ લવ મેસેજ આપે છે. સગવડ, સમૃધ્ધિ અને સુખ મળી રહેશે પણ સંવેદનાઓની સર્કિટને સોલિડ રાખવા માટે વસંત અનિવાર્ય છે.

આઉટ ઓફ બોક્સ
જેટલીની પોટલીમાંથી નીકળનારુ બજેટ દેશના દરેક વર્ગમાટે છપ્પનભોગ જમી શકે એવી આશા 


Saturday, January 21, 2017

ઉત્તર પ્રદેશઃ વાત વિકાસની અને સમીકરણો જ્ઞાતિઓના

ઉત્તર પ્રદેશઃ વાત વિકાસની અને સમીકરણો જ્ઞાતિઓના

                  અખિલેશ યાદવને અર્જુન પદે અને રાહુલ ગાંધીને સારથી કૃષ્ણ પદે દર્શાવતી તસવીર વાયરલ થયા બાદ સ્પષ્ટતા એ છે કે, કોંગ્રેસ સાથે વાટાઘાટ આગળ વધશે. એલઆરડી સાથે કોઇ વ્યવહાર નહીં થાય. દેશના સૌથી મોટા અને વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં માહોલ ચૂંટણલક્ષી બન્યો છે. યુપીના ફલક પર પ્રાદેશિક પક્ષોના દાવપેચ સત્તા માટે શરૂ થઇ ગયા છે. જેમાં અખિલેશ અને મુલાયમના પતંગની દોર પારિવારિક અને રાજકીય વિચારમાં ગુંચવાય છે. રામગોપાલ પર કાતર મૂકાયાના અહેવાલથી ધારાસભ્યોને પસંદગીની મોકળાશ મળી છે. ચૂંટણીની જાહેરાત થતા સત્તા સંગ્રામ શરૂ થયો એવામાં યાદવ પરિવારમાં આતંરિક ક્લેશ વિરોધપક્ષ માટે અવસરરૂપ બની રહ્યો. સર્જિકલ સ્ટ્રાઇક વિશે મૌન રહેનારા પીએમ એકાએક બોલકા બની ગયા. નોટ'બંધી' થઇ પણ પ્રધાનમંત્રીની વાચાને અવકાશ જેટલી વ્યાપકતા મળી. આ નિર્ણયથી વિપક્ષોના વળતા પ્રહારમાં અલ્પવિરામ મૂકાયો છે. પ્રવચન હોય કે સભા સંબોધન, કાયમ માટે મુદ્દાઓ વિકાસના ચર્ચાય અને વ્યૂહરચના જ્ઞાતિઓના આધારે ગોઠવાય. દલિત, મુસ્લીમો, સવર્ણો, પટેલો અને અન્ય જ્ઞાતિઓ સહિત તમામ વર્ગોને આવરી લેવા ઉત્તર પ્રદેશમાં અવનવા ઉપાયોની આજમાઇશ પાછળ અસ્તિત્વનો ભય સ્પષ્ટ વર્તાય છે.

           ઉત્તર પ્રદેશ, મણિપુર, પંજાબ, ગોવા અને ઉત્તરાખંડના ચૂંટણી પરિણામ નરેન્દ્રભાઇની દિશા નક્કી કરશે એમાં કોઇ બે મત નથી. અખિલેશની સંચાલન આવડતનું પ્રમાણપત્ર દાવ પર છે ત્યારે જ્ઞાતિ આધારિત સર્વે ભાજપને સીધી રીતે અસર કરશે. આ ઉપરાંત મોંધવારી, નોટબંધી અને કેન્દ્રની યોજનાઓના અમલીકરણ પાછળની સમસ્યાઓને દરેક પક્ષ પોતપોતાની રીતે નકારાત્મકતાથી ગજવશે. ઉત્તર પ્રદેશ દેશની રાજનીતિનું 'કેન્દ્ર' છે. મોદીનું વારાણસી યુપીમાં આવેલું છે. જ્યારે લખનઉ પોતાનું એક રાજકિય મહત્વ ધરાવે છે. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવ માટે જીતના પાસા ગોઠવનાર સ્ટિવ જાર્ડિગ છે. જે મત માટેની વ્યૂહરચના ઘડે છે. હવે ફોરેનનો નિષ્ણાંત ફળિયામાં ચાલતા વાટકી વ્યવહારને કેટલો અને કેવો સમજી શક્યો છે એ પરિણામ કહેશે. જ્ઞાતિનો રણકો રેડવીને વિકાસના બેનર નીચે કેટલાય સમીકરણો બદલાશે. કોઇ પણ રાજ્યની ચૂંટણી હોય પ્રાદેશિક પરિબળો અને જ્ઞાતિઓની માનસિકતા ચૂંટણીને ક્રિસ્પી બનાવે છે. દાવેદાર હોય કે ઉમેદવાર, પરિવાર અને પ્રભાવનો પ્રકાશ મતદાતાઓને પહેલા સ્પર્શે છે. પ્રથમ જ્ઞાતિ આધારિત અને પછી ધર્મના ટેકે વોટનું માસ્ટર પ્લાનિંગ થાય છે. પછી વાત વિકાસ અને કરેલા કામની આવે છે. આ સાથે જ્યાં વસ્તી વધુ હોય ત્યાં સ્થાનિક પાસાઓનો ઉલ્લેખ કરવો પડે. સમસ્યાઓ હોય કે સિધ્ધિ જ્ઞાતિસમુહ અને રાજકિય પક્ષોનું ટ્યુનિંગ એક અસર ઉભી કરે છે.

                  ઉત્તર પ્રદેશમાં દાદરીની ઘટની બાદ એકજુથ થયેલા દલિતોએ રાજકિય રંગ સમજી લીધો છે. એક સમયે ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો એક તરફ થઇ જાય તો પાસુ પલટી જાય એમ હતુ. આ વખતે મુસ્લીમો, દલિતો અને યાદવજ્ઞાતિ પ્રમુખ છે. રાષ્ટ્રનો પક્ષ હોય કે પ્રાદેશિક પક્ષ, ઉત્તર પ્રદેશમાં વિજયકુચ પાછળ જ્ઞાતિજુથ જવાબદાર છે. વર્ષ 2014ની ચૂંટણી વખતેની મોદી લહેર નોટબંધીના નિર્ણયથી ઠરતી ઉષ્માની માફક ઓસરી રહી છે. સપા અને કોંગ્રેસના મહાગઠબંધનની શક્યતાઓ સામે મેટ્રોપ્રેમી ભાજપ શહેરમાં સંઘર્ષ કરે છે. શાહના સણસણતાના ચાબખા સામે ઉત્તરપ્રદેશના ગ્રામ્યક્ષેત્રની વાસ્તવિકતા જુદી છે. જ્ઞાતિજૂથનું જોડકણું સમજીએ તો યુપીના કુલ યાદવોમાંથી 75ટકા યાદવો અખિલેશને જ્ઞાતિભાયુની રીતે ટેકેદાર છે. જ્યારે બસપા પાસે 78 ટકા જાટ સમુદાયનું પીઠબળ આજે પણ છે. ભાજપના પ્રભાવના અનુસંધાને યુપીની તમામ જ્ઞાતિઓનું મિશ્રણ જવાબદાર છે. 2014 વખતે મોદી-ભાજપ પાસે એકતા હતી અને પોતાનો એજન્ડા હતો. આજે કમળમાં વિખવાદ છે. પાંદડીઓ ટાકવવા હાઇકમાન્ડના હુકમને મને કે કમને કેડવાળીને સ્વીકારવું પડે છે. જ્યારે ખેડૂતો તથા દલિતોના સવાલોને લઇ કુદી પડતી કોંગ્રેસ પાર્ટી માટે સર્વત્ર પડકારનો પ્રશ્ન જ નહી પણ એવરેસ્ટ જેવડા પહાડ છે.

              જ્ઞાતિ સમુહોને રિઝવવા અન્ય સ્થાનિક પક્ષો પણ સ્પર્ધામાં છે ત્યારે લખનઉથી લઇને દાદરી સુધી અવિશ્વાસની અવસ્થા હાજરી પૂરે છે. પક્ષ ગમે તે હોય, કોઇ પણ જ્ઞાતિના યુવાઓને બેરોજગારી, મોંધવારી અને ભ્રષ્ટાચાર દાઢમાં જામી ગયેલા સડાની જેમ ખૂંચે છે. નેતા યુવાન હોવાથી કોઇ ફરક નથી પડવાનો વિચારધારા યુવાહૈયાઓને સ્પર્શે તો ઘણ ફેર પડે એમ છે. કારણ કે વોટરમાં યુવાવર્ગ પણ છે. પ્રજાને પક્ષમાં નહી પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એવા ઓલરાઉન્ડરમાં રસ છે. તીર મારીને તખ્તો પલટાવનાર ગેમ ચેન્જરમાં નહીં.




Monday, January 09, 2017

કોહલી કિંગ અને કુલ કેપ્ટનનું ક્રિકેટ

કોહલી કિંગ અને કુલ કેપ્ટનનું ક્રિકેટ

                            ધોનીએ છોડેલી અચાનક કેપ્ટનશીપના નિર્ણયથી ક્રિકેટ ચાહકોને ઓચિંતો આચકો લાગ્યો છે. જ્યારે કોહલીને મળેલી કેપ્ટનશીપની પદવીથી ઇન્ડિયા ટીમના શુભચિંતકોમાં નવું જોમ રેડયું છે. ધોની અને સવાલની શ્રેણી તેમના દરેક નિર્ણય સાથે માણસ સાથે પડછાયો પીછો કરે એમ સતત પાછળ થતી રહે છે. ખાસ કરીને ધોનીના લગ્ન વખતે, ધોનીએ ટેસ્ટમાંથી લીધેલી વિદાય વખતે અને અંતે કેપ્ટનશીપમાંને અલવિદા કહેતી વખતે. આ તમામ નિર્ણયોમાં સરપ્રાઇઝ હતી. તેમના દરેક નિર્ણય પાછળ એક મક્કમતા અને મેચ્યોરિટી હતી. આવનારા કોઇ પણ કેપ્ટનને નવી ટુર્નામેન્ટમાં પૂરતી તક મળી રહે તે હેતુથી લીધેલો નિર્ણય ધોનીના કુલ ફેક્ટરમાં વધારો કરે છે. ટીમના સિનિયર્સો માટે ભલે નિર્ણયની સારીનરસી વાત થતી હોય પણ ટીમના દરેક ખેલાડીઓ માટે ધોનીનું સ્થાન આજે પણ દિલોદિમાંગમાં કેપ્ટન તરીકેનું જ રહેશે. મહેન્દ્રસિંગના ડિસિઝન વખતે દરેક ક્રિકેટજગતના મહારથીઓએ ટહુકીને (ટ્વિટ કરીને) પોતાના વિચારોને શબ્દો આપ્યા. છોડવા પાછળના અંગત કારણો હોઇ શકે પણ દુનિયાના કોઇ પણ વ્યક્તિ માટે કંઇ પણ છોડવું ક્યાંકને ક્યાંક કઠિન તો હોય જ. જ્યારે અહીંયા તો સંચાલન છોડવાની વાત હતી.

               કેપ્ટનશીપ વખતે નિર્ણયથી ગેમમાં આવેલા પરિવર્તનોની નોંધ અનેક વખત ચર્ચાનો મુદ્દો બની રહી. જ્યારે ટીમની વ્યૂહરચનાઓમાં પણ મહેન્દ્રની મહાનતા અને મોટાઇના દર્શન થયેલા. મેચની હાર હોય કે જીતનો જશ્ન. ધોનીના ચહેરા પર એક સ્થિરતાના ભાવ એક સરખા જ રહ્યા છે. યાદ કરીએ વિશ્વકપની મેચ. ક્રિકેટની રમત હોય કે રાજનીતિ સંચાલન છોડવા માટે બાંવડામાં તાકાત જ નહીં પણ હૈયામાં હિમ્મત જોઇએ. કોર્પોરેટ જગતની વાત હોય કે પેઢિના નિર્ણયો, પડતા મૂકવા માટે મનની અડતા જરૂરી નહીં પણ અનિવાર્ય છે. જે માહીમાં જોવા મળી. કેપ્ટનના ક્રિકેટમાં સાઇલન્ટ શુટિંગ ગન જેવી તાકાત હતી. મેચનું પાસુ પલટાવવામાં માત્ર બેટિંગ જ નહીં પણ યોગ્ય સમયે બોલરને ચાન્સ આપવાનું પણ રિસ્ક જોઇએ. ધોનીએ સાબિત કરી બતાવ્યું કે નવી પેઢિ ટેલેન્ટેડ તો છે પણ અનુભવની હુંફ જોઇએ સ્પર્શ નહી. તરખાટ અને તોફાનનો પણ ઉપયોગ યોગ્ય સમયે થઇ શકે એ વાત કિંગ કોહલીએ સાબિત કરી.

                         કોહલીએ ટેસ્ટ ક્રિકેટ વખતે મળેલી સતત ત્રીજી જીત વખતે કહ્યું હતુ કે ટીમ સ્પિરિટ કરતા દરેક પ્લેયર્સની અંગત મહેનત જવાબદાર છે. ધોનીના નિર્ણય વખતે ધોની અને કોહલી વચ્ચેના પ્લસ માઇન્સની ચર્ચાઓએ રફપીચ જેવો માહોલ ઉભો કર્યો. પણ કોહલીએ જ કહેલુ કે, ધોની કાયમ મારા માટે આદર્શ અને સારા કેપ્ટન જ રહેશે. નવી કેપ્ટનશીપમાં કોહલી ભલે આક્રમક રહ્યો પણ તેમની પાછળ ધોની પાસેથી શીખેલા પ્રકરણો અને ટીમ સ્ટ્રેટેજીની ઝાંખી અંદરખાને જોવા મળશે. જાન્યુઆરી મહિનામાં નવા વર્ષની ભલે શરૂઆત હોય પણ ધોની માટે સુકાની પદની વસમી અને કાયમી વિદાયનો મહિનો રહ્યો છે. આ વખતે પ્રથમ વખત ધોનીના બદલે કોહલી ટી-20 ટુર્નામેન્ટનું નેતૃત્વ કરી રહ્યો છે. ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓમાં કોહલી મેચના દરેક ફોર્મેટમાં પોતાનો બેટિંગ પાવર દેખાડી ચૂક્યો છે. ધોની અને કોહલી વચ્ચેની બેટિંગ પાર્ટનર શીપમાં મેચમાં રનનો ખડકલો થયેલો એના પણ પુરાવા છે. યાદ કરો ટી-20 ચેમ્પિયન ટ્રોફી. ધોનીએ કરેલા કામ પાછળ આપમેળે થતુ એમનું નામ જ તેમના પાવરપેક પર્ફોમન્સની સાક્ષી પૂરે છે.

                  આઇસીસીની સમગ્ર સરિઝમાં ટ્રોફી સુધી પહોંચાડનાર જ નહીં પણ ટ્રોફને ઘર સુધી લાવનાર કેપ્ટન તરીકે ધોની નહીં ભૂલાય પણ ટેસ્ટમાં પણ ભારતીય ટીમ બેસ્ટ છે તે માટેનો શ્રેણ કોહલીને આપવો પડે. બન્નેના ક્રિકેટમાં એક બાજુ કુલ મુડ છે તે સામે એગ્રેશન (આક્રમકતા) છે. સચિને પોતાના હરિફોને પોતાના મૌનથી જવાબ આપતો જ્યારે કોહલની આક્રમતા યોગ્ય સમયે હુમલો કરતી જોવા મળે. જેમ કે છેલ્લા ટેસ્ટ મેચમાં જાડેજાએ લીધેલી મહત્વની વિકેટ. ક્રિકેટ જગતમાં કોહલી સ્ટાર છે પણ ધોની ડાયમન્ડ સમાન છે. સહેવાગ, યુવરાજ, ગાંગુલી અને દ્રાવિડ કે કુંબલે આ તમામ વચ્ચે કોહલીની લોકપ્રિયતા સૌથી વધુ છે. અનુભવની દ્રષ્ટિએ ભલે આ તમામને 100 માર્ક આપવા પડે પણ એક જોખમને ફટકારનાર તરીકે કોહલીને શ્રેય આપવો પડે. એ.બી. ડિવિલિયર્સ, મેક્કુલમ આક્રમક ખરા પણ કોહલીની બેંટિગનું સાતત્ય હજુ પણ એક ગંભીરતા ઝંખે છે. તેની લયમાં ભલે વિવિધતા હોય પણ તકને ઓળખીને તહેવારમાં પલટાવવા માટે ધોની ઓલવેઇઝ બેસ્ટ.

                   સચિનની ભવિષ્યવાણી સાચી પડી રહી છે કે રેર્કોડ બ્રેકિંગની ક્ષમતા કોહલી પાસે છે તે અન્ય કોઇ પાસે નથી. ટાણું આવ્યે રોકડું પરખાવી દેતો વિરાટ સાચા અર્થમાં 'વિરાટ' સંચાલનમાં પગરવ કરી રહ્યો છે. ધોની વેલ મેચ ફિનિશર છે તો વિરાટને ટી-20 મેચ (આઇપીએલ) વધુ એક મળી હોત તો ટી-20 મેચમાં 1000રન પુરા કરનાર ખેલાડી બન્યો હોત. ધોનીને પીચ પર સેટ થતા વાર લાગે છે જ્યારે યુવરાજ મોકે ઘા કરી રહ્યો છે. જ્યારે સહેવાગ ગેમમાં પ્લેટફોર્મ બનાવે છે પણ કોહલી માટે ગમે તેવી પીચ હોય વધીને ચાર બોલમાં તે સામેવાળી ટીમને અહેસાસ કરાવી દે છે કે કિંગ આવી ગયા છે. ધોની પાસેથી ચાન્સ આપવાનું શીખવા જેવું છે જ્યારે વિરાટ પાસેથી શિસ્ત શીખવા જેવી છે.
                
                  જાણ ખાતર કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે ધોની ઓસ્ટ્રેલિયાના પત્રકાર સાથે બાખડી પડ્યો હતો. વિરાટના કેસમાં આવું થયું નથી. ચેન્જ થવાનો ચાન્સ મળે તો કરી નાંખવું જોઇએ તે ધોની શીખવે છે. જ્યારે આક્રમકતાને યોગ્ય સમયે દેખાડી દેવાની શીખ વિરાટ આપે છે. ગાંગુલીનું માનવું છે કે આક્રમકતા છોડવી જોઇએ જ્યારે કોહલી ખુદ માને છે કે પાવરફુલ થવા એગ્રેશન જોઇએ. લીલની જેમ જામી ગયેલા સંચાલકોએ કોઇને ચાન્સ આપવાનું અને પોતાને ચેન્જ કરવાનું સ્વીકારવું જોઇએ. કારણ કે ટેલેન્ટને કોઇ બાઉન્ડ્રીમાં બાંધી શકાતુ નથી. યોગ્ય સમયે યોગ્ય પદ છોડવું જોઇએ એ પછી ક્રિકેટની કેપ્ટનશીપ હોય કે કોર્પોરેટ જગતની ખુરશી. રાજનીતિ હોય કે રમત. વ્યક્તિગત રીતે વ્યક્તિનું કદ વધવુ જોઇએ પદની તો અવધી પહેલેથી જ નક્કી હોય છે.

લાસ્ટ બોલ.
Life has just started now,U still can and definitely will contribute a lot to Indian Cricket.wish U all the success
ધોનીની એક ટ્વિટ

Thursday, January 05, 2017

મહેફિલે નશાઃ ડ્રિંક્સ એન્ડ ડેથ



   
મહેફિલે નશાઃ ડ્રિંક્સ એન્ડ ડેથ
        
          વડોદરાના અંખડ પાર્ટી પ્લોટમાં ખંડિત થયેલી પાર્ટીએ ગુજરાતમાં પડેલા દારૂના દરોડાના ઇતિહાસમાં પ્રથમ ક્રમ મેળવ્યો. ગુજરાતમાંથી આટલી મોટી રકમનો દારૂ પહેલીવાર ઓચિંતો ઝડપાયો. જેમાં સેલિબ્રિટી બનેલા શ્રીમંતોએ ફરજિયાત બુરખો ધારણ કરવો પડ્યો. મહેફિલમાં મદિરાપાન કરતા ગ્લેમર આઇકોન પર અણધારી આફત આવી પડી. લાગતાવળગતાએ ફોન ન ઉપાડ્યા,સૂટબુટની સરકારથી માંડીને ખાદીધારીઓ સુધીના તમામ ખુરશીપ્રમીઓના સ્માર્ટફોન અડધી રાત્રે જંગલમાં જુગનુંની આંખ ઝબુકે એમ ટમટમ થયા. ઓચિંતા આવી ચડેલા ખાખીધારીઓએ ભાગવા તો ઠીક ગુંગણામણમાં શ્વાસ લેવાનો મોકો પણ ન આપ્યો. રંગમાં ભંગ પડ્યો અને મહેફિલમાં મહેમાનોના મૂડ બદલ્યા. પકડાયેલી વસ્તુઓમાં વ્યક્તિઓ કરતા સૌથી વધુ આકર્ષણ વિદેશી ફ્લેવરની આસવ(દારૂ)ની બોટલનું રહ્યું.  

              
           કેટલાક વીરલાઓએ તો ફાવે એવો ભાવ કહીને વાસ્વિક આંકડા સાથે અણી કાઢી લીધી. જે ચર્ચા વાયુ વેગે ફેલાય. અહીં ગોઠવાય ગયુ હશે એવા શબ્દોનો એકાએક વજન વધી ગયો. દૂધના ઉભરાની જેમ આવેલા આ કેસે રાજ્યના ગૃહમંત્રાલય સુધી રજેરજનો રિપોર્ટ આપ્યો. ઘટના પણ એવા સમયે પ્રકાશમાં આવી કે રાજ્ય સરકારે દારૂબંધી સામે સખત પગલા લેવાનો નિર્ણય કર્યો. કોઇને બક્ષવામાં નહીં આવે એવો ડર છવાય ગયો. સજા જાહેર થઇ પણ સપ્લાયર્સ સેઇફ રહ્યા. આ એક પ્રસંગ પરથી વાઇન બિઝનેસ અને તેને માનવામાં આવતા એક આઇકોનિક ડ્રિંક્સની વાત છે. જે દેશમાં જ નહીં પણ વિશ્વભરમાં છવાયેલો છે. ક્યાંક સોળે કળાએ ખિલી ઉઠ્યો છે તો ક્યાંક અંધારામાં હોમ ડિલેવરી પણ થાય છે. વાઇન બિઝનેસને આલ્કોહોલિક ઇકોનોમી કહેવાય છે. દારૂબંધીના બેનર નીચે દેશના રાજ્યોએ આલ્કોહોલને ડામવા તરફ આગેકુચ કરી રહ્યા છે. બિહારમાં દારૂબંધીના ડિંડક વાગી ચૂક્યા છે. નીતીશકુમારની સરકારે દારૂબંધીનું તીર ખેંચ્યુ ત્યારે બિહારમાં અચ્છે દિનનો આભાસી વાયરો ફુંકાયો. બિહારમાં દારૂબંધી અનેક વખત ચર્ચામાં રહી ચૂકી છે. ક્રાઇમ રેટથી લઇને ક્રિમિનલ સુધીના દાયરાઓમાં દારૂ પ્રથમ પગથિયું હોવાનું કેટલીય વાર મળી આવ્યું છે. પણ આ પાર્ટીનું પીણું પરેશાની નોંતરી બેસે છે. ગુજરાત સુરક્ષિત છે કારણ એક વર્ગ પુરતુ સિમિત છે. 
 

                બિહારમાં દારૂબંધીનો નિર્ણય યોગ્ય હતો પણ સરકારી રેવન્યુની રૂ.4000 કરોડની આવક પર પાણી નહીં પણ પેટ્રોલ રેડાય એમ હતુ. રાષ્ટ્રના જે રાજ્યમાં લીંકરબેન નથી ત્યાં સરકાર ટેક્સરૂપી માધ્યમથી લિંકરલોબીમાંથી નાણા મેળવે છે. જેથી રાજ્યની આર્થિકગાડી ટ્રેક પર રહે છે. આ તમામ રાજ્યોમાં આલ્કોહોલિક ઇકોનોમી કામ કરે છે.  જ્યાં પરવાનગી મેળવવા માટે ચોક્કસ પ્રોસિજરમાંથી  પસાર થવું પડે એમ છે. ગત વર્ષે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે 20 હજાર કરોડની આવક આ બોટલ બિઝનેસમાંથી મેળવી હતી. જેમાંથી કથળતી જતી અર્થવ્યવસ્થાને વેગ આપવાના પ્રોજેક્ટ હતા. જ્યારે સરકરાની કુલ રેવન્યુમાંથી 22લ ટકાની રેવન્યુ આલ્કોહોલ સેકટરમાંથી આવે છે. પાડોશી રાજ્ય રાજસ્થાન ગુજરાતીઓનું ફરવા માટેનું પ્રિય સ્થળ રહ્યું છે. જ્યાં સરકારનું કુલ રેવન્યુમાંથી 35 ટકા રેવન્યું દારૂમાંથી આવે છે. આ તમામ નાણા ટેક્સમાંથી મળતા હોવાથી નાના મોટા પ્રોજેક્ટના ખર્ચા નીકળે છે. આ થઇ આવકની વાત હવે કરીએ અકુંશની વાત, દિલ્હી, બિહાર, કેરાલા, તમિલનાડુંમાં લિંકર લોબી પર રાજ્ય સરકારનો પુરો અકુંશ છે. ટેક્સનો વધારો ઘટાડો હોય, રાજ્ય સરકારનું બજેટ હોય કે ડ્રાય ડે હોય. તમામ નિર્ણય રાજ્ય સરકારના આદેશ સમાન હોય છે જેને ચુસ્ત પણ આ લિંકરલોબી ફોલો કરે છે. આપણે ત્યાં લગ્નની સિઝન હોય, લોકશાહીનું પર્વ હોય, થર્ટી ફસ્ટ હોય કે હોળ-દિવાળી જેવા તહેવાર હોય વાઇનની વ્યાપકતા ડેરી ઉદ્યોગ કરતા પણ વિશાળ છે. શિયાળામાં આ માર્કેટમાં એકાએક તેજી આવે છે. ખાસ કરીને શિયાળાના ચાર મહિનામાં આલ્કોહોલિક ઇકોનોમિક્સમાં જબરો ઉછાળો આવે છે. છાનાખુણે છાનગપતિયા. ચૂંટણી નજીક આવતા ચવાણાપાર્ટી અને પ્રસંગોપાત બુટલેગરોની અમી દ્રશ્ટી હોય છે. શાંતિ, સલામતી અને સુરક્ષાના બાહુબલીઓએ આ માધ્યમને તોડવાની જરૂર જ નહીં પણ અનિવાર્યતા છે.

                 લિંકર સાઇડ એક એવી વસ્તુ છે જ્યાં બધાને બધી ખબર હોય છે. ગુજરાત બોર્ડરની આસપાસ ગુજરાતીમાં બારના બોર્ડ લાગેલા છે. દેશનું કોઇ પણ સ્ટેટ હોય ક્રાઇમ રેટના વધારા પાછશ આલ્કોહોલ ફેક્ટર પ્રબળ જવાબદાર હોય છે. જેને ડામી શકાય છે. જે અશક્ય નથી પણ અંખડિત ઇચ્છાશક્તિ અને લોખંડી ટીમ જોઇએ. સુરક્ષિત ગણાતા રાજ્યમાં નિર્ણયો ભલે કડક લેવાય પણ અમલવારી સખત જોઇએ. હવે થોડું નિરિક્ષણ. દારૂ એક એવું પીણું છે જેને ઓફર કરવા માટે કોઇ ફ્લેવર પૂછવામાં આવતો નથી. બસ એટલું પૂછાય છે કે પીવું છે?. ડ્રિક્સની દુનિયામાં બસ એટલી જ ઓફર પુરતી છે કે વ્યવસ્થા છે, 31મી ડીસેમ્બરે પાર્ટી દુનિયાભરમાં હોય છે પણ આપણે ત્યાં આ શબ્દોનો અર્થ બદલી ગયો છે. પાર્ટી એટલે...... ડ્રિંક્સ એટલા બેફામી તત્વના સ્પર્શથી ખુવારી. શરીર અને સંસારની બદનામી એડવાન્સમાં. લિમિટલેસ જલસા પાછળ ટલ્લીનો માહોલ જોવા મળે છે ત્યારે શરીર ભોગવે છે. એક વેબસાઇટે કરેલા સર્વેના આધારે દરરોજ 15 વ્યક્તિઓના મોત ડ્રિક્સથી થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં લિંકરફ્રી સ્ટેટમાં જેટલી સંખ્યાઓ ગ્રામ્ય વિસ્તારમાં વધે છે એટલી શહેરી વિસ્તારમાંથી વધતી નથી.

           સ્વ. જયલલિતા જ્યારે ચોથી વખત સત્તા પર આવ્યા ત્યારે તમિલનાડુંમાં આલ્કોહોલથી થયેલા ક્રાઇમ અને મોતનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સીએમએ એક જ સપ્તાહમાં 50થી વધુ દારૂપીઠા પર ધોંસ બોલાવવામાં આવી. 500થી વધુ દારૂના સેલિંગ અને પ્રોડક્શન યુનિટ પર કાયમી સીલ લગાવવામાં આવ્યુ, કેરાલાના કોઇ પણ લેન્ડમાર્ક પર જાવ કે કોઇ પાર્કની આસપાસ આંટો મારો સેલિંગ પણ પ્રોફેશનલ વે માં થાય છે. પણ કોઇ ખાલી બોટલ પણ જોવા નહીં મળે ગમે ત્યાં ફેંકો એમની સામે કડક શિક્ષાત્મક પગલા લેવાય છે. ત્યાંની ગમે તે ફાઇવ સ્ટાર હોટલમાં પીવા માટે પરમીશન પૂછશે. પ્રાદેશિક હિંસા, સાંસારિક ક્લેશ અને માંદગી પાછળ 70 ટકા આલ્કોહોલનું અસ્તિત્વ જવાબદાર છે. એવુ સર્વે કહે છે. બી સેઇફ...ચીઅર્સ વીથ હેપીનેસ

Tuesday, December 27, 2016

કેશલેસની કડાકુટ અને કાર્ડકથા

કેશલેસની કડાકુટ અને કાર્ડકથા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા ગજવવામાં અને ભાષણ કરીને લોકમત રિઝવવામાં માહિર છે. શબ્દોને સ્પીન કરીને નકારાત્મકતાને હકાર કરી દેવાની તેમની છટા અનેક વખત ચર્ચામાં રહી છે. 15 ઓગષ્ટે લાલ કિલા પરથી દેશવાસીઓને સંબોધતી વખતે દેશના આવનારા વર્ષમાં કરવાના કામની આછેરી ઝકલ આપવી તે દરેક પ્રધાનમંત્રીની એક અભિવ્યક્તિ હોય છે. મોદીની આ સ્પીચ 94 મિનિટ છે. જેમાં તેમણે દેશને સક્ષમ બનાવવાની વાત કહી છે. તેમની આ વર્ષ (2016)ની સ્પીચમાં તે સૌથી લાંબી સ્પીચ છે. ડ્રીમ પ્રોજેક્ટ રૂપે વહેતી કરેલી યોજનાઓમાં વચ્ચે નોટબંધીના ચટાકેદાર નિર્ણયથી જેટલા માથા એટલી વાતો થઇ રહી છે. આ ભાષણમાં કોઇ કેશલેસ વ્યવસ્થાનો ઉલ્લેખ નથી પણ ડીજીટલ ઇન્ડિયા થકી સંકેત આપીને એક ઝલક જાહેર કરી દીધી હતી. અચાનક લાગુ કરેલી નોટબંધી પાછળ કાળાનાણાને ડામવાનો હેતુ સ્પષ્ટ હતો પણ જે રીતે સમય આગળ વધતો ગયો અને દેશભરમાંથી નવી નોટોના કોથળા ભરાય એટલા નાણા સામે આવ્યા તે પરથી સર્વત્ર 'સેટિંગ'નું બજાર સોળે કળાએ ખિલી ગયું હોય એવું લાગ્યું. કેશલેસના અભિગમને દેશના અર્થતંત્રની પહેલી પ્રાયોરિટી કેવી રીતે આપી શકાય? જો કે નોટબંધી પછી એકાએક આવી પહોંચેલો ઓનલાઇનનો યુગ ફરજિયાત પણ અપડેટ થવા માટે કહી રહ્યો છે. આમ પણ સાચી વાત છે કે સમય સાથે અપડેટ થવું જોઇએ અન્યથા પાછળ રહી જવાય. જૂનુ એ સોનુ વાત સાચી છે પણ માર્કેટમાં ડાયમન્ડની કિંમત સોના કરતા પણ વધારે છે. એ પણ વાસ્તવિકતા છે કે સોના કરતા ઘડામણ મોંધી પડે પણ સાચા હીરા ગમે એટના નાના કે બારિક કેમ ન હોય. હીરા હૈ સદા કે લીયે.


             વિશ્વના કોઇ પણ વિકાસશીલ દેશ પર નજર કરીએ તો વાંચવા જ નહીં પણ સમજવા પણ મળશે કે કોઇ દેશે કરંસીમાં બદલાવ કરીને રાતોરાત ઓનલાઇને બનવાની પહેલ નથી કરી અને ઇ પેમેન્ટ કે ઓનલાઇન ચૂકવણીથી કાળાનાણા પરત નથી ફર્યા, કેશલેશ અને સ્વાઇપનો અભિગમ ગરીબીમાં ઘટાડો કરશે, બેરોજગારી અટકાવશે કે ભ્રષ્ટાચારમાં ઓટ લાવશે એવું છાતી ઠોકીને ન કહી શકાય. રોજેરોજ કામ કરીને પેટિયું રડતો મજૂર પેટીએમ કેવી રીતે કરે? ફોન ભલે સ્માર્ટ થઇ ગયા પણ દેશમાં હજુ પણ શિક્ષણનો પ્રશ્ન યથાવત છે. આ ઉપરાંત સરકાર ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપીને અપડેટ થવા બુમબરાડા પાડે છે પણ કાર્ડ સ્ક્રેચ કર્યા બાદ સર્વિસ ટેક્સ વસુલે છે એનું શું,? અમેરિકા, બ્રિટન,ફ્રાંસ અને જાપાન જેવા રાષ્ટ્રો માટે આ અભિગમ સરળ બની રહે એ પાછળનું કારણ ત્યાંની વસ્તી છે અને લોકોને થતી ચૂકવણીની રકમ છે. આ ઉપરાંત ભારતને બાદ કરતા મોટા ભાગના રાષ્ટ્રમાં સરકારને ભરવા પડતા ટેક્સ સરકાર પોતે જ કટ કરીને સેલેરી આપે છે. આપણે ત્યાં ખાનગી કંપનીઓ પણ આ કામ કરે છે. પણ આ વ્યવસ્થા સર્વત્ર લાગુ કરવામાં નથી આવી. નોટબંધીના સમયમાં સરકારે જાહેર કર્યું કે હવે રોકડમાં પગાર નહીં કરી શકાય. જોઇએ આ વાતનો અમલ કેવો થાય છે. દેશની કોર્પોરેટ લોબીમાં થતી ટેક્સચોરી અને શોર્ટકટના રસ્તાઓ પણ વધુ પહોળા છે. જ્યાં સરકારને નાણા આપવા એટલે પરાણે માંદુ પડવું. આર્થિક વ્યવસ્થામાં ભલે ઉતારચડાવ આવતા હોય પણ વિદેશ પાસેથી ટેક્સનું માળખું શીખવા જેવું અને સમજવા જેવું છે.

           નોટબંધી પાછળ કોઇ રણનીતિ હશે તો વ્યવસ્થા સફળ થવાના ચાન્સિસ એટલા માટે ઓછા છે કારણ કે સર્વોચ્ચ બેંકમાંથી મળતો નાણાનો આંકડો દેશભરમાં એક સાથે પહોંચી વળાય એટલો નથી. સરવાળે સમાજના વર્ગમાં એક સ્ટેબિલિટી આવતા હજુ સમય લાગશે. બેંકમાં ખાતા ખોલવા માટે લાંબીવિધિ કરવી પડે એ જ પેપરવર્ક, પુરવાઓની શ્રેણી અને પૂછપરછની પ્રોસિજરમાંથી ફરજિયાત પણે પસાર થવું એ પણ આજના સમયનું સત્ય છે. જે વિજયભાઇ માલ્યા વખતે કદાચ ભૂલાઇ ગયું હશે. કેશલેશનો અભિગમ સારો છે પણ કેશલેસની સાથોસાથ દેશને પેપરલેસ પણ બનાવવાની જરૂર છે. કાર્ડયુગ આવતા બચતની વિચારધારા ઉપર પણ માઠી અસર થઇ. જે લોકો પાસે બે કાર્ડ છે એને કોઇ વાંધો નથી. પણ જેની પાસે બચત માટે એક ખાતું પણ માંડ છે એ વર્ગ ખરિદી કરીને કાર્ડથી ચૂકવણી કરે તો વાંહે વધ્યું શું? કાર્ડ સ્ક્રેચ કરાવીને કોઇ જાદુઇ અનુભવ વ્યક્ત કરવા કરતા હવે પછી બચત વિશે વિચારવું ફરજિયાત થઇ રહેશે. અન્ય એક મુદ્દો પણ અહીં અસર કરે છે કે, કેશલેસ માટે કમરતોડ તૈયારી જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. દેશવાસીઓમાંથી 90 ટકા લોકો આજે બેંકથી કોઇ વ્યવહાર નથી કરતા કે શાકભાજીનું રોજનું બિલ ઇ વોલેટથી નથી ભરતા. સામે શાકભાજીવાળો પણ રેકડી લઇને આવે છે એ જો કોઇ શાકભાજીના મોલનો પાર્ટનર હોત તો રેકડી ન ચલાવતો હોત. એટલે એની પાસે ઇ-પેમેન્ટ માટેના 'ઇ' તો ઠીક પણ એજ્યુકેશનના 'ઇ' ની વાત પણ અંધારામાં રાડ પાડવા સમાન છે. માર્કેટિંગ યાર્ડમાં ખરિદી, રોજેરોજ થતા ચા-પાણીના ખર્ચ, સમયાંતરે લેવું પડતું કરિયાણું અને દુધથી માંડીને ડેઇલીના છાપાવાળાના બીલ રોકડમાં જ ચૂકવાય છે.

               દેશ ભલે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ વાપરવામાં બીજા નંબરે હોય પણ ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 13 ટકા ઇન્ટનેટ કનેક્ટિવિટી પહોંચી છે.  ઇ વોલેટ માટે 'સ્માર્ટફોન' જરૂર છે પણ દેશના મહાનગરોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 17 લોકો સ્માર્ટફોન વાપરે છે. આ તાજેતરમાં થયેલા સર્વેની ટકાવારી છે. આધુનિક બનવા કે બનાવવા માટે ફાકાફોજદારી કરતા પદાધિકારીઓ કેશલેસ ભલે થાય પ્રજા એજ્યુકેશન લેસ ન થવી જોઇએ. દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઇન ફી લેવાનો વાયરો શરૂ થયો છે ત્યારે  ફીલેસ શિક્ષણ પણ જરૂરી છે જેથી કાર્ડની કડાકુટમાં કોઇનું હેકિંગ ન થાય. ઇન્ટરનેટ સેવાનો વ્યાપ વધે તો ગાંમડાઓને આધુનિક સ્પર્શ થાય. ચર્ચાનો વિષય એ પણ છે કે દેશભરમાં ઇન્ટરનેટની સ્પીડ એકસરખી નથી. સર્વિસ પ્રોવાઇડરોની નંબરનવ અને ફાસ્ટ બનવાની દોડમાં કસ્ટમરનો દમ નીકળી જાય છે એ સમજતા નથી. કસ્ટમર કેરમાં ફોન કરો તો પણ પૈસા કપાય, કેશલેસની સફળતા માટે ગ્રામ્યક્ષેત્રથી શરૂઆત થાય તો પરિવર્તનની ખરી નોંધ લેવાય, બાકી જ્યાં સુવિધા છે ત્યાં રિનોવેશન કરવાથી માત્ર દેખાવ બદલાય છે. જ્યારે નોંધ નવનિર્માણની જ લેવાય છે. સ્થાપનાથી સફળતાના બીજ રોપાય બાકી સતત અપડેટ કરવાથી ક્યારેક હેંગ પણ થઇ જવાય.

Tuesday, November 29, 2016

મરતા સિર્ફ 'મિડલ' ક્લાસ હૈ

                    કન્યાની કેડ પર આર્થિક નફો કમાવવા વ્યૂહરચનાનો માચડો ખડકી દેનારા વેપારીઓનું ઝુંડ આ દેશમાં છે જેને થોડા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓફ સિઝનમાં અનોખુ ડિસ્કાઉન્ટ અને અવનવી સ્કિમ આપનારા, ગ્રાહકલક્ષી ટેગલાઇન ધરાવનારાઓને ઉજાગરાઓનો રોગ લાગ્યો. આ વેપારી વર્ગ એટલે સુપરમાર્કેટના સમ્રાટ, મોલ તેમજ મિલના માલિકો અને દેશની 30ટકા વસ્તીમાં આવતો ધનવાનવર્ગ. જેના કસ્ટમર એટલે આપણે મીડલક્લાસ વર્ગ, નોકરિયાત, વ્યવસાયિક, શેરીના ખૂણે ઉભો રહેતો શાકભાજીવાળો, દુધવાળો નહીં કારણ કે અત્યારના સમયે દુધવાળા ગરિબ તો ઠીક ગરિબી રેખાના માપદંડ નીચે પણ નથી આવતા. દેશના સર્વોચ્ચ સ્થાનેથી ગોળીબાર રૂપી નિર્ણય છુટે ત્યારે સૌથી વધુ મધ્યમવર્ગ વિંધાય છે. મર્યાદિત આવકમાં અણધાર્યા ખર્ચ. અન્ય કોઇ રસ્તાના અભાવે ઉભરાતી ગટરો વચ્ચેથી ફરજિયાત પસાર થવું પડે તેવી સ્થિતિ આ પરિવારોની થાય છે. કારણ કે પોતાનું પ્રાયવેટ જેટ લઇ શકે એવી ક્ષમતા નથી અને તંત્ર સામે રણ ચડવાથી કંઇ ઉપજતું નથી. તંત્રને અરજ એટલે રજૂઆતના ફ્રેશ રોટલા પર અધિકારીઓનું આશ્વાસનરૂપી ઘી. જેની શુધ્ધતા આપણા ધીરજની કસોટી કરી મૂકે.

                      રેલવે સ્ટેશનની ટિકિટબારીથી લઇને બસ ટિકિટ રિઝર્વેશનના પ્લેટફોર્મ સુધી, બેંકથી લઇને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ક્નેક્શન લેવા સુધીના તમામ વિભાગો, ક્ષેત્ર, કચેરીઓ અને ક્લાસિઝની કતારમાં ક્યારેક કોઇ નેતા, અધિકારી કે આગેવાન હોય છે ખરા? એ ન હોય એના માણસો હોય એ પણ, તે પણ મિડલક્લાસના જ. નાની આવકથી આજીવિકા ચલાવવા માટે મોટા પૈસાદાર, ધનિક, ગર્ભશ્રીમંત અને ગેઝેટેડ લેવલના ગ્રુપ પાછળ કામ તો મિડલક્લાસ લોકો જ કરે છે. એ પણ ઇમાનદારી, નિષ્ઠા અને નિયમોને આધિન મધ્યમવર્ગ આ દેશમાં સૌથી વધુ અને તે જ રાષ્ટ્રની કરોડરજ્જું છે. જો કે ભોગવવાનો વારો પણ આજ વર્ગનો આવે છે. સારૂ કમાવવા માઇલનું અંતર કાપીને આવેલાને જે તે જગ્યાના સ્થાનિકો માઇગ્રન્ટ સમજવાના સ્થાને રેફ્યુજી સમજી લે. એમા પણ જો કે સિંગલ- બેચલર હોય તો સ્વદેશી ગ્રામ્યબ્રાંડ મિલિટન્ટ (આતંકી) સમજી બેસે. એ પણ મધ્યમવર્ગમાંથી આવે છે. બાકી કોઇ પંપ કે પ્રાઇવેટ કંપનીના સીઇઓનો નંદકુંવર હોય તો કે માલિક પોત હોય તો 3BHKનો ફ્લેટ વગર અડચણે બુક થઇ ગયો હોય. જ્યારે એ જ ભાઇ ટેક્સ કે પ્રોપર્ટીના લેણામાં સંડોવાય એટલે એ જ ફ્લેટ બીજાના નામે થઇ જાય એ પણ કોઇ પરેશાની વીના

         મધ્મવર્ગની પ્રમાણિકતાને પીડામાં પલટાવનારા પરિબળો આ દેશમાં વ્યાપક અને વિશાળ છે. માટે જ કરપ્શનની કાજુ કત્તરી ડાયાબિટિઝ હોવા છતા ખાવાનું મન થાય છે. 'જી લલચાયે રહા ન જાયે'. ગ્રોથ માટે ગામ બદલનારાને ભાડાકરારના પૈસા, પેટ્રોલ ખર્ચ, જમવા તેમજ લાઇટના બીલ પર લાગતા કાર્ડિયોગ્રામની પટ્ટીની આકૃતિ જેવા અસમાન અને કરોડિયાના ઝાડરૂપી કરની કડાકુંટ 'ઘરનું ઘર' ન હોવા છતા ફરજિયાત રોકડેથી ભરવી પડે છે. મહિને એકવાર મળતો પગાર અને વર્ષે માંડ મળતા ગ્રોથ અને ઇન્સેંટિવમાં એડજસ્ટ કરવામાં માણસ અંગ્રેજીના આઠડા જેવો થઇ જાય છે. વૈકલ્પિક વિચારધારાવાળો વર્ગ એક સાથે બે ધંધા કે નોકરીમાં ઝંપલાવે ત્યાં તેનું મન ભયના પ્રસ્વેદથી ભીંજાય છે. કારણ કે ઇમાનદારીથી કમરકસતો વ્યક્તિ જંગલના સીધા વૃક્ષ સમાન હોય શકે. વાસ્તવિકતા છે કે સંસાર હોય કે જંગલ સીધા ઝાડ હોય તે પહેલા કપાય છે. જેમાં કઠિયારો ક્યારેક પરિસ્થિતિ થઇને આવે તો ક્યારેક પર્સન થઇને.
     

            આવક વધવા છતા જાવકને અંકુશમાં રાખનારા પરિવારો એક સમયે લાઇફમાં એડજસ્ટમેન્ટ કરતા હવે સમય બદલતા એડજસ્ટમેન્ટમાં લાઇફ થઇ ગઇ છે. ખાસ કરીને મધ્મવર્ગની.. અહીં બેફામ, અલગારી તથા કાયમી લીલા લહેરની વિચારધારાને સમર્થન આપવાનો જરા પણ ઇરાદો નથી પણ દાબેલી બ્રેડના વચ્ચેના માવા જેવી દશામાં ડૂબતોવર્ગ બંન્ને બાજુથી ભોગવે છે. જ્યાં દાબેલીની જેમ નીચેથી ગરમી લાગે છે અને ઉપરથી કોઇ તાવિથા વડે દબાવે છે. આઠ-નવ કલાક શ્રમયજ્ઞ કરતા નોકરિયાવર્ગની સરળતા આજે કેટલાક પાવરફુલ, ઓથોરિટી અને અધિકારી કહેવાતા 'સમાજ' માટે બરડતા બની ગઇ છે

Wednesday, November 23, 2016

નવેમ્બર-ડીસેમ્બર@ટ્રાવેલિંગ.કોમ

                   નવેમ્બર શરૂ થતા જ શિયાળાની પા પા પગલી થાય છે. જો કે ઠંડીની વિધિવત શરૂઆત નવરાત્રિના છેલ્લા દિવસોમાં થઇ જાય છે, શિયાળાની તીવ્રતા નવેમ્બર ડિસેમ્બરમાં અનુભવાય છે. આ દિવસોમાં ન્યૂયરની રજાઓમાંથી રેગ્યુલર થતી લાઇફને મિનિ વેકેશનનો મેળ આવતા ખાસ કરીને ગુજ્જુગણ આ ઠંડીને ફીલ કરવા ફરવા ઉપડે છે. આ સમયગાળામાં લગ્નગાળો પણ સોળેકળાએ ખિલી ઉઠે છે. એટલે કોઇને લગ્ન અર્થે ફરવા જવાનું થાય તો કોઇને લગ્ન બાદ "સ્પેશ્યલ" ફરવાનું થાય. જેને અંગ્રેજીમાં હનિમૂન કહેવાય. અને લગ્ન  પછી પહેલું હરવા ફરવાનું આજ નામથી ઓળખાય છે. આ વખતે આ માહોલને થોડી કર્ફયુની અસર થઇ છે. કારણ કે પીએમ મોદીએ ચલણી નાણું બદલાવો યોજનામાં લોકોને વગર રજીસ્ટ્રેશને લગાવી દીધા, સાહસિક અને સાંસ્કૃતિપ્રિય ફરવાની શોખીન પ્રજા ફરવાના બદલે આ મહિને ફદિયા બદલામાં ફસાણી. પણ જાને વાલે કો આખિર કૌન રોક સકતા હૈની માફક એક વર્ગ રખડવા ગયો પણ ખરા અને જુગાડડોટકોમ કરીને નોટનો મેળ પણ કરી લીધો.

       શિયાળો એટલે નોર્મલ ટેમ્પ્રેચરમાં પણ સુકાતા હોઠ, ગરમ કપડાની માર્કેટ બાજુ મુકાતી દોટ. અમદાવાદ હોય કે આબુ, નવસારી જેવું નાનું ગામ હોય કે નાથદ્વારા તિબ્બેટિયન ગરમ કપડાની માર્કેટમાં એકાએક ગરમી આવી જાય. આ માર્કેટ હવે દેશમાં યુનિવર્સલ થઇ ગઇ છે. આ માર્કેટ યોજનારા વર્ષમાં એકાદવાર ફરતા હશે પરંતુ,આપણી પ્રજા તો કાયમ ફરે, જો કે આ વખતે વર્ષાતે ફરનારાઓની ટ્રીપ બધી રીતે યાદગાર રહી હશે. જેમાં ખટારાવાળાથી લઇને ખાનદાની કહેવાતા પરિવારનો પણ સમાવેશ કરી શકાય. સફર યાદગાર રહેવાનું પ્રથમ પાનું એટલે ટોલટેક્સમાંથી મુક્તિ. હાશ થયુ હશે રોડ ટ્રાંસપોર્ટવાળાઓને અને લોંગ ટુર બાય રોડ જનારને. જાણે બંડીમાં અટવાયેલા શ્વાસને વિશાળ મેદાનમાંથી હવા મળી હોય એવી અનુભૂતિ થઇ હશે, જે રીતે હાઇવે પર યુટર્ન, ઇમરજન્સી સેવા અને માઇલસ્ટોનના બોર્ડ સાર્વત્રિક નહીં થયા હોય એટલુ આ બોર્ડ વ્યાપક બન્યુ. બસ સ્ટેન્ડ પરની દુકાનોથી લઇને ફ્લાઇટના બોર્ડિગ પાસ પાસે રહેલા બાર સુધી આ બોર્ડ દેશની તમામ ભાષાઓમાં દિવાલ કે કાઉન્ટર પર ચોંટ્યુ હશે 500 અને 1000રૂની નોટ સ્વીકારાશે નહીં. ફરવાવાળા હોટેલની લાઇન સાથોસાથ બેંકની લાઇનમાં પણ જોડાયા. જ્યાં ફરવા ગયા હોય ત્યાંથી કેમ છો? પહોંચી ગયા?? સાઇડમાં રહી ગયું અને હાલો કંઇક આમ રહ્યા 100રૂ.વાળી નોટ પડી છે ને? જાણે ફરવાના આનંદમાં એક્સચેન્જનું ગ્રહણ લાગ્યું હોય. પ્રોસેસમાં શોર્ટકટ લેનારાઓ પર સરકારે કડક અમલીકરણ કરી પ્રજાના પેશન્સ (ધીરજ)ની પરીક્ષા કરી. પારકા પૈસાની પ્રતિક્ષા કરવામાં આવતી હોય છે પણ પોતાની રોકળ માટે પણ સૌ વેઇટિંગ મોડ પર મૂકાયા. પપ્પુ કાન્ટ ડાંસ સાલા જેવી સ્થિતિ થઇ ગઇ.
                            
                     ફરવાના માહોલમાં ઠંડીની અસર કરતા લોકોને નોટની અસર વધુ થઇ. શ્રીનાથજીના દર્શન માટે ઉમટેલી ભીડ એટીએમ અને બેંક પાસે જોવા મળી. જો કે આ દિવસોમાં સર્વત્ર ફોલ ડાઉન જોવા મળ્યું, હોટલનું સસ્તામાં પતી ગયું હશે, રેલવેની નવી ટિકિટ તો શું પ્લેટફોર્મ ટિકિટને પણ કેન્સલ કરવામાંથી છુટ્ટાનો મેળ થયો હશે, નવેમ્બર જેવા ફરવાના મહિનામાં દેશની એકતાના દર્શન થયા આખો દેશ એટીએમ અને બેંકની કતારમાં. જો કે હજુ ડિસેમ્બર બાકી છે ત્યારે નાણાની અસર સ્વદેશમાં સફર માટે આવતા એનઆઇઆઇને પણ થશે. ડોલરના નાણાને રૂપિયામાં ફેરવતા ડોલરની સાઇન જેવી સ્થિતિ થશે. જો કે ફરવાનો ઉભરો ઓછો નહી હોય. આ બે મહિના લગ્નોત્સવની સાથે એનઆરઆઇનો પ્રવેશોત્સવ પણ હોય છે."નારી" માટે આવતા મુરતિયાઓ હવે નાણાનું વિચારતા થઇ ગયા છે. ધીમે ધીમે સામાન્ય થતુ જનજીવન અને આર્થિક અસરથી પ્રવાસન ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ટોલટેક્સથી મુક્તિનું એલાન આવ્યા છતા હાઇવે પર રખડતી કેટલાક જીવતા જાગતા જીવાણુંઓએ બે બે દિવસ સુધી ટ્રાફિક જામ કર્યા અને મુસાફરીની મજાને ટ્રાફિક જામની સજામાં રૂપાંતર કરી. નવેમ્બર ડીસેમ્બર એટલે હનિમુન નામના બાળકનો નવપરણિતની જિંદગીરૂપી શાળામાં પ્રથમ પિરિયડ. જેમાં અવનવા ટ્રાવેલ્સવાળા ટિચરો નતનવા પેકેજની શિખામણ આપે. સાથે નાનકડી ફુદડી તો હોય જ, આ બે મહિનામાં એટલે શિયાળાના ફ્રેશ વેજીટેબલ્સનો સ્વાદોત્સવ અને સુપનું વૈવિધ્ય પીવાનો જાહેર પ્રસંગ. પણ આપણો વર્ગ ઘરે ચાઇનિંઝ મંગાવે અને બાહર ગુજરાતી થાળી શોધે. છેલ્લે દાળભાતનું તો સરનામું શોધી જ લે.

                            ફરવાના રૂટ પર થતી મોજ દરેક યાત્રિકો માટે યથાવત હશે અને હળવાશ પણ વર્તાતી હશે. સમસ્યાઓને બાજુએ મૂકીને સંવેદનાઓના સમુદ્રમાં ભીંજાયને સાથ માણનારા પણ હશે જ. જો કે ગુ્જ્જુંઓની આવડતનું પ્રમાણપત્ર આપાતુ નથી એટલે પૈસા બદલે કે પ્રોસિજર બદલે. યે સફર જારી રહેગા

Tuesday, October 25, 2016

કોલ સેન્ટર કૌભાંડઃ આઇટી ક્ષેત્રે ખરડાતી વૈશ્વિક છબી

                        ટેલિકોમ્યનિકેશન સર્વિસ પ્રોવાડર એક કંપનીએ ફોર્થ જનરેશન (4જી) સર્વિસ શરૂ કરી અને ઉપભોક્તાને લ્હાણી કરાવનું શરૂ કરી દીધુ,મફતમાં મોજ ની મેન્ટાલિટીવાળો દેશનો બહોળો વર્ગ માંખી જેમ મીઠાઇ પર ટૂટી પડે એમ મચી પડ્યો. શોપિંગ મોલ, મોબાઇલ શોપ, ફ્રેન્ચાઇઝી અને સ્થાનિક વેપારીને ત્યાં શેરીના નાકે ઉભા રહેતા પાણીપુરી કરતા વધુ ભીડ જામી. રાશનની દુકાનમાં લાઇન જોવા ન મળી તેનાથી લાંબી લાઇન આ તમામ જગ્યાએ જોવા મળી. જો કે મફત યોજનાનો 'સરકારી અભિગમ' થોડા કસ્ટમ સેટિંગ સાથે ખાનગી કંપનીઓએ અમલમાં મૂકી દીધો છે. જેમાં સરવાળે પૈસાનો ભાર અને હેરાનગતિનો હાર ગ્રાહક નામની કન્યાની કેડ પર સ્કિમના કંદોરા સાથે ડેમોમાં મૂકવામાં આવ્યો છે. જેના કેન્દ્રમાં અને લોક નજરમાં છે મફત ઇન્ટરનેટ.

                ઇન્ટરનેટના વિશાળ નેટવર્ક અને ટેલિકોમ્યુનિકેશનના સહારે કરોડોનો બોગસ કારોબાર મુંબઇના મીરારોડ પરના ત્રણ બહુમાળી કોમ્પ્લેક્સમાંથી સામે આવ્યો. જે શ્યામલક્ષ્મી (બ્લેકમની)ની પાધડીનો છેડો ગુજરાતના ભાવનગર અને અમદાવાદમાં ખુલ્યો છે. કોલ સેન્ટર અને નાણા કમાવવાના શોર્ટકટથી વધુ એક નરવીર આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસાની લપસણી સપાટી પર કળા કરી ગયો. કોલ સેન્ટરથી કસ્ટમર સુધી, વચ્ચેની તમામ ચેનલમાં નાના-મોટા સર્કિટને 'સેટિંગ'ના કરોડો રૂપિયા મળતા. આ સાથે શરાબ અને શબાબની ઓફર પણ થતી. આ કૌભાંડનો સૌથી મોટો ક્રેક તો એ છે કે તેમાં ગુજરાતના બે ખાખીધારી પોલીસ કર્મીઓના નામ ખુલ્યા. હવે આ બે 'ચૂલબુલ પાંડે'ની ઇન્ક્વાયરીમાં કેટલાય અન્ય પરિબળોની ભેળસેળ ભળશે. પણ આ ઘટનાથી વૈશ્વિક સ્તરે વિશ્વાસનું પારદર્શક પાણી ડહોળાયું છે. કાયમ ટેસ્ટી લાગતા પારકા સ્વાદમાં અમેરિકનો બ્લોક થઇ ગયા અને બધુ 'ઓલરાઇટ'-રોંગ થઇ ગયું.

            દેશની સંવેદનશીલ સરહદ પર સુરક્ષાની બાબતે પણ કડક વલણ અપનાવવા માટે આજે કેટલાક કહેવાતા મફલરધારી નેતાઓ સાબિતી માંગીને સળી કર્યા કરે છે. એવામાં હવે સાયબર હુમલાથી દેશની આઇટી સર્વિસ પણ સેફ નથી. હજુ ટેકનોલોજી ક્ષેત્રે દેશે ઘણુ કરવાનું છે અને આગળ આવવાનું છે ત્યારે વિશ્વના અન્ય રાષ્ટ્ર આપણાથી હજારો કદમ આગળ છે. જે રિયલ ટાઇમ સર્વિસની વાત છે ત્યાં ઇન્ટરનેટની સ્પિડ સામે પણ સવાલ છે અને હજુ પણ દેશના કેટલાક વિસ્તારમાં વાત કરી શકાય એટલા નેટવર્કના ઠેકાણા નથી. દેશની જ કેટલીક આઇટી કંપનીઓના બ્રાંડનેમનું વિશ્વમાં મોટું માર્કેટ છે. યુએસની ઢગલોબંધ વેબસાઇટના ડીઝાઇનિંગ પાછળ ભારતીયોના ભેજાનું આઉટપુટ છે. દેશના જ યુવાનો સોફ્ટવેરના સમ્રાટ બનતા જાય છે. એપ્સના એડમિન બની રહ્યા છે. અમેરિકાની કંપનીઓ ભારતીય કંપનીઓ પર પસંદગીનો પ્રેમ ઉતારે એ પાછળનું કારણ દેશમાં આવેલી આઈટી ક્રાંતિ છે. કોલ સેન્ટરના કૌભાંડથી ભારતીય આઇટી કંપનીઓ સામે હવે શંકાની સોય નહીં પણ તલવાર ઊભી થઇ છે. વિશ્વાસે ચાલતા વહાણમાં સિક્યુરિટી ચેંકિગ થવા માંડ્યું છે. યુએસ બેઇઝ કંપનીઓ આજે ઇન્ડિય સર્વિસિઝના કોલ ઉપાડતા ડરે છે. જેની પાછળ સાગર ઠક્કર જેવી આડપેદાશોનો કિચળમય ફાળો છે.

                         અમેરિકાઓ આઉટસોર્સિગ બંધ કર્યુ અને યુરોપીય સંધમાંથી બ્રિટને વિદાય લીધી ત્યારે ખડભડાટ મચી ગયો હતો કે આંતરરાષ્ટ્રીય વ્યવહારને અસર થશે. જેનો ફટકો ભારતીય આઇટી સેક્ટરને થશે.  પણ પછીનો સમય ભારતીય આઇટી માટે રેડ કાર્પેટ નહીં પણ ગોલ્ડન પિરીયડ શરૂ થયો. કારણ કે દેશના યુવાનોની ક્રિએટિવીટીને ઇન્ટરનેશનલ ઇનકમ થતી હતી અને આજે પણ થાય છે પણ હવે નોકરીના જોખમે. આટીસિટી બેંગ્લોરમાં 3 લાખ બીપીઓ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિગ) છે. યુ.એસ. કંપનીઓનું છુંટુછવાયું 80 ટકા કામ ભારત સાચવે છે. આઇટી સેક્ટરમાં પડકારો આવી રહ્યા છે એમા ટેકનિકલ વિષય કરતા કૌભાંડથી થતી માઠી અસર સામે ટકી રહેવાનું મુખ્ય છે. પેકેડ ડીઝાઇન, પ્રોગ્રામિંગ, ડેટા મેનેજમેન્ટ, ક્વેરી ફાયર, ફોલ્ટ ફાઇડિંગ અને સોલ્યુશન જેવી સર્વિસનો સમાવેશ થાય છે. કોલ સેન્ટર કાંડના કારણે આઉટસોર્સિગની તમામ સર્વિસ પર જે તે વિદેશી કંપનીઓએ ઇન્વેસ્ટિગેશન અને વેલિડેશનનો ગેટ મૂકી દીધો છે જે માટેના પેરામીટર આપણે ત્યાંની સાયબર સિક્યુરિટી કરતા ઘણા કડક છે. જેને ફરજિયાત પાસ કરવા પડે એમ છે. કારણ કે આઇટી પ્રોડક્ટનું માર્કેટ દેશમાંથી આઉટસોર્સ થાય એમાં આપણી કંપનીઓને જ ઘી કેળા છે.

              આ પહેલા દિલ્લીમાંથી અને બેગ્લોરમાંથી કોલ સેન્ટર ઝડપાયા હતા. બ્રિટિશ સરકારે 88 કરોડનું બોગસ કોલ સેન્ટર વર્ષ 2013માં પકડયું હતુ જેનો રેલો મુંબઇ સુધી આવ્યો અને એક આઇટી કંપનીની પૂછપરછ લગી મામલો અટક્યો. મીરા રોડ પરના કોલ સેન્ટર કૌભાંડથી વૈશ્વિક સ્તરે આઇટીની છબીમાં કાદવ ઉછળ્યું છે અને ગાબડું પડ્યું છે. આટલા મોટા સેટિંગ ચેઇનથી આઇટીની ઉષ્મા વિશ્વકક્ષાએથી ઓસરી રહી છે. અવિશ્વાસથી અવ્યવસ્થા સુધીનો માહોલ અત્યારે ટેકનોલોજી ફિલ્ડમાં છે ત્યારે આઇટીમાં પણ હવે વાયોલંસ (હિંસા) થવા માંડ્યું છે. દેશના ક્રાંતિજનક ક્ષેત્રમાં કૌભાંડીયાઓએ ક્રિએટિવિટી અને ક્રિડેબિલીટિનો કુડચો બોલાવી દીધો છે.

વિજય માલ્યા, કેતન મહેતા અને હવે સાગર ઠક્કર. 

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...