Thursday, March 16, 2017

રાષ્ટ્રના ધોરીમાર્ગોના રોમાંચક સફર


રાષ્ટ્રના ધોરીમાર્ગોના રોમાંચક સફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત ભલે ચૂંટણીલક્ષી માનવમાં આવતી હોય પણ જે રીતે વડીલો વતનમાં આવીને ભેંટ આપતા હોય છે તેમ મોદીએ પણ ઘરે આવીને જાહેરાત કરી દીઘી. એક પ્રવાસપથને ખુલ્લો મૂકને અન્યા માર્ગોની કાયાપલટના વાવડ વહેતા કર્યા. રાજ્યના પૂર્વ સીએમ આનંદીબેન પટેલે પોતાની વિદાય વખતે ટોલ ફ્રીની 'સ્કિમ' આપીને આનંદિત કર્યા. જ્યારે પીએમએ રાજ્યમાં 8 નવા નેશનલ હાઇવેની વાત કરીને પેઇડ પોલીસીના એંધાણ આપી દીધા. આ દેશના એવા ઘણા ધોરી માર્ગો છે જેની સફર એક યાદગીરીના પ્રવાસથી ઓછી નથી. દેશના મજબુત રોડ નેટવર્કની મજેદાર શાબ્દિક સફરમાં આપનું સ્વાગત છે. સડસડાટ જતી કાર, સવારનો આછો તડકો, પ્રમાણસર ટ્રાફિક, કારમાં વાગતા ભજનીયા, સારી ચા મળી રહે અને થોડી હળવાશ થાય એવા ધાબા શોધતી ડ્રાઇવરની આંખો, પ્રવાસના અનોખા વાતાવરણની આ અદ્દભૂત મજા છે.
NH7 Varanasi To Kanyakumari.

                      આંખના પલકારામાં પસાર થતા રોડ સાઇડના માઇલસ્ટોન મહાનગરોના કિમી-અંતર, આવનારા નાના મુકામના ઓછા થતા કિલોમીટર, ફેલાયેલી પ્રકૃતિ વચ્ચેથી પસાર થતી કાર ક્યારે કોઇ ફ્લાઇ ઓવર ચડી જાય એનો ખ્યાલ ન રહે. મોદી સરકારના શાસનમાં મફતનું આપવાની યોજનાઓની આખી શ્રેણી જાહેર થઇ છે. જ્યારે વાજપેઇ રાજાના સમયમાં દેશની રોડલિંકનું બેસ્ટ કામ થયું છે. બે રાજ્યો વચ્ચેના રસ્તાઓ જ નહીં પણ રાજ્યના અંદરના એટલે કે સ્ટેટ હાઇવેની પણ સુરતી બદલી છે. જેથી રોડ રાઇડિંગ એડવેંચર ટ્રીપ કરનારાઓને હાઇવેરૂપી સમુદ્ર કાર કે બાઇકથી ખેડતા હોય એવું લાગે. ગ્રામ્ય કે જિલ્લાઓને જોડતા એક્સપ્રેસ વે સહિતના કુલ હાઇવેની લંબાઇ આશરે 33 લાખ કિમી જેટલી છે. જેમાં સ્ટેટ હાઇવે જે એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવેને મળે છે એનો સમાવેશ થાય છે. હાઇવે ઓથોરિટીની યાદીમાં નાના મોટા થઇને કુલ 200 હાઇવેની નોંધ લેવામાં આવી છે. ગુજરાતના નવા જાહેર થયેલા હાઇવેનું લિસ્ટિંગ થશે તો કુલ સંખ્યા 208ની થશે જ્યારે લંબાઇ 92,851 કિમીથી વધી જશે. તેલંગણાને બાદ કરતા તમામ રાજકીય ધોરીમાર્ગની કુલ લંબાઇ 1,31,899 કિમી જેટલી છે. નવા જાહેર થયેલા હાઇવેની કુલ લંબાઇ ઉમેરાશે તો કુલ 50,000કિમીનો વધારો થશે.

                   અહીં માહિતીનો ખડકલો કે લેકચરની લાપસી પીરસવાનો કોઇ ઇરાદો નથી પણ ફેક્ટ અને ફિગરને જીગરથી લખવાની ઇચ્છા છે. દેશના કુલ 22,900 કિમીના હાઇવે 4 અને 6 લેનના છે એ પણ ટોલ ટેક્સની ટોપલીઓ સાથે. હવે લીવર ડાઉન કરીને બ્રેક પર વજન વધારીએ...મહાનગરોને જોડતા નાના મોટા હાઇવે, અંડરપાસ અને ફ્લાઇ ઓવર શહેરી તંત્રના રોડ પ્રોજેક્ટથી 40 % ટ્રાફિકને કંટ્રોલ કરે છે એટલે કે દ્વારકાથી અમદાવાદ આવવું હોય તો રાજકોટ સિટીમાં આવવાના જગ્યાએ બાયપાસથી ડાઇવર્ટ થઇ શકાય.એવી જ રીતે અમદાવાદથી નાથદ્વારા જતી વખતે ઉદયપુરની ઉડતી મુલાકાત ન કરવી હોય તો ગીતાંજલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ બાદ તરત જ જમણા હાથે રસ્તો નીકળે છે એ પણ ફોરલેન. જે સીધો ફ્લાઇ ઓવર પર થઇને નાથદ્વારા ટચ થાય છે. તો હવે કરો કલ્ચ પાડો ગેર અને દબાવો લીવર...


                     દેશના નેશનલ પ્રોજેક્ટમાં પ્રકૃતિને ડેમેજ થવાની ખોટી પિપૂડી વગાડીને પર્યાવરણ હિતલક્ષી કેસ ફાઇલ કરીને કોર્ટમાં મેટર વધારતા કાટ ખાઇ ગયેલી બુધ્ધીના બારદાન લાયક માણસો બે પહાડો વચ્ચેથી રસ્તો નીકળતો જોઇને મૌનવ્રત સેવી લે છે. એવું નથી કે કોઇ પણ ભોગે વિકાસનો નક્શાને આકાર આપવો. આસપાસના ઝાડનું જતન કરવામાં આવે છે. ડિવાઇર વચ્ચેની જગ્યાઓમાં ફૂલછોડ ઉગાડવામાં આવે છે. આ કાગળ પરની વાત નથી પણ પરિણામ આપી ચૂકેલો પ્રોજેક્ટ છે. જોવું જ હોય તો આંટો મારી આવો  ઉદયપુર-આબુ વચ્ચેના રોડ પર 4 લેન વીથ ટોલ ટેક્સ સાથે ટનલની મજા અલગ..હવે કાઢો ડાયરી અને પેન. સવલત અને સમૃધ્ધિને શબ્દોનું રૂપ આપતા જાવ. દેશનો સૌથી નાનો હાઇવે NH47 જેની માંડ માંડ લંબાઇ 6 કિમીની છે. જે અર્નાકુલમ પોર્ટથી કોચી પોર્ટને જોડે છે. અર્નાકુલમખ પહોંચવા માટે ગુજરાતમાંથી ડાઇરેક્ટ ટ્રેન છે. ઓખા-અર્નાકુલમ એ પણ સુપરફાસ્ટ.



આ ઝિયારત (યાત્રા)ને આગળ વધારીએ. ટાંટિયામાં તાકાત, બાવણામાં બળ અને જીવમાં જોમ છે.? તો પહોંચી જાવ NH7 પર. આ નેશનલ હાઇવે દેશનો સૌથી લાંબો અને સુંદર નેશનલ હાઇવે છે. જે અત્યંત લાંબો છે. નેશનલ હાઇવે 2370 લાંબો છે જે મોદીસાહેબના મતક્ષેત્ર વારાણસીથી કન્યાકુમારીને જોડે છે. કદાય પીએમએ આ જોઇને વારાણસીને પોતાના મતવિસ્તાર તરીકે પસંદ કર્યો હશે. આ હાઇવેની બંન્નેબાજું ખેતરો, લીલાછમ પહાડ, ડિવાઇર વચ્ચે ઉગી નીકળેલું ઘાસ, સેલ્ફી જ નહીં પણ સેલ્ફને પહોંળા કરીને સુઇ શકાય એટલી મોટી ડીવાઇડરોની પહોંળાઇ. રસ્તામાં પાણીની બોટલ તો શું, કોઇ પ્રાણીનું છી પણ જોવા નહીં મળે એટલી સ્વચ્છતા. રાત્રે આ રોડ પરથી પસાર થાવ તો લાગે જાણે પીળી લાઇનની રેલગાડી આગળ વધી રહી હોય. પોઇન્ટ ટુ બી નોટેડ. બે વર્ષ પહેલા 7300 કિમીનો હાઇવે પ્રોજેક્ટ નોર્થ ટુ સાઉથ, ઇસ્ટ ટુ વેસ્ટ કોરિડોરને આવરી લેતો મેગા સ્ટ્રક્ચર પ્લાન ગત વર્ષે જ પૂરો થયો.

           આ ઉપરાંત દેશના મુખ્ય ચાર મેટ્રોસિટી દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇને જોડતો હાઇવે ચતુષ્કોણ પ્રોજેક્ટ તાજેતરમાં જ પુરો થયો છે. આ હાઇવે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને વાપીમાંથી પસાર થઇને મુંબઇ સુધી પહોંચે છે. આ ઉપરાંત ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં પોરબંદરથી આસામ સુધીનો 6 લેન હાઇવે શરૂ થઇ ચૂકયો છે. દેશનો પ્રથમ નંબરનો અને બેસ્ટ એક્સપ્રેસ વે એટલે અમદાવાદથી વડોદરા (2004માં તૈયાર થયો હતો.), ત્યાર બાદ મુંબઇથી પુણેના હાઇવેનો નંબર આવે છે. દેશનો સૌથી મોટો અને લાંબો પુલ હાઇવે બ્રીજ મદુરાવોયલ એલિવેટેલ એક્સપ્રેસ વે જે ચેન્નઇમાંથી પસાર થાય છે. જે અંતે નેશનલ હાઇવે 4 સાથે જોડાય છે. આ ઉપરાંત કાઠીપરા જંકશન, દિલ્લી નોઇડા વે, દિલ્લી-પંજાબ ફોર-વે, હેબલ ફ્લાઇ ઓવર બેંગ્લોર, દિલ્લી ગુડગાંવ હાઇવે જેના પર દેશનું સૌથી વિશાળ ટોલનાકું આવેલું છે. જેના એક ફેસમાં 16 લાઇન્સ સાથે 90 વાહનો એક સાથે પસાર થઇ શકે છે. હાઇવેની વધુ વાતો આવતા અંકે...




2 comments:

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...