Saturday, December 23, 2023

બેલ્જિયમ વેફલ્સઃ તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ, ઝિંદગી મેં પહેલી બાર હુઆ

 બેલ્જિયમ વેફલ્સઃ તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ, ઝિંદગી મેં પહેલી બાર હુઆ

            શિયાળાની ઠંડીમાં સ્વાદનો જાણે અન્નકુટ શરૂ થાય એવી સીઝનમાં તનને તંદુરસ્ત કરવા આમ તો જીમ અને જામ બન્નેની શરણે જતા લોકો જોવા મળે. એમાં પણ ગુજરાતના એક જાણીતા સ્થળેથી પરવાના સાથે પ્યાલા ભરવાની શરતી છૂટથી ક્યાંક અસાધારણ ખુશી તો ક્યાંક આક્રોશનો માહોલ છે. પણ ફૂડની વાત થાય ત્યારે ગુજરાતીઓની જીભ વાસ્તવિક સ્વાદને પારખનારી છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. આમ પણ બધુ પેટ માટે જ થાય છે. પણ ખાદ્યપ્રેમી પ્રજા પેટ માટે ક્યાંય વેઠ કરે એમ નથી. છેલ્લા બે વર્ષમાં જેટલી કોમોડિટીની આયાત નહીં થઈ એટલી કોમોડિટી ફૂડ ક્ષેત્રે દરિયામાં સામે છેડે દેખાતા ક્ષિતિજ જેટલી વિસ્તરી છે. ખાસ કરીને ઈટાલી ને ચાઈનીઝ બાદ થાઈ તેમજ સ્વિઝ ફૂડની આખી સીરિઝ મહાનગરમાં માણવા મળે છે. અમદાવાદના રાત્રી બજારમાં તો જાણે ફૂડનું એક્ઝિબિશન હોય અને માત્ર ચાખો ત્યાં પેટ ભરાઈ જાય એવી મસ્ત ક્વોલિટી વાળું ફૂડ પ્રાપ્ય છે. આમ તો રાજ્યના તમામ જિલ્લાઓની ફીચર ડેફિનેશન આપવામાં આવે તો દરેક જગ્યાની કંઈકને કંઈક તો વાનગી ખાવા લાયક મળે જ. જેમ કે, રાજકોટની ચટ્ટણી, ચેવડો અને ચિક્કી. જામનગરના ઘુઘરા અને પાન. એમ દુનિયાના નક્શમાં નજર કરીએ તો જેનું ફૂડ બેસ્ટ છે એવા રાષ્ટ્રમાં ઈટાલી, બ્રિટન અને થાઈલેન્ડ બાદ બેલ્જિયમનું નામ આવે છે. હા, એક હકીકત એ પણ છે કે, ઈન્ડિયન ફૂડને દુનિયાભરમાં સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 

        બેક ટુ પોઈન્ટ...બેલ્જિયમ એક નાનકડો એવો દેશ. જે પોતાની આગવી સુંદરતા માટે જાણીતો તો છે જ. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંની લોકલ ગણાતી વેફલ્સે દુનિયાના બીજા દેશમાં જોરદાર ડંકો વગાડી દીધો છે. ઈટાલીના પિઝા જેમ પ્રખ્યાત છે. એમ અહીંની વેફલ્સનો ટેસ્ટ દાઢમાં રહી જાય એમ છે.ખાસ કરીને ચોક્લેટ લવર્સ લોકો માટે આ વાનગી તો દિલના તારમાં ગીટાર વગાડી દે અને ધૂન બનાવી દે એવી છે. આગ્રા આવ્યા હોય અને પેઠા ન ખાઈએ એવું તો કેમ ચાલે? એમ બેલ્જિયમ આવ્યા હોય અને વેફલ્સ ન ખાઈએ એવું તો કેમ બને? ઓરિજિનલ શબ્દ વોફલ્સ (ઉચ્ચારણ પણ વોફ્લ્સ). વોફલ્સ બેલ્જિયમનું સ્ટ્રિટ ફૂડ છે. જે ગરમ હોય તો ખાવાની આખી મજા અલગ છે. ચોક્લેટ લવર્સ માટે હાઈલી રેકમન્ડેડ. હાલના ટાઈમથી થોડું રીવાઈન્ડમાં ડોકિંયું કરીએ તો એક સમયે પાર્લે કંપનીના વેફર બિસ્કીટ આવતા. જુદી જુદી ફ્લેવર્સના. એમાં સ્ટ્રોબેરીથી લઈને જીમજામ સુધીના ફ્લેવર્સ. પણ બેલ્જિયમમાં આનો જ એક ચોક્લેટ ફ્લેવર. એ પણ બિસ્કીટ કરતા અલગ ટેસ્ટનો, ફ્લેવર્સમાં પણ ચોક્લેટ તો મેઈન. પણ બ્લેક કે કોકો ફ્લેવર એ ખાનાર પર નિર્ભર કરે છે. 

        કુછ મીઠા હોય જાય...ની જેમ આમા પણ એક દિમાગી કેમિકલ્સને અસર પહોંચાડી દે એવા જોરદાર ટેસ્ટ છે. જે રીતે કોઈ મોલના આઉટલેટમાં કોઈ ડિસપ્લે મૂકેલા હોય અને આંખ ખેંચાયા વગર ન રહે એમ બેલ્જિયમના ફ્લેવર પણ મસ્ત હોય છે. અહીંયા તો પાર વગરના ઓપ્શન છે. મીઠું લાગે એવું પણ છે અને એકદમ નોર્મલ મીઠાશ હોય એવું પણ મળી રહે. ઈન્ડિયામાં અત્યારે વોફલ્સ પોતાના પીક પોઈન્ટ સુધી પહોંચ્યું છે. પણ બેલ્જિયમમાં તો બે સૈકાથી પણ વધારે સમયથી આ વાનગી ખવાય છે. એટલું જ નહીં દેશ વિદેશના પ્રવાસીઓ ખાસ આ વાનગી ખાવા માટે આતુર હોય છે. હા, બીજી એક વાત કે, જે વોફેલ્સ એના બેઝમાં હોય છે. એ વેજ અને નોનવેજ બન્ને કેટેગરીમાં મળે છે. બટ ડોન્ટ વરી....આપણે ત્યાં વોફલ્સ વાળા પ્યોર શાકાહારી છે. સો..ફીકર નોટ..જ્યારે આ વોફલ્સ તૈયાર કરવામાં આવે છે ત્યારે એના પર થોડી ખાંડ નાંખવામાં આવે છે. પછી ચોકલેટને કસ્ટમાઈઝ રીતે નાંખવામાં આવે છે. જેથી વધારે પડતી મીઠી વસ્તુ તૈયાર ન થાય. બેક્ડ આઈટમ હોવાથી વ્યવસ્થિત પકવ્યા બાદ જ એના પર ટોપિંગ અને ચોક્લેટની મસ્ત કાળી પણ જીભને ચોંટે એવી રંગોળીઓ કરવામાં આવે છે. 

      કોઈને બ્રસેલ્સના વોફલ્સ ગમે તો કોઈને લીચના.એક વખત વસ્તુ તૈયાર થયા બાદ ફરી એને શેકવામાં આવે છે. એક વખત શેકાયા બાદ એ થોડું સખત થાય છે. છેલ્લે આવે છે ટોપિંગ્સનો વારો. ગરમાગરમ કાણાવાળી વસ્તુ પર ચોક્લેટ સોસ નાંખીને મજેદાર બાઈટ તૈયાર કરવામાં આવે છે. હા...ફ્રેશ ફ્રુટ પણ નાંખી શકાય છે. જેમાં સ્ટ્રોબેરી મોટાભાગના ફૂડ લવર્સની ફર્સ્ટ ચોઈસ છે. (હા, ગુજરાતીઓ બાકાત છે હો... કારણ કે, અહીંયા એક વર્ગ તો પીઝા સાથે પણ છાસ ઢીચે...) પછી એની સાથે એક ક્રિમ પેસ્ટ પણ મૂકાવી શકો. આ તમામ વસ્તુ પાછી ટોટલી બેઝ પર કસ્ટમાઈઝડ છે. ચલો માની લો કે, ટેસ્ટમાં મજા ન આવી. જો એના પર લગાવેલી તમારા ફ્લેવરની આઈસક્રિમ તો જામો પાડી દેશે એમાં કોઈ બે મત નથી. પછી ચોકલેટના ટુકડા નાંખીને મસ્ત એન્જોય કરી શકાય. હા, આપણે ત્યાં હોય જેવું નથી કે, ઉપરથી વધારાની ચોકલેટ માંગ તો ડાચા બગડે..અહીંયા તો ખવડાવનારાનો ટેસડો છે. સ્ટ્રોબેરી અને ક્રિમ વાળી વોફેલ્સને લીએજ કહેવામાં આવે છે. બાકી સાદી વોફેલ્સ ચોક્લેટ તો કોમન છે. એ પછી ખાનારા પર છે કે, બ્લેક ચોકલેટ ખાવી છે કે, ચોક્લેટ સોસ. બ્રસેલ્સમાં ગ્રાન્ડ પ્લેસની આજુબાજુની કોઈ પણ સ્ટ્રીટમાં આટો મારો એટલે યુરોપીય કલ્ચરની આંખને સુગંધ આવે.  

     હવે આમા પણ નવા પ્રયોગ થાય છે. જેમ ચાઈનીઝ ભેળ નામની કોઈ વાનગી ચીનમાં મળતી નથી. આ ઈન્ડિયન કસ્ટમાઈઝેશન છે. એમાં ત્યાં પણ અખતરા કરનારા હોય ને? ફેર એટલો કે, ત્યાં શેરીમાં વેચનારો પણ સર્ટિફાઈડ હોય અને આપણે ત્યાં પહેલા હેલ્પર તરીકે હોય પછી એ તવામાં તેલથી વધાર કરતો હોય. એ પણ એવી રીતે સ્ટાઈલ મારે કે, દુકાન વધાવવાનો સમય થાય ત્યારે ગેસ અને તવાની આસપાસનું મટિરિયલ્સ ભેગું કરવામાં આવે તો એક વ્યક્તિનું ફૂડ પાર્સલ થઈ જાય. શરૂઆતમાં આ વાનગી દુનિયાભરમાં વિસ્તરી. એની સામે ઘણા વિદેશી પ્રવાસીઓ પણ ખાસ આ વાનગી ખાવા માટે બ્રસેલ્સ પધાર્યા. કોઈ પણ વિદેશની વાત હોય પછી ફૂડ હોય કે ફેશન. અમેરિકાનું નામ ન આવે તો અમેરિકાને ખોટ ન જાય? અમેરિકામાં બ્રસેલ્સ વોફલ્સ હજ્જારો લોકોને દાઢે ચોંટ્યા બાદ એની માંગ વધી ગઈ. 

તમામ પ્રકારના વોફેલ્સ

    વોફેલ્સ મૂળ ડચ શબ્દ વેફર પરથી ઊતરી આવ્યો છે. 8 ફૂટની વોફેલ્સ તૈયાર કરીને નેધરલેન્ડના એક ગ્રૂપે વર્લ્ડ રેકોર્ડ પણ કરેલો છે. બેલ્જિયમ વોફેલ્સ ઓરિજનલી બ્રસેલ્સ વોફેલ્સથી ઓળખાય છે. જેમ જેમ દુનિયાના દેશમાં આ વોફેલ્સ ફરતી ગઈ એમાં કસ્ટમાઈઝેશન થતું ગયું.  

Sunday, December 17, 2023

જમાલકુડુ: મ્યુઝિક ઓલવેઝ કનેકટસ

 જમાલકુડુ: મ્યુઝિક ઓલવેઝ કનેકટસ

  સૂકા દુષ્કાળ જેવી સ્થિતિમાંથી બોલીવુડને બેઠું કરનાર પઠાણે કમાણીમાં છોતરા ફાડી નાખ્યાં. એ પછી જવાને સિસ્ટમ સામે બાંયો ચડાવીને એક વેઇકપ કોલ જેવું કામ કર્યું. વચ્ચે તું જુઠ્ઠી મે મકકાર નામની ફિલ્મ આવી પણ એ ઠીક ઠીક રહી. પણ પૈસાના ખોખા તો એને પણ ભરી લીધા. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવા ખરાબ સમયમાંથી પસાર થઈ કે કલાકારો તો ઠીક એને કાયમ . માણનારા દર્શકો એક કપરો દાયકો કોઈ દિવસ ભૂલી નહીં શકે. વિષય સારો હોઈ તો સ્ક્રીપ્ટમાં ઠેકાણા ના હોય, પ્રેઝન્ટેશન સારું હોય તો ગીતમાં ઠેકાણા ના હોય. ગીતની વાત આવી એટલે એક વાત પર એ પણ પ્રકાશ પાડું કે, મ્યુઝિક વીડિયોથી આખા સંગીત અને વિડીયોની ફ્લેવર્સ બદલી ગઈ. 90 ના દાશકમાં આ કામ પોપ મ્યુઝિકથી થયું. એની પણ પહેલા બપ્પી દા એ ડાન્સ મ્યુઝિક પીરસીને દરેકના પગને થીરકતા કરી દીધા. 

   કોરોનાના કાળ બાદ જાણે યુગ પરિવર્તન થયું હોય એવો અહેસાસ થયો. ખાસ કરીને સંગીતના સેક્ટરમાં એવી નવી ટેકનોલોજી આવી કે ઘરબેઠા પણ અમુક વસ્તુનું કંપોઝિશ શક્ય બન્યું પણ એમાં પણ સ્ટુડિયોની ફીલ અને એક્સપર્ટની ઇફેક્ટ તો મિસીંગ જ હતી. ટાઇગર 3 ફિલ્મથી અરિજિત અને સલમાનનો મેળ પડી ગયો. એટલે સ્વેગ સે સ્વાગત ચાલ્યું એટલું લેકે પ્રભૂકા નામ ના ઉપડ્યું. સલમાનને પણ પ્રભુનું નામ લેવું પડ્યું હશે ત્યારે ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લેવામાં રીતસરની હાફી ગઈ. વચ્ચે પાછો વર્લ્ડકપ આવ્યો પણ ઓસ્ટ્રેલિયા એને ખેચી ગયું. એ પછી બાદશાહના ધૂમધડાકા વાળા પાર્ટી સોંગ રિચાર્જની વેલીડિટીની જેમ આવ્યા. જે ક્યારે ફેંકાઈ ગયા એની ખબર જ ન પડી. વેલ, એનિમલ ફિલ્મે રણબીર કપૂરના સાતેય રંગ ખીલવી દીધા. ઈમોશન, લવ અને લોહીના ફુવારા કરતાં એક્શન સીન એવા રહ્યા કે કબીરસિંહ ટૂંકા પડે. એમાં પણ 500 ટન વજનવાળી ઓરીજીનલ ગનથી રીતસરનો શોક લાગ્યો. જોકે આની પાછળ સુરેશ સેલવર્જન નું ભેજું છે. ઠેકન્સ ટુ હીસ ટીમ. (કાઠિયાવાડી થેંક્યું ને ઠેંક્યું બોલે....હા હા). રણબીરએ આ ફિલ્મથી એક્શનનો નવો માઇલસ્ટોન ઉભો કરી દિધો. પણ આ રેઇનબો કપૂર કરતા પણ વધુ ચર્ચા એ ફિલ્મના વિલનની છે.

     આશ્રમ વેબ સિરીઝથી વિલનના રોલમાં કમબેક કરનાર બોબી આખી ફિલ્મમાં એક શબ્દ બોલ્યો નથી. પણ આ ધરમપુત્ર એ ફેસ એક્સ્પ્રેસમાં કાયદેસર પાડી દીધાં. હવે એની એન્ટ્રી વખતે એ જે ગીત વાગે છે એના મૂળ ઈરાનના છે. ઈરાનની એક સમયની કવિતા હતી આ જમાલકુડુ. અસ્સલમાં હર્ષવર્ધન રામેશ્વરમ એ આ ગીત કંપોઝ કર્યું છે. વર્ષો પછી આ ધૂન ડીજેની જુદી જુદી બીટ પર વાગે છે. ઈરાનના ખત્રેહ ગ્રૂપ આને સૌથી પહેલા કમ્પોઝ કરેલું. એ વખતેની આબેહૂબ ધૂન ફિલ્મમાં લેવાઈ છે. વર્ષ 1950માં ઈરાનમાં આવેલી ખરાઝેમી ગર્લ્સ હાઈ સ્કૂલમાં કવિતા રૂપે પ્લે થયું. બીજાન સમાંદર નામના સર્જકે આના શબ્દો લખ્યા છે. ભલે આપણા દિમાગમાં એ સમજાય નહિ પણ ઈરાનની ભાષામાં એનો એક અર્થ થાય છે. એમ તો કોલાવેરી ડી માં પણ કોઈને કંઈ ટપ્પો પડ્યો ન હતો, પણ મજા બધાને ખુબ આવી. 

     પહેલી વખત આ ગીત શિરાઝી ચોઇરે ગાયું. પછી ઈરાનના કોઈ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ગવાતું. સંદીપ વાંગા રેડ્ડીના એક્શન સીન માટે જેટલી ગાળો દેનારા છે તો એકવાર એની આવી ધી બેસ્ટ કહી શકાય એવી મ્યુઝિક સેન્સ માટે પણ એક તાલી તો બનતી હૈ...હવે કરીએ ગીતની અંદરની વાત. હવે જેને ધ્યાન આ ગીત સાંભળ્યું હશે એને ખ્યાલ હશે કે આ ગીતમાં કોઈ જ સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેંટ પાછળ નથી વાગતા. કોઈ જ લીડ પ્લેઈંગ થતું નથી. આખું ગીત કોરસ (ગાયકોનું એક ગ્રુપ જે લીડ સિંગરની પાછળ ગાતું હોય) થી શરૂ થાય છે અને કોરસમાં જ એન્ડ થાય છે. બીજી એક ખાસ વાત આખું ગીત કલેપ બિટ પર છે. વીડિયોમાં પણ એક ગ્રુપ તાલીના સહારે ગીત ગાય છે. બેગ્રાઉંડમાં વાગતું વાજુ એક કોઈ હાર્મોનિયમ નથી. આર્કોડિયન છે. આ ગીત ફિલ્મમાં પ્લે થયા બાદ એની એન્ટ્રી ક્લિપ ચાર દિવસમાં 24 મિલિયન વ્યું સુધી પહોંચી ગઈ. 

   બોબીની એન્ટ્રી વખતે આ ગીત વાગશે એ નિર્ણય ડાયરેક્ટરનો હતો. પણ એમાં બોબી જે ડાન્સ કરે છે એ ડાન્સ આઈડિયા બોબીનો પોતાનો છે. જે રીતે જવાન ફિલ્મમાં ટ્રેન મા શાહરૂખ બેકરાર કર કે હમે ગીત પર જે ડાન્સ સ્ટેપ કરે છે એ કોઈ જ કોર્યોગ્રાફરે એને શીખવાડયા નથી. એ એના પોતાના છે. જ્યારે બોબીને એની એન્ટ્રી કેહવામાં આવી એ સમયે બોબીને એનું બાળપણ સાંભર્યું. નાનો હતો ત્યારે તેણે પંજાબમાં કોઈને ગ્લાસ માથે મૂકી નાચતા જોયેલા. આ જ વસ્તુ બોબી ફિલ્મમાં કરે છે. ફિલ્મના વીડિયોમાં દેખાતી મસ્ત છોરી હકીકતમાં ઈરાનની જ છે. જે ક્રશગર્લ બની ગઈ છે. જેના ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત 2 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. આ એવી મેહનતું છોરી છે જેને કર્મબળે કમાણી કરી છે. નોરા સાથે પણ નાચી ચૂકી છે. ટૂંકા સમયની સ્ક્રીન પ્રેઝેન્સ કામ કરી ગઈ. બંદી સ્ટાર બની ગઈ. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વખતે ઈરાનની ભૂમિકા સામે સવાલ થયા હતાં. એક સમયે આ દેશને લોકો અલગ નજરથી જોતા હતાં. પણ આ ગીતના મૂળ ઈરાનમાં છે અને આજે દર દસ લોકોની રિલ્સ, સ્ટોરી અને સ્ટેટસ આ ગીત જોવા મળે છે. આ જ તો તાકાત છે સંગીતની, કલાની, ફિલ્મની, અપિલિંગની. સમજાય ભલે કાઈ નહીં પણ મજા બૌ આવ્યા રાખે. કલા કાયમને માટે કનેક્ટ કરવાનું કામ કરે છે એ પછી સંગીત હોય કે સાહિત્ય. મ્યુઝિક તો ઓલવેઇઝ જોડે છે. જેને અલગ નજરે જોતા એ જ દેશનું ગીત આજે આઇકોન છે. સેલ્યૂટ છે આ સંગીતને અને સંદીપ વાંગાં રેડ્ડીને.


ગીતના શબ્દો અને અર્થ

Jamal Jamalek Jamaloo Jamal Kudu’ means 'Oh my love, my beloved, my sweet love!’

Ahay Siyah Zangi, Delamo Nakon Khun (Oh, my cutie, don’t play with my heart)


Voy To Rafti Koja, Manam Cho Majnun (You are leaving and embarking on a journey, and I’m getting crazy like Majnu)


Ahay Siyah Zangi, Delamo Nakon Khun (Oh, my cutie, don’t play with my heart)

Voy To Rafti Koja, Manam Cho Majnun (You are leaving and embarking on a journey, and I’m getting crazy like Majnu)

Sunday, December 03, 2023

ચૂંટણીનું પરિણામ: ના બોલે તુમ ના મૈંને કૂછ કહા, મગર ના જાને ઐસા ક્યું હુઆ

ચૂંટણીનું પરિણામ: ના બોલે તુમ ના મૈંને કૂછ કહા, મગર ના જાને ઐસા ક્યું હુઆ 

મોદી હૈ તો મુમકિન હૈ. ભારતીય જનતા પાર્ટી (BJP)ને ફરી એકવાર દાવો કરવાની તક મળી છે કે તેનું સ્લોગન પાયાવિહોણું નથી. પરંતુ બિલકુલ અર્થપૂર્ણ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર 'મોદીના જાદુ'ની પુષ્ટિ કરી છે. મોદી છેલ્લા 10 વર્ષથી ભાજપ માટે વિનિંગ મશીનની ભૂમિકા ભજવી રહ્યા છે. ભાજપે કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. રાજસ્થાન અને છત્તીસગઢમાં અનુક્રમે પૂર્વ મુખ્યમંત્રીઓ વસુંધરા રાજે સિંધિયા અને ડૉ. રમણ સિંહને ભાજપે જાળવી રાખ્યા હતા. એ અલગ વાત છે કે રાજવી પરિવારોથી પ્રભાવિત રાજસ્થાનમાં રાજે નારાજ થવાનું જોખમ ન ઉઠાવવા માટે ભાજપે પૂર્વ સીએમ ઉમેદવારોને ટિકિટ આપી. પરંતુ પાર્ટીએ ક્યારેય તેમનો ચહેરો મુખ્યમંત્રી તરીકે આગળ રાખ્યો નથી. ચર્ચા એવી પણ હતી કે, રિસાયેલા ને મનાવી લઈને સાચવી રાખવાની ભાજપની રણનીતિ રહી છે. 

         


જુલાઈમાં, જ્યારે ભાજપે સંગઠનાત્મક ફેરફારો કર્યા, ત્યારે વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું. આ મનાવવા સાથેની પહેલી ઓફર હતી. તેમની સાથે છત્તીસગઢના પૂર્વ સીએમ રમણ સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે. સંકેત સ્પષ્ટ છે - રાજ્યના રાજકારણમાંથી બહાર આવો અને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરો. ટૂંકમાં સ્થાનિક રાજકારણ એવી રીતે ફેરવી નાખ્યું કે, રિસાયેલા માની જાય અને મોટા કેન્દ્ર માં નાનું પણ વજનદાર પદ મળે. વિપક્ષની આક્ષેપબાજીના આખલા યુદ્ધમાં પ્રહાર કરવા કરતાં એના જ નિવેદનને ફેરવી તોળીને પ્રજા લક્ષી સ્પર્શ આપી દઈને હરીફ પક્ષને પછાડી દીધો. રાજસ્થાનમાં માત્ર 9 રોડ શો અને રેલી કામ કરી ગઈ. આવા તો ફેક્ટર અને ગ્રાઉન્ડ પરની ફાઈલો મોટી છે. 

     જો કે, વસુંધરા અને રમણ બંનેને અનુક્રમે ઝાલરાપાટન અને પાટણ વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી હતી. બંનેએ પોતપોતાની બેઠકો પર પણ જીત નોંધાવી છે. ભૂપેશ બઘેલ છત્તીસગઢમાં ડંકો વાગી રહ્યો હતો.. જ્યારે કોંગ્રેસ પાર્ટીને જીતનો વિશ્વાસ હતો, ત્યારે ભાજપના અભિવ્યક્તિઓ પણ સંકેત આપી રહ્યા હતા કે ત્યાં પણ જીતની કોઈ આશા બાકી નથી. પરંતુ પરિણામ સૌની સામે છે. છત્તીસગઢમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. રાજસ્થાનના રણમાં પણ કમળ ખીલ્યું છે. તમામ એક્ઝિટ પોલના અનુમાન મુજબ કોંગ્રેસ પાર્ટી માત્ર છત્તીસગઢમાં પોતાની સત્તા બચાવી રહી નથી, તે મધ્યપ્રદેશને પણ ભાજપ પાસેથી છીનવી રહી છે.પણ પરિણામે ચિત્ર ફેરવી નાખ્યું. કાલ્પનિક ભય ને વાસ્તવિક ખાઈ પેદા કરતા ઘૂઘરાથી થોડું અલગ કહી શકાય એવું પરિણામ દેખાયું. ભાજપનો આત્મવિશ્વાસ અને સ્ટાર બ્રાન્ડ નેતાઓની અસર કરતા પરિણામ આપે એવા નિર્ણય કામ કરી ગયા. 

     બાય ધ વે, દેશમાં ચૂંટણી ગમે તે હોય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી જો કોઈ નેતાની સૌથી વધુ ડિમાન્ડ હોય તો તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. હિંદુત્વના પ્રબળ સમર્થક એવા ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથનો ક્રેઝ એટલો બધો છે કે તેમની રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો આપોઆપ એકઠા થાય છે. આ વખતે પણ એવું જ જોવા મળ્યું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ યોગીની જાહેર સભાઓ અને રોડ શો માટે ભાજપના ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. પણ અંતે તો સનાતન ની વાત થી રિઝલ્ટ બદલી ગયું. આ પરિણામ બાદ દેશનો રાજકીય નકશો બદલશે એ તો નક્કી છે. સંપત્તિ શોખીન નેતાઓની લોટરી લાગી. પણ હિંમત અને આવડતની યશોગાથા તો માત્ર મોદીના નામે જ છે. નિષ્ફળ કે નકામા નિવેદનમાં આમ તો જવાબ દેવાની વૃત્તિ દેખાતી હોય છે પણ એમાં એક ભાજપની બે ટીમના પ્રયાસ રિપોર્ટ કાર્ડ સુધી પહોંચ્યા. જેમાં એક કેડરની મોટા નેતાની વજનદાર વાણી અને આંકડાનો હિસાબ કરવા કરતાં વ્યકિતત્વની છાપ મતદારોને ખેચી લાવી. 

   


 તેલંગણાની તસવીર બદલવાની હતી એ થોડું અપેક્ષિત હતું. બીજી એક વસ્તુ એ શીખવા જેવી છે કે, કોઈ દિવસ એક્ઝિત પોલ જોઈએ મીઠાઈ ખરીદવી ના જોઈએ. દેશની વાત કરીએ તો અત્યારે ભાજપ પાસે 10 રાજ્યોમાં મુખ્યમંત્રી છે. તે જ સમયે, ભાજપ છ રાજ્યોની સરકારમાં ભાગીદાર છે. કોંગ્રેસ પાસે ચાર રાજ્યોમાં મુખ્યમંત્રી છે. જ્યારે, કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં ગઠબંધન સરકારનો ભાગ છે. સાત રાજ્યો એવા છે જ્યાં અન્ય પક્ષોની સરકારો છે. પંજાબ અને દિલ્હી એમ બે રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પશ્ચિમ બંગાળમાં TMC, તેલંગાણામાં BRS, આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસ, ઓડિશામાં BJD અને કેરળમાં ડાબેરી ગઠબંધનની સરકાર છે.

    મે 2014માં નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી હતી. તેઓ સત્તામાં આવ્યા ત્યારે દેશના સાત રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષો સરકાર ચલાવી રહ્યા હતા. તેમાંથી પાંચ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી હતા, જ્યારે તેનો સાથી પક્ષ આંધ્રપ્રદેશ અને પંજાબમાં સત્તામાં હતો. એટલે ભાજપની સરકાર કેન્દ્રમાં આવી પછી સંગઠનમાં પણ અમુક વસ્તુ બદલી ગઈ. મોદી લહેર પહેલી લોકસભા વખતે કામ કરી ગઈ આ વખતે હવે આ રાજ્યોમાં મોદીની ગેરંટી એ ઇમ્પ્રેશન જમાવી. આમ તો જ્યારે પણ પરિણામ આવે ત્યારે સંઘ પરિવારની વાત થઈ જાય છે. પણ ઘણા એવા કિસ્સા એવા પણ જોવા મળ્યા કે, સંઘ કરતા સંગઠનનું વલણ જુદું રહ્યું. માત્ર મત અપીલની વાત કરતું સંઘ એક વાત પર કાયમ રહ્યું. સનાતન ધર્મના મુદ્દા અને હિન્દુત્વ. જોકે વાતના મૂળ દક્ષિણમાં છે. સ્ટાલિન પુત્રનું નિવેદન બીજા રાજ્યોને અસર કરી ગયું. જોવાનું એ રહે છે કે, મુખ્યમંત્રી કોણ બને છે. રાજકીય કેબીએમ (કૌન બનેગા મુખ્યમંત્રી) ભલે કોઈ પણ જીતે પણ સરકાર સંગઠનની સંચાલન છબી થી ચાલશે. એ નક્કી છે.


Saturday, November 18, 2023

પેશન, પ્રયોરીટી અને પાવરનું કોમ્બિનેશન એટલે ટીમ ઈન્ડિયા

 પેશન, પ્રયોરીટી અને પાવરનું કોમ્બિનેશન એટલે ટીમ ઈન્ડિયા

        15 મી નવેમ્બરનો દિવસ આમ તો ક્રિકેટના ઈતિહાસમાં અનોખો દિવસ તરીકે યાદ રહી જશે. મહારાષ્ટ્રના મહાનગર મુંબઈના વાનખડે સ્ટેડિયમમાં ગોડ ઓફ ક્રિકેટની સામે કિંગ કોહલીએ 50 મી સદી પૂરી કરીને બે હાથ સાથે સચિન સામે નતમસ્તક થયો. ટોસ જીતીને બેટિંગ કરવા ઊતરેલી ટીમે એટલો મોટો સ્કોર આપ્યો કે થોડા સમય માટે એવું લાગ્યું કે ટાર્ગેટ 400 સુધી પહોંચશે. પણ એમાં માત્ર ત્રણ રન બાકી રહી ગયા. આ મેચ જીત્યા બાદ ચારેય બાજુથી ભારતીય ક્રિકેટ ટીમના ખૂબ-ખે ખોબલે વખાણ થઈ રહ્યા છે જેની પાછળ અથાક અને અટૂત મહેનત જવાબદાર છે. એક એવો પણ સમય કોહલીના જીવનમાં આવ્યો કે, એનો ગુસ્સો સતત એના નેગેટિવ કેસનું કારણ બન્યું. કોહલીએ આનો જવાબ પોતાના બેટથી આપ્યો. સતત ટીકા ટિપ્પણીઓને સોશિયલ મીડિયાના ટ્રોલર્સનો શિકાર થયેલા વિરાટે ખરા અર્થમાં પરફોર્મ કરીને બોલતી બંધ કરી દીધી. એક સમયે સિનિયર કહેવાતા અને તેને વખોળતા લોકો એકાએક વખાણના મધ મીઠા શબ્દો બોલવા લાગ્યા.


        દરેક મેચમાં આમ તો આખી ટીમનો સહયોગ હોય છે. પણ જે રીતે ફિલ્મમાં ક્લાઈમેક્સ અને ટર્નિંગ પોઇન્ટ આખું પાસું પલટે એ રીતે અહીં ખેલાડીઓએ જે તે પરિસ્થિતિને દિશા આપવાની હોય છે. પ્રેશરને સહન કરીને પેશન્સ ટકાવી રાખવું એ પણ ટીમ ઇન્ડિયા પાસેથી શીખવા જેવું છે. એક સમય માટે એવી કલ્પના કરીએ કે રોહિતની જગ્યાએ વિરાટ કોહલી કેપ્ટન તરીકે હોત તો શમી અને સિરાજને સેલ્યુટના બદલે કોહલીના ગુસ્સા નો ભોગ બનવું પડત. પણ એનો અર્થ એ નથી કે લીડર તરીકે નિષ્ફળ પુરવાર થાય એ પ્લેયર તરીકે સફળ ન થાય. કોહલીએ સચિનના રેકોર્ડની બરોબરી ન કરી પરંતુ ઓવરટેક કરીને એ સાબિત કરી દીધું કે, ખરાબ સમયને પચાવીને યોગ્ય સમયે પૂરેપૂરો પાવર દેખાડવામાં જ સમજદારી છે. આપણી આસપાસ ઘણા બધા એવા લોકો હોય છે જે સાચા સમયે ખોટો પાવર દેખાડતા હોય છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હીરો થયેલા શમી એ કોઈ એક જ પ્રકારની બોલિંગ નહીં કરી. દરેક વખતે સ્પીડ અને બોલમાં પાવર જુદા જુદા હતા. પણ બોલ તો એક જ રહ્યો. દેશની ક્રિકેટ ટીમમાં શ્રેયાસની એન્ટ્રી ખાસ તો કોઈ પ્રભાવશાળી ન હતી. પણ એની બેટીંગમાં દમ હતો એ તો કેપ્ટન પણ જાણી ચુક્યો હતો. જ્યારે કુલદીપને ઓવર આપી એ સમયે થોડા સમય માટે વિકેટનો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો. પણ સ્લો સ્પીડ બોલમાં ચાન્સ લેવો એ અંડરવોટર સ્પોર્ટ્સ માં એક મિનિટ માટે ઑક્સિજન માસ્ક કાઢવા કેટલું જોખમી હતું. પણ ડર કેં આગે જીત હૈ. પણ ના હકીકતમાં ડર કે આગે દર્દ હોતા હૈ. જેમાં 99 ટકા કંઇક ગુમાવ્યાનો જ ખેદ હોય છે. બધાને એક વાર તો એમ થાય જ કે, હું પણ કેપ્ટન થઈ જાઉં. કેપ્ટન પણ પહેલા તો એક સારો ટીમ મેમ્બર જ હોય છે. પણ કેટલાક લોકો ટીમમાં પણ માંડ સાચવતા હોય, આવું તો દરેક જગ્યા એ છે. આવા માણસોનું એના ઘરના પણ ઉંમરની અને સબંધના પદની મર્યાદાના કારણે માંડ માનતા હોય. પાછી પોતાનામાં ત્રેવડ ન હોય, એલા તો તઈ હું સલાહમાં શૂરવીર થાસ?

                  વિરાટની સદી વખતે એક બીજી સરસ વાત જોવા મળી કે, ઓપનર સતત વિરાટને બેટિંગ આપતો હતો. એ પછી ઐયર હોય કે ગીલ. એમાં કોઈ તક સાધુ થવાના બદલે જેનું બને છે એનું બનાવવામાં સમજદારી હતી. એ એવી સ્થિતિ શીખવે છે કે, કોઈનું સારું બનતું હોય તો એને સપોર્ટ કરવાનો, પ્રયાસને પ્રેશરમાં ફેરવતા હોય એવા પાપી વિચારને પ્રાધાન્ય નહીં આપવાનું. સચિન જ્યારે પણ મેન ઓફ ધ મેચ કે પ્લેયર ઓફ ધ મેચ તરીકે સન્માન પામતો ત્યારે એના ઓપનરના કોઈ એક મુદ્દાનું પાસુ તો બોલતો જ. ગીલ ધારત તો એટેક કરી શકે એમ હતો. પણ સદી પાછળનો સંઘર્ષ વિરાટની સાથે એના ઓપનરનો પણ રહ્યો. એટલે સિદ્ધિ પાછળના પ્રયત્નો થતા હોય ત્યાં ટેકો દેનારનો પણ કોક દિ, કોઈ તો ઉલ્લેખ કરે જ છે. વસ્તુ એ પણ સમજવાની છે કે, દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે એની એક અલગ ફ્રેમથી નોંધ લેવાય. પણ એ શક્ય નથી કારણ સમય અને સ્થળ તમારી સાથે સેટ હોય તો નોંધ લેવાય. ઇન્ડીયન આઇડલના મંચ પર બોલર બુમરાહ ન જ ચાલે. એમ મેદાનમાં મોહિત ચૌહાણ માત્ર સેરેમાનીમાં કંઠ આપી શકે. બોલ પકડી ના શકે. એટલે પ્રાયોરિટીના અભરખા હોય તો બધે નથી જ મળવાની. છતાં મેળવવી હોય તો પરફોર્મન્સ પાવરફુલ જોઈએ અને ધીરજ તો અખૂટ જોઈએ. જસ્પ્રીત બૂમરાહના ટીચરે કહ્યું હતું કે, એનામાં ગજબની ધીરજ સ્કૂલ કાળથી હતી અને દરેકને માન આપવાનું એનામાં બાળપણથી હતું.

             પાવર એકલો કોઈ કામનો નથી. વીજળી કાયમ એકલી જ હોય છે પણ એને કોઈ સાધન સાથે અટેચ કરી ને પ્રોપર વોલ્ટ સાથે કષ્ટમાઈઝ કરવામાં આવે તો રોશની પાથરી શકે. એટલે ટાઈમ, ટીમ અને ટેલેન્ટ નું ઉદાહરણ છે ટીમ ઇન્ડિયા. બાકી જીવનની મેચમાં આપણા રન આપણે જ કરવાના છે. સ્કોર રાખવાવાળા અને ડીઆરસએસ માગવાવાળાનો આખો વર્ગ છે. બસ જ્યારે અપીલ કરવાની થાય ત્યારે ઉપર બેઠેલા એમપાયાર પાસે કરજો. કારણ કે એ કોઈ દેશનો નથી. બસ કર્મના પરફોર્મન્સ પર રિઝલ્ટ આપે છે. ભલે તાત્કાલિક નથી આપતો પણ સમયે આવ્યે આપે છે ખરા. ઓલ ધ બેસ્ટ ટાઈમ ઇન્ડિયા ફોર વર્લ્ડ કપ ફાઈનલ.

Tuesday, November 14, 2023

સાલ મુબારકઃ નવા વર્ષમાં અપડેટ થઈએ આઉટડેટેડ નહીં

 સાલ મુબારકઃ નવા વર્ષમાં અપડેટ થઈએ આઉટડેટેડ નહીં

    દિવાળી પછીનો દિવસ એટલે ગુજરાતમાં હેપ્પી ન્યૂ યર. વિક્રમ સંવતનું કેલેન્ડર આમ તો ભાગ્યે જ કોઈ ફોલો કરે છે. પણ આંખના પલકારામાં પૂર્ણ થઈ ગયેલું વર્ષ દરેકના જીવન સાથે ઘણા ચડાવ ઊતારનો ચિતાર મૂકીને ચાલ્યું ગયું એ હકીકત છે. દરરોજ દિવસ ઉઘડે એટલે આજે કઈ તારીખ છે એવું જ પૂછવામાં આવે છે. પણ વિક્રમ સંવત કેટલામું એ તો દિવાળીના પાંચ દિવસો શરૂ થાય એ સમયે જ ગણાતું આવે છે. જેને ખબર હોય એને મારા નવા વર્ષના પહેલા સેલ્યુટ. વીતી ગયેલું વર્ષ કેવું રહ્યું એનું વિશ્લેષણ કરવા બેસીએ તો જેમાં તણખા ઝર્યા હોય અને જેની સામે ઝર્યા હોય એ પહેલા યાદ આવે 😕. પણ પ્રશંસાની પોલીસી એપ્લાય કરી હોય એ પરાણે યાદ કરવું પડે. માનવસહજ માનસિકતા છે કે, જ્યાં ઠોકર વાગી હોય ત્યાં ભલે એ વસ્તુ કે પીડા મટી ગઈ હોય પણ ડાઘ તો પુરાવા આપ્યા કરે. 😷એટલે નવા વર્ષે આવા ડાઘા દૂર ન થાય તો એને ઘસવાના પ્રયાસો કરવા વ્યર્થ છે. કારણ કે, જ્યાં માણસને સાચી રીતે ઢાકતા આવડે એની પાછળ આખું સૈન્ય ઊભુ થાય જો વિચારની વેવલેન્થ મેચ થાય તો. નવા વર્ષમાં આમ તો બુટના મોજાથી લઈને માથાના તેલ સુધી દરેક વસ્તુઓ નવી લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. એ માટે થઈને જ હિન્દુ ધર્મના સૌથી વિશાળ તહેવાર એવા દિવાળી પહેલા એક આખો માહોલ ઊભો થાય છે એ છે શોપિંગનો.💥

         સેલિબ્રેશન પહેલાનું શોપિંગ એટલે પ્રિ પ્લાન પ્લેઝર, પણ નવા વર્ષમાં કે આવનારા સમયમાં કોઈ પ્લાન્ડ પ્લેઝર ન પણ મળે તો ઈરીટેટ થવાની જરૂર નથી.  દરેકનું નવું એ શબ્દોથી શરૂ થાય છે કે, હેપ્પી ન્યૂ યર. હવે પહેલા જ શબ્દો પર અટકીએ તો..હેપ્પી. ખરેખર નવા આખા વર્ષમાં હેપ્પી રહેવાની વાત કરવામાં આવે છે. આ તો અંગ્રેજીની વિશ થઈ. હવે દેશી શબ્દોની શુભેચ્છાના શબ્દો જુઓ. સાલ મુબારક. સાલ એટલે શિયાળામાં ઓઢવા મળતી ગરમીની હૂફ વાળી ચાદર નહીં. સાલ એટલે વર્ષ. મુબારક હો. આખું વર્ષ એક અભિનંદન સાથે શરૂ થાય એમ. પણ આપણી આસપાસ કેટલાક એવા માણસો હોય કે બગડી ગયેલ મમરાની ગુણીની જેમ એના થોબડા પર કોઈ દિવસ સ્માઈલ જ ન હોય. પાછા એ જ માઈલો કાપવાની વાત કરતા હોય. એમાં બોસથી લઈને બાજુવાળા પાડોશી સુધીની નજર કરો તો આવો એક આખો સમાજ ઊભો થાય એટલા મળશે. જેને પાણી ફિલ્ટર કરેલું પીવું હોય પણ ગામના લોહી ડાયરેક્ટ પીવા હોય. એ પણ કોઈ લોહી કાઢ્યા વગર. સીધા જ માથામાંથી. જૂના વર્ષમાં પણ આવા હતા અને નવા વર્ષમાં પણ આવા લોકો રહેવાના. કારણ કે, આવા લોકોની વેલિડિટી આપણી સાથે જોડાયેલી હોય છે. એટલે સંબોધ પૂરતી નહીં આપણી કેપેસિટી તપાસવા સુધી. 


      વર્ષ નવું છે એટલે તમામ વસ્તુઓથી  લઈને બિઝનેસના વોલ્યુમ સુધી આ નાવિન્ય રહેલું છે. નવું કરવું છે એનો સંકલ્પ જરૂરી છે. પણ એ સંકલ્પ પર આખા વર્ષ સુધી ટકી રહેવું એ હિમાલયમાં તપસ્ચા કરવા જેવું છે. ભલભલાના હાંજા ગગડી જાય. નવા વર્ષે કપડું શરીર પર ભલે જૂનું હોય પણ વિચારો નવા હશે તો સૂર્યોદય પણ માણવા જેવો લાગશે. બાકી સનસેટ જોવા તો ગામ આખું ટેકરીએ ચડે જ છે. (આબુમાં નથી! લોકો સનસેટ જોવા ભીડ કરતા). નવા વર્ષમાં સંબંધોને રીચાર્જ કરતા શીખવું પડે. જે નથી કર્યું એને આપણાથી શરૂઆત કરવી જોઈએ. કારણ કે, ભેગા થવાનું મન ત્યારે જ થશે જ્યારે ભાવની ભીનાશ અંદર ખુદને ભીંજવતી હશે. ફાસ્ટ લાઈફમાં ફોરવર્ડ થયા છીએ એટલે ફોર્સનું ફીલિંગ્સ દરેકમાં છે. પણ સમયાંતરે આવતા તહેવાર જિંદગીને સ્લો મોશન કરતા શીખવે છે. ખખડી ગયેલા ખોખા જેવા કેટલાક ચહેરાઓ આપણી આસપાસ છે અને રહેવાના છે. વિચારો નવા હશે તો અંદરનો સ્પાર્ક સતત કંઈક કરવા માટે પ્રેરશે. ઈમોજી આવ્યા બાદ ઈમોશન શેર કરવા સરળ થઈ ગયા. એક દિલડુ મૂકો એટલે વાર્તા પૂરી. શબ્દોની જરૂર ઓછી થઈ ગઈ. પણ સંબંધો સાચવવા શબ્દો બોલવા પડે. એ પણ સારા અને સ્પષ્ટ. નવા વર્ષે ધાર્યું ન થાય તો ધક્કો અનુભવવાને બદલે ધણીએ ધાર્યું હશે એવું માનીને ચાલી શકાય. ચલાવી પણ શકાય. પણ ધોકા પછાડવાથી કે ધરાર કરાવવાથી પર્ફેક્શન આવશે એની ગેરેન્ટી નથી. સંબંધોમાં પણ નથી અને સિસ્ટમમાં તો નથી જ. નવા વર્ષમાં વિઝન સાથે વિચારોની દિશા નક્કી હોય તો ટાર્ગેટ સુધી પહોંચવામાં એક હાફ સેન્ચુરી જેટલી સફળતા મળે છે એ વાત નક્કી છે.

Thursday, October 19, 2023

યુનિવર્સમાં શક્તિ અને શક્તિનું યુનિવર્સ

યુનિવર્સમાં શક્તિ અને શક્તિનું યુનિવર્સ

    ગણશેચોથના દસ દિવસ પૂરા થાય એટલે ચૌદશ આવે. એ ચૌદર્શ એટલે વિસર્જન. જ્યાં વિધ્નહર્તાની વિદાયનો પણ ઉત્સવ હોય, ફેસ્ટિવલ હોય અને એક આનંદ હોય. મહાનગરી મુંબઈમાં આ દિવસ એટલે આખી રાતનો ભક્તિમય જલસો. બસ રાત એ જ છે સમય અને ચોઘડિયા ફેરવાય એટલે નોરતા. ગૌરીનંદનનો તહેવાર પૂરો એટલે ગૌરીના નવ દિવસોનું ઓફિશિયલ નોટિફિકેશન અને અનઓફિશિયલ વેઈટિંગ. ધર્મ, સંપ્રદાય કે પંથમાં પડ્યા વગર કહીએ તો વિક્રમસંવતના ઓવરઓલ કેલેન્ડરમાં એક ચોક્કસ ટાઈમ પીરિયડ બાદ ફેસ્ટિવલ આવે છે. કોઈ એક દિવસનો હોય તો કોઈ આખી સિરિઝ લઈ આવે. દિવાળી અને નોરતા એટલે ફેસ્ટિવલનું આખું પેકેજ. હા, ઓફિસમાંથી રજા ન મળે એ તમારો પ્રશ્ન છે. બાકી યુવાહૈયાઓ માટે તો નોરતા એટલે તાલ સે તાલ મિલા...કરતા મન મળી ગયું એની મેળે...જેવો માહોલ. જ્યાં રાસ ગરબાની સ્પર્ધા થાય છે ત્યાં પ્રિન્સ પ્રિન્સેસની વસંતઋતુ એટલે નોરતા. પ્રાઈઝ કે ગિફ્ટ ન મળે એટલે આયોજકો પર રોષના દાંડિયા ઘા કરવાનો ટ્રેન્ડ સેટ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના પાર્ટીપ્લોટના ગરબામાં. માને એના જ શબ્દોમાં થતી એક અરજી એટલે ગરબી અને ગરબીમાં રમવા આવતા માતા એવા દિવસો એટલે નોરતા. નોરતા એટલે નવ દિવસનો ભક્તિ, શક્તિ અને સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિક) અલ્પવિરામ. હૈયે રાખી હામ. બ્રેક ધ રૂટિન અને શહેર આખાને ગ્રામ્ય વિસ્તાર બનાવી દે એવી ભાત ભાતની ક્વિન.અનુષ્ઠાન અને ઉપવાસમાં પ્રજા થતી લીન, સૌથી લાંબો ગાવા અને નૃત્ય કરવાનો તહેવાર એટલે નોરતા. લોંગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ટ્રેડિશનલ ડાન્સ

     માર્કેટ એક્સપર્ટ એવું કહે છે કે, નોરતા એ ઈકોનોમી માટે પણ એનર્જી બુસ્ટર ફેસ્ટિવલ છે. આફટરઓલર આ તહેવાર જ શક્તિનો છે. શક્તિના પર્વની પૂજાનો છે. શુભેચ્છાના શબ્દોમાં પણ શરૂ થતા શક્તિના પર્વની શુભેચ્છા એવા શબ્દનો ઉપયોગ થાય છે. પણ એનર્જીનું એનાલિસીસ કરીએ તો શક્તિ તો યુનિવર્સલ છે. જીવના જન્મથી લઈને મૃત્યું સુધી શક્તિનું એક અસાધારણ ક્નેક્શન છે. જીવને જણનારી મમ્મી જોર લગાવે છે ત્યારે જીવ પેદા થાય છે એમાં પણ શક્તિ જોઈએ. હા, ઑપરેશનની સુવિધા સ્પર્ધા બની છે એ વાત સાવ જુદી છે. જેમાં તબીબો ખિસ્સામાં લક્ષ્મીપ્રાપ્તિ કરી બેસે છે. પછી ભલે મમ્મીને ત્યાં લક્ષ્મીજી આવે કે ન આવે. અમુક દાક્તર પણ એવા હોય છે કે, મમ્મી બનવાની સ્ત્રીમાં લક્ષ્મી સ્ત્રોત સમજે છે. ચેકઅપના નામે ચેકબુક ખાલી કરાવી જાય. આને બુદ્ધશક્તિનો રાક્ષસી વિચાર કહી શકાય. જીવ આવે એટલે એનો ઉછેર કરવા ગમે એટલા ધમપછાડા કરીએ. એની પણ પૃથ્વીના વાતાવરણ સાથે સેટ થવામાં એક નાનકડ઼ી ફાઈટ હોય છે આવી ફાઈટ કરવા પણ એનર્જી તો જોઈએ. એટલે ત્યાં પણ શક્તિ છે. બાળક ચાલતા શીખે એટલે ધમ દઈને પડે થોડા હાથ-ટાંટિયા છોલાઈ જાય. પણ એ ઊભું થવામાં પણ એને તો એવરેસ્ટ પર ઊભા હોય એવી ફીલ આવતી હશે. એ ઊભા થવામાં પણ શક્તિ છે.

    કોઈની ખબર કાઢવા જઈએ તો પહેલો શબ્દ એ નીકળે કે, ત્રેવડ તો હોવી જોઈએ ને! આ ત્રેવડ પાછળ પણ શક્તિ છે. ત્રેવડ ન હતી એટલે જ પથારી આવી. શરીરમાં શ્વેતકણ અને રક્તકણ બાહુબલીના સૈનિકો દોડે એમ સતત દોડતા હોય છે એને દોડવા માટે પણ શક્તિ જોઈએ. નોરતા હોય અને કોઈ રાજ્યની જે તે ચૂંટણી ન આવતી હોય એવું તો ભાગ્યે જ બને. આ વખતે પણ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે. મતદાતાઓ નેતાઓને માતાજીના રૂપ સમાન દેખાતા હશે. દરેકમાં રામ અને માતા સીતા દેખાતી હશે. એટલે એમને મનાવવા માટે તો ગમે તે શક્તિપ્રયોગ થઈ જાય. એટલે એમાં સુપ્રીમ શક્તિ જોઈએ. પછી ભલે સત્તા પર આવ્યા બાદ એમના જ સીમમાં રહેલી વ્યક્તિ એક અરજી માટે પોતાની તમામ શક્તિ વેડફી નાખે. આવા સમયે એવા નેતાઓમાં પછી આસુરી શક્તિ ઘર કરી જાય. આધ્યાત્મિક માણસ અસુરલોકનો સભ્ય હોય એવા ભાવ આપણા પેદા થાય.બીજી બાજું આપણી પ્રજા પણ ગજબની સહનશક્તિ વાળી, કિતને ભી તુ કરલે સિતમ...હસ હસ કે સહેંગે હમ...બાકી મત તો....સમજી ગયા ને!

             નોરતા હોય અને નાસ્તો ન હોય એવું તે કેમ બને. નોરતામાં ગરબા રમવા માટે તો ટિફિનનો ટોટલ ઘટી જાય. રાત્રે સોસાયટીમાં રમનારા નાસ્તો આવે એની બે પાંચ મિનિટ પહેલા જ આવે. એટલે આવા લોકો પાસે શક્તિનો ઓવરડોઝ હોય. પુરૂષ હોય તો એની સાત મહિનાની ગર્ભવતી હોય એવી મસ્ત ગોળાકાર ફાંદ હોય. જો સ્ત્રી હોય તો રાસ રમીને પરસેવે રેબઝેબ થઈને અન્નપૂર્ણાને અપીલ કરી હોય એવી સ્થિતિ હોય. એમાં પણ ઉદરતૃપ્તિ (પેટ ભરાઈ જવું) બાદ વગર ઓસિકે આળોટવાનું મન થઈ જાય. એટલે રાસમાં ખર્ચાયેલી શક્તિને અલ્પવિરામ એમ. વિમાનથી લઈને છોટા હાથી સુધી દરેક વાહનને દોડવા માટે ઈંધણ જોઈએ આ ઈંધણ એમની શક્તિ છે. ઈંધણમાં પણ પાછું દરરોજ ભાવ બદલાયા કરે. પણ ચૂંટણી વખતે આ ક્રુડ ઓઈલને કોઈ સ્ટેચ્યુ કહી દે છે. બ્રહ્માંડ સુધી પહોંચવા માટે ચંદ્રયાનને પણ શક્તિની જ જરૂર હતી. પણ આ પહેલાના મિશનમાં અવકાશમાં અસુરી શક્તિનો વ્યાપ હતો એટલે આ વખતે નોરતા પહેલા જ માતાજીએ પરમકૃપા કરી દીધી. 

         અગાઉની ધાર્મિક સિરિયલની જેમ રાક્ષસો બધા આકાશમાંથી ઊતરતા એટલે એમને લોકમાં આપણી સાયન્સ અને ટેકનોલોજીની શક્તિ એને પચે નહીં. એટલે આવું તો ચાલ્યા કરે. ગરબો આમ તો ગોળ હોય છે. પણ ગરબા રમતી વખતે ભલભલા ગોળકાર રહેલા લોકોના પરસેવા છૂટી જાય છે. એટલે કોઈ ફેટી છોકરી રમતી હોય તો કોમેન્ટ પાસ કરવાના બદલે એના ચહેરાના બદલાતા કલર્સને માણવાની પણ મજા હોય છે. ગરબા લેતી સ્ત્રી પોતાના આનંદમાં હોય પણ એના કેન્દ્રમાં તો શક્તિ જ હોય છે. યુગ બદલાતા આજે ઘણી મમ્મીઓની શક્તિ મોબાઈલમાં ખર્ચાય જાય છે મોબાઈલની શક્તિ (ચાર્જિંગ) પતે ત્યારે એની શક્તિ પૂરી થાય. બહુ કડવાશ સાથે કહેવું પડે છે કે, અત્યારે મોબાઈલની કાં તો બેટરી પૂરી થાય અને કાં તો ચાર્જિંગ પૂરુ થાય ત્યારે લોકોને ઊંઘ આવે છે. અલ્ટિમેટલી આ તો આસુરી શક્તિ જ માની શકાય ને? પણ એક વાત છે કે, નોરતા એ ખરા અર્થમાં ઈકોનોમીનો બુસ્ટર ડોઝ છે. ગરબો ઘડનારાઓથી લઈને વેચનારા સુધી, દાંડિયા બનાવનારાથી લઈ રમનારા સુધી, ચણિયાચોલી ખરીદનારાથી લઈને તૈયાર કરનારા સુધી, પ્રસાદથી લઈને પેકેજિંગ ફૂડ સુધીના તમામનું માર્કેટ અપ કરતી રાત્રિ એટલે નવરાત્રિ. અર્થતંત્રથી લઈને અવકાશ સુધી દરેક કોઈ વસ્તુ પાછળ કોઈને કોઈ શક્તિ છે અને શક્તિમાં જ આખો અવકાશ છે. હાલો ત્યારે હેપી નોરતા. 


આઉટ ઓફ ધ બોક્સ

ઉંમર સાથે કદ વધે ઊંચાઈ વધે, પણ સમજણશક્તિ ન વધે તો બઘું જ નકામું


Wednesday, June 28, 2023

IAS ના લેટરની પોલિટિકલ ઈફેક્ટ: કહી આગ લગે લગ જાવે.

 IAS ના લેટરની પોલિટિકલ ઈફેક્ટ: કહી આગ લગે લગ જાવે.

    બોર્ડની પરીક્ષાના પરિણામ માંથી એક વાત નક્કી થઈ ગઈ છે કે, જિલ્લા કક્ષાના સેન્ટરના પરિણામ સુધરી રહ્યા છે અને મહાનગરમાં પરિણામ બગડ્યા છે. સરકારી વિભાગમાં ફરજ બજાવતા એક આઈએએસ અધિકારીએ એજ્યુકેશન વિભાગના ચોપડા ખોલ્યા ત્યાં કેટલાક મંત્રીઓના ખોપાળમાં કાયદેસરનું તેલ રડાઈ ગયું. સ્પષ્ટતા કરવી પડી એટલો મોટો હોબાળો મચી ગયો. એ પણ સરકારના સૌથી માનીતા એવા આદિવાસી બેલ્ટમાંથી કડવી વાસ્તવિકતા છતી કરી દીધી. સરકાર તરફથી એ ચોખવટ થઈ કે, મુખ્યપ્રધાનને સારી વાત નહીં પણ સાચી વાત પહોંચાડો. આના પરથી એક વાત તો નક્કી થઈ છે કે અત્યાર સુધીના રિપોર્ટમાં 'દાગ અચ્છે હૈ' ની જેમ બધું સારું જ દેખાડવામાં આવ્યું હશે. જે શાળામાં આ આઈએએસ અધિકારી અણધારી વીજળી પડે એમ અચાનક વિઝીટ હેતું પહોંચ્યા ત્યાં વિદ્યાર્થીઓની જ્ઞાન સપાટી જોઈને એમની છાતીના પાટિયા બેસી ગયા.

    નકશામાં ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે. એની વિદ્યાર્થીઓને ખબર નથી. ગણિતના ગુણાકાર અને ઘડિયા આવડતા નથી. લેટર બોમ્બ ફૂટ્યા પછી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા એજ્યુકેશન નિષ્ણાતોના રાફડા ફાટયા. મીડિયાએ પણ એજ્યુકેશન વિભાગને બરોબરના ચીટીયા ભર્યા. એક શિક્ષકને તો એવું પૂછવામાં આવ્યું કે રાજ્યના શિક્ષણ મંત્રી કોણ? એનો જવાબ સાંભળીને અગાઉની સરકાર રાજ કરતી હોય એવું પુરવાર થયું. એમાં એ શિક્ષક જવાબ દેવામાં ખોટા ન હતા. પરંતુ બદલી ગયેલી સરકારની અપડેટ કદાચ વિકાસ મોડલ ગણાતા ગુજરાતમાં એ શિક્ષક સુધી પહોંચી નહીં હોય. એજ્યુકેશન પાછળ દર વર્ષે અનેક નવા પ્રયોગ કરતી સરકાર અને શિક્ષકોને દર વેકેશનમાં જુદી જુદી ટ્રેનીંગ ઠોકતી સમિતિઓ ગામડામાં જઈને ગ્રાઉન્ડ વર્ક કરે તો એમના જ શિક્ષકોને દેશના રાષ્ટ્રપતિની પણ ખબર નથી હોતી. નસીબ તો જુઓ! આરામના અમર આશીર્વાદ લઈને આવેલા આવા શિક્ષકોને નોકરી પણ એવા વિસ્તારમાં મળે છે જ્યાં રીતસરના જલસા હોય. એક બાજુ શિક્ષકોની ઘટના દાવા ઠોકાઈ રહ્યા છે ત્યાં હયાત શિક્ષકોમાં પણ જ્ઞાનનો દરિયો તળિયું દેખાડી રહ્યો છે. આવામાં સ્કૂલ ની ગુણવત્તા ઊંચી આવતી નથી. આવી સ્કૂલમાંથી ગયેલો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં પણ માંડ પાસ થાય છે.

  એટલે રાષ્ટ્રની ટોપ ટેન યુનિવર્સિટીમાં પણ આ ભાઈ જ્યાં ભણ્યા હોય એ યુનિવર્સિટી નું નામ આવતું નથી. પછી ગોઠવેલા સર્વેના રિપોર્ટમાં જે તે યુનિવર્સિટીના ચમકાવીને રાજકીય હિત શિક્ષણ ક્ષેત્રે પણ સાચવી લેવામાં આવે છે. કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ તો ત્યાં સુધી કહી ગયા કે, આજના ભાજપના નેતાઓ અગાઉની કોંગ્રેસની શાળાઓમાંથી જ અભ્યાસ કરેલા છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ એવું કહ્યું કે ભાજપના નેતાઓની પ્રાઇવેટ સ્કુલ પણ છે. આક્ષેપબાજીના આખલા યુદ્ધમાં નેતાઓ પાસે સેવા કરવા સિવાય સ્કૂલ ચલાવવા જેવા કાર્ય છે એ વાત પુરવાર થઈ.

     દૂધના ઉભરાની જેમ ઊઠેલો કેસ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો. એટલે અધિકારીઓનો ફેરો ફોગટ ગયો. હવે જો વરસાદ ન આવ્યો હોત તો આ મુદ્દો ઓછામાં ઓછા ચાર મહિના સુધી ઉતરાયણમાં પતંગ ચગે એ રીતે ચગત. અધિકારીના એક પત્રથી શિક્ષણના દાવા કરતા નેતાઓના થોબડા પર પણ એવી થપાટ લાગી કે યુદ્ધના ધોરણે મુદ્દાને ફટાવવા બીજા કાર્યક્રમમાં મોટા કરી દેવાયા. કોઈપણ એક્શનનું રિએક્શન રાજનીતિમાં ખાસ હોય છે. ઓલરેડી ટ્રાન્સફરનો ભોગ બની ચૂકેલા આ અધિકારીને નિશ્ચિત પણે હવે કોઈ બીજી જગ્યાએ પોસ્ટિંગ દેવામાં આવશે. કારણ કે ઓફિસિયલ સળી કરીને સત્ય ઉજાગર કર્યું છે. 



    માત્ર એક જ પત્ર એ એટલો મોટો માસ્ટર સ્ટ્રોક રમી નાખ્યો કે, એજ્યુકેશન ક્ષેત્રે પ્રગતિનો ગ્રાફ તળિયે આવી ગયો. ઉત્સવ અને ઉજવણીની સતત ઝુંબેશ પાછળ માત્ર ધોવાણ તો શિક્ષકોનું તથા શિક્ષણનું જ થયું એ પુરવાર થયું. કેળવણીમાં કડવાશ અને ખિસ્સાના વિચારોમાં ખોટની ખટાશમાં ભોગવવાનો વારો તો વિદ્યાર્થીઓને જ આવે છે. જે રીતે ચોરી કરતા પકડાય ત્યારે વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવે છે એનાથી 17 ગણી સજા આવા શિક્ષકોને થવી જોઈએ. કોઈ શિક્ષક ઉપર ગુનાહિત પ્રવૃત્તિ સિવાય એક્શન લેવાયા હોય એવું ઇતિહાસમાં શોધીએ પણ જડતું નથી. દીવો ઓલવાય પછી કોળિયામાં મેશ બચે છે. એમ આવી મેશને ઉજળી કરવા સરકાર પછી બચાવ લક્ષી અભિયાન શરૂ કરે છે. સત્તા પર આવ્યા બાદ સિંહ જેવી ગર્જના કરનાર નેતાઓ આવા સમયે ધીમું બોલવા ટેવાયેલા હોય છે.

     પૈસા પાછળની ભૂખ અને સવલત પાછળનું સુખ માણનારા શિક્ષકો વિદ્યાર્થીઓમાં કેવા સંસ્કાર રેડશે એ ખરેખર રિસર્ચનો વિષય છે. વિકાસના નામે જાણે ક્રાંતિ થઈ હોય એવું ચિત્ર રજૂ કરનારા આવા સમયે એક વાત કહેવા પણ રાજી નથી હોતા. સિદ્ધિઓનું સેલિબ્રેશન કરવા કરતાં ખામીઓને ખૂબીમાં પરિવર્તિત કરવામાં આવે તો એ ખરા અર્થમાં વિકાસ કહેવાય. બાકી આવા આઈએએસ અધિકારીઓની નાનકડી ફોજ પણ જો રિસર્ચમાં નીકળી ગઈ તો નેતાઓની રાતની નીંદર હરામ થઈ જાય.


આઉટ ઓફ ધ બોક્સ::ક્લાસમાં થોડી કોમેડી અને એજ્યુકેશનની ક્વોલિટી સારી હોય તો ભવિષ્યમાં કોઈ બ્રિજ માં ગાબડા ના પડે.

Friday, June 02, 2023

પૈસા દબાવીને બેઠા છે, ખામોશી કો ખામોશી સે

 પૈસા દબાવીને બેઠા છે, ખામોશી કો ખામોશી સે...

   ગુજરાત એક એવો પ્રદેશ કે જ્યાં વિકાસના નામે કામ પણ થાય, નામ પણ થાય અને દામના પણ વહીવટ થાય. છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યના દરેક મહાનગરમાં ચોક્કસ પ્રકારના બાબાએ સૌને પાગલ બનાવી દીધા છે. એ ખુદ કહે છે કે, બધા પાગલ છે. ચોક્કસ સમયના અંતરે બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળતા નિશ્ચિત રંગ ધારી બાબાઓ ચૂંટણીના અમુક સમય પહેલા વરસાદી માહોલ બંધાય એમ સક્રિય થાય છે. જે સીધી રીતે તો કોઈ પક્ષ સાથે જોડાયેલા હોતા નથી. પરંતુ પરોક્ષ રીતે અમુક રાજકીય પક્ષો એમની સાથે પ્રખર વિચારધારાથી જોડાયેલા હોય છે. દેશના ઇતિહાસમાં બેંકના પૈસા કે પછી કોઈ સંસ્થાના પૈસા દાબી જવામાં ચોક્કસ ભેજાબાજોની અક્કલ કામ કરતી હોય છે.



     દિલ્હીમાં જેની ખુરશી પડે છે એ નેતા ખુદ એમ કહે છે કે, એમના પણ કરોડો રૂપિયા સામે કોઈ એક નેતાએ જ બુચ માર્યા છે. એટલું જ નહીં મીડિયા રિપોર્ટ તો ત્યાં સુધી અહેવાલ રજૂ કરે છે કે, બુચ મારનાર નેતા એ જ રાજ્યના મહાનગરમાં અન્ય લોકોના નામે દસ્તાવેજ કરીને કરોડોની લગડી ખરીદી લીધી છે. વાતનો મુદ્દો ત્યાંથી અટકતો નથી, પરંતુ આવા તો અન્ય નેતાઓના શ્યામલક્ષ્મી (બ્લેકમની) લઈને અન્ય શ્યામકાર્ય(બ્લેક વર્ક) માં હોમી દીધા છે. જોકે હકીકત એ પણ સ્વીકારવી પડે કે, દુનિયાના કોઈપણ ચલણની ઉપર તે વાઈટ મની છે કે, નહીં તેનો કોઈ પુરાવો નથી હોતો. નેતા પાસે આટલી અને આવડી આવક એક પદ પર હોવા છતાં કે ન હોવા છતાં હોવી એ પણ વિચારવા પ્રેરે એવો મુદ્દો છે. વાત જ્યાં દાબવાની આવે ત્યાં એક શરાબ અને શબાબનો શોખીન હજુ પણ સરકારી બેન્કના કરોડો દાબીને વિદેશના સામ્રાજ્યમાં  ટેસડો કરે છે. ફાટીને ધુમાડે ગયેલો ભડવીર દેશમાં આવવાનું નામ લેતો નથી. ચોક્કસ સમયના અંતરે એને ફરીથી દેશમાં લાવવા માટે અને કાયદો ભણાવવા માટે ખૂબ ધમપછાડા થાય છે. પણ આ બધું કિનારે બેસીને છબછબિયા કરનારાઓ પૂરતું નિમિત છે.

    પ્રજાની સેવા કરનારા નેતા હરીફ નેતાને હંફાવે એવું તો ચૂંટણી પરિણામ વખતે અનેક વખત પુરવાર થયેલું. પણ હવે એક નેતા જ બીજા નેતાને 'વિકાસ'ના નામે કે 'વહીવટ'ના નામે ખંખેરી લે. એ અમુક ઇન્ટરવલ પછી સામે આવે કે, જેનો ઉકળાટ વિદેશી કંપનીનું ઉત્પાદન પણ સામાજિક માધ્યમ ઉપર ઠલવાઇ જાય ત્યારે સમજાય કે, ખરેખર સામાન્ય માણસ નહીં, પરંતુ ખુરશીમાં બેઠેલા વ્યક્તિના ખિસ્સા ખોટી રીતે ખાલી થાય ત્યારે પેટમાં તો દુ:ખે જ છે. મહાનગરનો મોટો વિકાસ સૌને નજરે ચડે જાય. ખાસ કરીને જ્યારે તંત્રની પ્રવૃત્તિ વિશાળ ફલક પર વંટોડિયામાં જેમ કચરો તોફાને ચડે એમ એક બ્રિજ સોશિયલ મીડિયાના વંટોડીયામાં અફડાયો છે. 40 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ ચાર વર્ષમાં ખખડી ગયો. એના પાયામાં પણ વસ્તુ એ જ છે કે, કંપનીના નામે તે જવાબદાર વ્યક્તિના નામે કોઈક કાવડિયા દબાવીને બેઠું છે. એટલે દાબવાની પ્રવૃત્તિ કોઈ પણ પ્રોજેક્ટના પાયામાં રહેલી છે. એવું એનું પરિણામ કહે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અન્નકોટ નહીં તો પ્રસાદી. ટૂંકમાં કંઈક મળે તો છે જ. જે ખરેખર દાબવા લાયક હોય છે. રાજ્યના જુના પાટનગર ગણાતા શહેરમાં એક વિસ્તારમાં બે અલગ અલગ કંપનીઓએ તૈયાર કરેલા બ્રિજનું વર્ષ 2017 માં લોકાર્પણ થયું હતું. જે પછી ચાર વર્ષમાં ખખડી ગયો. બ્રિજની હાલત એટલી બગડી ગઈ કે, અંતે તેને જાહેરમાં તાળું ન હોવા છતાં બંધ કરી દેવામાં આવ્યો. ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરનારા ખરેખર તો આ મુદ્દે આજીવન મૌન વ્રત લઈને બેસી ગયા છે. 



    વિપક્ષના વિસ્તારપતિ અનેક વખત આક્ષેપબાજીના આખલા યુદ્ધમાં બાહુબલી પુરવાર થયા છે. પણ મુદ્દો ટસનો મસ થાય એમ નથી. એટલે ત્યાં પણ વિચારવા જેવી વાત એ જ છે કે વિકાસના કામમાં પણ કંઈક દબાઈ ગયું છે. ખુરશી પર આવીને પદના પાવરથી એક લેવલ સુધીના સ્ટેજ પર સફળ થયેલા અધિકારીઓને દબાવવામાં પણ આવા જ નેતાઓ ફાવી જાય છે. એટલે મુદ્દો ત્યાં પણ કંઈક દબાવવાનો અસર તો કરે જ છે. એમાં કઈ ફાઈલ કેવી રીતે દબાઈ એનું વિશ્લેષણ ભાગ્યે જ કોઈ પીએચડી નું રિસર્ચ કરે એવી રીતે પાસ થઈને બહાર આવે છે. ટેક્સની ચોરી અને પથકરથી થતું કલેક્શન મસ્ત મોટા આંકડા સાથે બહાર આવે છે. એમાં ચોરી કરનારાઓ પણ ઝડપાય છે. આટલા મોટા કેશ કલેક્શનથી હાઇવે પર થતા નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. આવી વાત વર્ષાઋતુના અંતે દરેક નેતા એક વખત તો કહે જ છે. હવે વિચારવાનો મુદ્દો એ છે, ટોલટેક્સ થી થતા કલેક્શનનો આંક આટલો મોટો હોય તો માત્ર ચોક્કસ રૂટ પર થતા ખાડા સમથડ કરવામાં શું બધા રૂપિયા વપરાઈ જાય? એટલે અહીંયા પણ કંઈક તો દબાઈ જાય છે. રૂટ ઉપર બીજું કંઈ દબાઈ કે ન દબાઈ વાહનના ટાયર અને એની ઉપર બેઠેલાની કમર તો સો ટકા દબાઈ જાય છે. સરવાળે ગુજરાત રાજ્યનું હાલમાં ચિત્ર તો એવું છે કે, ક્યાંક કોઈક ખૂણે કંઈક તો દબાઈ જાય છે. નેતા સામે અધિકારી, અધિકારી સામે પ્રજા, ઇન્વેસ્ટીગેશન સામે કેસ તો એજ્યુકેશનના નામે ચોક્કસ બેઠકો. ચૂંટણી સુધી એક એવો પક્ષ ઉભો થાય છે જે શાંતિથી દબાવે છે અને બીજો જાહેરમાં દાબે છે. પછી ખુરશી સુધી પહોંચવા ખુલાસાઓના વાયદા બજાર એવા ખુલે છે કે એનાથી મોહિત થઈને પ્રજા દબાઈ જાય છે.


આઉટ ઓફ ધ બોક્સ 

જિંદગીમાં બનવું ને તો બાવળ જેવા બનવું, આપમેળે ઊગી નીકળવાનું અને કોઈ સળી કરવા પણ ન આવે. નજીકમાં આંબો આવ્યો હોય તો કેરી સુધી પહોંચતા પણ બીક લાગે કારણ કે બાવળના કાંટા તો વાગે ને! 

Thursday, May 25, 2023

જાહેરાતનું જોખમ: મૈ ચાહિયે કરૂ મૈ ચાહે વો કરુ, મેરી મરજી

 જાહેરાતનું જોખમ: મૈ ચાહિયે કરૂ મૈ ચાહે વો કરુ, મેરી મરજી

  મેટાના સ્વામીત્વની મુખ્ય કંપની ફેસબુકમાં જ્યારથી વિડીયો ટેબ શરૂ થયું એ અપડેટે તો ખરા અર્થમાં ટીવી સ્ક્રીન પછીની નાનકડી બારી ઉગાડી. ફિલ્મોના સીન હોય કે પ્રમોશનની ઇવેન્ટ, ગમતા ડાયલોગ નો આખો વિડિયો હોય છે રિલ્સની મજા. દમદાર કલિયારીટી સાથે વિડિયો પ્લેટફોર્મની એટલી સરસ સવલત છે કે ટેસડો પડી જાય. 😜 જ્યારે પણ facebook ખોલીએ ત્યારે ઘણી બધી અપડેટ અને પેજ પરના પોસ્ટ જે રીતે પોપકોર્ન શેકાઈ અને ધાણીઓ ફૂટીને બારે આવે એવી રીતે સ્ક્રીન ઉપર ઉભરો આવે છે. આ બધા આંખ સામેના સંતોષકારી પ્રેઝન્ટેશન વચ્ચે બગડેલી બ્રેડ જેવું ડાચું કરવું પડે એવી જાહેરાત છેલ્લા છ મહિનાથી શરૂ થઈ છે. 🥴 એમાં મુખ્ય વાત એ છે કે આ તમામ જાહેરાતના ડોલરોમાં દાણા ભાઈ ઝુકરબરના ખિસ્સામાં જાય છે. 💵 હવે આમ પણ ઘરમાં દીકરી બા આવ્યા છે તો એનું પ્રોવિઝન તો ઊભું કરવું પડે ને?👧 જોકે ઝુકરબર્ગની facebook માટે દીકરીના પગલાં શુભકારી નીવડ્યા છે. કારણ કે દીકરીનો જન્મ થયો એના બે ત્રણ દિવસમાં જ facebook ઉપર વિડિયો એડનું ફીચર એડ થઈ ગયું.

    જેમ જેમ નાણા આવે એમ નુકસાન પણ બારણા નીચેની તિરાડ માંથી ક્યારે ઘર કરીએ એની ખબર નથી જતી. યુરોપિયન સંઘ યુનિયન આ કંપની સામે એવો મોરચો ખોલ્યો કે માલિકને માથાનો દુખાવો થઈ ગયો. રાતો રાત પેરાસીટામણનો 💉ડોઝ મંગાવવો પડ્યો. દેશ કે દુનિયાની 95 ટકા યુથ વસ્તી સોશિયલ મીડિયાના સહારે જીવે છે. સોશિયલ મીડિયા બંધ થઈ જાય તો કેટલા યુવાનોના શ્વાસ અટકી જાય. મેં 2023 ના ત્રીજા અઠવાડિયામાં instagram થોડા સમય માટે હેન્ગ થઈ ગયું એમાં કરોડો યુવાનોના હોંશ ઉડી ગયા. યુરોપિયન યુનિયન સંઘના દાવા સામે મૂળ મુદ્દો એ છે કે, અપડેટની સાથે સાથે સોશિયલ મીડિયા પર શેર થતી દરેક વસ્તુ અસુરક્ષિત બનતી જાય છે. આ પહેલા પણ ઝુકરબર્ગ સામે ડેટા સિક્યુરિટી ના નામે વિરોધના ડંકા વાગી ચૂક્યા છે. હવે ફરી વખત બે મુદ્દાને લઈને એમની કંપની ગુસ્સાનો ભોગ બની છે. 

  મુદ્દા નંબર એક, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની નાનકડી એવી ઝલક facebook ઉપર આપીને કંપનીએ ખરેખર મોટું તીર માર્યું. પણ સૌથી મોટી તકલીફ એ વાતની છે કે, વિડીયો અડધો કે અમુક સેકન્ડ સુધી પૂરો થયા બાદ એક સરસ મજાની જાહેરાત વગર કમાંડ આપ્યે પ્લે થઈ જાય છે. જેના પૈસા સાત સમંદર પાર બેઠેલા ભાઈ ઝુકરબર્ગ કમાય છે. હવે કમાય એની સામે આપણે થોડો વાંધો હોય? એની પણ રોજીરોટી ચાલે છે. 🤓 પણ વિડિયો વચ્ચે એડ મૂકીને કે એડને પરમિટ કરીને લાખો યુઝરના પેટમાં કબજિયાત જેવો દુખાવો મૂકી દીધો. અહીંયા માણસોને youtube માં આવતી ડિફોલ્ટની જાહેરાત પણ જોવી નથી પોષાતી. એવામાં ફેસબૂકે વચ્ચે જાહેરાત મૂકીને ખરા અર્થમાં ઘો ઘાલી. કંપનીને આમ પણ કોઈ સામે કોઈ વાંધો નથી પણ હવે તકલીફ એ છે કે, બીજા કોઈ વિડીયો જેમાં એટલો બધો ટ્રાફિક આવવાનો બાકી હોય એની એડ આ facebook કંપની પ્રમોટ નથી કરતી. એટલે આ તો એવું થયું કે પૈસા મારા, પ્લેટફોર્મ પણ મારું, ટ્રાફિક હોય તો કામ તમારું. ડિજિટલની દુનિયામાં ઓર્ગેનિક ટ્રાફિક સોર્સ ઉભા કરવામાં અડધી આવરદા પૂરી થઈ જાય. ત્યારે માંડ ટ્રાફિક મળે. હવે એમાંથી નાણાં કેટલા મળે એ માટે તો પ્રશ્નપત્ર તૈયાર કરીને આ ભાઈને મોકલવું પડે. 

    મુદ્દા નંબર બે. યુરોપિયન સંઘ યુનિયને એવો દાવો કર્યો છે કે facebook અને whatsapp પર સિક્યુરિટી નો મામલો હજુ પણ જોખમી છે. પ્રાઇવેસીના નામે પ્રશ્નો એટલા તીક્ષણ છે કે, માત્ર કોઈ કાયદાકીય રીતે એક પગલું ભરે તો પણ અમેરિકા સુધી રેલો પહોંચી જાય. 🤐  પણ આપણી ગુજરાતી પબ્લિક પણ ઘણી બધી સ્માર્ટ છે. વસ્તુ એટલી જ મૂકે છે જેટલી એને શેર કરવી હોય છે. બાકી ગુજરાતી પ્રજાને કોઈ બિઝનેસની દુનિયામાં રહી પાચિયું સેરવી જાય એવું શક્ય નથી. યુરોપિયન યુનિયને તળિયા સુધીની તપાસ કર્યા બાદ કંપની સામે 1.3 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયન માંથી કેટલીક જાણકારી અમેરિકા સુધી ન પહોંચવી જોઈએ. એ માટે મોટી બ્રેક મારી દીધી છે. વૈશ્વિક સ્તરે ચર્ચામાં રહેતો આ મામલો અહીંથી અટકતો નથી. આપણા દેશમાંથી પણ ઘણા પત્રકારો તેમજ નેતાઓના ડેટા આ ભાઈ સુધી પહોંચી ગયા છે. એની સામે ભારત દેશની પ્રજા જે નેતાને ચૂંટે છે. એ નેતા પણ પ્રમોશન ભૂખ્યા છે. સમર્થન અને આગેવાનોનો ટ્રાફિક ઉભો કરીને એમની પાસેથી પણ પૈસા ખંખેરે છે. એટલે કુલ કેટલા મળે છે એનો હિસાબ તો એ જાણે. ખરેખર મુદ્દો એ હતો કે, facebook સામે દાવો માંડ્યો હતો કે યુરોપિયન યુનિયન ના ડેટા અમેરિકાની કોઈ જાસુસી એજન્સી સાથે શેર કરવામાં આવે છે. વાત આ ઘણી રીતે મુદ્દાની છે. પરંતુ મૂળ પકડવામાં ઘણા ખરાના મૂડ ફરી જાય. 

    વાસ્તવિકતા એવી છે કે, જરૂરી એવા પ્લેટફોર્મ ઉપર કે ઓફલાઈન મોડ ઉપર શેર થતા મોબાઈલ નંબરમાં ક્યારે એડ આવીને ઊભી રહી જાય એ ખરેખર સંશોધનનો પ્રશ્ન બની ગયો છે. યુરોપિયન સંઘ યુનિયન કરેલી ટકોર ઉપર વિચાર કરવામાં આવે તો દરેકના દ્રષ્ટિકોણમાં પહેલો મુદ્દો જાહેરાતનો બની રહે. ડિજિટલ કોન્ટેક્ટ બનાવનારા ટ્રાફિકને ટાર્ગેટ કરે છે. પરંતુ ટ્રાફિકના ટાર્ગેટમાં એડથી મોટો બ્લોકેજ આવે છે એનો વિચાર પાછો ભાગ્યે જ કોઈને આવે છે. બિઝનેસ મોડેલના પ્રમોશન પ્રેમીઓ તેમજ બની બેઠેલા લોકો પણ અંદરખાને આવા જ ટ્રાફિકના ભૂખ્યા હોય છે. માર્કેટના રૂલ્સ પ્રમાણે પ્રીમિયમ વસ્તુઓ હંમેશા માટે અલગ ક્વોલિટી લઈને આવે છે. ઇન્ટરનેટના અવકાશમાં કોન્ટેન્ટની પાંખથી વિહાર કરવો હશે. તો સુરક્ષાનો મુદ્દો હંમેશા આપણા હાથમાં રાખીને રન વે પર નજર દોડાવી પડશે. આ પણ હકીકત છે.


આઉટ ઓફ ધ બોક્સ

બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ. જે તમારો ગુસ્સો સહન કરી શકે એની જ તમે ગમતી વ્યક્તિ હોઈ શકો. બોસ ને બાદ કરતા

Wednesday, March 29, 2023

સ્વરૂપ બદલીને આવતી સાર્વત્રિક સમસ્યા: વાયરસ

 સ્વરૂપ બદલીને આવતી સાર્વત્રિક સમસ્યા: વાયરસ


   ફરી એક વખત રાજ્ય અને દેશમાં વાયરસનો થઈ રહ્યો છે. રાજ્યમાં તથા દેશમાં વધી રહેલા વાયરસ જન્ય કેસથી આરોગ્ય વિભાગ રાતોરાત ચિંતામાં મુકાયો હોય એવો માહોલ છે. જ્યારે પણ વાયરસને લઈને વાત કરવામાં આવે છે ત્યારે એના જુદા જુદા સ્વરૂપોની અવશ્યપણે ચર્ચા થાય છે. અંગ્રેજી મૂળાક્ષરોના નામ સાથે જોડી દેવાતા અંક ઘણી વખત એવા વિચાર પેદા કરે છે કે ખરેખર જે રીતે સ્માર્ટફોનના વર્ઝન અને અપડેટ બદલે એવી રીતે વાયરસના રૂપ ને ગ્રુપ બદલી રહ્યા છે. શરીર અને મન ઉપર કબજો જમાવી દેતા વાયરસ સતત બે વર્ષ સુધી લોકોનો ભોગ લેતા રહ્યા. વેક્સિનેશનના વિશાળ નેટવર્ક સામે આમ તો સુરક્ષા કવચ ઊભું થયું છે પરંતુ સમયાંતરે સક્રિય થતા વાયરસ ખરા અર્થમાં માથાનો દુખાવો બની ગયા છે. જે રીતે દેશમાં સતત ગંદકીથી મચ્છર ત્રાસ બારમાસી થયો છે એમ હવે વાયરસ પણ સ્વરૂપ બદલીને કાયમી થવા ધમપછાડા કરતા હોય એવા હાલ છે.
 

 
  વાયરસ માત્ર મેડિકલ ક્ષેત્રે જ એક્ટિવ નથી હોતા સમાજમાં તેમજ સમુદાયોમાં પણ ઘણા એવા ન દેખાતા હાલતા ચાલતા વાયરસ હોય છે. આવા વાયરસ સૂક્ષ્મદર્શક યંત્ર માં પણ ઝડપાતા નથી, પરંતુ પોતાના હોવાપણાનો અહેસાસ કાયમ કરાવી જાય છે. કેટલાક ના વિચારોમાં વાયરસ હોય છે જે સમયવાળાની સર્જનાત્મકતાને અણધારી રીતે બ્રેક મારી દે છે. કેટલાક વાયરસ ભ્રષ્ટાચાર ના સુક્ષ્મ જીવો સાથે પડી જાય છે જે પછી જે તે સિસ્ટમને ખોખલી બનાવી દે છે. શિક્ષણ ક્ષેત્ર ે દર વર્ષે ફી વધારાનો વાયરસ પેટમાં જૂની કબજિયાતની જેમ ઉદભવે છે જેને દૂર કરતાં વિદ્યાર્થી તથા વાલીઓનો કસ નીકળી જાય છે. તો ક્યારેક શિક્ષકોના વિચારમાં એવા વાયરસ ખુશી જાય છે કે વિદ્યાર્થીઓને રોકાણનું મધ્યમ અને માર મારવા માટેનો માવો સમજી બેસે છે. ઘણી વખત બાંધકામ અને બિલ્ડીંગ ક્ષેત્રે હલકી ગુણવત્તાનો વાયરસ બિલ્ડરોના દિમાગને લાકડામાં જેમ ઉદી બેસી જાય એ રીતે કોરી ખાય છે. પરિણામે ઉદ્ઘાટન પહેલા બ્રિજ તૂટે છે અને લોકોની આશા ઉપર તિરાડો પડે છે. ચોક્કસ પ્રકારની કચેરીઓમાં તો એવો વાઇરસ લોખંડ પર લાગેલા કાટની જેમ ઘર કરી ગયો હોય છે કે જ્યાં સુધી પ્રસાદી અર્પણ ન કરો ત્યાં સુધી વાયરસ સારું કામ કરતો નથી. 

    આમ પણ કોઈપણ વાયરસ નુકસાનકર્તા જ હોય છે. એવામાં થોડા સમય પહેલા પ્રસાદીમાં એક ચોક્કસ મંદિરે ફેરફાર થતા રાજકીય ઉધામાં અને ઉપાધિ વધી ગઈ હતી. આવા વાયરસ રાજકીય ક્ષેત્રે સચવાઈ ગયા અને ગોઠવાઈ પણ ગયા. કણ કણ વાવીને મણમાં પાક લણતા ખેડૂતો માટે માવઠું ખરા અર્થમાં વાયરસ સમાન છે. જે તૈયાર પાકને બગાડે છે અને નવા પાકનો નાશ કરે છે. આવો વાયરસ તો દવા છાંટવાથી પણ જતો નથી. કારણ કે કુદરતી માર સામે કોઈ એન્ટી વાયરલ દવા અસર કરતી નથી. આવા વાયરસની આગાહી કરનારાઓ પણ એમ્બ્યુલન્સમાં વાગતા સાયરન જેવા હોય છે. ક્યારેક ગાડી ખાલી હોય તો પણ સાયરન વગાડીને ભયભીત કરે.

     ટૂંકમાં માત્ર ડંફાસો મારવાથી હકીકત બદલતી નથી છતાં એવા એંધાણ ઠોકી બેસે કે જાણે એક મિનિટમાં આખી દુનિયા ઉથલપાથલ થવાની હોય. આ વાયરસનું નેટવર્ક ઇન્ટરનેટના નેટવર્ક કરતા ઘણું વિશાળ છે. રોજ અફવાઓનો વાયરસ નવી નવી દિશામાં ફંટાયા કરે છે. એમાં પણ ઘણી વખત સત્યને શોધવામાં રણમાંથી સોય ગોતવી પડે એવી મહેનત પડે છે. પરંતુ પહેલો સામનો તો વાયરસનો જ કરવો પડે છે. આવો વાયરસ ખરા અર્થમાં હકીકતની શોધ કરનારાઓને હંફાવી દે છે.

     દરેક કોર્પોરેટ ઓફિસમાં પણ સૂક્ષ્મ જીવાણું રુપી વાયરસ હોય છે જે કામ તો કરતા હોય છે પરંતુ ન કરવાનું કામ વધારે પડતું કરતા હોય છે. એક વાયરસના કણમાંથી જેમ બીજો પણ છૂટો પડે ને બીજો વાયરસ તૈયાર થાય એવી રીતે કોર્પોરેટ સેક્ટરમાં પણ આવો એક વાયરસ પોતાનું આખું નેટવર્ક તૈયાર કરીને પાણીમાં જેમી લીધું મુળિયા ફેલાવી દે. પછી એન્ટિવાયરસ દવાનો હુમલો કોઈ એક કણ ઉપર થાય એટલે વાયરસના તમામ એ કણ બચાવવા માટે ઉતરી પડે. આવા વાયરસ દરેક જગ્યાએ જોવા મળે. અમુક વાયરસ ઓફિસમાં એવા હોય કે જે બીજાને કાયમી ધોરણે નુકસાન કરતા હોય એનું કામ નાનું હોય પરંતુ અસર લોહી લુહાણ કરી દેવી હોય.

     સુરક્ષા વ્યવસ્થામાં પણ નોકરી દસ્તાવેજોના કારણે પેસી ગયેલો વાયરસ ચોક્કસ સમય બાદ પકડાય છે ત્યારે સિસ્ટમ સામે સવાલ તથા જવાબદારો સામે ભૂંડા હાલ થાય છે. હમણાં એક વાયરસ છેક સરહદી વિસ્તાર સુધી પહોંચી ગયો અને આખી સિસ્ટમમાં બબાલ મચી ગઈ. દરેક વાયરસ પાછળ એના કેટલાક તત્વો જવાબદાર હોય છે સુરક્ષા વ્યવસ્થાથી લઈને જવાબદારી સુધીના પદ સુધી આ વાઇરસ જ્યારે પણ કોઈ વસ્તુને કોરી ખાય છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે પ્રાથમિક ધોરણે તેને કેમ ડામી દેવામાં આવ્યા. માર્કેટમાં મોંઘવારીનો વાયરસ કાયમી થઈ ગયો છે કોઈને કોઈ કોમોડિટી તો એવી હોય જ છે જેમાં ભાવ વધારાનો વાયરસ લાગે એટલે મધ્યમ વર્ગના આર્થિક રીતે પાયા હચમચી જાય. 

      આવા તો ઘણા બધા વાયરસ આપણા બધા વચ્ચે જીવન જીવે છે એની કોઈ કાયમી દવા જડતી નથી બસ આપણે આપણા અંગો પર સુરક્ષાનું માસ્ક ક્યારે અને કેવી રીતે લગાવવું એના પર જ સાચી સમજ રહેલી છે. એવી હકીકત સ્વીકારવી પડે કે જ્યાં ગંદ વાળો વધી જાય ત્યાંથી સુરક્ષિત રીતે જતા રહેવામાં જ જીત છે.

Saturday, March 18, 2023

ગરમ મસાલા: મોટા માર્કેટનું વિહંગાવલોકન

ગરમ મસાલા: મોટા માર્કેટનું વિહંગાવલોકન
 
ભારત દેશના મરી મસાલાનું માર્કેટ આજકાલનું નહીં પરંતુ અંગ્રેજોના સમયથી એટલું વિશાળ છે કે સાત સમંદર પારથી આવેલા વેપારીઓ કે ફિરંગીઓ પોતાની સાથે ટનના મોઢે મરી મસાલા ભેગા લઈને જતા. ખાસ કરીને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં મરી મસાલાઓની વ્યાપક માંગ તેમજ ઉત્પાદકતાના કારણે આ માર્કેટને એક મોટું ફલક મળી રહ્યું. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં મસાલા માર્કેટમાં એક એવી ગરમી જોવા મળે છે જાણે વૈશ્વિક માર્કેટમાં પ્રગતિથી આવેલી ભારતીય શેર માર્કેટની તેજી. વર્ષમાં એક વખત તેજીમાં અને કાયમી ધોરણે ફાયદામાં રહેતી ગરમ મસાલાની માર્કેટ એ આ વખતે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. 
     ગેસ તેમજ અન્ય જીવન જરૂરી વસ્તુઓના ભાવતો વધી જ રહ્યા હતા એવામાં આ વખતે ગરમ મસાલા એ બરાબરનો આર્થિક સ્વરૂપે છમકારો કરી દીધો. એવામાં ઉનાળાનું અમૃત ગણાતું એવું લીંબુ તેમજ કઠોળના ભાવે સિક્સ મારતા ખરા અર્થમાં નાના વર્ગોના સીસકારા નીકળી ગયા. દર વર્ષે મસાલા માર્કેટમાં દેખીતી રીતે ભલે કોઈ ભાવ વધારો જોવા ન મળે પરંતુ આ વખતે સીધા પાંચથી વીસ રૂપિયા સુધીના ભાવ વધારે મસાલાનો સ્વાદ બગાડ્યો છે. આ નાનકડા એવા પરિવર્તનની મોટી અસર એ થશે કે હવે હોટેલ નું ફૂડ ખરા અર્થમાં દરેકના ખિસ્સાને પોસાય એમ નથી. જીરુ એલચી મરચું હળદર ધાણાજીરૂ અને રાઈ જેવા પાયાના મસાલા મોંઘા બનતા ખરા અર્થમાં થાળીમાં વિકાસના બદલે ફિક્કાસ પેશી ગઈ છે. 
Essential Indian Masalas: 5 regional spices mix and why you must have them  at all costs
 
      છૂટક માર્કેટના વેપારીઓ તો ત્યાં સુધી કહે છે કે સ્ટોક કરાવનારાઓ દિવસે દિવસે વધતા જાય છે પરંતુ અત્યારે ભાવની સ્થિતિએ એક નિશ્ચિત માત્રાથી સ્ટોક કરાવો કોઈને પરવડે એમ નથી. એક સમય આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એવો પણ રહ્યો હતો કે લોકો મસાલાની સિઝનમાં કાચો માલ ખરીદીને ચોક્કસ કટીંગ તેમજ પ્રોસેસિંગ બાદ 12 મહિના સુધી ચાલે એટલો મસાલો ભરી લેતા. આવા દિવસોમાં કંપનીઓની ખરી કસોટી થાય છે તો બીજી તરફ રોકાણ સામે રેવન્યુ ઊભી કરવા માટેની પણ માર્ચ મહિનાની સિઝન વેપારીની દ્રષ્ટિએ વસંત સમાન છે. કારણ કે સમગ્ર સ્ટોક એક સમય સુધી ભરી લેવાથી માત્ર પીલવાનું કામ જ કરવાનું હોય છે. પેકેજીંગ અને ટ્રાન્સપોર્ટ દરેક કંપનીએ પોતાના ખર્ચે વસાવેલા હોવાથી એક મોટી રેવન્યુ બચાવી શકાય છે.
     માર્કેટ રિસર્ચ કરનારા ઓ તેમજ કોમોડિટી ઉપર નજર રાખનારા નિષ્ણાંત ત્યાં સુધી કહે છે કે મસાલાની કોમોડિટી આવનારા દિવસોમાં હજુ પણ મોટું માર્કેટ ઉભું કરશે પરંતુ પાયામાં પડેલી તિરાડમાંથી વહી જતું આર્થિક બજેટ આ માર્કેટમાં મોટા માથાઓને જ ટકવા દે એવું લાગે છે. વર્ષો જૂની કંપનીઓને પણ કોરોનાકાળ પછી બેઠા થવામાં પરસેવા આવી ગયા. જીવન જરૂરી તેમજ થાળીના પ્રાથમિક વિચારમાં મસાલા પ્રથમ ક્રમે આવે છે. ભાવ વધારો દરેક વ્યક્તિને કે વર્ગને અસર કરે છે. મસાલા માર્કેટ વિશે કિંમતનું અમરત્વ કાયમી નથી હોતું. કરન્સીની કડાકૂટ વચ્ચે ક્યારેક નિકાસમાં ખોટના ભોગે ભાવતાલ કરવાનો વારો આવે છે. 
K V Spices India in Connaught Place,Delhi - Best Masala Powder  Manufacturers in Delhi - Justdial
 
     ગુજરાતમાં ગોંડલનું મરચું સૌથી વધારે જાણીતું છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં પાકતું મરચું આ વખતે અત્યંત ઓછું છે. ગુજરાત બાદ તમિલનાડુ મરચાનું સૌથી મોટો માર્કેટ મનાય છે જ્યાંથી સ્ટોકનો ઓવર ફ્લો નહીં પરંતુ લિમિટેડ માર્કેટ ઓપરેટ થાય છે. આની સામે બીજા મરચાં અને કે મસાલાઓને રાખવાની કે સાચવવાની જવાબદારી એક ત્રીજી વ્યક્તિ પર આવે ત્યારે સાચવણીના ફદીયા પણ ચૂકવવા પડે છે. 
     સરવાળો ઉત્પાદનથી માંડીને વેપારી સુધીની આખી શૃંખલામાં પ્લસ-માઇનસ કોઈ પણ થાય કન્યા નામની કેડ ઉપર નૃત્ય થતી આર્થિક અસમાનતા એક આખા વર્ગને રેવન્યુના રૂપમાં તોડી રહી છે. મસાલાની સિઝનનો પણ ભવ્ય ભૂતકાળ રહ્યો છે જે ઘણી વખત આપણા નાની કે દાદી વાગોડે ત્યારે ખરા અર્થમાં એવું લાગે કે પાસ્ટમાં ખોવાયેલા લાસ્ટના મોજામાં માહોલ શમી ગયો. ઘરમાંથી આવતી મસાલાની સોડમ ખરા અર્થમાં ઉત્સવ સમાન સચવાતી અને ખરીદાતી. જે રીતે જિંદગીની ઘટનાઓને તટસ્થતાથી સ્વીકારવી પડે એ જ રીતે આ ભાવ વધારાને યસ કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે કાચા માલની સામે દળવાની કે કાપવાની પ્રક્રિયા મોટા બજેટની બની રહે છે. સત્તાની ખુરશી પર આવીને થતા ફાયદા માર્કેટ સામે ક્યારેક સાચા પુરૂવાર થતા નથી. આવી પરિસ્થિતિ વચ્ચે ખરા અર્થમાં મરવાનો વારો તો ખેડૂત અને મધ્યમ વર્ગનો જ આવે છે. આમાં કોઈ કંપનીના શેર ઘટે કે વધે એવી કોઈ મસાલા માર્કેટમાં પાંચ રૂપિયાના કમિશનમાં પણ કોઈ ઉભું રાખતું નથી. 
12 Homemade Non-veg Masala Powders - HubPages
 
    આંતરરાજ્યોની થતી ખરીદી મસાલા માર્કેટની અંતર્ગત ઘણી બધી રીતે વિવિધતા પ્રેરે છે. કારણ કે જે ગોંડલનું મરચું ગુજરાતમાં કે એના આસપાસના રાજ્યમાં ખવાય એટલું ઝડપથી કોઈ ઓડિસાના ગામડાઓમાં ખવાતું નથી. આ પણ હકીકત છે. આપણા ઘરનો સિદ્ધાંત હોય કે માર્કેટના નિયમો વસ્તુ તો એક જ હોય છે કે જે ગુણવત્તા યુક્ત હોય એની સૌથી વધારે માંગ રહે છે. માંગની સામે કિંમત પર અંકુશની ટકાવારી હોય તો દરેક વર્ગને બે ટંકનું ભોજન અને તેને ગમતો સ્વાદ અવશ્ય મળી રહે. પરંતુ સત્તા પર રહેલા કોઈ લોકોને આવી તીખાશ નડતી નથી.
 
આઉટ ઓફ ધ બોક્સ
જ્યાં લાગણીનો ટેકો મળી જાય ત્યાં પછી લાકડીની જરૂર રહેતી નથી. વ્યક્તિની કદર કરી લેજો ભલે સંબંધમાં ગમે એટલી મસાલાની તિખાશ હોય, કારણ કે, એક વખત વ્યક્તિ કાયમી ધોરણે સૂઈ ગયા બાદ ઊઠતા નથી.

Saturday, January 14, 2023

 પતંગ અને જિંદગી: ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા....

Makar Sankranti or Uttarayan, Indian festival of kites

 

 

 

 

 પતંગ અને જિંદગી: ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા...


     આમ તો આપણે સૌ એક વર્ષમાં બે વખત નવું વર્ષ બનાવીએ છીએ. કપડા અને વિચારો ભલે એ જ રહે માત્ર વર્ષ બદલાતું રહે છે. અનેક સમુદાયો પોતાના જુદા જુદા નવા વર્ષે નવા વાઘાઓ પહેરીને નવા વર્ષને આવકારે છે. મથુરામાં લીલા કરી ચૂકેલા મોહનને આવકારવા માટે આપણે સૌ નવીન તત્વ સાથે તૈયાર થઈએ છીએ. જેથી આવનારું વર્ષ આપણા જીવનમાં એક રંગોળી રૂપી વિવિધતા અને સુસંગતતા લઈને પ્રવેશે. જેમાં સંબંધોની મીઠાશ કાયમી ધોરણે રહી જાય અને મનનો કકરાટ નદીમાં વહેતા મોજાની જેમ વહી જાય. જાન્યુઆરી મહિનો એટલે તહેવાર સંબંધ અને શિયાળાનો ત્રિવેણી સંગમ. આજ મહિનામાં લગ્ન સિઝનની બીજી એડિશન શરૂ થાય. કમુરતા પોતે એટલે ઢોલ ઢબૂકવાના ચાલુ થાય. એમાં પણ દાઢી ધ્રુજાવી દે એવો શિયાળો એટલે જાણે ગરમ કપડાની દુકાન બનીને લગ્નમાં જવાનું હોય એવો માહોલ. 

            શિયાળામાં પરણેલા દરેક યુગલ જ્યારે પોતાની લગ્ન વર્ષગાંઠની ઝાંખી જોતા હશે ત્યારે સંબંધીઓ નવા નવા ગરમ કપડાની બ્રાન્ડ બનીને આવ્યા હોય એવું લાગે. કેટલાક બાપા અને કાકા ને તો ઓળખવા મુશ્કેલ બને કારણ કે વાંદરા ટોપી માંથી માત્ર ચહેરો જ દેખાતો હોય. પણ જાન્યુઆરી મહિનામાં તહેવારોના શ્રી ગણેશ કરી જાય છે મકરસંક્રાંતિ. જેને ઉતરાયણ કહીને અમદાવાદનો એકમાત્ર રાષ્ટ્રીય મહોત્સવ માની શકાય છે. આ પતંગ ઉત્સવના દિવસને અમદાવાદ સિવાયના મહાનગરો પણ ટ્વીટરમાં એકબીજાને ફોલો કરે એ રીતે ફોલો કરતા થયા છે. જે ખરેખર આનંદની વાત છે. પણ આમ જોવા જાવ તો પતંગ અને જિંદગીમાં ઘણી બધી સામ્યતાઓ છે. મેચિંગ અને ચેસિંગ તો કાયમી ધોરણે આપણા સૌ સાથે ચાલતી આવતી ઋતુ જેવા છે. રંગબેરંગી પતંગો જીવનના કલરફુલ ક્ષણ સમાન છે. જ્યારે ઓછા પવનના કારણે ક્યારેક પતંગ અધવચ્ચેથી નીચે ઉતરી જાય એને જિંદગીના ઉતાર ચડાવ સાથે પણ સરખાવી શકાય.  

Makar Sankranti 2018 in Gujarat: How Uttarayan, Festival of Kites is  Celebrated | India.com

આકાશમાં કેનવાસમાં પતંગ ઉડે છે જ્યારે જિંદગીના મેદાનમાં શરીરના તેમજ આત્માના રોબોટ્સ ઉડતા હોય છે. પતંગની દોરી આપણા સૌના હાથમાં હોય છે પણ આપણા જીવનની દોરી ક્યાંક ને ક્યાંક ઘણી બધી રીતે બંધાયેલી હોય છે. નોકરી કરતા લોકો એની કંપનીની દોરી સાથે આવકના હેતુથી બંધાયેલા, અનેક એવી ગૃહિણીઓ પોતાના ઘરકામ સાથે બંધાયેલી, વેપાર કરતા વેપારીઓ પોતાના ગ્રાહકો સાથે બંધાયેલા. પરંતુ આ બધા વચ્ચે વિવિધતા એ છે કે જેમ પતંગ જુદી જુદી દોરી સાથે બંધાય છે એ રીતે આપણું જીવન પણ સમયાંતરે બીજા છેડેથી દોરી બદલતું રહે છે. પરંતુ ક્યારેક આપણે દોરી સાથે સેટ થતા નથી તો ક્યારેક દોરી આપણા સાથે સેટ થતી નથી. પતંગ ચગાવતા પહેલા માનજો મજબૂત છે કે નહીં એની દરેક ખેલાડી તપાસ કરે છે પરંતુ જિંદગીનો પાયો મજબૂત બનાવવા માટે હવે પાળા (ઘડિયા) કોને આવડે છે? ગણિતના પાયાના કોન્સેપ્ટનું નવું વર્ઝન એટલે આજના ટેબલ. આતો ગણતરીના માંજા મજબૂત કરવાની વાત થઈ. જ્યારે સંબંધોના કેનવાસમાં સમજની રંગોળી કરવાની વાત આવે ત્યારે આપણી લાગણીની સામે તર્કની પેચ લડતી હોય છે. હિસાબ માત્ર ગણિતમાં જ થાય એવું નથી આકાશમાં ઉડતી પતંગે કેટલી કાપી ત્યાં પણ થાય છે. જ્યારે જીવનમાં આપણે બીજાની કેટલી કાપીએ છીએ એનો તો ક્યારેય હિસાબ થતો નથી અને પાકું સરવૈયું મળતું નથી. આકાશમાં થતી પતંગોની લડાઈ ક્યારેક જીવન અને આચરણમાં ન ઉતરે એની દોરી આપણે સૌએ આપણા જ હાથમાં રાખવાની છે. ક્યારેક બીજાના ધાબા પરથી પસાર થતી પતંગ જરા ઉંચે ચડી હોય ત્યાં બળતરો પાડોશી વચ્ચેથી દોરી કાપી જાય એવું પણ બને. એ સમયે ડખા કરવાથી ચડિયાતું છે બીજી પતંગ ચગાવી લેવી એ પણ બીજી દિશામાં. કારણકે ગુજરાતીમાં કહેવત છે પહેલો સગો તે પાડોશી. 


    ઉતરાયણનો તહેવાર આવે એ પહેલાં દોરી ઘસવામાં આવે છે. જ્યારે નવી જિંદગીનું અવતરણ થવાનું હોય ત્યારે મમ્મી કે દાદી એ જ દોરી જેવી કલરફુલ દાદલીઓ બનાવવામાં તૈયારીઓ કરે છે. માત્ર દોરીના રંગ બદલતા હશે પણ લાગણીનું કાતવાનું એ જ હશે. ક્યારેક અણધારી અને ઓચિંતી પતંગ કપાઈ જાય ત્યારે ફીરકી પકડનારને કહેવાય છે કે વીંટી લે અથવા લપેટી લે. જીવનરૂપી પતંગ પણ ક્યારેક એટલી બધી ફફડે છે અને ફટકે ચડે છે ત્યારે એક એવી ફીરકી રુપી વ્યક્તિ હોવી જોઈએ જે આપણને વગર કહીએ આલિંગનમાં વીંટી લે તેમજ પોતાનામાં સમેટી લે. ક્યારેક આપણે ચડાવેલી અને ઉપર મોકલેલી પતંગ બીજાની દોરી સાથે એટલી બધી ગુંચવાય છે કે ઘણા બધા ખેંચતા કરવા છતાં પાછી વળતી નથી અને અંતે તૂટી જાય છે. તો ક્યારેક એવું પણ બને છે કે ત્રણ ચાર બીજી બધી દોરી આપણી દોરીમાં આવી જતા જાય છે. આકાશમાં અને સંબંધમાં ઉડતો આ ગુંચવાળો ઉકેલવામાં ક્યારેક આખી જિંદગી જતી રહે છે. એમાં પણ જ્યારે જમીન પર એ દોર પડે છે ત્યારે સામે છેડેથી કોઈ છેડો મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. 

International Kite Festival (Uttarayan) 2023 in India - Dates


     ઘણી વખત એવું પણ બને છે કે પતંગને પૂછડું બાંધવું પડે ક્યારેક આપણી સાથે જોડાયેલી દોરી કે પતંગ એવી હોય છે કે જેના પૂંછડા આપણે આમળવા પડે. પણ આવી વ્યક્તિ જ્યારે આપણી સામે હૈયાના હેત ના બદલે ઝોમ્બી બનીને આવે ત્યારે એનો અસલી ચહેરો ઓળખાય છે. કોઈની જિંદગીમાં કરેલી એની દોરીની માવજત ક્યારેક માર  બનીને પણ પડતી હોય છે. પછી અફસોસનો ગુચવાળો ઉકેલતા અસાધારણ આંતરિક પીડા પણ થાય છે. પણ આ બધા કરતાં ક્યારેક કોઈના જીવનમાં રોશનીની તુકલ બનવામાં પણ મજા છે આપણા અજવાસથી કોઈના જીવનમાં અમાપ ખુશી મળે એ પણ જિંદગીની બેસ્ટ ઉતરાયણ જ છે. બીજા માટે આવી તુંક્કલ બનવામાં પહેલા પોતાને બેલેન્સ કરવું પડે ઠંડા પવનોની માર સહન કરવી પડે. પછી જ્યારે ઊંચાઈ પ્રાપ્ત થાય ત્યારે ધાબેથી નીચે ધક્કો મારનારા જ હરખાતા હોય અને જોઈને ખુશ પણ થતા હોય. બાકી પતંગની પેચ સમાન લડાઈ દરેક ઘરમાં અને સમાજમાં ચાલતી જ રહે છે. તું મારી કાપ અને હું તારીખ આપું. હેપ્પી ઉતરાયણ.

આઉટ ઓફ ધ બોક્સ
.
જીવનમાં ક્યારેક કોઈક મુદ્દાને ઢીલું મુકતા શીખી જાવ રંગબેરંગી પતંગ અને વિવિધ વિચારના માણસોનો ઢગલો થશે એની ગેરંટી

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...