IAS ના લેટરની પોલિટિકલ ઈફેક્ટ: કહી આગ લગે લગ જાવે.
બોર્ડની પરીક્ષાના પરિણામ માંથી એક વાત નક્કી થઈ ગઈ છે કે, જિલ્લા કક્ષાના સેન્ટરના પરિણામ સુધરી રહ્યા છે અને મહાનગરમાં પરિણામ બગડ્યા છે. સરકારી વિભાગમાં ફરજ બજાવતા એક આઈએએસ અધિકારીએ એજ્યુકેશન વિભાગના ચોપડા ખોલ્યા ત્યાં કેટલાક મંત્રીઓના ખોપાળમાં કાયદેસરનું તેલ રડાઈ ગયું. સ્પષ્ટતા કરવી પડી એટલો મોટો હોબાળો મચી ગયો. એ પણ સરકારના સૌથી માનીતા એવા આદિવાસી બેલ્ટમાંથી કડવી વાસ્તવિકતા છતી કરી દીધી. સરકાર તરફથી એ ચોખવટ થઈ કે, મુખ્યપ્રધાનને સારી વાત નહીં પણ સાચી વાત પહોંચાડો. આના પરથી એક વાત તો નક્કી થઈ છે કે અત્યાર સુધીના રિપોર્ટમાં 'દાગ અચ્છે હૈ' ની જેમ બધું સારું જ દેખાડવામાં આવ્યું હશે. જે શાળામાં આ આઈએએસ અધિકારી અણધારી વીજળી પડે એમ અચાનક વિઝીટ હેતું પહોંચ્યા ત્યાં વિદ્યાર્થીઓની જ્ઞાન સપાટી જોઈને એમની છાતીના પાટિયા બેસી ગયા.
નકશામાં ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે. એની વિદ્યાર્થીઓને ખબર નથી. ગણિતના ગુણાકાર અને ઘડિયા આવડતા નથી. લેટર બોમ્બ ફૂટ્યા પછી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા એજ્યુકેશન નિષ્ણાતોના રાફડા ફાટયા. મીડિયાએ પણ એજ્યુકેશન વિભાગને બરોબરના ચીટીયા ભર્યા. એક શિક્ષકને તો એવું પૂછવામાં આવ્યું કે રાજ્યના શિક્ષણ મંત્રી કોણ? એનો જવાબ સાંભળીને અગાઉની સરકાર રાજ કરતી હોય એવું પુરવાર થયું. એમાં એ શિક્ષક જવાબ દેવામાં ખોટા ન હતા. પરંતુ બદલી ગયેલી સરકારની અપડેટ કદાચ વિકાસ મોડલ ગણાતા ગુજરાતમાં એ શિક્ષક સુધી પહોંચી નહીં હોય. એજ્યુકેશન પાછળ દર વર્ષે અનેક નવા પ્રયોગ કરતી સરકાર અને શિક્ષકોને દર વેકેશનમાં જુદી જુદી ટ્રેનીંગ ઠોકતી સમિતિઓ ગામડામાં જઈને ગ્રાઉન્ડ વર્ક કરે તો એમના જ શિક્ષકોને દેશના રાષ્ટ્રપતિની પણ ખબર નથી હોતી. નસીબ તો જુઓ! આરામના અમર આશીર્વાદ લઈને આવેલા આવા શિક્ષકોને નોકરી પણ એવા વિસ્તારમાં મળે છે જ્યાં રીતસરના જલસા હોય. એક બાજુ શિક્ષકોની ઘટના દાવા ઠોકાઈ રહ્યા છે ત્યાં હયાત શિક્ષકોમાં પણ જ્ઞાનનો દરિયો તળિયું દેખાડી રહ્યો છે. આવામાં સ્કૂલ ની ગુણવત્તા ઊંચી આવતી નથી. આવી સ્કૂલમાંથી ગયેલો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં પણ માંડ પાસ થાય છે.
એટલે રાષ્ટ્રની ટોપ ટેન યુનિવર્સિટીમાં પણ આ ભાઈ જ્યાં ભણ્યા હોય એ યુનિવર્સિટી નું નામ આવતું નથી. પછી ગોઠવેલા સર્વેના રિપોર્ટમાં જે તે યુનિવર્સિટીના ચમકાવીને રાજકીય હિત શિક્ષણ ક્ષેત્રે પણ સાચવી લેવામાં આવે છે. કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ તો ત્યાં સુધી કહી ગયા કે, આજના ભાજપના નેતાઓ અગાઉની કોંગ્રેસની શાળાઓમાંથી જ અભ્યાસ કરેલા છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ એવું કહ્યું કે ભાજપના નેતાઓની પ્રાઇવેટ સ્કુલ પણ છે. આક્ષેપબાજીના આખલા યુદ્ધમાં નેતાઓ પાસે સેવા કરવા સિવાય સ્કૂલ ચલાવવા જેવા કાર્ય છે એ વાત પુરવાર થઈ.
દૂધના ઉભરાની જેમ ઊઠેલો કેસ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો. એટલે અધિકારીઓનો ફેરો ફોગટ ગયો. હવે જો વરસાદ ન આવ્યો હોત તો આ મુદ્દો ઓછામાં ઓછા ચાર મહિના સુધી ઉતરાયણમાં પતંગ ચગે એ રીતે ચગત. અધિકારીના એક પત્રથી શિક્ષણના દાવા કરતા નેતાઓના થોબડા પર પણ એવી થપાટ લાગી કે યુદ્ધના ધોરણે મુદ્દાને ફટાવવા બીજા કાર્યક્રમમાં મોટા કરી દેવાયા. કોઈપણ એક્શનનું રિએક્શન રાજનીતિમાં ખાસ હોય છે. ઓલરેડી ટ્રાન્સફરનો ભોગ બની ચૂકેલા આ અધિકારીને નિશ્ચિત પણે હવે કોઈ બીજી જગ્યાએ પોસ્ટિંગ દેવામાં આવશે. કારણ કે ઓફિસિયલ સળી કરીને સત્ય ઉજાગર કર્યું છે.
માત્ર એક જ પત્ર એ એટલો મોટો માસ્ટર સ્ટ્રોક રમી નાખ્યો કે, એજ્યુકેશન ક્ષેત્રે પ્રગતિનો ગ્રાફ તળિયે આવી ગયો. ઉત્સવ અને ઉજવણીની સતત ઝુંબેશ પાછળ માત્ર ધોવાણ તો શિક્ષકોનું તથા શિક્ષણનું જ થયું એ પુરવાર થયું. કેળવણીમાં કડવાશ અને ખિસ્સાના વિચારોમાં ખોટની ખટાશમાં ભોગવવાનો વારો તો વિદ્યાર્થીઓને જ આવે છે. જે રીતે ચોરી કરતા પકડાય ત્યારે વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવે છે એનાથી 17 ગણી સજા આવા શિક્ષકોને થવી જોઈએ. કોઈ શિક્ષક ઉપર ગુનાહિત પ્રવૃત્તિ સિવાય એક્શન લેવાયા હોય એવું ઇતિહાસમાં શોધીએ પણ જડતું નથી. દીવો ઓલવાય પછી કોળિયામાં મેશ બચે છે. એમ આવી મેશને ઉજળી કરવા સરકાર પછી બચાવ લક્ષી અભિયાન શરૂ કરે છે. સત્તા પર આવ્યા બાદ સિંહ જેવી ગર્જના કરનાર નેતાઓ આવા સમયે ધીમું બોલવા ટેવાયેલા હોય છે.
પૈસા પાછળની ભૂખ અને સવલત પાછળનું સુખ માણનારા શિક્ષકો વિદ્યાર્થીઓમાં કેવા સંસ્કાર રેડશે એ ખરેખર રિસર્ચનો વિષય છે. વિકાસના નામે જાણે ક્રાંતિ થઈ હોય એવું ચિત્ર રજૂ કરનારા આવા સમયે એક વાત કહેવા પણ રાજી નથી હોતા. સિદ્ધિઓનું સેલિબ્રેશન કરવા કરતાં ખામીઓને ખૂબીમાં પરિવર્તિત કરવામાં આવે તો એ ખરા અર્થમાં વિકાસ કહેવાય. બાકી આવા આઈએએસ અધિકારીઓની નાનકડી ફોજ પણ જો રિસર્ચમાં નીકળી ગઈ તો નેતાઓની રાતની નીંદર હરામ થઈ જાય.
આઉટ ઓફ ધ બોક્સ::ક્લાસમાં થોડી કોમેડી અને એજ્યુકેશનની ક્વોલિટી સારી હોય તો ભવિષ્યમાં કોઈ બ્રિજ માં ગાબડા ના પડે.
No comments:
Post a Comment