સ્વરૂપ બદલીને આવતી સાર્વત્રિક સમસ્યા: વાયરસ
ફરી એક વખત રાજ્ય અને દેશમાં વાયરસનો થઈ રહ્યો છે. રાજ્યમાં તથા દેશમાં વધી રહેલા વાયરસ જન્ય કેસથી આરોગ્ય વિભાગ રાતોરાત ચિંતામાં મુકાયો હોય એવો માહોલ છે. જ્યારે પણ વાયરસને લઈને વાત કરવામાં આવે છે ત્યારે એના જુદા જુદા સ્વરૂપોની અવશ્યપણે ચર્ચા થાય છે. અંગ્રેજી મૂળાક્ષરોના નામ સાથે જોડી દેવાતા અંક ઘણી વખત એવા વિચાર પેદા કરે છે કે ખરેખર જે રીતે સ્માર્ટફોનના વર્ઝન અને અપડેટ બદલે એવી રીતે વાયરસના રૂપ ને ગ્રુપ બદલી રહ્યા છે. શરીર અને મન ઉપર કબજો જમાવી દેતા વાયરસ સતત બે વર્ષ સુધી લોકોનો ભોગ લેતા રહ્યા. વેક્સિનેશનના વિશાળ નેટવર્ક સામે આમ તો સુરક્ષા કવચ ઊભું થયું છે પરંતુ સમયાંતરે સક્રિય થતા વાયરસ ખરા અર્થમાં માથાનો દુખાવો બની ગયા છે. જે રીતે દેશમાં સતત ગંદકીથી મચ્છર ત્રાસ બારમાસી થયો છે એમ હવે વાયરસ પણ સ્વરૂપ બદલીને કાયમી થવા ધમપછાડા કરતા હોય એવા હાલ છે.
વાયરસ માત્ર મેડિકલ ક્ષેત્રે જ એક્ટિવ નથી હોતા સમાજમાં તેમજ સમુદાયોમાં પણ ઘણા એવા ન દેખાતા હાલતા ચાલતા વાયરસ હોય છે. આવા વાયરસ સૂક્ષ્મદર્શક યંત્ર માં પણ ઝડપાતા નથી, પરંતુ પોતાના હોવાપણાનો અહેસાસ કાયમ કરાવી જાય છે. કેટલાક ના વિચારોમાં વાયરસ હોય છે જે સમયવાળાની સર્જનાત્મકતાને અણધારી રીતે બ્રેક મારી દે છે. કેટલાક વાયરસ ભ્રષ્ટાચાર ના સુક્ષ્મ જીવો સાથે પડી જાય છે જે પછી જે તે સિસ્ટમને ખોખલી બનાવી દે છે. શિક્ષણ ક્ષેત્ર ે દર વર્ષે ફી વધારાનો વાયરસ પેટમાં જૂની કબજિયાતની જેમ ઉદભવે છે જેને દૂર કરતાં વિદ્યાર્થી તથા વાલીઓનો કસ નીકળી જાય છે. તો ક્યારેક શિક્ષકોના વિચારમાં એવા વાયરસ ખુશી જાય છે કે વિદ્યાર્થીઓને રોકાણનું મધ્યમ અને માર મારવા માટેનો માવો સમજી બેસે છે. ઘણી વખત બાંધકામ અને બિલ્ડીંગ ક્ષેત્રે હલકી ગુણવત્તાનો વાયરસ બિલ્ડરોના દિમાગને લાકડામાં જેમ ઉદી બેસી જાય એ રીતે કોરી ખાય છે. પરિણામે ઉદ્ઘાટન પહેલા બ્રિજ તૂટે છે અને લોકોની આશા ઉપર તિરાડો પડે છે. ચોક્કસ પ્રકારની કચેરીઓમાં તો એવો વાઇરસ લોખંડ પર લાગેલા કાટની જેમ ઘર કરી ગયો હોય છે કે જ્યાં સુધી પ્રસાદી અર્પણ ન કરો ત્યાં સુધી વાયરસ સારું કામ કરતો નથી.
આમ પણ કોઈપણ વાયરસ નુકસાનકર્તા જ હોય છે. એવામાં થોડા સમય પહેલા પ્રસાદીમાં એક ચોક્કસ મંદિરે ફેરફાર થતા રાજકીય ઉધામાં અને ઉપાધિ વધી ગઈ હતી. આવા વાયરસ રાજકીય ક્ષેત્રે સચવાઈ ગયા અને ગોઠવાઈ પણ ગયા. કણ કણ વાવીને મણમાં પાક લણતા ખેડૂતો માટે માવઠું ખરા અર્થમાં વાયરસ સમાન છે. જે તૈયાર પાકને બગાડે છે અને નવા પાકનો નાશ કરે છે. આવો વાયરસ તો દવા છાંટવાથી પણ જતો નથી. કારણ કે કુદરતી માર સામે કોઈ એન્ટી વાયરલ દવા અસર કરતી નથી. આવા વાયરસની આગાહી કરનારાઓ પણ એમ્બ્યુલન્સમાં વાગતા સાયરન જેવા હોય છે. ક્યારેક ગાડી ખાલી હોય તો પણ સાયરન વગાડીને ભયભીત કરે.
ટૂંકમાં માત્ર ડંફાસો મારવાથી હકીકત બદલતી નથી છતાં એવા એંધાણ ઠોકી બેસે કે જાણે એક મિનિટમાં આખી દુનિયા ઉથલપાથલ થવાની હોય. આ વાયરસનું નેટવર્ક ઇન્ટરનેટના નેટવર્ક કરતા ઘણું વિશાળ છે. રોજ અફવાઓનો વાયરસ નવી નવી દિશામાં ફંટાયા કરે છે. એમાં પણ ઘણી વખત સત્યને શોધવામાં રણમાંથી સોય ગોતવી પડે એવી મહેનત પડે છે. પરંતુ પહેલો સામનો તો વાયરસનો જ કરવો પડે છે. આવો વાયરસ ખરા અર્થમાં હકીકતની શોધ કરનારાઓને હંફાવી દે છે.
દરેક કોર્પોરેટ ઓફિસમાં પણ સૂક્ષ્મ જીવાણું રુપી વાયરસ હોય છે જે કામ તો કરતા હોય છે પરંતુ ન કરવાનું કામ વધારે પડતું કરતા હોય છે. એક વાયરસના કણમાંથી જેમ બીજો પણ છૂટો પડે ને બીજો વાયરસ તૈયાર થાય એવી રીતે કોર્પોરેટ સેક્ટરમાં પણ આવો એક વાયરસ પોતાનું આખું નેટવર્ક તૈયાર કરીને પાણીમાં જેમી લીધું મુળિયા ફેલાવી દે. પછી એન્ટિવાયરસ દવાનો હુમલો કોઈ એક કણ ઉપર થાય એટલે વાયરસના તમામ એ કણ બચાવવા માટે ઉતરી પડે. આવા વાયરસ દરેક જગ્યાએ જોવા મળે. અમુક વાયરસ ઓફિસમાં એવા હોય કે જે બીજાને કાયમી ધોરણે નુકસાન કરતા હોય એનું કામ નાનું હોય પરંતુ અસર લોહી લુહાણ કરી દેવી હોય.
સુરક્ષા વ્યવસ્થામાં પણ નોકરી દસ્તાવેજોના કારણે પેસી ગયેલો વાયરસ ચોક્કસ સમય બાદ પકડાય છે ત્યારે સિસ્ટમ સામે સવાલ તથા જવાબદારો સામે ભૂંડા હાલ થાય છે. હમણાં એક વાયરસ છેક સરહદી વિસ્તાર સુધી પહોંચી ગયો અને આખી સિસ્ટમમાં બબાલ મચી ગઈ. દરેક વાયરસ પાછળ એના કેટલાક તત્વો જવાબદાર હોય છે સુરક્ષા વ્યવસ્થાથી લઈને જવાબદારી સુધીના પદ સુધી આ વાઇરસ જ્યારે પણ કોઈ વસ્તુને કોરી ખાય છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે પ્રાથમિક ધોરણે તેને કેમ ડામી દેવામાં આવ્યા. માર્કેટમાં મોંઘવારીનો વાયરસ કાયમી થઈ ગયો છે કોઈને કોઈ કોમોડિટી તો એવી હોય જ છે જેમાં ભાવ વધારાનો વાયરસ લાગે એટલે મધ્યમ વર્ગના આર્થિક રીતે પાયા હચમચી જાય.
આવા તો ઘણા બધા વાયરસ આપણા બધા વચ્ચે જીવન જીવે છે એની કોઈ કાયમી દવા જડતી નથી બસ આપણે આપણા અંગો પર સુરક્ષાનું માસ્ક ક્યારે અને કેવી રીતે લગાવવું એના પર જ સાચી સમજ રહેલી છે. એવી હકીકત સ્વીકારવી પડે કે જ્યાં ગંદ વાળો વધી જાય ત્યાંથી સુરક્ષિત રીતે જતા રહેવામાં જ જીત છે.
No comments:
Post a Comment