બેલ્જિયમ વેફલ્સઃ તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ, ઝિંદગી મેં પહેલી બાર હુઆ

 બેલ્જિયમ વેફલ્સઃ તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ, ઝિંદગી મેં પહેલી બાર હુઆ

            શિયાળાની ઠંડીમાં સ્વાદનો જાણે અન્નકુટ શરૂ થાય એવી સીઝનમાં તનને તંદુરસ્ત કરવા આમ તો જીમ અને જામ બન્નેની શરણે જતા લોકો જોવા મળે. એમાં પણ ગુજરાતના એક જાણીતા સ્થળેથી પરવાના સાથે પ્યાલા ભરવાની શરતી છૂટથી ક્યાંક અસાધારણ ખુશી તો ક્યાંક આક્રોશનો માહોલ છે. પણ ફૂડની વાત થાય ત્યારે ગુજરાતીઓની જીભ વાસ્તવિક સ્વાદને પારખનારી છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. આમ પણ બધુ પેટ માટે જ થાય છે. પણ ખાદ્યપ્રેમી પ્રજા પેટ માટે ક્યાંય વેઠ કરે એમ નથી. છેલ્લા બે વર્ષમાં જેટલી કોમોડિટીની આયાત નહીં થઈ એટલી કોમોડિટી ફૂડ ક્ષેત્રે દરિયામાં સામે છેડે દેખાતા ક્ષિતિજ જેટલી વિસ્તરી છે. ખાસ કરીને ઈટાલી ને ચાઈનીઝ બાદ થાઈ તેમજ સ્વિઝ ફૂડની આખી સીરિઝ મહાનગરમાં માણવા મળે છે. અમદાવાદના રાત્રી બજારમાં તો જાણે ફૂડનું એક્ઝિબિશન હોય અને માત્ર ચાખો ત્યાં પેટ ભરાઈ જાય એવી મસ્ત ક્વોલિટી વાળું ફૂડ પ્રાપ્ય છે. આમ તો રાજ્યના તમામ જિલ્લાઓની ફીચર ડેફિનેશન આપવામાં આવે તો દરેક જગ્યાની કંઈકને કંઈક તો વાનગી ખાવા લાયક મળે જ. જેમ કે, રાજકોટની ચટ્ટણી, ચેવડો અને ચિક્કી. જામનગરના ઘુઘરા અને પાન. એમ દુનિયાના નક્શમાં નજર કરીએ તો જેનું ફૂડ બેસ્ટ છે એવા રાષ્ટ્રમાં ઈટાલી, બ્રિટન અને થાઈલેન્ડ બાદ બેલ્જિયમનું નામ આવે છે. હા, એક હકીકત એ પણ છે કે, ઈન્ડિયન ફૂડને દુનિયાભરમાં સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 

        બેક ટુ પોઈન્ટ...બેલ્જિયમ એક નાનકડો એવો દેશ. જે પોતાની આગવી સુંદરતા માટે જાણીતો તો છે જ. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંની લોકલ ગણાતી વેફલ્સે દુનિયાના બીજા દેશમાં જોરદાર ડંકો વગાડી દીધો છે. ઈટાલીના પિઝા જેમ પ્રખ્યાત છે. એમ અહીંની વેફલ્સનો ટેસ્ટ દાઢમાં રહી જાય એમ છે.ખાસ કરીને ચોક્લેટ લવર્સ લોકો માટે આ વાનગી તો દિલના તારમાં ગીટાર વગાડી દે અને ધૂન બનાવી દે એવી છે. આગ્રા આવ્યા હોય અને પેઠા ન ખાઈએ એવું તો કેમ ચાલે? એમ બેલ્જિયમ આવ્યા હોય અને વેફલ્સ ન ખાઈએ એવું તો કેમ બને? ઓરિજિનલ શબ્દ વોફલ્સ (ઉચ્ચારણ પણ વોફ્લ્સ). વોફલ્સ બેલ્જિયમનું સ્ટ્રિટ ફૂડ છે. જે ગરમ હોય તો ખાવાની આખી મજા અલગ છે. ચોક્લેટ લવર્સ માટે હાઈલી રેકમન્ડેડ. હાલના ટાઈમથી થોડું રીવાઈન્ડમાં ડોકિંયું કરીએ તો એક સમયે પાર્લે કંપનીના વેફર બિસ્કીટ આવતા. જુદી જુદી ફ્લેવર્સના. એમાં સ્ટ્રોબેરીથી લઈને જીમજામ સુધીના ફ્લેવર્સ. પણ બેલ્જિયમમાં આનો જ એક ચોક્લેટ ફ્લેવર. એ પણ બિસ્કીટ કરતા અલગ ટેસ્ટનો, ફ્લેવર્સમાં પણ ચોક્લેટ તો મેઈન. પણ બ્લેક કે કોકો ફ્લેવર એ ખાનાર પર નિર્ભર કરે છે. 

        કુછ મીઠા હોય જાય...ની જેમ આમા પણ એક દિમાગી કેમિકલ્સને અસર પહોંચાડી દે એવા જોરદાર ટેસ્ટ છે. જે રીતે કોઈ મોલના આઉટલેટમાં કોઈ ડિસપ્લે મૂકેલા હોય અને આંખ ખેંચાયા વગર ન રહે એમ બેલ્જિયમના ફ્લેવર પણ મસ્ત હોય છે. અહીંયા તો પાર વગરના ઓપ્શન છે. મીઠું લાગે એવું પણ છે અને એકદમ નોર્મલ મીઠાશ હોય એવું પણ મળી રહે. ઈન્ડિયામાં અત્યારે વોફલ્સ પોતાના પીક પોઈન્ટ સુધી પહોંચ્યું છે. પણ બેલ્જિયમમાં તો બે સૈકાથી પણ વધારે સમયથી આ વાનગી ખવાય છે. એટલું જ નહીં દેશ વિદેશના પ્રવાસીઓ ખાસ આ વાનગી ખાવા માટે આતુર હોય છે. હા, બીજી એક વાત કે, જે વોફેલ્સ એના બેઝમાં હોય છે. એ વેજ અને નોનવેજ બન્ને કેટેગરીમાં મળે છે. બટ ડોન્ટ વરી....આપણે ત્યાં વોફલ્સ વાળા પ્યોર શાકાહારી છે. સો..ફીકર નોટ..જ્યારે આ વોફલ્સ તૈયાર કરવામાં આવે છે ત્યારે એના પર થોડી ખાંડ નાંખવામાં આવે છે. પછી ચોકલેટને કસ્ટમાઈઝ રીતે નાંખવામાં આવે છે. જેથી વધારે પડતી મીઠી વસ્તુ તૈયાર ન થાય. બેક્ડ આઈટમ હોવાથી વ્યવસ્થિત પકવ્યા બાદ જ એના પર ટોપિંગ અને ચોક્લેટની મસ્ત કાળી પણ જીભને ચોંટે એવી રંગોળીઓ કરવામાં આવે છે. 

      કોઈને બ્રસેલ્સના વોફલ્સ ગમે તો કોઈને લીચના.એક વખત વસ્તુ તૈયાર થયા બાદ ફરી એને શેકવામાં આવે છે. એક વખત શેકાયા બાદ એ થોડું સખત થાય છે. છેલ્લે આવે છે ટોપિંગ્સનો વારો. ગરમાગરમ કાણાવાળી વસ્તુ પર ચોક્લેટ સોસ નાંખીને મજેદાર બાઈટ તૈયાર કરવામાં આવે છે. હા...ફ્રેશ ફ્રુટ પણ નાંખી શકાય છે. જેમાં સ્ટ્રોબેરી મોટાભાગના ફૂડ લવર્સની ફર્સ્ટ ચોઈસ છે. (હા, ગુજરાતીઓ બાકાત છે હો... કારણ કે, અહીંયા એક વર્ગ તો પીઝા સાથે પણ છાસ ઢીચે...) પછી એની સાથે એક ક્રિમ પેસ્ટ પણ મૂકાવી શકો. આ તમામ વસ્તુ પાછી ટોટલી બેઝ પર કસ્ટમાઈઝડ છે. ચલો માની લો કે, ટેસ્ટમાં મજા ન આવી. જો એના પર લગાવેલી તમારા ફ્લેવરની આઈસક્રિમ તો જામો પાડી દેશે એમાં કોઈ બે મત નથી. પછી ચોકલેટના ટુકડા નાંખીને મસ્ત એન્જોય કરી શકાય. હા, આપણે ત્યાં હોય જેવું નથી કે, ઉપરથી વધારાની ચોકલેટ માંગ તો ડાચા બગડે..અહીંયા તો ખવડાવનારાનો ટેસડો છે. સ્ટ્રોબેરી અને ક્રિમ વાળી વોફેલ્સને લીએજ કહેવામાં આવે છે. બાકી સાદી વોફેલ્સ ચોક્લેટ તો કોમન છે. એ પછી ખાનારા પર છે કે, બ્લેક ચોકલેટ ખાવી છે કે, ચોક્લેટ સોસ. બ્રસેલ્સમાં ગ્રાન્ડ પ્લેસની આજુબાજુની કોઈ પણ સ્ટ્રીટમાં આટો મારો એટલે યુરોપીય કલ્ચરની આંખને સુગંધ આવે.  

     હવે આમા પણ નવા પ્રયોગ થાય છે. જેમ ચાઈનીઝ ભેળ નામની કોઈ વાનગી ચીનમાં મળતી નથી. આ ઈન્ડિયન કસ્ટમાઈઝેશન છે. એમાં ત્યાં પણ અખતરા કરનારા હોય ને? ફેર એટલો કે, ત્યાં શેરીમાં વેચનારો પણ સર્ટિફાઈડ હોય અને આપણે ત્યાં પહેલા હેલ્પર તરીકે હોય પછી એ તવામાં તેલથી વધાર કરતો હોય. એ પણ એવી રીતે સ્ટાઈલ મારે કે, દુકાન વધાવવાનો સમય થાય ત્યારે ગેસ અને તવાની આસપાસનું મટિરિયલ્સ ભેગું કરવામાં આવે તો એક વ્યક્તિનું ફૂડ પાર્સલ થઈ જાય. શરૂઆતમાં આ વાનગી દુનિયાભરમાં વિસ્તરી. એની સામે ઘણા વિદેશી પ્રવાસીઓ પણ ખાસ આ વાનગી ખાવા માટે બ્રસેલ્સ પધાર્યા. કોઈ પણ વિદેશની વાત હોય પછી ફૂડ હોય કે ફેશન. અમેરિકાનું નામ ન આવે તો અમેરિકાને ખોટ ન જાય? અમેરિકામાં બ્રસેલ્સ વોફલ્સ હજ્જારો લોકોને દાઢે ચોંટ્યા બાદ એની માંગ વધી ગઈ. 

તમામ પ્રકારના વોફેલ્સ

    વોફેલ્સ મૂળ ડચ શબ્દ વેફર પરથી ઊતરી આવ્યો છે. 8 ફૂટની વોફેલ્સ તૈયાર કરીને નેધરલેન્ડના એક ગ્રૂપે વર્લ્ડ રેકોર્ડ પણ કરેલો છે. બેલ્જિયમ વોફેલ્સ ઓરિજનલી બ્રસેલ્સ વોફેલ્સથી ઓળખાય છે. જેમ જેમ દુનિયાના દેશમાં આ વોફેલ્સ ફરતી ગઈ એમાં કસ્ટમાઈઝેશન થતું ગયું.  

Comments