યુનિવર્સમાં શક્તિ અને શક્તિનું યુનિવર્સ

યુનિવર્સમાં શક્તિ અને શક્તિનું યુનિવર્સ

    ગણશેચોથના દસ દિવસ પૂરા થાય એટલે ચૌદશ આવે. એ ચૌદર્શ એટલે વિસર્જન. જ્યાં વિધ્નહર્તાની વિદાયનો પણ ઉત્સવ હોય, ફેસ્ટિવલ હોય અને એક આનંદ હોય. મહાનગરી મુંબઈમાં આ દિવસ એટલે આખી રાતનો ભક્તિમય જલસો. બસ રાત એ જ છે સમય અને ચોઘડિયા ફેરવાય એટલે નોરતા. ગૌરીનંદનનો તહેવાર પૂરો એટલે ગૌરીના નવ દિવસોનું ઓફિશિયલ નોટિફિકેશન અને અનઓફિશિયલ વેઈટિંગ. ધર્મ, સંપ્રદાય કે પંથમાં પડ્યા વગર કહીએ તો વિક્રમસંવતના ઓવરઓલ કેલેન્ડરમાં એક ચોક્કસ ટાઈમ પીરિયડ બાદ ફેસ્ટિવલ આવે છે. કોઈ એક દિવસનો હોય તો કોઈ આખી સિરિઝ લઈ આવે. દિવાળી અને નોરતા એટલે ફેસ્ટિવલનું આખું પેકેજ. હા, ઓફિસમાંથી રજા ન મળે એ તમારો પ્રશ્ન છે. બાકી યુવાહૈયાઓ માટે તો નોરતા એટલે તાલ સે તાલ મિલા...કરતા મન મળી ગયું એની મેળે...જેવો માહોલ. જ્યાં રાસ ગરબાની સ્પર્ધા થાય છે ત્યાં પ્રિન્સ પ્રિન્સેસની વસંતઋતુ એટલે નોરતા. પ્રાઈઝ કે ગિફ્ટ ન મળે એટલે આયોજકો પર રોષના દાંડિયા ઘા કરવાનો ટ્રેન્ડ સેટ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના પાર્ટીપ્લોટના ગરબામાં. માને એના જ શબ્દોમાં થતી એક અરજી એટલે ગરબી અને ગરબીમાં રમવા આવતા માતા એવા દિવસો એટલે નોરતા. નોરતા એટલે નવ દિવસનો ભક્તિ, શક્તિ અને સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિક) અલ્પવિરામ. હૈયે રાખી હામ. બ્રેક ધ રૂટિન અને શહેર આખાને ગ્રામ્ય વિસ્તાર બનાવી દે એવી ભાત ભાતની ક્વિન.અનુષ્ઠાન અને ઉપવાસમાં પ્રજા થતી લીન, સૌથી લાંબો ગાવા અને નૃત્ય કરવાનો તહેવાર એટલે નોરતા. લોંગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ટ્રેડિશનલ ડાન્સ

     માર્કેટ એક્સપર્ટ એવું કહે છે કે, નોરતા એ ઈકોનોમી માટે પણ એનર્જી બુસ્ટર ફેસ્ટિવલ છે. આફટરઓલર આ તહેવાર જ શક્તિનો છે. શક્તિના પર્વની પૂજાનો છે. શુભેચ્છાના શબ્દોમાં પણ શરૂ થતા શક્તિના પર્વની શુભેચ્છા એવા શબ્દનો ઉપયોગ થાય છે. પણ એનર્જીનું એનાલિસીસ કરીએ તો શક્તિ તો યુનિવર્સલ છે. જીવના જન્મથી લઈને મૃત્યું સુધી શક્તિનું એક અસાધારણ ક્નેક્શન છે. જીવને જણનારી મમ્મી જોર લગાવે છે ત્યારે જીવ પેદા થાય છે એમાં પણ શક્તિ જોઈએ. હા, ઑપરેશનની સુવિધા સ્પર્ધા બની છે એ વાત સાવ જુદી છે. જેમાં તબીબો ખિસ્સામાં લક્ષ્મીપ્રાપ્તિ કરી બેસે છે. પછી ભલે મમ્મીને ત્યાં લક્ષ્મીજી આવે કે ન આવે. અમુક દાક્તર પણ એવા હોય છે કે, મમ્મી બનવાની સ્ત્રીમાં લક્ષ્મી સ્ત્રોત સમજે છે. ચેકઅપના નામે ચેકબુક ખાલી કરાવી જાય. આને બુદ્ધશક્તિનો રાક્ષસી વિચાર કહી શકાય. જીવ આવે એટલે એનો ઉછેર કરવા ગમે એટલા ધમપછાડા કરીએ. એની પણ પૃથ્વીના વાતાવરણ સાથે સેટ થવામાં એક નાનકડ઼ી ફાઈટ હોય છે આવી ફાઈટ કરવા પણ એનર્જી તો જોઈએ. એટલે ત્યાં પણ શક્તિ છે. બાળક ચાલતા શીખે એટલે ધમ દઈને પડે થોડા હાથ-ટાંટિયા છોલાઈ જાય. પણ એ ઊભું થવામાં પણ એને તો એવરેસ્ટ પર ઊભા હોય એવી ફીલ આવતી હશે. એ ઊભા થવામાં પણ શક્તિ છે.

    કોઈની ખબર કાઢવા જઈએ તો પહેલો શબ્દ એ નીકળે કે, ત્રેવડ તો હોવી જોઈએ ને! આ ત્રેવડ પાછળ પણ શક્તિ છે. ત્રેવડ ન હતી એટલે જ પથારી આવી. શરીરમાં શ્વેતકણ અને રક્તકણ બાહુબલીના સૈનિકો દોડે એમ સતત દોડતા હોય છે એને દોડવા માટે પણ શક્તિ જોઈએ. નોરતા હોય અને કોઈ રાજ્યની જે તે ચૂંટણી ન આવતી હોય એવું તો ભાગ્યે જ બને. આ વખતે પણ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે. મતદાતાઓ નેતાઓને માતાજીના રૂપ સમાન દેખાતા હશે. દરેકમાં રામ અને માતા સીતા દેખાતી હશે. એટલે એમને મનાવવા માટે તો ગમે તે શક્તિપ્રયોગ થઈ જાય. એટલે એમાં સુપ્રીમ શક્તિ જોઈએ. પછી ભલે સત્તા પર આવ્યા બાદ એમના જ સીમમાં રહેલી વ્યક્તિ એક અરજી માટે પોતાની તમામ શક્તિ વેડફી નાખે. આવા સમયે એવા નેતાઓમાં પછી આસુરી શક્તિ ઘર કરી જાય. આધ્યાત્મિક માણસ અસુરલોકનો સભ્ય હોય એવા ભાવ આપણા પેદા થાય.બીજી બાજું આપણી પ્રજા પણ ગજબની સહનશક્તિ વાળી, કિતને ભી તુ કરલે સિતમ...હસ હસ કે સહેંગે હમ...બાકી મત તો....સમજી ગયા ને!

             નોરતા હોય અને નાસ્તો ન હોય એવું તે કેમ બને. નોરતામાં ગરબા રમવા માટે તો ટિફિનનો ટોટલ ઘટી જાય. રાત્રે સોસાયટીમાં રમનારા નાસ્તો આવે એની બે પાંચ મિનિટ પહેલા જ આવે. એટલે આવા લોકો પાસે શક્તિનો ઓવરડોઝ હોય. પુરૂષ હોય તો એની સાત મહિનાની ગર્ભવતી હોય એવી મસ્ત ગોળાકાર ફાંદ હોય. જો સ્ત્રી હોય તો રાસ રમીને પરસેવે રેબઝેબ થઈને અન્નપૂર્ણાને અપીલ કરી હોય એવી સ્થિતિ હોય. એમાં પણ ઉદરતૃપ્તિ (પેટ ભરાઈ જવું) બાદ વગર ઓસિકે આળોટવાનું મન થઈ જાય. એટલે રાસમાં ખર્ચાયેલી શક્તિને અલ્પવિરામ એમ. વિમાનથી લઈને છોટા હાથી સુધી દરેક વાહનને દોડવા માટે ઈંધણ જોઈએ આ ઈંધણ એમની શક્તિ છે. ઈંધણમાં પણ પાછું દરરોજ ભાવ બદલાયા કરે. પણ ચૂંટણી વખતે આ ક્રુડ ઓઈલને કોઈ સ્ટેચ્યુ કહી દે છે. બ્રહ્માંડ સુધી પહોંચવા માટે ચંદ્રયાનને પણ શક્તિની જ જરૂર હતી. પણ આ પહેલાના મિશનમાં અવકાશમાં અસુરી શક્તિનો વ્યાપ હતો એટલે આ વખતે નોરતા પહેલા જ માતાજીએ પરમકૃપા કરી દીધી. 

         અગાઉની ધાર્મિક સિરિયલની જેમ રાક્ષસો બધા આકાશમાંથી ઊતરતા એટલે એમને લોકમાં આપણી સાયન્સ અને ટેકનોલોજીની શક્તિ એને પચે નહીં. એટલે આવું તો ચાલ્યા કરે. ગરબો આમ તો ગોળ હોય છે. પણ ગરબા રમતી વખતે ભલભલા ગોળકાર રહેલા લોકોના પરસેવા છૂટી જાય છે. એટલે કોઈ ફેટી છોકરી રમતી હોય તો કોમેન્ટ પાસ કરવાના બદલે એના ચહેરાના બદલાતા કલર્સને માણવાની પણ મજા હોય છે. ગરબા લેતી સ્ત્રી પોતાના આનંદમાં હોય પણ એના કેન્દ્રમાં તો શક્તિ જ હોય છે. યુગ બદલાતા આજે ઘણી મમ્મીઓની શક્તિ મોબાઈલમાં ખર્ચાય જાય છે મોબાઈલની શક્તિ (ચાર્જિંગ) પતે ત્યારે એની શક્તિ પૂરી થાય. બહુ કડવાશ સાથે કહેવું પડે છે કે, અત્યારે મોબાઈલની કાં તો બેટરી પૂરી થાય અને કાં તો ચાર્જિંગ પૂરુ થાય ત્યારે લોકોને ઊંઘ આવે છે. અલ્ટિમેટલી આ તો આસુરી શક્તિ જ માની શકાય ને? પણ એક વાત છે કે, નોરતા એ ખરા અર્થમાં ઈકોનોમીનો બુસ્ટર ડોઝ છે. ગરબો ઘડનારાઓથી લઈને વેચનારા સુધી, દાંડિયા બનાવનારાથી લઈ રમનારા સુધી, ચણિયાચોલી ખરીદનારાથી લઈને તૈયાર કરનારા સુધી, પ્રસાદથી લઈને પેકેજિંગ ફૂડ સુધીના તમામનું માર્કેટ અપ કરતી રાત્રિ એટલે નવરાત્રિ. અર્થતંત્રથી લઈને અવકાશ સુધી દરેક કોઈ વસ્તુ પાછળ કોઈને કોઈ શક્તિ છે અને શક્તિમાં જ આખો અવકાશ છે. હાલો ત્યારે હેપી નોરતા. 


આઉટ ઓફ ધ બોક્સ

ઉંમર સાથે કદ વધે ઊંચાઈ વધે, પણ સમજણશક્તિ ન વધે તો બઘું જ નકામું


Comments