Tuesday, November 14, 2023

સાલ મુબારકઃ નવા વર્ષમાં અપડેટ થઈએ આઉટડેટેડ નહીં

 સાલ મુબારકઃ નવા વર્ષમાં અપડેટ થઈએ આઉટડેટેડ નહીં

    દિવાળી પછીનો દિવસ એટલે ગુજરાતમાં હેપ્પી ન્યૂ યર. વિક્રમ સંવતનું કેલેન્ડર આમ તો ભાગ્યે જ કોઈ ફોલો કરે છે. પણ આંખના પલકારામાં પૂર્ણ થઈ ગયેલું વર્ષ દરેકના જીવન સાથે ઘણા ચડાવ ઊતારનો ચિતાર મૂકીને ચાલ્યું ગયું એ હકીકત છે. દરરોજ દિવસ ઉઘડે એટલે આજે કઈ તારીખ છે એવું જ પૂછવામાં આવે છે. પણ વિક્રમ સંવત કેટલામું એ તો દિવાળીના પાંચ દિવસો શરૂ થાય એ સમયે જ ગણાતું આવે છે. જેને ખબર હોય એને મારા નવા વર્ષના પહેલા સેલ્યુટ. વીતી ગયેલું વર્ષ કેવું રહ્યું એનું વિશ્લેષણ કરવા બેસીએ તો જેમાં તણખા ઝર્યા હોય અને જેની સામે ઝર્યા હોય એ પહેલા યાદ આવે 😕. પણ પ્રશંસાની પોલીસી એપ્લાય કરી હોય એ પરાણે યાદ કરવું પડે. માનવસહજ માનસિકતા છે કે, જ્યાં ઠોકર વાગી હોય ત્યાં ભલે એ વસ્તુ કે પીડા મટી ગઈ હોય પણ ડાઘ તો પુરાવા આપ્યા કરે. 😷એટલે નવા વર્ષે આવા ડાઘા દૂર ન થાય તો એને ઘસવાના પ્રયાસો કરવા વ્યર્થ છે. કારણ કે, જ્યાં માણસને સાચી રીતે ઢાકતા આવડે એની પાછળ આખું સૈન્ય ઊભુ થાય જો વિચારની વેવલેન્થ મેચ થાય તો. નવા વર્ષમાં આમ તો બુટના મોજાથી લઈને માથાના તેલ સુધી દરેક વસ્તુઓ નવી લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. એ માટે થઈને જ હિન્દુ ધર્મના સૌથી વિશાળ તહેવાર એવા દિવાળી પહેલા એક આખો માહોલ ઊભો થાય છે એ છે શોપિંગનો.💥

         સેલિબ્રેશન પહેલાનું શોપિંગ એટલે પ્રિ પ્લાન પ્લેઝર, પણ નવા વર્ષમાં કે આવનારા સમયમાં કોઈ પ્લાન્ડ પ્લેઝર ન પણ મળે તો ઈરીટેટ થવાની જરૂર નથી.  દરેકનું નવું એ શબ્દોથી શરૂ થાય છે કે, હેપ્પી ન્યૂ યર. હવે પહેલા જ શબ્દો પર અટકીએ તો..હેપ્પી. ખરેખર નવા આખા વર્ષમાં હેપ્પી રહેવાની વાત કરવામાં આવે છે. આ તો અંગ્રેજીની વિશ થઈ. હવે દેશી શબ્દોની શુભેચ્છાના શબ્દો જુઓ. સાલ મુબારક. સાલ એટલે શિયાળામાં ઓઢવા મળતી ગરમીની હૂફ વાળી ચાદર નહીં. સાલ એટલે વર્ષ. મુબારક હો. આખું વર્ષ એક અભિનંદન સાથે શરૂ થાય એમ. પણ આપણી આસપાસ કેટલાક એવા માણસો હોય કે બગડી ગયેલ મમરાની ગુણીની જેમ એના થોબડા પર કોઈ દિવસ સ્માઈલ જ ન હોય. પાછા એ જ માઈલો કાપવાની વાત કરતા હોય. એમાં બોસથી લઈને બાજુવાળા પાડોશી સુધીની નજર કરો તો આવો એક આખો સમાજ ઊભો થાય એટલા મળશે. જેને પાણી ફિલ્ટર કરેલું પીવું હોય પણ ગામના લોહી ડાયરેક્ટ પીવા હોય. એ પણ કોઈ લોહી કાઢ્યા વગર. સીધા જ માથામાંથી. જૂના વર્ષમાં પણ આવા હતા અને નવા વર્ષમાં પણ આવા લોકો રહેવાના. કારણ કે, આવા લોકોની વેલિડિટી આપણી સાથે જોડાયેલી હોય છે. એટલે સંબોધ પૂરતી નહીં આપણી કેપેસિટી તપાસવા સુધી. 


      વર્ષ નવું છે એટલે તમામ વસ્તુઓથી  લઈને બિઝનેસના વોલ્યુમ સુધી આ નાવિન્ય રહેલું છે. નવું કરવું છે એનો સંકલ્પ જરૂરી છે. પણ એ સંકલ્પ પર આખા વર્ષ સુધી ટકી રહેવું એ હિમાલયમાં તપસ્ચા કરવા જેવું છે. ભલભલાના હાંજા ગગડી જાય. નવા વર્ષે કપડું શરીર પર ભલે જૂનું હોય પણ વિચારો નવા હશે તો સૂર્યોદય પણ માણવા જેવો લાગશે. બાકી સનસેટ જોવા તો ગામ આખું ટેકરીએ ચડે જ છે. (આબુમાં નથી! લોકો સનસેટ જોવા ભીડ કરતા). નવા વર્ષમાં સંબંધોને રીચાર્જ કરતા શીખવું પડે. જે નથી કર્યું એને આપણાથી શરૂઆત કરવી જોઈએ. કારણ કે, ભેગા થવાનું મન ત્યારે જ થશે જ્યારે ભાવની ભીનાશ અંદર ખુદને ભીંજવતી હશે. ફાસ્ટ લાઈફમાં ફોરવર્ડ થયા છીએ એટલે ફોર્સનું ફીલિંગ્સ દરેકમાં છે. પણ સમયાંતરે આવતા તહેવાર જિંદગીને સ્લો મોશન કરતા શીખવે છે. ખખડી ગયેલા ખોખા જેવા કેટલાક ચહેરાઓ આપણી આસપાસ છે અને રહેવાના છે. વિચારો નવા હશે તો અંદરનો સ્પાર્ક સતત કંઈક કરવા માટે પ્રેરશે. ઈમોજી આવ્યા બાદ ઈમોશન શેર કરવા સરળ થઈ ગયા. એક દિલડુ મૂકો એટલે વાર્તા પૂરી. શબ્દોની જરૂર ઓછી થઈ ગઈ. પણ સંબંધો સાચવવા શબ્દો બોલવા પડે. એ પણ સારા અને સ્પષ્ટ. નવા વર્ષે ધાર્યું ન થાય તો ધક્કો અનુભવવાને બદલે ધણીએ ધાર્યું હશે એવું માનીને ચાલી શકાય. ચલાવી પણ શકાય. પણ ધોકા પછાડવાથી કે ધરાર કરાવવાથી પર્ફેક્શન આવશે એની ગેરેન્ટી નથી. સંબંધોમાં પણ નથી અને સિસ્ટમમાં તો નથી જ. નવા વર્ષમાં વિઝન સાથે વિચારોની દિશા નક્કી હોય તો ટાર્ગેટ સુધી પહોંચવામાં એક હાફ સેન્ચુરી જેટલી સફળતા મળે છે એ વાત નક્કી છે.

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...