ચૂંટણીનું પરિણામ: ના બોલે તુમ ના મૈંને કૂછ કહા, મગર ના જાને ઐસા ક્યું હુઆ

ચૂંટણીનું પરિણામ: ના બોલે તુમ ના મૈંને કૂછ કહા, મગર ના જાને ઐસા ક્યું હુઆ 

મોદી હૈ તો મુમકિન હૈ. ભારતીય જનતા પાર્ટી (BJP)ને ફરી એકવાર દાવો કરવાની તક મળી છે કે તેનું સ્લોગન પાયાવિહોણું નથી. પરંતુ બિલકુલ અર્થપૂર્ણ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર 'મોદીના જાદુ'ની પુષ્ટિ કરી છે. મોદી છેલ્લા 10 વર્ષથી ભાજપ માટે વિનિંગ મશીનની ભૂમિકા ભજવી રહ્યા છે. ભાજપે કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. રાજસ્થાન અને છત્તીસગઢમાં અનુક્રમે પૂર્વ મુખ્યમંત્રીઓ વસુંધરા રાજે સિંધિયા અને ડૉ. રમણ સિંહને ભાજપે જાળવી રાખ્યા હતા. એ અલગ વાત છે કે રાજવી પરિવારોથી પ્રભાવિત રાજસ્થાનમાં રાજે નારાજ થવાનું જોખમ ન ઉઠાવવા માટે ભાજપે પૂર્વ સીએમ ઉમેદવારોને ટિકિટ આપી. પરંતુ પાર્ટીએ ક્યારેય તેમનો ચહેરો મુખ્યમંત્રી તરીકે આગળ રાખ્યો નથી. ચર્ચા એવી પણ હતી કે, રિસાયેલા ને મનાવી લઈને સાચવી રાખવાની ભાજપની રણનીતિ રહી છે. 

         


જુલાઈમાં, જ્યારે ભાજપે સંગઠનાત્મક ફેરફારો કર્યા, ત્યારે વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું. આ મનાવવા સાથેની પહેલી ઓફર હતી. તેમની સાથે છત્તીસગઢના પૂર્વ સીએમ રમણ સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે. સંકેત સ્પષ્ટ છે - રાજ્યના રાજકારણમાંથી બહાર આવો અને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરો. ટૂંકમાં સ્થાનિક રાજકારણ એવી રીતે ફેરવી નાખ્યું કે, રિસાયેલા માની જાય અને મોટા કેન્દ્ર માં નાનું પણ વજનદાર પદ મળે. વિપક્ષની આક્ષેપબાજીના આખલા યુદ્ધમાં પ્રહાર કરવા કરતાં એના જ નિવેદનને ફેરવી તોળીને પ્રજા લક્ષી સ્પર્શ આપી દઈને હરીફ પક્ષને પછાડી દીધો. રાજસ્થાનમાં માત્ર 9 રોડ શો અને રેલી કામ કરી ગઈ. આવા તો ફેક્ટર અને ગ્રાઉન્ડ પરની ફાઈલો મોટી છે. 

     જો કે, વસુંધરા અને રમણ બંનેને અનુક્રમે ઝાલરાપાટન અને પાટણ વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી હતી. બંનેએ પોતપોતાની બેઠકો પર પણ જીત નોંધાવી છે. ભૂપેશ બઘેલ છત્તીસગઢમાં ડંકો વાગી રહ્યો હતો.. જ્યારે કોંગ્રેસ પાર્ટીને જીતનો વિશ્વાસ હતો, ત્યારે ભાજપના અભિવ્યક્તિઓ પણ સંકેત આપી રહ્યા હતા કે ત્યાં પણ જીતની કોઈ આશા બાકી નથી. પરંતુ પરિણામ સૌની સામે છે. છત્તીસગઢમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. રાજસ્થાનના રણમાં પણ કમળ ખીલ્યું છે. તમામ એક્ઝિટ પોલના અનુમાન મુજબ કોંગ્રેસ પાર્ટી માત્ર છત્તીસગઢમાં પોતાની સત્તા બચાવી રહી નથી, તે મધ્યપ્રદેશને પણ ભાજપ પાસેથી છીનવી રહી છે.પણ પરિણામે ચિત્ર ફેરવી નાખ્યું. કાલ્પનિક ભય ને વાસ્તવિક ખાઈ પેદા કરતા ઘૂઘરાથી થોડું અલગ કહી શકાય એવું પરિણામ દેખાયું. ભાજપનો આત્મવિશ્વાસ અને સ્ટાર બ્રાન્ડ નેતાઓની અસર કરતા પરિણામ આપે એવા નિર્ણય કામ કરી ગયા. 

     બાય ધ વે, દેશમાં ચૂંટણી ગમે તે હોય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી જો કોઈ નેતાની સૌથી વધુ ડિમાન્ડ હોય તો તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. હિંદુત્વના પ્રબળ સમર્થક એવા ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથનો ક્રેઝ એટલો બધો છે કે તેમની રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો આપોઆપ એકઠા થાય છે. આ વખતે પણ એવું જ જોવા મળ્યું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ યોગીની જાહેર સભાઓ અને રોડ શો માટે ભાજપના ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. પણ અંતે તો સનાતન ની વાત થી રિઝલ્ટ બદલી ગયું. આ પરિણામ બાદ દેશનો રાજકીય નકશો બદલશે એ તો નક્કી છે. સંપત્તિ શોખીન નેતાઓની લોટરી લાગી. પણ હિંમત અને આવડતની યશોગાથા તો માત્ર મોદીના નામે જ છે. નિષ્ફળ કે નકામા નિવેદનમાં આમ તો જવાબ દેવાની વૃત્તિ દેખાતી હોય છે પણ એમાં એક ભાજપની બે ટીમના પ્રયાસ રિપોર્ટ કાર્ડ સુધી પહોંચ્યા. જેમાં એક કેડરની મોટા નેતાની વજનદાર વાણી અને આંકડાનો હિસાબ કરવા કરતાં વ્યકિતત્વની છાપ મતદારોને ખેચી લાવી. 

   


 તેલંગણાની તસવીર બદલવાની હતી એ થોડું અપેક્ષિત હતું. બીજી એક વસ્તુ એ શીખવા જેવી છે કે, કોઈ દિવસ એક્ઝિત પોલ જોઈએ મીઠાઈ ખરીદવી ના જોઈએ. દેશની વાત કરીએ તો અત્યારે ભાજપ પાસે 10 રાજ્યોમાં મુખ્યમંત્રી છે. તે જ સમયે, ભાજપ છ રાજ્યોની સરકારમાં ભાગીદાર છે. કોંગ્રેસ પાસે ચાર રાજ્યોમાં મુખ્યમંત્રી છે. જ્યારે, કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં ગઠબંધન સરકારનો ભાગ છે. સાત રાજ્યો એવા છે જ્યાં અન્ય પક્ષોની સરકારો છે. પંજાબ અને દિલ્હી એમ બે રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પશ્ચિમ બંગાળમાં TMC, તેલંગાણામાં BRS, આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસ, ઓડિશામાં BJD અને કેરળમાં ડાબેરી ગઠબંધનની સરકાર છે.

    મે 2014માં નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી હતી. તેઓ સત્તામાં આવ્યા ત્યારે દેશના સાત રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષો સરકાર ચલાવી રહ્યા હતા. તેમાંથી પાંચ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી હતા, જ્યારે તેનો સાથી પક્ષ આંધ્રપ્રદેશ અને પંજાબમાં સત્તામાં હતો. એટલે ભાજપની સરકાર કેન્દ્રમાં આવી પછી સંગઠનમાં પણ અમુક વસ્તુ બદલી ગઈ. મોદી લહેર પહેલી લોકસભા વખતે કામ કરી ગઈ આ વખતે હવે આ રાજ્યોમાં મોદીની ગેરંટી એ ઇમ્પ્રેશન જમાવી. આમ તો જ્યારે પણ પરિણામ આવે ત્યારે સંઘ પરિવારની વાત થઈ જાય છે. પણ ઘણા એવા કિસ્સા એવા પણ જોવા મળ્યા કે, સંઘ કરતા સંગઠનનું વલણ જુદું રહ્યું. માત્ર મત અપીલની વાત કરતું સંઘ એક વાત પર કાયમ રહ્યું. સનાતન ધર્મના મુદ્દા અને હિન્દુત્વ. જોકે વાતના મૂળ દક્ષિણમાં છે. સ્ટાલિન પુત્રનું નિવેદન બીજા રાજ્યોને અસર કરી ગયું. જોવાનું એ રહે છે કે, મુખ્યમંત્રી કોણ બને છે. રાજકીય કેબીએમ (કૌન બનેગા મુખ્યમંત્રી) ભલે કોઈ પણ જીતે પણ સરકાર સંગઠનની સંચાલન છબી થી ચાલશે. એ નક્કી છે.


Comments