પૈસા દબાવીને બેઠા છે, ખામોશી કો ખામોશી સે...
ગુજરાત એક એવો પ્રદેશ કે જ્યાં વિકાસના નામે કામ પણ થાય, નામ પણ થાય અને દામના પણ વહીવટ થાય. છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યના દરેક મહાનગરમાં ચોક્કસ પ્રકારના બાબાએ સૌને પાગલ બનાવી દીધા છે. એ ખુદ કહે છે કે, બધા પાગલ છે. ચોક્કસ સમયના અંતરે બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળતા નિશ્ચિત રંગ ધારી બાબાઓ ચૂંટણીના અમુક સમય પહેલા વરસાદી માહોલ બંધાય એમ સક્રિય થાય છે. જે સીધી રીતે તો કોઈ પક્ષ સાથે જોડાયેલા હોતા નથી. પરંતુ પરોક્ષ રીતે અમુક રાજકીય પક્ષો એમની સાથે પ્રખર વિચારધારાથી જોડાયેલા હોય છે. દેશના ઇતિહાસમાં બેંકના પૈસા કે પછી કોઈ સંસ્થાના પૈસા દાબી જવામાં ચોક્કસ ભેજાબાજોની અક્કલ કામ કરતી હોય છે.
દિલ્હીમાં જેની ખુરશી પડે છે એ નેતા ખુદ એમ કહે છે કે, એમના પણ કરોડો રૂપિયા સામે કોઈ એક નેતાએ જ બુચ માર્યા છે. એટલું જ નહીં મીડિયા રિપોર્ટ તો ત્યાં સુધી અહેવાલ રજૂ કરે છે કે, બુચ મારનાર નેતા એ જ રાજ્યના મહાનગરમાં અન્ય લોકોના નામે દસ્તાવેજ કરીને કરોડોની લગડી ખરીદી લીધી છે. વાતનો મુદ્દો ત્યાંથી અટકતો નથી, પરંતુ આવા તો અન્ય નેતાઓના શ્યામલક્ષ્મી (બ્લેકમની) લઈને અન્ય શ્યામકાર્ય(બ્લેક વર્ક) માં હોમી દીધા છે. જોકે હકીકત એ પણ સ્વીકારવી પડે કે, દુનિયાના કોઈપણ ચલણની ઉપર તે વાઈટ મની છે કે, નહીં તેનો કોઈ પુરાવો નથી હોતો. નેતા પાસે આટલી અને આવડી આવક એક પદ પર હોવા છતાં કે ન હોવા છતાં હોવી એ પણ વિચારવા પ્રેરે એવો મુદ્દો છે. વાત જ્યાં દાબવાની આવે ત્યાં એક શરાબ અને શબાબનો શોખીન હજુ પણ સરકારી બેન્કના કરોડો દાબીને વિદેશના સામ્રાજ્યમાં ટેસડો કરે છે. ફાટીને ધુમાડે ગયેલો ભડવીર દેશમાં આવવાનું નામ લેતો નથી. ચોક્કસ સમયના અંતરે એને ફરીથી દેશમાં લાવવા માટે અને કાયદો ભણાવવા માટે ખૂબ ધમપછાડા થાય છે. પણ આ બધું કિનારે બેસીને છબછબિયા કરનારાઓ પૂરતું નિમિત છે.
પ્રજાની સેવા કરનારા નેતા હરીફ નેતાને હંફાવે એવું તો ચૂંટણી પરિણામ વખતે અનેક વખત પુરવાર થયેલું. પણ હવે એક નેતા જ બીજા નેતાને 'વિકાસ'ના નામે કે 'વહીવટ'ના નામે ખંખેરી લે. એ અમુક ઇન્ટરવલ પછી સામે આવે કે, જેનો ઉકળાટ વિદેશી કંપનીનું ઉત્પાદન પણ સામાજિક માધ્યમ ઉપર ઠલવાઇ જાય ત્યારે સમજાય કે, ખરેખર સામાન્ય માણસ નહીં, પરંતુ ખુરશીમાં બેઠેલા વ્યક્તિના ખિસ્સા ખોટી રીતે ખાલી થાય ત્યારે પેટમાં તો દુ:ખે જ છે. મહાનગરનો મોટો વિકાસ સૌને નજરે ચડે જાય. ખાસ કરીને જ્યારે તંત્રની પ્રવૃત્તિ વિશાળ ફલક પર વંટોડિયામાં જેમ કચરો તોફાને ચડે એમ એક બ્રિજ સોશિયલ મીડિયાના વંટોડીયામાં અફડાયો છે. 40 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ ચાર વર્ષમાં ખખડી ગયો. એના પાયામાં પણ વસ્તુ એ જ છે કે, કંપનીના નામે તે જવાબદાર વ્યક્તિના નામે કોઈક કાવડિયા દબાવીને બેઠું છે. એટલે દાબવાની પ્રવૃત્તિ કોઈ પણ પ્રોજેક્ટના પાયામાં રહેલી છે. એવું એનું પરિણામ કહે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અન્નકોટ નહીં તો પ્રસાદી. ટૂંકમાં કંઈક મળે તો છે જ. જે ખરેખર દાબવા લાયક હોય છે. રાજ્યના જુના પાટનગર ગણાતા શહેરમાં એક વિસ્તારમાં બે અલગ અલગ કંપનીઓએ તૈયાર કરેલા બ્રિજનું વર્ષ 2017 માં લોકાર્પણ થયું હતું. જે પછી ચાર વર્ષમાં ખખડી ગયો. બ્રિજની હાલત એટલી બગડી ગઈ કે, અંતે તેને જાહેરમાં તાળું ન હોવા છતાં બંધ કરી દેવામાં આવ્યો. ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરનારા ખરેખર તો આ મુદ્દે આજીવન મૌન વ્રત લઈને બેસી ગયા છે.
વિપક્ષના વિસ્તારપતિ અનેક વખત આક્ષેપબાજીના આખલા યુદ્ધમાં બાહુબલી પુરવાર થયા છે. પણ મુદ્દો ટસનો મસ થાય એમ નથી. એટલે ત્યાં પણ વિચારવા જેવી વાત એ જ છે કે વિકાસના કામમાં પણ કંઈક દબાઈ ગયું છે. ખુરશી પર આવીને પદના પાવરથી એક લેવલ સુધીના સ્ટેજ પર સફળ થયેલા અધિકારીઓને દબાવવામાં પણ આવા જ નેતાઓ ફાવી જાય છે. એટલે મુદ્દો ત્યાં પણ કંઈક દબાવવાનો અસર તો કરે જ છે. એમાં કઈ ફાઈલ કેવી રીતે દબાઈ એનું વિશ્લેષણ ભાગ્યે જ કોઈ પીએચડી નું રિસર્ચ કરે એવી રીતે પાસ થઈને બહાર આવે છે. ટેક્સની ચોરી અને પથકરથી થતું કલેક્શન મસ્ત મોટા આંકડા સાથે બહાર આવે છે. એમાં ચોરી કરનારાઓ પણ ઝડપાય છે. આટલા મોટા કેશ કલેક્શનથી હાઇવે પર થતા નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. આવી વાત વર્ષાઋતુના અંતે દરેક નેતા એક વખત તો કહે જ છે. હવે વિચારવાનો મુદ્દો એ છે, ટોલટેક્સ થી થતા કલેક્શનનો આંક આટલો મોટો હોય તો માત્ર ચોક્કસ રૂટ પર થતા ખાડા સમથડ કરવામાં શું બધા રૂપિયા વપરાઈ જાય? એટલે અહીંયા પણ કંઈક તો દબાઈ જાય છે. રૂટ ઉપર બીજું કંઈ દબાઈ કે ન દબાઈ વાહનના ટાયર અને એની ઉપર બેઠેલાની કમર તો સો ટકા દબાઈ જાય છે. સરવાળે ગુજરાત રાજ્યનું હાલમાં ચિત્ર તો એવું છે કે, ક્યાંક કોઈક ખૂણે કંઈક તો દબાઈ જાય છે. નેતા સામે અધિકારી, અધિકારી સામે પ્રજા, ઇન્વેસ્ટીગેશન સામે કેસ તો એજ્યુકેશનના નામે ચોક્કસ બેઠકો. ચૂંટણી સુધી એક એવો પક્ષ ઉભો થાય છે જે શાંતિથી દબાવે છે અને બીજો જાહેરમાં દાબે છે. પછી ખુરશી સુધી પહોંચવા ખુલાસાઓના વાયદા બજાર એવા ખુલે છે કે એનાથી મોહિત થઈને પ્રજા દબાઈ જાય છે.
આઉટ ઓફ ધ બોક્સ
જિંદગીમાં બનવું ને તો બાવળ જેવા બનવું, આપમેળે ઊગી નીકળવાનું અને કોઈ સળી કરવા પણ ન આવે. નજીકમાં આંબો આવ્યો હોય તો કેરી સુધી પહોંચતા પણ બીક લાગે કારણ કે બાવળના કાંટા તો વાગે ને!
No comments:
Post a Comment