ભારત દેશના મરી મસાલાનું માર્કેટ આજકાલનું નહીં પરંતુ અંગ્રેજોના સમયથી એટલું વિશાળ છે કે સાત સમંદર પારથી આવેલા વેપારીઓ કે ફિરંગીઓ પોતાની સાથે ટનના મોઢે મરી મસાલા ભેગા લઈને જતા. ખાસ કરીને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં મરી મસાલાઓની વ્યાપક માંગ તેમજ ઉત્પાદકતાના કારણે આ માર્કેટને એક મોટું ફલક મળી રહ્યું. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં મસાલા માર્કેટમાં એક એવી ગરમી જોવા મળે છે જાણે વૈશ્વિક માર્કેટમાં પ્રગતિથી આવેલી ભારતીય શેર માર્કેટની તેજી. વર્ષમાં એક વખત તેજીમાં અને કાયમી ધોરણે ફાયદામાં રહેતી ગરમ મસાલાની માર્કેટ એ આ વખતે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે.
ગેસ તેમજ અન્ય જીવન જરૂરી વસ્તુઓના ભાવતો વધી જ રહ્યા હતા એવામાં આ વખતે ગરમ મસાલા એ બરાબરનો આર્થિક સ્વરૂપે છમકારો કરી દીધો. એવામાં ઉનાળાનું અમૃત ગણાતું એવું લીંબુ તેમજ કઠોળના ભાવે સિક્સ મારતા ખરા અર્થમાં નાના વર્ગોના સીસકારા નીકળી ગયા. દર વર્ષે મસાલા માર્કેટમાં દેખીતી રીતે ભલે કોઈ ભાવ વધારો જોવા ન મળે પરંતુ આ વખતે સીધા પાંચથી વીસ રૂપિયા સુધીના ભાવ વધારે મસાલાનો સ્વાદ બગાડ્યો છે. આ નાનકડા એવા પરિવર્તનની મોટી અસર એ થશે કે હવે હોટેલ નું ફૂડ ખરા અર્થમાં દરેકના ખિસ્સાને પોસાય એમ નથી. જીરુ એલચી મરચું હળદર ધાણાજીરૂ અને રાઈ જેવા પાયાના મસાલા મોંઘા બનતા ખરા અર્થમાં થાળીમાં વિકાસના બદલે ફિક્કાસ પેશી ગઈ છે.
છૂટક માર્કેટના વેપારીઓ તો ત્યાં સુધી કહે છે કે સ્ટોક કરાવનારાઓ દિવસે દિવસે વધતા જાય છે પરંતુ અત્યારે ભાવની સ્થિતિએ એક નિશ્ચિત માત્રાથી સ્ટોક કરાવો કોઈને પરવડે એમ નથી. એક સમય આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એવો પણ રહ્યો હતો કે લોકો મસાલાની સિઝનમાં કાચો માલ ખરીદીને ચોક્કસ કટીંગ તેમજ પ્રોસેસિંગ બાદ 12 મહિના સુધી ચાલે એટલો મસાલો ભરી લેતા. આવા દિવસોમાં કંપનીઓની ખરી કસોટી થાય છે તો બીજી તરફ રોકાણ સામે રેવન્યુ ઊભી કરવા માટેની પણ માર્ચ મહિનાની સિઝન વેપારીની દ્રષ્ટિએ વસંત સમાન છે. કારણ કે સમગ્ર સ્ટોક એક સમય સુધી ભરી લેવાથી માત્ર પીલવાનું કામ જ કરવાનું હોય છે. પેકેજીંગ અને ટ્રાન્સપોર્ટ દરેક કંપનીએ પોતાના ખર્ચે વસાવેલા હોવાથી એક મોટી રેવન્યુ બચાવી શકાય છે.
માર્કેટ રિસર્ચ કરનારા ઓ તેમજ કોમોડિટી ઉપર નજર રાખનારા નિષ્ણાંત ત્યાં સુધી કહે છે કે મસાલાની કોમોડિટી આવનારા દિવસોમાં હજુ પણ મોટું માર્કેટ ઉભું કરશે પરંતુ પાયામાં પડેલી તિરાડમાંથી વહી જતું આર્થિક બજેટ આ માર્કેટમાં મોટા માથાઓને જ ટકવા દે એવું લાગે છે. વર્ષો જૂની કંપનીઓને પણ કોરોનાકાળ પછી બેઠા થવામાં પરસેવા આવી ગયા. જીવન જરૂરી તેમજ થાળીના પ્રાથમિક વિચારમાં મસાલા પ્રથમ ક્રમે આવે છે. ભાવ વધારો દરેક વ્યક્તિને કે વર્ગને અસર કરે છે. મસાલા માર્કેટ વિશે કિંમતનું અમરત્વ કાયમી નથી હોતું. કરન્સીની કડાકૂટ વચ્ચે ક્યારેક નિકાસમાં ખોટના ભોગે ભાવતાલ કરવાનો વારો આવે છે.
ગુજરાતમાં ગોંડલનું મરચું સૌથી વધારે જાણીતું છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં પાકતું મરચું આ વખતે અત્યંત ઓછું છે. ગુજરાત બાદ તમિલનાડુ મરચાનું સૌથી મોટો માર્કેટ મનાય છે જ્યાંથી સ્ટોકનો ઓવર ફ્લો નહીં પરંતુ લિમિટેડ માર્કેટ ઓપરેટ થાય છે. આની સામે બીજા મરચાં અને કે મસાલાઓને રાખવાની કે સાચવવાની જવાબદારી એક ત્રીજી વ્યક્તિ પર આવે ત્યારે સાચવણીના ફદીયા પણ ચૂકવવા પડે છે.
સરવાળો ઉત્પાદનથી માંડીને વેપારી સુધીની આખી શૃંખલામાં પ્લસ-માઇનસ કોઈ પણ થાય કન્યા નામની કેડ ઉપર નૃત્ય થતી આર્થિક અસમાનતા એક આખા વર્ગને રેવન્યુના રૂપમાં તોડી રહી છે. મસાલાની સિઝનનો પણ ભવ્ય ભૂતકાળ રહ્યો છે જે ઘણી વખત આપણા નાની કે દાદી વાગોડે ત્યારે ખરા અર્થમાં એવું લાગે કે પાસ્ટમાં ખોવાયેલા લાસ્ટના મોજામાં માહોલ શમી ગયો. ઘરમાંથી આવતી મસાલાની સોડમ ખરા અર્થમાં ઉત્સવ સમાન સચવાતી અને ખરીદાતી. જે રીતે જિંદગીની ઘટનાઓને તટસ્થતાથી સ્વીકારવી પડે એ જ રીતે આ ભાવ વધારાને યસ કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે કાચા માલની સામે દળવાની કે કાપવાની પ્રક્રિયા મોટા બજેટની બની રહે છે. સત્તાની ખુરશી પર આવીને થતા ફાયદા માર્કેટ સામે ક્યારેક સાચા પુરૂવાર થતા નથી. આવી પરિસ્થિતિ વચ્ચે ખરા અર્થમાં મરવાનો વારો તો ખેડૂત અને મધ્યમ વર્ગનો જ આવે છે. આમાં કોઈ કંપનીના શેર ઘટે કે વધે એવી કોઈ મસાલા માર્કેટમાં પાંચ રૂપિયાના કમિશનમાં પણ કોઈ ઉભું રાખતું નથી.
આંતરરાજ્યોની થતી ખરીદી મસાલા માર્કેટની અંતર્ગત ઘણી બધી રીતે વિવિધતા પ્રેરે છે. કારણ કે જે ગોંડલનું મરચું ગુજરાતમાં કે એના આસપાસના રાજ્યમાં ખવાય એટલું ઝડપથી કોઈ ઓડિસાના ગામડાઓમાં ખવાતું નથી. આ પણ હકીકત છે. આપણા ઘરનો સિદ્ધાંત હોય કે માર્કેટના નિયમો વસ્તુ તો એક જ હોય છે કે જે ગુણવત્તા યુક્ત હોય એની સૌથી વધારે માંગ રહે છે. માંગની સામે કિંમત પર અંકુશની ટકાવારી હોય તો દરેક વર્ગને બે ટંકનું ભોજન અને તેને ગમતો સ્વાદ અવશ્ય મળી રહે. પરંતુ સત્તા પર રહેલા કોઈ લોકોને આવી તીખાશ નડતી નથી.
આઉટ ઓફ ધ બોક્સ
જ્યાં લાગણીનો ટેકો મળી જાય ત્યાં પછી લાકડીની જરૂર રહેતી નથી. વ્યક્તિની કદર કરી લેજો ભલે સંબંધમાં ગમે એટલી મસાલાની તિખાશ હોય, કારણ કે, એક વખત વ્યક્તિ કાયમી ધોરણે સૂઈ ગયા બાદ ઊઠતા નથી.
No comments:
Post a Comment