Sunday, May 01, 2022

GSTથી કરોડોનું ક્લેક્શન છતાં યથાવત છે મોંઘવારીનું ઈન્જેક્શન

 GSTથી કરોડોનું ક્લેક્શન છતાં  યથાવત છે મોંઘવારીનું ઈન્જેક્શન

કોરોનાના કપરા કાળબાદ આર્થિક રીતે સદ્ધરતા તબક્કાવાર આવી રહી છે. મહાનગર અનલોક થતા આર્થિક પ્રવૃતિઓને વેગ મળ્યો છે. તેમ છતાં ઈકોનોમી ક્ષેત્રમાં અનિશ્ચિતતાના વાદળ છે. એવામાં દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારામણ કહે છે કે, દેશમાં કોઈ મોંઘવારી નથી. હવે સામાન્ય પ્રજાની વચ્ચે કે કોઈ મજૂરની વચ્ચે આ મેડમ વગર સિક્યુરિટીએ ભૂલથી પણ આવી જાય તો? શાબ્દિક લાવારસ જ એટલો સામે આવે તો મિલિયન ડૉલરની ઈકોનોમીના વિચાર પણ એમાં હોમી જાય.એવામાં ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું. તેમ છતાં મૌન બનીને ઠોંસા મારતી મોંધવારી ઘટવાનું નામ લેતી નથી. બીજી તરફ માર્ચ મહિનામાં જ દેશના અદાણી ગ્રૂપના સર્જક ગૌતમ અદાણી સતત બે વખત ધનકૂબેરોની યાદીમાં ટોચનું સ્થાન પામ્યા. અદાણીએ મીડિયા સેક્ટરમાં રોકાણ માટે વિચાર્યું છે એ વાવડમાં તો અમુક ફેકું અંકલે એવા ઘી તેલ પૂર્યા કે ચોક્કસ ચહેરો ધરાવતા પત્રકારોએ તો એના પીઆરઓ સુધી લોબિંગ ગોઠવી નાંખ્યું. પણ સરવાળે જોવામાં આવે તો મીડિયાથી લઈને માર્કેટ સુધી ક્યાંય કોઈ રાહત નથી. કરોડોનું ક્લેક્શન હોવા છતાં ક્યાં કોઈ કરવેરા ઘટ્યા, ક્યાં કોઈ યોજનાથી લાભ થયો? એક જ અક્ષરનો જવાબ ના. પણ એવું લાગે છે કે જ્યારે ગંગા નદીના તળ સુકાશે અને હરણ હડ્ડી ખાશે ત્યારે અચ્છે દિન આવશે. સરકારની કમાણીમાં સુનામીના મોજા જેવડો ઉછાળો આવ્યો છે. 2025 સુઘીમાં ભારતની ઈકોનોમીને ફાઈવ ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવા માટે મોંઘવારીનું એન્જીન બુલેટ ટ્રેનની જેમ દોડી રહ્યું છે. સામાન્ય લીંબુના ભાવે આર્થિક રીતે કોમનમેનનો કસ કાઢી નાંખ્યો. 

એપ્રિલ 2022 માં GSTR-3B માં કુલ 1.06 કરોડ GST રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. એપ્રિલ 2021ની સરખામણીમાં એપ્રિલ 2022માં GST કલેક્શનમાં 20 ટકાનો વધારો થયો છે. હવે આટલી મોટી કમાણી થઈ રહી છે તો દેશની પ્રજાને મોંઘવારીથી મુક્તિ ક્યારે મળશે? આની આગાહી કદાચ કોઈ બાબા કરી દે અવશ્ય વિધાનસભાની ચૂંટણીમાં બાબા ચૂંટાઈ જાય. પણ આપણા દેશમાં એક જાણીતા બાબાએ પહેલા બધાને આસન કરાવ્યા અને પછી પોતે ધંધાના આસન પર બેસી ગયા. આ આંકડો તો માત્ર GSTનો છે. પણ ઈન્કમટેક્સ, સીમા શુલ્ક અને કોર્પોરેટ ટેક્સમાંથી પણ સરકારને કરોડોની આવક થઈ રહી છે. પણ જે રીતે નાણામંત્રાલયના અધિકારીઓ દાવા ઠોકે એના પરથી લાગતું નથી કે, મોંઘવારી ઘટશે. સરકાર ખુદ સ્વીકારે છે કે, ટેક્સથી કમાણીનો આંકડો મોટો છે. ગત વર્ષે જ 22.17 લાખ કરોડ રૂપિયાની આવક માત્ર કરવેરાથી થઈ હતી. કોર્પોરેટ ટેક્સ એટલે કંપનીઓને થતી કમાણી પર ટેક્સથી થતી આવક ટકાવારીના સંદર્ભમાં ડબલ ડિજિટમાં છે. સરકારી સોર્સ સિવાય ટોલ ટેક્સની આવક, વ્યક્તિગત રીતે ભરાતા ઈન્કમ ટેક્સ, પેનલ્ટી સહિતના સ્ત્રોતનો સરવાળો કરવામાં આવે તો સંપત્તિ ક્યાં જાય? તેમ છતાં ભૂમાફિયાઓની જમીન પર શિકારી નજર, ટેક્સ ચોરી, દરોડા વખતે થતી ખાસ પ્રકારની 'વ્યવસ્થા'  અને 'વહીવટ' તો યથાવત જ છે. હવે આ તમામ રકમનો સરવાળો કરવામાં આવે તો એક બીજું આખું ડિપાર્ટમેન્ટ ઊભું થઈ જાય. ઘણા એક્સપર્ટ એવું માને છે કે, કમાણી અને વ્યાપાર એમ બંને થઈને ટેક્સ વ્યવસ્થામાં સુધારો થયો છે. પણ જ્યારે દરોડા પડે છે ત્યારે ગોઠવણ તો બહાર આવતી નથી? કોઈ અધિકારીની ઈમાનદારી પર પ્રશ્ન નથી. પણ બધા ઈમાનદાર પણ નથી જ. હવે એવો સમય નથી કે, કમાણી છુપાવી શકાય. પણ ભ્રષ્ટાચારની રકમ ઉપર ટેગ કે નામ અંકિત નથી હોતું. આ હકીકત પણ સ્વીકારવી પડે. મંત્રાલયે જણાવ્યું હતું કે, 2.24 લાખની રકમ તો કરદાતાઓને આપી દીધી છે. પણ એન્ડ યુઝર એટલે ગ્રાહકોને શું ફાયદો?

વેક્સીન દેશની પ્રજાને મફત આપવામાં આવી. જ્યારે આ અભિયાનનો પ્રારંભ થયો ત્યારે ક્રુડની માર્કેટ સ્ટેબલ હતી એક ચોક્કસ સમય સુધી. પણ પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝના નામે જે વસુલી થાય છે એનો ટોટલ માત્ર એક પેટ્રોલ પંપ દીઠ કરવામાં આવે તો છ મહિનાનો ટોલ ટેક્સ માફ થઈ શકે. એક્સાઈઝના નામે જે પઠાણી ઉઘરાણી ફરજિયાત બની છે એના કારણે પ્રજાને ડામ લાગ્યા છે. પણ એક ચોક્કસ પ્રાંતની પ્રજા પુષ્પપ્રેમી છે. એમણે એ ગીતને પોતાના દિલમાં કોતરી રાખ્યું છે. કિતને ભી તુ કરલે સિતમ, હસ હસ કે સહેંગે હમ. ફ્યૂલ ક્ષેત્રે રાહત આપે એવી કોઈ સરકારી યોજના ખરા? એક આખી સાયકલ સમજવા જેવી છે. ખેડૂતને યોગ્ય ભાવ મળતા નથી. પણ જ્યારે તે પોતાના ઉત્પાદન વેચે છે ત્યારે બે ટંકનું જમી શકય એટલું મળે છે. એ જ ઉત્પાદનને જેટલી મોટી માર્કેટ સુધી લઈ જાવ એ વચ્ચેના તમામ કમાય. જેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો ટ્રાંસપોર્ટ વાળા, ગેસના ભાવ વધે તો હોટેલવાળા, તેલના ભાવ વધે ફરસાણવાળા, એટલે જે વચ્ચે છે એ કમાય છે બાકી સેલેરી કે ફિક્સ આવક પર જીવતો માણસ પિસાય છે. દરેક વેપારીને એક જ પ્રશ્ન છે કે જ્યારે એ ખરીદી છે ઉત્પાદનની તો શું એની મૂળ કિંમત એ જ હોય છે જે ગ્રાહકને અપાય છે. ના, નફો ઉમેરાય અને કમિશન ખવાય. તો પછી નફાના ગાળા સિવાય બાકીની રકમ? એક લાઈનનો જવાબ વચેટિયા ખાય. જેમ જેમ ચૂંટણી આવશે એમ પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર થશે. પછી નેતાઓ દાવા કરશે અમે પેટ્રોલના ભાવ ઘટાડ્યા. ક્યાં તારા ખિસ્સામાંથી કે તારા કહેવાથી ઘટ્યા છે? પાંચ ચોપડી પાસ અને માંડ માંડ ગ્રેજ્યુએટ નેતા એવું કહે વિકાસ થાય છે. પણ કોનો એ તમારે સમજવાનું. મોંઘવારીનો મુદ્દો માત્ર કેન્દ્ર સરકાર પૂરતો નથી. રાજ્ય સરકારનો પણ છે. પણ રોદણા રડવાની આદત પડી હોય એને બીજા સારા વિચાર ન આવે. ઉપરથી ફંડ નથી. તો આટલી આવક જ્યા છે ક્યાં? દરેક સામાન્ય વ્યક્તિને ખૂંચે અને ઊઠે એવો સવાલ છે. અરમાનોના અરિસા પર આર્થિક ફટકો બે વર્ષ સહન કર્યો. પણ જ્યાં જીવનશૈલી સુધારવા પ્રયાસ થાય ત્યાં પૈસો શેરમાર્કેટમાં સેસેક્સ ગગડે એમ પડે છે. સરકાર પોતાના ખર્ચા ઓછા કરે એ પણ એક પ્રેશર છે. સીધું ગણિત છે તાયફા ઓછા કરો. રાહત આપો. આવનારા દિવસોમાં દરેક અભ્યાસ ક્રમમાં એક રીસર્ચનો વિષય કદાચ ઊભો થાય તો નવાઈ નહીં કે, ભારતમાં મોંઘવારી ક્યારે ઘટશે? આના પર જે પીએચડી કરશે એને પ્રજા ખોબલે ખોબલે પસંદ કરશે પણ એના ગાઈડને અવશ્ય નેતા બનાવશે.


આઉટ ઓફ બોક્સ

દુનિયાની કોઈ કરંસી પર લખ્યું નથી કે તે બ્લેક મની છે કે વ્હાઈટ. બસ નોટબંધી અને GST લાગુ થયા ત્યારે વ્યાખ્યા સ્પષ્ટ થઈ

Wednesday, April 13, 2022

અંગ્રેજોનું પૂર્વ આયોજિત કાવતરૂ એટલે જલિયાવાલા બાગ નરસંહાર

અમદાવાદના આંદોલનનો અવાજ છેક અમૃતસર સુધી પડઘાયો

તા.13 એપ્રિલ 1919. ભારતની આઝાદીના ઈતિહાસમાં એક એવો કાળો દિવસ જેને પંજાબ ક્યારેય ભૂલી નહીં શકે. માનવ ઈતિહાસની એ ભલ્લાદેવ કરતા પણ ક્રુર ઘટના જેમાં હજારો-લાખોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા. પંજાબના અમૃતસરમાં આવેલો જલિયાવાલા બાગ જ્યાંની માટી ખોદતા લાલ રંગ જોવા મળે એટલો મોટો અને દેશની આદાઝીનો પહેલો નરસંહાર. જેણે આઝાદીની લડતના બીજ એટલા ઊંડા રોપ્યા કે અંગ્રેજોની નાકે દમ આવી ગયો. બ્રિગેડિયર જનરલ રોજીનોલ્ડ ડાયરે જે ગોળીબાર કર્યો એમાં અનેક નિર્દોષ શિકાર થઈ ગયા. પણ એ પહેલા તા.10 એપ્રિલ 1919ના રોજ અમૃતસરમાં અંગ્રેજો સામે એક વિરોધ પ્રદર્શન થયું હતું. જેને અંગ્રેજો સહન કરી શક્યા નહીં. અંગ્રેજી યુવતીઓ અને બાળકો પર હુમલો થયો હતો. કેટલીય જગ્યાઓ પર આગચંપી કરવામાં આવી હતી. પણ જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી અને પહેલાની કેટલી ઘટનાઓનું રીસર્ચ કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ થાય છે કે, ભારતીય વિરૂદ્ધ અંગ્રેજોનું આ એક પૂર્વ આયોજિત કાવતરૂ હતું. આઝાદી માટે સૌથી વધાર માર અને ત્રાસ જે શહેરે સહન કર્યો એમાં કોલકાતા બાદ પંજાબના શહેરનો ક્રમ આવે છે. અંગ્રેજોએ ભારતીયોને પાઠ ભણાવવા માટે એક પ્લાનિંગ કરી રાખ્યું હતું. 

        વર્ષ 1918માં અમદાવાદમાં મિલમાં હડતાળ અને એને મળેલું જનસમર્થન અંગ્રેજો જોઈ શક્યા નહીં. આ તા.13 એપ્રિલ પહેલા બનેલી અંગ્રેજો સામેની સ્વતંત્રતા માટેની મોટી ઘટના પૈકી એક. એ પછી વર્ષ 1919માં રોલેટ એક્ટ આવ્યો. જે અંતર્ગત આતંકવાદી પ્રવૃતિઓ રોકવા માટે ભારતીયો નાગરિકોના અધિકાર પર અંગ્રેજોએ રીતસરની સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. વિશ્વયુદ્ધ બાદ આ પ્રકારનો કાયદો આવશે એવી કોઈને અપેક્ષા ન હતી. આખા દેશમાં આ કાયદાના વિરોધમાં જન આંદોલન શરૂ થયા. જેમાં ગાંધીજીએ ગામે ગામે જઈને લોકજાગૃતિ લાવવા ઝુંબેશ શરૂ કરી. 

રેલી, સભા, જનસંવાદ, યોજનાઓ અને લોક ભાગીદારીની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે અંગ્રેજો  ચોંકી ગયા હતા. માર, માનસિક ત્રાસ અને ડામ જેવી કંપાવનારી સજા સહન કરીને પણ આહ..ની જગ્યાએ ઈન્કલાબ ઝિંદાબાદ મોઢેથી નીકળતું. માર્ચ અને એપ્રિલ 1919 આ બે મહિનામાં સ્વતંત્રતા માટેનું એવું જડબેસલાક પ્લાનિંગ થયું કે, અંગ્રેજ શાસકોની મુશ્કેલી જેટલી દિવસે વધતી ન હતી એટલી રાત્રે વધતી. કારણ કે ઘટનાઓને અંજામ રાત્રે જ અપાતો. રોલેટ એક્ટની સામે અંગ્રેજોએ એવો બળ પ્રયોગ કર્યો કે, લખનૌ, પટણા, કોલકાતા, મુંબઈ, કોટા અને અમદાવાદમાં વિરોધ પ્રદર્શનને કચડવા અંગ્રજોએ મનફાવે એમ લાઠીચાર્જ કર્યો. ગોળીબાર કર્યો. તા.6 એપ્રિલના રોજ ગાંધીજીએ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું. જેની સામે અંગ્રેજોએ જેલભરો મિશન ચલાવ્યું. ક્ષમતા કરતા વધારે લોકોને જેલના એક બેરેકમાં લોક કરી દીધા. તા.13 એપ્રિલના રોજ જલિયાવાલા બાગમાં લોકો અંગ્રજો સામે વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. જ્યાં જનરલ ડાયરે ગાંડાની જેમ ગોળીબાર કર્યો. આ કોઈ ગઈકાલની ઝેરોક્ષ કોપી જેવી સવાર ન હતી. બ્રિટિશ સામ્રાજ્યની શક્તિનો પરચો હતો. પણ દેશની પ્રજા આજે પણ એ ભૂલી શકી નથી. સ્વતંત્રતાની ચળવળને આનાથી એક નવી દિશા મળી. એ વાત માનવી પડે કે પ્લાનિંગ સાથે પાવર દેખાડો તો અને જનશક્તિથી આગળ વધો એટલે અંગ્રેજો ફફડે. આ હત્યાકાંડના છ મહિના બાદ અંગ્રેજોએ કહેવા પૂરતી એક તપાસ કમિટીનું એલાન કર્યું. 

જેની જવાબદારી લૉર્ડ વિલિયમ હંટરને સોંપવામાં આવી. આ પણ ખરબુદ્ધિનો અધિકારી હતો. કારણ કે મૂળ તો બ્રિટિશર હતા. દેશવાસીઓમાં આશ્ચર્ય કરતા આઘાત વધારે હતો. આ તપાસને હંટર કમિશન નામથી પણ ઓળખવામાં આવે છે. બિન લાદેનના બાપ હોય એવું ડાયરનું બિહેવીયર. 1000 લોકોની હત્યા (ઓફિશિયલ ફીગર, અનઓફિશિયલ તો આંકડો લાખ સુધી પહોંચે) કરનારાને અફસોસનો છાંટો માત્ર ન હતો. ડાયરે કહ્યું કે, ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. પણ એની ગોળીઓના નિશાન હજું પણ જલિયાવાલા બાગમાં છે. બ્રિટિશ સરકાર સામે કોઈ વિદ્રોહ ન કરી શકે એ માટે ડાયરનું આ ષડયંત્ર હતું. વિચારમાં પેટ્રોલ બોંબ જેવી વિસ્ફોટકતા હતી. ઈતિહાસની ડાયરીમાં ડાયર જેવા ક્રુર માણસની તરફેણ કરનારામાં બ્રિટિશર મોખરે હતા.

ડાયરે એવું પણ બોલ્યો કે, હથિયારથી ભરેલી ટ્રક મળી હોત તો ભારતીયો પર ફેરવી દેત. પણ આનો પણ બાપ હતો સરદાર ઉધમસિંહ. જેમે બ્રિટનમાં જઈને ડાયરને ભડાકે દઈ દીધો. પછી આંખમાં આસું તો હતા પણ ઉધમસિંહના ચહેરા પર અફસોસ ન હતો. જેવા સાથે તેવા.અંગ્રેજોની યુનિટી પણ જુઓ લૉર્ડ ઓફ હાઉસે ડાયરના પક્ષમાં વોટિંગ કર્યું હતું. બ્રિટનની જનતાએ ડાયર માટે 30,000 પાઉન્ડનું ફંડ ઊભું કર્યું હતું. હકીકતમાં તો અંગ્રેજોએ ખાસ તો બ્રિટિશરોએ ખરા અર્થમાં પંજાબને સોરી કહેવું જોઈએ. પણ આ તો પુષ્પાના પિતા રહ્યાને. હજું સુધી સોરી નથી બોલ્યા નાક વગરના. પણ નવી પેઢીના ભારતીયો બાપ થઈને એમને આર્થિક રીતે ખંખેરે છે. એમની જ કંપનીમાં મસ્ત નોકરી કરીને જોરદાર કમાય છે. એમણે રાજ કર્યું અને આપણા ભારતીયોએ એના જ દેશમાંથી રેવન્યુ ઊભી કરી.

 જે કુવામાં બચવા માટે પંજાબીઓએ કુદકા માર્યા એમાંથી ત્રણ દિવસ સુધી વાંસ આવતી હતી. પરિવારના પરિવાર ખતમ થઈ ગયા. વિરોધ માત્ર રોલેટ એક્ટનો ન હતો. કર્ફ્યૂ વચ્ચે જલિયાવાલા બાગમાં લોકો એકઠા થયા હતા. તો ઘણા એવા પરિવારો હતો જે વૈશાખીના પવિત્ર પર્વ પર મેળામાં આવ્યા હતા. 10 મિનિટમાં 1650 રાઉન્ડ ફાયર. પ્રવેશ અને બહાર જવા માટે માત્ર એક જ સાંકળો રસ્તો. પણ ખોટા રસ્તેથી મહાત આપવાના મનસુબા મહાનતાને હણી નાખે છે. તા. 23માર્ચ 1920ના રોજ ડાયરને દોષિત જાહેર કર્યો. ઓફિશિયલી હાંકી કાઢવામાં આવ્યો. 1940માં સરદાર ઉધમસિંહે ક્રુર દિમાંગ અને ઝનુની શરીરનો અંત આણ્યો. એ તમામ પરિવારો જેણે પોતાના સ્વજન આ ગોળીબારમાં ગુમાવ્યા એમને શ્રદ્ધાંજલી.


આઉટ ઓફ ધ બોક્સ
એક ટૂંકા અંતરનો રસ્તો કાપવો પણ કઠિન હોય છે જ્યારે સાથે ચાલવા વાળું કોઈ ન હોય


Sunday, April 10, 2022

સચ ઔર સાહસ હૈ જીસકે મનમેં અંત મેં જીત ઉસીકી

        રામના નામે પથ્થર તરી જતા અત્યારે "પાર્ટી"ઓ તરે છે

               હિન્દુ ધર્મના માઈલસ્ટોન ગ્રંથ પૈકી એક એટલે રામાયણ. આમ તો આ ગ્રંથની દરેક કથા, પ્રસંગ અને પંક્તિો જીવનને જીવવા માટેનું એક શ્રેષ્ઠ બળ પૂરૂ પાડે છે. આમ તો રામના જીવનનું રીસર્ચ કરવામાં આવે તો ત્રણ પાયા પર ટકેલું હતું. શિસ્ત, સિદ્ઘાંત અને સંયમ. જ્યારે પણ રામાયણની વાત થાય ત્યારે રામનું સ્મરણ સ્વાભાવિક છે. પણ રાજવીનંદન હોવા છતા તેમણે સાદગીને સ્વીકારી એ પણ સત્ય છે. એટલે શીખવા જેવી વસ્તુ છે કે, કોઈ વસ્તુઓનો એટલો મોહ ન રાખવો. દેશમાં અત્યારે રામના મોહમાં એક ચોક્કસ પાર્ટી રાજકાજ કરી રહી છે. પહેલા ભગવો રંગ એક આધ્યાત્મિકતા અને ધાર્મિક પાસાનો પ્રતીક હતો. હવે એ ચોક્કસ પાર્ટીને પ્રમોટ કરે છે. રામાયણના રાવણ અને હાલના કેટલાક રાવણ આમ જોવા જઈએ તો ઘણો તફાવત છે. હકીકત એવી પણ છે કે, સ્વર્ગની અપ્સરાનો રાવણને શાપ હતો કે, જે સ્ત્રીની ઈચ્છા વિરૂદ્ધ તે કોઈ સ્ત્રીને પ્રેમ કરશે અને જો એ સ્ત્રી રાવણને પ્રેમ નહીં કરતી હોય તો એનું પતન નિશ્ચિત છે. એટલે બને ત્યાં સુધી લિમિટમાં રહેવું. સત્ય છે  ત્યાં રામ છે જ. જ્યાં રામ હોય ત્યાં સત્ય હોય જ. જીવનમાં માત્ર વિચારધારાથી કામ ન ચાલે એક્શન અને એફર્ટ્સને એપ્લાય કરતા આવડવું જોઈએ. તીર મારવાથી સ્થિતિ મરી નથી જવાની અને માત્ર બેસી રહેવાથી સાહસ નથી થવાનું. રામ રાજ્યમાં પ્રજા સુખી આ વાક્યનો તો આખેઆખો અર્થ બદલી નાંખ્યો છે સૌએ. પણ રામ એક સારા રાજા કરતા સાચા લીડર હતા. સીતાહરણ થયું ત્યારે હનુમાનજીના સજેશન્સ ચોક્કસ સ્વીકાર્ય હતા જ. પણ એને ક્યા અને ક્યાં એપ્લાય કરવા એનું કામ રામે કર્યું. 



જ્યારે 14 વર્ષનો વનવાસ શરૂ થયો ત્યારે એમની પાસે જંગલમાં રહેવા માટેની ટીમ ન હતી. પણ જંગલમાં રહેતી વસ્તીને ટીમ બનાવીને 14 વર્ષ સુધી એકલતાનો કપરો કસોટીકાળા પૂરો કર્યો. સીતાજી સાથે જ ગયા અને એની સાથે જ પરત ફર્યા. એટલે માત્ર સાહસ કરવાથી સંપત્તિ એકઠી ન થાય. સત્યના માર્ગે ચાલનારાઓમાં સંપત્તિ સંર્જનની વેલિડિટી ખૂબ જ લાંબી અને મોટી હોય છે. આ આજની હકીકત છે. લોકડાઉનના સમયમાં એ જૂની અને જાણીતી રામાયણ સીરીયલ પરી જીવંત થઈ. પ્રસારિત થઈ અને જીવનના સત્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપી ગઈ. જેમ અત્યારે ધોની બેસ્ટ કેપ્ટન છે એમ એ સમયે સીતા સુધી પહોંચવામાં રામ બેસ્ટ લીડર રહ્યા. પણ કોઈને એવું પ્રેશર કર્યું નથી. પણ બધાની વાત સાંભળી જરૂર છે. રામની પર્સનાલિટી એટલે ચહેરા પર 1200 વોલ્ટ જેવું શક્તિશાળી તેજ, શક્તિ અને ગતિ. પણ સિંદ્ધાંતની બાઉન્ડ્રીમાં રહીને બ્લાસ્ટ કરી શકવાની તાકત એટલે રામ. આજે દેશમાં ફ્લેગથી લઈને ફિલ્મ સુધી રામ છે. ફ્લેગ કોનો અને કેવા રંગનો એ સૌ જાણે છે. તાજેતરમાં આવેલી RRR એમાં પણ રામનું પાત્ર ગજબનું છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, કન્નડ ભાષાના ‘પંપા રામાયણ’માં વનવાસમાં અર્જુનની માફક લક્ષ્મણના પ્રેમપ્રસંગો છે. ખિસકોલીને પણ સરળતાથી ખાવાનું મળે એવી વ્યવસ્થા રાધવેન્દ્રની સરકારમાં હતી અત્યારે? રામે દુનિયાને દિશા બતાવી. હૈત, હૈયુ અને પ્રજાનો હરખ માણ્યો. કારણ કે સાચા હતા. સીતાહરણ થવાનું છે એ આખું રાવણનું ઑપરેશન જાણતા હતા. પણ માણસ તરીકે આવેલા મહામાનવની મર્યાદા સમજતા એટલે જ કદાચ મર્યાદા પુરૂષોત્તમ કહેવાયા. રામાણય એટલે નાના પ્રસંગોની મોટી ગુંથણી. જેમાં માન છે, સન્માન છે અભિમાન વગરનો સ્વીકાર છે. સમાજ માટે રામાયણ એ એ સમયનો ચેન્જ હતો. પણ લક્ષ્મણે ક્યારેય ચાન્સ માટે વલખા માર્યા ન હતા. દેશની હાલથી સ્થિતિ પરથી એ વાત નક્કી કહી શકાય કે, રામ હવે રાજકારણમાં પણ છે. ભલે એને પોતાના જીવનમાં કોઈ દિવસ રાજરમત રમી ન હતી. પણ આજે જ્યારે એના નામે ખોટી રમત થાય છે તો એનું દિલ કેટલું દુઃખતું હશે? ભગત શબ્દનો પણ અર્થ ફરી ગયો. 

આટલા વર્ષો પછી પણ એ વાત દાવા સાથી કહી શકાય કે, ભાવિકોના દિલમાં પણ હજું રામ છે. પ્યોર રામ. જેમાં કોઈ રાજનીતિ નથી. ભક્તિની પ્રગતિ છે. સ્વાર્થ નથી પણ કેટલાયના જીવનનો સારથી તો છે. જંગલમાં એકલા હાથે પગલાં ભરવાનું સાહસ રામનું છે. એટલે એના પરથી એ વાત શીખવી જ જોઈએ કે, આપણા જીવનની લડાઈ આપણે જ લડવાની છે. બસ આપણે ખોટા વિચારોના જંગલમાંથી પસાર થવાનું છે. રામની ઊંચાઈ કેટલી આ ભારતીયોમાં ખાસ તો ગુજરાતીઓમાં છે તે એ કે, ગામડે હજું સવારમાં કોઈ મળે તો રામ રામ...કરે છે. એટલે રામ લાગણી છે, સંવેદના છે અને શ્વાસ છે. કેટલાક ભોળા ભક્તોનો. રામ ભલે એ સમયે અવતાર હતા પણ અત્યારે તો સંસ્કાર છે. આપણે કપડું ચોરાય જાય તો પણ બોચા પકડી લઈએ છીએ. રામજીના તો ધર્મપત્ની કિડનેપ થયા હતા. વિચારો... ધૈર્યની કસોટી નહીં માનસિક અગ્નિપરીક્ષા થઈ હશે રામની. પણ એમાંય સાહસ છે. હનુમાનજીના ખભે બેસીને રામ પ્રભુ ઊપડ્યા કારણ કે, સાહસની સાથે વિશ્વાસ હતો કે, આ પાડશે નહીં. આજે તો બીજા પછી પાડે પહેલા તો વિશ્વાસું જ પાડી દે. સારૂ છે રામ અત્યારે સ્માર્ટફોન વાપરતા નથી અન્યથા એક પાર્ટી તો આખે આખા વ્યક્તિની કોપીરાઈટ બુક કરાવી નાંખે. રામે ક્યારેય કહ્યું નથી કે હું કોનો. પણ આજે સૌ કહે છે રામ તો સૌના. રામે પરિસ્થિતિની ગુંચવણ વચ્ચે સત્ય સાથે જીવવાનો સંદેશ આપ્યો. સાચા હશો તો સાહસ અંદરથી આવશે. રામ અયોધ્યા આવ્યા ત્યારે સફળ થયા પણ એની સફળતા કોઈ માટે સમસ્યા બની ન હતી. પણ આપણે ત્યાં પાડોશીનો દીકરો તલાટી થાય એટલે સગા દીકરા પર શબ્દોની સુનામી વરસાવીને માનસિક રીતે પાતાળ લોકમાં મોકલી દે. 

          દરેક રામ ન થાય કોઈ હનુમાનજીની વિચારધારાથી પણ પ્રેરાય. એટલે જેવી સ્થિતિ એવી અનુભૂતિ કરાય. લંકામાં બ્રાહ્મણ થઈને એન્ટ્રી કરાય બાહુબલી થઈને નહીં. સમજાય તો. ત્યાગ અને સાહસ એટલે રામજીવન પણ રામના અવતારથી અંત સુધી કલ્પી ન શકાય એવો ત્યાગ, પીડા અને દર્દનો માઉન્ટ એવરેસ્ટ સહન કરીને જીવ્યા. પુત્રના વિયોગમાં પિતાનું અવસાન. એ સમયે સ્માર્ટફોન હતા નહીં એટલે અંતિમ દર્શન પણ ન પામ્યા. વનવાસ દરમિયાન સીતાહરણ એટલે પત્ની વિયોગ. રાજગાદી પર પાછા ફર્યા બાદ લક્ષ્મણને પોતાની સેવામાંથી મુક્તિ આપી. પછી અંતે સરયું નદીમાં સમાયા. એટલે દરેકની ટાઈમ લિમિટ પૂરી થઈ એમ એને સામેથી છૂટા કરતા ગયા એ રામ. ઓગળી જતા આવેશ બાદ પણ અફસોસ હશે છતાં ક્યારેક વ્યક્ત ન કર્યો એ રામ. સત્તા, સંપત્તિ, સિધ્ધિ અને પ્રસિદ્ધિનું બેલેન્સ જીવન એટલે રામ. દશરથનંદનની જય.

આઉટ ઓફ ધ બોક્સ
લોહીના પરસેવાથી સિંચીને ઊભું કરેલું સામ્રાજ્ય શંકાની એક ફૂંકથી પત્તાના મહેલની જેમ તૂટી પડે. 

Friday, April 16, 2021

સારવારનું ઈન્જેક્શન

  સારવારનું ઈન્જેક્શન

સામાન્ય રીતે જ્યારે કોઈ રોગ એની મર્યાદા વટાવી દે કે તાત્કાલિક સારવાર જરૂરી હોય ત્યારે તબીબો ઈન્જેક્શનની મદદથી નિદાન કરે છે. સોયથી અંદર જતું રસાયણ શરીરની સમસ્યામાં રાહત આપે. પણ આપણા રાજ્યમાં દિલ્હીમાં બેસનારા નેતાએ ઈન્જેક્શનનું વિતરણ કરી સમસ્યા વધારી દીધી. નેતાજીના મિત્રએ આ સ્ટોક લાવી આપ્યો હોવાની વાત વહેતી થઈ. જ્યારે પ્રાંતના સુબેદારે કહ્યું જે લાવ્યું એને પૂછો. આમ તો માનવ જાત જન્મી ત્યારથી સોય ખાતી આવી છે. જેમ જેમ રોગ વધતા ગયા એમ એમ બાળકોને મૂકાતી રસી વધતી ગઈ. એટલે કે આપણને ખૂંચતું સહન કરવાની બાળપણથી આદત થઈ છે. પણ જ્યારે ઈન્જેક્શન જ ન હોય ત્યારે સ્વજનને બચાવવા કેટલી હાડમારીમાંથી પસાર થવું પડે એના ચિત્રો આપણે નજર સમક્ષ જોયા છે.😳 છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં ઈન્જેક્શનની આત્મા જનતાથી લઈને નેતા સુધીના તમામ લોકોને ધૂણાવે છે. સુટબુટવાળા નેતા કહે છે પૂરતો સ્ટોક છે ખાદી ધારીઓ કહે છે કાળા બજાર થઈ રહ્યા છે. પણ આ તો એના જેવો ઘાટ છે કે, તમે લાયસન્સ વગર કાર ડ્રાઈવ ન કરી શકો, બાઈક ન ચલાવી શકો પણ ઈન્જેક્શન વહેચી શકો, એ પણ વગર ચાર્જે.😡 મુદ્દો કોઈ પણ હોય રાજકીય સ્પર્શ લાગ્યા વગર રહેતો નથી. કોરોનાની બીજી લહેરમાં માત્ર ઈન્જેક્શન જ નહીં પણ ઈમોશન પણ ખૂટી ગયા છે. ઈમોજીના બે હાથ જોડી દો🙏 એટલે કામ પતી જાય. અવાજની આતુરતા અસ્ત થતી જાય છે. સ્મશાનમાં અંતિમવિધિ માટે આવતા કેટલાક ઉતાવળીયા ઝડપથી નિકાલ થાય એ રીતે રઘવાયા થયા હોય છે. પણ જે મૃતક છે એની સાથેના સંબંધ કે એને તમારી પ્રત્યે નિભાવેલી જવાબદારીને તો યાદ કરવાનું ભૂલાયું છે. 

આ પહેલા કોરોનાની પ્રથમ લહેરમાં રાશન માટેની લાઈન જોઈ જ્યારે બીજી લહેરમાં રેમડેસિવીર માટેની લાઈન જોવા મળી. અગાઉ દાળ મેળવવા તડકા વેઠવા પડતા હવે દવા લેવા હવાતિયા મારવા પડે છે. પ્રાંતના સુબેદારે તો ત્યાં સુધી કહ્યું છે કે, ઈન્જેક્શનની અછત નહીં વર્તાય. પણ તબીબી હકીકત એવી પણ છે કે, બધાને રેમડેસિવીરની જરૂર નથી હોતી. જેની સ્થિતિ ગંભીર છે અને અન્ય બીમારીથી રોગ વકરવાનું જોખમ છે એના માટે જ આ ઈન્જેક્શન છે. કોરોનાની બીજા સ્ટ્રેઈને એટલા બધા કોન્ટ્રાસ દેખાડ્યા કે પ્રશ્ન થાય છે કે, ખરેખર શું થવા બેઠું છે? પોતાના જ મૃત સ્વજનોનો નિકાલ કરવા પછીની પેઢિ ઉતાવળી થાય છે. તો કોઈ અસ્થિ લેવા પણ આવતું નથી. અખબારી જગતના ઈતિહાસમાં બે-બે પાના ભરીને અવસાન નોંધ આવે એ દયાજનક દિવસો કહેવાય. હોસ્પિટલમાં જગ્યા નથી અને હોટેલ્સ-રેસ્ટોરાં ખાલી ખમ છે. રસ્તા સુમસાન છે અને સ્મશાનમાં ટ્રાફિક જામ છે. ગામના મોઢે ગૈણા ન બંધાય એવું અગાઉ વડીલો કહેતા. પણ કોરોનાએ બધાને ગૈણા બાંધતા (માસ્ક પહેરતા) કરી દીધા. લોકડાઉનથી એક વસ્તુ એ સમજાઈ ગઈ કે, જરૂરિયાત શું છે અને ખોટા દેખાડા શું છે? નકલી લેબલ લગાડીને અસલી લેવલ સાબિત કરનારા પણ ઘણા ઝડપાયા. 👮ઈન્જેક્શન બીજું અને ઉપર સ્ટીકર બીજું ચોંટાડીને બ્લેકમાં ડ્રગ વેચાય એ રીતે સારવારની વસ્તુ વેચનારા ઝડપાયા. આમા તો ડૉક્ટર્સનો પણ સમાવેશ થાય છે. આને આપણે કોરોના વોરિયર્સ કહીશું? 😡પણ બધી કેરી બગડેલી નથી હોતી એમ સફેદ કોટવાળા બધા સારા નથી હોતા. ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરીને જ્યારે વિદ્યાર્થીને પૂછવામાં આવે કે શું બનવું છે? ત્યારે જવાબ આપે કે, ડૉક્ટર. ડૉક્ટર બન્યા બાદ સેવાનો હેતું ઓછો અને સંપત્તિસર્જનનો વધારે હોય છે. અર્થ ઉપાર્જનની પ્રવૃતિમાં બ્રેક ન લાગે એટલે લોકડાઉન નથી કર્યું. પણ શ્રમિકોની વતન તરફની દોટ ફરી જોવા મળી છે. એ પણ આખરે માણસ જ છે ને? ઈન્જેક્શન માટે દોડધામ થાય છે અને વેક્સીન માટે અપીલ કરવી પડે છે. ફટકા બધાને પડ્યો છે અને પીડા બધાને થાય છે. બસ પ્રકારને જુદા જુદા છે. કોઈને પૈસાની છે તો કોઈને પોતાના ગુમાવ્યા નથી. 

ઈલાજ માટેનું ઈન્જેક્શન પોલિટિકલ પ્રમોશન સુધી પહોંચશે એવું તો કોઈએ આ મહામારીમાં વિચાર્યું નહીં હોય. રાય જેવડું કામ અને પેસિફિક જેવડું માર્કેટિંગ તો રાજકારણમાં મોહેંજોદારોના યુગથી ચાલતું આવ્યું છે. એક ઈન્જેક્શન એવું પણ મૂકાવો જેમાં સંયમ અને સમજદારીનું રસાયણ હોય. વિદ્યાર્થીઓને એક એવું પણ ઈન્જેક્શન આપો કે, રીઝલ્ટના બદલે ટેલેન્ટને ઓળખે. જેથી કોઈ પરિણામના દિવસે પંખે ન લટકે, ડેમમાં ડાઈવ ન મારે. એક ઈન્જેક્શન એરિયાધણી (કોર્પોરેટર)ને પણ આપો કે, પોતાના વિસ્તારને કેન્ટેનમેન્ટ ઝોન થતો બચાવે. જેમ મત માગવા આવે છે એમ કોવિડ છે કે નહીં એ પૂછવા આવે. દોરી કાપનારા અને ફોટા પડાવનારા એક વખત પીપીઈ કીટ પહેરીને ડ્યૂટી કરનાર સાથે તો સેલ્ફી પાડો. એક એવું પણ ઈન્જેક્શન આપો જેનો પગાર હજું પણ કપાત થઈને આવે છે. એના શેઠિયાને ભાન થાય કે લોકડાઉનને વર્ષ વીતિ ગયું છે. હવે સર્વત્ર બધું મળે છે. નાના હતા ત્યારે તોફાન કરે એને ડૉક્ટર સોય મારી દે. સજા રૂપે એવું વડીલો કહેતા. તો પહેલી સોય રાજનેતાને મારો કારણ કે, ધાર્મિક તહેવારમાં તાળાબંધી કરી અને ચૂંટણી પૂર્વે રેલા-રેલીઓ કાઢી. 18 વર્ષથી વધારે વયના મતદાતાઓની આખેઆખી યાદી અપગ્રેડ થાય છે તો શું 45 વર્ષ કે તેથી વધુના લોકોનું લીસ્ટ ન મળે? લાગણીનો સ્પર્શ અને કામ કરવાની તરસ ખૂટે છે. બાકી કોઈ પણ ક્ષેત્રના કરિયરની પાછળ કમાણી હંમેશા કેન્દ્રમાં રહી છે. કદાય એટલે જ માણસાઈ માળીયામાં મૂકાઈ ગઈ છે. સમજદારીની સોય નહીં વાગે ત્યાંથી પીડા અને વેદનાની વેલિડિટી રહેવાની છે. 

આઉટ ઓફ બોક્સ

ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકનારી પ્રજા પર કુદરતને ગુસ્સો આવ્યો. જીવતાને માસ્ક અને મરેલાને પ્લાસ્ટિક (પીપીઈ)માં વીટી દીધા

Saturday, January 23, 2021

પેપરલેસ પ્રોસિજરઃ ફોર્મેટ બદલ્યા બાકી ફોર્મ તો એના એ

  પેપરલેસ પ્રોસિજરઃ ફોર્મેટ બદલ્યા બાકી ફોર્મ તો એના એ

કોરોના કાળે આમ તો સર્વત્ર માઠી ઉપર મીઠું ભભરાવીને માર મારવાનું જ કામ કર્યું છે. ફાર્મા અને ડ્રગ્સ સેક્શન સિવાય ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જે આની કાંટાળી ફેન્સિગ હેઠળ ન આવ્યું હોય. પણ કોરોનાના સમયે એ સાબિત કરીને બતાવ્યું કે, કામ કરવું  હોય 'તો' ઓફિસ કે કોઈ એસી રૂમની જરૂર નથી. વર્ક ફ્રોમ હોમનું સુવિધાનો રાતોરાત સૂર્યોદય થયો. હાજરી ઓનલાઈન, ન અંગુઠો મારવાની ચિંતા ન મોઢું દેખાડવાની મથામણ (ફેસ ડિટેક્શન અટેન્ડસનું શુદ્ધ ગુજરાતી). ન વાઉચરમાં સહી કરવાની ચિંતા ન સિસ્ટમની કોઈ ફરિયાદ. એક સરસ સિસ્ટમ એ વિકસી કે કામ કરવા માટે ઈરાદો જોઈએ અડચણ તો ઊભી કરેલી હોય છે. સગવડીયા ધર્મની જેમ અને આપના તો અઢારેય વાંકાની જેમ તે માનસિકતા હતી એ બદલી. પણ આ ચિત્ર મહાનગર પુરતુ જ સિમિત રહ્યું. સૌરાષ્ટ્રમાં તો શેઠિયા ગીરીની લીલ જેવી માનસિતા આવા સાત કોરોનાકાળ આવે તો પણ બદલે એમ નથી. આજીવન કેદ થયું છે કે, કામ તો ઓફિસે આવીને જ થાય. સરકાર પણ ડિજિટલ થઈ ગઈ. ભરતી માટેની પરીક્ષા ઓનલાઈન, ફોર્મ પણ ઓનલાઈન ભરવાના. પણ હજું આવકનો દાખલો, નોન ક્રિમિલિય પ્રમાણપત્ર, લાયસન્સ માટેના ફોમ ઓનલાઈન હોવા છતા ઓફલાઈનની સ્વીકૃતિ વધારે છે. આ વોલ્યુમ પાછળ લેવાતી એક ચોક્કસ રકમ સ્ટેશનરી ખર્ચમાં ખપાવીને 50% રેવન્યૂ ને 50% રોકડી ખર્ચો. પણ યુદ્ધના ધોરણે ડિજિટલ પ્લેટફોર્મ હનુમાન કુદકો મારીને આવેલા આ તમામ પાસા જો પેપરલેસ અભિગમ અપનાવે તો ઘણું કામ સરળ થઈ શકે છે. અનેક વખત સરકારી વેબપોર્ટલના સર્વર ડાઉન થાય, જેના કારણે કલાકો સુધી જે તે સરકારી કચેરીએ લોકોની લાઈન લાગે. એમા પણ સોશિયલ ડિસ્ટસન્સ અને માસ્કના નામે ભંગાણ જોવા મળે છે. 

હજું પણ આપણે ત્યાં કાગળ પર લખેલું એ જ કાળધર્મી સત્ય. પણ સતત વધી રહેલી પીડીએફ અને પ્રોસિજર લાંબી લાઈન ઘટાડી શકે છે. જ્યાં બધું ઈમેજ આધારિત થતું જાય છે એમાં કોઈ ખોટું થવાની ટકાવારી હવે સિંગલ ડિજિટમાં પહોંચી છે. બેન્કના ફોર્મથી લઈને બેલેન્સ જોવા માટે ATMમાંથી નીકળતી ચબરખી સુધી તમામ પ્લેટફોર્મ ઓનલાઈન છે. છતા કાગળનો બગાડ અને કાગળીયા રૂપી આધાર પુરાવાઓ સરકારી કચેરીમાં લીલની જેમ સડો થઈને બેઠા છે. આ જૂની વસ્તુઓનો નીકાલ તો સમય માગી લે. પણ ડેટા સર્વર અને સ્કેનિંગ ટેકનોલોજી આ દુનિયાને પેપરલેસ કરી શકે છે. જાણીને નવાઈ લાગશે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ત્યાંની સરકારે તમામ યુનિવર્સિટીને આદેશ આપ્યો કે, જેમ ઓનલાઈન કસોટી કરો છો એમ પરિણામને પણ ઓનલાઈન અને ડિજિટલ ડૉક્યુમેન્ટ તરીકે આપો. જેની ગમે ત્યારે કલર પ્રિન્ટ વિદ્યાર્થિઓ કરાવી શકે. કાયમી ધોરણે સરકારી સર્વરમાં સચવાય અને એક કોપી વિદ્યાર્થીઓ પાસે પણ સેવ રહે. પેપરનું સેવિંગ અને પ્રોસિજર પણ ઈઝી. પણ આપણે ત્યાં બિઝી રહેતા નેતાઓને આવા અભિગમ કરતા મસમોટા પ્રોજેક્ટ વધારે આકર્ષે છે. સરકારી કચેરીમાં લોકાર્પણ સિવાય આંટો ન મારનારાને નાની સિસ્ટમથી સરળકામ થાય એનો ખ્યાલ ભાગ્યે જ હોય છે. જ્યાં પાસબુક પ્રિન્ટ કરાવવા માટે મશીન આવ્યા ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે પબ્લિક ટેબલેટ મૂકીને સિસ્ટમ ડેવલપ કરી શકાય. માર્કશીટથી લઈને મીટર બિલ સુધી તમામ વસ્તુ કાગળ પર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ પણ કેટલાક કિસ્સામાં કાગળ પર, એફડીથી લઈને એક્ઝામની રીસિપ્ટ કાગળ પર, વેલકમના સ્ટીકરથી લઈને વેક્સિનેશનની યાદી કાગળ પર. દિવસે દિવસે પેપર ઉદ્યોગ વિકસી રહ્યો છે એમાં કોઈ બે મત નથી પણ જ્યાં 100% ડિજિટલ કોન્સેપ્ટ શક્ય અને સ્વીકાર્ય છે ત્યાં પહેલના પર્સનટેજ શા માટે સિંગલ ડિજિટમાં છે? આપણા દેશમાં આશરે 600 જેટલી પેપર મિલ્સ ધમધમે છે. કોરાના કાળથી થોડી ધોવાઈ છે. આ જ ઉદ્યોગ વૃક્ષ ઉછેર પણ એટલું જ કરે છે. પ્રવાસન પોઈન્ટ પર ડિજિટલ ડિસ્પ્લે જોવા મળતી હોય અને લોકો એના નેવિગેશનથી ટેવાયા હોય ત્યાં જીવન જરૂરી વિષયોમાં માત્ર ડિજિટલનો સ્પર્શ થયો છે. ફોર્મ જે પહેલા પેનથી ભરાતું એ હજું યથાવત છે. ઓનલાઈન પણ પ્રાપ્ય છે. પણ સાઈટના ધાંધિયા, અધિકારીના સહી સિક્કા, સ્ક્રુટીની જેવા અનેક ફિલ્ટરમાંથી પસાર થતી પાવતી આપણા સુધી ઈસ્ત્રી ટાઈટ કડક કંડિશનમાં પહોંચે છે. પણ એ આવે ત્યાં સુધીમાં આપણો દમ નીકળી ગયો હોય છે.

કોઈ પણ ક્ષેત્રમાં ઈન્ટરફેર ઓનલાઈન અને વર્ક પ્રોસિજરના ડૉક્યુમેન્ટ ઓફિસ પુરતા સિમિત રાખવામાં આવે તો 90 ટકા કાગળનું સેવિંગ થાય છે. જેને કોઈ બીજા સારા કામે વાપરી શકાય છે. પણ પ્રશ્ન એ છે કે, પ્રિન્ટ કાઢીને સહી સિક્કા કરાવીને અપલોડ કરવાની, સ્કેન કરવાની અને નોટિફિકેશન કરવાની તસ્દી કોણ લે? જ્યારે સરકારી પોર્ટલ ધમધમતા થયા ત્યારે ઘણા પોથી પંડિતોએ કહ્યું હતું કે, કાગળીયા યથાવત રહેશે. ડિજિટલ વર્કિંગમાં ક્નેક્ટિવિટી રેગ્યુલર થતી રહી છે આ પહેલની શરૂઆત કરવાની હાલ તાતી જરૂર છે. ધક્કા બચશે અને ધજાગરા પણ થતા અટકશે. પરીક્ષા ઓનલાઈન, ફોર્મ ઓનલાઈન, અરજી ઓનલાઈન પણ કામમાં હજું ઢસરડા યથાવત છે. ઘણા યુવાનોને અતિ ટેકનોલોજીના આ યુગમાં આવી પ્રોસિજર ખટકતી હોય છે. જ્યાં સોર્સ છે ત્યાં કાગળ મૂકીને ખોટી સમસ્યાઓ ઊભી કરવાનો કોઈ અર્થ જ નથી. બીજી તરફ એજન્ટ પ્રથાને પણ સીધો ફટકો પડશે. જોકે, એ પણ અપગ્રેડ થાય એમાં કોઈને કંઈ વાંધો નથી. આખરે તો પેટનો સવાલ છે ને? કહેવાનો અર્થ માત્ર કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ પર પક્તા થવાથી કંઈ થવાનું નથી. લોકો જેમ મોબાઈલની મલ્ટિમીડિયા દુનિયાથી ટેવાય ગયા એમ ડિજિટલથી પણ અવેર કરવાની જરૂરિયાત છે.


આઉટ ઓફ ધ બોક્સ..

આ કોરોના વાયરસની મારક રસી લઈ લેવાથી કોરોનાની કોલર ટ્યુન બંધ થાય ખરા? આ તો જસ્ટ પૂછું છું. સિગારેટના ખોખા પર ધુમ્રપાન હાનિકારક છે એવું લખ્યું હોવા છતા જાહેરમાં કરાય છે અને કેટલાક લોકો રસી સામે પુરાવા અને ગેરેન્ટી માગે છે. 

Friday, December 25, 2020

આખરે આ ટોલટેક્સના પૈસાનું થાય છે શું? શું આજીવન ટોલટેક્સ ભરવાના?

 આખરે આ ટોલટેક્સના પૈસાનું થાય છે શું? શું આજીવન ટોલટેક્સ ભરવાના?

આપણા રાજ્યમાં અત્યારે ઘણા બધા એવા રૂટ છે જ્યાં રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે. ઘણા એવા રસ્તાઓ છે જે દાયકાઓ પસાર થયા હોવા છતા હજું એ જ સ્થિતિમાં છે. અર્થાત ખખડધજ છે. તાજેતરમાં એક એવા વાવડ પણ આવ્યા હતા કે, કૂતરાને બચાવવા જતા કાર તળાવમાં ખાબકી અને શિક્ષકોના મોત થયા. ડ્રાઈવિંગ ટેસ્ટ આપતી વખતે જો પગ નીચે પડી જાય અને કાર બંધ થઈ જાય તો નાપાસ કરી દેવામાં આવે છે. પણ રસ્તે રખડતા ઢોર, મરેલા પશુઓ, હાઈવે પર પૂલ શરૂ થાય એટલે ચોક્કસ પ્રકારનો આવતો અવાજ જે ઊંઘમાંથી ઊઠાડી દે. આવા અનેક મુદ્દાઓ તંત્રને કોઈ પૂછતું નથી અને તંત્ર એનો જવાબ પણ આપતું નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ ત્યારે પણ આવા તોડબાજ ખિસ્સા ખાલી કરાવવા ઊભા હોય છે એ પણ એક ચોક્કસ રંગનો ડ્રેસ પહેરીને. દેશમાં જ્યારે એક્સપ્રેસ વે તૈયાર થયા ત્યારે એને બેસ્ટ રોડ ક્નેક્ટિવિટી માનવામાં આવતી હતી. પણ વાસ્તિવકતા એ પણ છે કે, આ જ એક્સપ્રેસ વે પર લૂંટ, અકસ્માત અને તોડની ઘટનાઓ વધી રહી છે. રસ્તાઓ રાજ્ય સરકાર બનાવે કે કેન્દ્ર સરકાર ટોલનાકેે થતી મગજમારીનો વિષય નવો નથી. જ્યાં નેતાઓ પોતે પદ હોવાનો પૂરો ઉપયોગ કરે. તલવાર ખેંચી લે. ફટાકડી દેખાડે. આ ઉપરાંત ત્યાં નર કે નારીમાં ન આવતી એક પ્રજાતિનો ત્રાસ, લુખ્ખાઓનો ત્રાસ, પાટા પર ચાલતી એક ચોક્કસ કારના ડ્રાઈવરોનું સેટિંગ આ તમામ ઘટનાઓ દરરોજ બને છે. પણ જ્યારે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવામાં આવે છે ત્યારે આવી કડકાઈ કેમ? ઉમેદવાર પાસ થશે તો શું ટોલટેક્સ માફ થશે? 'વહીવટ' સર્વત્ર ચાલે છે. ટોલટેક્સ ભરવા છતાં પણ આ તમામ મુદ્દાઓમાંથી આપણે સૌ કાયદેસર રીતે પસાર થઈએ છીએ. 

કેન્દ્રીય મંત્રી નીતીનભાઈ ગડકરીએ એવી પ્રજાને એવી સરસ કેડબરી જેવી જાહેરાત કરી છે કે, ભવિષ્યમાં દેશમાંથી તમામ ટોલનાકા ભૂતકાળ બની જશે. જોકે, ગુજરાતમાં તો આનંદીબેન પટેલની સરકાર વખતે જ રાજ્ય સરકારના ટોલનાકા પર અચાનક અણધાર્યું કાયમી પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. દેશમાં સૌ પ્રથમ એક્સપ્રેસ વે મુંબઈ-પૂણે વચ્ચે તૈયાર થયો. વર્ષ 2002માં. પછી સરકારે ફાસ્ટ ટેગ શરૂ કર્યું. જેમાં ટોલટેક્સ માટે લાઈનમાં ઊભા રહેવાથી મુક્તિ મળી અને ટેક્સ સીધો બેન્ક ખાતામાંથી કપાયો. એક્સપ્રેસ વેને દેશનો સૌથી વધુ ટોલટેક્સ વસુલતો હાઈવે માનવામાં આવે છે. જ્યાં દિવસ રાત પેટ્રોલિંગ થાય છે એવા દાવા પણ ઠોકવામાં આવે છે. પણ વાસ્તવિકતા એ પણ છે કે, એક્સપ્રેસ વે રૂટ પર ચાલતી ટ્રાવેલ્સ કે પાટાવાળા વાહનો ડીઝલના ભાવ ઘટે તો પણ ટિકિટના ભાવ ઘટાડતા નથી. કારણ કે ટોલટેક્સની રકમ ગ્રાહક પાસેથી વસુલી લે છે. જ્યારે એક્સપ્રેસ વે કે નેશનલ હાઈવે રોડ પ્રોજેક્ટ નક્કી થાય છે ત્યારે એ પ્રોજેક્ટની કિંમત કરોડો રૂપિયામાં થાય છે. આ માટે સરકાર પ્રજા પાસેથી ટોલટેક્સ રૂપે મદદ લે છે. સરકાર રસ્તા બનાવવાની જવાબદારી ખાનગી કંપનીને સોંપે છે. બદલામાં નક્કી કરેલી સમય મર્યાદા અનુસાર તે કંપની ટોલટેક્સ વસુલ કરે છે. પણ જ્યારે પ્રોજેક્ટનો ખર્ચો પૂરો થઈ જાય છે ત્યારે સરકાર આ ટોલટેક્સની રકમમાં ઘટાડો કરી શકે છે અથવા ટોલટેક્સ બંધ કરી શકે છે. પણ આવું હજું સુધી થયું નથી. કોઈ પણ હાઈવે પર ટોલટેક્સ માટે ચોક્કસ પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં બે ટોલપ્લાઝા વચ્ચે 60 કિમીનું અંતર હોવું જોઈએ. એટલે કે જ્યારે કોઈ પણ વાહન ટોલટેક્સ ભરે છે ત્યારે તે ટેક્સની રકમ 60 કિમી સુધીની હોય છે. જો રસ્તામાં ટનલ અથવા બ્રીજ અથવા બંને આવતા હશે તો ટોલટેક્સ વધારે હશે. કારણ કે બ્રીજ અને ટનલ બનાવવાનો ખર્ચો વધારે આવે છે. વધારે પડતા લેન હશે ત્યાં પણ ટોલ ટેક્સ વધારે હશે. જેમ કે, અમદાવાદ પાસે છ લેનનો રસ્તો બની રહ્યો છે. જે આગળ જતા નેશનલ હાઈવેને જોડે છે. જો અહીં ટોલનાકું શરૂ થયું તો ટોલટેક્સ વધારે હશે. પણ સરકારે તો હાલમાં કોઈ ટોલ પ્લાઝાની વાતને નકારી છે. જોઈએ કયા ગતકડાથી સરકાર રોકડા લેશે? હાઈવે કેટલો લાંબો છે એના પર ટોલટેક્સની રકમનો આધાર નથી હોતો. પૂર્વાંચલ એક્સપ્રે વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે. જે 340 કિમી લાંબો છે. જે સિક્સ લેન હાઈવે છે. જે લખનઉના ચાંદ સરાઈ ગામથી શરૂ થઈ ઉત્તર પ્રદેશ બિહારને જોડે છે. વાયા ગાઝીપુર. 

      ટુ વ્હીલર્સ, ફોલ વ્હીલર્સ અને હેવી વ્હીકલ્સ માટે જુદા જુદા ચાર્જિસ નક્કી કરવામાં આવે છે. સત્તા પર આવ્યા બાદ સિંહ જેવી ગર્જના કરનારા નેતાઓ આ ટોલ ટેક્સને લઈને અત્યાર સુધીમાં કોઈ અસાધારણ પગલું ભરી શક્યા નથી. જેમ કે, દિલ્હી-આગ્રા યમુના એક્સપ્રેસ વે વર્ષોથી કાર્યરત છે. પ્રોજેક્ટ પણ પૂરો થઈ ગયો છે છતાં પૈસા ખંખેરવાનું ચાલું છે. આ ઉપરાંત દિલ્હીના એન્ટ્રી પોઈન્ટને જોડતી દરેક રાજ્યની બોર્ડર પર ટોલટેક્સ છે. હવે ડિજિટલ પેમેન્ટને વેગ આપવા સરકારે ફાસ્ટ ટેગમાં ચાર્જ ઓછો કર્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ એવું પણ એલાન કર્યું છે કે, 1 જાન્યુઆરીથી એ જ વાહનોને ક્રોસિંગ અપાશે જેની પાસે ફાસ્ટ ટેગ હશે. પણ આમ જોવા જઈએ તો આ એક સારૂ પગલું છે. સરકાર પણ કમાય અને કંપની તો સરકાર પાસેથી આજીવન કમાય. ટોલટેક્સ ભરવાથી રસ્તો આપણા પિતાજીનો નથી થઈ જતો. પણ કેટલીક સુવિધાઓ મળે છે. જેમ કે, ટોલ રોડ પર પોલીસ પેટ્રોલિંગ થાય છે. થોડા મહિના પહેલા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર લૂંટ પણ થતી હતી. આ તો માત્ર જાણ ખાતર. હાઈવેના રસ્તાના પર પેટ્રોલિંગ ટીમ પેટ્રોલિંગ કરે છે. જેતપુર-સોમનાથ હાઈવે પર ગમે ત્યાં લઘુશંકા કરવા માટે હાઈવે પર સાઈડમાં કાર ઊભી કરી દો કોઈ આશંકા પણ નહીં કરે. આ ઉપરાંત ટોલ રોડ પર એમ્બ્યુલન્સ, ફાયરબ્રીગેડ, ક્રેઈન સુવિધાની પણ આપવામાં આવે છે. પણ તા.23.12.2020 આગ્રા લખનઉ એક્સપ્રે વે  પર ખંડૌલી જિલ્લા પાસે એક કાર કન્ટેનર સાથે અથડાઈ. કારમાં એકાએક આગ લાગી ગઈ. પાંચ લોકોના મોત થયા. નિયમ તો એવું  પણ કહે છે કે, આવા ટોલ રોડ પર શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, બસ પાર્ક થઈ શકે એવી જગ્યા પણ હોવી જોઈએ. કોઈને યાદ હોય તો કહોને આવું ક્યા ટોલરોડ પર છે? આ ઉપરાંત ડિવાઈડર પર વૃક્ષ ઉછેર. જેથી સામેની તરફથી આવતા વાહનોની લાઈટ બીજાને પરેશાન ન કરે. યમુના એક્સપ્રેસ વે સિવાય આ ઝાડવાળો પોઈન્ટ જોવા તો શું સાંભળવા પણ નહીં મળતો. ટોલ ટેક્સના પૈસાથી આ તમામ મુદ્દાઓ પર થતા ચાર્જની ચૂકવણી થાય છે. જ્યાં એક્સપ્રેસ વે પર આવી લોલમલોલ ચાલે છે તો બીજા હાઈવેની સ્થિતિ શું હશે એનો અંદાજ લગાવી શકાય છે.  

Sunday, November 15, 2020

વિટંબણાઓથી વ્યસ્ત વિષ સમા વર્ષની વિદાય

                     વિટંબણાઓથી વ્યસ્ત વિષ સમા વર્ષની વિદાય

                    દર વર્ષે દિવાળીનો ઉલ્લાસ અને ઉમંગ હોય છે. પણ વર્ષ 2020ના વર્ષાંતે આનંદ ઓસરી ગયો હોય એવું જણાય છે. સમયચક્રમાંથી એક વર્ષ ઓછું થઈ ગયું. પણ આ વખતે કાળમુખા કોરોનાએ દેશવાસીઓને ખૂબ દુઃખી કર્યા. એનાથી પણ વધારે ડામાડોળ થઈ ગયેલી અર્થવ્યવસ્થાએ દરેક વર્ગને એક અણધાર્યો અને ઓચિંતો ફટકો માર્યો. જેના કારણે દિવાળીનો ઉત્સાહ આથમી ગયો. માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના કાળમાં હજું સુધી પૂર્ણવિરામ મૂકાયું નથી. દાયકા જેવડા લાગેલા લોકડાઉનથી દરેકને ઘરનું મહત્ત્વ સમજાયું. જ્યાર પરપ્રાંતિયના મુદ્દાને રાજકીયસ્પર્શ લાગ્યો. કેન્દ્ર સરકારના આર્થિક પેકેજના એલાનથી એકમને વેગ આપવા માટે કમરતોડ પ્રયત્નો થયા. બીજી તરફ અનેક એવા કલાકારોને ગુમાવ્યા જેણે પોતાના કેરિયરમાં માઈલસ્ટોન્સ ઊભા કર્યા હતા. કેન્દ્ર સરકારના લોકડાઉનના નિર્ણયથી વૈશ્વિક પ્રત્યાઘાત પડ્યા. તો અમેરિકાની આક્ષેપબાજીની ચૂંટણીમાં બાયડેને બાજી મારી લીધી. ટ્રમ્પની સ્ટમ્પ ઊડી ગઈ. અમિત શાહે કચ્છની મુલાકાતથી સૈન્યશક્તિનો ઉલ્લખ કરીને ગગનગાજે એવા નિવદેન આપ્યા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ વખત સી પ્લેન સેવાનો શુભારંભ કર્યો. જ્યારે સૌરાષ્ટ્રના સૌથી ઊંચા શિખર ગીરનાર પર હવે ઉડીને પહોંચી શકાય એ માટે ઉડનખટૌલા શરૂ થયું. પણ બંને મોટા પ્રોજેક્ટમાં ભાવને લઈને એવો હોબાળો મચી ગયો. જાણે ડૉલર સામે રૂપિયો તળીયે પહોંચી ગયો હોય. કેટલાક અધુરિયાઓને ચંપલ પહેરવા ન હોય અને રસ્તો ખરાબ છે એવા દાવા ઠોકતા હોય છે. 

માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ કલાકારોને પણ ડિપ્રેશન થાય છે. એ વાત સામે આવી. સુશાંતસિંહ રાજપૂત પંખે લટકી ગયો. આ કેસની આખી સીરિઝ એકતા કપૂરની સીરિયલ જેટલી લાંબી ચાલી. જેમાંથી ડ્રગનું કોકડું ખુલ્યું અને આધુનિક ડાકુથી લઈને દીપિકા સુધીનાને રેલો આવ્યો. બીજી તરફ 'ઝાંસી કી રાની' બનેલી કંગનાનો રીયલ લાઈફમાં 'દબંગ' અવતાર જોવા મળ્યો. સપનામાં પણ વિચારી ન હોય એવી કચેરીનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. બોલિવુડની 'ક્વિન' સામે અઘાડી સરકાર અનેક મુદ્દે ઉઘાડી પડી ગઈ. આ તમમા મુદ્દાઓના એટલા મોટા હોબાળા થયા અને તમાશો અવકાશ જેવડો થયો. જ્યારે જાણીતા ગીતકાર અભિલાશ, એસ.પી.બાલાસુબ્રણિ્યમ, નિશિકાંત કામત, હિન્દી સાહિત્યજગતના કવિરાજ રાહત ઈન્દૌરી, ટીવી એક્ટર સમીર શર્મા, કુમકુમ (મેરે મહેબુબ કયામત હોગીની અભિનેત્રી), ડાયરેક્ટર રજત મુખર્જી, સૌમિત્ર ચેટરજી, કોમેડિયન જગદીપ, ફિલ્મ ડાયરેક્ટર હરીશ શાહ, કોર્યોગ્રાફર સરોજ ખાન, ફિલ્મનિર્માતા બાસુ ચેટરજી, વાજીદ ખાન, જેમ્સ બોન શોન કેનરી, યોગેશ ગૌર, મોહિત બઘેલ (ફિલ્મ 'રેડ્ડી'ના છોટે ચૌધરી), રીશી કપૂર, ઈરફાન ખાન, નિમ્મી, ટીવી એક્ટર સેજલ શર્મા અને છેલ્લે આસીફ બરસા જેવા અનોખા વ્યક્તિત્વને ગુમાવ્યા. બીજી તરફ ગુજરાતી ફિલ્મ સેક્ટરના ખરા 'નરેશ' અને મહેશ કનોડિયાએ એવી વિદાય લીધી કે સૌ કોઈ ચોંકી ગયા. જ્યારે ગુજરાતના રાજકારણના ટ્રેન્ડ ચેન્જર કેશુબાપા પણ કૃષ્ણચરણ પામ્યા. આ ઉપરાંત કુંદનિકા કાપડિયાને કેવી રીતે ભૂલી શકાય. સાત પગલાં આકાશમાં અમર થઈ ગયા. એટલે આ વર્ષમાં લોસ એટલો લાર્જ છે કે, ગણતરી કરી શકાય એમ નથી. ગુજરાતમાં ઓનલાઈન સ્કૂલે એવો ઉપાડો લીધો કે, મંત્રીએ મહામહેનતે સ્પષ્ટતા કરવી પડી. ફીમાં રાહતનો મુદ્દે વાલીઓ રૌદ્ર બની વીરભદ્ર બની સ્કૂલ્સ સામે મોરચા માંડ્યા. એટલે ઘટનાઓ પણ એવી બની કે, ક્યાં જઈને અટકશે એવા પ્રશ્નો વહેતા થયા. એવામાં એક ચોક્કસ ચેનલનો બૂમ બરાડા પાડતો પત્રકાર જેલ રીટર્ન થયો. ટૂંકમાં ટીઆરપીની પોલ છતી થઈ ગઈ.

દેશમાં કાયમી ચર્ચાતા અયોધ્યા કેસનો મોટો નીવેડો આવ્યો. મંદિર માટે જરૂરી એવો પાયાનો પથ્થર મૂકાયો. પહેલી વખત દેશના કોઈ વડાપ્રધાને અયોધ્યામાં આવીને મંદિર નિર્માણની શરૂઆત કરાવી. આ ખરા અર્થમાં એક ઐતિહાસિક ક્ષણ હતી. જ્યારે આ પહેલું એવું વર્ષ રહ્યું જેમાં વડાપ્રધાન સાહેબે કોઈ ફોરેન ટુર ન કરી. વીતેલા વર્ષે ભાજપની દિવાળી સુધારી દીધી. આઠેય બેઠકો પર મહાવિજય. ભાઉ અને ભાઈ વચ્ચેની મુદ્દલક્ષી અટકળોનો અંત આવ્યો. પણ ભાજપે પારકાપક્ષના વરરાજાને સારી રીતે પોંખ્યા એ પણ હકીકત છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણનું ચિત્ર એવી રીતે પલટાયું કે, આખો ફ્લેવર જ નવો જોવા મળ્યો. અનાધાર વરસાદથી મગફળી ધોવાઈ પણ ગઈ અને રેકોર્ડબ્રેક આવક પણ થઈ. રાજકોટ અને ગોંડલ યાર્ડમાં મબલખ આવક થઈ. છતાં સિંગતેલ સસ્તું ન થયું. બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં એવું થયું કે, મોટું પદ ધરાવતા નીતીશકુમારનું પદ નાનું થઈ ગયું અને ભાજપ ફરી કદાવર પક્ષ સાબિત થયો. જોકે, આ વર્ષ સ્વરક્ષણ શક્તિનું વર્ષ રહ્યું. દેશમાં રફાલ આવ્યા અને સૈન્ય શક્તિમાં વધારો થયો. ફ્રાંસથી લાં...બુ અંતર કાપીને રફાલ અંબાલા એરપોર્ટ પર આવ્યા. ફ્લાઈટ લેફ્ટન્ટ શિવાંગીસિંહ રફાલની ફ્લાઈટ લેનારા પ્રથમ મહિલા ફાયટર બન્યા. એટલે જેટલી માઠી આ વર્ષે દેશવાસીઓએ જોઈ એનાથી વધું સિદ્ધિ પણ જુદા જુદા ક્ષેત્રમાં હાંસલ થઈ. પ્રથમ વખત સ્વદેશી અભિયાન જે ગાંધીજીની વિચારધારા હતી એનો સ્વીકાર થયો. 150 વર્ષ બાદ. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતથી ચીનના પેટમાં એરડિંયું રેડાયું. ગલવાન ઘાટીમાં થયેલી અથડામણથી ચીન સાથેનો છેડો ફાટ્યો. પણ હવે નવા વર્ષે સૌથી ચડતી થાય અને પોઝિટિવ ચેન્જ આવે એવી આશા દરેક દેશવાસી રાખે છે. વર્ક ફ્રોમ હોમથી અડધી થયેલી આવક ફૂલ પેમેન્ટમાં પલટાય એની રાહ જોવાઈ રહી છે. જ્યારે નવરા થયેલા લોકોએ આત્મબળે શરૂ કરેલા વ્યાપાર વ્યવસાયને વેગ મળે એ સમય પાસે અપેક્ષા છે. લોકડાઉને પ્રોફેશનલી ફરજ પાલનની પાંખ કાપી નાંખી પણ બીજા વિકલ્પો વિશે કામ કરવાની પણ તક આપી. કોરોનાથી થયેલા લોકડાઉને ઘર અને ઘરનાની વેલ્યું સમજાવી. જ્યારે મોટા એકમોના માલિકને એ શીખ આપી કે, ઐયાશીનો રૂપિયો પણ બચાવી શકાય છે. ઓવરઓલ વર્ષ બદલાયું પણ વિચાર બદલાય એ અનિવાર્ય છે. નવા વર્ષે નાના સિટી મેગા સિટી અને મેગા સિટી મેટ્રો સિટી બનવા તરફ ગતિમાન થાય. નેતાઓના જીભે ચોંટી ગયેલો 'વિકાસ' કામલક્ષી વિચારધારા બને તો ગામડું ફોરલેન જેવા રસ્તાઓથી જોડાશે અને ટોલટેક્સ માફ થશે. નવા વર્ષના સાલ મુબારક

આઉટ ઓફ ધ બોક્સ

ટેકનોલોજીને ઝડપથી ન સ્વીકારનારા હિસાબ દિમાગી માલિકો એકાએક ડિજિટલ થઈ ગયા. કારણ કે માલ વેચાતો નથી. જ્યારે યુવાનોએ ઉકળતા પાણી અને દૂધના ઊભરા જેવા મુદ્દાઓથી મન ફેરવી લીધું. એટલે જ ન્યૂઝના દર્શકો ઓછા ને વેબસીરિઝના વ્યૂઝ વધી રહ્યા છે. 

Friday, October 30, 2020

નંબરપ્લેટઃ કાયદો કાગળ પર અને ક્રિએટવિટી વ્હિકલ્સ પર

 નંબરપ્લેટઃ કાયદો કાગળ પર અને ક્રિએટવિટી વ્હિકલ્સ પર

દિલ્હી સરકારે હમણા એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો. જેનાથી ગુનાખોરી પર લગામ ખેંચી શકાશે. તંત્રએ રસ્તે બિનવારસુ ઢોરની જેમ નંબર વગર રખડતી ગાડીને જપ્ત કરી સીધા દંડ ફટકારવાનું એલાન કર્યું છે. આપણે ત્યાં જેમ ટો વાળા નો પાર્કિંગમાં પડેલી ગાડી કે ટુવ્હિલર શોધતા હોય એમ દિલ્હીમાં એક ટીમ નંબર વગરની ગાડી શોધે છે. જોકે, રાજધાની અને મહાનગરમાં આવા વાહનનો રેશિયો આપણા ગુજરાતના નાના શહેર કરતા ઓછો રહેવાનો. પણ નંબરપ્લેટ એટલો રસપ્રદ વિષય છે કે, એના પર અનેક પ્રકારની વેરાઈટી જોવા મળે છે. કાયદો એવું કહે છે કે, એમાં સીરિઝ સિવાય (નંબરની હો...નામની નહીં) કંઈ લખી શકાતું નથી. એટલે કે, પ્રદેશની ટૂંકી આઈડેન્ટિટી જેમ કે, GJ, MH, RJ પછી નંબર પછી અંગ્રજી મુળાક્ષર અને પછી નંબર. પણ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નંબર પ્લેટ પર રંગોળીના રંગ જેવું વૈવિધ્ય જોવા મળે છે. કોઈ પણ શહેરમાં જાવ, તાલુકા કે જિલ્લામાં જાવ એકાદ એવી બાઈક, બુલેટ, મોપેડ કે માલવાહક ખટારા એવા નજરે ચડે જ જેમાં કાં તો નંબર પ્લેટન ન હોય, હોય તો એમાં નંબરમાં ક્રિએટિવિટી કરી હોય, ચોક્કસ પ્રકારના ચિહ્ન અને ધર્મના આઈકોન, રાજકીય પક્ષનો લોગો કે નામ લખેલા હોય. યુવાનો પોતાની ગર્લફ્રેન્ડ અને પરણેલા પોતાની પત્ની પ્રત્યે જેટલે પઝેસિવ હોય છે એટલા નંબર પ્લેટ પ્રત્યે હોય છે. 😊 એટલે તો સમયાંતરે વાહન વ્યવહાર કચેરીને નંબરમાંથી નાણાંની અનેક ગણી થોકડી મળી રહે છે. જો કે, પૈસાથી પસંદગીના નંબરની સિસ્ટમ આપણા દેશમાં જ છે. કારણ, આવું થાય તો જ સરકારી કચેરીને કડકનોટની કમાણી થાય. બાકી સામાન્ય માણસને ચાર સત્તા, ચાર એક્કા, નવ નવડાં, છ છક્કા ક્યારેય મળવાના જ નથી. કારણ કે એ 'આમ આદમી' છે. નંબરપ્લેટ સિસ્ટમે સાબિત કરી દીધું કે, ચોઈસ ઈઝ ઓલવેઝ ચાર્જેબલ.😭

દેશના કોઈ પણ શહેરની ટ્રાફિક પોલીસને જોઈ લો. વાહનોના ધગધગતા મશીનમાંથી નીકળતા ધુમાંડાને સહન કરીને, ચામડી અને શરીરનો ખો કરીને ત્રણેય ઋતુમાં ડ્યૂટી કરે છે. એમાંય ગુજરાતના એક શહેરની પ્રજા એને 'ટોપીવાળા કાકા' કહીને બોલાવે છે. વાહનોને ડાઈવર્ટ કરવા અને રનિંગ મોડ પર વ્યવસ્થા જાળવવી એ ખરા અર્થમાં કપરૂ કામ છે. એમાં પણ કોઈ પાંચ ચોપડી ભણેલા મંત્રીની ગાડી નીકળવાની હોય, નવા પોલીસ સાહેબ આવેલા હોય અને કોઈ મોટા રાજનેતાનો વરઘોડો નીકળવાનો હોય ત્યારે આ લોકો અંદરથી માનસિક રીતે ઑક્સિજન પર જીવતા હોય છે. 🙏કારણ કે સામાન્ય દિવસનો ટ્રાફિક જ્યાં માંડ મેનેજ થતો હોય ત્યાં રસ્તે ગાડી ક્યાંય રોકાય નહીં એવી મંત્રીઓની ગાઈડલાઈન્સને ફોલો કરવાની. એમાં પાછા જામર અને બ્લેકફ્રેમ બંને હોય. જ્યાં પ્રજાને પોલીસકર્મી 'આદેશ અનુસાર' માથે રહીને કઢાવે. નંબરપ્લેટ વગરની ગાડી પર બિરાજમાન ભડવીર કે વીરાંગના એવી રીતે નીકળે જાણે રસ્તા પર નહીં રન-વે પર નીકળ્યા હોય. 💪જેવું ટ્રાફિક સિગ્નલ આવે એટલે બરોબર વચ્ચે જ રહે જેથી કોઈ અટકાવે નહીં. પણ આ જ વ્હિકલ પાછું રોંગ સાઈડમાંથી ઓવરટેક કરે ને સામું પણ આવે. હવે આવાને પોલીસ કેમ પકડતી નથી એ રીસર્ચનો વિષય છે.🤔 આમ તો આપણી પ્રજા જાત મહેનત કરતા જ્યોતિષમાં વધુ માનતી હોય છે. જ્યોતિષ કહે કે, નંબરનો સરવાળો નવ આવે તો નવગણી પ્રગતિ થશે. એ જ વાહન પર ડ્રિક્સ એન્ડ ડ્રાઈવનો કેસ ફાઈલ થયેલો હોય એવા પણ દાખલા છે. જ્યોતિષ પણ શાણા હોય છે વાહન ઠોકાશે કે બોટલમાં ઝડપાશે એની આકાશવાણી કરતા જ નથી..! 😀લોકો એને ભગવાન બોલ્યા બરોબર સમજીને લાખો રૂપિયા દ્વારકાધીશના ચરણમાં છપ્પનભોગ ધરવામાં આવે એમ આરટીઓને ભેટ ચડાવી દે. વર્ષ 1988થી આપણા દેશમાં ફરજિયાત નંબર પ્લેટનો કાયદો અમલમાં આવ્યો. એ વાત અલગ છે કે, અમુક લોકોને આ લાગુ જ નથી પડતો. પ્રથમ બે લેટર જે તે પ્રદેશને દર્શાવે છે જેમ કે, GJ એટલે ગુજરાત, DL એટલે દિલ્હી, HR એટલે હરિયાણા. ત્યાર બાદ નંબર જે તે જિલ્લાને દર્શાવે છે. GJ 10 એટલે જામનગર, GJ 3 એટલે રાજકોટ, GJ 1 એટલે અમદાવાદ. પછી કોઈ અંગ્રીજ મુળાક્ષરની જોડી અને પછી નંબર. જ્યારે વાહનની ખરીદી થાય ત્યારે પણ ચેસિસ નંબર આપવામાં આવે છે. જે ભાગ્યે જ કોઈને યાદ હોય છે. એમાં પણ છેલ્લા ચાર અંક જ યાદ રાખવાના હોય છે. નંબરની ગેમ પણ જબરદસ્ત છે. છેલ્લા બે અંક કોઈ ખાનગી રેડિયોની ફ્રિક્વન્સી સાથે મેચ થતા હોય તો તમને તંબુમાં રહેવાના પાસ મફત. જવાનું તમારા ખર્ચે. અળવીતરી આઈટમ ઘરમાં માંડ સચવાતી હોય એને તંબુમાં સાચવવાની.!!😃

આપણા શહેર કે ગામમાં બીજા રાજ્યની નંબર પ્લેટ જોઈને આશ્ચર્ય થતું નથી. જોકે, હવે બહારના રાજ્યમાંથી આવતા વાહનો પણ મહાનગર પુરતા મર્યાદિત બન્યા છે. ઈડર ક્રોસ કરો એટલે મોટાભાગના ટ્રકમાં આરજે જોવા મળે. ગોધરા પાસ કરો એટલે એમપી વાંચવા મળે જ્યારે વલસાડ ક્રોસ કરો એટલે સૌથી વધારે મહારાષ્ટ્ર અને હરિયાણાના ટ્રક જોવા મળે. નંબરપ્લેટ પર Ph.D થઈ શકે એટલું વૈવિધ્ય છે. સૌરાષ્ટ્રમાં એક નંબર પ્લેટ પર લખ્યું હતું GJ BOSS થોડી વાર તો વિચારે ચડ્યો કે આમાં નંબર શું છે. પછી ખ્યાલ આવ્યો કે નંબર 1305 છે. વધારાનો 'એસ' એ વાહનમાલિકનું પોતાનું ભેજું છે. 😇આપણા રાજ્યમાં કોઈ પણ વ્યક્તિના એક લગ્ન પ્રસંગમાં જાવ એટલે જ્ઞાતિ પૂછવાની જરૂર જ ન પડે. એના પરિવારમાં કોઈએ તો પોતાના વાહન પર એ સ્પષ્ટતા કરી જ હોય. વધુ નજર દોડાવો તો ગામનું નામ પણ પૂછવાની જરૂર ન પડે. અમુક નમૂનાઓએ ગામડાંના નામ પણ વાહન પર લખેલા હોય. પછી ભલેને એના ગામમાં એ જ ગામનું કોઈ સાઈન બોર્ડ પણ ન હોય. ટૂંકમાં જ્યાં જરૂર છે ત્યાં નથી અને જ્યાં જરૂર નથી ત્યાં મોટા અક્ષરે અંકિત છે. થોડુ વધું ઓબઝર્વેશન કરો એ પરિવારના કુળદેવી કોણ એ પણ ખબર પડી જાય. ઈષ્ટદેવનું નામ પણ જાણી શકાય. ભાઈ કે દીકરીનું જન્મ થયાનું વર્ષ. મેરેજ યર (આ સૌથી ડેન્જર, ભૂલ્યા એટલે મર્યા😡), આવા આંકડા સૌથી વધારે પસંદ થાય છે. દિમાગને 360 અંશે ફેરવો તો દીકરા-દીકરીના નામ, કારમાં અંદર નજર કરો તો વ્યક્તિના શોખ, કોલેજમાં આંટો મારો તો બાઈક કે એક્ટિવાની સીટ મખમલ જેવી હોય. હવે આપણી સીટમાં કુદરતે ગિફ્ટમાં ગાદી આપેલી છે એના માટે સ્પેશ્યલ ગાડી પર ગાદી તૈયાર કરાવી હોય. એની નંબર પ્લેટ પર લખ્યું હોય અલોન. હા ભાઈ,આ પાછો ડાયનોસોરની જેમ છેલ્લી એડિશન હોય, એક્ટિવાની નંબરપ્લેટ પર લખ્યું હોય ક્વિન. કારેલાનું શાક વધારતા ન આવડતું હોય અને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા નાણા દેતા હોય તો ય ક્વિન. 👸પણ આનાથી વિપરીત ડિફેન્સના કોઈ વાહન પર આવું  કલ્ચર જોવા નથી મળતું. ડિફેન્સના કોઈ પણ વાહનોની નંબર પ્લેટ કાં તો ગ્રીન બ્રેગાઉન્ડ અથવા બ્લેક પર વ્હાઈટ અક્ષરે અને બ્લુ બેગ્રાઉન્ડ પર બ્લેક અક્ષરે લખાયેલી હોય છે. આ એક ડિસિપ્લિન છે. 

ડિફેન્સના વાહનોનું રજીસ્ટ્રેશન મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ન્યૂ દિલ્હી કરે છે. જેમાં શરૂઆત એક એરોથી થાય છે. એરો પણ બ્રિટિશ સરકારના અભિગમમાંથી સ્વીકારેલો છે. જે દર્શાવે છે કે, વાહન એક સૈન્યનું છે. બ્રિટિશ રાજ જ્યારે દેશમાં હતું ત્યારે એમના સૈન્યના વાહનો પર બ્રિટિશ સૈન્યનો લોગો અને એક એરો નંબર પ્લેટમાં હતા. જેને બ્રોડ એરો કહેવાય છે. જે વ્હિકલ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની પ્રોપર્ટી છે એવું દર્શાવે છે. જે માત્ર વાહન પર જ નહીં પણ ટેબલ, ખુરશી, ત્રીપાઈ સહિતના સાધનો પર હોય છે. ત્યાર બાદ જે નંબર હોય છે એ દર્શાવે છે કે, આ વાહન કઈ સાલમાં સર્વિસમાં લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક આલ્ફાબેટ હોય છે જેને બેઝકોડ કહે છે. ત્યાર બાદ છ અંકનો સિરિયલ નંબર હોય છે. છેલ્લો આલ્ફાબેટ જે તે વાહનની કેટેગરી દર્શાવે છે. સૈન્યના અધિકારીઓના વાહનોમાં બે પ્લેટ હોય છે. એકમાં નંબર અને બીજામાં એના રેન્ક. જે સ્ટારથી એમ્બોસ કરેલા હોય છે. આર્મી ઓફિસરના વાહનમાં લાલ બેગ્રાઉન્ડ વાળી પ્લેટનો ઉપયોગ થાય છે. જ્યારે ઈન્ડિયન નેવીના અધિકારી માટે નેવી બ્લુ અને સ્કાય બ્લુ બ્રેગ્રાઉન્ડ વાળી પ્લેટનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સૈન્યના કોઈ પણ વાહનોને સિગ્નલ પર ઉભા રહેવું જરૂરી હોતું નથી. આપણે ત્યાં કેટલાક લોકો પોતાને આ કેટેગરીના માને છે. એટલે ઊભા રહેવામાં કાંટા વાગે છે. 😋જ્યારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ગાડીમાં નંબરપ્લેટ નથી હોતી. એના બદલે અશોકસ્તંભનો લોગો હોય છે. તા. 25 નવેમ્બર 2019થી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે આરટીઓ મળી. ત્યારે LA કોડ આપવામાં આવ્યો. જ્યારે બ્લુ બેગ્રાઉન્ડ પર માત્ર નંબર હોય ત્યારે એ વાહન માત્ર વિદેશી મહેમાન જ ઉપયોગ કરી શકે છે. સૈન્યની કારમાં એક સ્ટાર હોય તો વ્યક્તિ બ્રિગેડિયર હોય, ચાર સ્ટાર હોય તો ચીફ અને પાંચ સ્ટાર હોય તો એડમિરલ અથવા ફિલ્ડ માર્શલ. પણ સિક્કિમ એક માત્ર એવું  રાજ્ય છે જ્યાં બીજા રાજ્યની નંબર પ્લેટ ભાગ્યે જ જોવા મળશે. કારણ કે આ રાજ્યમાં કોઈ બીજા રાજ્યના વાહનને રોકાવવાની મંજૂરી નથી. સૂર્યાસ્ત પહેલા ગામ છોડવું પડે છે.

Wednesday, September 23, 2020

માહોલ મંદીનો, મિજાજ મુડીનો અને મુદ્દો અસ્વીકૃતિનો

  માહોલ મંદીનો, મિજાજ મુડીનો અને મહત્ત્વકાંક્ષા સત્તાની

સરકારી તિજોરીમાં નગારા વાગે છે ત્યાં ખિસ્સાફાડ મોંઘવારી

શનિ મહારાજની સાડાસાતીની જેમ દુનિયા પર બેસી ગયેલા ક્રુર કોરોનાએ અનેક માણસોને પોતાના શિકાર બનાવ્યા છે. પણ માત્ર માણસ જ નહીં દુનિયાના અનેક સેક્ટરના તળિયા જાટક થઈ ગયા છે. એટલે રોંદણા રોવા કે કોઈ એક ક્ષેત્રનો ત્રિપરિમાણ્ય વ્યૂ મૂકવા કે કોઈની આક્ષેપબાજીથીનો ઉલ્લેખ કરીને શબ્દોની નાવને ખોટા હલેસા મારવાનો કોઈ હેતું નથી. તહેવારો પર કોરોનાનો કાટ એવો લાગ્યો છે કે, કોઈને જાહેરમાં લાગણીવશ પણ ભેટી શકાતું નથી. પણ રાજકીય તહેવાર કે રેલીની રોનક, કાઉન્સેલર્સના જન્મદિવસ કે મંદિરમાં ધારાસભ્યોની-સાંસદની મુલાકાતમાં એક ટીપાની પણ ઓટ આવી નથી. કેસરીયાના ભક્તો ભાન ભૂલે, રસ્તે ગરબા કરે, ડી.જે. વાગે ત્યારે ફંડ ઊભું થઈ જાય પણ બેરોજગારને નોકરી દેવામાં કોઈ ખિસ્સામાં હાથ ન નાંખે. મહાનગરમાં ગ્લેમરની ગલીમાં ગલગલીયા કરવા માટે વાયદાનો પટારો ખોલી પહોંચનારા નેતાજીમાંથી મંદી વિશે કોઈનું મોઢું ઉઘડતું નથી. વિશ્વની પ્રમુખ એજન્સીઓએ દેશના ગ્રોથ રેટની ચિંતા કરીને ભવિષ્ય ભાંખી નાંખ્યું છે અને મોંધવારીએ 'આમ' આદમીની કમર ભાંગી નાંખી છે. ઓગસ્ટમાં કોરોનાના નોંધપાત્ર કેસ વધ્યા અને સપ્ટેમ્બરમાં વસ્તુની કિંમત વધી. સિંગતેલ મોંઘુ, પેટ્રોલ મોંધુ, શાકભાજી મોંધા, કૃષિબિલ પાસ થયું પણ બિયારણ મોંઘા. ટ્રિલિયન ઈકોનોમીની વાત અંતે દળી દળીને ઢાંકણીમાં પોઢી ગઈ. ચીનમાંથી આવતા માલની આયાત ઘટી પણ સિંગતેલ ત્યાં પહોંચાડવાનું બંધ નથી થયું. એક જાણ ખાતર ચીનમાં સૌથી વધારે સિંગતેલ ખવાય છે. સોરી..પીવાય છે. માર્કેટમાં માગનો ગ્રાફ તળિયે છે છતાં ક્યાંય રોકાણ સાવ ઝીરો થઈ ગયું એવું નથી. સ્ટાર્ટ અપ કરીને બીજાને નોકરી આપવાની વાત કરતા નેતાજીના જ પ્રદેશમાં સ્ટાર્ટઅપના સુરસુરિયા બોલી ગયા. કોરોનાનો એવો કાંટાળો બોંબ ફૂટ્યો કે જાણે માર્કેટમાં નીરસતાના શેરમાં તેજી આવી ગઈ. 


પણ હકીકત દરરોજ બૂમબરાડા પાડતા વાવડની દુનિયાથી થોડી તો અલગ છે જ. કોઈ સાવ ઝીરો નથી અને કોઈ જે તે સેક્ટરમાં હીરો પણ નથી. માહોલ મંદીનો છે છતાં તેલિયા રાજા દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમે યથાવત છે. સેનિટાઈઝરના ભાવમાં આસમાની તેજી આવી છતાં વેપારીઓ ગીત તો ગરીબડી મંદીના ગાય રહ્યા છે. ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં આવતા મહિનાથી આયાતદર 5 ટકાથી વધતા ટિવી મોંઘું બની રહ્યું છે. વરસાદ લિમિટથી વધ્યો છે છતાં શાકભાજીના ભાવ ખિસ્સાફાડ છે. કોરોના વાયરસના ટૂંકા ઈતિહાસનું લાંબુ ભવિષ્ય એ છે કે, લોકડાઉનના કાળે ધોળા દિવસે તારા દેખાડી દીધા. પણ પગારકાપ અને રેવન્યૂ ઝીરો થઈ ગઈ છે આ વાતની સત્યતા કેટલી? 20-30 વર્ષોથી પાણીમાં લીલની જેમ સ્થપાઈને બેઠેલી કંપનીઓ કે ગ્રૂપ પાસે કર્મચારી સચવાય એટલા પૈસા ન હોય? હકીકતમાં જે પૈસો ઐયાશીમાં ઉડાવ્યો હતો એટલે સેવિંગના તળિયું નહીં આખેઆખા સળિા દેખાવા લાગ્યા છે. ઈકોનોમી સ્લોડાઉન થાય તો પણ કોઈ મંત્રી કે તંત્રી એક્ટિવામાં નથી આવતું.  બપોરે ભલે સવાર પડતી હોય પણ કાર તો જોઈએ જ. કારણ આકર્ષણમાં ઓટ ન આવવી જોઈએ. સમય સાથેની સરવાળા બાદબાકી તો ચાલતી રહેવાની પણ અત્યારે જરૂર એક નવા કોન્સેપ્ટથી કામ કરવાની છે. માર્કેટમાં રોકડ નથી એ વાત ખોટી છે. ખનખનિયા ખિસ્સા સુધી લાવવા માટે અભિગમ બદલવાની જરૂર છે. વિકાસના મોડલનું માર્કેટિંગ તો દર પાંચ વર્ષે થાય છે પણ આર્થિક પ્રોત્સાહન આપીને પેશન ટકાવી રાખવાના ઈંધણની અનિવાર્યતા છે. કમરતોડ મોંધવારીમાં હવે થિયરીના થોથા બદલવાની જરૂર છે. હવે એ સમય ગયો કે, જો દિખતા હૈ વહી બિકતા હૈ. ના ભાઈ. સસ્તુ ને સારાની માગ છે. ક્વોલિટી ઈઝ કિંગ અને કેન્ટેન્ટ ઈઝ ક્નેક્શન. રાજકોટ-જામનગરમાં ગોલા ખાવા જાવ અને બીજી વાર કોઈ ફ્લેવરનો રસ માંગો તો ભાઈ હસતા મોઢે નાંખી આપે. પણ આવું અમદાવાદમાં કરો તો? તો આ વસ્તુ બદલાવી જોઈએ. વ્યાપારી અનુભવ તો અનેક લોકો પાસે દાયકાઓ જૂનો છે. પણ જેમ આંખે ચશ્મા આવે એમ પાંખ પણ ગૈઢી થાય. મુડી હોય તો મુડી આવે. એગ્રી. પણ કોઈને માસિક મુડી મળે એવી પણ વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. કોરોનાકાળ શરૂ થયો એટલે મને તો અંગત રીતે થોડો આનંદ આવ્યો. કારણ કે, હું જ્યારે આ સમાચારની દુનિયામાં નવો નવો હતો ત્યારે મફત કામ કરાવતા. આવડતને અવગણીને સફેદ મૂંછ અને કાથાવાળા દાંતવાળા કહેતા કે, દાયકો થયો આ ફિલ્ડમાં ત્યારે આટલું મળે છે. એક જ ઝાટકે એના પગાર અડધા થયા અને ક્યાંક તો બે મહિના સુધી ફદિયું પણ નથી મળ્યું એમને. માર્કેટમાં હાર્ટ બ્રેક કરી દેતા હાલાત છે જ નહીં. બસ નવું સ્વીકારવું નથી એટલે પાર વિનાનો કલ્પાંત છે. 


વેપારથી લઈને વિષય શિક્ષકો સુધી, પ્રિન્ટિગથી લઈને પેઈન્ટ બ્રશ સુધી, કથાકારથી લઈને કલાકાર સુધી, નોકરીયાતથી લઈને જરૂરીયાત વાળા સુધી સૌને લક્ષ્મીજીની જરૂર હોય છે પણ રોટેશનમાં હોય તો આવે. પણ શરૂઆત જ ન કરો તો ક્યાંથી આવે. નોકરીવાળા શાકભાજી વેચે છે. શિક્ષક લારી કાઢે છે. પણ આ જ તો પુરૂષાર્થનો વૈકલ્પિક માર્ગ છે. પણ લાખોના પેકેજવાળી નોકરી હોય અથવા ગામમાં ભેં કરાવવાની વૃતિ હોય એને આવું નથી જ સુઝવાનું. શોખને પેશન અને પ્રોફેશનમાં બદલવા માટે ખૂબ મહેનત કરવી પડે. પણ પ્રોફેશનની સાથે કંઈક ક્રિએટિવ વિચાર હવે અનિવાર્ય છે. કારણ કે, રોટલા જેટલું કમાવવા માટે રાતપાળી પણ હવે  લોકો કરવા તૈયાર છે. પણ શેઠીયાઓ વિચારો એ જુવાનિયાઓનું જેમણે સંસ્થા અને પોતાના કેરિયર માટે રાતનું વૈતરૂ કર્યું હશે. કુદરત સર્જિત વિશ્વ અને માનવસર્જિત દુનિયામાં વડાપ્રધાન મોદીએ કહેલું કે, દેશના ધનવાનને દુશમન ન માનો. સહમત વેલ્થનો ગ્રોથ એ પણ એક પ્રકારની દેશસેવા છે. સાદગી અને સાહસવૃતિ પિતળભેજામાં ઊતરતી નથી. કારણ કે આરામમાંથી ઐયાશી અને સમૃદ્ધિમાંથી શોષણવૃતિની વિચારધારા બની છે. માર્કેટ કોઈ પણ લો એમાં નવું નવા બેટ્સમેનની જેમ સેટ થતા વાર લાગે પણ નવાની શરૂઆત માટે પાવલી તો રોકો. તકલીફ એ વાતની છે કે, સામેવાળા પાસેથી બધું 100% બેસ્ટ જોઈએ છે અને પોતાના દાવમાં લોકો ડિસ્કાઉન્ટ માગતા હોય છે. કારણ આપણે પૈસા આપીએ એટલે આપણે રાજા. પણ જે મહેનત કરે છે એના માટે દુનિયાના કોઈ છેડામાં મંદી નથી. મેનપાવર આપતી એજન્સીઓ પાસે લાખો કર્મચારીઓ મોટી સંસ્થાઓના કામને રોલિંગ આપે છે. એના પગારમાં કાપ મૂક્યા પણ અત્યાર સુધીના કમિશનમાંથી આપીને સ્ટાફનું તો વિચારો. એને પણ પેટ અને ઘર બંને છે. પૂરા પૈસા આપો તો કોણ છોડવા માગે છે? મહેન્દ્રસિંહ ધોની જેવું પાત્ર ગમે છે પણ પાત્ર થવું નથી. આ પણ વાસ્તવિકતા છે. ટાર્ગેટ અને અચિવમેન્ટની મેરેથોનમાં અર્થતંત્રની સ્પીડમાં ડિસબ્રેક લાગી છે પણ તકલીફ ચોરી અને છેત્તરપિંડી કરનારાને વધારે પડે છે. પણ દુનિયાના કોઈ પણ બિઝનેસ કે રેવન્યૂ મોડલનો અભ્યાસ કરો સમયાંતરે ચેન્જએ જરૂરીયાત છે. પણ આપણે ત્યાં કેટલાક એને મજબૂરી માનીને સ્વીકારે છે. પછી જે નથી મળ્યું એને ખોટમાં ખપાવે છે. 


આઉટ ઓફ ધ બોક્સ

જેની માનસિકતા નવું સ્વીકારવાની નથી એની પાસે નવી વાત કરવી એ પણ મધદરિયે મીઠાશ શોધવા બરોબર છે. આજના યુવાનો પોતાની મુર્ખતા થાય એવા કોઈ વેણ પણ બોલવા તૈયાર નથી. 

Wednesday, August 12, 2020

હે કૃષ્ણ તમે કંસનું કાસળ કાઢ્યું હવે કોરોના વિશે શું વિચાર કરો છો?

 હે કૃષ્ણ તમે કંસનું કાસળ કાઢ્યું  હવે કોરોના વિશે શું વિચાર કરો છો?


ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફોન-પે અને પે-ટીએમના યુગમાં  પાર્થસારથીને પત્ર

હે કૃષ્ણ તમે કંસનું કાસળ કાઢ્યું  હવે કોરોના વિશે શું વિચાર કરો છો?


TO,

કૃષ્ણ વાસુદેવ યાદવ

સરનામું

મથુરા, ગોકુળ, વૃંદાવન, માધવપુર

દ્વારકા અને ડાકોર

વિષયઃ કોરોનાથી કાયમી મુક્તિ અને તારા ચરણોમાં પરમેનન્ટ સ્થાન

વ્હાલા વાસુદેવનંદન, 

આમ તો તારા જન્મને અમે દર વર્ષે ધામધૂમથી વધાવીએ છીએ. અમારા સૌરાષ્ટ્રમાં તો તારા બર્થ ડે પહેલા તહેવારોનું આખું પેકેજ શરૂ થાય છે. રજાનો માહોલ રચાય છે. પવિત્ર શ્રાવણ માસ અને એમા તમારૂ અવતરણ. એટલે આત્મશુદ્ધિનો અને આધ્યાત્મનો મહિનો. પણ તમે જે દેશની ધરતી પર જન્મ લીધો હતો એ માર્ચ મહિનાથી અસુરત્રસ્ત થઈ ગઈ છે. તમે કહો છો કે, હું પણ ભક્તો વગર અધુરો છું. પણ આ આસુરીશક્તિ એટલી હદે હઠ લઈને બેઠી છે કે, તને મળવા પણ નથી આવી શકાતું. જે ઘરમાં તારી સેવા-પૂજા થાય છે એ ઘરની બહાર નથી નીકળી શકાતું. હવે તો સરકારી કૃપાથી બધું ખુલી ગયું તો તે દરવાજા બંધ કરી લીધા. અમે પણ સમજીએ છીએ કે, આમા પણ તે અમારૂ જ ભલું વિચાર્યું હશે. પણ હે હરી, તમારી લીલા તો એવી છે કે, ઝડપથી સમજાતી નથી. સલમાન ખાન તો હવે ફિલ્મમાં કહે છે કે, દિલમેં આતા હું સમજ મેં નહીં, પણ આ વાક્ય તો તમે પાંચ હજાર વર્ષ પહેલા મૌન રહીને, કર્મ કરીને સમજાવી ગયા છો. આ વર્ષ શરૂ થયું ત્યારથી એવી માઠી બેઠી છે કે, તારૂ તૈયાર કરેલું શ્રેષ્ઠ સર્જન એટલે કે મનુષ્ય બીજા માણસને અડવાથી ડરે છે. પર્યાવરણ ત્રણ જ મહિનામાં શુદ્ધ થઈ ગયું પણ સ્થિતિ એવી છે કે, મોઢા અને નાક આડે જેમ તારા થાળ વખતે પડદો દેવો પડે એ રીતે ડૂચો દેવો પડે છે. હે, ચક્રધારી સમયનો સેકન્ડ કાંટો એવી રીતે ટર્ન થયો છે કે, ઘરની વેલ્યુ તો સમજાવી પણ ઘરનાનું અસ્તિત્વ પણ માખણ જેવું મીઠું લાગ્યું. એકાંતવાસનો એવો કસોટીકાળ તારા ભક્તોએ પસાર કર્યો છે કે, કાં તો મન શાંત થયું છે અને કાં તો ક્યાંય મેળ નથી આવતો. આખરે કાળચક્ર અંધારપટ લઈને અવતર્યું છે. એટલે પરમકૃપાળું આ બ્લોક અને બ્લેકઆઉટ થયેલા મનમાં હવે અજવાળું કર. કોરોનાને કચડીને આ દુનિયાનું સારૂ કર.


જ્યારે જ્યારે આ ધરતી પર અસુર સામ્રાજ્ય આકાર પામતું ત્યારે તારો દબંગ અવતાર સામે આવતો. મથુરા નગરીમાં તે અનેક ગોપીઓની મટુકી ફોડી. પણ એ પાછળ હકીકત મટકાસુરનો મોક્ષ કરવાનો હતો. એ ભાગ્યે જ કોઈ જાણે છે. મહાભારતમાં તે હથિયારને હાથ લગાવ્યા વગર નેતૃત્વ કર્યું. પણ આજના રાજનેતાઓ વાયદાવીર બની ગયા છે. ફોટા પડાવવા ઊભા રહેતા એ હવે ફેસબુકમાં પણ ફોટો અપલોડ નથી કરતા. ગીરધારીલાલ તમે ગોવર્ધનને છેલ્લી આંગળી પર ઊઠાવીને સૌ ગામ લોકોના જીવ બચાવ્યા. પણ રાજનેતાઓ તો પાંચ વર્ષે પરાણે આંગળી પર ટપકું કરાવી જવા માટે જોર કરે છે. કેટલો મોટો કોન્ટ્રાસ. કેશવ તમે જ કહ્યું છે લવ યોર વર્ક. કર્મ કર. પણ અહીંયા તો કોરોનાકાળમાં કર્મના નામે કેશ ક્લેકશન થઈ રહ્યું છે. કાચના શૉરૂમમાં જાણે દર્દી હાલતી-ચાલતી બેન્ક બનીને અવતર્યો હોય એવી નજરથી જોવાય છે. તે અવતાર લીધો પછી આરામ નથી કર્યો. પણ અહીં તો કેટલાય ઐયાશી અને આસવ (દારૂ)ના ગુલામ બની બેઠા છે. હવે સમજાયું કે, જ્યાં સુદામા જેવા લોકો ત્યાં જ કૃષ્ણ આવે ને? અહીં દરેક વિદ્યાર્થીને શિક્ષક શીખવાડે છે કે, બેટા અર્જૂન થજે. પણ તું જાણે છે કે, કર્ણ અને સહદેવ પણ ત્રિકાળજ્ઞાની હતા. કદાચ અત્યારે કોઈ અર્જૂન જેટલું નોલેજેબલ નથીને એટલે તું હાથ પકડવા આવતો નથી. પણ હે, દ્વારકાનરેશ કોરોનાએ તારા દ્વાર બંધ કરાવ્યા છે તો એના હવે ડૂંચા કાઢી નાખ. તારા પત્ની દેવી રૂક્ષમણીનો પ્રેમપત્ર જે એમણે તને લખ્યો હતો એ આટલા દાયકાઓ બાદ પણ ચર્ચામાં છે. મને તો ખબર નથી કે, તારા સુધી પહોંચ્યો હશે કે કેમ? કારણ કે, એ સમયે ડાક વિભાગ તો હતો નહીં. અત્યારે ડાક વિભાગ છે તો ય સમયસર રાખડી પહોંચતી નથી. તારા યુગમાં ઈન્ટરનેટ ન હતું પણ આંતરનેટના જોડાણ હતા. યાદ રાધા કરે ત્યારે આંખ તારી ભીંજાય, મનથી તું હતાશ થા અને થાક રૂક્ષમણીને લાગે. આનાથી મોટું ઈન્ટરનેટ કયું હોઈ શકે?

તુ તારક છો પણ હવે એવું લાગે છે કે, તારે આ મહામારીમાં સંહારક બનવું પડશે. વરસાદી આફતમાં તે અનેક લોકોને આધાર આપ્યો. પણ દેવકીનંદન દયા આવી જાય એટલી કુમળી વયમાં લોકો આજે નવજાતશીશુને ત્યજી દે છે. આનો જવાબ તો તું જ આપી શકે. તમે તમારી લાઈફમાં ક્યારેય કંટ્રોલ ઝેડ તો કર્યું જ નથી. સલાહ આપી પણ સમસ્યા ઊભી નથી કરી. પણ શનિની સાડાસાતી જેમ માણસના મનમાં સ્વાર્થ બેઠો છે એટલે એ સારૂ બોલતો તો નથી પણ મોટી મુશ્કેલી ઊભી કરતા ક્ષણ માંડ લાગે છે. તારા ફોલોઅર્સ તારા નામથી તારા ભક્તોને છેત્તરી જાય ત્યારે દિલ તો તારૂ પણ દુઃખતું જ હશે ને? તું એક જ તો એવો ભગવાન છે જેને તુકારો દઈ શકાય છે. પણ બાકે બિહારી લાલને બાથમાં લેવા માટે અત્યારે સમય કપરો છે. કાન્હા, તને ભેટવા માટે સુદામા થવું પડે એ તો માણસ ભૂલી ગયો છે. ધાર્યું થાય નહીં એટલે ધમપછાડા શરૂ થાય. પણ એ પણ ભૂલ્યા કે, ધાર્યું તો ધણી (પરમાત્મા)નું થાય. તારૂં પ્રિય માખણ અત્યારે ઘરે બનાવવું પણ દરેકને પોસાતું નથી. કારણ કે, ડીઝલના ભાવ ઘટે તો પણ દૂધના ભાવ નથી ઘટતા. તારી પ્રિય ગાય અત્યારે રસ્તાનું ડાયવર્ઝન બની બેઠી છે. આ સ્માર્ટ સિટી હોડમાં ક્યાં નીકળીશું એ ખબર નથી. પણ તે તારી મથુરા અને દ્વારકાને ખરા અર્થમાં સ્માર્ટ નગર બનાવી હતી. દ્વારકા તો આખી સોનાથી મઢી હતી. કદાચ તને પણ ખબર જ હતી ને કે, કાળા માથાનો માનવી કાળિયા ઠાકોરનું પણ કરી નાંખશે. એટલે જ ડૂબાળી દીધી. હશે. તારા જ એક અવતારનું મસમોટું મંદિર બની રહ્યું છે. જેમાં ભક્તિના સ્પર્શ કરતા રાજકીય હર્ષ વધારે દેખાય છે. હે, વિશ્વરૂપ બસ તારા ચરણસ્પર્શ થાય એટલી આ સ્થિતિને મોકળી કરી દે. કારણ કે કોરોનાસુરે (કોરોના + અસુર) કેટલાયની કમર ભાંગી નાંખી છે. 


બસ હવે એક છેલ્લા ફકરા સાથે આ પત્રનું સમાપન કરૂ છું. આમ તો ઘણી અરજી તારે ત્યાં પેન્ડિંગ જ હશે. રાજનેતાઓની, વીવીઆઈપીઓની, ભગવા પહેરીને ભોગ લેતા ધુતારાઓની, ધનકુબેરોની, શ્યામલક્ષ્મી પતિઓની (બ્લેકમની વાળા) પણ મારી તો એક આ અરજી આ પત્ર સાથે છે એ જે ભક્તિમાં કવરમાં પેક કરીને હ્દયના ભાવથી લખીને તારા અનેક સરનામે મોકલી છે. જેમાં એક જ વસ્તુ લખી છે. ક્ષમા કરજે અને કામ પડે ત્યારે મને યાદ કરજે. આમ તો તું બધાનો છે. પાપી અને પુણ્યશાળી એમ બધાનો. પણ કોઈ સારા કામમાં નિમિત મને બનાવજે. હા, એ ચોખવટ કરી દઉં કે, ખિસ્સુ ખાલી છે. પણ ભક્તિ દિલથી કરી છે. હું કોઈ ચાર્જિસ નહીં આપી શકું પણ મને ખ્યાલ છે તારી ભક્તિનો ચાર્મ છે એ તો ડૉલરથી પણ અનેકગણો વધારે છે. હે મથુરાધિપતિ, મોજ કરાવવા તું બેઠો છે પણ ક્યારેક કોઈની મદદ કરી શકું એટલો જ મોટો બનાવજે. તારા વિરાટરૂપ જેવડી અને જેટલી બુદ્ધિ આપજે જેથી વામનને પણ સમજી શકાય. હિંસાવૃતિ અમારા વિચારમાં નથી. પણ આ જ્વાળામુખી બનીને ફાટેલા કોરોનાસુરનો કહેર કાઢી નાંખજે. અમે સૌ સાથ આપીશું તારો. કારણ કે, ટચલી આંગળીથી પર્વત તો તારાથી જ ઉપડે. અમે તો નીચે લાઠી લઈને તને ટેકો આપીશું. એ તારા ફોટો પરથી અમે એટલું શીખ્યા કે, સારા કામમાં ટેકો આપવાનો. બસ હવે તો નક્કી છે કે, કાં તો કૃષ્ણ ઉપર બધું છોડવું છે કાં તો કૃષ્ણને છોડવા છે. પણ હું તને છોડું એમ નથી. તારા દરેક જન્મદિવસ પર મારો પત્ર આવશે. જેમાં નાનકડી અરજી હશે. જે તારે હુંડી વગર પાસ કરવાની. બસ કાનુડા. તારા જન્મદિવસમાં અમે તને બાથમાં લઈને ભક્તિમાં લીન થઈ શકી અને કર્મની કેરિયરમાં શિખર સુધી પહોંચીએ એ દિવસો ફરી આપી દે. લવ યુ કાના. બહું મિસ કરીએ છીએ તને. ઈતિહાસ બની રહેલી આ 2020ની જન્માષ્ટમી. જેમાં તું માત્ર પૂજારી સાથે હોઈશ અને અમે તને સ્ક્રિન પર જોઈને હરખાઈશું. હેપી બર્થ ડે યોગેશ્વર.


આઉટ ઓફ ધ બોક્સ

પોતાની દ્વારકા બનાવવી હોય ને તો જીતેલી મથુરા છોડવા માટેની હિંમત જોઈએ.

Wednesday, August 05, 2020

I'm professional.But I love to travel: પંકજ ત્રિપાઠી

           I'm professional.But I love to travel: પંકજ ત્રિપાઠી          

            ફિલ્મી કલાકારોની જીવનશૈલી અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક નિવેદનને લઈને તો ક્યારેક નિર્ણયને લઈને. પણ બોલિવુડની નેમ અને ફેમની દુનિયામાં કેટલાક એવા પણ કલાકારો છે જે સામાન્ય પ્રવાહથી અલગ છે. પાત્રથી લઈને પર્સનલ લાઈફમાં ઘણા એવા અનકોમન ફેક્ટર છે જે એમને બીબાઢાળ બોક્સથી અલગ બનાવે છે. આ યાદીમાં આમ તો ઘણા કલાકારો આવે છે પણ એક એવા પણ કલાકાર છે જે એકદમ અલગ છે. વેબ સીરિઝથી લઈને વૈવિધ્યસભર રોલ પ્લે કરતા પંકજ ત્રિપાઠી. માત્ર ગ્રાઉન્ડ લેવલના નહીં પણ રૂટ લેવલના માણસ. અનેક કલાકારો પોતાની એક્ટિંગ માટે પ્રવાસ કરે છે. પણ પંકજ ત્રિપાઠી માટે પ્રવાસનો દ્રષ્ટિકોણ સૌથી અલગ અને અનોખો છે. એમ ખબર પડે કે, આ લોકેશન પર શુટ થવાનું છે તો ક્યારેક દસ દિવસ પહેલા પહોંચી જાય. ઘણી વખત ક્રુ ટીમ જતી રહે તો પણ એ લોકેશન પર દસ-દસ દિવસ સુધી ફરવા માટે રોકાય. તેઓ ખુદ એવું કહી ચૂક્યા છે કે, કલાકારથી પણ મોટી એમની ટ્રાવેલર તરીકે લેન્થ અને સ્ટ્રેન્થ ખૂબ મોટી છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે દિલ ખોલીને વાત કરી છે. પ્રસ્તુત છે એ ઈન્ટરવ્યૂના કેટલાક અંશ. એમના જ શબ્દોમાં 

"મૈં વો આદમી હું જો ચિલ્લાને-ચિખને, લલકારને કે દૌરમેં બાત કરને કી કોશીસ કરતા હું". આમ તો દરેક કલાકાર સ્ક્રિપ્ટને ધ્યાને લઈને ફિલ્મો સાઈન કરતા હોય છે. પણ હું થોડો અલગ છું. હું ફિલ્મ ક્યાં શુટ થવાની છે એ જગ્યા અને ક્યાં એના પ્રાઈમ શોટ છે એ જાણીને ફિલ્મો પસંદ કરૂ છું. મને એવું લાગે કે, એ જગ્યા ખૂબ જ જબરદસ્ત છે તો શુટિંગમાં જતા પહેલા એ આખા લોકેશન જ નહીં એની આસપાસના બીજા 100 લોકેશન પર રીસર્ચ કરીને શુટિંગ માટે નીકળું છે. હું એ બાબતમાં સ્પષ્ટ હોવ છું કે, હું ત્યાં જઈ શું એક્સપ્લોર કરવા માગુ છું. અત્યાર સુધીમાં ઘણું એક્સપ્લોર કર્યું છે. હજું કરૂ છું અને આગળ પણ કરતો રહીશ.ઘણી વખત તો પ્રોડક્શન ટીમને ચિંતા હોય છે કે, હું ટાઈમ ટુ ટાઈમ પહોંચીશ કે નહીં. યસ, I'm professional.But I love to travel. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ફિલ્મ 'કાગઝ'નું શુટિંગ પૂરૂ કર્યું. જે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં શુટ થઈ છે. મેં રીસર્ચ કરી જાણ્યું કે, નજીકમાં દુધવા નેશનલ પાર્ક છે. એટલે શુટિંગનો હેક્ટિક શેડ્યુલ પતાવીને થેલા-બેગ બાંધીને હું ત્યાં જવા નીકળી પડ્યો. મેં પાર્કમાં અગાઉથી જ એક રૂમ બુક કરાવી લીધો હતો અને હું ત્યાં ચાર દિવસ જંગલમાં રોકાયો.-આમ પણ ફિલ્મ લોકેશન પર થતા રીસર્ચ અદ્ભૂત અને અવિસ્મરણીય હોય છે. કલ્પના પણ ન કરી હોય એવા સીન જ્યારે સ્ક્રિન પર આવે ત્યારે એમ થાય કે, વાહ....


"દસ દિવસ પહેલા પહોંચી ગયો." ગત વર્ષે ફિલ્મ 83નું શુટિંગ કરવા માટે લંડન જવાનું થયું. પણ એ માટે હું દસ દિવસ પહેલા પહોંચી ગયો અને પ્રોડક્શન ટીમને કહ્યું, આપણે સૌ ત્યાં જ મળીશું. આ પાછળનું કારણ એ હતું કે, સ્કોટલેન્ડ ફરવું'તુ. દીકરી અને પત્ની સાથે આ ટુર શરૂ કરી હતી. અમે સૌ ઈડનબર્ગમાં રોકાયા હતા. ત્યાંથી પછી હાઈલેન્ડ ગયા. આ આખા પ્રાંતની મે મુલાકાત લીધી. શુટિંગના વચ્ચેના ફ્રી શેડ્યુલમાં ઈડનબર્ગનો ફ્રિંજ ફેસ્ટિવલ પણ માણ્યો. જ્યારે પણ કોઈ હેરિટેજ ઈમારત નજરે ચડી જાય તો હું એ પાછળનો આખો ઈતિહાસ જાણવા માગું છું. મને એ પ્રકારના આર્કિટેક્ચર ખૂબ ગમે છે. જ્યારે જ્યારે મુંબઈના જે.જે. ફ્લાયઓવર પરથી પસાર થવાનું થયું ત્યારે હું એ બિલ્ડિંગ સામે જોતો અને પપ્પા વિશે વિચારતો હતો. મેં વેબસાઈટ પર અનેક વખત એ બિલ્ડિંગ વિશે શોધવા પ્રયત્નો કર્યા પણ એક લાઈન્સ પણ જાણવા ન મળી. - સામાન્ય રીતે કલાકારો પોતાની રીતે ફરતા હોય છે પણ એક ટ્રાવેલર તરીકે પંકજનો દ્રષ્ટિકોણ અનેક પાસાથી જુદો પડે છે. 

સીધી અને સરળ લાઈનમાં કહું તો હું બહું જ ટ્રાવેલ એડિક્ટેડ છું. ટ્રાવેલ વગર જીવવાનું વિચારી પણ નથી શકતો તો એપ્લાય તો ન જ કરી શકું. ટ્રાવેલ્સ જ મને એક બેસ્ટ એક્ટર બનાવે છે. જ્યારે આપણે પ્રવાસ કરીએ છીએ આપણે આ દુનિયાને સમજીએ છીએ અને એમાં આપણે આપણી જાતને સેટ કરવા એક્ટિવ થઈએ છીએ. ગોવામાં સીઝનનો પહેલો વરસાદ માણ્યો છે. આવો માહોલ હોય ત્યારે હું મારા ગામડાં બેલસાંડને મિસ કરૂ છું. આ વર્ષે તો થોડું ટફ છે પણ હું એની મુલાકાત લઈ શકીશ કે નહીં એ પણ ડાઉટ છે. મારો ટ્રાવેલ પાછળનો હેતું સ્પષ્ટ છે. માત્ર ટ્રાવેલ, ફરવું, રખડવું. પછી એમાં કોઈ લક્ઝરીને પ્રાયોરિટી નથી આપતો. રાહુલ  સંસ્ક્રિતયાયાન જેણે પોતાના જીવનના 45 વર્ષ સુધી ટ્રાવેલીંગ કર્યું છે. ઘણા ઓછા લોકો આ વ્યક્તિને ઓળખે છે. તેણે એક બુક લખી છે. 'વોલ્ગા સે ગંગા'. એ એવું કહેતા કે, વ્યક્તિએ ચિંતામુક્ત થવાની જરૂર છે. જે ટ્રાવેલથી થઈ શકે. કારણ એ આ એક પ્રકારનો ચેન્જ આપે છે. ટ્રાવેલ એક જરૂરિયાત છે. આ જ અભિગમને કારણે મને ટ્રાવેલ ગમે છે. આઈ લવ ટ્રાવેલ.

"મને તો તમામ પ્રકારનો પ્રવાસ ગમે-પ્રોફેશનલ હોય કે, પર્સનલ" હું મારી દીકરીને જંગલ બતાવવા માગું છું, પહાળ, નદી. હું એને ગંગા કિનારે અને બ્રહ્મપુત્રાના કિનારે લઈ જવા માગું છું. વિદેશી પંખીથી પરીચીત કરાવી છે. એ જગ્યાએ પણ લઈ જવા માગું છું જે જગ્યાએથી એ પણ અહીં સુધી આવી છે. આ દેશની દરેક નદી જોવા માગું છું. જે તેના ઉદગમ સ્થાનથી દરિયામાં સમાય છે ત્યાં સુધીની તમામ જગ્યા જોવા માગું છું. પણ જ્યારે હું જઈ નથી શકતો ત્યારે ગુગલ મેપ પરથી એને જોવ છું. હું દીકરીને એ તમામ વસ્તુઓથી પરિચિત કરાવવા માગું છું. લેન્ડસ્કેપથી લઈને આર્કિટેક્ચર સુધી અને શહેરથી લઈને આર્ટ અને મ્યુઝિક સુધી. જો લેન્ડસ્કેપની વાત કરવામાં આવે તો હું એવું માનું છું કે, દરેક ભારતીયએ એના જીવનમાં એક વખત આ બંને જગ્યાઓ ફરવી નહીં પણ જાણવી જ જોઈએ. લેહ-લદ્દાખ અને કચ્છનું રણ. જ્યારે ફેમિલી સાથે ફરવાનું શરૂ કર્યું ત્યારે સૌ પ્રથમ એ બધાને હું ત્યાં લઈ ગયો હતો. હું કોઈ હોટેલ્સ કે કોટેજમાં સાંજ વીતાવવાને બદલે આસપાસના સ્થળોને એક્સપ્લોર કરું છું. છ દિવસની કચ્છની મુલાકાતમાં અનેક વસ્તુઓ જોઈ. ખાસ તો લખપત ફોર્ટ. અતુલ્ય વારસો. હેરિટેજ એન્ડ હિસ્ટ્રી. જ્યાં ફિલ્મ 'રેફ્યુજી'નું શુટિંગ થયું છે. એક સમયે અહીં સિંધુ નદી વહેતી અને ફોર્ટેને એક લાખ રૂપિયા કર પેટે મળ્યા હતા. તેથી એનું નામ લખપત પડ્યું હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું. પણ પછી ભૂકંપને કારણે અહીં નદીઓના પ્રવાહ બદલતા આ ખ્યાતિ અસ્ત થઈ ગઈ. પણ જર્ની ક્યારેય ભૂલી ન શકાય એવી છે. (ક્રમશઃ)

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...