વિટંબણાઓથી વ્યસ્ત વિષ સમા વર્ષની વિદાય
દર વર્ષે દિવાળીનો ઉલ્લાસ અને ઉમંગ હોય છે. પણ વર્ષ 2020ના વર્ષાંતે આનંદ ઓસરી ગયો હોય એવું જણાય છે. સમયચક્રમાંથી એક વર્ષ ઓછું થઈ ગયું. પણ આ વખતે કાળમુખા કોરોનાએ દેશવાસીઓને ખૂબ દુઃખી કર્યા. એનાથી પણ વધારે ડામાડોળ થઈ ગયેલી અર્થવ્યવસ્થાએ દરેક વર્ગને એક અણધાર્યો અને ઓચિંતો ફટકો માર્યો. જેના કારણે દિવાળીનો ઉત્સાહ આથમી ગયો. માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના કાળમાં હજું સુધી પૂર્ણવિરામ મૂકાયું નથી. દાયકા જેવડા લાગેલા લોકડાઉનથી દરેકને ઘરનું મહત્ત્વ સમજાયું. જ્યાર પરપ્રાંતિયના મુદ્દાને રાજકીયસ્પર્શ લાગ્યો. કેન્દ્ર સરકારના આર્થિક પેકેજના એલાનથી એકમને વેગ આપવા માટે કમરતોડ પ્રયત્નો થયા. બીજી તરફ અનેક એવા કલાકારોને ગુમાવ્યા જેણે પોતાના કેરિયરમાં માઈલસ્ટોન્સ ઊભા કર્યા હતા. કેન્દ્ર સરકારના લોકડાઉનના નિર્ણયથી વૈશ્વિક પ્રત્યાઘાત પડ્યા. તો અમેરિકાની આક્ષેપબાજીની ચૂંટણીમાં બાયડેને બાજી મારી લીધી. ટ્રમ્પની સ્ટમ્પ ઊડી ગઈ. અમિત શાહે કચ્છની મુલાકાતથી સૈન્યશક્તિનો ઉલ્લખ કરીને ગગનગાજે એવા નિવદેન આપ્યા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ વખત સી પ્લેન સેવાનો શુભારંભ કર્યો. જ્યારે સૌરાષ્ટ્રના સૌથી ઊંચા શિખર ગીરનાર પર હવે ઉડીને પહોંચી શકાય એ માટે ઉડનખટૌલા શરૂ થયું. પણ બંને મોટા પ્રોજેક્ટમાં ભાવને લઈને એવો હોબાળો મચી ગયો. જાણે ડૉલર સામે રૂપિયો તળીયે પહોંચી ગયો હોય. કેટલાક અધુરિયાઓને ચંપલ પહેરવા ન હોય અને રસ્તો ખરાબ છે એવા દાવા ઠોકતા હોય છે.
માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ કલાકારોને પણ ડિપ્રેશન થાય છે. એ વાત સામે આવી. સુશાંતસિંહ રાજપૂત પંખે લટકી ગયો. આ કેસની આખી સીરિઝ એકતા કપૂરની સીરિયલ જેટલી લાંબી ચાલી. જેમાંથી ડ્રગનું કોકડું ખુલ્યું અને આધુનિક ડાકુથી લઈને દીપિકા સુધીનાને રેલો આવ્યો. બીજી તરફ 'ઝાંસી કી રાની' બનેલી કંગનાનો રીયલ લાઈફમાં 'દબંગ' અવતાર જોવા મળ્યો. સપનામાં પણ વિચારી ન હોય એવી કચેરીનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. બોલિવુડની 'ક્વિન' સામે અઘાડી સરકાર અનેક મુદ્દે ઉઘાડી પડી ગઈ. આ તમમા મુદ્દાઓના એટલા મોટા હોબાળા થયા અને તમાશો અવકાશ જેવડો થયો. જ્યારે જાણીતા ગીતકાર અભિલાશ, એસ.પી.બાલાસુબ્રણિ્યમ, નિશિકાંત કામત, હિન્દી સાહિત્યજગતના કવિરાજ રાહત ઈન્દૌરી, ટીવી એક્ટર સમીર શર્મા, કુમકુમ (મેરે મહેબુબ કયામત હોગીની અભિનેત્રી), ડાયરેક્ટર રજત મુખર્જી, સૌમિત્ર ચેટરજી, કોમેડિયન જગદીપ, ફિલ્મ ડાયરેક્ટર હરીશ શાહ, કોર્યોગ્રાફર સરોજ ખાન, ફિલ્મનિર્માતા બાસુ ચેટરજી, વાજીદ ખાન, જેમ્સ બોન શોન કેનરી, યોગેશ ગૌર, મોહિત બઘેલ (ફિલ્મ 'રેડ્ડી'ના છોટે ચૌધરી), રીશી કપૂર, ઈરફાન ખાન, નિમ્મી, ટીવી એક્ટર સેજલ શર્મા અને છેલ્લે આસીફ બરસા જેવા અનોખા વ્યક્તિત્વને ગુમાવ્યા. બીજી તરફ ગુજરાતી ફિલ્મ સેક્ટરના ખરા 'નરેશ' અને મહેશ કનોડિયાએ એવી વિદાય લીધી કે સૌ કોઈ ચોંકી ગયા. જ્યારે ગુજરાતના રાજકારણના ટ્રેન્ડ ચેન્જર કેશુબાપા પણ કૃષ્ણચરણ પામ્યા. આ ઉપરાંત કુંદનિકા કાપડિયાને કેવી રીતે ભૂલી શકાય. સાત પગલાં આકાશમાં અમર થઈ ગયા. એટલે આ વર્ષમાં લોસ એટલો લાર્જ છે કે, ગણતરી કરી શકાય એમ નથી. ગુજરાતમાં ઓનલાઈન સ્કૂલે એવો ઉપાડો લીધો કે, મંત્રીએ મહામહેનતે સ્પષ્ટતા કરવી પડી. ફીમાં રાહતનો મુદ્દે વાલીઓ રૌદ્ર બની વીરભદ્ર બની સ્કૂલ્સ સામે મોરચા માંડ્યા. એટલે ઘટનાઓ પણ એવી બની કે, ક્યાં જઈને અટકશે એવા પ્રશ્નો વહેતા થયા. એવામાં એક ચોક્કસ ચેનલનો બૂમ બરાડા પાડતો પત્રકાર જેલ રીટર્ન થયો. ટૂંકમાં ટીઆરપીની પોલ છતી થઈ ગઈ.
દેશમાં કાયમી ચર્ચાતા અયોધ્યા કેસનો મોટો નીવેડો આવ્યો. મંદિર માટે જરૂરી એવો પાયાનો પથ્થર મૂકાયો. પહેલી વખત દેશના કોઈ વડાપ્રધાને અયોધ્યામાં આવીને મંદિર નિર્માણની શરૂઆત કરાવી. આ ખરા અર્થમાં એક ઐતિહાસિક ક્ષણ હતી. જ્યારે આ પહેલું એવું વર્ષ રહ્યું જેમાં વડાપ્રધાન સાહેબે કોઈ ફોરેન ટુર ન કરી. વીતેલા વર્ષે ભાજપની દિવાળી સુધારી દીધી. આઠેય બેઠકો પર મહાવિજય. ભાઉ અને ભાઈ વચ્ચેની મુદ્દલક્ષી અટકળોનો અંત આવ્યો. પણ ભાજપે પારકાપક્ષના વરરાજાને સારી રીતે પોંખ્યા એ પણ હકીકત છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણનું ચિત્ર એવી રીતે પલટાયું કે, આખો ફ્લેવર જ નવો જોવા મળ્યો. અનાધાર વરસાદથી મગફળી ધોવાઈ પણ ગઈ અને રેકોર્ડબ્રેક આવક પણ થઈ. રાજકોટ અને ગોંડલ યાર્ડમાં મબલખ આવક થઈ. છતાં સિંગતેલ સસ્તું ન થયું. બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં એવું થયું કે, મોટું પદ ધરાવતા નીતીશકુમારનું પદ નાનું થઈ ગયું અને ભાજપ ફરી કદાવર પક્ષ સાબિત થયો. જોકે, આ વર્ષ સ્વરક્ષણ શક્તિનું વર્ષ રહ્યું. દેશમાં રફાલ આવ્યા અને સૈન્ય શક્તિમાં વધારો થયો. ફ્રાંસથી લાં...બુ અંતર કાપીને રફાલ અંબાલા એરપોર્ટ પર આવ્યા. ફ્લાઈટ લેફ્ટન્ટ શિવાંગીસિંહ રફાલની ફ્લાઈટ લેનારા પ્રથમ મહિલા ફાયટર બન્યા. એટલે જેટલી માઠી આ વર્ષે દેશવાસીઓએ જોઈ એનાથી વધું સિદ્ધિ પણ જુદા જુદા ક્ષેત્રમાં હાંસલ થઈ. પ્રથમ વખત સ્વદેશી અભિયાન જે ગાંધીજીની વિચારધારા હતી એનો સ્વીકાર થયો. 150 વર્ષ બાદ. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતથી ચીનના પેટમાં એરડિંયું રેડાયું. ગલવાન ઘાટીમાં થયેલી અથડામણથી ચીન સાથેનો છેડો ફાટ્યો. પણ હવે નવા વર્ષે સૌથી ચડતી થાય અને પોઝિટિવ ચેન્જ આવે એવી આશા દરેક દેશવાસી રાખે છે. વર્ક ફ્રોમ હોમથી અડધી થયેલી આવક ફૂલ પેમેન્ટમાં પલટાય એની રાહ જોવાઈ રહી છે. જ્યારે નવરા થયેલા લોકોએ આત્મબળે શરૂ કરેલા વ્યાપાર વ્યવસાયને વેગ મળે એ સમય પાસે અપેક્ષા છે. લોકડાઉને પ્રોફેશનલી ફરજ પાલનની પાંખ કાપી નાંખી પણ બીજા વિકલ્પો વિશે કામ કરવાની પણ તક આપી. કોરોનાથી થયેલા લોકડાઉને ઘર અને ઘરનાની વેલ્યું સમજાવી. જ્યારે મોટા એકમોના માલિકને એ શીખ આપી કે, ઐયાશીનો રૂપિયો પણ બચાવી શકાય છે. ઓવરઓલ વર્ષ બદલાયું પણ વિચાર બદલાય એ અનિવાર્ય છે. નવા વર્ષે નાના સિટી મેગા સિટી અને મેગા સિટી મેટ્રો સિટી બનવા તરફ ગતિમાન થાય. નેતાઓના જીભે ચોંટી ગયેલો 'વિકાસ' કામલક્ષી વિચારધારા બને તો ગામડું ફોરલેન જેવા રસ્તાઓથી જોડાશે અને ટોલટેક્સ માફ થશે. નવા વર્ષના સાલ મુબારક
આઉટ ઓફ ધ બોક્સ
ટેકનોલોજીને ઝડપથી ન સ્વીકારનારા હિસાબ દિમાગી માલિકો એકાએક ડિજિટલ થઈ ગયા. કારણ કે માલ વેચાતો નથી. જ્યારે યુવાનોએ ઉકળતા પાણી અને દૂધના ઊભરા જેવા મુદ્દાઓથી મન ફેરવી લીધું. એટલે જ ન્યૂઝના દર્શકો ઓછા ને વેબસીરિઝના વ્યૂઝ વધી રહ્યા છે.
No comments:
Post a Comment