Wednesday, September 23, 2020

માહોલ મંદીનો, મિજાજ મુડીનો અને મુદ્દો અસ્વીકૃતિનો

  માહોલ મંદીનો, મિજાજ મુડીનો અને મહત્ત્વકાંક્ષા સત્તાની

સરકારી તિજોરીમાં નગારા વાગે છે ત્યાં ખિસ્સાફાડ મોંઘવારી

શનિ મહારાજની સાડાસાતીની જેમ દુનિયા પર બેસી ગયેલા ક્રુર કોરોનાએ અનેક માણસોને પોતાના શિકાર બનાવ્યા છે. પણ માત્ર માણસ જ નહીં દુનિયાના અનેક સેક્ટરના તળિયા જાટક થઈ ગયા છે. એટલે રોંદણા રોવા કે કોઈ એક ક્ષેત્રનો ત્રિપરિમાણ્ય વ્યૂ મૂકવા કે કોઈની આક્ષેપબાજીથીનો ઉલ્લેખ કરીને શબ્દોની નાવને ખોટા હલેસા મારવાનો કોઈ હેતું નથી. તહેવારો પર કોરોનાનો કાટ એવો લાગ્યો છે કે, કોઈને જાહેરમાં લાગણીવશ પણ ભેટી શકાતું નથી. પણ રાજકીય તહેવાર કે રેલીની રોનક, કાઉન્સેલર્સના જન્મદિવસ કે મંદિરમાં ધારાસભ્યોની-સાંસદની મુલાકાતમાં એક ટીપાની પણ ઓટ આવી નથી. કેસરીયાના ભક્તો ભાન ભૂલે, રસ્તે ગરબા કરે, ડી.જે. વાગે ત્યારે ફંડ ઊભું થઈ જાય પણ બેરોજગારને નોકરી દેવામાં કોઈ ખિસ્સામાં હાથ ન નાંખે. મહાનગરમાં ગ્લેમરની ગલીમાં ગલગલીયા કરવા માટે વાયદાનો પટારો ખોલી પહોંચનારા નેતાજીમાંથી મંદી વિશે કોઈનું મોઢું ઉઘડતું નથી. વિશ્વની પ્રમુખ એજન્સીઓએ દેશના ગ્રોથ રેટની ચિંતા કરીને ભવિષ્ય ભાંખી નાંખ્યું છે અને મોંધવારીએ 'આમ' આદમીની કમર ભાંગી નાંખી છે. ઓગસ્ટમાં કોરોનાના નોંધપાત્ર કેસ વધ્યા અને સપ્ટેમ્બરમાં વસ્તુની કિંમત વધી. સિંગતેલ મોંઘુ, પેટ્રોલ મોંધુ, શાકભાજી મોંધા, કૃષિબિલ પાસ થયું પણ બિયારણ મોંઘા. ટ્રિલિયન ઈકોનોમીની વાત અંતે દળી દળીને ઢાંકણીમાં પોઢી ગઈ. ચીનમાંથી આવતા માલની આયાત ઘટી પણ સિંગતેલ ત્યાં પહોંચાડવાનું બંધ નથી થયું. એક જાણ ખાતર ચીનમાં સૌથી વધારે સિંગતેલ ખવાય છે. સોરી..પીવાય છે. માર્કેટમાં માગનો ગ્રાફ તળિયે છે છતાં ક્યાંય રોકાણ સાવ ઝીરો થઈ ગયું એવું નથી. સ્ટાર્ટ અપ કરીને બીજાને નોકરી આપવાની વાત કરતા નેતાજીના જ પ્રદેશમાં સ્ટાર્ટઅપના સુરસુરિયા બોલી ગયા. કોરોનાનો એવો કાંટાળો બોંબ ફૂટ્યો કે જાણે માર્કેટમાં નીરસતાના શેરમાં તેજી આવી ગઈ. 


પણ હકીકત દરરોજ બૂમબરાડા પાડતા વાવડની દુનિયાથી થોડી તો અલગ છે જ. કોઈ સાવ ઝીરો નથી અને કોઈ જે તે સેક્ટરમાં હીરો પણ નથી. માહોલ મંદીનો છે છતાં તેલિયા રાજા દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમે યથાવત છે. સેનિટાઈઝરના ભાવમાં આસમાની તેજી આવી છતાં વેપારીઓ ગીત તો ગરીબડી મંદીના ગાય રહ્યા છે. ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં આવતા મહિનાથી આયાતદર 5 ટકાથી વધતા ટિવી મોંઘું બની રહ્યું છે. વરસાદ લિમિટથી વધ્યો છે છતાં શાકભાજીના ભાવ ખિસ્સાફાડ છે. કોરોના વાયરસના ટૂંકા ઈતિહાસનું લાંબુ ભવિષ્ય એ છે કે, લોકડાઉનના કાળે ધોળા દિવસે તારા દેખાડી દીધા. પણ પગારકાપ અને રેવન્યૂ ઝીરો થઈ ગઈ છે આ વાતની સત્યતા કેટલી? 20-30 વર્ષોથી પાણીમાં લીલની જેમ સ્થપાઈને બેઠેલી કંપનીઓ કે ગ્રૂપ પાસે કર્મચારી સચવાય એટલા પૈસા ન હોય? હકીકતમાં જે પૈસો ઐયાશીમાં ઉડાવ્યો હતો એટલે સેવિંગના તળિયું નહીં આખેઆખા સળિા દેખાવા લાગ્યા છે. ઈકોનોમી સ્લોડાઉન થાય તો પણ કોઈ મંત્રી કે તંત્રી એક્ટિવામાં નથી આવતું.  બપોરે ભલે સવાર પડતી હોય પણ કાર તો જોઈએ જ. કારણ આકર્ષણમાં ઓટ ન આવવી જોઈએ. સમય સાથેની સરવાળા બાદબાકી તો ચાલતી રહેવાની પણ અત્યારે જરૂર એક નવા કોન્સેપ્ટથી કામ કરવાની છે. માર્કેટમાં રોકડ નથી એ વાત ખોટી છે. ખનખનિયા ખિસ્સા સુધી લાવવા માટે અભિગમ બદલવાની જરૂર છે. વિકાસના મોડલનું માર્કેટિંગ તો દર પાંચ વર્ષે થાય છે પણ આર્થિક પ્રોત્સાહન આપીને પેશન ટકાવી રાખવાના ઈંધણની અનિવાર્યતા છે. કમરતોડ મોંધવારીમાં હવે થિયરીના થોથા બદલવાની જરૂર છે. હવે એ સમય ગયો કે, જો દિખતા હૈ વહી બિકતા હૈ. ના ભાઈ. સસ્તુ ને સારાની માગ છે. ક્વોલિટી ઈઝ કિંગ અને કેન્ટેન્ટ ઈઝ ક્નેક્શન. રાજકોટ-જામનગરમાં ગોલા ખાવા જાવ અને બીજી વાર કોઈ ફ્લેવરનો રસ માંગો તો ભાઈ હસતા મોઢે નાંખી આપે. પણ આવું અમદાવાદમાં કરો તો? તો આ વસ્તુ બદલાવી જોઈએ. વ્યાપારી અનુભવ તો અનેક લોકો પાસે દાયકાઓ જૂનો છે. પણ જેમ આંખે ચશ્મા આવે એમ પાંખ પણ ગૈઢી થાય. મુડી હોય તો મુડી આવે. એગ્રી. પણ કોઈને માસિક મુડી મળે એવી પણ વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. કોરોનાકાળ શરૂ થયો એટલે મને તો અંગત રીતે થોડો આનંદ આવ્યો. કારણ કે, હું જ્યારે આ સમાચારની દુનિયામાં નવો નવો હતો ત્યારે મફત કામ કરાવતા. આવડતને અવગણીને સફેદ મૂંછ અને કાથાવાળા દાંતવાળા કહેતા કે, દાયકો થયો આ ફિલ્ડમાં ત્યારે આટલું મળે છે. એક જ ઝાટકે એના પગાર અડધા થયા અને ક્યાંક તો બે મહિના સુધી ફદિયું પણ નથી મળ્યું એમને. માર્કેટમાં હાર્ટ બ્રેક કરી દેતા હાલાત છે જ નહીં. બસ નવું સ્વીકારવું નથી એટલે પાર વિનાનો કલ્પાંત છે. 


વેપારથી લઈને વિષય શિક્ષકો સુધી, પ્રિન્ટિગથી લઈને પેઈન્ટ બ્રશ સુધી, કથાકારથી લઈને કલાકાર સુધી, નોકરીયાતથી લઈને જરૂરીયાત વાળા સુધી સૌને લક્ષ્મીજીની જરૂર હોય છે પણ રોટેશનમાં હોય તો આવે. પણ શરૂઆત જ ન કરો તો ક્યાંથી આવે. નોકરીવાળા શાકભાજી વેચે છે. શિક્ષક લારી કાઢે છે. પણ આ જ તો પુરૂષાર્થનો વૈકલ્પિક માર્ગ છે. પણ લાખોના પેકેજવાળી નોકરી હોય અથવા ગામમાં ભેં કરાવવાની વૃતિ હોય એને આવું નથી જ સુઝવાનું. શોખને પેશન અને પ્રોફેશનમાં બદલવા માટે ખૂબ મહેનત કરવી પડે. પણ પ્રોફેશનની સાથે કંઈક ક્રિએટિવ વિચાર હવે અનિવાર્ય છે. કારણ કે, રોટલા જેટલું કમાવવા માટે રાતપાળી પણ હવે  લોકો કરવા તૈયાર છે. પણ શેઠીયાઓ વિચારો એ જુવાનિયાઓનું જેમણે સંસ્થા અને પોતાના કેરિયર માટે રાતનું વૈતરૂ કર્યું હશે. કુદરત સર્જિત વિશ્વ અને માનવસર્જિત દુનિયામાં વડાપ્રધાન મોદીએ કહેલું કે, દેશના ધનવાનને દુશમન ન માનો. સહમત વેલ્થનો ગ્રોથ એ પણ એક પ્રકારની દેશસેવા છે. સાદગી અને સાહસવૃતિ પિતળભેજામાં ઊતરતી નથી. કારણ કે આરામમાંથી ઐયાશી અને સમૃદ્ધિમાંથી શોષણવૃતિની વિચારધારા બની છે. માર્કેટ કોઈ પણ લો એમાં નવું નવા બેટ્સમેનની જેમ સેટ થતા વાર લાગે પણ નવાની શરૂઆત માટે પાવલી તો રોકો. તકલીફ એ વાતની છે કે, સામેવાળા પાસેથી બધું 100% બેસ્ટ જોઈએ છે અને પોતાના દાવમાં લોકો ડિસ્કાઉન્ટ માગતા હોય છે. કારણ આપણે પૈસા આપીએ એટલે આપણે રાજા. પણ જે મહેનત કરે છે એના માટે દુનિયાના કોઈ છેડામાં મંદી નથી. મેનપાવર આપતી એજન્સીઓ પાસે લાખો કર્મચારીઓ મોટી સંસ્થાઓના કામને રોલિંગ આપે છે. એના પગારમાં કાપ મૂક્યા પણ અત્યાર સુધીના કમિશનમાંથી આપીને સ્ટાફનું તો વિચારો. એને પણ પેટ અને ઘર બંને છે. પૂરા પૈસા આપો તો કોણ છોડવા માગે છે? મહેન્દ્રસિંહ ધોની જેવું પાત્ર ગમે છે પણ પાત્ર થવું નથી. આ પણ વાસ્તવિકતા છે. ટાર્ગેટ અને અચિવમેન્ટની મેરેથોનમાં અર્થતંત્રની સ્પીડમાં ડિસબ્રેક લાગી છે પણ તકલીફ ચોરી અને છેત્તરપિંડી કરનારાને વધારે પડે છે. પણ દુનિયાના કોઈ પણ બિઝનેસ કે રેવન્યૂ મોડલનો અભ્યાસ કરો સમયાંતરે ચેન્જએ જરૂરીયાત છે. પણ આપણે ત્યાં કેટલાક એને મજબૂરી માનીને સ્વીકારે છે. પછી જે નથી મળ્યું એને ખોટમાં ખપાવે છે. 


આઉટ ઓફ ધ બોક્સ

જેની માનસિકતા નવું સ્વીકારવાની નથી એની પાસે નવી વાત કરવી એ પણ મધદરિયે મીઠાશ શોધવા બરોબર છે. આજના યુવાનો પોતાની મુર્ખતા થાય એવા કોઈ વેણ પણ બોલવા તૈયાર નથી. 

1 comment:

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...