Wednesday, August 12, 2020

હે કૃષ્ણ તમે કંસનું કાસળ કાઢ્યું હવે કોરોના વિશે શું વિચાર કરો છો?

 હે કૃષ્ણ તમે કંસનું કાસળ કાઢ્યું  હવે કોરોના વિશે શું વિચાર કરો છો?


ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફોન-પે અને પે-ટીએમના યુગમાં  પાર્થસારથીને પત્ર

હે કૃષ્ણ તમે કંસનું કાસળ કાઢ્યું  હવે કોરોના વિશે શું વિચાર કરો છો?


TO,

કૃષ્ણ વાસુદેવ યાદવ

સરનામું

મથુરા, ગોકુળ, વૃંદાવન, માધવપુર

દ્વારકા અને ડાકોર

વિષયઃ કોરોનાથી કાયમી મુક્તિ અને તારા ચરણોમાં પરમેનન્ટ સ્થાન

વ્હાલા વાસુદેવનંદન, 

આમ તો તારા જન્મને અમે દર વર્ષે ધામધૂમથી વધાવીએ છીએ. અમારા સૌરાષ્ટ્રમાં તો તારા બર્થ ડે પહેલા તહેવારોનું આખું પેકેજ શરૂ થાય છે. રજાનો માહોલ રચાય છે. પવિત્ર શ્રાવણ માસ અને એમા તમારૂ અવતરણ. એટલે આત્મશુદ્ધિનો અને આધ્યાત્મનો મહિનો. પણ તમે જે દેશની ધરતી પર જન્મ લીધો હતો એ માર્ચ મહિનાથી અસુરત્રસ્ત થઈ ગઈ છે. તમે કહો છો કે, હું પણ ભક્તો વગર અધુરો છું. પણ આ આસુરીશક્તિ એટલી હદે હઠ લઈને બેઠી છે કે, તને મળવા પણ નથી આવી શકાતું. જે ઘરમાં તારી સેવા-પૂજા થાય છે એ ઘરની બહાર નથી નીકળી શકાતું. હવે તો સરકારી કૃપાથી બધું ખુલી ગયું તો તે દરવાજા બંધ કરી લીધા. અમે પણ સમજીએ છીએ કે, આમા પણ તે અમારૂ જ ભલું વિચાર્યું હશે. પણ હે હરી, તમારી લીલા તો એવી છે કે, ઝડપથી સમજાતી નથી. સલમાન ખાન તો હવે ફિલ્મમાં કહે છે કે, દિલમેં આતા હું સમજ મેં નહીં, પણ આ વાક્ય તો તમે પાંચ હજાર વર્ષ પહેલા મૌન રહીને, કર્મ કરીને સમજાવી ગયા છો. આ વર્ષ શરૂ થયું ત્યારથી એવી માઠી બેઠી છે કે, તારૂ તૈયાર કરેલું શ્રેષ્ઠ સર્જન એટલે કે મનુષ્ય બીજા માણસને અડવાથી ડરે છે. પર્યાવરણ ત્રણ જ મહિનામાં શુદ્ધ થઈ ગયું પણ સ્થિતિ એવી છે કે, મોઢા અને નાક આડે જેમ તારા થાળ વખતે પડદો દેવો પડે એ રીતે ડૂચો દેવો પડે છે. હે, ચક્રધારી સમયનો સેકન્ડ કાંટો એવી રીતે ટર્ન થયો છે કે, ઘરની વેલ્યુ તો સમજાવી પણ ઘરનાનું અસ્તિત્વ પણ માખણ જેવું મીઠું લાગ્યું. એકાંતવાસનો એવો કસોટીકાળ તારા ભક્તોએ પસાર કર્યો છે કે, કાં તો મન શાંત થયું છે અને કાં તો ક્યાંય મેળ નથી આવતો. આખરે કાળચક્ર અંધારપટ લઈને અવતર્યું છે. એટલે પરમકૃપાળું આ બ્લોક અને બ્લેકઆઉટ થયેલા મનમાં હવે અજવાળું કર. કોરોનાને કચડીને આ દુનિયાનું સારૂ કર.


જ્યારે જ્યારે આ ધરતી પર અસુર સામ્રાજ્ય આકાર પામતું ત્યારે તારો દબંગ અવતાર સામે આવતો. મથુરા નગરીમાં તે અનેક ગોપીઓની મટુકી ફોડી. પણ એ પાછળ હકીકત મટકાસુરનો મોક્ષ કરવાનો હતો. એ ભાગ્યે જ કોઈ જાણે છે. મહાભારતમાં તે હથિયારને હાથ લગાવ્યા વગર નેતૃત્વ કર્યું. પણ આજના રાજનેતાઓ વાયદાવીર બની ગયા છે. ફોટા પડાવવા ઊભા રહેતા એ હવે ફેસબુકમાં પણ ફોટો અપલોડ નથી કરતા. ગીરધારીલાલ તમે ગોવર્ધનને છેલ્લી આંગળી પર ઊઠાવીને સૌ ગામ લોકોના જીવ બચાવ્યા. પણ રાજનેતાઓ તો પાંચ વર્ષે પરાણે આંગળી પર ટપકું કરાવી જવા માટે જોર કરે છે. કેટલો મોટો કોન્ટ્રાસ. કેશવ તમે જ કહ્યું છે લવ યોર વર્ક. કર્મ કર. પણ અહીંયા તો કોરોનાકાળમાં કર્મના નામે કેશ ક્લેકશન થઈ રહ્યું છે. કાચના શૉરૂમમાં જાણે દર્દી હાલતી-ચાલતી બેન્ક બનીને અવતર્યો હોય એવી નજરથી જોવાય છે. તે અવતાર લીધો પછી આરામ નથી કર્યો. પણ અહીં તો કેટલાય ઐયાશી અને આસવ (દારૂ)ના ગુલામ બની બેઠા છે. હવે સમજાયું કે, જ્યાં સુદામા જેવા લોકો ત્યાં જ કૃષ્ણ આવે ને? અહીં દરેક વિદ્યાર્થીને શિક્ષક શીખવાડે છે કે, બેટા અર્જૂન થજે. પણ તું જાણે છે કે, કર્ણ અને સહદેવ પણ ત્રિકાળજ્ઞાની હતા. કદાચ અત્યારે કોઈ અર્જૂન જેટલું નોલેજેબલ નથીને એટલે તું હાથ પકડવા આવતો નથી. પણ હે, દ્વારકાનરેશ કોરોનાએ તારા દ્વાર બંધ કરાવ્યા છે તો એના હવે ડૂંચા કાઢી નાખ. તારા પત્ની દેવી રૂક્ષમણીનો પ્રેમપત્ર જે એમણે તને લખ્યો હતો એ આટલા દાયકાઓ બાદ પણ ચર્ચામાં છે. મને તો ખબર નથી કે, તારા સુધી પહોંચ્યો હશે કે કેમ? કારણ કે, એ સમયે ડાક વિભાગ તો હતો નહીં. અત્યારે ડાક વિભાગ છે તો ય સમયસર રાખડી પહોંચતી નથી. તારા યુગમાં ઈન્ટરનેટ ન હતું પણ આંતરનેટના જોડાણ હતા. યાદ રાધા કરે ત્યારે આંખ તારી ભીંજાય, મનથી તું હતાશ થા અને થાક રૂક્ષમણીને લાગે. આનાથી મોટું ઈન્ટરનેટ કયું હોઈ શકે?

તુ તારક છો પણ હવે એવું લાગે છે કે, તારે આ મહામારીમાં સંહારક બનવું પડશે. વરસાદી આફતમાં તે અનેક લોકોને આધાર આપ્યો. પણ દેવકીનંદન દયા આવી જાય એટલી કુમળી વયમાં લોકો આજે નવજાતશીશુને ત્યજી દે છે. આનો જવાબ તો તું જ આપી શકે. તમે તમારી લાઈફમાં ક્યારેય કંટ્રોલ ઝેડ તો કર્યું જ નથી. સલાહ આપી પણ સમસ્યા ઊભી નથી કરી. પણ શનિની સાડાસાતી જેમ માણસના મનમાં સ્વાર્થ બેઠો છે એટલે એ સારૂ બોલતો તો નથી પણ મોટી મુશ્કેલી ઊભી કરતા ક્ષણ માંડ લાગે છે. તારા ફોલોઅર્સ તારા નામથી તારા ભક્તોને છેત્તરી જાય ત્યારે દિલ તો તારૂ પણ દુઃખતું જ હશે ને? તું એક જ તો એવો ભગવાન છે જેને તુકારો દઈ શકાય છે. પણ બાકે બિહારી લાલને બાથમાં લેવા માટે અત્યારે સમય કપરો છે. કાન્હા, તને ભેટવા માટે સુદામા થવું પડે એ તો માણસ ભૂલી ગયો છે. ધાર્યું થાય નહીં એટલે ધમપછાડા શરૂ થાય. પણ એ પણ ભૂલ્યા કે, ધાર્યું તો ધણી (પરમાત્મા)નું થાય. તારૂં પ્રિય માખણ અત્યારે ઘરે બનાવવું પણ દરેકને પોસાતું નથી. કારણ કે, ડીઝલના ભાવ ઘટે તો પણ દૂધના ભાવ નથી ઘટતા. તારી પ્રિય ગાય અત્યારે રસ્તાનું ડાયવર્ઝન બની બેઠી છે. આ સ્માર્ટ સિટી હોડમાં ક્યાં નીકળીશું એ ખબર નથી. પણ તે તારી મથુરા અને દ્વારકાને ખરા અર્થમાં સ્માર્ટ નગર બનાવી હતી. દ્વારકા તો આખી સોનાથી મઢી હતી. કદાચ તને પણ ખબર જ હતી ને કે, કાળા માથાનો માનવી કાળિયા ઠાકોરનું પણ કરી નાંખશે. એટલે જ ડૂબાળી દીધી. હશે. તારા જ એક અવતારનું મસમોટું મંદિર બની રહ્યું છે. જેમાં ભક્તિના સ્પર્શ કરતા રાજકીય હર્ષ વધારે દેખાય છે. હે, વિશ્વરૂપ બસ તારા ચરણસ્પર્શ થાય એટલી આ સ્થિતિને મોકળી કરી દે. કારણ કે કોરોનાસુરે (કોરોના + અસુર) કેટલાયની કમર ભાંગી નાંખી છે. 


બસ હવે એક છેલ્લા ફકરા સાથે આ પત્રનું સમાપન કરૂ છું. આમ તો ઘણી અરજી તારે ત્યાં પેન્ડિંગ જ હશે. રાજનેતાઓની, વીવીઆઈપીઓની, ભગવા પહેરીને ભોગ લેતા ધુતારાઓની, ધનકુબેરોની, શ્યામલક્ષ્મી પતિઓની (બ્લેકમની વાળા) પણ મારી તો એક આ અરજી આ પત્ર સાથે છે એ જે ભક્તિમાં કવરમાં પેક કરીને હ્દયના ભાવથી લખીને તારા અનેક સરનામે મોકલી છે. જેમાં એક જ વસ્તુ લખી છે. ક્ષમા કરજે અને કામ પડે ત્યારે મને યાદ કરજે. આમ તો તું બધાનો છે. પાપી અને પુણ્યશાળી એમ બધાનો. પણ કોઈ સારા કામમાં નિમિત મને બનાવજે. હા, એ ચોખવટ કરી દઉં કે, ખિસ્સુ ખાલી છે. પણ ભક્તિ દિલથી કરી છે. હું કોઈ ચાર્જિસ નહીં આપી શકું પણ મને ખ્યાલ છે તારી ભક્તિનો ચાર્મ છે એ તો ડૉલરથી પણ અનેકગણો વધારે છે. હે મથુરાધિપતિ, મોજ કરાવવા તું બેઠો છે પણ ક્યારેક કોઈની મદદ કરી શકું એટલો જ મોટો બનાવજે. તારા વિરાટરૂપ જેવડી અને જેટલી બુદ્ધિ આપજે જેથી વામનને પણ સમજી શકાય. હિંસાવૃતિ અમારા વિચારમાં નથી. પણ આ જ્વાળામુખી બનીને ફાટેલા કોરોનાસુરનો કહેર કાઢી નાંખજે. અમે સૌ સાથ આપીશું તારો. કારણ કે, ટચલી આંગળીથી પર્વત તો તારાથી જ ઉપડે. અમે તો નીચે લાઠી લઈને તને ટેકો આપીશું. એ તારા ફોટો પરથી અમે એટલું શીખ્યા કે, સારા કામમાં ટેકો આપવાનો. બસ હવે તો નક્કી છે કે, કાં તો કૃષ્ણ ઉપર બધું છોડવું છે કાં તો કૃષ્ણને છોડવા છે. પણ હું તને છોડું એમ નથી. તારા દરેક જન્મદિવસ પર મારો પત્ર આવશે. જેમાં નાનકડી અરજી હશે. જે તારે હુંડી વગર પાસ કરવાની. બસ કાનુડા. તારા જન્મદિવસમાં અમે તને બાથમાં લઈને ભક્તિમાં લીન થઈ શકી અને કર્મની કેરિયરમાં શિખર સુધી પહોંચીએ એ દિવસો ફરી આપી દે. લવ યુ કાના. બહું મિસ કરીએ છીએ તને. ઈતિહાસ બની રહેલી આ 2020ની જન્માષ્ટમી. જેમાં તું માત્ર પૂજારી સાથે હોઈશ અને અમે તને સ્ક્રિન પર જોઈને હરખાઈશું. હેપી બર્થ ડે યોગેશ્વર.


આઉટ ઓફ ધ બોક્સ

પોતાની દ્વારકા બનાવવી હોય ને તો જીતેલી મથુરા છોડવા માટેની હિંમત જોઈએ.

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...