Sunday, April 10, 2022

સચ ઔર સાહસ હૈ જીસકે મનમેં અંત મેં જીત ઉસીકી

        રામના નામે પથ્થર તરી જતા અત્યારે "પાર્ટી"ઓ તરે છે

               હિન્દુ ધર્મના માઈલસ્ટોન ગ્રંથ પૈકી એક એટલે રામાયણ. આમ તો આ ગ્રંથની દરેક કથા, પ્રસંગ અને પંક્તિો જીવનને જીવવા માટેનું એક શ્રેષ્ઠ બળ પૂરૂ પાડે છે. આમ તો રામના જીવનનું રીસર્ચ કરવામાં આવે તો ત્રણ પાયા પર ટકેલું હતું. શિસ્ત, સિદ્ઘાંત અને સંયમ. જ્યારે પણ રામાયણની વાત થાય ત્યારે રામનું સ્મરણ સ્વાભાવિક છે. પણ રાજવીનંદન હોવા છતા તેમણે સાદગીને સ્વીકારી એ પણ સત્ય છે. એટલે શીખવા જેવી વસ્તુ છે કે, કોઈ વસ્તુઓનો એટલો મોહ ન રાખવો. દેશમાં અત્યારે રામના મોહમાં એક ચોક્કસ પાર્ટી રાજકાજ કરી રહી છે. પહેલા ભગવો રંગ એક આધ્યાત્મિકતા અને ધાર્મિક પાસાનો પ્રતીક હતો. હવે એ ચોક્કસ પાર્ટીને પ્રમોટ કરે છે. રામાયણના રાવણ અને હાલના કેટલાક રાવણ આમ જોવા જઈએ તો ઘણો તફાવત છે. હકીકત એવી પણ છે કે, સ્વર્ગની અપ્સરાનો રાવણને શાપ હતો કે, જે સ્ત્રીની ઈચ્છા વિરૂદ્ધ તે કોઈ સ્ત્રીને પ્રેમ કરશે અને જો એ સ્ત્રી રાવણને પ્રેમ નહીં કરતી હોય તો એનું પતન નિશ્ચિત છે. એટલે બને ત્યાં સુધી લિમિટમાં રહેવું. સત્ય છે  ત્યાં રામ છે જ. જ્યાં રામ હોય ત્યાં સત્ય હોય જ. જીવનમાં માત્ર વિચારધારાથી કામ ન ચાલે એક્શન અને એફર્ટ્સને એપ્લાય કરતા આવડવું જોઈએ. તીર મારવાથી સ્થિતિ મરી નથી જવાની અને માત્ર બેસી રહેવાથી સાહસ નથી થવાનું. રામ રાજ્યમાં પ્રજા સુખી આ વાક્યનો તો આખેઆખો અર્થ બદલી નાંખ્યો છે સૌએ. પણ રામ એક સારા રાજા કરતા સાચા લીડર હતા. સીતાહરણ થયું ત્યારે હનુમાનજીના સજેશન્સ ચોક્કસ સ્વીકાર્ય હતા જ. પણ એને ક્યા અને ક્યાં એપ્લાય કરવા એનું કામ રામે કર્યું. 



જ્યારે 14 વર્ષનો વનવાસ શરૂ થયો ત્યારે એમની પાસે જંગલમાં રહેવા માટેની ટીમ ન હતી. પણ જંગલમાં રહેતી વસ્તીને ટીમ બનાવીને 14 વર્ષ સુધી એકલતાનો કપરો કસોટીકાળા પૂરો કર્યો. સીતાજી સાથે જ ગયા અને એની સાથે જ પરત ફર્યા. એટલે માત્ર સાહસ કરવાથી સંપત્તિ એકઠી ન થાય. સત્યના માર્ગે ચાલનારાઓમાં સંપત્તિ સંર્જનની વેલિડિટી ખૂબ જ લાંબી અને મોટી હોય છે. આ આજની હકીકત છે. લોકડાઉનના સમયમાં એ જૂની અને જાણીતી રામાયણ સીરીયલ પરી જીવંત થઈ. પ્રસારિત થઈ અને જીવનના સત્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપી ગઈ. જેમ અત્યારે ધોની બેસ્ટ કેપ્ટન છે એમ એ સમયે સીતા સુધી પહોંચવામાં રામ બેસ્ટ લીડર રહ્યા. પણ કોઈને એવું પ્રેશર કર્યું નથી. પણ બધાની વાત સાંભળી જરૂર છે. રામની પર્સનાલિટી એટલે ચહેરા પર 1200 વોલ્ટ જેવું શક્તિશાળી તેજ, શક્તિ અને ગતિ. પણ સિંદ્ધાંતની બાઉન્ડ્રીમાં રહીને બ્લાસ્ટ કરી શકવાની તાકત એટલે રામ. આજે દેશમાં ફ્લેગથી લઈને ફિલ્મ સુધી રામ છે. ફ્લેગ કોનો અને કેવા રંગનો એ સૌ જાણે છે. તાજેતરમાં આવેલી RRR એમાં પણ રામનું પાત્ર ગજબનું છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, કન્નડ ભાષાના ‘પંપા રામાયણ’માં વનવાસમાં અર્જુનની માફક લક્ષ્મણના પ્રેમપ્રસંગો છે. ખિસકોલીને પણ સરળતાથી ખાવાનું મળે એવી વ્યવસ્થા રાધવેન્દ્રની સરકારમાં હતી અત્યારે? રામે દુનિયાને દિશા બતાવી. હૈત, હૈયુ અને પ્રજાનો હરખ માણ્યો. કારણ કે સાચા હતા. સીતાહરણ થવાનું છે એ આખું રાવણનું ઑપરેશન જાણતા હતા. પણ માણસ તરીકે આવેલા મહામાનવની મર્યાદા સમજતા એટલે જ કદાચ મર્યાદા પુરૂષોત્તમ કહેવાયા. રામાણય એટલે નાના પ્રસંગોની મોટી ગુંથણી. જેમાં માન છે, સન્માન છે અભિમાન વગરનો સ્વીકાર છે. સમાજ માટે રામાયણ એ એ સમયનો ચેન્જ હતો. પણ લક્ષ્મણે ક્યારેય ચાન્સ માટે વલખા માર્યા ન હતા. દેશની હાલથી સ્થિતિ પરથી એ વાત નક્કી કહી શકાય કે, રામ હવે રાજકારણમાં પણ છે. ભલે એને પોતાના જીવનમાં કોઈ દિવસ રાજરમત રમી ન હતી. પણ આજે જ્યારે એના નામે ખોટી રમત થાય છે તો એનું દિલ કેટલું દુઃખતું હશે? ભગત શબ્દનો પણ અર્થ ફરી ગયો. 

આટલા વર્ષો પછી પણ એ વાત દાવા સાથી કહી શકાય કે, ભાવિકોના દિલમાં પણ હજું રામ છે. પ્યોર રામ. જેમાં કોઈ રાજનીતિ નથી. ભક્તિની પ્રગતિ છે. સ્વાર્થ નથી પણ કેટલાયના જીવનનો સારથી તો છે. જંગલમાં એકલા હાથે પગલાં ભરવાનું સાહસ રામનું છે. એટલે એના પરથી એ વાત શીખવી જ જોઈએ કે, આપણા જીવનની લડાઈ આપણે જ લડવાની છે. બસ આપણે ખોટા વિચારોના જંગલમાંથી પસાર થવાનું છે. રામની ઊંચાઈ કેટલી આ ભારતીયોમાં ખાસ તો ગુજરાતીઓમાં છે તે એ કે, ગામડે હજું સવારમાં કોઈ મળે તો રામ રામ...કરે છે. એટલે રામ લાગણી છે, સંવેદના છે અને શ્વાસ છે. કેટલાક ભોળા ભક્તોનો. રામ ભલે એ સમયે અવતાર હતા પણ અત્યારે તો સંસ્કાર છે. આપણે કપડું ચોરાય જાય તો પણ બોચા પકડી લઈએ છીએ. રામજીના તો ધર્મપત્ની કિડનેપ થયા હતા. વિચારો... ધૈર્યની કસોટી નહીં માનસિક અગ્નિપરીક્ષા થઈ હશે રામની. પણ એમાંય સાહસ છે. હનુમાનજીના ખભે બેસીને રામ પ્રભુ ઊપડ્યા કારણ કે, સાહસની સાથે વિશ્વાસ હતો કે, આ પાડશે નહીં. આજે તો બીજા પછી પાડે પહેલા તો વિશ્વાસું જ પાડી દે. સારૂ છે રામ અત્યારે સ્માર્ટફોન વાપરતા નથી અન્યથા એક પાર્ટી તો આખે આખા વ્યક્તિની કોપીરાઈટ બુક કરાવી નાંખે. રામે ક્યારેય કહ્યું નથી કે હું કોનો. પણ આજે સૌ કહે છે રામ તો સૌના. રામે પરિસ્થિતિની ગુંચવણ વચ્ચે સત્ય સાથે જીવવાનો સંદેશ આપ્યો. સાચા હશો તો સાહસ અંદરથી આવશે. રામ અયોધ્યા આવ્યા ત્યારે સફળ થયા પણ એની સફળતા કોઈ માટે સમસ્યા બની ન હતી. પણ આપણે ત્યાં પાડોશીનો દીકરો તલાટી થાય એટલે સગા દીકરા પર શબ્દોની સુનામી વરસાવીને માનસિક રીતે પાતાળ લોકમાં મોકલી દે. 

          દરેક રામ ન થાય કોઈ હનુમાનજીની વિચારધારાથી પણ પ્રેરાય. એટલે જેવી સ્થિતિ એવી અનુભૂતિ કરાય. લંકામાં બ્રાહ્મણ થઈને એન્ટ્રી કરાય બાહુબલી થઈને નહીં. સમજાય તો. ત્યાગ અને સાહસ એટલે રામજીવન પણ રામના અવતારથી અંત સુધી કલ્પી ન શકાય એવો ત્યાગ, પીડા અને દર્દનો માઉન્ટ એવરેસ્ટ સહન કરીને જીવ્યા. પુત્રના વિયોગમાં પિતાનું અવસાન. એ સમયે સ્માર્ટફોન હતા નહીં એટલે અંતિમ દર્શન પણ ન પામ્યા. વનવાસ દરમિયાન સીતાહરણ એટલે પત્ની વિયોગ. રાજગાદી પર પાછા ફર્યા બાદ લક્ષ્મણને પોતાની સેવામાંથી મુક્તિ આપી. પછી અંતે સરયું નદીમાં સમાયા. એટલે દરેકની ટાઈમ લિમિટ પૂરી થઈ એમ એને સામેથી છૂટા કરતા ગયા એ રામ. ઓગળી જતા આવેશ બાદ પણ અફસોસ હશે છતાં ક્યારેક વ્યક્ત ન કર્યો એ રામ. સત્તા, સંપત્તિ, સિધ્ધિ અને પ્રસિદ્ધિનું બેલેન્સ જીવન એટલે રામ. દશરથનંદનની જય.

આઉટ ઓફ ધ બોક્સ
લોહીના પરસેવાથી સિંચીને ઊભું કરેલું સામ્રાજ્ય શંકાની એક ફૂંકથી પત્તાના મહેલની જેમ તૂટી પડે. 

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...