ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ
દિવાળીનો તહેવાર દરવર્ષે આવે છે. ફટાકડા ફોડવા કે નહીં એની માથાકુટ પણ વાર્ષિક થઈ ગઈ છે. ફટાકડાના ધુમાડાંથી પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ દરેક જીવ માટે હાનિકારક છે. વાત સાચી છે અને પર્યાવરણ માટે સારી છે. નવ દિવસીય તહેવાર નોરતા પૂરા થાય એટલે દિવાળીના એંધાણ વર્તાય. નોરતાના પૂરા થાય એના ચારથી પાંચ દિવસમાં ઘર-ઘરમાં સફાઈ અભિયાન શરૂ થાય. સ્વચ્છતાનો વાર્ષિક કાર્યક્રમ. એમાંથી પણ નાના-મોટા કોઈ ફટાકડાના પેકેટ જડે. અગાઉના ઘરમાં માળીયા હતા હવે ફ્લેટમાં રહેતા લોકો કબાટ અને ફર્નિચર સાફ કરે છે. માળીયામાં અનેક એવી જૂની-પુરાણી વસ્તુઓ આ સફાઈ વખતે નીકળે. વડીલ-વૃદ્ધો એ સમયે બોલે કે, આ તો સંઘરેલો સાપ છે. સંઘરેલા હોય કે જંગલના હોય, પાણીના હોય કે રેતીના. સાપ ક્યાંય કામ આવે? 😆 દિવાળી એટલે ફટાકડાની પ્રાઈમ સીઝન. ફોડવાની મજા આવે પણ વેચવા માટે પાછું મંજૂરીઓ જોઈએ. અમારા ગામમાં તો આ વર્ષે બે વિભાગો વચ્ચે મંજૂરીને લઈને ખો-ખો શરૂ થઈ ગઈ. 😏
અમારા ગામમાં દરવર્ષે ચુનીકાકા ફટાકડાની દુકાન કરે. દિવાળી બાદ ડિસપ્લેમાં સ્ટોક ગોઠવે. નીવડેલા પાક્કા વેપારીની જેમ પહેલા જૂનો સ્ટોક વેચે અને પછી તદ્દન નવો નક્કોર. ચુનીકાકાની દુકાને હમણા એક ભાઈ આવ્યા અને કહ્યું કે, હું દરેક ફટાકડાનો ટેસ્ટ લઈશ અને પછી ખરીદી કરીશ.😆 એક તો સ્ટોક મર્યાદિત હતો અને એવામાં આ ભાઈએ તો તમામ આઈટમની દઈ નાંખી. 😏 દરેક બોક્સ ઉઘાડ્યા અને સુરસુરિયા કરીને જતા રહ્યા. એ ભાઈને એવી આશંકા હતી કે ફટાકડા નહીં ફૂટે તો? આવો આઈડિયા કરવા જેવો ખરા. 😆ભાઈએ ચુનીકાકા સામે એવી દલીલ કરી કે, ભાઈ અમારે શાકભાજીમાં મરચા 💥 પણ ઘણા લોકો ચાખીને લે છે, આ તો ફટાકડા છે. 😆 ભાઈ પણ ખરો નીકળ્યો, કાકાને કહે કપડાં લેવા જાવ ત્યારે પણ ટ્રાયલ રૂમ હોય છે. વ્યવસ્થિત લાગે પછી લેવાના તો ફટાકડામાં કેમ નહીં? 😠 ચુનિકાકો બરોબરનો અકળાયો.
કાકાએ થોડું બ્રાંડિગ કર્યું. આ ફટાકડા શિવાકાશીના છે. એકદમ બેસ્ટ અને કાનતોડી નાંખે એવા અવાજવાળા. રોકેટ તો બોટલમાં મૂકો તો પણ સીધા ન જાય એની ગેરેન્ટી 😆. ચક્કર (સૌરાષ્ટ્રમાં જમીન ચક્કરી) તો એવા છે કે, જોરદાર ફરશે. શંભુ (સૌરાષ્ટ્રમાં ઝાર) માંથી તો ઝીણાઝીણા દીવા જેવા દાણા ખરશે. કોઠીબોંબ તો કાચ ધ્રુજાવશે. પોન્સના ડબ્બા જેવી આતશબાજીના બે-ચાર ડબ્બામાં ડિસ્કાઉન્ટ કરી આપીશ. બસ એક જ શરત કે એનો ટેસ્ટ ન લેતા. ચુનીકાકા ડબ્બામાં પણ ડિસ્કાઉન્ટ પર ઊતર્યા. 😆 ફટાકડાના ફીચર્સ સાંભળીને ભાઈએ આપેલો જવાબ પણ દમદાર છે. ચુનિકાકા, શિવાકાશીના નામ પર ફટાકડા ફૂટે વાત સાચી પણ મારે ત્યાં તો નામ લખવાના મુદ્દે ફટાકડા ફૂટી ગયા. એ પણ બે સખીઓ વચ્ચે બોલો. 👧👧 રોકેટની તો વાત જ મૂકી દો. અમારા વિભાગમાં તો દરરોજ નવા નવા નિયમોના રોકેટ ઉડે. 🚀 પણ ફૂટે અમુક લોકો ઉપર જ. કેટલાક રોકેટ તો આખું વર્ષ એવા આવે છે કે, એને રોકેટની સ્પીડ કરતા વધારે ફૂટવાની ને ઉડવાની ઉતાવળ હોય. આવા મારે ત્યાં છે એવું નથી બધેય છે જ. જેને બોટલ પણ જોઈએ અને પછી ઉડવાય જોઈએ. 😜 મેં ગયા વર્ષે પ્લાસ્ટિકની બોટલમાં રોકેટ મૂક્યું હતું. રોકેટ તો ઉડ્યું પણ પ્લાસ્ટિકની બોટલ સવારે ઊઠીને આળસ મરડતા માણહ જેવી થઈ ગઈ. તમે જેને શંભુ કહો એને અમે ઝાર કહીએ. જેની માથે ડામ દેતા એમાંથી એ ફાટે પણ ફૂટે નહીં. દરેક જગ્યાએ સાથે રહેનારા કરતા માથે રહેનારા વધારે હોય છે. એ પાછા ડામ પણ દઈ જાય. પછી આપણે ફાટી(બોલી) એ તો ખોટું લાગી જાય. ફૂટે તો દશા હું થાય?
તમારા કોઠી બોંબ તો ધ્રુજાવશે પણ ઘણાય વગર ધ્રુજારીએ કોઠી જેવા થઈ ગયા છે એનું શું? આવી કોઠીઓ પાછી તળીયા વગરની હોય. સંતોષ નામની સર્કિટ જ કુદરત મૂકતા ભૂલી ગયો હોય એવું લાગે. 😜 કાકા તમે ડબ્બામાં ડિસ્કાઉન્ટની વાત ન કરો. અહીંયા સૌથી વધારે મગફળી મારા ગામે પાકે છે છતાં તેલના ડબ્બા સસ્તા થતાં નથી. દહ-વીહ રૂપિયા ઘટે તો જાણે સોનું સસ્તુ થયું હોય એમ વાવડ વહેતા થાય. પણ દરિયામાંથી ડોલ કાઢો તો કંઈ ફેર પડે? 💸 ચુનીકાકાએ ફૂલઝરનો ફોર્સ કર્યો. આ કલરફૂલ ફૂલઝર લઈ જાવ, લાલ-લીલી, પીળી-તળતળીયાળી. એક કામ કરો દોરી લઈ જાવ, એમાં પણ કલર્સ છે આપણી પાસે. કાકાએ કપડાં સુકવવાની દોરી દેવાની હોય એમ એમાં કલર ભેળવ્યા. આ પેન્સિલ આ વખતે મસ્ત છે. લાડવા લઈ જાવ લાડવા..ભાઈએ ફરી ચુનીકાકાને રીપ્લાય કર્યો. ફૂલઝર રહેવા તો ઘણાય એવા હોય છે હું પીને આવ્યો છું. 🤓 ચુનીકાક ડઘાઈ ગયા. પછી ખબર પડી કે ભાઈ ફૂલઝર સોડાના ફ્લેવરની વાત કરે છે. ભાઈ ફૂલઝર રહેવા દો. જે હાથમાં રાખે અને ફૂટી જાય અને સરીયા દેખાય એટલે ફેંકી દે. અમારે ત્યાં આવા ઘણાય માણહ છે. રમતથી લઈને રાજનીતિ લગી. કેટલાક તળતળીયા જ કરે પણ એનાથી થાય કંઈ નહીં. 😁
દોરીની તો વાત જ મૂકો. લેવી જ નથી. ગત વર્ષે મેં એમાં ગાંઠ મારી હતી. લાગ્યું કે ઠરી જશે પણ એનો ભડકો થઈ ગયો. પેન્સિલ તો કાઢતા જ નહીં. ઈન્ટરવ્યૂર પેન્સિલ લઈને બેહતા થઈ ગયા છે. ખબર નહીં કોના નામ પર છેકરબ્બર કળા કરી જાય. તમારી પાસે ઓલી ડિજિટલ પેન્સિલ હોય તો બતાવો. જે દિવાળીમાં પણ ચાલે અને ફોનમાં પણ ચાલે. ચુનીકાકો ફરી અકળાયો. મીઠાઈના ભાવ આસમાને છે. આમા કંઈક ડિસ્કાઉન્ડ આપો. મિષ્ઠાનમાં નહીં તો ફટાકડામાં હી સહી. ભાઈએ જમીનની લગડીમાં અડધો ફૂટ વધારે આપજો એવી માગ કરી લીધી. છેલ્લે ચુનીકાકો કંટાળ્યો. તમારે જોઈએ છે હું? ભાઈ કે, કંઈ નહીં આ તો ઘરના સફાઈ ન કરાવે એટલે ફટાકડા અને મીઠાઈ લેવા જાવ છું એવું કહીને નીકળ્યો હતો...