Monday, September 03, 2018

કૃષ્ણ એટલે પ્રેમી અને પૂર્ણ પુરૂષોત્તમ


કૃષ્ણ એટલે પ્રેમી અને પૂર્ણ પુરૂષોત્તમ

       દુનિયાનો એક માત્ર એવો કુદરત જેના વિશે કદાચ સૌથી વધારે લખાયું હશે અને વંચાયું પણ હશે જ. કૃષ્ણ અને રાધાને પ્રેમી-પ્રેમીકા એવું દાવા સાથે કહી શકાય. કૃષ્ણ અને રૂક્ષમણી એવું ક્યારેક જ સાંભળવા મળે પણ રાધે કૃષ્ણ એ તો આજે સવારના ગુડ મોર્નિગનું સ્થાન લઇ લીધું છે. રોજ સવારે જય શ્રીકૃષ્ણનો રણકો આજે પણ કોઇ પણ ગામડાંમાંથી પસાર થાવ તો કાને સાંભળવા મળે. કૃષ્ણ એક એવો ભગવાન જેને દરેક ભક્ત, દરેક વ્યક્તિ અને દુનિયાનો કોઇ પણ ધર્મ સંપ્રદાય પોતાના એક ફોર્મેટમાં જુવે છે. એ દરકે ફોર્મેટમાં કાનુડો પોતાનો લાગે. પ્યારો લાગે અને સાચો પ્રેમી લાગે.


       બાળપણમાં ગૌપ્રેમી, ગોપીપ્રેમી અને પછી રાધાનો રિયલ લવર. યુવાનીમાં ખરો ક્રિએટિવ ગોડ. રાસલીલા કરે, રાધાની રીસમાં અને દરેક રસપ્રદ ક્ષણને મેમોરેબલ બનાવે. સાચા પ્રેમીઓ વચ્ચે ઝઘડો તો સામાન્ય હોય. પણ જ્યારે અભિમાન આકાશ જેટલું વિરાટરૂપ લે ત્યારે સાલુ લાગી આવે. જ્યારે માર્વેલસ માધવે કાયમ માટે મથુરા છોડ્યુ ત્યારે એક વખત પણ પાછું વળીને ગોપી કે રાધાની સામે જોયું નહીં. એટલે જ તો આજે પણ બરસાના અને મથુરામાં કૃષ્ણએ લીલા કરી હોવા હોવા છતા કોઇ જયશ્રી કૃષ્ણ કે જય દ્વારકાધીશ બોલતું નથી. રાધે રાધે બોલે છે. પ્રેમ કેવો હોવો જોઇએ? એ માટે અનેક વખત આપણે સાંભળીએ છીએ કે રાધા અને માધા જેવો હોવો જોઇએ. પણ સમાજ કોઇ નિખાલસ પ્રેમને સ્વીકારે છે ખરા? જાતિ, જ્ઞાતિ, ધર્મ અને જડતાના બાવળમાં બાંધીને મેણા-ટોણાંની સોસાયટીઓ ઊભી થઇ ગઇ હોય ત્યાં ફરી વૃંદાવન બનાવવા માટે વૈચારિક પરિવર્તન અનિવાર્ય છે. ધર્મના નામે ભવિષ્યમાં ધર્મને જ સિક્યુરિટી આપવાની અને ટકાવી રાખવાની હોડમાં નિર્દોષ જિંદગીઓ હોમાઇ ગઇ હોય એવા અનેક દાખલા છે.

       દામોદરે ક્યારેય કોઇ ડિમાન્ડ કરી હોય એવું ક્યાંય સાંભળવા નહીં મળ્યું હોય. રાધીકા ગોરી સે, બીરજ કી છોરી સે, મૈયા કરા દે મેરો બ્યાહ. ભજન હંમેશા ભક્તની કલ્પનામાંથી જન્મે. પણ મોરલીવાળો તો માય વર્ડસ માય ફેસ જેવો. હું જ છું મારા શબ્દોમાં. અર્થઘટન અને અમલીકરણ તો તારે કરવાનું છે. પ્રેમી તરીકે આજે અનેક લોકો પોતાની પ્રેયસી સામે ડિમાન્ડ કરે છે. રાધાજીએ કાયમ કૃષ્ણને પ્રોટેક્શન આપ્યું. હિસાબી જમાનામાં કપલ્સ સામસામે અવાજના અધિકારથી કહે. મે આમ કર્યું, જે આ જતું કર્યું. પણ પિળાપિતાંબર વાળાએ પોતાના જીવન દરમિયાન ક્યાંય એમ નથી કહ્યું કે, મારે તો આ જોઇએ જ. જીદ છે ત્યાં જોખમ છે એમ ઇગો છે ત્યાં કોઇ ઇમોશન કાયમ ટકી ન શકે. કૃષ્ણની પ્રેમકથામાંથી એક વાત શીખવા મળે કે પામવું ક્યારે પ્રેમ ન હોય શકે. કોઇ પણ શરીરને એક સ્પર્શ જોઇએ. પણ એમાં લવ હોવો જોઇએ લસ્ટ (વાંસના) નહીં.


       રાધા અને રણછોડની લવસ્ટોરી પણ સંવાદ વગરની પણ પૂરી સેન્ટિમેન્ટલ હતી. ઈશારો થાય એટલે રાધાજી સમજી જાય અને અવાજમાં રજભારનો પણ ફેર પડે તો લાલો સમજી જાય. કદાચ સમજ જ પ્રેમ માટેનું પ્રથમ તત્વ છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. શિક્ષણ અને શિસ્તમાં માનનારો એક માત્ર પ્રેમી એટલે કૃષ્ણ. પારકાની અપેક્ષા વગર પરિશ્રમથી પોતાના પરાક્રમ કરનાર પૂર્ણ પુરૂષોત્તમ. જેણે કાયમ સજેશન આપ્યું પણ સોલ્યુશન તમારા હાથમાં મૂકી દીધું. કોઇ માણસ પર્ફેક્ટ નથી અને કમપ્લિટ નથી. પણ કાનુડાને તો તુકારો આપીને અ પર્ફેક્ટ કમપ્લિટમેન કહી શકાય. એ પણ કોઇ જાતના પૂરાવા કે સાબિતી આપ્યા વગર. ગોપાલ એટલે એવો ગોડ જેને મસ્કા લગાવ્યા વગર મોઢે જ કહી શકાય કે વ્હાલા આમા મજા આવી અને અહીં મજા ન આવી. પુર્ણ પુરૂષોત્તમ પોતાના જીવનકાળ દરમિયાન વીર રહ્યા પણ વિખ્યાતી માટે ક્યાંય ભડક્યા નથી.

       ગીતાના સર્જકે પોતે કહેલી ગીતામાં પણ ક્યાંય પોતાની સિગ્નેચર નથી મૂકી. છતા મોક્ષ માટેના એક નહીં પૂરેપૂરા 18 અધ્યાય અને 700 શ્લોક આપી દીધા એ પણ કોઇ પ્રકારના ચાર્જિસ વગર. દુનિયાના કોઇ પણ ક્ષેત્રમાં કૃષ્ણ જેવો સારથી મળે ને તો માત્ર કુરૂક્ષેત્રનું જ નહીં પણ કેરિયની લડાઇ સરળતાથી જીતી શકાય. પણ દરેક વખતે આપણી અર્જૂન જેવી યોગ્યતા અને સક્ષમતા હોતી નથી. એકાગ્રતાના દાખલા આપતી વખતે કરોડો વખત અર્જૂનને આપણે આગળ ધરી દઇએ છીએ. પણ જેને પ્રોસેસ અને રિઝલ્ટ બંને ખબર હતી એને તો અનેક લોકોએ રાજકારણીની ઉપમા આપી દીધી. એ સાચો રાજનેતા એટલે રૂક્ષમણીપતિ. જેણે પોતાના જીવનની દરેક પળ દરમિયાન કોઇ પણ વિષય કે વાતને કમપ્લિટ ફોર્મેટ આપ્યું. રાધાનું નામ ભાગવતમાં નથી પણ ભગવાનના જીવનની શરૂઆત જ રાધાથી થયેલી. બીજી તરફ રાધાજી પણ કેવા પ્રેમી, રાજાધિરાજના આગમન પહેલા તો આંખ પણ ન ખોલે. દુનિયાના એક નહીં બે ભગવાને કહ્યું કે બિન્દાસ્ત પ્રેમ કરો, એક કૃષ્ણ અને બીજા ઈસુ ખ્રિસ્ત. પ્રેમની સાથે પૂર્ણત્વ માટેના છપ્પરફાળ પ્રયાસો પણ એટલા જ અનિવાર્ય છે. અધુરી છોડવું એ કેશવની પ્રકૃતિમાં ન હતું અને આલિંગન આપીને મુક્ત કરીને કૃષ્ણત્વમાં ડૂબોડી દેવા એ કાનાનો એટિટ્યુડ કહી શકાય. અફેક્શનના રંગ બદલતી દેડકા દેવી દુનિયામાં પ્રેમ કરો ત્યારે લાલને સેન્ટરમાં રાખીને પગલું ભરવું. દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિને લવ યુ કહેવામાં કોઇ પાપ નથી. બસ સાચા દિલ અને દિમાંગથી એને સમજનારા ને સ્વીકારનારા નિસ્વાર્થી હોવા જોઇએ. ફન કરવું જોઇએ ફંદ નથી. લાગણીઓને કાયમ રિલોડ કરતા રહેવું જોઇએ ફ્રોડ તો શેરીએ શેરીએ થાય છે. હેપી બર્થ ડે, સાંદિપનીના શ્રેષ્ઠ શિષ્ય.

Friday, August 10, 2018

નિવૃત થવું જોઇએ નિષ્ક્રિય નહી

નિવૃત થવું જોઇએ નિષ્ક્રિય નહી

દવા હોય કે દિવ્ય પુરુષ દરેકના ક્ષેત્રની એક એક્સપાયરી ડેટ નક્કી હોય છે. એવામાં કોઇ સમય-સંજોગો જોઇને રાજીનામું આપી દે, તો કોઇ નિવૃતિ જાહેર કરી દે. રાજીનામા અને નિવૃતમાં પણ એક પાતળી ભેદરેખા છે. રાજીનામું ચોઇસ અને નિવૃતિ સ્થિતિ છે. જે દરેકના ક્ષેત્રમાં વ્યક્તિએ મનથી કે મજબૂરીથી છોડવું પડે છે. આમ પણ કુદરતી નિયમ છે પાનખર પછી જ વસંત આવે. પણ મહાનગરની મોહમાયામાં કદી સાંજ પડતી નથી અને બોંબની માફક સવાર પડે. કોઇ કામ, વ્યવસાય કે વ્યાપાર એક ક્ષમતા સુધી જ સારા લાગે અને ઉંમર ઉંમરનું કામ કરે. વાસ્તવિકતા એ છે કે તમામ લોકો ઉમરલાયક થાય છે પણ બહું ઓછા ઉમરને લાયક થાય છે. આઇસીસીના પ્રથમ મહિલા સભ્ય તેમજ પેપ્સિ-કો બ્રેવરેજીસના સીઈઓ ઇન્દ્રા નૂઇએ નિવૃતિ જાહેર કરી. કારર્કિદીમાં સતત 12 વર્ષ સુધી ખેડાણ કર્યા બાદ અંતે ક્ષેત્રને અલવિદા કહી દીધુ. પણ ક્ષેત્રને અલવિદા કહ્યું છે પોતાના વિષયોને નહી. દરેક માણસ પાસે પોતાના કેટલાક વિષયો હોય છે જેની થિયરી અભ્યાસમાં શીખી ચૂક્યા  હોય છે પણ પ્રેક્ટિકલ તો માર્કેટ જ શીખવાડે છે.

ઇન્દ્રા દેશનું ગૌરવ છે જેણે દેશમાંથી અભ્યાસ કરીને સાત સમંદર પાર દેશનો ડંકો વગાડ્યો. કોઇ પણ વિષયમાં ભલે ડૉક્ટરી મેળવી લીધી હોય પણ કેળવણીકારથી લઇને કંપની સુધીના તમામ લોકોને સોલ્યુશનમાં રસ છે. સમસ્યાઓમાં નહીં. ઉકેલની આવશ્યકતા દરેક જગ્યા હોય છે ઉણપને ક્યાંય સ્થાન નથી. આઇઆઇએમમાંથી મેનેજમેન્ટની કસોટી પાસ કરીને પોતાના જ ક્ષેત્રમાં લો પ્રોફાઇલ છતા લાઇમલાઇટમાં રહેલા ઇન્દ્રા નૂઇને કંપનીના ડાયરેક્ટરોથી લઇને ડૉનાલ્ડ ટ્રમ્પની દીકરી સુધીના લોકોએ શુભેચ્છા પાઠવી છે. પિયરથી કે પ્રોફેશનમાંથી વિદાય કાયમી વસમી હોય છે. જે નામરૂપ ધારણ કર્યાં છે તેનાથી સમજણપૂર્વક છૂટા પડવું એ જ સાચી નિવૃત્તિ છે. કેટલાક વ્યક્તિની નિવૃતિની લોકો રાહ જોઇને બેઠા હોય છે. જેમ કે, ક્રિકેટર સચીન તેંડુલકર. જેની નિવૃતિથી ઘણા નવા નિશાળીયાઓને હાશકારો થયો. એ ચોક્કસ વાત છે કે આટલા મોટા ખેતરમાં સફળતાના ચાસ પાડ્યા બાદ સોનાની જ લગડી થવાની છે.

નિવૃતિ એટલે મુક્તિ પણ વ્યવસાયિક જવાબદારીમાંથી સમજદારીમાંથી નહીં. નિરાંતની રજને શ્વાસમાં ભરીને ફરી એક નવી ફરજ અદા કરવાની શરૂઆત એટલે નિવૃતિ. પ્રવૃતિ રહેવી જોઇએ અન્યથા વૃતિ ખરાબ થતા વાર નથી લાગતી. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટને યોગ્ય સમયે અલવિદા કહીને પોતાની એક મેચ્યોરિટી બતાવી દીધી. જેમાં કોઇ તેની કોઇ કેપેસિટીનો સવાલ નથી. આજે પણ ધોની એટલો જ ફિટ અને ફાઇન છે. કહેવાય છે કે માણસ વ્યવસાયમાંથી નિવૃત થાય પછી આળસું બની જાય છે. આળસ થાય એ સ્વાભાવિક છે પણ ઐયાશી ન થવી જોઇએ. આરામના આયોજનમાં જીવવાનું છે અલગારીપણાના આવરણમાં નહીં.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીની અણધારી વિદાયથી ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવી ધ્રુજારી આવી ગઇ હતી. જોકે, બેન આ દિવેસ પણ મક્કમ હતા પણ આંખો સત્યતાની ચાડી ખાતી હતી. દરેક સમયે માણસની સ્થિતિ જુદી હોય છે પણ આંખો એ માત્ર અસ્તિત્વનો જ નહી પણ આવેલી પરિસ્થિતિનો  પણ અરીસો હોય છે. શંકરસિંહ બાપુની નિવૃતિના એંધાણની સિક્સ સેન્સ દરેક લોકોને થઇ ગઇ હતી. પરંતુ, એ સમયે નિવૃતિ બાજુએ રહી ગઇને રિમોટ કંટ્રોલની રાજનીતિની આગાહી પોપટલાલો કરવા લાગ્યા. થાક ઉતારવાનો શ્રેષ્ઠ સમય શરૂ થયો ત્યાં સવાલરૂપી સમસ્યાઓએ વાતાવરણને ઘેરી  લીધુ. સમય થતા વ્યક્તિનું કદ અહેસાસ કરાવે છે કે હવે બસ. જ્યારે નેતાઓ અને પત્રકારોને જ પોતાનું મેદાન મૂકવું ગમતું નથી. જ્યારે પણ મૂકવું પડતું  હોય છે ત્યારે કબજિયાતમાં ન કઠે એવું મનમાં કઠતું હોય છે.

સમય આવ્યે ક્ષેત્રમાંથી મુક્તિ મળે, ટાઇમ થતા શરીરને પણ નિવૃતિ જોઇએ. ક્યારેક આ વાત શરીર જીદ કરીને મનાવી લે તો ક્યારેક વ્યક્તિએ જાતે જ શરીરની ક્ષમતાને બિલોરી કાચમાંથી જોઇને નિવૃતિના નિર્ણય લેવા પડે. સમય વહે છે બાકી દરેક અણુથી લઇને પરમાણું સુધીની દરેક વસ્તુ કે વ્યક્તિની ટાઇમ લિમિટ હોય છે.

Tuesday, June 19, 2018

દિલ્હી ડ્રામાઃ એસી ચેમ્બરમાં અનશન અને અપાર અવ્યવસ્થા


 દિલ્હી ડ્રામાઃ એસી ચેમ્બરમાં અનશન અને અપાર અવ્યવસ્થા

          અનશન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જૂનો સંબંધ છે. તેમની પોલિકિટકલ કેરિયરની શરૂઆત પણ ઉપવાસ આંદોલનથી થઇ હતી. આમ આદમી પાર્ટીના રાજકીય પદાધિકારીઓ છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન પર છે. આ આંદોલન કોઇ જાહેર મંચ કે મેદાનમાં નહીં પણ એસી ઓફિસમાં ચાલી રહ્યા છે. દિલ્હીના આઇએએસ અધિકારીઓ અને સરકારી ઉચ્ચ અધિકારીઓ હડતાલનો અંત કરે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઉપવાસ આંદોલને રાજધાનીની રાજકીય આબોહવામાં ગરમી ઉમેરી છે. આમ પણ છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં તાપમાનનો પારો રેકોર્ડબ્રેક કરી રહ્યો છે. ઉપરાંત, ધૂળની આંધીથી દિલ્હીવાસીઓનું આરોગ્ય જોખમાય રહ્યું છે.

      કેજરીવાલનું ઉપવાસ આંદોલનનું સંચાલન મોબાઇલથી થઈ રહ્યું હોય એવું લાગે છે. તેમની વાઈરલ થયેલી એક તસીવરમાં તે મોબાઇલ પર આંગળીઓ ફેરવે છે. બીજી તરફ મનીષ સિસોદિયા ખાટલામાં તથા સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનનું સ્વાસ્થ્ય ઝોલા ખાઇ રહ્યું છે. જોકે, જમાનો બદલાતા અનશનમાં પણ આ વખતે એક મોર્ડનટચ જોવા મળ્યો. એસીમાં અનશન. રાજકીય હુંસાતુસીમાં ક્યાંયથી ઉકેલનો અવાજ કોઇ કરતું અને ઉપરાજ્યપાલ અનિલ બૈઝલના પેટમાં પાણી પણ હલતું નથી. બીજી તરફ આપ પાર્ટી ટસની મસ થાય એમ નથી ત્યાં હાઇકોર્ટે ટકોર કરવી પડી કે, આમ આંદોલન ન કરાય. શરૂઆતમાં આ ઝુંબેશ એક છમકલુ લાગતી હતી પરંતુ, તીવ્રતા અને તૂટી પડવાના ઈરાદાએ ભાજપને પગલું ભરવા મજબુર કર્યો. ભાજપના મોટા નેતાઓએ સીએમ આવાસમાં ધરણા શરૂ કર્યા. ધીમે ધીમે કેજરીવાલની તરફેણ મજબુત બની કારણ કે અન્ય રાજકીયપક્ષઓનો વડવાઈ જેટલો પાવરફૂલ સર્પોટ મળ્યો.

          આ તમામ ડિંડક વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આઠ દિવસ બાદ ટહુંક્યા (ટિ્વટ કર્યુ) કે રાજકીય ખેંચતાણમાં પ્રજાને પરેશાની ભોગવવાનો વારો આવે છે. અરે ભાઇ આવું કોઇ પણ અણધાર્યું નાટક થાય ત્યારે ભોગ તો પ્રજા જ બને છે અને એ જ પ્રજા પાસેથી મત માંગવાના છે. હકીકતે રાજધાનીમાં પ્રશ્ન એ છે, વહીવટી કામકાજમાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓના મનસ્વી વલણ અને રાજકીય રીતે અભણ લોકો દિલ્હીની સિસ્ટમને સ્વાઈન ફ્લુ વાઈરસ જેવો ચેપ લગાડી રહ્યા છે. જેની સામે લગામ ખેંચવી જરૂરી છે. સુકા પાછળ લીલું બળે એમ કેટલાક આઈએએસ તથા ઉચ્ચ અધિકારીઓ નિયમિત પોતાનું કામ કરે છે, હાજરી આપે છે અને સિસ્ટમને સક્રિય રાખવા કમર કસે છે. પરંતુ સરકારના મંત્રીઓ સખણા રહેતા નથી અને સહકાર આપતા નથી.
 જોકે, એ વાત પણ નોંધવા જેવી છે કે મુખ્યસચિવ સાથે મારપીટની ઘટના બાદ આમઆદમી પાર્ટી અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ખટાશ બેસી ગઇ છે. એવામાં હવે બધુ પાર ઉતરી જાય એવું નેતાઓ ઈચ્છે છે. દિલ્હીની પ્રજા શિક્ષણ, આરોગ્ય અને પાણીના મુદ્દે કેજરીવાલે કરેલા કામ કદી ભૂલશે નહી.  દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને કેટલીક આર્થિક બાબતને લઇને આપ સરકારની મથરાવટી મેલી થઈ ગઇ છે. ધરણાને એક અસરકારક કવરેજ મળ્યું છે ત્યારે એક મદ્દો આવનારી લોકસભાની ચૂંટણીને લઇને પણ છે. દિલ્હીમાં આ નાટકથી ફટકો જનતાને પડી રહ્યો છે. સતત વિરોધ પાછળ કોઇ જ પ્રતિક્રિયા નહીં એટલે ક્યાંય આ એસી અનશન સફળ થયું છે. બીજી તરફ ભાજપ માટે મુશ્કેલીઓનો હિમાલય મજબુત થતો જાય છે. સાથી પક્ષો મોઢું ફેરવી રહ્યા છે અને અંદરખાને લડી લેવાના મૂડમાં છે. એક બાજુ કાળજા કેરુ કર્ણાટક હાથમાંથી ગયું અને હવે ઘરના ઘાતકી બની રહ્યા છે એટલે ભાજપની ઇજા પર કોઇ આફતનું મીઠું લગાવી રહ્યું હોય એવો માહોલ છે.

Wednesday, May 30, 2018

વિદેશયાત્રાઃ મે તો યહા રિશ્તા જોડને આયા હું

વિદેશયાત્રાઃ મે તો યહા રિશ્તા જોડને આયા હું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા પર આવ્યા બાદ કુલ 41 દેશની મુલાકાત લીધી છે. જેમાં કેટલાક એવા પણ દેશ છે જ્યાં મોદીએ બે વખત મુલાકાત લઇને સંબંધને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબુતી આપી છે. જોકે, એ વાત જુદી છે કે, વિદેશયાત્રા કરવામાં અત્યાર સુધીના તમામ વડા પ્રધાનમાં મોદીજી મોખરે છે. કોઇ પણ બે દેશના નેતા એકબીજા સાથે મુલાકાત કરે ત્યારે સમગ્ર દુનિયાની નજર તેના પર હોય છે. એવામાં ચીનની બાજ નજર તો ભારતના દરેક પગલા પર હોય છે. ખાસ કરીને જ્યારે પીએમ મોદી ઇન્ડોનેશિયા, મેલશિયા અને સિંગાપુરની મુલાકાતે છે ત્યારે આ યાત્રાનું આખુ ગણિત જુદુ છે.

ઇઝરાયેલ અને ઇન્ડોનેશિયાની મુલાકાતથી કેટલાક મોટા દેશ કાયદેસર ચોંકી ઊઠ્યા છે. સિંગાપુરમાં યોજાનારા શાંગરી સમેલનમાં મોદી ભાગ લેવાના છે. આ સિંગાપુરના મંચ પરથી મલેશિયા સાથેને સંબંધો તાજા થશે. પણ આ યોજનાથી ચીનનું મૌન અનેક સવાલ કરે છે. અત્યાર સુધીમાં જેટલા પણ દેશમાં મોદીએ મુલાકાત લીધી ત્યાં સૌ પ્રથમ તેના ઇતિહાસ અને ત્યાં વસતા ભારતીયો સાથે રૂબરુ મુલાકાત કરી છે. ઉપરાંત જે તે દેશ મોટ ઉદ્યોગપતિ સાથે હાથ મિલાવ્યા છે. આતંકવાદ સામે એક જુથ થઇને લડવાની વાત વહેતી કરી છે. જ્યારે દેશમાં રોકાણ કરીને વેલ કમ ઈન્ડિયા કહે છે. આ તમામ મુલાકાતમાં સૌથી મુખ્ય વાત રોકાણકારોને ભારતમાં લાવવાની છે.

વ્યાપારી સંબંધોમાં ક્યાંથી કમાવવું અને ફાયદો બંનેને થાયે એ વાત તમામ ગુજરાતી પ્રજાના લોહીમાં હોય છે. ઇનવેસમેન્ટનું મેનેજમેન્ટ અને પછી કોમેન્ટ કરીને મોદીએ ઉદ્યોગપતિઓ સામે રેડકાર્પેટ પાથરી છે. પરંતુ,આપણે ત્યાં ઘણા બધા પાસાઓ પર અપગ્રેડ થવાની જરૂર જ નહીં અનિવાર્યતા છે. કોઇ પણ કંપની આવે તો તે પોતાની સાથે એક ટીમ લઇને આવે છે. હવે જ્યાં ઘરના ઠામ ખખડતા હોય ત્યાં આપણા પૈસા બીજા કમાય જાય એવું ચાલે? પીએમ મોદી જ્યાં જ્યાં ફર્યા ત્યાં સંબંધની વાત કરી, ટ્રમ્પથી લઇને ટોકિયોના વડા સુધી ફ્રેન્ડશીપના હાથ મિલાવ્યા. પણ જે જાપાનમાં આજે સેન્સર ટેકનોલોજીથી ટ્રેન ચાલે છે. જે જાપાન ભારતને આઉટડેટેડ ટ્રેન કેમ પધરાવી ગયું?

ભારતના દરેક મોટા પગલા તરફ ભૂખમરાના ઉંબરે બેઠેલા પાડોશી દેશની નજર છે જેના પર ચીનની અમીકૃપા છે. પોર્ટ વિકાસ અને વિદેશ વ્યાપારમાં સંબંધો જ મહત્ત્વના હોય છે ત્યારે નિકાસથી નાણા કમાવવાનો રસ્તો દેશ માટે બેસ્ટ છે. પણ સ્વદેશમાં જ સમસ્યાઓની શ્રેણી સાપ બનીને ફૂંફાડ મારતી હોય ત્યાં વિદેશપ્રવાસ થોડો અયોગ્ય ગણાય. આતરરાષ્ટ્રીય સ્તરે સંબંધો સારા હોવા જોઇએ અને ભારત આ વાત સારી રીતે જાણે છે. આ વખતે એવું બન્યુ કે રશિયાના પુતિને બીજી વખત સત્તા સંભાળ્યા બાદ મોદીને આમંત્રણ આપ્યું. આ કોઇ પ્લાનિંગ માટેની મુલાકાત ન હતી. છતા સંબંધનો ફાયદો થયો.

વિદેશમાં જઇને નરેન્દ્ર મોદી સંબંધની વાત કરે છે તેના પર માત્ર ભારત જ નહીં પણ દુનિયાના બધા દેશની નજર હોય છે. ખાસ કરીને જ્યારે બિઝનસ મિટ કે મોટું સંમેલન હોય ત્યાં મોદીનું કૌશલ્ય અનેક રીતે પ્રશંસનીય રહ્યું છે. મુડી રોકાણથી એક સદ્ધરતાની આશા રાખવી ખોટી નથી પણ જ્યાં વાસ્તવિક સમસ્યાથી મોંઘવારીનો માર ખાતી પ્રજા વિદેશી એકમમાં ભરોસો ઝડપથી ન મૂકી શકે. મોલ અને મેગા સ્ટોરના કલ્ચરમાં આપણા દેશમાં દરેક વર્ગનું એક સ્તર નક્કી છે. વિદેશમાં સંબંધથી શ્રેષ્ઠ વસ્તુઓ ઘર આંગણે મળી રહે એવું દરેક વડા ઈચ્છે. પણ એના લીધે દેશના જ નાના વેપારીઓને કચ્ચરઘાણ નીકળી જાય ત્યાં કોઇ વિદેશસંબંધ હાથ લાંબો કરીને ઊભો કરવા નથી આવતું.

Monday, May 28, 2018

હાઈવે હાઇક્લાસ, શહેરના રસ્તાઓ થર્ડ ક્લાસ

દિલ્હી બાયપાસ પાસેથી પસાર થતા લાખો વાહનોને દિલ્હી શહેરમાંથી થઇને ઉત્તરના રાજ્યમાં એન્ટ્રી મારવી પડતી. પરંતુ, 135 કિમીના હાઇવેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂકતા હાશકારો થયો છે. હવે ઉત્તરના રાજ્યમાં બાય રોડ જવા માટે દિલ્હી શહેરનો આંટો મારવાની કોઇ જરૂર નથી. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે જે દેશનો પ્રથમ ગ્રીન હાઇવે છે. જેમાં તમામ લાઇટ સાથે સોલાર પેનલ ફીટ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે આટલા મોટા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનું આંધણ થતુ હોય ત્યાં પરિણામ મજબૂત હોવાનું જ. મહાનગરોને જોડતા હાઇવેની હાલત એક વખત તપાસવા જેવી છે. ખાસ કરીને જ્યારે રોડ-રસ્તાના વિકાસની વાત આવે ત્યારે માત્ર હાઇવેની પ્રગતિનો નક્શો જોવા મળે છે.

       દેશમાં રહેવા લાયક બેસ્ટ શહેર હોય તો તે બેગ્લુરુ છે. પરંતુ જાણીને નવાઇ લાગશે કે, આ શહેરની આસપાસના રસ્તાઓ મગરમચ્છની ચામડી જેવા છે. ખાસ કરીને દેશના જિલ્લાંઓ અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓની હાલત દયનીય છે. જ્યારે જ્યારે દેશના મોટા પ્રોજેક્ટને ખુલ્લા મૂકવામાં આવે છે ત્યારે તેની પાછળ નાના શહેરો કે નાના કામની હકીકત દબાય જાય છે અને સરકાર મોટા બેનરમાં જશ ખાટી જાય છે. ગુજરાતમાંથી પણ નેશનલ હાઇવ પસાર થાય છે. હવે આ વિષયને થોડો ઝૂમ કરીએ. રાજયના ધોરીમાર્ગોની હાલત એક જાય અને એક આવે તેવી છે.

ગુજરાતમાં રાજકીય ધોરીમાર્ગ પર કોઇ પ્રકારનો ટોલ ટેક્સ નથી. આનંદીબેનની સરકારમાં આ કરમાંથી મુક્તિ આપવામાં આવી. હવે જ્યાં ટોલનાકું છે ત્યાં કેટલાક લુખ્ખા તત્વો જે પૈસા ઉઘરાવે છે તે કોના ખિસ્સામાં જાય છે. કંપનીઓના બોર્ડ નીચે ચાલતા આવા ધંધા સામે કેન્દ્ર સરકારે આંખ લાલ કરીને પગલા ભરવાની જરૂર છે. જે નેશનલ હાઇવે તૈયાર છે તેના પર ટોલટેક્સ છે જેનો આંકડો ત્રણ અંકમાં છે. એટલે કે બે ટ્રિપ કરો એટલે હજાર રૂપિયા પુરા. દરેક નેશનલ હાઇવ બનાવતી કંપની સરકાર સાથે કરાર કરે છે. જેમાંથી સરકારને અમુક વર્ષો સુધી એક રકમ મળે છે. ત્યાર બાદ લાઇફ ટાઇમ આવી કંપનીઓ બેસીને નાણાનું પડીકું ઓગારી જાય છે.

         અમદાવાદ, જયપુર, ઉદયપુર, મુંબઇ, ચેન્નઇ અને બેગ્લુરુ જેવા શહેરમાં મેઇન રોડના બાદ કરતા એક પણ રસ્તો એવો નથી જ્યાં પાણી ન ભરાતા હોય. દર વર્ષે ગુજરાતમાં પ્રિ મોન્સુન કામગીરીના નામે લાખો પૈસાની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ, જ્યાં રસ્તાઓ જ શ્રેષ્ઠ બનાવી શકાય ત્યાં પાણી ભરાવવાનો કોઇ સવાલ જ નથી. દરેક રસ્તા પર નાની એવી ડ્રેનેજ કે ખાળ મૂકને પાણીને વહેતું કરી શકાય છે. બીજી તરફ ગામડાંની કેડીઓને હવે કાયમી વિદાય આપવાની જરૂર છે. જ્યા સારા રસ્તા હશે ત્યાં પ્રિમોન્સુન કામગીરીનો ખર્ચો ઘટશે. ખાડા જ નહીં હોય ત્યાં પાણી કેવી રીતે ભરાશે? અમદાવાદમાં ગત ચૂંટણી દરમિયાન રસ્તાઓનુ અભિયાન ઉપાડવામાં આવ્યું હતું. પણ ચૂંટણી બાદ જૈસે થે....આપણ ત્યાં સ્થિતિ પણ એવી જોવા મળે છે કે તમામ કામ પુરુ થઇ ગયા બાદ ટેલિફોનવાળા વાયર માટે ખોદકામ કરે, પછી પાઇપલાઇન વાળા ખોદકામ કરે અને કંઇ ન હોય તો તંત્રના લોકો સ્પીડ બ્રેકર બનાવવા માટે રોડની પથારી ફેરવે.

         નિરિક્ષણ અને મુલ્યાંકનના અભાવે શહેરના રસ્તાઓ કમરના દુખાવાની ગિફ્ટ આપે છે. સમયાંતરે જો નિરિક્ષણ અને મુલ્યાકન કરવામાં આવે તો દરેક રસ્તો અમેરિકાના રસ્તાને ટક્કર મારે એવો બને. બીજી તરફ મહાનગરના ટ્રાફિકમાંથી પણ લોકોને થોડી રાહત મળી રહે. ચોમાસામાં પાણી ભારવવાની સમસ્યાઓમાં પણ ઘટાડો થાય. રસ્તા બનાવવાની રાજા નથી થઇ જવાતુ ડ્રેનેજની ડેમેજ સાઇડ જોઇને આગોતરુ આયોજન કરવામાં આવે  તો દરેક શહેરના રસ્તાઓ હાઇવેની સામે બેસ્ટ સાબિત થાય.

ઉફ્ફ યે મિલાવટ, ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ! લોગો કો લૂંટને કા યહી એક ફંડા હૈ

ઉફ્ફ યે મિલાવટ, ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ લોગો કો લૂંટને કા યહી એક ફંડા હૈ     એવું કહેવાય છે કે, અન્ન સમા પ્રાણ હોય છે. ભૂખ લગાડતા પેટના...