દિલ્હી ડ્રામાઃ એસી ચેમ્બરમાં અનશન અને અપાર અવ્યવસ્થા
અનશન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને
જૂનો સંબંધ છે. તેમની પોલિકિટકલ કેરિયરની શરૂઆત પણ ઉપવાસ આંદોલનથી થઇ હતી. આમ આદમી
પાર્ટીના રાજકીય પદાધિકારીઓ છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન પર છે. આ આંદોલન કોઇ જાહેર
મંચ કે મેદાનમાં નહીં પણ એસી ઓફિસમાં ચાલી રહ્યા છે. દિલ્હીના આઇએએસ અધિકારીઓ અને
સરકારી ઉચ્ચ અધિકારીઓ હડતાલનો અંત કરે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર
ઉપવાસ આંદોલને રાજધાનીની રાજકીય આબોહવામાં ગરમી ઉમેરી છે. આમ પણ છેલ્લા એક મહિનાથી
દિલ્હીમાં તાપમાનનો પારો રેકોર્ડબ્રેક કરી રહ્યો છે. ઉપરાંત, ધૂળની આંધીથી દિલ્હીવાસીઓનું
આરોગ્ય જોખમાય રહ્યું છે.
કેજરીવાલનું ઉપવાસ આંદોલનનું સંચાલન મોબાઇલથી
થઈ રહ્યું હોય એવું લાગે છે. તેમની વાઈરલ થયેલી એક તસીવરમાં તે મોબાઇલ પર આંગળીઓ ફેરવે
છે. બીજી તરફ મનીષ સિસોદિયા ખાટલામાં તથા સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનનું સ્વાસ્થ્ય
ઝોલા ખાઇ રહ્યું છે. જોકે, જમાનો બદલાતા અનશનમાં પણ આ વખતે એક મોર્ડનટચ જોવા મળ્યો.
એસીમાં અનશન. રાજકીય હુંસાતુસીમાં ક્યાંયથી ઉકેલનો અવાજ કોઇ કરતું અને ઉપરાજ્યપાલ
અનિલ બૈઝલના પેટમાં પાણી પણ હલતું નથી. બીજી તરફ આપ પાર્ટી ટસની મસ થાય એમ નથી ત્યાં
હાઇકોર્ટે ટકોર કરવી પડી કે, આમ આંદોલન ન કરાય. શરૂઆતમાં આ ઝુંબેશ એક છમકલુ લાગતી
હતી પરંતુ, તીવ્રતા અને તૂટી પડવાના ઈરાદાએ ભાજપને પગલું ભરવા મજબુર કર્યો. ભાજપના
મોટા નેતાઓએ સીએમ આવાસમાં ધરણા શરૂ કર્યા. ધીમે ધીમે કેજરીવાલની તરફેણ મજબુત બની કારણ
કે અન્ય રાજકીયપક્ષઓનો વડવાઈ જેટલો પાવરફૂલ સર્પોટ મળ્યો.
આ તમામ ડિંડક વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ
ગાંધી આઠ દિવસ બાદ ટહુંક્યા (ટિ્વટ કર્યુ) કે રાજકીય ખેંચતાણમાં પ્રજાને પરેશાની ભોગવવાનો
વારો આવે છે. અરે ભાઇ આવું કોઇ પણ અણધાર્યું નાટક થાય ત્યારે ભોગ તો પ્રજા જ બને છે
અને એ જ પ્રજા પાસેથી મત માંગવાના છે. હકીકતે રાજધાનીમાં પ્રશ્ન એ છે, વહીવટી કામકાજમાં
મુશ્કેલી પડી રહી છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓના મનસ્વી વલણ અને રાજકીય રીતે અભણ લોકો
દિલ્હીની સિસ્ટમને સ્વાઈન ફ્લુ વાઈરસ જેવો ચેપ લગાડી રહ્યા છે. જેની સામે લગામ ખેંચવી
જરૂરી છે. સુકા પાછળ લીલું બળે એમ કેટલાક આઈએએસ તથા ઉચ્ચ અધિકારીઓ નિયમિત પોતાનું
કામ કરે છે, હાજરી આપે છે અને સિસ્ટમને સક્રિય રાખવા કમર કસે છે. પરંતુ સરકારના મંત્રીઓ
સખણા રહેતા નથી અને સહકાર આપતા નથી.
જોકે, એ વાત પણ નોંધવા જેવી છે કે મુખ્યસચિવ
સાથે મારપીટની ઘટના બાદ આમઆદમી પાર્ટી અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ખટાશ બેસી ગઇ છે. એવામાં
હવે બધુ પાર ઉતરી જાય એવું નેતાઓ ઈચ્છે છે. દિલ્હીની પ્રજા શિક્ષણ, આરોગ્ય અને પાણીના
મુદ્દે કેજરીવાલે કરેલા કામ કદી ભૂલશે નહી.
દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને કેટલીક આર્થિક બાબતને લઇને આપ સરકારની
મથરાવટી મેલી થઈ ગઇ છે. ધરણાને એક અસરકારક કવરેજ મળ્યું છે ત્યારે એક મદ્દો આવનારી
લોકસભાની ચૂંટણીને લઇને પણ છે. દિલ્હીમાં આ નાટકથી ફટકો જનતાને પડી રહ્યો છે. સતત
વિરોધ પાછળ કોઇ જ પ્રતિક્રિયા નહીં એટલે ક્યાંય આ એસી અનશન સફળ થયું છે. બીજી તરફ
ભાજપ માટે મુશ્કેલીઓનો હિમાલય મજબુત થતો જાય છે. સાથી પક્ષો મોઢું ફેરવી રહ્યા છે
અને અંદરખાને લડી લેવાના મૂડમાં છે. એક બાજુ કાળજા કેરુ કર્ણાટક હાથમાંથી ગયું અને
હવે ઘરના ઘાતકી બની રહ્યા છે એટલે ભાજપની ઇજા પર કોઇ આફતનું મીઠું લગાવી રહ્યું હોય
એવો માહોલ છે.
No comments:
Post a Comment