Friday, August 10, 2018

નિવૃત થવું જોઇએ નિષ્ક્રિય નહી

નિવૃત થવું જોઇએ નિષ્ક્રિય નહી

દવા હોય કે દિવ્ય પુરુષ દરેકના ક્ષેત્રની એક એક્સપાયરી ડેટ નક્કી હોય છે. એવામાં કોઇ સમય-સંજોગો જોઇને રાજીનામું આપી દે, તો કોઇ નિવૃતિ જાહેર કરી દે. રાજીનામા અને નિવૃતમાં પણ એક પાતળી ભેદરેખા છે. રાજીનામું ચોઇસ અને નિવૃતિ સ્થિતિ છે. જે દરેકના ક્ષેત્રમાં વ્યક્તિએ મનથી કે મજબૂરીથી છોડવું પડે છે. આમ પણ કુદરતી નિયમ છે પાનખર પછી જ વસંત આવે. પણ મહાનગરની મોહમાયામાં કદી સાંજ પડતી નથી અને બોંબની માફક સવાર પડે. કોઇ કામ, વ્યવસાય કે વ્યાપાર એક ક્ષમતા સુધી જ સારા લાગે અને ઉંમર ઉંમરનું કામ કરે. વાસ્તવિકતા એ છે કે તમામ લોકો ઉમરલાયક થાય છે પણ બહું ઓછા ઉમરને લાયક થાય છે. આઇસીસીના પ્રથમ મહિલા સભ્ય તેમજ પેપ્સિ-કો બ્રેવરેજીસના સીઈઓ ઇન્દ્રા નૂઇએ નિવૃતિ જાહેર કરી. કારર્કિદીમાં સતત 12 વર્ષ સુધી ખેડાણ કર્યા બાદ અંતે ક્ષેત્રને અલવિદા કહી દીધુ. પણ ક્ષેત્રને અલવિદા કહ્યું છે પોતાના વિષયોને નહી. દરેક માણસ પાસે પોતાના કેટલાક વિષયો હોય છે જેની થિયરી અભ્યાસમાં શીખી ચૂક્યા  હોય છે પણ પ્રેક્ટિકલ તો માર્કેટ જ શીખવાડે છે.

ઇન્દ્રા દેશનું ગૌરવ છે જેણે દેશમાંથી અભ્યાસ કરીને સાત સમંદર પાર દેશનો ડંકો વગાડ્યો. કોઇ પણ વિષયમાં ભલે ડૉક્ટરી મેળવી લીધી હોય પણ કેળવણીકારથી લઇને કંપની સુધીના તમામ લોકોને સોલ્યુશનમાં રસ છે. સમસ્યાઓમાં નહીં. ઉકેલની આવશ્યકતા દરેક જગ્યા હોય છે ઉણપને ક્યાંય સ્થાન નથી. આઇઆઇએમમાંથી મેનેજમેન્ટની કસોટી પાસ કરીને પોતાના જ ક્ષેત્રમાં લો પ્રોફાઇલ છતા લાઇમલાઇટમાં રહેલા ઇન્દ્રા નૂઇને કંપનીના ડાયરેક્ટરોથી લઇને ડૉનાલ્ડ ટ્રમ્પની દીકરી સુધીના લોકોએ શુભેચ્છા પાઠવી છે. પિયરથી કે પ્રોફેશનમાંથી વિદાય કાયમી વસમી હોય છે. જે નામરૂપ ધારણ કર્યાં છે તેનાથી સમજણપૂર્વક છૂટા પડવું એ જ સાચી નિવૃત્તિ છે. કેટલાક વ્યક્તિની નિવૃતિની લોકો રાહ જોઇને બેઠા હોય છે. જેમ કે, ક્રિકેટર સચીન તેંડુલકર. જેની નિવૃતિથી ઘણા નવા નિશાળીયાઓને હાશકારો થયો. એ ચોક્કસ વાત છે કે આટલા મોટા ખેતરમાં સફળતાના ચાસ પાડ્યા બાદ સોનાની જ લગડી થવાની છે.

નિવૃતિ એટલે મુક્તિ પણ વ્યવસાયિક જવાબદારીમાંથી સમજદારીમાંથી નહીં. નિરાંતની રજને શ્વાસમાં ભરીને ફરી એક નવી ફરજ અદા કરવાની શરૂઆત એટલે નિવૃતિ. પ્રવૃતિ રહેવી જોઇએ અન્યથા વૃતિ ખરાબ થતા વાર નથી લાગતી. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટને યોગ્ય સમયે અલવિદા કહીને પોતાની એક મેચ્યોરિટી બતાવી દીધી. જેમાં કોઇ તેની કોઇ કેપેસિટીનો સવાલ નથી. આજે પણ ધોની એટલો જ ફિટ અને ફાઇન છે. કહેવાય છે કે માણસ વ્યવસાયમાંથી નિવૃત થાય પછી આળસું બની જાય છે. આળસ થાય એ સ્વાભાવિક છે પણ ઐયાશી ન થવી જોઇએ. આરામના આયોજનમાં જીવવાનું છે અલગારીપણાના આવરણમાં નહીં.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીની અણધારી વિદાયથી ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવી ધ્રુજારી આવી ગઇ હતી. જોકે, બેન આ દિવેસ પણ મક્કમ હતા પણ આંખો સત્યતાની ચાડી ખાતી હતી. દરેક સમયે માણસની સ્થિતિ જુદી હોય છે પણ આંખો એ માત્ર અસ્તિત્વનો જ નહી પણ આવેલી પરિસ્થિતિનો  પણ અરીસો હોય છે. શંકરસિંહ બાપુની નિવૃતિના એંધાણની સિક્સ સેન્સ દરેક લોકોને થઇ ગઇ હતી. પરંતુ, એ સમયે નિવૃતિ બાજુએ રહી ગઇને રિમોટ કંટ્રોલની રાજનીતિની આગાહી પોપટલાલો કરવા લાગ્યા. થાક ઉતારવાનો શ્રેષ્ઠ સમય શરૂ થયો ત્યાં સવાલરૂપી સમસ્યાઓએ વાતાવરણને ઘેરી  લીધુ. સમય થતા વ્યક્તિનું કદ અહેસાસ કરાવે છે કે હવે બસ. જ્યારે નેતાઓ અને પત્રકારોને જ પોતાનું મેદાન મૂકવું ગમતું નથી. જ્યારે પણ મૂકવું પડતું  હોય છે ત્યારે કબજિયાતમાં ન કઠે એવું મનમાં કઠતું હોય છે.

સમય આવ્યે ક્ષેત્રમાંથી મુક્તિ મળે, ટાઇમ થતા શરીરને પણ નિવૃતિ જોઇએ. ક્યારેક આ વાત શરીર જીદ કરીને મનાવી લે તો ક્યારેક વ્યક્તિએ જાતે જ શરીરની ક્ષમતાને બિલોરી કાચમાંથી જોઇને નિવૃતિના નિર્ણય લેવા પડે. સમય વહે છે બાકી દરેક અણુથી લઇને પરમાણું સુધીની દરેક વસ્તુ કે વ્યક્તિની ટાઇમ લિમિટ હોય છે.

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...