Thursday, May 25, 2023

જાહેરાતનું જોખમ: મૈ ચાહિયે કરૂ મૈ ચાહે વો કરુ, મેરી મરજી

 જાહેરાતનું જોખમ: મૈ ચાહિયે કરૂ મૈ ચાહે વો કરુ, મેરી મરજી

  મેટાના સ્વામીત્વની મુખ્ય કંપની ફેસબુકમાં જ્યારથી વિડીયો ટેબ શરૂ થયું એ અપડેટે તો ખરા અર્થમાં ટીવી સ્ક્રીન પછીની નાનકડી બારી ઉગાડી. ફિલ્મોના સીન હોય કે પ્રમોશનની ઇવેન્ટ, ગમતા ડાયલોગ નો આખો વિડિયો હોય છે રિલ્સની મજા. દમદાર કલિયારીટી સાથે વિડિયો પ્લેટફોર્મની એટલી સરસ સવલત છે કે ટેસડો પડી જાય. 😜 જ્યારે પણ facebook ખોલીએ ત્યારે ઘણી બધી અપડેટ અને પેજ પરના પોસ્ટ જે રીતે પોપકોર્ન શેકાઈ અને ધાણીઓ ફૂટીને બારે આવે એવી રીતે સ્ક્રીન ઉપર ઉભરો આવે છે. આ બધા આંખ સામેના સંતોષકારી પ્રેઝન્ટેશન વચ્ચે બગડેલી બ્રેડ જેવું ડાચું કરવું પડે એવી જાહેરાત છેલ્લા છ મહિનાથી શરૂ થઈ છે. 🥴 એમાં મુખ્ય વાત એ છે કે આ તમામ જાહેરાતના ડોલરોમાં દાણા ભાઈ ઝુકરબરના ખિસ્સામાં જાય છે. 💵 હવે આમ પણ ઘરમાં દીકરી બા આવ્યા છે તો એનું પ્રોવિઝન તો ઊભું કરવું પડે ને?👧 જોકે ઝુકરબર્ગની facebook માટે દીકરીના પગલાં શુભકારી નીવડ્યા છે. કારણ કે દીકરીનો જન્મ થયો એના બે ત્રણ દિવસમાં જ facebook ઉપર વિડિયો એડનું ફીચર એડ થઈ ગયું.

    જેમ જેમ નાણા આવે એમ નુકસાન પણ બારણા નીચેની તિરાડ માંથી ક્યારે ઘર કરીએ એની ખબર નથી જતી. યુરોપિયન સંઘ યુનિયન આ કંપની સામે એવો મોરચો ખોલ્યો કે માલિકને માથાનો દુખાવો થઈ ગયો. રાતો રાત પેરાસીટામણનો 💉ડોઝ મંગાવવો પડ્યો. દેશ કે દુનિયાની 95 ટકા યુથ વસ્તી સોશિયલ મીડિયાના સહારે જીવે છે. સોશિયલ મીડિયા બંધ થઈ જાય તો કેટલા યુવાનોના શ્વાસ અટકી જાય. મેં 2023 ના ત્રીજા અઠવાડિયામાં instagram થોડા સમય માટે હેન્ગ થઈ ગયું એમાં કરોડો યુવાનોના હોંશ ઉડી ગયા. યુરોપિયન યુનિયન સંઘના દાવા સામે મૂળ મુદ્દો એ છે કે, અપડેટની સાથે સાથે સોશિયલ મીડિયા પર શેર થતી દરેક વસ્તુ અસુરક્ષિત બનતી જાય છે. આ પહેલા પણ ઝુકરબર્ગ સામે ડેટા સિક્યુરિટી ના નામે વિરોધના ડંકા વાગી ચૂક્યા છે. હવે ફરી વખત બે મુદ્દાને લઈને એમની કંપની ગુસ્સાનો ભોગ બની છે. 

  મુદ્દા નંબર એક, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની નાનકડી એવી ઝલક facebook ઉપર આપીને કંપનીએ ખરેખર મોટું તીર માર્યું. પણ સૌથી મોટી તકલીફ એ વાતની છે કે, વિડીયો અડધો કે અમુક સેકન્ડ સુધી પૂરો થયા બાદ એક સરસ મજાની જાહેરાત વગર કમાંડ આપ્યે પ્લે થઈ જાય છે. જેના પૈસા સાત સમંદર પાર બેઠેલા ભાઈ ઝુકરબર્ગ કમાય છે. હવે કમાય એની સામે આપણે થોડો વાંધો હોય? એની પણ રોજીરોટી ચાલે છે. 🤓 પણ વિડિયો વચ્ચે એડ મૂકીને કે એડને પરમિટ કરીને લાખો યુઝરના પેટમાં કબજિયાત જેવો દુખાવો મૂકી દીધો. અહીંયા માણસોને youtube માં આવતી ડિફોલ્ટની જાહેરાત પણ જોવી નથી પોષાતી. એવામાં ફેસબૂકે વચ્ચે જાહેરાત મૂકીને ખરા અર્થમાં ઘો ઘાલી. કંપનીને આમ પણ કોઈ સામે કોઈ વાંધો નથી પણ હવે તકલીફ એ છે કે, બીજા કોઈ વિડીયો જેમાં એટલો બધો ટ્રાફિક આવવાનો બાકી હોય એની એડ આ facebook કંપની પ્રમોટ નથી કરતી. એટલે આ તો એવું થયું કે પૈસા મારા, પ્લેટફોર્મ પણ મારું, ટ્રાફિક હોય તો કામ તમારું. ડિજિટલની દુનિયામાં ઓર્ગેનિક ટ્રાફિક સોર્સ ઉભા કરવામાં અડધી આવરદા પૂરી થઈ જાય. ત્યારે માંડ ટ્રાફિક મળે. હવે એમાંથી નાણાં કેટલા મળે એ માટે તો પ્રશ્નપત્ર તૈયાર કરીને આ ભાઈને મોકલવું પડે. 

    મુદ્દા નંબર બે. યુરોપિયન સંઘ યુનિયને એવો દાવો કર્યો છે કે facebook અને whatsapp પર સિક્યુરિટી નો મામલો હજુ પણ જોખમી છે. પ્રાઇવેસીના નામે પ્રશ્નો એટલા તીક્ષણ છે કે, માત્ર કોઈ કાયદાકીય રીતે એક પગલું ભરે તો પણ અમેરિકા સુધી રેલો પહોંચી જાય. 🤐  પણ આપણી ગુજરાતી પબ્લિક પણ ઘણી બધી સ્માર્ટ છે. વસ્તુ એટલી જ મૂકે છે જેટલી એને શેર કરવી હોય છે. બાકી ગુજરાતી પ્રજાને કોઈ બિઝનેસની દુનિયામાં રહી પાચિયું સેરવી જાય એવું શક્ય નથી. યુરોપિયન યુનિયને તળિયા સુધીની તપાસ કર્યા બાદ કંપની સામે 1.3 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયન માંથી કેટલીક જાણકારી અમેરિકા સુધી ન પહોંચવી જોઈએ. એ માટે મોટી બ્રેક મારી દીધી છે. વૈશ્વિક સ્તરે ચર્ચામાં રહેતો આ મામલો અહીંથી અટકતો નથી. આપણા દેશમાંથી પણ ઘણા પત્રકારો તેમજ નેતાઓના ડેટા આ ભાઈ સુધી પહોંચી ગયા છે. એની સામે ભારત દેશની પ્રજા જે નેતાને ચૂંટે છે. એ નેતા પણ પ્રમોશન ભૂખ્યા છે. સમર્થન અને આગેવાનોનો ટ્રાફિક ઉભો કરીને એમની પાસેથી પણ પૈસા ખંખેરે છે. એટલે કુલ કેટલા મળે છે એનો હિસાબ તો એ જાણે. ખરેખર મુદ્દો એ હતો કે, facebook સામે દાવો માંડ્યો હતો કે યુરોપિયન યુનિયન ના ડેટા અમેરિકાની કોઈ જાસુસી એજન્સી સાથે શેર કરવામાં આવે છે. વાત આ ઘણી રીતે મુદ્દાની છે. પરંતુ મૂળ પકડવામાં ઘણા ખરાના મૂડ ફરી જાય. 

    વાસ્તવિકતા એવી છે કે, જરૂરી એવા પ્લેટફોર્મ ઉપર કે ઓફલાઈન મોડ ઉપર શેર થતા મોબાઈલ નંબરમાં ક્યારે એડ આવીને ઊભી રહી જાય એ ખરેખર સંશોધનનો પ્રશ્ન બની ગયો છે. યુરોપિયન સંઘ યુનિયન કરેલી ટકોર ઉપર વિચાર કરવામાં આવે તો દરેકના દ્રષ્ટિકોણમાં પહેલો મુદ્દો જાહેરાતનો બની રહે. ડિજિટલ કોન્ટેક્ટ બનાવનારા ટ્રાફિકને ટાર્ગેટ કરે છે. પરંતુ ટ્રાફિકના ટાર્ગેટમાં એડથી મોટો બ્લોકેજ આવે છે એનો વિચાર પાછો ભાગ્યે જ કોઈને આવે છે. બિઝનેસ મોડેલના પ્રમોશન પ્રેમીઓ તેમજ બની બેઠેલા લોકો પણ અંદરખાને આવા જ ટ્રાફિકના ભૂખ્યા હોય છે. માર્કેટના રૂલ્સ પ્રમાણે પ્રીમિયમ વસ્તુઓ હંમેશા માટે અલગ ક્વોલિટી લઈને આવે છે. ઇન્ટરનેટના અવકાશમાં કોન્ટેન્ટની પાંખથી વિહાર કરવો હશે. તો સુરક્ષાનો મુદ્દો હંમેશા આપણા હાથમાં રાખીને રન વે પર નજર દોડાવી પડશે. આ પણ હકીકત છે.


આઉટ ઓફ ધ બોક્સ

બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ. જે તમારો ગુસ્સો સહન કરી શકે એની જ તમે ગમતી વ્યક્તિ હોઈ શકો. બોસ ને બાદ કરતા

Wednesday, March 29, 2023

સ્વરૂપ બદલીને આવતી સાર્વત્રિક સમસ્યા: વાયરસ

 સ્વરૂપ બદલીને આવતી સાર્વત્રિક સમસ્યા: વાયરસ


   ફરી એક વખત રાજ્ય અને દેશમાં વાયરસનો થઈ રહ્યો છે. રાજ્યમાં તથા દેશમાં વધી રહેલા વાયરસ જન્ય કેસથી આરોગ્ય વિભાગ રાતોરાત ચિંતામાં મુકાયો હોય એવો માહોલ છે. જ્યારે પણ વાયરસને લઈને વાત કરવામાં આવે છે ત્યારે એના જુદા જુદા સ્વરૂપોની અવશ્યપણે ચર્ચા થાય છે. અંગ્રેજી મૂળાક્ષરોના નામ સાથે જોડી દેવાતા અંક ઘણી વખત એવા વિચાર પેદા કરે છે કે ખરેખર જે રીતે સ્માર્ટફોનના વર્ઝન અને અપડેટ બદલે એવી રીતે વાયરસના રૂપ ને ગ્રુપ બદલી રહ્યા છે. શરીર અને મન ઉપર કબજો જમાવી દેતા વાયરસ સતત બે વર્ષ સુધી લોકોનો ભોગ લેતા રહ્યા. વેક્સિનેશનના વિશાળ નેટવર્ક સામે આમ તો સુરક્ષા કવચ ઊભું થયું છે પરંતુ સમયાંતરે સક્રિય થતા વાયરસ ખરા અર્થમાં માથાનો દુખાવો બની ગયા છે. જે રીતે દેશમાં સતત ગંદકીથી મચ્છર ત્રાસ બારમાસી થયો છે એમ હવે વાયરસ પણ સ્વરૂપ બદલીને કાયમી થવા ધમપછાડા કરતા હોય એવા હાલ છે.
 

 
  વાયરસ માત્ર મેડિકલ ક્ષેત્રે જ એક્ટિવ નથી હોતા સમાજમાં તેમજ સમુદાયોમાં પણ ઘણા એવા ન દેખાતા હાલતા ચાલતા વાયરસ હોય છે. આવા વાયરસ સૂક્ષ્મદર્શક યંત્ર માં પણ ઝડપાતા નથી, પરંતુ પોતાના હોવાપણાનો અહેસાસ કાયમ કરાવી જાય છે. કેટલાક ના વિચારોમાં વાયરસ હોય છે જે સમયવાળાની સર્જનાત્મકતાને અણધારી રીતે બ્રેક મારી દે છે. કેટલાક વાયરસ ભ્રષ્ટાચાર ના સુક્ષ્મ જીવો સાથે પડી જાય છે જે પછી જે તે સિસ્ટમને ખોખલી બનાવી દે છે. શિક્ષણ ક્ષેત્ર ે દર વર્ષે ફી વધારાનો વાયરસ પેટમાં જૂની કબજિયાતની જેમ ઉદભવે છે જેને દૂર કરતાં વિદ્યાર્થી તથા વાલીઓનો કસ નીકળી જાય છે. તો ક્યારેક શિક્ષકોના વિચારમાં એવા વાયરસ ખુશી જાય છે કે વિદ્યાર્થીઓને રોકાણનું મધ્યમ અને માર મારવા માટેનો માવો સમજી બેસે છે. ઘણી વખત બાંધકામ અને બિલ્ડીંગ ક્ષેત્રે હલકી ગુણવત્તાનો વાયરસ બિલ્ડરોના દિમાગને લાકડામાં જેમ ઉદી બેસી જાય એ રીતે કોરી ખાય છે. પરિણામે ઉદ્ઘાટન પહેલા બ્રિજ તૂટે છે અને લોકોની આશા ઉપર તિરાડો પડે છે. ચોક્કસ પ્રકારની કચેરીઓમાં તો એવો વાઇરસ લોખંડ પર લાગેલા કાટની જેમ ઘર કરી ગયો હોય છે કે જ્યાં સુધી પ્રસાદી અર્પણ ન કરો ત્યાં સુધી વાયરસ સારું કામ કરતો નથી. 

    આમ પણ કોઈપણ વાયરસ નુકસાનકર્તા જ હોય છે. એવામાં થોડા સમય પહેલા પ્રસાદીમાં એક ચોક્કસ મંદિરે ફેરફાર થતા રાજકીય ઉધામાં અને ઉપાધિ વધી ગઈ હતી. આવા વાયરસ રાજકીય ક્ષેત્રે સચવાઈ ગયા અને ગોઠવાઈ પણ ગયા. કણ કણ વાવીને મણમાં પાક લણતા ખેડૂતો માટે માવઠું ખરા અર્થમાં વાયરસ સમાન છે. જે તૈયાર પાકને બગાડે છે અને નવા પાકનો નાશ કરે છે. આવો વાયરસ તો દવા છાંટવાથી પણ જતો નથી. કારણ કે કુદરતી માર સામે કોઈ એન્ટી વાયરલ દવા અસર કરતી નથી. આવા વાયરસની આગાહી કરનારાઓ પણ એમ્બ્યુલન્સમાં વાગતા સાયરન જેવા હોય છે. ક્યારેક ગાડી ખાલી હોય તો પણ સાયરન વગાડીને ભયભીત કરે.

     ટૂંકમાં માત્ર ડંફાસો મારવાથી હકીકત બદલતી નથી છતાં એવા એંધાણ ઠોકી બેસે કે જાણે એક મિનિટમાં આખી દુનિયા ઉથલપાથલ થવાની હોય. આ વાયરસનું નેટવર્ક ઇન્ટરનેટના નેટવર્ક કરતા ઘણું વિશાળ છે. રોજ અફવાઓનો વાયરસ નવી નવી દિશામાં ફંટાયા કરે છે. એમાં પણ ઘણી વખત સત્યને શોધવામાં રણમાંથી સોય ગોતવી પડે એવી મહેનત પડે છે. પરંતુ પહેલો સામનો તો વાયરસનો જ કરવો પડે છે. આવો વાયરસ ખરા અર્થમાં હકીકતની શોધ કરનારાઓને હંફાવી દે છે.

     દરેક કોર્પોરેટ ઓફિસમાં પણ સૂક્ષ્મ જીવાણું રુપી વાયરસ હોય છે જે કામ તો કરતા હોય છે પરંતુ ન કરવાનું કામ વધારે પડતું કરતા હોય છે. એક વાયરસના કણમાંથી જેમ બીજો પણ છૂટો પડે ને બીજો વાયરસ તૈયાર થાય એવી રીતે કોર્પોરેટ સેક્ટરમાં પણ આવો એક વાયરસ પોતાનું આખું નેટવર્ક તૈયાર કરીને પાણીમાં જેમી લીધું મુળિયા ફેલાવી દે. પછી એન્ટિવાયરસ દવાનો હુમલો કોઈ એક કણ ઉપર થાય એટલે વાયરસના તમામ એ કણ બચાવવા માટે ઉતરી પડે. આવા વાયરસ દરેક જગ્યાએ જોવા મળે. અમુક વાયરસ ઓફિસમાં એવા હોય કે જે બીજાને કાયમી ધોરણે નુકસાન કરતા હોય એનું કામ નાનું હોય પરંતુ અસર લોહી લુહાણ કરી દેવી હોય.

     સુરક્ષા વ્યવસ્થામાં પણ નોકરી દસ્તાવેજોના કારણે પેસી ગયેલો વાયરસ ચોક્કસ સમય બાદ પકડાય છે ત્યારે સિસ્ટમ સામે સવાલ તથા જવાબદારો સામે ભૂંડા હાલ થાય છે. હમણાં એક વાયરસ છેક સરહદી વિસ્તાર સુધી પહોંચી ગયો અને આખી સિસ્ટમમાં બબાલ મચી ગઈ. દરેક વાયરસ પાછળ એના કેટલાક તત્વો જવાબદાર હોય છે સુરક્ષા વ્યવસ્થાથી લઈને જવાબદારી સુધીના પદ સુધી આ વાઇરસ જ્યારે પણ કોઈ વસ્તુને કોરી ખાય છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે પ્રાથમિક ધોરણે તેને કેમ ડામી દેવામાં આવ્યા. માર્કેટમાં મોંઘવારીનો વાયરસ કાયમી થઈ ગયો છે કોઈને કોઈ કોમોડિટી તો એવી હોય જ છે જેમાં ભાવ વધારાનો વાયરસ લાગે એટલે મધ્યમ વર્ગના આર્થિક રીતે પાયા હચમચી જાય. 

      આવા તો ઘણા બધા વાયરસ આપણા બધા વચ્ચે જીવન જીવે છે એની કોઈ કાયમી દવા જડતી નથી બસ આપણે આપણા અંગો પર સુરક્ષાનું માસ્ક ક્યારે અને કેવી રીતે લગાવવું એના પર જ સાચી સમજ રહેલી છે. એવી હકીકત સ્વીકારવી પડે કે જ્યાં ગંદ વાળો વધી જાય ત્યાંથી સુરક્ષિત રીતે જતા રહેવામાં જ જીત છે.

Saturday, March 18, 2023

ગરમ મસાલા: મોટા માર્કેટનું વિહંગાવલોકન

ગરમ મસાલા: મોટા માર્કેટનું વિહંગાવલોકન
 
ભારત દેશના મરી મસાલાનું માર્કેટ આજકાલનું નહીં પરંતુ અંગ્રેજોના સમયથી એટલું વિશાળ છે કે સાત સમંદર પારથી આવેલા વેપારીઓ કે ફિરંગીઓ પોતાની સાથે ટનના મોઢે મરી મસાલા ભેગા લઈને જતા. ખાસ કરીને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં મરી મસાલાઓની વ્યાપક માંગ તેમજ ઉત્પાદકતાના કારણે આ માર્કેટને એક મોટું ફલક મળી રહ્યું. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં મસાલા માર્કેટમાં એક એવી ગરમી જોવા મળે છે જાણે વૈશ્વિક માર્કેટમાં પ્રગતિથી આવેલી ભારતીય શેર માર્કેટની તેજી. વર્ષમાં એક વખત તેજીમાં અને કાયમી ધોરણે ફાયદામાં રહેતી ગરમ મસાલાની માર્કેટ એ આ વખતે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. 
     ગેસ તેમજ અન્ય જીવન જરૂરી વસ્તુઓના ભાવતો વધી જ રહ્યા હતા એવામાં આ વખતે ગરમ મસાલા એ બરાબરનો આર્થિક સ્વરૂપે છમકારો કરી દીધો. એવામાં ઉનાળાનું અમૃત ગણાતું એવું લીંબુ તેમજ કઠોળના ભાવે સિક્સ મારતા ખરા અર્થમાં નાના વર્ગોના સીસકારા નીકળી ગયા. દર વર્ષે મસાલા માર્કેટમાં દેખીતી રીતે ભલે કોઈ ભાવ વધારો જોવા ન મળે પરંતુ આ વખતે સીધા પાંચથી વીસ રૂપિયા સુધીના ભાવ વધારે મસાલાનો સ્વાદ બગાડ્યો છે. આ નાનકડા એવા પરિવર્તનની મોટી અસર એ થશે કે હવે હોટેલ નું ફૂડ ખરા અર્થમાં દરેકના ખિસ્સાને પોસાય એમ નથી. જીરુ એલચી મરચું હળદર ધાણાજીરૂ અને રાઈ જેવા પાયાના મસાલા મોંઘા બનતા ખરા અર્થમાં થાળીમાં વિકાસના બદલે ફિક્કાસ પેશી ગઈ છે. 
Essential Indian Masalas: 5 regional spices mix and why you must have them  at all costs
 
      છૂટક માર્કેટના વેપારીઓ તો ત્યાં સુધી કહે છે કે સ્ટોક કરાવનારાઓ દિવસે દિવસે વધતા જાય છે પરંતુ અત્યારે ભાવની સ્થિતિએ એક નિશ્ચિત માત્રાથી સ્ટોક કરાવો કોઈને પરવડે એમ નથી. એક સમય આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એવો પણ રહ્યો હતો કે લોકો મસાલાની સિઝનમાં કાચો માલ ખરીદીને ચોક્કસ કટીંગ તેમજ પ્રોસેસિંગ બાદ 12 મહિના સુધી ચાલે એટલો મસાલો ભરી લેતા. આવા દિવસોમાં કંપનીઓની ખરી કસોટી થાય છે તો બીજી તરફ રોકાણ સામે રેવન્યુ ઊભી કરવા માટેની પણ માર્ચ મહિનાની સિઝન વેપારીની દ્રષ્ટિએ વસંત સમાન છે. કારણ કે સમગ્ર સ્ટોક એક સમય સુધી ભરી લેવાથી માત્ર પીલવાનું કામ જ કરવાનું હોય છે. પેકેજીંગ અને ટ્રાન્સપોર્ટ દરેક કંપનીએ પોતાના ખર્ચે વસાવેલા હોવાથી એક મોટી રેવન્યુ બચાવી શકાય છે.
     માર્કેટ રિસર્ચ કરનારા ઓ તેમજ કોમોડિટી ઉપર નજર રાખનારા નિષ્ણાંત ત્યાં સુધી કહે છે કે મસાલાની કોમોડિટી આવનારા દિવસોમાં હજુ પણ મોટું માર્કેટ ઉભું કરશે પરંતુ પાયામાં પડેલી તિરાડમાંથી વહી જતું આર્થિક બજેટ આ માર્કેટમાં મોટા માથાઓને જ ટકવા દે એવું લાગે છે. વર્ષો જૂની કંપનીઓને પણ કોરોનાકાળ પછી બેઠા થવામાં પરસેવા આવી ગયા. જીવન જરૂરી તેમજ થાળીના પ્રાથમિક વિચારમાં મસાલા પ્રથમ ક્રમે આવે છે. ભાવ વધારો દરેક વ્યક્તિને કે વર્ગને અસર કરે છે. મસાલા માર્કેટ વિશે કિંમતનું અમરત્વ કાયમી નથી હોતું. કરન્સીની કડાકૂટ વચ્ચે ક્યારેક નિકાસમાં ખોટના ભોગે ભાવતાલ કરવાનો વારો આવે છે. 
K V Spices India in Connaught Place,Delhi - Best Masala Powder  Manufacturers in Delhi - Justdial
 
     ગુજરાતમાં ગોંડલનું મરચું સૌથી વધારે જાણીતું છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં પાકતું મરચું આ વખતે અત્યંત ઓછું છે. ગુજરાત બાદ તમિલનાડુ મરચાનું સૌથી મોટો માર્કેટ મનાય છે જ્યાંથી સ્ટોકનો ઓવર ફ્લો નહીં પરંતુ લિમિટેડ માર્કેટ ઓપરેટ થાય છે. આની સામે બીજા મરચાં અને કે મસાલાઓને રાખવાની કે સાચવવાની જવાબદારી એક ત્રીજી વ્યક્તિ પર આવે ત્યારે સાચવણીના ફદીયા પણ ચૂકવવા પડે છે. 
     સરવાળો ઉત્પાદનથી માંડીને વેપારી સુધીની આખી શૃંખલામાં પ્લસ-માઇનસ કોઈ પણ થાય કન્યા નામની કેડ ઉપર નૃત્ય થતી આર્થિક અસમાનતા એક આખા વર્ગને રેવન્યુના રૂપમાં તોડી રહી છે. મસાલાની સિઝનનો પણ ભવ્ય ભૂતકાળ રહ્યો છે જે ઘણી વખત આપણા નાની કે દાદી વાગોડે ત્યારે ખરા અર્થમાં એવું લાગે કે પાસ્ટમાં ખોવાયેલા લાસ્ટના મોજામાં માહોલ શમી ગયો. ઘરમાંથી આવતી મસાલાની સોડમ ખરા અર્થમાં ઉત્સવ સમાન સચવાતી અને ખરીદાતી. જે રીતે જિંદગીની ઘટનાઓને તટસ્થતાથી સ્વીકારવી પડે એ જ રીતે આ ભાવ વધારાને યસ કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે કાચા માલની સામે દળવાની કે કાપવાની પ્રક્રિયા મોટા બજેટની બની રહે છે. સત્તાની ખુરશી પર આવીને થતા ફાયદા માર્કેટ સામે ક્યારેક સાચા પુરૂવાર થતા નથી. આવી પરિસ્થિતિ વચ્ચે ખરા અર્થમાં મરવાનો વારો તો ખેડૂત અને મધ્યમ વર્ગનો જ આવે છે. આમાં કોઈ કંપનીના શેર ઘટે કે વધે એવી કોઈ મસાલા માર્કેટમાં પાંચ રૂપિયાના કમિશનમાં પણ કોઈ ઉભું રાખતું નથી. 
12 Homemade Non-veg Masala Powders - HubPages
 
    આંતરરાજ્યોની થતી ખરીદી મસાલા માર્કેટની અંતર્ગત ઘણી બધી રીતે વિવિધતા પ્રેરે છે. કારણ કે જે ગોંડલનું મરચું ગુજરાતમાં કે એના આસપાસના રાજ્યમાં ખવાય એટલું ઝડપથી કોઈ ઓડિસાના ગામડાઓમાં ખવાતું નથી. આ પણ હકીકત છે. આપણા ઘરનો સિદ્ધાંત હોય કે માર્કેટના નિયમો વસ્તુ તો એક જ હોય છે કે જે ગુણવત્તા યુક્ત હોય એની સૌથી વધારે માંગ રહે છે. માંગની સામે કિંમત પર અંકુશની ટકાવારી હોય તો દરેક વર્ગને બે ટંકનું ભોજન અને તેને ગમતો સ્વાદ અવશ્ય મળી રહે. પરંતુ સત્તા પર રહેલા કોઈ લોકોને આવી તીખાશ નડતી નથી.
 
આઉટ ઓફ ધ બોક્સ
જ્યાં લાગણીનો ટેકો મળી જાય ત્યાં પછી લાકડીની જરૂર રહેતી નથી. વ્યક્તિની કદર કરી લેજો ભલે સંબંધમાં ગમે એટલી મસાલાની તિખાશ હોય, કારણ કે, એક વખત વ્યક્તિ કાયમી ધોરણે સૂઈ ગયા બાદ ઊઠતા નથી.

Saturday, January 14, 2023

 પતંગ અને જિંદગી: ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા....

Makar Sankranti or Uttarayan, Indian festival of kites

 

 

 

 

 પતંગ અને જિંદગી: ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા...


     આમ તો આપણે સૌ એક વર્ષમાં બે વખત નવું વર્ષ બનાવીએ છીએ. કપડા અને વિચારો ભલે એ જ રહે માત્ર વર્ષ બદલાતું રહે છે. અનેક સમુદાયો પોતાના જુદા જુદા નવા વર્ષે નવા વાઘાઓ પહેરીને નવા વર્ષને આવકારે છે. મથુરામાં લીલા કરી ચૂકેલા મોહનને આવકારવા માટે આપણે સૌ નવીન તત્વ સાથે તૈયાર થઈએ છીએ. જેથી આવનારું વર્ષ આપણા જીવનમાં એક રંગોળી રૂપી વિવિધતા અને સુસંગતતા લઈને પ્રવેશે. જેમાં સંબંધોની મીઠાશ કાયમી ધોરણે રહી જાય અને મનનો કકરાટ નદીમાં વહેતા મોજાની જેમ વહી જાય. જાન્યુઆરી મહિનો એટલે તહેવાર સંબંધ અને શિયાળાનો ત્રિવેણી સંગમ. આજ મહિનામાં લગ્ન સિઝનની બીજી એડિશન શરૂ થાય. કમુરતા પોતે એટલે ઢોલ ઢબૂકવાના ચાલુ થાય. એમાં પણ દાઢી ધ્રુજાવી દે એવો શિયાળો એટલે જાણે ગરમ કપડાની દુકાન બનીને લગ્નમાં જવાનું હોય એવો માહોલ. 

            શિયાળામાં પરણેલા દરેક યુગલ જ્યારે પોતાની લગ્ન વર્ષગાંઠની ઝાંખી જોતા હશે ત્યારે સંબંધીઓ નવા નવા ગરમ કપડાની બ્રાન્ડ બનીને આવ્યા હોય એવું લાગે. કેટલાક બાપા અને કાકા ને તો ઓળખવા મુશ્કેલ બને કારણ કે વાંદરા ટોપી માંથી માત્ર ચહેરો જ દેખાતો હોય. પણ જાન્યુઆરી મહિનામાં તહેવારોના શ્રી ગણેશ કરી જાય છે મકરસંક્રાંતિ. જેને ઉતરાયણ કહીને અમદાવાદનો એકમાત્ર રાષ્ટ્રીય મહોત્સવ માની શકાય છે. આ પતંગ ઉત્સવના દિવસને અમદાવાદ સિવાયના મહાનગરો પણ ટ્વીટરમાં એકબીજાને ફોલો કરે એ રીતે ફોલો કરતા થયા છે. જે ખરેખર આનંદની વાત છે. પણ આમ જોવા જાવ તો પતંગ અને જિંદગીમાં ઘણી બધી સામ્યતાઓ છે. મેચિંગ અને ચેસિંગ તો કાયમી ધોરણે આપણા સૌ સાથે ચાલતી આવતી ઋતુ જેવા છે. રંગબેરંગી પતંગો જીવનના કલરફુલ ક્ષણ સમાન છે. જ્યારે ઓછા પવનના કારણે ક્યારેક પતંગ અધવચ્ચેથી નીચે ઉતરી જાય એને જિંદગીના ઉતાર ચડાવ સાથે પણ સરખાવી શકાય.  

Makar Sankranti 2018 in Gujarat: How Uttarayan, Festival of Kites is  Celebrated | India.com

આકાશમાં કેનવાસમાં પતંગ ઉડે છે જ્યારે જિંદગીના મેદાનમાં શરીરના તેમજ આત્માના રોબોટ્સ ઉડતા હોય છે. પતંગની દોરી આપણા સૌના હાથમાં હોય છે પણ આપણા જીવનની દોરી ક્યાંક ને ક્યાંક ઘણી બધી રીતે બંધાયેલી હોય છે. નોકરી કરતા લોકો એની કંપનીની દોરી સાથે આવકના હેતુથી બંધાયેલા, અનેક એવી ગૃહિણીઓ પોતાના ઘરકામ સાથે બંધાયેલી, વેપાર કરતા વેપારીઓ પોતાના ગ્રાહકો સાથે બંધાયેલા. પરંતુ આ બધા વચ્ચે વિવિધતા એ છે કે જેમ પતંગ જુદી જુદી દોરી સાથે બંધાય છે એ રીતે આપણું જીવન પણ સમયાંતરે બીજા છેડેથી દોરી બદલતું રહે છે. પરંતુ ક્યારેક આપણે દોરી સાથે સેટ થતા નથી તો ક્યારેક દોરી આપણા સાથે સેટ થતી નથી. પતંગ ચગાવતા પહેલા માનજો મજબૂત છે કે નહીં એની દરેક ખેલાડી તપાસ કરે છે પરંતુ જિંદગીનો પાયો મજબૂત બનાવવા માટે હવે પાળા (ઘડિયા) કોને આવડે છે? ગણિતના પાયાના કોન્સેપ્ટનું નવું વર્ઝન એટલે આજના ટેબલ. આતો ગણતરીના માંજા મજબૂત કરવાની વાત થઈ. જ્યારે સંબંધોના કેનવાસમાં સમજની રંગોળી કરવાની વાત આવે ત્યારે આપણી લાગણીની સામે તર્કની પેચ લડતી હોય છે. હિસાબ માત્ર ગણિતમાં જ થાય એવું નથી આકાશમાં ઉડતી પતંગે કેટલી કાપી ત્યાં પણ થાય છે. જ્યારે જીવનમાં આપણે બીજાની કેટલી કાપીએ છીએ એનો તો ક્યારેય હિસાબ થતો નથી અને પાકું સરવૈયું મળતું નથી. આકાશમાં થતી પતંગોની લડાઈ ક્યારેક જીવન અને આચરણમાં ન ઉતરે એની દોરી આપણે સૌએ આપણા જ હાથમાં રાખવાની છે. ક્યારેક બીજાના ધાબા પરથી પસાર થતી પતંગ જરા ઉંચે ચડી હોય ત્યાં બળતરો પાડોશી વચ્ચેથી દોરી કાપી જાય એવું પણ બને. એ સમયે ડખા કરવાથી ચડિયાતું છે બીજી પતંગ ચગાવી લેવી એ પણ બીજી દિશામાં. કારણકે ગુજરાતીમાં કહેવત છે પહેલો સગો તે પાડોશી. 


    ઉતરાયણનો તહેવાર આવે એ પહેલાં દોરી ઘસવામાં આવે છે. જ્યારે નવી જિંદગીનું અવતરણ થવાનું હોય ત્યારે મમ્મી કે દાદી એ જ દોરી જેવી કલરફુલ દાદલીઓ બનાવવામાં તૈયારીઓ કરે છે. માત્ર દોરીના રંગ બદલતા હશે પણ લાગણીનું કાતવાનું એ જ હશે. ક્યારેક અણધારી અને ઓચિંતી પતંગ કપાઈ જાય ત્યારે ફીરકી પકડનારને કહેવાય છે કે વીંટી લે અથવા લપેટી લે. જીવનરૂપી પતંગ પણ ક્યારેક એટલી બધી ફફડે છે અને ફટકે ચડે છે ત્યારે એક એવી ફીરકી રુપી વ્યક્તિ હોવી જોઈએ જે આપણને વગર કહીએ આલિંગનમાં વીંટી લે તેમજ પોતાનામાં સમેટી લે. ક્યારેક આપણે ચડાવેલી અને ઉપર મોકલેલી પતંગ બીજાની દોરી સાથે એટલી બધી ગુંચવાય છે કે ઘણા બધા ખેંચતા કરવા છતાં પાછી વળતી નથી અને અંતે તૂટી જાય છે. તો ક્યારેક એવું પણ બને છે કે ત્રણ ચાર બીજી બધી દોરી આપણી દોરીમાં આવી જતા જાય છે. આકાશમાં અને સંબંધમાં ઉડતો આ ગુંચવાળો ઉકેલવામાં ક્યારેક આખી જિંદગી જતી રહે છે. એમાં પણ જ્યારે જમીન પર એ દોર પડે છે ત્યારે સામે છેડેથી કોઈ છેડો મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. 

International Kite Festival (Uttarayan) 2023 in India - Dates


     ઘણી વખત એવું પણ બને છે કે પતંગને પૂછડું બાંધવું પડે ક્યારેક આપણી સાથે જોડાયેલી દોરી કે પતંગ એવી હોય છે કે જેના પૂંછડા આપણે આમળવા પડે. પણ આવી વ્યક્તિ જ્યારે આપણી સામે હૈયાના હેત ના બદલે ઝોમ્બી બનીને આવે ત્યારે એનો અસલી ચહેરો ઓળખાય છે. કોઈની જિંદગીમાં કરેલી એની દોરીની માવજત ક્યારેક માર  બનીને પણ પડતી હોય છે. પછી અફસોસનો ગુચવાળો ઉકેલતા અસાધારણ આંતરિક પીડા પણ થાય છે. પણ આ બધા કરતાં ક્યારેક કોઈના જીવનમાં રોશનીની તુકલ બનવામાં પણ મજા છે આપણા અજવાસથી કોઈના જીવનમાં અમાપ ખુશી મળે એ પણ જિંદગીની બેસ્ટ ઉતરાયણ જ છે. બીજા માટે આવી તુંક્કલ બનવામાં પહેલા પોતાને બેલેન્સ કરવું પડે ઠંડા પવનોની માર સહન કરવી પડે. પછી જ્યારે ઊંચાઈ પ્રાપ્ત થાય ત્યારે ધાબેથી નીચે ધક્કો મારનારા જ હરખાતા હોય અને જોઈને ખુશ પણ થતા હોય. બાકી પતંગની પેચ સમાન લડાઈ દરેક ઘરમાં અને સમાજમાં ચાલતી જ રહે છે. તું મારી કાપ અને હું તારીખ આપું. હેપ્પી ઉતરાયણ.

આઉટ ઓફ ધ બોક્સ
.
જીવનમાં ક્યારેક કોઈક મુદ્દાને ઢીલું મુકતા શીખી જાવ રંગબેરંગી પતંગ અને વિવિધ વિચારના માણસોનો ઢગલો થશે એની ગેરંટી

Thursday, August 18, 2022

મેઘા રે મેઘા રે: પ્રકૃતિના પિકચરથી લઈને ચલચિત્ર સુધી પોંખાતું ચોમાસું

મેઘા રે મેઘા રે: પ્રકૃતિના પિકચરથી લઈને ચલચિત્ર સુધી પોંખાતું ચોમાસું

રેઇન, રોમાન્સ અને રીકોલિંગના ત્રીપલ R એટલે મોન્સુન. 

માર્ચ મહિનો એટલે કસોટી કાર્ડ એમાં પણ ખાસ કરીને બેંક અને નાણાકીય બાબતો સાથે જોડાયેલા દરેક વ્યક્તિને માર્ચ મહિનો અગ્નિ પરીક્ષા સમાન લાગે છે. પરંતુ ચોમાસાને પ્રકૃતિનો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવે છે. તપતી ધરતીને લઈને જ્યારે કોઈ ખેડૂત ભવિષ્યની આશા વ્યક્ત કરે છે ત્યારે સૌથી પહેલો વિચાર ચોમાસાનો આવે છે. ચોમાસુ એટલે એક એવો વિષય જેને કવિઓથી લઈને કલાકારો સુધી દરેક વ્યક્તિએ દિલથી લગ્નના વરરાજાને પોંખે એ રીતે વધાવ્યો છે. ચોમાસુ એટલે વરસતું પાણી, અવનવી ઈચ્છાઓની ફૂટતી ધાણી, ખુશી અને ખાણીપીણીની આઈટમની અનોખી કહાની, ફૂલોને ફૂટતી વાણી, સર્વત્ર લીલીછમ ધરતીની ચાદરની સરવાણી, ઘનઘોર વાદળા વચ્ચે અચાનક વીજળીના ચમકારા સાથે પધારેલા વર્ષારાણી. વરસાદ એટલે પ્રકૃતિનો વૈભવ, કુદરતી નજારાનો બદલાતો ભવ, મેઘધનુષથી લઈને મેઘ મલ્હાર સાંભળવાની ઋતુ. દિલના ટેન્શન વાળા માહોલમાં વરસાદી ટીપા લાગણીને જીવંત કરી દે, એટલે જ આનંદ બક્ષી ગીતકાર લખે છે અને કાકા પૂછે છે કે ભીગી ભીગી રાતો મે, મીઠી મીઠી બાતો મેં, કેસા લગતા હૈ... કે પછી આજના સમયમાં થોડુંક મોર્ડન કહીએ તો એ મોસમ કી બારીશ યે બારીશ કા પાની...



વેધર, વરસાદ અને વૈવિધ્ય
સમગ્ર ગુજરાતમાં ચોમાસુ કેરળના હવામાનમાંથી ગુજરાતના હવામાન બાજુ આવે છે. કેરળમાં વરસાદ આવે એટલે ગુજરાતમાં વરસાદના એંધાણ શરૂ થાય છે. એક હકીકત એવી પણ છે કે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો હોવા છતાં કેરળની સિસ્ટમ સાથે ગુજરાતમાં ચોમાસુ સક્રિય થાય છે. જ્યારે સમગ્ર દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં ટોટલ બે વખત ચોમાસાના રાઉન્ડ દક્ષિણ ભારતના રાજ્ય અને ભીના કરે છે. બંગાળની ખાડી અને અરેબિયન્સી એટલે કે અરબ સમુદ્ર વરસાદ માટે કેન્દ્રબિંદુ છે જ્યાંથી સિસ્ટમ બનવાનું શરૂ થાય છે અને દક્ષિણથી ઉત્તર તરફ વહે છે કેરળમાં ચોમાસુ અરબસાગર પરથી આવે છે જ્યારે તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટકા તેલંગણા થી લઈને છેક પશ્ચિમ બંગાળ સુધી બંગાળની ખાડીનું ચોમાસુ સિસ્ટમ બનાવે છે. બંને તરફ દરિયામાં શરૂ થતી સિસ્ટમ વાતાવરણ અને ભેજ સાથે મિશ્રિત થઈને વંટોળ સાથે આગળ વધે છે. પરંતુ વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદી સિસ્ટમ ધીમી પડી રહી છે આ વાત પણ સ્વીકારવી પડે. ગુજરાતમાં અરબસાગર છેક દીવ અને સોમનાથ સુધી સ્પર્શે છે જ્યારે બંગાળાની ખાડી પશ્ચિમ બંગાળ અને નોર્થ ઇસ્ટ સુધી સ્પર્શે છે. મૌસમને વણાંક આપતા મેઘરાજાની ગુજરાતમાં મહાએન્ટ્રી થાય ત્યારે અષાઢ મહિનાનો ગાઢ માહોલ જોવા મળે છે માર્ચ એપ્રિલ અને મે મહિના સુધી સૂર્યદેવનો આકરો મિજાજ વર્તાય છે પછી બફારાનો બુસ્ટર ડોઝ શરૂ થાય છે. જે વરસાદ પછી પણ ગુજરાતમાં ભાદરવા મહિના સુધી ચાલે છે.

સૌથી અલગ સાઉથ ક્ષેત્ર
જ્યારે દક્ષિણ ભારતમાં ઓક્ટોબર મહિનો ચોમાસાનો છેલ્લો મહિનો ગણાય છે. જે રીતે કેરળથી ચોમાસુ શરૂ થાય છે એમ મેઘાની વિદાય પણ કેરળમાંથી જ થાય છે. વેસ્ટન રીજીયન માં ચોમાસુ ઠંડુ પડે એટલે તરત જ ટાઢો બોર્ડ માહોલ શરૂ થાય છે જેને ઉત્તર ભારતથી વહેતા ઠંડા પવનોથી ઓળખવામાં આવે છે. પરંતુ કેરળમાં વરસાદ એકાએક શાંત ત્યારે થાય જ્યારે સૂકા પવનો મારો શરૂ થાય. એક કરતાં વધારે વેધર સિસ્ટમ હવે એક્ટિવ થઈ રહી છે જેના કારણે મોનસુન મેઝરમેન્ટમાં પણ ઘણા બધા તફાવત જોવા મળે છે. હવામાન ખાતાના એક સિનિયર વેધર એનાલિસ્ટ અને અધિકારીએ નામ ન આપવાની શરતે એક સિસ્ટમ સમજાવી હતી. તેમણે કહ્યું કે ચોમાસુ કુદરતી વધારે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મોટું છે. વિશાળ દરિયો હોવા છતાં ઘણી વખત વરસાદ થતો જ નથી એવા પણ કિસ્સા છે. આ પાછળનું કારણ ભેજ અને ખારાશ હોવાનું છે. કેરળમાં સતત ભેજનું સાતત્ય હોય છે એટલે એની અસર વધુ સમય સુધી રહે છે દક્ષિણ ભારતની ભૌગોલિક પરિસ્થિતિ ગુજરાત અને મહારાષ્ટ્ર કરતાં ઘણી અલગ છે. કારણ કે ત્યાં પહાડ ઓછા અને ઘાસના મેદાનો વધારે છે. વરસાદની એન્ટ્રીથી કેરળની ચર્ચા શરૂ થાય છે પરંતુ હકીકત એવી પણ છે કે કેરળનું ચોમાસુ ધીમે ધીમે નબળું પડતું જાય છે હવે દરિયા પર બનતી સિસ્ટમ અને એનો આગળ વધવાનો ફ્લો ચોમાસાની તીવ્રતાને નક્કી કરે છે. 




અલનીનો એટલે? હા, સ્પેનીશ ભાષામાં 'અલનીનો' એટલે ખ્રિસ્તનું બાળક પરંતુ અહીં વાત હવામાનની છે. દક્ષિણ અમેરિકાના પેરૃ દેશના દરિયાકાંઠે દર પાંચ કે છ વર્ષે ગરમ પાણીના પ્રવાહ પેદા થાય છે. નિયમિત સમયાંતરે ક્રિસ્મસ વખતે જ આ પ્રવાહ પેદા થાય છે. એટલે તેનું નામ ખ્રિસ્તનું બાળક પડયું. આ પ્રવાહ આખી દુનિયાના હવામાન પર અસર કરે છે. આપણે ત્યાં આ પ્રકારની સિસ્ટમ પણ જોવા મળી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એકાદ બે વખત આ સિસ્ટમ લાગુ થઈ છે. આ સિવાય વધારે પડતા વેગ સાથે ત્રાટકી પડતું ચોમાસુ સુનામી ગણાય છે. જેને તાવતે,કેટરીના હુડ હુડ, ચક્રવાત જેવા નામથી તોફાન તરીકે ઓળખવામાં આવે છે. આ નામ કેવી રીતે પડ્યા અને કોણ પાડે છે એ અલગ ચર્ચાનો વિષય છે. ચોમાસાનું ઉદ્ઘાટન કેરળથી થાય છે વાત સાચી છે. પરંતુ હાથી કદના વાદળ હવે પહેલાના પ્રમાણ કરતાં ઓછા બંધાય છે. મહારાષ્ટ્રના કાઠેડા પ્રદેશ પર કોઈ સિસ્ટમ સક્રિય થાય તો ગોવાને અસર થાય છે. ગોવામાં કોઈ સિસ્ટમ બને તો વરસાદ પહેલા મહારાષ્ટ્રમાં પડે છે. પરંતુ આ બંને નજીક કોઈ સિસ્ટમ બને તો ગુજરાતને સીધી અસર કરે છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાનું કારણ મહારાષ્ટ્રની આબોહવાની સીધી અસર છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર વચ્ચે ઘણા બધા ખેડૂતો હવે ચોખા તેમજ બાગાયતી પાક લેતા થયા છે. વરસાદી સિસ્ટમ બંધાતા જેના કારણે એક એન્વાયરમેન્ટલ ઈફેક્ટ ઉભી થાય છે. જે વરસાદને ટકાવી રાખે છે. 

વેધર રીપોર્ટ કેવી રીતે બને? ચોમાસાનો વેધર રીપોર્ટ સામાન્ય રિપોર્ટ કરતાં ઘણો બધો અલગ હોય છે. જેમાં વરસાદની સાથે તાપમાનને પણ નોટ કરવામાં આવે છે. જેમકે સતત વરસાદ વચ્ચે તાપમાનમાં કેટલો ઘટાડો થયો. આ વખતે ના એક સામાન્ય રિપોર્ટ પર નજર કરીએ તો અમદાવાદમાં 10 ઇંચ વરસાદમાં તાપમાન સીધું આઠ ડિગ્રી ઘટ્યું હતું. ચોમાસુ સિઝનમાં ભેજ નું પ્રમાણ વધે એટલે ઠંડક વધે. જ્યારે શિયાળાની સીઝનમાં ભેજ વધે એટલે વિઝિબિલિટીને પહેલી અસર થાય. આ વિવિધાભાસ ગુજરાતમાં સરળતાથી જોઈ શકાય છે અને અનુભવી પણ શકાય છે. ચોમાસુ સીઝન દર વર્ષે થોડા ઘણા દ્રષ્ટિ કોણ થઈ બદલાય છે. સ્માર્ટ ફોનમાં જે રીતે સિસ્ટમ અપડેટ થાય તો સાયન્સ અને કુદરતમાં સોફ્ટવેર અપડેટ ન થાય? પણ એક વાત દાવા સાથે કહી શકાય કે ચોમાસુ એટલે ક્યુરોસિટીનો અંત અને ક્રિએટિવિટીની શરૂઆત. વરસાદી વાદળો એટલા શક્તિશાળી હોય કે રાજ્યના રાજ્યને ભીંજવી શકે. પરંતુ વરસાદ થાય એટલે મુંબઈના ચિત્રો હેડ લાઈનમાં આવે જ્યારે શિયાળો પડે એટલે દિલ્હીના દૃશ્યો વાવડ (સમાચાર) બને. દક્ષિણ ગુજરાતથી લઈને દક્ષિણ ભારત સુધી જુદા જુદા સમયે ચોમાસુ શરૂ થવા પાછળ કારણ દરિયો અને વરસાદી સિસ્ટમ છે. કેરળમાં મે મહિનાના અંતમાં ચોમાસુ બેસે છે જે ગુજરાતમાં 13 જૂન સુધીમાં સક્રિય થાય છે. જ્યારે દિલ્હીમાં 28 જૂને ચોમાસાનો વિધિવત દિવસ ગણાય છે. હવે તામિલનાડુ કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગણા ની વાત કરવામાં આવે તો આ રાજ્ય કેરળ કરતાં પણ થોડા એડવાન્સ છે. જ્યાં વરસાદ માહોલ છુટા છવાયા ફોરા તરીકે શરૂ થાય. પરંતુ વિધિવત રીતે જુલાઈ મહિનામાં એકધારો કહી શકાય એવો વરસાદ પડે. ટૂંકમાં દક્ષિણ ભારતમાં વરસાદની કોઈ ચોક્કસ અવધી કેરળની તુલનામાં ન કહી શકાય. પરંતુ ઓક્ટોબર મહિનાથી શિયાળો શરૂ થઈ જાય છે. 



મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
આમ તો મોનસુન એટલે મોસમની મોર કળા કરતો હોય એ રીતે ખીલી ઉઠતી પ્રકૃતિની ઋતુ. કંઈક નવીન અને નેચરનું નવીન જે સિઝનમાં જોવા મળે એને ચોમાસુ કહેવાય. સતત અને સખત બફારા તથા કંટાળાના કવચને તોડીને શરૂ થતી સિઝન એટલે વર્ષા. અવસાદ(તણાવ)માંથી વરસાદ તરફનું આગે કુચ. જે રોમ અને રૂમમાં રોમાન્સ ભરી દે, લાગણી અને છલોછલ કરી દે. વરસાદી વિષયના દરેક કવિઓએ તેમજ લેખકોએ શબ્દોના શણગારથી વધાવ્યો છે. લોક કલાકાર સાઈરામ દવે એવું કહે છે કે ચોમાસામાં પલળવાની મોજ માણતો દરેક વ્યક્તિ મારે મન યુવાન છે. એ પછી સાત વર્ષના વૃદ્ધ હોય કે 16 વર્ષના ટીનેજ. તો જાણીતા લેખક જય વસાવડા એવું લખે કે વરસાદ એટલે લાગણીઓમાં ભીંજાઈને ભીનાશ અનુભવવાની ઋતુ. વર્ષા આટલી સ્પેશલ એટલે છે કારણકે વર્ષમાં આશા છે! કેટલીય આશા! ક્યાંક કોઈક ઘાંસને ઉગવાની, ધૂળ ને તડકો ઓઢીને ફરતા વૃક્ષને ભીંજાવાની, નદીના, ઝરણાના પુનર્જન્મની, ધરતીને એના પ્રેમી વાદળની એક ઝલકની, એના પ્રેમમાં તરબોળ થઈ જવાની, મકાનની ભીંતોની તિરાડના બે છેડાને જરા અમસ્તા પાણીથી જોડાઈ જવાની આશા. તો સૌરાષ્ટ્રના જાણીતા કવિ રમેશ પારેખ એવું લખે કે, આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે/ હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે,નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે/દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે, અહીં આપણે બે અને વરસાદ ભીંજવે/ મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. આજ શ્રેણીમાં હરીન્દ્ર દવેનું એ ગીત કેવી રીતે ભૂલી શકાય. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ છે થયા. બાળપણમાં દરેકે ગયેલું એ વરસાદનું બાળગીત અહીં જોડી દેવાય તો...આવરે મેહુલા આવ,
મેહુલા અષાઢના રે, ધેરી ધેરી વાદળી જાણે ભરી રે, વરસી ઝરમર જય.... નદીએ પાણી રેલશે રે, ધરતી ડૂબ ડૂબ થાય....... વરસાદમાં જેમ નવું ઘાસ ધરતી લીલીછમ બનાવે એ રીતે ચોમાસુ સિઝનમાં પણ ઘણા નવા કવિઓ પણ પોતાના શબ્દોની અભિવ્યક્તિ કરે છે. માત્ર ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી સાહિત્યમાં પણ ચોમાસુ કેન્દ્રસ્થાને કાયમી ધોરણે રહ્યું છે. જેનું એક સરસ ઉદાહરણ એ આપી શકાય કે, કવિ જમાલ અહેસાની એવું લખે કે, ઉસને બારીશ મેં ખીડકી ખોલ કે દેખા નહી, ભીગ ને વાલો કો કલ ક્યાં પરેશાની હુંઇ, તો સામે નીદા ફાઝલી એવું પઠન કરે કે, બરસાત કા બાદલ તો દિવાના હૈ ક્યા જાને, કિસ રાહ સે બચના હૈ કિસ છત કો ભેગોના હૈ. એટલે હિન્દી અને ગુજરાતીની વિશાળ શબ્દ સૃષ્ટિમાં ચોમાસુ વિષય કરતા વ્હાલની ઋતુ વધારે છે. ચોમાસામાં પ્રેમ છે અને પ્રેમમાં ખરેખર ચોમાસું છે. બાકી પરિસ્થિતિઓ સામે આંખમાંથી નીકળતા પાણી કાયમી અષાઢ જ છે. વર્ષા સાથે બંધાયેલી કૃતિઓની યાદી બનાવ્યો હતો એક અલગથી આર્ટિકલ બની શકે પણ અંતે, ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ. હરીન્દ્ર દવેની આ લાઈન કાયમી રહી છે. હા, કવિ કાલિદાસે પણ ચોમાસાને દિલથી વધ્યાવ્યો છે. એની ઘણી કૃતિઓ ચોમાસાને હાઈલાઈટ કરે છે.


ટીપ ટીપ બરસા પાની....
શહેર હોય કે ગામ વરસાદ શરૂ થાય એટલે આ ગીત રેડિયો કે પ્લે લિસ્ટમાં પ્લે થયા વગર ન રહે. પણ આ ગીતની હકીકત એ છે કે વીડિયોમાં દેખાતો વરસાદ એ ઠંડા નહીં પણ ગરમ પાણીનો છે. કારણ કે પીળી સાડીમાં સૂર્યમુખી જેવી કટ અને કામણગારી કાયા જેવી લાગતી રવિના એ ગીત વખતે ખૂબ બીમાર હતી. તાવમાં ખદબદતી હાલતમાં તેમણે આ ગીત શૂટ કર્યું છે. ગીતની સફળતા એટલી કે તાજેતરમાં રોહિત શેટ્ટીએ આ ગીતનું રી ક્રિએશન કર્યું. સેલ્યુટ છે બીજું શાહના સંગીતને જણા પાણીના ટીપા ઉપર સંગીતને તથા અભિનેત્રીને થીરક્તા કર્યા. જોકે રેનફોલ અને લવફુલ બોલીવુડ નો સૌથી જૂનો વિષય છે. ખાસ કરીને કાકાની ફિલ્મમાં એકવાર તો વરસાદ પડે જ. ભીગી ભીગી રાતોમે મીઠી મીઠી બાતો મેં... બોલીવુડના લેજેન્ડરી એક્ટર ડિરેક્ટર રાજ કપૂરને વરસાદી સીઝન ખૂબ ગમતી યાદ કર્યો એ ગીત.... પ્યાર હુઆ એકરાર હુઆ હૈ.... ફિલ્મ શ્રી 420. હવે એને જ ડીરેક્ટ કરેલું ગીત ભોર ગયે પનઘટ પે મુજે નટખટ શ્યામ સતાયે... રામ તેરી ગંગા મેલી હો ગઈ.. તો સૌનું ફેવરીટ કિશોરદાના અવાજમાં એક લડકી ભીગી ભાગી સી..રાતો મેં જાગી સી... સામે અદનાન સામી પણ એવું લલકારે કે ભીગી ભીગી રાતોમે ફિર તુમ આઓ ના... એસી બરસા તો મે આવો ના... કેટરીના તો હવે ટીપ ટીપ બરસામાં આવી પણ કરીને મન મૂકીને વરસાદમાં ડાન્સ કર્યો છે યાદ છે એ ગીત ફિલ્મ 'ચમેલી' નું.. ભાગે રે મને કહી આગે રે મને ચલા જાય કિધર જાનુંના.... કરીના અને શાહિદનું ઇલુ ઇલુ પણ વરસાદમાં સુનામીની જેમ તાજુ થયેલું જે ગીત બંનેની કેરિયર માટે અમર થઈ ગયું. તુમસે હી દિન હોતા હૈ સુરમઈ શામ આતી હૈ તુમસે હી... આમાં પણ વરસાદ અને શાહિદની આંખમાં આભાસી કરીના છે. માત્ર મોસમ કી બારીશ માં જ શક્તિ કપૂરની છોકરીના વળાંક દેખાય એ નવી વાત નથી. સિસકારા બોલાવી દે એવું શ્રીદેવીનું ફિગર પણ વરસાદમાં તેજસ્વી બની જાય કાંટે નહીં કટતે યે દિન એ રાત કેહની થી તુમ સે વો દિલ કી બાત.... અનિલ કપૂર અને શ્રીદેવી એ પણ વરસાદમાં આહા.... શું રોમાન્સ હતો! ચોમાસુ સિઝન હોય અને સૌંદર્ય ખીલી ઊઠે એમાં એશ્વર્ય પડે તો.... બસ બીજું કંઈ નહીં બરસો રે મેઘા મેઘા. આ ગીતનું શૂટિંગ કુદરતી રીતે જ થયેલા વરસાદમાં થયું છે. એ પણ કેરળના જાણીતા અથીરાપલી વોટરફોલ પાસે. વાહ મણિરત્નમ વાહ! મ્યુઝિક ની દુનિયામાં માઈલસ્ટોન ગણાતા બે મ્યુઝિક ડાયરેક્ટર એ.આર રહેમાન અને આર ડી બર્મન. બર્મને કાચની ટક્કરમાંથી મ્યુઝિક પેદા કર્યું અને રહેમાને પાણીના ટીપા માંથી મ્યુઝિકના સૂર આપ્યા. 

તાલનું ટાઈટલ સોંગ એની શરૂઆતમાં પણ વરસાદ છે અને ગીતમાં પણ વરસાદ છે. આ ગીતનું શૂટિંગ લોકેશન પણ યુવાનો માટે ટ્રેકિંગ પોઇન્ટ બની શકે લખી રાખો ચંબાવેલી હિમાચલ પ્રદેશ. બોલીવુડ વરસાદ અને બિગ બિ. આ ત્રણ વસ્તુ હોય એટલે સુપરહીટ નું બેનર ઓટોમેટીક લાગી જાય. આજ રપટ જાય તો હમે ના ઉથૈયો... હાથ લારીમાં સ્મિતાને ખેંચી જઈ જાહેર રોડ ઉપર રોમાન્સ. જેમાં ટીપે ટીપામાં સૌંદર્ય અને સંગીતનો કોમ્બિનેશન જોવા મળે. તો રીમઝીમ ગીત સાવન આજે ઘણા લોકોનું સૌથી ફેવરીટ ગીત રહ્યું છે. હિન્દી પોપ કલ્ચરમાં પણ અબ કે સાવન એસા બરસે..
ધમાકેદાર વરસી હતું. સામે અનુરાધા પોડવાલ પણ લલકાર્યું કે ચૂડી ભી ઝિદ પે આઈ હૈ પાયલને શોર મચાયા હૈ. આમાં પણ ગમતી વ્યક્તિને વરસાદમાં મળવાની તીવ્ર અપીલ છે. વરસાદમાં ઓટોમેટીક વ્યક્તિ વાઇલ્ડ બની જાય પરંતુ જરૂરી છે કે તે વાઇસ પણ બને. સિનેમાની સૃષ્ટિમાં સર્વોત્તમ ચોમાસાના આ ગીત અમર છે. 



બે કટિંગ મસાલાવાળી
ગુજરાતમાં ચોમાસુ શરૂ થાય એટલે છત્રી કે રેઇનકોટ વાળા પછી કમાય પણ પહેલા રસપાત્રા અને ગાંઠીયાવાળા કમાય. વરસાદમાં ડેમના દરવાજા ખુલ્યા પછી નો જે ધોધ પડે એવો ધોધ ગુજરાતમાં વરસાદ પછી કે ચાલુ વરસાદે ભજીયા વાળાને ત્યાં પડે. એમાં પણ અમદાવાદના રાયપુરના ભજીયા સૌરાષ્ટ્રના રાજકોટમાં કારગિલના ભજીયા તો જૂનાગઢમાં કાળવા ચોકની ચા પીવા માટે લાઈનમાં વારો આવે. વરસાદ માત્ર મૂડ બદલનારો નથી પરંતુ ફૂડમાં ફેરફાર કરનારો પણ છે. સવારની ચા થી લઈને સાંજના જમવાના સુધી દરેક દેશમાં ડિફરન્સ લાવે એ ચોમાસુ. કડક અને મીઠી ચા ચોમાસામાં આદુવાળી બને, તો બપોરે ડુંગળીની વિદાય થાય એની જગ્યાએ લસણની થોડી તીખી ચટણી સ્થાન લે. તો સાંજે હળવી ખીચડી અને પાપડની મોજ આવે. ચોમાસુ સિઝનમાં ખાણીપીણીમાં સૌથી વધુ ધ્યાન રાખવું પડે કારણ કે સૂર્યદેવતા વેકેશન મુડમાં હોય અને વર્ષારાણી પ્રાઈમ ટાઈમમાં t20 રમતા હોય. પાચન સંબંધિત સમસ્યા ન થાય એ માટે ચોમાસામાં ડોક્ટર્સ પણ હળવો ખોરાક ખાવાનું કહે છે. પરંતુ ગુજરાતની સ્વાદ પ્રેમી જનતા હેવી ફૂડ માટે હડિયાપટ્ટી કરે. ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં વરસાદ પડે એટલે સૌથી વધારે ભીડ ચાટ મસાલા અને છોલે ભટુરે વાળાને ત્યાં પડે. રાજધાની દિલ્હીમાં વરસાદ થાય ત્યારે સૌથી વધારે ગરમાગરમ પરોઠા પર પીટ પડે. જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં કાંદાભાજી ખાવા માટે લોકો કલાકો સુધી ઉભા રહે. તો ઓલ ટાઈમ ચોમાસુ ફેવરિટ મકાઈ અને કેવી રીતે ભૂલી શકાય ઉર્ફે ભુટ્ટો. મોસમની સાથે બદલાતું ફૂડ કલ્ચર આપણા શરીરને પણ નવી એનર્જી આપે છે. જ્યારે વિદાય લે તું ચોમાસું એટલે કે ઓક્ટોબર-નવેમ્બરનો મહિનો લીલોતરીનો મહિનો ગણાય છે. વરસાદી સિઝનમાં જો ઉદયપુર જયપુર ફરવાનું થાય તો ત્યાં આલુ બડે અને મિર્ચી બળે ખાસ ખાવા જેવા. આમ તો આ બંને ભજીયાની જ કેટેગરી છે પણ સ્વાદ ગુજરાતના ભજીયા કરતાં ટોટલી અલગ છે. 

એપ્લિકેશનમાં વરસાદ
સ્માર્ટફોન આવતા તાપમાન અને વેધર પ્રીડક્શન હાથવવું બની ગયું છે. પરંતુ અખબારોમાં છપાતા તાપમાન અને મોબાઈલના ડેટા શા માટે અલગ હોય છે? વિચારતા કરી દે એવો આ સવાલ ઘણા બધા સોર્સ પર કામ કરે છે. આનો જવાબ છે દરેક વેધર એપ અને એટમોસ્ફિયર એનાલિસ્ટના સોર્સિસ. જુદા જુદા સોર્સ હોવાને કારણે અને થોડા પ્રાઇવેટ પર લાઈન અપ થયું હોવાને કારણે વરસાદી વેધર હવામાન ખાતાના ઓફિશિયલ કરતા અલગ બતાવે છે. વરસાદ માટે કોઈ એક્યુરેટ ન હોઈ શકે. ક્યારેક હવામાન ખાતાની આગાહી ખોટી પડે તો ક્યારેક સાવ સામાન્ય કહેવાથી એપ્લિકેશનમાં પણ વરસાદી એલર્ટ આવે તો મેઘરાજા ધબધબાટી બોલાવે. સ્માર્ટફોન આવતા વેધર સોર્સમાં પણ અનોખું વેરીએશન આવ્યું છે. પરંતુ બેટરી કિલર હોવાને કારણે કોઈ એટલું એનાલિસિસ કરતું નથી. પરંતુ વરસાદી વેધરને સમજવામાં રસ અને રુચિ હોય તો windy.com સૌથી સારી વેબસાઈટ છે. આ સિવાય હવે તો આઈએમડી ગુજરાત પણ સમયાંતરે સેટેલાઈટ મેપ આપે છે. એન્જોય ધ મોન્સુન વિથ સેફ્ટી એન્ડ સેન્ટિમેન્ટસ


આ વાત પણ ખરેખર રસપ્રદ
ચોમાસાની સૌપ્રથમ આગાહી વર્ષ 1986 માં રેડિયો પરથી કરવામાં આવી હતી. જેમાં લંડનના હવામાન ખાતાએ ભારતને વરસાદી એલર્ટ આપ્યું હતું. 

દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ બાગાયતી પાક ચાલુ રાખ્યા છે. એનાથી એ જમીન કસવાળી રહી છે. જે વરસાદી પાણીને લાંબા સમય સુધી જાળવી રાખે છે. 

અત્યારે ગુજરાતના આકાશ પર બંગાળના અખાતના હવાના હળવા દબાણથી એકીકૃત થયેલાં વાદળો પવનના પ્રવાહે પશ્ચિમ ભારત પર છવાયેલાં છે તેનો લાભ મળે છે. જેથી વરસાદ થાય છે.

મોનસુન શબ્દ પોર્ટુગીઝ શબ્દ મોનકાવ ઉપરથી આવ્યો છે જેને ડચ લોકોએ મનસુનમાં ફેરવ્યો હોવાનું મનાય છે. કન્નડ ભાષામાં વરસાદને મૂંગારૂ માલે અને તમિલમાં મેરકું પૂરવા મલાઈ એવું કેહવાય છે. પણ જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે જ આ શબ્દ વપરાય છે. એક વાત એવી પણ છે કે અરેબિક વોર્ડ મૌસીમ પરથી મોનસુન શબ્દ બન્યો છે. 

ભારતમાં સૌથી વધારે છત્રીનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાંથી થાય છે. જે એક વર્ષમાં એક કરોડથી પણ વધારે છત્રી બનાવે છે. જ્યારે રેઇનકોટ માટે મુંબઈ સૌથી મોટું કેન્દ્ર મનાય છે. 


Sunday, May 01, 2022

GSTથી કરોડોનું ક્લેક્શન છતાં યથાવત છે મોંઘવારીનું ઈન્જેક્શન

 GSTથી કરોડોનું ક્લેક્શન છતાં  યથાવત છે મોંઘવારીનું ઈન્જેક્શન

કોરોનાના કપરા કાળબાદ આર્થિક રીતે સદ્ધરતા તબક્કાવાર આવી રહી છે. મહાનગર અનલોક થતા આર્થિક પ્રવૃતિઓને વેગ મળ્યો છે. તેમ છતાં ઈકોનોમી ક્ષેત્રમાં અનિશ્ચિતતાના વાદળ છે. એવામાં દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારામણ કહે છે કે, દેશમાં કોઈ મોંઘવારી નથી. હવે સામાન્ય પ્રજાની વચ્ચે કે કોઈ મજૂરની વચ્ચે આ મેડમ વગર સિક્યુરિટીએ ભૂલથી પણ આવી જાય તો? શાબ્દિક લાવારસ જ એટલો સામે આવે તો મિલિયન ડૉલરની ઈકોનોમીના વિચાર પણ એમાં હોમી જાય.એવામાં ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું. તેમ છતાં મૌન બનીને ઠોંસા મારતી મોંધવારી ઘટવાનું નામ લેતી નથી. બીજી તરફ માર્ચ મહિનામાં જ દેશના અદાણી ગ્રૂપના સર્જક ગૌતમ અદાણી સતત બે વખત ધનકૂબેરોની યાદીમાં ટોચનું સ્થાન પામ્યા. અદાણીએ મીડિયા સેક્ટરમાં રોકાણ માટે વિચાર્યું છે એ વાવડમાં તો અમુક ફેકું અંકલે એવા ઘી તેલ પૂર્યા કે ચોક્કસ ચહેરો ધરાવતા પત્રકારોએ તો એના પીઆરઓ સુધી લોબિંગ ગોઠવી નાંખ્યું. પણ સરવાળે જોવામાં આવે તો મીડિયાથી લઈને માર્કેટ સુધી ક્યાંય કોઈ રાહત નથી. કરોડોનું ક્લેક્શન હોવા છતાં ક્યાં કોઈ કરવેરા ઘટ્યા, ક્યાં કોઈ યોજનાથી લાભ થયો? એક જ અક્ષરનો જવાબ ના. પણ એવું લાગે છે કે જ્યારે ગંગા નદીના તળ સુકાશે અને હરણ હડ્ડી ખાશે ત્યારે અચ્છે દિન આવશે. સરકારની કમાણીમાં સુનામીના મોજા જેવડો ઉછાળો આવ્યો છે. 2025 સુઘીમાં ભારતની ઈકોનોમીને ફાઈવ ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવા માટે મોંઘવારીનું એન્જીન બુલેટ ટ્રેનની જેમ દોડી રહ્યું છે. સામાન્ય લીંબુના ભાવે આર્થિક રીતે કોમનમેનનો કસ કાઢી નાંખ્યો. 

એપ્રિલ 2022 માં GSTR-3B માં કુલ 1.06 કરોડ GST રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. એપ્રિલ 2021ની સરખામણીમાં એપ્રિલ 2022માં GST કલેક્શનમાં 20 ટકાનો વધારો થયો છે. હવે આટલી મોટી કમાણી થઈ રહી છે તો દેશની પ્રજાને મોંઘવારીથી મુક્તિ ક્યારે મળશે? આની આગાહી કદાચ કોઈ બાબા કરી દે અવશ્ય વિધાનસભાની ચૂંટણીમાં બાબા ચૂંટાઈ જાય. પણ આપણા દેશમાં એક જાણીતા બાબાએ પહેલા બધાને આસન કરાવ્યા અને પછી પોતે ધંધાના આસન પર બેસી ગયા. આ આંકડો તો માત્ર GSTનો છે. પણ ઈન્કમટેક્સ, સીમા શુલ્ક અને કોર્પોરેટ ટેક્સમાંથી પણ સરકારને કરોડોની આવક થઈ રહી છે. પણ જે રીતે નાણામંત્રાલયના અધિકારીઓ દાવા ઠોકે એના પરથી લાગતું નથી કે, મોંઘવારી ઘટશે. સરકાર ખુદ સ્વીકારે છે કે, ટેક્સથી કમાણીનો આંકડો મોટો છે. ગત વર્ષે જ 22.17 લાખ કરોડ રૂપિયાની આવક માત્ર કરવેરાથી થઈ હતી. કોર્પોરેટ ટેક્સ એટલે કંપનીઓને થતી કમાણી પર ટેક્સથી થતી આવક ટકાવારીના સંદર્ભમાં ડબલ ડિજિટમાં છે. સરકારી સોર્સ સિવાય ટોલ ટેક્સની આવક, વ્યક્તિગત રીતે ભરાતા ઈન્કમ ટેક્સ, પેનલ્ટી સહિતના સ્ત્રોતનો સરવાળો કરવામાં આવે તો સંપત્તિ ક્યાં જાય? તેમ છતાં ભૂમાફિયાઓની જમીન પર શિકારી નજર, ટેક્સ ચોરી, દરોડા વખતે થતી ખાસ પ્રકારની 'વ્યવસ્થા'  અને 'વહીવટ' તો યથાવત જ છે. હવે આ તમામ રકમનો સરવાળો કરવામાં આવે તો એક બીજું આખું ડિપાર્ટમેન્ટ ઊભું થઈ જાય. ઘણા એક્સપર્ટ એવું માને છે કે, કમાણી અને વ્યાપાર એમ બંને થઈને ટેક્સ વ્યવસ્થામાં સુધારો થયો છે. પણ જ્યારે દરોડા પડે છે ત્યારે ગોઠવણ તો બહાર આવતી નથી? કોઈ અધિકારીની ઈમાનદારી પર પ્રશ્ન નથી. પણ બધા ઈમાનદાર પણ નથી જ. હવે એવો સમય નથી કે, કમાણી છુપાવી શકાય. પણ ભ્રષ્ટાચારની રકમ ઉપર ટેગ કે નામ અંકિત નથી હોતું. આ હકીકત પણ સ્વીકારવી પડે. મંત્રાલયે જણાવ્યું હતું કે, 2.24 લાખની રકમ તો કરદાતાઓને આપી દીધી છે. પણ એન્ડ યુઝર એટલે ગ્રાહકોને શું ફાયદો?

વેક્સીન દેશની પ્રજાને મફત આપવામાં આવી. જ્યારે આ અભિયાનનો પ્રારંભ થયો ત્યારે ક્રુડની માર્કેટ સ્ટેબલ હતી એક ચોક્કસ સમય સુધી. પણ પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝના નામે જે વસુલી થાય છે એનો ટોટલ માત્ર એક પેટ્રોલ પંપ દીઠ કરવામાં આવે તો છ મહિનાનો ટોલ ટેક્સ માફ થઈ શકે. એક્સાઈઝના નામે જે પઠાણી ઉઘરાણી ફરજિયાત બની છે એના કારણે પ્રજાને ડામ લાગ્યા છે. પણ એક ચોક્કસ પ્રાંતની પ્રજા પુષ્પપ્રેમી છે. એમણે એ ગીતને પોતાના દિલમાં કોતરી રાખ્યું છે. કિતને ભી તુ કરલે સિતમ, હસ હસ કે સહેંગે હમ. ફ્યૂલ ક્ષેત્રે રાહત આપે એવી કોઈ સરકારી યોજના ખરા? એક આખી સાયકલ સમજવા જેવી છે. ખેડૂતને યોગ્ય ભાવ મળતા નથી. પણ જ્યારે તે પોતાના ઉત્પાદન વેચે છે ત્યારે બે ટંકનું જમી શકય એટલું મળે છે. એ જ ઉત્પાદનને જેટલી મોટી માર્કેટ સુધી લઈ જાવ એ વચ્ચેના તમામ કમાય. જેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો ટ્રાંસપોર્ટ વાળા, ગેસના ભાવ વધે તો હોટેલવાળા, તેલના ભાવ વધે ફરસાણવાળા, એટલે જે વચ્ચે છે એ કમાય છે બાકી સેલેરી કે ફિક્સ આવક પર જીવતો માણસ પિસાય છે. દરેક વેપારીને એક જ પ્રશ્ન છે કે જ્યારે એ ખરીદી છે ઉત્પાદનની તો શું એની મૂળ કિંમત એ જ હોય છે જે ગ્રાહકને અપાય છે. ના, નફો ઉમેરાય અને કમિશન ખવાય. તો પછી નફાના ગાળા સિવાય બાકીની રકમ? એક લાઈનનો જવાબ વચેટિયા ખાય. જેમ જેમ ચૂંટણી આવશે એમ પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર થશે. પછી નેતાઓ દાવા કરશે અમે પેટ્રોલના ભાવ ઘટાડ્યા. ક્યાં તારા ખિસ્સામાંથી કે તારા કહેવાથી ઘટ્યા છે? પાંચ ચોપડી પાસ અને માંડ માંડ ગ્રેજ્યુએટ નેતા એવું કહે વિકાસ થાય છે. પણ કોનો એ તમારે સમજવાનું. મોંઘવારીનો મુદ્દો માત્ર કેન્દ્ર સરકાર પૂરતો નથી. રાજ્ય સરકારનો પણ છે. પણ રોદણા રડવાની આદત પડી હોય એને બીજા સારા વિચાર ન આવે. ઉપરથી ફંડ નથી. તો આટલી આવક જ્યા છે ક્યાં? દરેક સામાન્ય વ્યક્તિને ખૂંચે અને ઊઠે એવો સવાલ છે. અરમાનોના અરિસા પર આર્થિક ફટકો બે વર્ષ સહન કર્યો. પણ જ્યાં જીવનશૈલી સુધારવા પ્રયાસ થાય ત્યાં પૈસો શેરમાર્કેટમાં સેસેક્સ ગગડે એમ પડે છે. સરકાર પોતાના ખર્ચા ઓછા કરે એ પણ એક પ્રેશર છે. સીધું ગણિત છે તાયફા ઓછા કરો. રાહત આપો. આવનારા દિવસોમાં દરેક અભ્યાસ ક્રમમાં એક રીસર્ચનો વિષય કદાચ ઊભો થાય તો નવાઈ નહીં કે, ભારતમાં મોંઘવારી ક્યારે ઘટશે? આના પર જે પીએચડી કરશે એને પ્રજા ખોબલે ખોબલે પસંદ કરશે પણ એના ગાઈડને અવશ્ય નેતા બનાવશે.


આઉટ ઓફ બોક્સ

દુનિયાની કોઈ કરંસી પર લખ્યું નથી કે તે બ્લેક મની છે કે વ્હાઈટ. બસ નોટબંધી અને GST લાગુ થયા ત્યારે વ્યાખ્યા સ્પષ્ટ થઈ

Wednesday, April 13, 2022

અંગ્રેજોનું પૂર્વ આયોજિત કાવતરૂ એટલે જલિયાવાલા બાગ નરસંહાર

અમદાવાદના આંદોલનનો અવાજ છેક અમૃતસર સુધી પડઘાયો

તા.13 એપ્રિલ 1919. ભારતની આઝાદીના ઈતિહાસમાં એક એવો કાળો દિવસ જેને પંજાબ ક્યારેય ભૂલી નહીં શકે. માનવ ઈતિહાસની એ ભલ્લાદેવ કરતા પણ ક્રુર ઘટના જેમાં હજારો-લાખોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા. પંજાબના અમૃતસરમાં આવેલો જલિયાવાલા બાગ જ્યાંની માટી ખોદતા લાલ રંગ જોવા મળે એટલો મોટો અને દેશની આદાઝીનો પહેલો નરસંહાર. જેણે આઝાદીની લડતના બીજ એટલા ઊંડા રોપ્યા કે અંગ્રેજોની નાકે દમ આવી ગયો. બ્રિગેડિયર જનરલ રોજીનોલ્ડ ડાયરે જે ગોળીબાર કર્યો એમાં અનેક નિર્દોષ શિકાર થઈ ગયા. પણ એ પહેલા તા.10 એપ્રિલ 1919ના રોજ અમૃતસરમાં અંગ્રેજો સામે એક વિરોધ પ્રદર્શન થયું હતું. જેને અંગ્રેજો સહન કરી શક્યા નહીં. અંગ્રેજી યુવતીઓ અને બાળકો પર હુમલો થયો હતો. કેટલીય જગ્યાઓ પર આગચંપી કરવામાં આવી હતી. પણ જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી અને પહેલાની કેટલી ઘટનાઓનું રીસર્ચ કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ થાય છે કે, ભારતીય વિરૂદ્ધ અંગ્રેજોનું આ એક પૂર્વ આયોજિત કાવતરૂ હતું. આઝાદી માટે સૌથી વધાર માર અને ત્રાસ જે શહેરે સહન કર્યો એમાં કોલકાતા બાદ પંજાબના શહેરનો ક્રમ આવે છે. અંગ્રેજોએ ભારતીયોને પાઠ ભણાવવા માટે એક પ્લાનિંગ કરી રાખ્યું હતું. 

        વર્ષ 1918માં અમદાવાદમાં મિલમાં હડતાળ અને એને મળેલું જનસમર્થન અંગ્રેજો જોઈ શક્યા નહીં. આ તા.13 એપ્રિલ પહેલા બનેલી અંગ્રેજો સામેની સ્વતંત્રતા માટેની મોટી ઘટના પૈકી એક. એ પછી વર્ષ 1919માં રોલેટ એક્ટ આવ્યો. જે અંતર્ગત આતંકવાદી પ્રવૃતિઓ રોકવા માટે ભારતીયો નાગરિકોના અધિકાર પર અંગ્રેજોએ રીતસરની સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. વિશ્વયુદ્ધ બાદ આ પ્રકારનો કાયદો આવશે એવી કોઈને અપેક્ષા ન હતી. આખા દેશમાં આ કાયદાના વિરોધમાં જન આંદોલન શરૂ થયા. જેમાં ગાંધીજીએ ગામે ગામે જઈને લોકજાગૃતિ લાવવા ઝુંબેશ શરૂ કરી. 

રેલી, સભા, જનસંવાદ, યોજનાઓ અને લોક ભાગીદારીની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે અંગ્રેજો  ચોંકી ગયા હતા. માર, માનસિક ત્રાસ અને ડામ જેવી કંપાવનારી સજા સહન કરીને પણ આહ..ની જગ્યાએ ઈન્કલાબ ઝિંદાબાદ મોઢેથી નીકળતું. માર્ચ અને એપ્રિલ 1919 આ બે મહિનામાં સ્વતંત્રતા માટેનું એવું જડબેસલાક પ્લાનિંગ થયું કે, અંગ્રેજ શાસકોની મુશ્કેલી જેટલી દિવસે વધતી ન હતી એટલી રાત્રે વધતી. કારણ કે ઘટનાઓને અંજામ રાત્રે જ અપાતો. રોલેટ એક્ટની સામે અંગ્રેજોએ એવો બળ પ્રયોગ કર્યો કે, લખનૌ, પટણા, કોલકાતા, મુંબઈ, કોટા અને અમદાવાદમાં વિરોધ પ્રદર્શનને કચડવા અંગ્રજોએ મનફાવે એમ લાઠીચાર્જ કર્યો. ગોળીબાર કર્યો. તા.6 એપ્રિલના રોજ ગાંધીજીએ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું. જેની સામે અંગ્રેજોએ જેલભરો મિશન ચલાવ્યું. ક્ષમતા કરતા વધારે લોકોને જેલના એક બેરેકમાં લોક કરી દીધા. તા.13 એપ્રિલના રોજ જલિયાવાલા બાગમાં લોકો અંગ્રજો સામે વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. જ્યાં જનરલ ડાયરે ગાંડાની જેમ ગોળીબાર કર્યો. આ કોઈ ગઈકાલની ઝેરોક્ષ કોપી જેવી સવાર ન હતી. બ્રિટિશ સામ્રાજ્યની શક્તિનો પરચો હતો. પણ દેશની પ્રજા આજે પણ એ ભૂલી શકી નથી. સ્વતંત્રતાની ચળવળને આનાથી એક નવી દિશા મળી. એ વાત માનવી પડે કે પ્લાનિંગ સાથે પાવર દેખાડો તો અને જનશક્તિથી આગળ વધો એટલે અંગ્રેજો ફફડે. આ હત્યાકાંડના છ મહિના બાદ અંગ્રેજોએ કહેવા પૂરતી એક તપાસ કમિટીનું એલાન કર્યું. 

જેની જવાબદારી લૉર્ડ વિલિયમ હંટરને સોંપવામાં આવી. આ પણ ખરબુદ્ધિનો અધિકારી હતો. કારણ કે મૂળ તો બ્રિટિશર હતા. દેશવાસીઓમાં આશ્ચર્ય કરતા આઘાત વધારે હતો. આ તપાસને હંટર કમિશન નામથી પણ ઓળખવામાં આવે છે. બિન લાદેનના બાપ હોય એવું ડાયરનું બિહેવીયર. 1000 લોકોની હત્યા (ઓફિશિયલ ફીગર, અનઓફિશિયલ તો આંકડો લાખ સુધી પહોંચે) કરનારાને અફસોસનો છાંટો માત્ર ન હતો. ડાયરે કહ્યું કે, ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. પણ એની ગોળીઓના નિશાન હજું પણ જલિયાવાલા બાગમાં છે. બ્રિટિશ સરકાર સામે કોઈ વિદ્રોહ ન કરી શકે એ માટે ડાયરનું આ ષડયંત્ર હતું. વિચારમાં પેટ્રોલ બોંબ જેવી વિસ્ફોટકતા હતી. ઈતિહાસની ડાયરીમાં ડાયર જેવા ક્રુર માણસની તરફેણ કરનારામાં બ્રિટિશર મોખરે હતા.

ડાયરે એવું પણ બોલ્યો કે, હથિયારથી ભરેલી ટ્રક મળી હોત તો ભારતીયો પર ફેરવી દેત. પણ આનો પણ બાપ હતો સરદાર ઉધમસિંહ. જેમે બ્રિટનમાં જઈને ડાયરને ભડાકે દઈ દીધો. પછી આંખમાં આસું તો હતા પણ ઉધમસિંહના ચહેરા પર અફસોસ ન હતો. જેવા સાથે તેવા.અંગ્રેજોની યુનિટી પણ જુઓ લૉર્ડ ઓફ હાઉસે ડાયરના પક્ષમાં વોટિંગ કર્યું હતું. બ્રિટનની જનતાએ ડાયર માટે 30,000 પાઉન્ડનું ફંડ ઊભું કર્યું હતું. હકીકતમાં તો અંગ્રેજોએ ખાસ તો બ્રિટિશરોએ ખરા અર્થમાં પંજાબને સોરી કહેવું જોઈએ. પણ આ તો પુષ્પાના પિતા રહ્યાને. હજું સુધી સોરી નથી બોલ્યા નાક વગરના. પણ નવી પેઢીના ભારતીયો બાપ થઈને એમને આર્થિક રીતે ખંખેરે છે. એમની જ કંપનીમાં મસ્ત નોકરી કરીને જોરદાર કમાય છે. એમણે રાજ કર્યું અને આપણા ભારતીયોએ એના જ દેશમાંથી રેવન્યુ ઊભી કરી.

 જે કુવામાં બચવા માટે પંજાબીઓએ કુદકા માર્યા એમાંથી ત્રણ દિવસ સુધી વાંસ આવતી હતી. પરિવારના પરિવાર ખતમ થઈ ગયા. વિરોધ માત્ર રોલેટ એક્ટનો ન હતો. કર્ફ્યૂ વચ્ચે જલિયાવાલા બાગમાં લોકો એકઠા થયા હતા. તો ઘણા એવા પરિવારો હતો જે વૈશાખીના પવિત્ર પર્વ પર મેળામાં આવ્યા હતા. 10 મિનિટમાં 1650 રાઉન્ડ ફાયર. પ્રવેશ અને બહાર જવા માટે માત્ર એક જ સાંકળો રસ્તો. પણ ખોટા રસ્તેથી મહાત આપવાના મનસુબા મહાનતાને હણી નાખે છે. તા. 23માર્ચ 1920ના રોજ ડાયરને દોષિત જાહેર કર્યો. ઓફિશિયલી હાંકી કાઢવામાં આવ્યો. 1940માં સરદાર ઉધમસિંહે ક્રુર દિમાંગ અને ઝનુની શરીરનો અંત આણ્યો. એ તમામ પરિવારો જેણે પોતાના સ્વજન આ ગોળીબારમાં ગુમાવ્યા એમને શ્રદ્ધાંજલી.


આઉટ ઓફ ધ બોક્સ
એક ટૂંકા અંતરનો રસ્તો કાપવો પણ કઠિન હોય છે જ્યારે સાથે ચાલવા વાળું કોઈ ન હોય


Sunday, April 10, 2022

સચ ઔર સાહસ હૈ જીસકે મનમેં અંત મેં જીત ઉસીકી

        રામના નામે પથ્થર તરી જતા અત્યારે "પાર્ટી"ઓ તરે છે

               હિન્દુ ધર્મના માઈલસ્ટોન ગ્રંથ પૈકી એક એટલે રામાયણ. આમ તો આ ગ્રંથની દરેક કથા, પ્રસંગ અને પંક્તિો જીવનને જીવવા માટેનું એક શ્રેષ્ઠ બળ પૂરૂ પાડે છે. આમ તો રામના જીવનનું રીસર્ચ કરવામાં આવે તો ત્રણ પાયા પર ટકેલું હતું. શિસ્ત, સિદ્ઘાંત અને સંયમ. જ્યારે પણ રામાયણની વાત થાય ત્યારે રામનું સ્મરણ સ્વાભાવિક છે. પણ રાજવીનંદન હોવા છતા તેમણે સાદગીને સ્વીકારી એ પણ સત્ય છે. એટલે શીખવા જેવી વસ્તુ છે કે, કોઈ વસ્તુઓનો એટલો મોહ ન રાખવો. દેશમાં અત્યારે રામના મોહમાં એક ચોક્કસ પાર્ટી રાજકાજ કરી રહી છે. પહેલા ભગવો રંગ એક આધ્યાત્મિકતા અને ધાર્મિક પાસાનો પ્રતીક હતો. હવે એ ચોક્કસ પાર્ટીને પ્રમોટ કરે છે. રામાયણના રાવણ અને હાલના કેટલાક રાવણ આમ જોવા જઈએ તો ઘણો તફાવત છે. હકીકત એવી પણ છે કે, સ્વર્ગની અપ્સરાનો રાવણને શાપ હતો કે, જે સ્ત્રીની ઈચ્છા વિરૂદ્ધ તે કોઈ સ્ત્રીને પ્રેમ કરશે અને જો એ સ્ત્રી રાવણને પ્રેમ નહીં કરતી હોય તો એનું પતન નિશ્ચિત છે. એટલે બને ત્યાં સુધી લિમિટમાં રહેવું. સત્ય છે  ત્યાં રામ છે જ. જ્યાં રામ હોય ત્યાં સત્ય હોય જ. જીવનમાં માત્ર વિચારધારાથી કામ ન ચાલે એક્શન અને એફર્ટ્સને એપ્લાય કરતા આવડવું જોઈએ. તીર મારવાથી સ્થિતિ મરી નથી જવાની અને માત્ર બેસી રહેવાથી સાહસ નથી થવાનું. રામ રાજ્યમાં પ્રજા સુખી આ વાક્યનો તો આખેઆખો અર્થ બદલી નાંખ્યો છે સૌએ. પણ રામ એક સારા રાજા કરતા સાચા લીડર હતા. સીતાહરણ થયું ત્યારે હનુમાનજીના સજેશન્સ ચોક્કસ સ્વીકાર્ય હતા જ. પણ એને ક્યા અને ક્યાં એપ્લાય કરવા એનું કામ રામે કર્યું. 



જ્યારે 14 વર્ષનો વનવાસ શરૂ થયો ત્યારે એમની પાસે જંગલમાં રહેવા માટેની ટીમ ન હતી. પણ જંગલમાં રહેતી વસ્તીને ટીમ બનાવીને 14 વર્ષ સુધી એકલતાનો કપરો કસોટીકાળા પૂરો કર્યો. સીતાજી સાથે જ ગયા અને એની સાથે જ પરત ફર્યા. એટલે માત્ર સાહસ કરવાથી સંપત્તિ એકઠી ન થાય. સત્યના માર્ગે ચાલનારાઓમાં સંપત્તિ સંર્જનની વેલિડિટી ખૂબ જ લાંબી અને મોટી હોય છે. આ આજની હકીકત છે. લોકડાઉનના સમયમાં એ જૂની અને જાણીતી રામાયણ સીરીયલ પરી જીવંત થઈ. પ્રસારિત થઈ અને જીવનના સત્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપી ગઈ. જેમ અત્યારે ધોની બેસ્ટ કેપ્ટન છે એમ એ સમયે સીતા સુધી પહોંચવામાં રામ બેસ્ટ લીડર રહ્યા. પણ કોઈને એવું પ્રેશર કર્યું નથી. પણ બધાની વાત સાંભળી જરૂર છે. રામની પર્સનાલિટી એટલે ચહેરા પર 1200 વોલ્ટ જેવું શક્તિશાળી તેજ, શક્તિ અને ગતિ. પણ સિંદ્ધાંતની બાઉન્ડ્રીમાં રહીને બ્લાસ્ટ કરી શકવાની તાકત એટલે રામ. આજે દેશમાં ફ્લેગથી લઈને ફિલ્મ સુધી રામ છે. ફ્લેગ કોનો અને કેવા રંગનો એ સૌ જાણે છે. તાજેતરમાં આવેલી RRR એમાં પણ રામનું પાત્ર ગજબનું છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, કન્નડ ભાષાના ‘પંપા રામાયણ’માં વનવાસમાં અર્જુનની માફક લક્ષ્મણના પ્રેમપ્રસંગો છે. ખિસકોલીને પણ સરળતાથી ખાવાનું મળે એવી વ્યવસ્થા રાધવેન્દ્રની સરકારમાં હતી અત્યારે? રામે દુનિયાને દિશા બતાવી. હૈત, હૈયુ અને પ્રજાનો હરખ માણ્યો. કારણ કે સાચા હતા. સીતાહરણ થવાનું છે એ આખું રાવણનું ઑપરેશન જાણતા હતા. પણ માણસ તરીકે આવેલા મહામાનવની મર્યાદા સમજતા એટલે જ કદાચ મર્યાદા પુરૂષોત્તમ કહેવાયા. રામાણય એટલે નાના પ્રસંગોની મોટી ગુંથણી. જેમાં માન છે, સન્માન છે અભિમાન વગરનો સ્વીકાર છે. સમાજ માટે રામાયણ એ એ સમયનો ચેન્જ હતો. પણ લક્ષ્મણે ક્યારેય ચાન્સ માટે વલખા માર્યા ન હતા. દેશની હાલથી સ્થિતિ પરથી એ વાત નક્કી કહી શકાય કે, રામ હવે રાજકારણમાં પણ છે. ભલે એને પોતાના જીવનમાં કોઈ દિવસ રાજરમત રમી ન હતી. પણ આજે જ્યારે એના નામે ખોટી રમત થાય છે તો એનું દિલ કેટલું દુઃખતું હશે? ભગત શબ્દનો પણ અર્થ ફરી ગયો. 

આટલા વર્ષો પછી પણ એ વાત દાવા સાથી કહી શકાય કે, ભાવિકોના દિલમાં પણ હજું રામ છે. પ્યોર રામ. જેમાં કોઈ રાજનીતિ નથી. ભક્તિની પ્રગતિ છે. સ્વાર્થ નથી પણ કેટલાયના જીવનનો સારથી તો છે. જંગલમાં એકલા હાથે પગલાં ભરવાનું સાહસ રામનું છે. એટલે એના પરથી એ વાત શીખવી જ જોઈએ કે, આપણા જીવનની લડાઈ આપણે જ લડવાની છે. બસ આપણે ખોટા વિચારોના જંગલમાંથી પસાર થવાનું છે. રામની ઊંચાઈ કેટલી આ ભારતીયોમાં ખાસ તો ગુજરાતીઓમાં છે તે એ કે, ગામડે હજું સવારમાં કોઈ મળે તો રામ રામ...કરે છે. એટલે રામ લાગણી છે, સંવેદના છે અને શ્વાસ છે. કેટલાક ભોળા ભક્તોનો. રામ ભલે એ સમયે અવતાર હતા પણ અત્યારે તો સંસ્કાર છે. આપણે કપડું ચોરાય જાય તો પણ બોચા પકડી લઈએ છીએ. રામજીના તો ધર્મપત્ની કિડનેપ થયા હતા. વિચારો... ધૈર્યની કસોટી નહીં માનસિક અગ્નિપરીક્ષા થઈ હશે રામની. પણ એમાંય સાહસ છે. હનુમાનજીના ખભે બેસીને રામ પ્રભુ ઊપડ્યા કારણ કે, સાહસની સાથે વિશ્વાસ હતો કે, આ પાડશે નહીં. આજે તો બીજા પછી પાડે પહેલા તો વિશ્વાસું જ પાડી દે. સારૂ છે રામ અત્યારે સ્માર્ટફોન વાપરતા નથી અન્યથા એક પાર્ટી તો આખે આખા વ્યક્તિની કોપીરાઈટ બુક કરાવી નાંખે. રામે ક્યારેય કહ્યું નથી કે હું કોનો. પણ આજે સૌ કહે છે રામ તો સૌના. રામે પરિસ્થિતિની ગુંચવણ વચ્ચે સત્ય સાથે જીવવાનો સંદેશ આપ્યો. સાચા હશો તો સાહસ અંદરથી આવશે. રામ અયોધ્યા આવ્યા ત્યારે સફળ થયા પણ એની સફળતા કોઈ માટે સમસ્યા બની ન હતી. પણ આપણે ત્યાં પાડોશીનો દીકરો તલાટી થાય એટલે સગા દીકરા પર શબ્દોની સુનામી વરસાવીને માનસિક રીતે પાતાળ લોકમાં મોકલી દે. 

          દરેક રામ ન થાય કોઈ હનુમાનજીની વિચારધારાથી પણ પ્રેરાય. એટલે જેવી સ્થિતિ એવી અનુભૂતિ કરાય. લંકામાં બ્રાહ્મણ થઈને એન્ટ્રી કરાય બાહુબલી થઈને નહીં. સમજાય તો. ત્યાગ અને સાહસ એટલે રામજીવન પણ રામના અવતારથી અંત સુધી કલ્પી ન શકાય એવો ત્યાગ, પીડા અને દર્દનો માઉન્ટ એવરેસ્ટ સહન કરીને જીવ્યા. પુત્રના વિયોગમાં પિતાનું અવસાન. એ સમયે સ્માર્ટફોન હતા નહીં એટલે અંતિમ દર્શન પણ ન પામ્યા. વનવાસ દરમિયાન સીતાહરણ એટલે પત્ની વિયોગ. રાજગાદી પર પાછા ફર્યા બાદ લક્ષ્મણને પોતાની સેવામાંથી મુક્તિ આપી. પછી અંતે સરયું નદીમાં સમાયા. એટલે દરેકની ટાઈમ લિમિટ પૂરી થઈ એમ એને સામેથી છૂટા કરતા ગયા એ રામ. ઓગળી જતા આવેશ બાદ પણ અફસોસ હશે છતાં ક્યારેક વ્યક્ત ન કર્યો એ રામ. સત્તા, સંપત્તિ, સિધ્ધિ અને પ્રસિદ્ધિનું બેલેન્સ જીવન એટલે રામ. દશરથનંદનની જય.

આઉટ ઓફ ધ બોક્સ
લોહીના પરસેવાથી સિંચીને ઊભું કરેલું સામ્રાજ્ય શંકાની એક ફૂંકથી પત્તાના મહેલની જેમ તૂટી પડે. 

Friday, April 16, 2021

સારવારનું ઈન્જેક્શન

  સારવારનું ઈન્જેક્શન

સામાન્ય રીતે જ્યારે કોઈ રોગ એની મર્યાદા વટાવી દે કે તાત્કાલિક સારવાર જરૂરી હોય ત્યારે તબીબો ઈન્જેક્શનની મદદથી નિદાન કરે છે. સોયથી અંદર જતું રસાયણ શરીરની સમસ્યામાં રાહત આપે. પણ આપણા રાજ્યમાં દિલ્હીમાં બેસનારા નેતાએ ઈન્જેક્શનનું વિતરણ કરી સમસ્યા વધારી દીધી. નેતાજીના મિત્રએ આ સ્ટોક લાવી આપ્યો હોવાની વાત વહેતી થઈ. જ્યારે પ્રાંતના સુબેદારે કહ્યું જે લાવ્યું એને પૂછો. આમ તો માનવ જાત જન્મી ત્યારથી સોય ખાતી આવી છે. જેમ જેમ રોગ વધતા ગયા એમ એમ બાળકોને મૂકાતી રસી વધતી ગઈ. એટલે કે આપણને ખૂંચતું સહન કરવાની બાળપણથી આદત થઈ છે. પણ જ્યારે ઈન્જેક્શન જ ન હોય ત્યારે સ્વજનને બચાવવા કેટલી હાડમારીમાંથી પસાર થવું પડે એના ચિત્રો આપણે નજર સમક્ષ જોયા છે.😳 છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં ઈન્જેક્શનની આત્મા જનતાથી લઈને નેતા સુધીના તમામ લોકોને ધૂણાવે છે. સુટબુટવાળા નેતા કહે છે પૂરતો સ્ટોક છે ખાદી ધારીઓ કહે છે કાળા બજાર થઈ રહ્યા છે. પણ આ તો એના જેવો ઘાટ છે કે, તમે લાયસન્સ વગર કાર ડ્રાઈવ ન કરી શકો, બાઈક ન ચલાવી શકો પણ ઈન્જેક્શન વહેચી શકો, એ પણ વગર ચાર્જે.😡 મુદ્દો કોઈ પણ હોય રાજકીય સ્પર્શ લાગ્યા વગર રહેતો નથી. કોરોનાની બીજી લહેરમાં માત્ર ઈન્જેક્શન જ નહીં પણ ઈમોશન પણ ખૂટી ગયા છે. ઈમોજીના બે હાથ જોડી દો🙏 એટલે કામ પતી જાય. અવાજની આતુરતા અસ્ત થતી જાય છે. સ્મશાનમાં અંતિમવિધિ માટે આવતા કેટલાક ઉતાવળીયા ઝડપથી નિકાલ થાય એ રીતે રઘવાયા થયા હોય છે. પણ જે મૃતક છે એની સાથેના સંબંધ કે એને તમારી પ્રત્યે નિભાવેલી જવાબદારીને તો યાદ કરવાનું ભૂલાયું છે. 

આ પહેલા કોરોનાની પ્રથમ લહેરમાં રાશન માટેની લાઈન જોઈ જ્યારે બીજી લહેરમાં રેમડેસિવીર માટેની લાઈન જોવા મળી. અગાઉ દાળ મેળવવા તડકા વેઠવા પડતા હવે દવા લેવા હવાતિયા મારવા પડે છે. પ્રાંતના સુબેદારે તો ત્યાં સુધી કહ્યું છે કે, ઈન્જેક્શનની અછત નહીં વર્તાય. પણ તબીબી હકીકત એવી પણ છે કે, બધાને રેમડેસિવીરની જરૂર નથી હોતી. જેની સ્થિતિ ગંભીર છે અને અન્ય બીમારીથી રોગ વકરવાનું જોખમ છે એના માટે જ આ ઈન્જેક્શન છે. કોરોનાની બીજા સ્ટ્રેઈને એટલા બધા કોન્ટ્રાસ દેખાડ્યા કે પ્રશ્ન થાય છે કે, ખરેખર શું થવા બેઠું છે? પોતાના જ મૃત સ્વજનોનો નિકાલ કરવા પછીની પેઢિ ઉતાવળી થાય છે. તો કોઈ અસ્થિ લેવા પણ આવતું નથી. અખબારી જગતના ઈતિહાસમાં બે-બે પાના ભરીને અવસાન નોંધ આવે એ દયાજનક દિવસો કહેવાય. હોસ્પિટલમાં જગ્યા નથી અને હોટેલ્સ-રેસ્ટોરાં ખાલી ખમ છે. રસ્તા સુમસાન છે અને સ્મશાનમાં ટ્રાફિક જામ છે. ગામના મોઢે ગૈણા ન બંધાય એવું અગાઉ વડીલો કહેતા. પણ કોરોનાએ બધાને ગૈણા બાંધતા (માસ્ક પહેરતા) કરી દીધા. લોકડાઉનથી એક વસ્તુ એ સમજાઈ ગઈ કે, જરૂરિયાત શું છે અને ખોટા દેખાડા શું છે? નકલી લેબલ લગાડીને અસલી લેવલ સાબિત કરનારા પણ ઘણા ઝડપાયા. 👮ઈન્જેક્શન બીજું અને ઉપર સ્ટીકર બીજું ચોંટાડીને બ્લેકમાં ડ્રગ વેચાય એ રીતે સારવારની વસ્તુ વેચનારા ઝડપાયા. આમા તો ડૉક્ટર્સનો પણ સમાવેશ થાય છે. આને આપણે કોરોના વોરિયર્સ કહીશું? 😡પણ બધી કેરી બગડેલી નથી હોતી એમ સફેદ કોટવાળા બધા સારા નથી હોતા. ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરીને જ્યારે વિદ્યાર્થીને પૂછવામાં આવે કે શું બનવું છે? ત્યારે જવાબ આપે કે, ડૉક્ટર. ડૉક્ટર બન્યા બાદ સેવાનો હેતું ઓછો અને સંપત્તિસર્જનનો વધારે હોય છે. અર્થ ઉપાર્જનની પ્રવૃતિમાં બ્રેક ન લાગે એટલે લોકડાઉન નથી કર્યું. પણ શ્રમિકોની વતન તરફની દોટ ફરી જોવા મળી છે. એ પણ આખરે માણસ જ છે ને? ઈન્જેક્શન માટે દોડધામ થાય છે અને વેક્સીન માટે અપીલ કરવી પડે છે. ફટકા બધાને પડ્યો છે અને પીડા બધાને થાય છે. બસ પ્રકારને જુદા જુદા છે. કોઈને પૈસાની છે તો કોઈને પોતાના ગુમાવ્યા નથી. 

ઈલાજ માટેનું ઈન્જેક્શન પોલિટિકલ પ્રમોશન સુધી પહોંચશે એવું તો કોઈએ આ મહામારીમાં વિચાર્યું નહીં હોય. રાય જેવડું કામ અને પેસિફિક જેવડું માર્કેટિંગ તો રાજકારણમાં મોહેંજોદારોના યુગથી ચાલતું આવ્યું છે. એક ઈન્જેક્શન એવું પણ મૂકાવો જેમાં સંયમ અને સમજદારીનું રસાયણ હોય. વિદ્યાર્થીઓને એક એવું પણ ઈન્જેક્શન આપો કે, રીઝલ્ટના બદલે ટેલેન્ટને ઓળખે. જેથી કોઈ પરિણામના દિવસે પંખે ન લટકે, ડેમમાં ડાઈવ ન મારે. એક ઈન્જેક્શન એરિયાધણી (કોર્પોરેટર)ને પણ આપો કે, પોતાના વિસ્તારને કેન્ટેનમેન્ટ ઝોન થતો બચાવે. જેમ મત માગવા આવે છે એમ કોવિડ છે કે નહીં એ પૂછવા આવે. દોરી કાપનારા અને ફોટા પડાવનારા એક વખત પીપીઈ કીટ પહેરીને ડ્યૂટી કરનાર સાથે તો સેલ્ફી પાડો. એક એવું પણ ઈન્જેક્શન આપો જેનો પગાર હજું પણ કપાત થઈને આવે છે. એના શેઠિયાને ભાન થાય કે લોકડાઉનને વર્ષ વીતિ ગયું છે. હવે સર્વત્ર બધું મળે છે. નાના હતા ત્યારે તોફાન કરે એને ડૉક્ટર સોય મારી દે. સજા રૂપે એવું વડીલો કહેતા. તો પહેલી સોય રાજનેતાને મારો કારણ કે, ધાર્મિક તહેવારમાં તાળાબંધી કરી અને ચૂંટણી પૂર્વે રેલા-રેલીઓ કાઢી. 18 વર્ષથી વધારે વયના મતદાતાઓની આખેઆખી યાદી અપગ્રેડ થાય છે તો શું 45 વર્ષ કે તેથી વધુના લોકોનું લીસ્ટ ન મળે? લાગણીનો સ્પર્શ અને કામ કરવાની તરસ ખૂટે છે. બાકી કોઈ પણ ક્ષેત્રના કરિયરની પાછળ કમાણી હંમેશા કેન્દ્રમાં રહી છે. કદાય એટલે જ માણસાઈ માળીયામાં મૂકાઈ ગઈ છે. સમજદારીની સોય નહીં વાગે ત્યાંથી પીડા અને વેદનાની વેલિડિટી રહેવાની છે. 

આઉટ ઓફ બોક્સ

ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકનારી પ્રજા પર કુદરતને ગુસ્સો આવ્યો. જીવતાને માસ્ક અને મરેલાને પ્લાસ્ટિક (પીપીઈ)માં વીટી દીધા

Saturday, January 23, 2021

પેપરલેસ પ્રોસિજરઃ ફોર્મેટ બદલ્યા બાકી ફોર્મ તો એના એ

  પેપરલેસ પ્રોસિજરઃ ફોર્મેટ બદલ્યા બાકી ફોર્મ તો એના એ

કોરોના કાળે આમ તો સર્વત્ર માઠી ઉપર મીઠું ભભરાવીને માર મારવાનું જ કામ કર્યું છે. ફાર્મા અને ડ્રગ્સ સેક્શન સિવાય ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જે આની કાંટાળી ફેન્સિગ હેઠળ ન આવ્યું હોય. પણ કોરોનાના સમયે એ સાબિત કરીને બતાવ્યું કે, કામ કરવું  હોય 'તો' ઓફિસ કે કોઈ એસી રૂમની જરૂર નથી. વર્ક ફ્રોમ હોમનું સુવિધાનો રાતોરાત સૂર્યોદય થયો. હાજરી ઓનલાઈન, ન અંગુઠો મારવાની ચિંતા ન મોઢું દેખાડવાની મથામણ (ફેસ ડિટેક્શન અટેન્ડસનું શુદ્ધ ગુજરાતી). ન વાઉચરમાં સહી કરવાની ચિંતા ન સિસ્ટમની કોઈ ફરિયાદ. એક સરસ સિસ્ટમ એ વિકસી કે કામ કરવા માટે ઈરાદો જોઈએ અડચણ તો ઊભી કરેલી હોય છે. સગવડીયા ધર્મની જેમ અને આપના તો અઢારેય વાંકાની જેમ તે માનસિકતા હતી એ બદલી. પણ આ ચિત્ર મહાનગર પુરતુ જ સિમિત રહ્યું. સૌરાષ્ટ્રમાં તો શેઠિયા ગીરીની લીલ જેવી માનસિતા આવા સાત કોરોનાકાળ આવે તો પણ બદલે એમ નથી. આજીવન કેદ થયું છે કે, કામ તો ઓફિસે આવીને જ થાય. સરકાર પણ ડિજિટલ થઈ ગઈ. ભરતી માટેની પરીક્ષા ઓનલાઈન, ફોર્મ પણ ઓનલાઈન ભરવાના. પણ હજું આવકનો દાખલો, નોન ક્રિમિલિય પ્રમાણપત્ર, લાયસન્સ માટેના ફોમ ઓનલાઈન હોવા છતા ઓફલાઈનની સ્વીકૃતિ વધારે છે. આ વોલ્યુમ પાછળ લેવાતી એક ચોક્કસ રકમ સ્ટેશનરી ખર્ચમાં ખપાવીને 50% રેવન્યૂ ને 50% રોકડી ખર્ચો. પણ યુદ્ધના ધોરણે ડિજિટલ પ્લેટફોર્મ હનુમાન કુદકો મારીને આવેલા આ તમામ પાસા જો પેપરલેસ અભિગમ અપનાવે તો ઘણું કામ સરળ થઈ શકે છે. અનેક વખત સરકારી વેબપોર્ટલના સર્વર ડાઉન થાય, જેના કારણે કલાકો સુધી જે તે સરકારી કચેરીએ લોકોની લાઈન લાગે. એમા પણ સોશિયલ ડિસ્ટસન્સ અને માસ્કના નામે ભંગાણ જોવા મળે છે. 

હજું પણ આપણે ત્યાં કાગળ પર લખેલું એ જ કાળધર્મી સત્ય. પણ સતત વધી રહેલી પીડીએફ અને પ્રોસિજર લાંબી લાઈન ઘટાડી શકે છે. જ્યાં બધું ઈમેજ આધારિત થતું જાય છે એમાં કોઈ ખોટું થવાની ટકાવારી હવે સિંગલ ડિજિટમાં પહોંચી છે. બેન્કના ફોર્મથી લઈને બેલેન્સ જોવા માટે ATMમાંથી નીકળતી ચબરખી સુધી તમામ પ્લેટફોર્મ ઓનલાઈન છે. છતા કાગળનો બગાડ અને કાગળીયા રૂપી આધાર પુરાવાઓ સરકારી કચેરીમાં લીલની જેમ સડો થઈને બેઠા છે. આ જૂની વસ્તુઓનો નીકાલ તો સમય માગી લે. પણ ડેટા સર્વર અને સ્કેનિંગ ટેકનોલોજી આ દુનિયાને પેપરલેસ કરી શકે છે. જાણીને નવાઈ લાગશે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ત્યાંની સરકારે તમામ યુનિવર્સિટીને આદેશ આપ્યો કે, જેમ ઓનલાઈન કસોટી કરો છો એમ પરિણામને પણ ઓનલાઈન અને ડિજિટલ ડૉક્યુમેન્ટ તરીકે આપો. જેની ગમે ત્યારે કલર પ્રિન્ટ વિદ્યાર્થિઓ કરાવી શકે. કાયમી ધોરણે સરકારી સર્વરમાં સચવાય અને એક કોપી વિદ્યાર્થીઓ પાસે પણ સેવ રહે. પેપરનું સેવિંગ અને પ્રોસિજર પણ ઈઝી. પણ આપણે ત્યાં બિઝી રહેતા નેતાઓને આવા અભિગમ કરતા મસમોટા પ્રોજેક્ટ વધારે આકર્ષે છે. સરકારી કચેરીમાં લોકાર્પણ સિવાય આંટો ન મારનારાને નાની સિસ્ટમથી સરળકામ થાય એનો ખ્યાલ ભાગ્યે જ હોય છે. જ્યાં પાસબુક પ્રિન્ટ કરાવવા માટે મશીન આવ્યા ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે પબ્લિક ટેબલેટ મૂકીને સિસ્ટમ ડેવલપ કરી શકાય. માર્કશીટથી લઈને મીટર બિલ સુધી તમામ વસ્તુ કાગળ પર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ પણ કેટલાક કિસ્સામાં કાગળ પર, એફડીથી લઈને એક્ઝામની રીસિપ્ટ કાગળ પર, વેલકમના સ્ટીકરથી લઈને વેક્સિનેશનની યાદી કાગળ પર. દિવસે દિવસે પેપર ઉદ્યોગ વિકસી રહ્યો છે એમાં કોઈ બે મત નથી પણ જ્યાં 100% ડિજિટલ કોન્સેપ્ટ શક્ય અને સ્વીકાર્ય છે ત્યાં પહેલના પર્સનટેજ શા માટે સિંગલ ડિજિટમાં છે? આપણા દેશમાં આશરે 600 જેટલી પેપર મિલ્સ ધમધમે છે. કોરાના કાળથી થોડી ધોવાઈ છે. આ જ ઉદ્યોગ વૃક્ષ ઉછેર પણ એટલું જ કરે છે. પ્રવાસન પોઈન્ટ પર ડિજિટલ ડિસ્પ્લે જોવા મળતી હોય અને લોકો એના નેવિગેશનથી ટેવાયા હોય ત્યાં જીવન જરૂરી વિષયોમાં માત્ર ડિજિટલનો સ્પર્શ થયો છે. ફોર્મ જે પહેલા પેનથી ભરાતું એ હજું યથાવત છે. ઓનલાઈન પણ પ્રાપ્ય છે. પણ સાઈટના ધાંધિયા, અધિકારીના સહી સિક્કા, સ્ક્રુટીની જેવા અનેક ફિલ્ટરમાંથી પસાર થતી પાવતી આપણા સુધી ઈસ્ત્રી ટાઈટ કડક કંડિશનમાં પહોંચે છે. પણ એ આવે ત્યાં સુધીમાં આપણો દમ નીકળી ગયો હોય છે.

કોઈ પણ ક્ષેત્રમાં ઈન્ટરફેર ઓનલાઈન અને વર્ક પ્રોસિજરના ડૉક્યુમેન્ટ ઓફિસ પુરતા સિમિત રાખવામાં આવે તો 90 ટકા કાગળનું સેવિંગ થાય છે. જેને કોઈ બીજા સારા કામે વાપરી શકાય છે. પણ પ્રશ્ન એ છે કે, પ્રિન્ટ કાઢીને સહી સિક્કા કરાવીને અપલોડ કરવાની, સ્કેન કરવાની અને નોટિફિકેશન કરવાની તસ્દી કોણ લે? જ્યારે સરકારી પોર્ટલ ધમધમતા થયા ત્યારે ઘણા પોથી પંડિતોએ કહ્યું હતું કે, કાગળીયા યથાવત રહેશે. ડિજિટલ વર્કિંગમાં ક્નેક્ટિવિટી રેગ્યુલર થતી રહી છે આ પહેલની શરૂઆત કરવાની હાલ તાતી જરૂર છે. ધક્કા બચશે અને ધજાગરા પણ થતા અટકશે. પરીક્ષા ઓનલાઈન, ફોર્મ ઓનલાઈન, અરજી ઓનલાઈન પણ કામમાં હજું ઢસરડા યથાવત છે. ઘણા યુવાનોને અતિ ટેકનોલોજીના આ યુગમાં આવી પ્રોસિજર ખટકતી હોય છે. જ્યાં સોર્સ છે ત્યાં કાગળ મૂકીને ખોટી સમસ્યાઓ ઊભી કરવાનો કોઈ અર્થ જ નથી. બીજી તરફ એજન્ટ પ્રથાને પણ સીધો ફટકો પડશે. જોકે, એ પણ અપગ્રેડ થાય એમાં કોઈને કંઈ વાંધો નથી. આખરે તો પેટનો સવાલ છે ને? કહેવાનો અર્થ માત્ર કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ પર પક્તા થવાથી કંઈ થવાનું નથી. લોકો જેમ મોબાઈલની મલ્ટિમીડિયા દુનિયાથી ટેવાય ગયા એમ ડિજિટલથી પણ અવેર કરવાની જરૂરિયાત છે.


આઉટ ઓફ ધ બોક્સ..

આ કોરોના વાયરસની મારક રસી લઈ લેવાથી કોરોનાની કોલર ટ્યુન બંધ થાય ખરા? આ તો જસ્ટ પૂછું છું. સિગારેટના ખોખા પર ધુમ્રપાન હાનિકારક છે એવું લખ્યું હોવા છતા જાહેરમાં કરાય છે અને કેટલાક લોકો રસી સામે પુરાવા અને ગેરેન્ટી માગે છે. 

Friday, December 25, 2020

આખરે આ ટોલટેક્સના પૈસાનું થાય છે શું? શું આજીવન ટોલટેક્સ ભરવાના?

 આખરે આ ટોલટેક્સના પૈસાનું થાય છે શું? શું આજીવન ટોલટેક્સ ભરવાના?

આપણા રાજ્યમાં અત્યારે ઘણા બધા એવા રૂટ છે જ્યાં રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે. ઘણા એવા રસ્તાઓ છે જે દાયકાઓ પસાર થયા હોવા છતા હજું એ જ સ્થિતિમાં છે. અર્થાત ખખડધજ છે. તાજેતરમાં એક એવા વાવડ પણ આવ્યા હતા કે, કૂતરાને બચાવવા જતા કાર તળાવમાં ખાબકી અને શિક્ષકોના મોત થયા. ડ્રાઈવિંગ ટેસ્ટ આપતી વખતે જો પગ નીચે પડી જાય અને કાર બંધ થઈ જાય તો નાપાસ કરી દેવામાં આવે છે. પણ રસ્તે રખડતા ઢોર, મરેલા પશુઓ, હાઈવે પર પૂલ શરૂ થાય એટલે ચોક્કસ પ્રકારનો આવતો અવાજ જે ઊંઘમાંથી ઊઠાડી દે. આવા અનેક મુદ્દાઓ તંત્રને કોઈ પૂછતું નથી અને તંત્ર એનો જવાબ પણ આપતું નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ ત્યારે પણ આવા તોડબાજ ખિસ્સા ખાલી કરાવવા ઊભા હોય છે એ પણ એક ચોક્કસ રંગનો ડ્રેસ પહેરીને. દેશમાં જ્યારે એક્સપ્રેસ વે તૈયાર થયા ત્યારે એને બેસ્ટ રોડ ક્નેક્ટિવિટી માનવામાં આવતી હતી. પણ વાસ્તિવકતા એ પણ છે કે, આ જ એક્સપ્રેસ વે પર લૂંટ, અકસ્માત અને તોડની ઘટનાઓ વધી રહી છે. રસ્તાઓ રાજ્ય સરકાર બનાવે કે કેન્દ્ર સરકાર ટોલનાકેે થતી મગજમારીનો વિષય નવો નથી. જ્યાં નેતાઓ પોતે પદ હોવાનો પૂરો ઉપયોગ કરે. તલવાર ખેંચી લે. ફટાકડી દેખાડે. આ ઉપરાંત ત્યાં નર કે નારીમાં ન આવતી એક પ્રજાતિનો ત્રાસ, લુખ્ખાઓનો ત્રાસ, પાટા પર ચાલતી એક ચોક્કસ કારના ડ્રાઈવરોનું સેટિંગ આ તમામ ઘટનાઓ દરરોજ બને છે. પણ જ્યારે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવામાં આવે છે ત્યારે આવી કડકાઈ કેમ? ઉમેદવાર પાસ થશે તો શું ટોલટેક્સ માફ થશે? 'વહીવટ' સર્વત્ર ચાલે છે. ટોલટેક્સ ભરવા છતાં પણ આ તમામ મુદ્દાઓમાંથી આપણે સૌ કાયદેસર રીતે પસાર થઈએ છીએ. 

કેન્દ્રીય મંત્રી નીતીનભાઈ ગડકરીએ એવી પ્રજાને એવી સરસ કેડબરી જેવી જાહેરાત કરી છે કે, ભવિષ્યમાં દેશમાંથી તમામ ટોલનાકા ભૂતકાળ બની જશે. જોકે, ગુજરાતમાં તો આનંદીબેન પટેલની સરકાર વખતે જ રાજ્ય સરકારના ટોલનાકા પર અચાનક અણધાર્યું કાયમી પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. દેશમાં સૌ પ્રથમ એક્સપ્રેસ વે મુંબઈ-પૂણે વચ્ચે તૈયાર થયો. વર્ષ 2002માં. પછી સરકારે ફાસ્ટ ટેગ શરૂ કર્યું. જેમાં ટોલટેક્સ માટે લાઈનમાં ઊભા રહેવાથી મુક્તિ મળી અને ટેક્સ સીધો બેન્ક ખાતામાંથી કપાયો. એક્સપ્રેસ વેને દેશનો સૌથી વધુ ટોલટેક્સ વસુલતો હાઈવે માનવામાં આવે છે. જ્યાં દિવસ રાત પેટ્રોલિંગ થાય છે એવા દાવા પણ ઠોકવામાં આવે છે. પણ વાસ્તવિકતા એ પણ છે કે, એક્સપ્રેસ વે રૂટ પર ચાલતી ટ્રાવેલ્સ કે પાટાવાળા વાહનો ડીઝલના ભાવ ઘટે તો પણ ટિકિટના ભાવ ઘટાડતા નથી. કારણ કે ટોલટેક્સની રકમ ગ્રાહક પાસેથી વસુલી લે છે. જ્યારે એક્સપ્રેસ વે કે નેશનલ હાઈવે રોડ પ્રોજેક્ટ નક્કી થાય છે ત્યારે એ પ્રોજેક્ટની કિંમત કરોડો રૂપિયામાં થાય છે. આ માટે સરકાર પ્રજા પાસેથી ટોલટેક્સ રૂપે મદદ લે છે. સરકાર રસ્તા બનાવવાની જવાબદારી ખાનગી કંપનીને સોંપે છે. બદલામાં નક્કી કરેલી સમય મર્યાદા અનુસાર તે કંપની ટોલટેક્સ વસુલ કરે છે. પણ જ્યારે પ્રોજેક્ટનો ખર્ચો પૂરો થઈ જાય છે ત્યારે સરકાર આ ટોલટેક્સની રકમમાં ઘટાડો કરી શકે છે અથવા ટોલટેક્સ બંધ કરી શકે છે. પણ આવું હજું સુધી થયું નથી. કોઈ પણ હાઈવે પર ટોલટેક્સ માટે ચોક્કસ પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં બે ટોલપ્લાઝા વચ્ચે 60 કિમીનું અંતર હોવું જોઈએ. એટલે કે જ્યારે કોઈ પણ વાહન ટોલટેક્સ ભરે છે ત્યારે તે ટેક્સની રકમ 60 કિમી સુધીની હોય છે. જો રસ્તામાં ટનલ અથવા બ્રીજ અથવા બંને આવતા હશે તો ટોલટેક્સ વધારે હશે. કારણ કે બ્રીજ અને ટનલ બનાવવાનો ખર્ચો વધારે આવે છે. વધારે પડતા લેન હશે ત્યાં પણ ટોલ ટેક્સ વધારે હશે. જેમ કે, અમદાવાદ પાસે છ લેનનો રસ્તો બની રહ્યો છે. જે આગળ જતા નેશનલ હાઈવેને જોડે છે. જો અહીં ટોલનાકું શરૂ થયું તો ટોલટેક્સ વધારે હશે. પણ સરકારે તો હાલમાં કોઈ ટોલ પ્લાઝાની વાતને નકારી છે. જોઈએ કયા ગતકડાથી સરકાર રોકડા લેશે? હાઈવે કેટલો લાંબો છે એના પર ટોલટેક્સની રકમનો આધાર નથી હોતો. પૂર્વાંચલ એક્સપ્રે વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે. જે 340 કિમી લાંબો છે. જે સિક્સ લેન હાઈવે છે. જે લખનઉના ચાંદ સરાઈ ગામથી શરૂ થઈ ઉત્તર પ્રદેશ બિહારને જોડે છે. વાયા ગાઝીપુર. 

      ટુ વ્હીલર્સ, ફોલ વ્હીલર્સ અને હેવી વ્હીકલ્સ માટે જુદા જુદા ચાર્જિસ નક્કી કરવામાં આવે છે. સત્તા પર આવ્યા બાદ સિંહ જેવી ગર્જના કરનારા નેતાઓ આ ટોલ ટેક્સને લઈને અત્યાર સુધીમાં કોઈ અસાધારણ પગલું ભરી શક્યા નથી. જેમ કે, દિલ્હી-આગ્રા યમુના એક્સપ્રેસ વે વર્ષોથી કાર્યરત છે. પ્રોજેક્ટ પણ પૂરો થઈ ગયો છે છતાં પૈસા ખંખેરવાનું ચાલું છે. આ ઉપરાંત દિલ્હીના એન્ટ્રી પોઈન્ટને જોડતી દરેક રાજ્યની બોર્ડર પર ટોલટેક્સ છે. હવે ડિજિટલ પેમેન્ટને વેગ આપવા સરકારે ફાસ્ટ ટેગમાં ચાર્જ ઓછો કર્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ એવું પણ એલાન કર્યું છે કે, 1 જાન્યુઆરીથી એ જ વાહનોને ક્રોસિંગ અપાશે જેની પાસે ફાસ્ટ ટેગ હશે. પણ આમ જોવા જઈએ તો આ એક સારૂ પગલું છે. સરકાર પણ કમાય અને કંપની તો સરકાર પાસેથી આજીવન કમાય. ટોલટેક્સ ભરવાથી રસ્તો આપણા પિતાજીનો નથી થઈ જતો. પણ કેટલીક સુવિધાઓ મળે છે. જેમ કે, ટોલ રોડ પર પોલીસ પેટ્રોલિંગ થાય છે. થોડા મહિના પહેલા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર લૂંટ પણ થતી હતી. આ તો માત્ર જાણ ખાતર. હાઈવેના રસ્તાના પર પેટ્રોલિંગ ટીમ પેટ્રોલિંગ કરે છે. જેતપુર-સોમનાથ હાઈવે પર ગમે ત્યાં લઘુશંકા કરવા માટે હાઈવે પર સાઈડમાં કાર ઊભી કરી દો કોઈ આશંકા પણ નહીં કરે. આ ઉપરાંત ટોલ રોડ પર એમ્બ્યુલન્સ, ફાયરબ્રીગેડ, ક્રેઈન સુવિધાની પણ આપવામાં આવે છે. પણ તા.23.12.2020 આગ્રા લખનઉ એક્સપ્રે વે  પર ખંડૌલી જિલ્લા પાસે એક કાર કન્ટેનર સાથે અથડાઈ. કારમાં એકાએક આગ લાગી ગઈ. પાંચ લોકોના મોત થયા. નિયમ તો એવું  પણ કહે છે કે, આવા ટોલ રોડ પર શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, બસ પાર્ક થઈ શકે એવી જગ્યા પણ હોવી જોઈએ. કોઈને યાદ હોય તો કહોને આવું ક્યા ટોલરોડ પર છે? આ ઉપરાંત ડિવાઈડર પર વૃક્ષ ઉછેર. જેથી સામેની તરફથી આવતા વાહનોની લાઈટ બીજાને પરેશાન ન કરે. યમુના એક્સપ્રેસ વે સિવાય આ ઝાડવાળો પોઈન્ટ જોવા તો શું સાંભળવા પણ નહીં મળતો. ટોલ ટેક્સના પૈસાથી આ તમામ મુદ્દાઓ પર થતા ચાર્જની ચૂકવણી થાય છે. જ્યાં એક્સપ્રેસ વે પર આવી લોલમલોલ ચાલે છે તો બીજા હાઈવેની સ્થિતિ શું હશે એનો અંદાજ લગાવી શકાય છે.  

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...