Saturday, August 24, 2019

અરે દ્વારપાલો...કનૈયા સે કહે દો.

અરે દ્વારપાલો...કનૈયા સે કહે દો.

દુનિયામાં અનેક પ્રકારના ધર્મ છે. ધર્મની સાથે ચાલતા અઢળક સંપ્રદાયો છે. વિશ્વના અનેક પંથ, સમુદાય અને ધર્મના પ્રવાહો એક લયમાં કુદરતી નિયમો અનુસાર દોડે છે. ભૌતિકવાદ અને આધ્યાત્મ વચ્ચે સીધો તફાવત તો મોટો છે પણ પરોક્ષ રીતે કુદરત પ્રત્યેની શ્રદ્ધાનો દરેકમાં એક સ્પાર્ક હોય છે. પરંતુ, કૃષ્ણ એટલે એક એવો દેવ જેને તુકારો આપીએ તો પણ પોતીકો લાગે અને જેને સખા બનાવીએ તો પણ તે કટોકટીના સમયમાં તારણહાર બની જાય. એક રીસર્ચ એવું કહે છે કે, દુનિયામાં સૌથી વધારે જે પરમાત્મા પર લખાયું અને છપાયું છે તે કૃષ્ણ પરમાત્મા છે. જગતમાં પ્રેમના બે દેવ પૃથ્વી પર અવતરીને આસ્થાના સંદેશાઓ આપી ગયા. એક ભગવાન ઈસુ ખ્રિસ્ત અને બીજા ભગવાન શ્રીકૃષ્ણ. કૃષ્ણનું બાળપણ એટલે દરેક માણસે ક્યારેક એવા કરેલા તોફાનની ઝાંખી. મિત્રો સાથે ખિલખલાહટ અને ટીમવર્કમાં લડી લેવાનો જુસ્સો. દુનિયાનો એક માત્ર આ એવો ભગવાન છે જે કોઈ ફોર્મેટમાં ન હોવા છતા જીંદગી જિવવાનું ફોર્મેટ શીખવાડી જાય છે. યુદ્ધ ભૂમિમાં પણ સરળ અને સ્પષ્ટ સાર આપીને સંવાદના માધ્યમથી સાચા ખોટાની સમજ આપી જાય. સલમાન ખાને તો પછી કહ્યું કે, દિલ મેં આતા હું, સમજ મે નહીં. પણ મુરલી મનોહર તો આ વાક્ય પાંચ હજાર વર્ષ પહેલા કહી ગયા છે. કૃષ્ણ લોજિકનો નહીં મેજિકનો દેવતા છે. પણ એના દરેક મેજિક પાછળ એક માનવહિતનો સંદેશો હોય છે.



કૃષ્ણને હેપી બર્થ ડે કહેવાનું હોય ત્યારે કેટલી તૈયારીઓ કરવી પડે. શૃંગાર, વાઘા, વિધિ, શ્લોક અને પછી આરતી. પણ એના પ્રત્યેનો ભાવ જ્યારે ભેજામાં નહીં હ્દયમાં હોય તો એને કોઈ શબ્દોની જરૂર પડતી નથી. પાંચ હજાર વર્ષ પહેલા જે બેસ્ટ ફેસ રીડર હતો એ કૃષ્ણ. પણ આ માટે એને કોઈ યુનિવર્સિટીમાંથી ટ્રેનિંગ કે ડિગ્રી લીધી ન હતી. સામે સૃષ્ટિનો પાલક હોય અને કંઈક કહેવાનું હોય તો આપણી પાસે આખુ લીસ્ટ હોય છે. પણ આ બર્થ ડે પર એક ભજન તથા ભાવના માધ્યમથી મેઘધનુષી માધવને કહેવું છે. તારુ હોમટાઉન વૃંદાવન અને રાજ્ય દ્વારકા સંગ્રામવીર નેતાઓનો રાજકીય અખાડો બની રહ્યા છે. સૌ હૈયામાં તું અગ્ર સ્થાને છે, ફર્સ્ટ પ્રાયોરિટી. તો અંતિમ સ્થાને રહેલો માનવી સ્વાર્થની રાજનીતિ પણ તારી ચાલે ચાલે કરે છે. તે દ્વાપરયુગમાં હાર્ટબ્રેક કરી દેતા હાલાતને હળવા કરી દીધા અને લોકોનું હિત વિચાર્યું. પણ તારા જ અનુયાયીઓએ તારા જ દર્શન માટે જુદી જુદી કેટેગરી બનાવી દીધી છે. વીવીઆઈપી, સીધા દર્શન, લાઈનમાં ઊભું રહેવું નહીં પડે. હવે જ્યારે નિયતીની ઘડિયાળમાં તારે પણ લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું, સમયની રાહ જોવી પડી હતી. તો માણસ પાસે અત્યારે ટાઈમ નથી. કેવડો મોટો કોન્ટ્રાસ આ..! હે રણછોડ આજે તારા પ્રાગટ્ય દિવસ પર બીજી પણ એક વાત કહેવી છે. જરાસંગ સામે તે એક આઈડિયાથી રણ છોડ્યું હતું. પણ માનસિક રીતે ખખડી ગયેલા તારા ભક્તો પરિસ્થિતિ સામે પોતાનો જીવ છોડી દે છે ત્યારે તને દુઃખ નથી થતું? પરીક્ષામાં નાપાસ થયા તો જીંદગી ટૂંકાવી. આર્થિક ભીંસ આવી તો જીવ દઈ દીધો, પારિવારિક ઝઘડા થયા તો વિષપાન કરી લીધુ. આવા વાવડ જ્યારે આવે ત્યારે વિચારોના ટ્રાફિકમાં મન વધારે બ્લોક થઈ જાય છે. જ્યારે ઈન્દ્રદેવે તારી પરીક્ષા કરી ત્યારે તે પણ સાત સાત દિવસ સુધી તે પણ ભૂખ્યા-તરસ્યા રહીને ગોવર્ધન ટચલી આંગળી પર ઉપાડીને અનેક જીવ માટે સંઘર્ષ કર્યો હતો. તારા ભક્તો માટે તારું જીવન એક મોટિવેશનલ પાવર જેવું જ છે. તું કહે છે એમ કોઈને કરવું નથી પણ તું કરે છે એવું બધાને કરવું છે. તારા પૃથ્વી પરના અવતાર બાદ તે આરામ જરુરથી કર્યો હશે. પણ ઐયાશી ક્યારેય નથી કરી. પણ આજે દરેકને અપસરા અને આસવ (દારુ)ના નશામાં ઐયાશી કરવી છે. હે લક્ષ્મીપતિ આ બધાની મતિને સાચી દિશામાં ગતિ કરતી કરી દેજે. અન્યથા કળયુગમાં પણ યાદવાસ્થળી જેવું થશે.

ડાકોરના ઠાકોર આમ તો તારામાં સૌદર્યથી લઈને સદગુણ સુધીના તમામ તત્વો છે. તારા ઉપર પણ ફરજ પાલનનું વજન હતું. પણ ભગવાધારી નિર્દોષ મન પર રાજ કરીને ખોટી રીતે ભડકાવે છે ત્યારે તારા જ ભક્તો ભટકી જાય છે. સંસારમાં તું એક અને સ્વરુપ અનેક છે. તે પણ યુદ્ધ ભૂમિમાં ક્યારેક હથિયાર નથી ઉપાડ્યું. તો આજે તારી જ નગરીમાં હથિયાર રાખવાના શોખીન કેમ વધતા જાય છે? થોડું રીસર્ચ કરીને આ વાત કરું છું. તે ખોટા અને ખતરનાખ સમીકરણોનો કાયમી ઉકેલ લાવી લીધો છે. એટલે તો તું બેસ્ટ લીડર છે. પણ આજના નેતાઓને વોટબેન્કનું આકર્ષણ છૂટતું નથી કદાચ એટલે જ કેટલીક સમસ્યાઓ પાણીમાં જામેલી લીલની જેમ ઘર કરી ગઈ છે. હે ગીતાસર્જક, ઘણી વખત કેટલાક ભગવાધારી કહેતા હોય છે કે, ગીતામાં આવું લખ્યું, ગીતામાં તેવું લખ્યું છે. જ્યારે ગીતાને તેઓ પોતાના ફોર્મેટમાં એડિટ કરવાનો ઓપશન શોધી લે છે ત્યારે તમને કેટલું દુઃખ થતું હશે. જો તમે ગીતા અર્જુનને કહી જ હોત તો લાગે છે કે, આ બની બેઠેલા ધોતીધારીઓની દુકાન ચાલત જ નહીં. પણ તમે તો કર્મના સિદ્ધાંતને અનુસરો છો એટલે એનું સરભર પણ કરી દેતા હશો. ગીતા એટલે કૃષ્ણએ ગાયેલું ગીત, જેને જિંદગી આખી વાંચીએ તો પણ એક કૃષ્ણત્વનો સ્પાર્ક યથાવત રહી શકે. પણ મૃત્યું પહેલા વાંચવાના ગ્રંથને માણસોએ માણસના મૃત્યું પછી વાંચવાનો ગ્રંથ બનાવી દીધો. બોસ, માણસાઈ જેવી ચીજનું તો ચિંતન કરો. પાડોશી દેશ બૂમ-બરાડા પાડીને આક્ષેપોના છાણાનું લિંપણ આપણા દેશ પર કરે છે ત્યારે એમ થાય કે, આ એ જ ભાગ છે જેણે આપણામાંથી અલગ કરવામાં આવ્યું હતું. આ દેશમાં બે મોહને ભારતની ભૂમિને નંદનવન બનાવવાનું કામ કર્યું. એક મોહનદાસ કરમચંદ ગાંધી અને બીજો આપણો મોહન. કૃષ્ણ વાસુદેવ યાદવ. તું બેસ્ટ સ્પીકર છો કાના. પણ જ્યારે કેટલાક પત્રકારો-સ્પીકરો તારા કોપીરાઈટને મારી-મચકોડીને પોતે કૃષ્ણત્વનો પાવર ધરાવે છે એવું જગજહેરમાં બોલે છે ત્યારે એવો વિચાર આવે છે કે, આવું તો તે ક્યારેક કહ્યું જ નથી. તે દરેક કોમ્પિટિશનમાં ભાગ લીધો પણ કોમ્પિટિટરને પછાડવાની નહીં પણ તક આપવાની તારી વૃતિ હતી. આજે તો હરિફ એટલે હંફાવી દેવાના. રાક્ષસો પાસે રહેલી શક્તિ અને નોલેજને પણ બિરદાવ્યા છે. પણ સ્પર્ધકો જ્યારે પોતાના ક્ષેત્રના મેદાનમાં આવે છે ત્યારે વખાણવાને બદલે એવા વખોડી કાઢે છે. જાણે પોતે વામન બનીને સામે વાળાને બલીરાજા સમજી લેવાના. ત્રીજા પગથિયે કળળભૂસ કરી માનસિક રીતે પાતાળલોક ધકેલી દેવાના.



પ્રજા અને વિદ્યાર્થીઓ માટે તમે યોગેશ્વર હો પણ નેતાઓ માટે તમે ઉપયોગેશ્વર છો. રથાયાત્રાની શરુઆતમાં રથ ખેંચતા હોય એવો ફોટો પડાવવા આવી જાય છે પણ રસ્તામાં પડેલા ખાડાને જોવા કે એનો આનંદ માણવા પણ નથી ડોકાતા. પ્રભુ તારી પ્રિય કામધેનુ (ગાય) મત મેળવવાનું અને ગૌચરના નામે જમીન કૌભાંડ કરવાનું મીડિયા બનતી જાય છે. તારા માટે તો દરેક જીવ પ્રિય હતો પણ અહીં તો માણસભલે યમલોક ભેગો થઈ જાય પણ પશુને વાહનની આંખ કે પાંખ કંઈ અડવું ન જોઈએ. તારા સમયમાં તો અનેક ગાય માટે વ્યવસ્થા હતી. પણ સમજી શકાય છે કે, વસતી વધતા ગૌશાળાની જમીન પર ગેમઝોન અને બંગલા બની ગયા છે. હે અર્જૂનસખા, તમે જ કહ્યું હતું કે, મહાભારતના યુદ્ઘને સમજતા પહેલા દ્રૌપદીના મનને સમજવું અને સ્વીકારવું પડે. તમે કહ્યું હતું કે, યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું પછી રથચક્રને સુદર્શનચક્ર બનાવી તમે પૂર્વ આયોજિત યુક્તિ પાર પાડી. અમારા નેતાઓ પણ આવું કરે છે. પ્રચારનું માઈક્રો મેનેજમેન્ટ એવું કરે કે, જાપાનની મેગ્લેવ ટ્રેન અમદાવાદ લઈ આવે. પછી ભલેને એમના દેશમાં એ આઉટડેટેડ થઈ ગઈ હોય. છે ને બાકી તારા સાચા ફોલોઅર્સ. હે બ્રીજ, તારા જન્મદિવસના દિવસો પહેલા લોકો હવે ઉપવાસ કે એકટાણા નથી કરતા. પણ એક ઠેકાણે બેસીને પત્તા ટીંચે છે. તે તો મેગા ગેંબલિંગ ઈવેન્ટ થઈ ત્યારે દ્રૌપદીને વસ્ત્રાહરણમાંથી બચાવી હતી. એ પણ જુગાર જ હતો ને? પણ જ્યારે જન્માષ્ટમીની પાછળ 'જુગારીઓની મૌસમ' એવું બોલાય કે વંચાય છે ત્યારે એમ થાય છે કે, જન્માષ્ટમીને પ્રાગટ્ય દિવસમાંથી પત્તાની કેટનો ઉત્સવ બનાવી દીધો છે. પાંચ હજાર વર્ષો પછી તારું માખણ એટલું ખારું લાગે છે કે, વાત જવા દે. આઘાતના અથડાતા મોજા તે પણ અનુભવ્યા હશે. પણ આશંકાનાન પરપોટામાં જામી ગયેલી માનવસમજને તારે ધર્મસંવાદથી વિસ્તારવાની છે. હે ગિરિવર જેમ તારી જીવનલીલાનો કોઈ પાર નથી એમ નેતા, સ્વાર્થી, પત્તાપ્રેમી, પ્રસિદ્ધિ પુરુષોત્તમ, લક્ષ્મીલવર્સની સમજ સલીલાનો પણ કોઈ પાર નથી.

-તારો જ એક ભક્ત. લવ યુ કાના, તને જ્યારે કામ પડે ત્યારે યાદ કરજે. બાકી આજથી ભીખારીપણું (માગવાનું) બંધ અને ભક્ત બનવાનું શરુ. મળતો રહેજે કોઈ પણ ફોર્મેટમાં.

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...