Tuesday, August 30, 2016

દેશના સમાજને ખરેખર જોઇએ છે શું?

                            સૌની યોજનાના સૂર્યોદયને લોકતિલક કરવા ચાલુ વર્ષે પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા, પાણીના પાયલોટ પ્રોજેક્ટનું લોકાપર્ણ અને પ્રથમ સભા સંવાદ પાછળ વિધાનસભા 2017 ચૂંટણીનું જોડાણ હોવાનું ચર્યાય રહ્યું છે. જો કે ઓગષ્ટ 2015થી શરૂ થયેલા આંદોલનો કોઇ પણ સરકારી કાર્યક્રમ સામે વિકટતા ઊભી કરી રહ્યું છે. પટેલ, દલિત, એસસી, એસટી, ઓબીસી સહિત તમામ નાની મોટી જ્ઞાતિઓનું સંગઠન નકારાત્મક વેગથી ઉપસતુ જાય છે. ક્યાંક ને ક્યાંક વિરોધ, બળવો અને માગને વોટ સાથે જોડીને જોર બતાવવાની હોડ જામી છે ત્યારે હક, અધિકાર અને જરૂરિયાત સામે ફરજ, જવાબદારી તેમજ નૈતિકતા જેવા તત્વો વગર તડકે સુકાઇ ગયા છે. ગુજરાતનો પ્રતિષ્ઠિત અને લેન્ડ લોર્ડ કહેવાતો વર્ગ ઉચ્ચ વિચાર તથા સાહસિકતા સાથે તળિયે બેસવા માગે છે. જ્યારે નિન્મ કક્ષાના વર્ગના અત્યાચારો થકી વિરોધના વહેણ સતત વહેતા થયા છે જેની અસર શાંતિપુર્ણ ગુજરાતના વાતાવરણને થઇ છે. કકરાટ અને વિખવાદનો ઉકરડો ઠલવાતા એક આખી પેઢિ ખોટી રીતે પ્રભાવિત થાય છે જેમાં બુધ્ધીજીવીઓ સારા નેતાના ગુણો જોતા હોય છે. આંદોલન કોઇ પણ હોય જીદ્દ અને તીવ્રતા વધે એટલે હિંસામાં હોમાવવાની શરૂઆત આ પ્રવાહને વેગ આપનારથી થાય છે. જમીન સાથે જોડાયેલી પેઢિની વિશાળ સંખ્યા જ્યારે હલકા થવાના પ્રયાસો થકી હકની વાત કરે છે ત્યારે ફરજ બજાવવાની વાત અંધારે મૂકાય છે. 'ડર્ટી જોબ્સ' કરતા વર્ગના લોકો જાહેરમાં પોતાની જ્ઞાતિ બોલતા ખચકાય છે પણ દેશના પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ વહેતી મૂકી સમકક્ષ-સમાનતાની વિચારધારા વહેતી કરી છે એમ કહેવાામાં કંઇ ખોટું નથી.

                              જાટ આંદોલનમાં થયેલી હિંસા અને અનામત આંદોલન વચ્ચે  અનામત માંગ, હિંસા, જીદ તથા લડી લેવાના ઝનુનની મુદ્દાઓ સ્પષ્ટ છે. ખેતિ કરવા પ્રત્યે મોઢું ફેરવતી પેઢિને કારખાના નાંખીને સ્ટાટઅપ કરવું છે, વિદેશમાં વ્યાપાર વધારવો છે, સરકારી 'રાહત' પણ જોઇએ છે પણ જ્ઞાતિવાદનું ઝેરી કેમિકલ મનમાંથી ઓગાળવું નથી. હક માંગીએ છીએ ભીખ નહીં પણ દેશનો કોઇ એક નાનકડો વર્ગ એમ તો બોલો કે અમારી ફરજ અદા કરીએ છીએ, આખરે વર્ગ આવે છે તો સમાજમાંથી જ ને? લાખોની ગાડીઓ લઇને નંબર પ્લેટ પર ચોક્કસ રંગના પટ્ટા લગાવીને, સાઇન સિમ્બોલ તેમજ પોતની જ્ઞાતિ લખાવીને, કિંગ સ્ટાઇલના નંબર થકી પોતે બાપ હોવાનું પ્રેઝન્ટેશન કરે છે જ્યારે ટોલટેક્સ અને ઇનકમ ટેક્સ માટે લાગતા વળગતાને ફોન કરીને છટકબારી શોધે છે. લાખોની ગાડી સામે ટોલટેક્સની રકમની તુલના કરો તો નજીવી રકમ રહેવાની. દેશના એક પણ નેશનલ હાઇવે પરના ટોલટેક્સની રકમ ચાર કે પાંચ આંકડામાં નથી.

                             વિદેશમાં પણ સફાઇ 'કર્મચારી' છે જેના માટે કામ મોટું છે પણ આપણે ત્યાં ખાટલે મોટી ખોટ એ છે કે દેખાડો મોટો છે. સવારે કચરો લેવા આવનારને કચરાવાળો કહીએ છીએ. વાસ્તવમાં કચરાવાળા તો આપણે  કહેવાય કારણ કે આપણી પાસે કચરો છે જે આપવાનો છે. દા.ત. જેની પાસે કાર છે તે કારવાળો, બંગલો છે તે બંગલાવાળો. આવા કામ કરનારો વર્ગ ગર્વ લેવાના બદલે શરમ અનુભવે છે. તેમની નોકરીના કોન્ટ્રાંક્ટ સામે કાયમી થવાના પ્રશ્ર્નોથી અવારનવાર હડતાલ પડતા કચરાના ગંધાતા ડૂંગરોનું માનવસર્જિત સર્જન થાય છે ત્યારે રોષના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. પ્રદર્શનના એક્સપોઝ સાથે માંગ ઊઠે છે. અમારે આ જોઇએ છે એ પણ મફત. જંગલના રાજા સિંહને પણ ભૂખ સંતોષવા કોઇ જીવનું ભંગાણ કરવું પડે છે. તો પછી નોકરીમાં સ્કિમ શા માટે? ખરેખર તો દેશની પ્રજા સેલિબ્રેશન કરવામાં સફળ અને એડોપ્ટ કરવામાં એક્સપર્ટ છે પણ કામ કરવામાં ડિસ્કાઉન્ટ શોધનારી પ્રજા છે, મેક્સિકન પીઝા મેક્સિકોમાં નહી ખવાતા હોય પણ દેશમાં ખવાય છે, ચીનમાં લોકો સ્ટિકથી ખાય છે અને આપણે ત્યાં ચાઇનીઝ 'ભેળ' જગન્નાથપુરથી જામજોધપુર સુધી મળી રહે છે. ગજબની સ્વિકૃતિ... દેશનો એક બહોળો વર્ગ શિક્ષિત થતો જાય છે પણ પ્રસંન્નતાને પોંખવામાં શબ્દો ખૂંટે તેવી માનસિકતા પ્રવર્તે છે જ્યારે બાલમંદિરમાં ય શિખવ્યું ન હોય તેમ છતા ટીકા કરવામાં અને કોઇને વોખડવામાં પીએચડી છે. એક આખી પેઢિ જ્ઞાતિ કેન્દ્રિત પરંપરામાં કામ કરવા માટે મચી પડી છે સારી વાત છે નવી ટેકનોલોજીના સ્પર્શથી સંધર્ષ યાત્રા સિમિત બનતી જાય છે, કામને નવા રંગરૂપ મળે છે. જે પેઢિને કામ સાયકલરૂપી કાર્યમાંથી ફંટાવવાની છૂટ છે ત્યાં તેમના મનમાં ક્વોટાના બીજ વાવીને લાભ લણવા માટે આંબા બતાવવામાં આવે છે. વિચારસરણી સાથે જ્ઞાતિની ચ્વિંગમ જાણે દિવાળીમાં દિવાલો પર પ્લાસ્ટિક પેઇન્ટ ચોંટે એમ ચોંટી ગઇ છે. પાછી પાણીમાં લીલની જામી પણ ગઇ છે. આવા સમાજનું ચાલે તો ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગની જ્ઞાતિ પણ પૂછી આવે, બિલ ગેટ્સને પોતાની જ્ઞાતિના બ્રાંડ એમ્બેસેડર બનાવી દે, સ્પીલબર્ગને પોતાના સમાજની ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે આપી દે.

                                     ગાય (આ શબ્દ લખતા પણ બીક લાગે જાણે કોઇ જીવ દયા પ્રેમી તૂટી પડવાનો હોય) કાયમ સંવેદનાનો મુદ્દો રહ્યો છે એમ સમસ્યાઓની વિશાળતા વચ્ચે વિકાસ ત્યારે જ શકય છે જ્યારે જ્ઞાતિવાદના વિષના સ્થાને વૈવિધ્યનું વિટામીન વિચારમાં જમા થશે. દેશને જગતની હરોળમાં પ્રથમ આવવું છે પણ દેશવાસીઓને કંઇક આપવાની જગ્યાએ દેશમાંથી જ કંઇક લૂંટી લેવું છે. મહાસત્તા બનવાના વલખા મારવા કરતા માનવજાતે શિસ્ત પાલનની કેળવણી કેળવવી પડશે, પારકા રાષ્ટ્રનું કંઇક એડિટ કરીને પોતાનું કરવા કરતા સર્જનાત્મકતાનો સરવાળો કરવો જોઇએ, જ્ઞાતિવાદના સીમાડાને સાઇડમાં મૂકીને ક્રિએટિવીટી પર ધ્યાન અને ફલેક્સિબલ વિચારધારા અમલમાં મૂકનારા સમાજનો દેશના વિકાસ સાથે ગ્રોથ નિશ્ર્ચિત છે

આઉટ ઓફ ધ બોક્સઃ સારી અને સાચી વાતને સ્વીકારવામાં સમય નથી જતો એટલો સમય એને અમલમાં મૂકતા જાય છે


Sunday, August 28, 2016

ઇન્ડિયા ડીજીટલ અને ડેટા ક્રિટીકલ

                          
                         ટેકનોલોજીના વિશાળ સમુદ્રમાં હિલોળા લેતી સર્વિસ, વેબસાઇટ, પોર્ટલ, એપ્લિકેશન અને ડીવાઇસની અમાપ શ્રેણીએ માનવજીવનનો શારીરિક શ્રમ ઓછો કર્યો છે. જ્યારે દિમાંગી કરસર વધારી છે. ઇન્ટરનેટની જાદુઇ દુનિયામાં બદલતા ચિત્રોથી વ્યક્તિનું આઉટપુટ સોફ્ટકોપીમાં સમાયું ગયું છે, રોજમેળના ચોપડાઓ અને ખરિદી માટે વસ્તુઓની યાદી પણ હવે સિમેન્ટ ઇંટમાં ચોંટે એમ સ્ક્રિનમાં ચોંટતી ગઇ છે. પરંતુ, જ્યાં દસ્તાવેજોના દરિયાને ઓનલાઇન માધ્યમના વાળામાં બાંધવાની વાત છે ત્યાં ભારત માટે ડીજીટલ ઇન્ડિયાના પ્રોજેક્ટ કરતા પ્રોટેક્ટ ડેટાનું અભિયાન હવે અનિવાર્ય છે. સિસ્ટમમાં એન્ટિવાઇરસ રન કરાવવાથી વાઇરસ ફ્રી જરૂર થઇ શકેપણ ઇન્ટરનેટના પદડા પાછળ આપણી જ કોપીઓ ચોરાય, લીક થાય, સોશ્યિલ મીડિયામાં વાઇરલ થાય ત્યારે કોઇ વિસ્ફોટના અવાજ કરતા મોટો હોબાળો મચી જાય. દેશની સુરક્ષા પાંખો માટે ગૌરવ લેવા જેવું છે કે ગમે તેવા હુમલાને માત્ર જડબાતોડ જ નહીં પણ ટાંટિયાતોડ જવાબ આપવા માટે સશક્ત અને સક્ષમ છે. શાબ્દિક રીતે ઘા કરવામાં આપણા ભાષણપ્રેમી નેતાઓ જ કાફી છે.
               
                        સ્કોર્પિયો સબમરિનના દસ્તાવેજ લીક થતા સુરક્ષા પાંખની આંતરિક અવસ્થા પર સવાલોના મેધ વરસ્યા, સ્પષ્ટતા કરવી પડે એવી બબાલ થઇ ગઇ અને લીકેજના રેલાથી દેશનું ગૃહમંત્રાલયનું વાતાવરણ ભેજવાળુ થઇ ગયું. અતિ આધુનિક પ્રોટેક્શન સિસ્ટમ, એનેટોમી, સિસ્ટમ વર્ક ફ્લો,ફ્રિકવંસી, સ્પીડ, મોટર ફોર્મેટ, રડાર ડિટેક્શન, સેંસર, જીપીએસ, ગ્લાસ મટિરિઅલ્સ જેવા 50 થી વધારે પાસાઓના 25000 જેટલા પાના ફ્રાંસની નિર્માતા કંપનીમાંથી ચોરાયા અને દાવો ઓસ્ટ્રેલિયાના અખબારે કર્યો. એક બાજુ આપણો પાડોશી દેશ જંગલીની જેમ ફુંફાડા મારે છે એવામાં લીકેજ જેવા મુદ્દાઓથી તેને દોડવું હતું ને ઢાળ મળ્યો. જો કે મુશ્કેલી ઊભી ન થવાનો અને આ મુદ્દે પ્રહાર થવાની તક આડે કાશ્મીરનું વણઉકેલાયેલું કોકડું છે. સમસ્યાઓને ટાળવા કરતા તેનો ઉકેલ મહત્વનો છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, સબમરિનના ડેટા લીક થયા એમા ચિંતા જેવું નથી. ઓસ્ટ્રેલિયાના અખબારે સબમરિનની વેપનરી સિસ્ટમનો ઉલ્લેખ કર્યો નથી. પણ આટલી મોટી સંખ્યામાં દસ્તાવેજોના પાના લીક થાય ત્યારે દિલાસો અપાતા જ શકના સીમાડા દેશના ડીફેન્સ સેક્ટરમાં શરૂ થાય એ સ્વાભાવિક છે. આ એ જ ફ્રાંસ  અને ઓસ્ટ્રેલિયા છે જેની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી અને સુરક્ષાની વાત કહી હતી. આ ઘટનાથી હવે ફ્રાંસથી ચેતવા જેવું છે કારણ કે ચેતતો દેશ સદા સુખી. આપણો દેશ સાયબર હુમલાઓ માટે કાયમ સોફ્ટ ટાર્ગેટ રહ્યો છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ડેટા થેફ્ટ (ડેટા ચોરી)ની એક વર્ષની ફરિયાદનો આંકડો 700ને પાર છે. આ અંક સરકારી અહેવાલમાંથી છે. મુંબઇમાં શેરબ્રોકરની આખી પેઢિઓ સર્કિટનો ડેટા ચોરતી ઝડપાય હતી. વર્ષ 2014માં પાઇરસી પાછળના રીસર્ચમાં અને ડેટા ચોરીમાં મુંબઇ અવ્વલ નંબરે હતું.


                         ગુજરાતના ઊનામાં દલિતોને  ઢોર માર મારતો વીડિયો વાઇરલ થયો એ પહેલા તો લીક થયો હતો. પછી સોશ્યિલ મીડિયાના ઉછ્ળતા મોજા છેક દિલ્લી સુધી પહોંચ્યા. જેનાથી પ્રજાના વોટપ્રેમી નેતાઓ સંવેદના ભીના થયા. પાનામાં પેપર્સ પણ લીક થતા અભિનેતાઓના મનમાં ભૂકંપ આવ્યો અને સૌ પોતપોતાના મમરા મૂકવા (ટ્વિટ કરવા) લાગ્યા. શાહિદ કપૂરની ફિલ્મ 'ઉડતા પંજાબ' વિવાદોમાંથી મુક્ત થતા પૂર્વે સેંસર કોપી લીક થઇ ગઇ. આ ઓરિજીનલ કોપી હતી. નવાઝુદ્દિન સિદ્દીકીની ફિલ્મ 'માંઝી' રીલીઝ થવાના 10 દિવસ પહેલા લીક થઇ હતી. લો હવે બનાવો લીસ્ટ. ફિલ્મ 'બજરંગી ભાઇજાન', 'બ્યોમકેશ બક્ષી', 'પાપનાસમ', 'પા', 'તેરા ક્યા હોગા જાની', 'મહોલ્લા' જેવી કોન્સેપ બેઇઝ ફિલ્મો લીક થઈ જતા થતી રોકડીની નાવ થોડા સમય માટે કોઇ દરિયા તોફાનમાં સપડાઇ હોય એમ લાગતું હતું. ફિલ્મ પ્લેયર્સમાં જેમ સોનમ કપૂર ટ્રાફિસ સિગ્નલ સિસ્ટમમાં સરેઆમ ટેકનિકલી ચેડા કરીને વાહવવ્યહારમાં ભંગાણ પડાવે છે. ખરેખર કોઇ પણ સિક્રસી કે સિક્યુરિટી બ્રેક થવાામાં ફિલ્મ 'ઝમીન'માં જે રોલ સુબેદાર પુરીનો હોય છે એવો વાસ્તવિક રીતે કોઇનો હોય છે. જે સિસ્ટમમાં રહીને પૈસા આપતા ગુરુઓની ઇચ્છા 'પુરી' કરતા હોય છે. હાલમાં આવેલી ફિલ્મ 'રૂસ્તમમ' આવીને દેશની સત્યઘટના પરથી પડદો ખુલ્લો થયો. ખરેખર આવા કિસ્સાઓમાં જ નહી પણ અન્ય બનાવોમાં જેને કંઇક ખબર હોય છે તે જ પોતાના ખિસ્સા ભરવાની લ્હાયમાં ખોટને ખો આપે છે.

                        જેમ ઓનલાઇન સાઇટ માટે ભારત મોટું માર્કેટ છે એમ ડેટા ચોરી માટે એક હબ છે. દેશમાં નેટવર્કના ધાંધિયા વચ્ચે પોકિમેનને કોઇ શોધે એમ વાઇફાઇ અને નેટની સ્પીડ માટે વલખા મારતો એક વર્ગ પોતાના એકસેસ પાછળ ઘણુ બધું શેર કરતો રહે છે. નેટ ચાલુ થતા આપમેળે વહેતા આ ધોધને અટકાવવો કઠિન છે. જેમાં લોકેશન ટ્રેક, મોબાઇલ નંબર,ડેટા પેક, મોબાઇલ પીંગ, સર્ફ અને ડાઉનલોડ સુધીનો ડેટા સર્વિસ પ્રોવાઇડર સુધી પહોંચે છે. આ લખનારનું બેગ્રાઉન્ડ પર આઇટીનું છે એટલે આ આખી પ્રોસેસ નજરે નીહાળેલી છે. ટેકનોલોજીની રસપ્રદ અને રોમાંચક દુનિયામાં કોઇ ગુપ્ત માહિતી જાહેર થઇ જાય ત્યારે સવાલ એ પણ થાય કે ખરેખર જગતમાં સિક્રેટ છે શું? જો કે ટેકનોલોજીને ટેસ્ટ કરવા તૂટી પડતા હેકર્સ સમગ્ર સિસ્ટમનુું પરિક્ષણ કરે છે સારી વાત છે પણ જો ખરેખર ડીજીટલ સિક્યુરિટી આપવી જ હોય તો દુબઇ શહેરના એરપોર્ટ જેવી હોવી જોઇએ જ્યાં હાર્ટબિટ અને રેટિના (આંખ) સ્કેન સિસ્ટમ છે. તમારી મધુર વાણી ખોટું બોલી શકે પણ દરેક વ્યક્તિએ બદલતા ધબકારા અને આંખ નહીં. ચીનમાં ગુગલના સ્થાને પોતાનું એક સર્ચ એન્જિન છે એટલે ત્યાં કોઇ ચિતરી ચડે એવો કચરો પીરસાઇ એ સવાલ જ આકાર નથી લેતો. બેંકોક ભલે 'જલસા' કરાવા માટે જાણિતું હોય પણ ત્યાંના દરેક મોલ ફ્રિ વાઇફાઇ ધરાવે છે પણ તમારા સર્ફમાંથી જો કોઇ શંકાસ્પદ ડેટા તમારી નજરની અનુમતી સાથે પાસ થાય તો ત્યાં જ તમારી પૂછીપૂછીને ગંધ નહીં પણ શરીરના દરેક છિદ્રમાંથી પરસેવો નાછુટકે છોડાવી દે. આને કહેવાય ફેસેલીટી વીથ પ્રોપર સિક્યુરિટી.

                        ટેકનોલોજીની દુનિયામાં કરવા હોય એવા ચેન્જ થાય અને જોઇએ એટલા ચાન્સ પણ મળી રહે. કારણ કે ટેકનિકલી ભારતમાં આઇટી લો કોસ્ટ રિસોર્સથી મળી રહે છે. દેશના રેલતંત્રની વેબસાઇટ સાઇબર હુમલાથી ઘવાયેલી છે, ત્યાર બાદના લક્ષ્યાંક પર બેંકની વેબસાઇટ, પછી માર્કેટના ડેટાની ચોરી, મોબાઇલ રિચાર્જ સાઇટ, મોંધીબ્રાંડની ફ્રેંચાઇઝીઓ અને સરકારી વેબસાઇટ પર ટાર્ગેટ કાયમ હોય છે. દેશની 108 બિલિયનની આઇટી ઇન્ડસ્ટ્રિનો ડેટા ખૂબ મોટા રિસ્ક નીચે જીવે છે. ટ્રાફિક સિગ્નલ તોડનારા ઇન્ટરનેટ પરની સિક્યુરિટી તોડે આ વાતને પચાવવી અઘરી એટલા માટે છે કારણ કે આમ કરવું સહેલું નથી. ચોરી ત્યાં જ થાય છે જ્યાં કોઇને જે તે વસ્તુની 'પુરી' ખબર હોય છે. બસ માધ્યમ અને રસ્તા જૂદા હોય છે. દેશનું પ્રથમ સાઇબર પોલીસ સ્ટેશન બેંગ્લોરમાં છે ત્યારે સૌથી વધુ સાઇબરના ગુના ત્યાં જ છે જેની સંખ્યા ડબલ ડીજીટમાં તો નથી જ. ડીજીટલ ડેવલપમેન્ટ આવકાર્ય, સ્વીકાર્ય અને અનિવાર્ય છે પણ ગુપ્તતા ન રહે, ડેટાનો ડાટ વળી જાય અને ઘોર ખોદાય જાયે એવા વિકાસની કોઇ જરૂર નથી.

આઉટ ઓફ ધ બોક્સઃ ટેકનિકલી આધિનતા ક્યારેય ન આવવી જોઇએ કારણ કે મશીન કરતા સારા માણસોની દેશને સૌથી વધુ જરૂર છે.

Wednesday, August 24, 2016

મેળોઃ મોજ મસ્તી અને મીઠાશ

                             
                               તહેવાર અને ગુજરાતનો સંબંધ ખૂબ મજબૂત છે. નવરાત્રિ ગુજરાતની ઓળખસમો તહેવાર છે પણ જન્માષ્ટમીનો મેળો સૌરાષ્ટ્રના અનેક ઉત્સવોમાં આઇકોન છે. જો કે સૌરાષ્ટ્રના મેળાઓ અને મેળામાં સૌરાષ્ટ્ર બંન્ને ઉજવણીના માધ્યમ કરતા સ્નેહમિલનની સિઝન છે એમ કહી શકાય. જુલાઇ મહિનો તહેવારોની પા પા પગલી નો જ્યારે ઓગષ્ટે ઉત્સવોનું મધ્યાહન છે. મધ્યાહન વિશે અનેક વિચારોને શબ્દો મળ્યા છે. શ્રાવણ માસ એટલા ભાંગ ભભૂત અને ભસ્મના દેવનો મહિનો. સંહારક દેવના પવિત્ર મહિનામાં સર્જનહારે સૃષ્ટિમાં આંખો ખોલી. જાણે કુદરતને પણ આધ્યાત્મની સાથે ઉપાસના, ઉપવાસ તથા જપ-તપનું સિંચન કરવાનું હોય. શ્રાવણના ત્રીસ દિવસનું મધ્યાહન એટલે ગોકુળ આઠમ, તહેવારોનો ધમધમાટ, આરાધના સાથે નવી ઊર્જા અને શક્તિનો સંચય કરવાનો તરવરાટ.
તસવીર વિશ્ર્વાસ ઠક્કર
             રક્ષાબંધનથી શરૂ થતા પર્વમાં અષ્ટમીનો મેળો કેન્દ્ર સ્થાને છે. જો કે મેળાની મજા ખરેખર સૌરાષ્ટ્રના શહેરોમાં છે. અઠવાડિયા પૂર્વે શહેરને ધજા પતાકાથી સુશોભિત કરવામાં આવે જાણે આધુનિક યુગમાં વૈકુંઠ તૈયાર થયું હોય. પાંચ-છ દિવસ મેળાની મોજ સાથે પરિવારમિલન પણ થાય છે. ગુજરાત પંથકમાંથી સૌરાષ્ટ્ર બાજૂ જતી બસ, ટ્રેનમાં ચિક્કાર ભીડ માદરે વતનનો મહિમા સ્પષ્ટ કરે છે. ભાતીગળ મેળાની મજા ચકડોળથી લઇને ચાટ મસાલાની લારીના ખાનપાન સુધી માણવી જોઇએ. હૈયેહૈયુ દળાય અને રજા પડતા હરવા ફરવાના શોખીનોનો 'મેળ' પડી જાય. ઘણાને મેળામાં પણ મેળ થઇ જાય. વિદેશી રાઇડ્સની સિરીઝ વચ્ચે મેળાના ગીત માત્ર દાંડિયા રાસ પુરતા જ સિમિત રહ્યા છે. મેળાનો માનવજાત સાથે સંબંધ પાષાણયુગ જેટલો જૂનો છે. કૃષ્ણજન્મની વધામણી સાથે ભક્તિભાવ અને ભાવતા ભોજનીયાની મીઠાશમાં મોંધવારીની મિસરી દુધમાં સાંકરની જેમ ભળી ગઇ છે. બાકી તો લીસ્ટ બનાવવું પડે એટલા મેળા છે. અંબાજી શક્તિપીઠ સ્થાનકે ભાદરવી પૂનમનો મેળો, કારતક સુદ અગીયારસથી પૂનમ સુધી મોશ્ર્વોનદીના કિનારે શ્યામળાજીનો મેળો, કાર્તિક સુદ તેરસ, ચૌદસ અને પૂર્ણિમાના દિવસે સાગરકિનારે સોમનાથમાં મેળો, સિધ્ધપુરનો મેળો જેમાં ભાવિકો રાત્રે સ્નાન કરી નદીના પટમાં રાત્રી પસાર કરે છે. સસ્તુ ભાડું અને સિધ્ધપુરની યાત્રા.

              કહેવતની જેમ એક વાર માતૃશ્રાધ્ધનું મહત્વ ધરાવતી આ ધરાની યાત્રા એકવાર કરવા જેવી છે, ભાંગ, ભભૂતી, સાધુ બાવાઓના ખેલ અને રવાડીની રોમાંચક યાત્રા એટલે ગરવા ગીરનારના ખોળામાં આવેલા ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો, લ્યો આ લીસ્ટને હજૂ આગળ વઘારીએ...સૌરાષ્ટ્રની શાન સમા રાજકોટનો લોકમેળો જેમાં દરવર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે, માધવપુરનો મેળો, સુરેન્દ્રનગરના થાન પાસે યોજાતો ભાતીગળ સંસ્કૃતિના અપાર વૈવિધ્ય સમાન તરણેતરનો મેળો, અમદાવાદ જિલ્લાના ધોળકામાં યોજાતો વૈઠાનો પશુમેળો, દેશમાં સૌથી મોટો પશુમેળો રાજસ્થાનના પુષ્કરતીર્થમાં ભરાય છે પણ વૈઠાના મેળામાં ગધેડાઓનું પણ પ્રદર્શન કરવામાં આવે છે, ડાંગમાં હોળીના દિવસોમાં આદિવાસીઓનો મેળો, ફાગણ વદની ચૌદસે સાંબરકાંઠાની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ગુણભાખરીનો કહેવાતો મેળો, પંચમહાલમાં હોળી પછીની પાંચમ, સાતમ કે બારસના દિવસે યોજાતો ગોળનો મેળો જેમાં એક માંચડો તૈયાર કરીને ગોળ ભરેલી પોટલી સુધી વિધ્નો પાર કરીને પહોંચવાનું હોય છે, ઊંઝાથી નજીક પુષ્પાવતી નદીના કિનારે ચૈત્ર સુદ સાતમના દિવસે હરસિધ્ધી અને આગીયા વીર વૈતાળનો લોકમેળો, ફાગણ વદ દસમ અને અગીયારસના દિવસે મહેસાણામાં પાલોદર ખાતે ચોસઠ જાગણીઓનો મેળો, વીસનગરના વાલમ ગામે ગાડાને શણગારીને હાથિયાઠાઠું બનાવવામાં આવે છે જેને હાથિયાઠાઠુંના મેળાથી ઓળખવામાં આવે છે, ચૈત્રી રામનવમીથી તેરસ સુધી ચાલતો પોરબંદર પાસે આવેલા માધવપુરઘેડનો મેળો, ચૈત્રી પૂનમે બહુચરાજીમાતાનો પ્રાગટ્ય ઉત્સવ હોવાથી તે બહુચરાજીના મેળાથી ઓળખાય, જન્માષ્ટમીએ ડાકોરમાં રણઠોડરાયનો મેળો, આ કુલ મળીને ગુજરાતભરમાં 1521 જેટલા મેળાઓ ભરાય છે જેમાંથી 800 જેટલા મેળાઓ સૌરાષ્ટ્રની ધરતી પર યોજાય છે, જે દરેક મેળાનું સામાજિક અને ધાર્મિક મહત્વ છે. પુરાણોની કથા જોડાયેલી છે. હા, આ તમામ મેળામાં 'ફન' છે પણ 'ફનફેર' કહેવાતો નથી.

                              જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ માટે ભલે ગમે તેટલું મોટું ગેટ ટું ગેધર ગોઠવાય પણ મેળા જેવી માસુમિયત નથી, મેળામાં મળ્યા હોય એને ખ્યાલ હશે કે તે મિલનની વેળા જીવનભર યાદ રહી જાય અને જેવી સાતમ આઠમ આવે ત્યારે એ યાદ મીઠાઇ પર સોનાના કે ચાંદીના સ્વાદિષ્ટ વરખ ચડે એમ  તાજી થાય. મોલ અને મલ્ટિપ્લેક્સના યુગમાં રૂકરૂકખાન કે સલિયા ફિલ્મ ભલે રીલિઝ થાય પણ લોકમેળાનું સૌદર્ય ઓછું થયું નથી. સૌરાષ્ટ્રના દરેક નાના મોટા નગર નદી કિનારે વસેલા છે. એ નદીના પટમાં મેળાનું આયોજન થાય છે પણ હવે ધીમે ધીમે પટ બંધ થતા ગયા અને મેળાઓ બીજા ખસતા ગયા. મેળામાં જેટલી સુરક્ષા હોય છે એટલી સુરક્ષા નદીઓની અને તેમાં સાફ સફાઇ માટે શ્રમયજ્ઞ કરવામાં આવે તો મેળાની રોશનીથી આસપાસની નદીઓ પણ દીપી ઉઠે. આ વખતે દહીંહાંડીમાં કોઇ બાળગોપાલ મટકી ફોડતા જોવા નહીં મળે, આ પણ એક મેળો જ છે ને? ખરેખર તો દ્વેષની મટુકી ફોડીને સંપ-સહકારનું ગોરસ વહેચાવું જોઇએ. પરંતું, 'હું' પણાનું જામી ગયેલુ પળ પલડતું નથી એટલે જ શ્રાવણની સાતમ આઠમ 'રમવાની' અને 'રમાડવાની' ઋતુ બની ગઇ છે. આ તમામ મેળાઓમાં વૈવિધ્ય જોવા મળે અને દરિયાની વિશાળતા કરતા પણ મોટી મોજ આવે. મૂડ બદલે એ મેળો. કોઇ પણ તહેવારની એક મીઠાશ હોય છે જેને ચાખવા માટે તહેવારને દિલ ખોલીને માણવો પડે, મોબાઇલ, ટિવી કે ટેબલેટની સ્ક્રિન પર જોઇને તેનો અહેસાસ ન થાય, મેળા સાથે સાહસ, સૌદર્ય અને સૌપણું જોડાયેલું છે, નટના ખેલ, મોતના કુંવા અને મદારી સાપના ખેલ સાથે સાહસ છે જ્યારે મેળામાં પ્રવેશ કરતી વખતે વાંસની વાસલડી વગાડનાર ભલે અબુધ કે અભણ હોય તેની ફૂંકમાંથી નીકળતા સૂરમાં એક સૌદર્ય છે અને પરિવારના તમામ લોકો મેળામાં જાય તેમાં સૌપણું છે

આઉટ ઓફ બોક્સ
આનંદની અનુભૂતિ કરાવે એ તહેવાર અને તહેવાર એટલે ટ્રેડિશન પ્લસ ઇમોશન.

Wednesday, August 10, 2016

ગાય- મૌન તોડાવે અને મત અપાવે

                 કોઇ એમ કહે કે ગાય દૂધ આપે છે. સાચી વાત છે પણ હવે તો ગાય મત પણ અપાવે છે. ગાયના નામે ચાલતી તકરારના તણખા દેશની સાંસદમાં એવા થયા કે ગુજરાતમાં એક પોલિટિકલ ટુરની સિઝન આવી. નેતાઓ મફતમાં મત માંગી જાય છે અને લઇ જાય છે. પણ હવે તો ખાદીધારીઓ અને મફલરધારીઓ મફતમાં ચા પી જાય છે જો કે આપણા દેશમાં લુખ્ખેશ લોકોની કમી નથી. જ્યારે સત્તા અને સમય સાથ આપતો હોય ત્યારે ગાંડા પણ રાજા બની જાય એવામાં  જ્યારે સુટબુટવાળી સરકારને એક સપ્તાહના અંતે સમય મળે છે ગાયના વિવાદિત મુદ્દાને ઉકેલવાનો. પોતાના રાજકિય હિત માટે કંઇ પણ રીત લડી લેનારાઓ દિલાસો આપવા અને રોકડની લ્હાણી કરવા થનગનતા હોય છે પણ જેને આવી બદમાશી, લુચ્ચાઇ, લુખ્ખાગીરી અને રાક્ષસી વર્તન કર્યુ એના ડામ પર મીઠું તો છાંટો. કડક સજા અને ત્વરિત નિર્ણયથી બનેલી વસ્તુ ફરી થવાની નથી પણ પુનરાવર્તન ન થાય એ માટે પણ એક ઉદાહરણ જોઇએ. જીવનના વણાંકને સીધા કરવામાં જેટલો સમય વીતે છે. એટલો સમયે કોઇને સમજવામાં અને સમજાવવામાં પસાર થાય તો તીવ્રતા હળવી થઇ જાય. ઊનાકાંડ પર ચાબખા મારીને વહેતી ગંગાને ચાખનારા આસ્થા અને શ્રધ્ધાની વાત કરે ત્યારે નવાઇ લાગે.
               
         ઘટના બની જાય  અને દિવસો પસાર થતા પરિસ્થિતિ લીલની જેમ જામી જાય પછી એના પરથી કોઇ લપસે નહીં તે માટે 'લોકનેતા' 108ની જેમ દોડી આવે. બિચારી ગાયનો પ્રભાવ કંઇ ઓછો થોડી અંકાય? ગાયના છાણમાંથી ખાતર બને અને ખુરશી પણ જાય. મૌનપ્રિય પીએમ મોદીને પણ ઊનાની ઘટનાના 22 દિવસ બાદ ગોરક્ષોકોની ગુંડાગીરી સામે માત્ર આંખ લાલ કરવાનું યાદ આવે. આ મૌન તૂટે અને મામલો છૂટે.હ્દયની સાંત્વનાથી સંવાદ સુધીની ઘટના પાછળ વોટનો હેતુ સ્પષ્ટ છે. પક્ષ કોઇ પણ હોય આવો મુદ્દો પડતો ન જ મૂકાઇ. જેમ દેશમાં ઋતુચક્ર યથાવત છે  તેમ સમસ્યા અને સવાલોની પરંપરા કાયમી છે. દાદરીની ઘટનામાં પણ ગાયના માંસની વાત હતી. ઊનાની કહાનીમાં પણ ગાય હતી. વરસાદ ખેંચાતા ગાયના ઘાસચારા માટે પણ માછલા ધોવાય પણ હવે થોડું પ્રેક્ટિકલ જોઇએ. ચા-પાન અને રેંસ્ટોરના બિલ કાઉન્ટર પર ગાયની આકૃતિમાં બનેલી પીગી બેંક (જેમાં એકવાર પૈસા નાંખ્યા બાદ બાહર ન આવે) જેવી વસ્તુઓમાં ગાયપ્રેમીઓ પૈસા-રૂપિયા નાંખિને ગાયના નામે ગચ્છનતી થઇ જાય પણ શું ગાયનું પેટ રકમથી જ ભરાઇ? ગૌશાળાની પ્રવૃતિઓમાં આધુનિકતાની અગરબત્તીની સુવાંસ ફેલાવવાની જરૂર છે. વિદેશમાં કોઇ ગૌપ્રેમી નથી એવું નથી. જેમ માણસની સોસાયટી, માછલીઓ માટે પાણી, સરીશ્રૃપ માટે દર તો પછી ગાય માટે એક ઘર જોઇએ. શિસ્ત અને સંસ્કૃતિની વાત કરનારી સંસ્થાઓ ગાયના નામે મૂકાયેલી પીગીબેંકના નાણાનું શું થાય છે એની તપાસ તો કરો.


                       જો આટલી બધી સંખ્યામાં ઘણી બધી જગ્યાએ આવી બેંક મૂકવામાં આવી હોય તો, નાણાની સારી એવી આવક થતી હોય તો ગાય જીવે ત્યાં સુધી ભૂખે ન મરે એ વાત સ્વીકારવી પડે. પરંતુ કોઇ પણ સંસ્થાએ 'વહીવટ' કરવો પડે. કોહવાઇ ગયેલી ગાયના નિકાલ માટે થતી પ્રવૃતિમાં વટ પાડનારા ભડવીરોને રોકવા જોઇએ. જેથી આવું જોખમ ભરેલું કામ કરનારાને કોઇ માર ન પડે. ભુંડ જેવી માનસિકતામાંથી જીવદયાના બિઝનેસમેન ગાય માટે વૈજ્ઞાનિક અભિગમ વિચારે. કોઇ પણ કોન્સેપને અપનાવવામાં આપણે એટલું મોડું કરીએ છીએ કે સમયના વિલંબમાં આખો દરિયો સમાય જાય. વાતમાંથી વિવાદ થતા વાર નથી લાગતી. ગાયના માંસને લઇને કેન્દ્રમાં સળગેલા મુ્દ્દાને ગુજરાતે ઇંધણ પુરુ પાડ્યું. જેનાથી નેતાઓના વિમાન ગુજરાત બાજું ઊડ્યા. દેશભરમાં ગૌરક્ષાની પ્રવૃતિ ચલાવી રહેલા નરવીરો મોટાભાગે કોઇ દળ અને પરિષદના વતની હોય છે. ચૂંટણીમા ચટણી મળે તે માટે ઉમેદવારોની જીત માટે જીતની હાંકલ કરનારાઓ પણ આવા નવરેશ હોય છે. લુખ્ખાનું લુખ્ખેશ અેમ નવરાનું નવરેશ. ખરેખર તો ગાયના નામે રાજનીતિ અને ગૌરક્ષાના નામે ભાયગીરી બંધ થવી જોઇએ. અંતે મરો તો આમ જનતાનો થાય છે. જશખાટું જભ્ભાધારી અને કોટીધારી મામલાના ઘીને વાઢીમાં નાંખીને વાહ....વાહ... કરાવી જાય છે. જેની અસર અર્થતંત્રને થાય છે. વર્ષોથી સંપીને જીવનારી, 'ડર્ટી જોબ'ને પણ દિલથી કરનારી પ્રજાના કામને કોઇ દુશાસને ડહોળી નાંખી. સમાજમાં થતા પાર્ટીશન અંતે નેતાઓને નડવાના.

          ગાય અંગેની માન્યતાઓના સુંડલા ભરાય એટલી વાતો છે. કેટલાક વૈજ્ઞાનિક તથ્ય અને વૈશ્ર્વિક સત્ય પર એક નજર કરીએ. સ્વિત્ઝરલેન્ડમાંથી છપ્પનની છાતીથી કાળુંનાણું લાવવાની વાત કરનારાને કદાચ ખ્યાલ નહીં હોય કે સ્વિત્ઝરલેન્ડનું રાષ્ટ્રિય પ્રાણી ગાય છે. જ્યાં સો ટકા ગાયનું દૂધ (પાણી જવું નહીં) પીવાય છે. ગાય માટે એક આખું ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે જે મુખ્ય સિટીની બાહર છે જેથી શહેરમાં ગાયના પોંદરાની ખુશ્બુ ન આવે. સમગ્ર યુરોપમાં ગાયનું દૂધ પીવાય છે. ડેનમાર્કમાં સૌથી વધુ દૂધની આઇટમ બને છે. આપણા દેશના સ્વીટ હાઉસ જેવા ઉત્પાદન નહીં. પોલીથીનમાં દૂધ માત્ર ભારતમાં જ મળે છે. લંડનમાં દૂઘની ગુણવત્તા પર સરકાર મહોર મારે પછી જ વેંચી શકાય છે. અમેરિકામાં દૂધની બનાવટને ફરજિયાત ત્યાંની ફુડલેબનું પ્રમાણપત્ર લેવું પડે છે. ગાયના નામે ચરી ખાવાના બદલે આ દેશની કક્ષા સુઘી પહોંચીએ તો પણ સારૂ. હકિકતમાં દેશની અબુધ પ્રજાને ડોબા નેતાઓ કરતા સારા શિક્ષકની જરૂર છે

Sunday, August 07, 2016

કડવાશને ક્રેશ કરીને હળવાશ આપે તે મિત્ર

                 માણસના જીવનમાં વ્યવહારની સાયકલ અને વિશ્ર્વાસની બોટ કાયમ આગળ ચાલતી હોય છે સમુદાયમાં શ્ર્વાસ લેતો માણસ પોતાની ઉત્પતીથી સંગાથમાં રહેવા ઘડાયેલો છે. આદમ અને ઇવ બે જીવ. પછીથી સમાજના વિશાળવર્ગની રચનામાં એકથી વધુ અને વધુમાં એક એવા સંબંધોના શ્રીગણેશ થયા. બે વ્યક્તિ વચ્ચેના બોલવા-બોલાવવા, ખાવા-ખવડાવવા અને લેવા લઇ જવાના પરસ્પરના પૂલને ઘણા સંબંધના ટેગ લાગ્યા. પણ ઇલેક્ટ્રિકના વાયર અને ઉપકરણમાં અર્થિગ આવેને ટેસ્ટરમાં લાઇટ થાય એમ વર્ષો બાદ જેને જોઇને મળીને અને ભેંટીને એમ થાય કે યાર મોજ પડી ગઇ તે મિત્ર. મિત્રતાના સંબંધની ધણી ખરી દ્રશ્ટિને શબ્દો મળ્યા છે ત્યારે તેને ચોક્કસ અને બીબાંઢાળ વ્યાખ્યામાં બાંધી ન શકાય. છતાય ઇન્ટરનેટના વિશાળ દરિયામાંથી ગળે ઉતરે અને પચી પણ જાય તેવા ક્વોટની શ્રેણીમાંથી કેટલીક ચૂંટી કાઢેલી લાઇન્સ. મિત્ર એટલે જેને વારંવાર મળવાનું મન થાય, મિત્ર એટલે જે તમને જોઇને સૌથી વધુ ખુશ થાય, તમારી સફળતામાં સમસ્યા ઊભી કરવાના બદલે સામેથી સેલ્યુટ કરે, ઇર્ષા કરવાના બદલે આલિંગન આપીને સમજાવે, તમારી સાથે વિડીયો ગેમ કે અન્ય રમત રમે પણ તમારી પાછળ કે ઉપર ક્યારેય રમત ન રમે.
                   શાળામાં યુનિફોર્મની ચડ્ડી પહેરીને રિસેસમાં એકબીજાના ડબ્બામાંથી મન ભાવતો નાસ્તો બુકડાભરીને ખાવાનો આનંદ હતો જે આજે કોર્પોરેટ કંપનીની કેંટિગમાં સાથી મિત્રના ટિફિનમાં "થોડું વધારે લાવજે" એમ કહીને સંતોષ માનવો પડે. વાણી અને વર્તનથી પરખાતો માણસ તદ્દન વિરુધ્ધ સ્વભાવના વ્યક્તિની જિંદગી સાથે જોડાઇને જીવન વીતાવે છે એટલે દોસ્તી લગ્નજીવનમાં પણ હોય છે સપ્તપદીના વચનો પૈકીનું એક 'સપ્તમે સખા ભવ' મારા મત પ્રમાણે આ વચનને સૌથી પહેલા સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. કારણ કે વિજાતીય જીવ સાથે આકર્ષણની પ્રથમ ઇંટ તો મૈત્રી જ હોય છે ને? કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેના સંવાદમાં દ્રૌપદી કેશવ સામે હળવી થતી જણાય છે. મુક્તમને વાસુદેવના ચિત પર વિશ્ર્વાસના કાગળ મૌનની ભાષામાં લખે છે સામા પક્ષે શ્રેષ્ઠસારથી સંયમ જાળવીને અને લાજ સાચવીને સ્વરૂપ બદલીને સાથ નિભાવે છે. આ સંસ્કાર આપણને શાસ્ત્રો શીખવી ગયા. પરંતુ, આગળીના ટેરવાથી મોબાઇલની બારીમાં ફસાયેલી આજની પેઢિ જેમ દરિયામાં મરજીવા મોતી શોધે તેમ તક શોધવામાં મચી પડી છે. ઘણા ઉપરી અધિકારીઓ જાહેરમાં દોસ્ત કહીને પાછળથી પોતાની જ ટીમના ખેલાડીઓ સાથે પક્ષપાતી વલણ દાખવતા હોય છે જેની ગંધ બીજાને નથી આવતી પણ આગ જે તે વ્યક્તિને દઝાડે છે. અહીં વાત એક કોંન્ટ્રાંસની છે બાકી લાગણીના ખોટા વજનીયાથી હાથ મિલાવતા અને કાયમ તર્ક સાથે આગળ વધતા લોકો કાયમ અંદરથી એકલા જ હોય છે.

           દુનિયાદારીનું ભાન થાય અને જવાબદારીનો ભારો આવે એટલે મેચ્યોર થઇ જવાય અને સમય સાથે થવું પણ જોઇએ. આ મેચ્યોરિટીમાં મજા કરાવે તે સાચો મિત્ર. મિત્ર શબ્દ પહેલા 'સાચો' એટલા માટે લખવું પડે છે કારણે ખોટાનું તો મફતમાં માર્કેટિંગ થાય છે. યારીને ફોરવર્ડ કરીને પોતાની સાથે નવી કડી જોડવા કરતા શાળાની રિસેસમાં મળતા મિત્રોની ટીમમાંથી દરેકનો મેળો ન કરી શકાય? ટુંકમાં ગેટ ટું ગેધર.60ની બાજુ ઢળતી ઉમરે સમજણા થયા ત્યારનો એક મિત્ર મળે તો નસીબદાર કહેવાઓ. જરૂર બસ એક ટેકાની હોય છે. ક્યારેક હું પણાને મજબુત કરવામાં મિત્રતા તૂટતી હોય છે જેનું ભાન ત્યારે જ થાય છે જ્યારે અરમાનોના કાચ પર ગોફણરૂપી ઠોકર લાગે. કોઇ પણ ફ્રેન્ડશીપની ઇફેક્ટ કરતા ઇમ્પેક્ટ મહત્વની છે જેની દુંનિયા નોંધ લે છે, ગુગલના નામથી આજે કોઇ અજાણ નથી. તેના સ્થાપક લેરી પેજ અને સર્જી બીન બંન્ને ખાસ મિત્રો. અલીબાબાડોટકોમ ચીનનું પ્રખ્યાત વેબ પોર્ટલ. આ સાઇટના સ્થાપક એટલા જેકમા. આ બંદાએ પોતાના ચાર મિત્રો સાથે મળીને આ વેબસાઇટ બનાવી. જેકમાની એક ખાસ વાત નોંધવા જેવી છે કે આ વેબસાઇટ નાણા વગરના નાથિયા કહેવાતા મિત્રોએ તૈયાર કરી છે આજે કલાકમાં કરોડોની કમાણી કરે છે. વોટ્સએપ કોણ નથી વાપરતુ?? આ ટચુકડી પણ લોકોને ઘેલા કરતી એપ્સના પાયામાં પણ બે મિ્ત્રો છે. જેન કોઉમ અને બ્રિયાન એક્ટન. રિસેશન (છટણી)નો શિકાર બનેલા આ  બે મિત્રો પાસે એક વર્ષ સુધી કોઇ કામ ન હતુ,

                      એક એવી કંપનીમાંથી છુટા પડ્યા જેને સાબિત કર્યુ કે ચતુર કાગડો ઉકરડામાં બેસે. એ કંપની એટલે યાહું. જે તાજેતરમાં વેંચાઇ ગઇ. એસ્સારથી કોણ અજાણ હશે? એસ એટલે શશિન રુહિયા અને આર એટલે રવિ રૂહિયા. ભાઇઓ કરતા મિત્રો વધુ ગાઢ અને બેસ્ટ. એપલના આઇફોન પાછળ ગાંડી 'તિતલીઓ'ને કદાય ખબર નહીં હોય કે અડધા ખાધેલા સફરજન પાછળ બે ભેજા છે. આમ તો ચાર કહી શકાય કારણ કે એક માણસના બે મગજ હોય ને? સ્ટિવ જોબ અને સ્ટિવ વુઝનેક. ડિઝનીલેન્ડ વન્ડર પાર્ક બે મિત્રોના દિમાંગની પેદાઇશ છે. વોલ્ટ ડિઝની અને રોય હાર્લિ ડેવિડસન ગ્લેમર અને રોડ પર વટ પાડતા બાઇક હાર્લી વિલિયમ અને અર્થુર ડેવિડસનના સ્માર્ટ માઇન્ડની ઉપજ છે. બંન્ને બાળપણના પાક્કા ભાઇબંધ. એચપી કંપનીની કેટલી પ્રોડક્ટ માર્કેટમાં છે અને તમને કેટલી યાદ છે.? બનાવો લીસ્ટ. પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક, પ્રોસેસર....બિલ હેવલેટ અને દેવ પાકર્ડ આ બંન્ને મિત્રોએ દુનિયાને એક એવી વસ્તું આપી જેમાં કરોડો રૂપિયાનો ડેટા અહીંથી ત્યાં વગર વીજળીએ કે બેટરીએ ફેરવી શકાય. પેન ડ્રાઇવ તેનું છેલ્લું ઉત્પાદન પણ જાણીને નવાઇ લાગશે કે આ બંન્ને ભેજાઓએ મળીને એક ઓડિયો ડીવાઇસ બનાવ્યું હતુ જેને ખરિદનાર પ્રથમ ગ્રાહક વોલ્ટ ડિઝની હતા. શોક લાગ્યો ને. આવી યાદી ઘણી લાંબી છે બીજી વાર વાત

Wednesday, August 03, 2016

વિદાય કાયમ વસમી જ રહેવાની


                કોઇ પણ વસ્તુ હોય કે વ્યક્તિ તેની એક અવધી નિશ્ચિત હોય છે. સિમકાર્ડમાં બેલેન્સ અને બેલેન્સના કાર્ડની પણ એક વેલિડિટી હોય છે. આ વેલિડિટી પહેલા છોડી દેવામાં આવતી પ્રવૃતિને નિવૃતિનું નામ આપવામાં આવ્યુ છે. રાજકિય ક્ષેત્રે મસમોટી પ્રતિભાને પણ પડકારમાંથી પાસ થવુ પડે. રાજ્યના વાતાવરણમાં ભલે ટાઢક થઇ ગઇ હોય પણ રાજકારણમાં છેલ્લા બે મહિનાથી ગરમાવો વધતો જાય છે. એવામાં સીએમ આનંદીબેન પટેલના રાજીનામાથી ઉષ્ણાતામાન એટલું વધ્યુ કે તેની વસમી વરાળ ભરચોમાસે દિલ્લી સુધી પહોંચી ગઇ. ઓગષ્ટ મહિનાના પ્રથમ દિવસના 24 કલાકને અધૂરા રાખીને બેન હવે 'ઓફિશ્યલ' રિટાયર્ડ થયા છે. સમય સાંજનો હતો પણ પક્ષમાં અમાસની રાત હોય તેવો માહોલ હતો. ધણા સમયથી બેનની વિદાય અપેક્ષિત  ચર્ચાતી પણ એકાએક થઇ જતા રાજકીય ધરા ઘ્રુજી  ઊઠી છે. જો કે આ બાબતે સંકેતો હતો પણ સ્પષ્ટીકરણ અને સત્તાવાર જાહેરાત બેને ડીજીટલ ઇન્ડિયાને ટેકો આપતા હોય એમ કરી.
             
        ગુજરાતના પ્રથમ મહિલા સીએમ ફેસબુક પરથી રાજીનામુ આપનાર પણ પ્રથમ સીએમ રહ્યા. વિદાય વેળાએ પોતાની ઉમરનો હવાલો નાંખીને પોતાનો સંદેશો આપ્યો. આ સમગ્ર ઘટના વચ્ચે શાંતિની અપીલ કરતી ચેનલો સંયમ જાળવવામાં સફળ ન થઇ. ટીવી ચેનલો વચ્ચે પહેલા હું, પહેલા હું અને જાણે રેટ રેસ થઇ હોય એવો માહોલ જોવા મળ્યો. વિદાયમાં પણ ચેનલોનું એગ્રેશન? વિચારવા જેવો વિષય છે. રાજીનામા પાછળના પરિબળોમાં અનેક મુદ્દાઓની હારમાળા અને નિર્ણય લેવામાં બેનની ખરડાયેલી છબીની સાથોસાથ નીડર નેતૃત્વનું પાસુ પણ કેન્દ્ર સ્થાને રહ્યું. ઇતિહાસના પાનાઓને જોડીએ ત્યારે સરદાર પટેલને બાદ કરતા કોઇ પાટીદાર મુખ્યમંત્રીનો નેતૃત્વકાળ શાંતિપુર્ણ રીતે સંપન્ન થયો નથી.ચીમનભાઇ પટેલ, બાબુભાઇ, કેશુબાપા અને આનંદીબેન આ તમામ લોકોએ સત્તાને અધવચ્ચેથી છોડી દીધી. પરંતુ, બેનના કાર્યકાળમાં કૌભાંડ, તોફાન અને આંદોલનના લીધે તેઓ વિશાળ વર્ગ વચ્ચે વડોખાયા તેમજ તરછોડાયા. આ ઘટનાઓની અપાર તીવ્રતાના લીધે સીએમના શ્રેષ્ઠ પર્ફોમન્સ પર વિરોધનું મેલું પાણી ફરી ગયું. જેના લીધે પ્રજાલક્ષી વિકાસની સુંવાસ મર્યાદિત બગીચા સુધી જ રહી.

               ભાજપની માતૃસંસ્થાની વિચારધારા  ધરાવતા નેતાઓની અસરથી એકસુત્રતા લાવવા પ્રદેશ પ્રમુખની વરણી થઇ. શાસકપક્ષમાં આતરિક વિખવાદ અને વણસેલા સંબંધોની વણઝાર બહુ જૂની છે. વાસ્તવિકતા એ પણ છે કે વ્યક્તિની 'લોબી'ઓના લોબિંગની રેસમાં આનંદ હણાયો. જૂથવાદ, ટીમવર્ક અને ગમા અણગમા વચ્ચે માનસિક શાંતિનો ભોગ લેવાયો આ વાત નક્કી થઇ ગઇ. આ ઉપરાંત પક્ષને વિજયરેખા સુધી પહોંચાડનાર વર્ગે બેન માટે મુંઝવણ અને મુશ્કેલીના પથ્થરોનો એવો મજબુત સેતું બાંધ્યો કે જે અંતે વિદાયના દ્વારે ખુલ્યો. મહિલ સશક્તિકરણ, બાળ કલ્યાણ, મા અમૃતમ યોજના, 50 ટકા મહિલા અનામત, મેટ્રો રેલ પ્રોજેક્ટ, આંગણવાડી મહિલા કલ્યાણ યોજના, આવાસ યોજના અને નર્મદા નીરને સૌરાષ્ટ્ર સુધી વહેતી કરતી યોજનાઓમાં બેનની કામગીરીની ભાગ્યે જ નોંધ લેવાઇ. જે ખરેખર પ્રશંનીય હતા.

                સતત અને સખત તુલનાઓના તીરથી બેનનું શાસન વિધાંતુ રહ્યું,. જ્યારે વિપક્ષને ક્રિકેટ જેવડું મેદાન મળ્યું. વિધાનસભા 2017માં કમળની પીએમના ઘરમાં શાખ સાચવવા હવે શું? બાજ નજરે વિહંગાવલોકન કરીએ ત્યારે હવે પડકાર મોટા અને સમય ઓછો જેવી રેતઘડી ચાલવા નહીં પણ દોડવા માંડી છે. હવે એક તરફ યુપી અને બીજી તરફ ગુજરાત, એકમાં ગઢ બનાવવાનો અને બીજામાં ન માત્ર સાચવવાની પણ  મજબુત કરવાની કવાયત. ચોતરફ વિકાસની વાવણીમાં ડહોળાયેલી શાંતિથી ખટપટની બીયારણનું વાવેતર થયું હવે કોણ? અને હવે શું? વચ્ચે પ્રથમ પ્રજા પક્ષ અને પરિણામલક્ષી પગલા સરળ તો નથી જ. લાંબા સમયની અટકળોના અંતથી લોઢા જેવી બનેલી સ્થિતિના ચણા ચાવવા જ નહી પણ સારી રીતે પચાવવા પડશે. જેમાં જેટ વિમાનની ગતિએ જીતનો જલસો નહી થાય. કારણ કે સમાજ અને વોટ રાજનેતાની કેરિયર બનાવી શકે અથવા બગાડી પણ શકે. આ રાજકીય સ્ટંટનો અવસર નથી સાથે અંગતહિતની બાદબાકી પણ નથી. તેમજ મોજના ફુવારા ફૂંટે એવો સંજોગ પણ નથી. આંતરિક સંકલન, સંચાલન  અને મુલ્યાંકન નવા આવનારા મુખ્ય પદાધિકારીની પરિક્ષા કરશે. ચોમાસું ખેંચાતા કિસાનોને તૃપ્તિ મળે અને પ્રજાને હાશકારો થાય એવા બે મુદ્દાને હાથમાં લેનારાએ ભુતકાળની હસ્તરેખાને જોઇને ચાલવું પડશે, નારાજગીથી અને રસ હોવા છતા પ્રગટેલી નીરસતાની સપાટી ઉપસી આવી. ગુજરાતમાં અત્યારે ભલે રંગ બદલાય પણ જંગ 2017માં થશે. મતયુધ્ધમાં મુખ્યમંત્રીનું ટયુનિંગ અને રેપો કામ કરવો જોઇએ જે આનંદીબેનમાં ક્યારેય જોવા ન મળ્યું. 

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...